કાંગરી – આરોહી શેઠ

બારામુલ્લા શહેરથી થોડે દૂર આવેલા જલશેરી ગામની લશ્કરી છાવણીમાં બે ફૌજી જમી રહ્યા હતાં. આજે પણ એ જ દાળ અને સૂકી રોટલી જોઈને નાયબ સુબેદાર અજય સિંઘ અને સુબેદાર દલબીર સિંઘની આંખોમાં પાણી ધસી આવ્યાં. બંને જણાં પોતાનાં ઘરના ભોજનનો સ્વાદ યાદ કરીને કોળિયા ગળા નીચે ઉતારવાનો બનતો પ્રયાસ કરી રહ્યા હતાં.

અચાનક ઝરદાની સોડમ છાવણીમાં પ્રસરી ગઈ. કેપ્ટન કરન રાજપૂતને પોતાના બંને મિત્રોના ચહેરા પરની ઉદાસી સમજતાં વાર લાગી. તેમણે ઝરદો બંનેની થાળીમાં પીરસત્તા શાયરાનાં અંદાજમાં પોરસ ચડાવતા કહ્યું,

અબ ઉન હાથોંકા ઝાયકા યહાં કહાં જનાબ,
હમારે લિયે તો બસ યહી વાદી,યહી ચિનાર.
બહા દેંગે સરહદોં પર જેહલમકા પાની,
બેહ રહા હૈ જો રગો મેં લહુ બન કર.  

‘ઈર્શાદ’ અને પછી ‘વાહ ક્યા બાત..’ કરતા ત્રણેય જણાં હળવાં થઇ ગયાં. ઝરદાની મીઠાશની પાળે જાણે આંખોના ઘુઘવાતાં ખારા પાણીને રોકી લીધાં હતાં. ત્યાં તો અચાનક એક ખબરી હાંફતો આવ્યો અને એક જ શ્વાસમાં બોલી ગયો, “ગાંવ પે હમલા હોનેવાલા હૈ સાહબ, આર્મી બુલવા લો, વક્ત બહોત કમ હૈ ઔર હમલા બડા લગતા હૈ”

કેપ્ટન સુન્ન, અજયસિંઘને આજુ-બાજુની છાવણીઓને અને આર્મી હેડ-કવાટર્સ  જણાવવાનો અને આર્મી બોલવાનો આદેશ આપ્યો પણ તેને પણ  પહોંચતાં સહેજેય ૨૦-૩૦ મિનિટ તો થઇ જ જાય. તેમણે એરફોર્સને પણ જણાવી સાબદું રહેવા માટેનો ઓર્ડર આપ્યો.

કરનનાં ચેહરા પર આટલી ગંભીર પરિસ્થિતિમાં પણ ગજબની દ્રઢતા હતી. ન તો કોઈ ભય, ન તો કોઈ તણાવ. તેણે વ્યૂહરચના સમજાવવાની શરૂઆત કરી, ”આપણે કોઈ પણ સંજોગોમાં આંતકવાદીઓના આ હુમલાને નિષ્ફળ કરવાનો છે અને તેની સાથે ખૂબ સાવચેતી રાખવી પડશે. પહેલો પ્રહાર આપણામાંથી કોઈ નહિ કરે. મારે દુશ્મનની તૈયારી અને તાકાત બંને માપવા છે. માભોમ માટે ઝનૂન હોય જ પણ ગામના લોકોને હાનિ ન પહોંચે તે પણ આપણી જ જવાબદારી છે. આપણે તેમને રોકવાનો બનતો પ્રયત્ન કરવાનો છે. અડધા કલાક સુધીમાં આર્મી બેકઅપ મળી જશે. હું સૌથી પહેલો જઈશ અને તમે મને કવર અપ કરજો. મને કશું થઇ જાય તો પણ ઓપેરશન કોઈ પણ સંજોગોમાં ચાલુ જ રાખજો. મારી પત્ની નંદિતાને કહેજો કે બિલકુલ રડે નહીં. ત્રણેય જણાએ ગજવામાં રાખીને ફરતા તેમનાં વિશ્વ એટલે કે ફેમિલીનાં ફોટોને ચૂમી લઇ, એક ગ્રુપ હગ આપી ભારત માતા કી જય ને ઓપેરશન સફળ થવાની નિશાની તરીકે નક્કી કરી.

***

આ તરફ જલશેરી ગામમાં કંઈ અલગ જ દ્રશ્ય ભજવાઈ રહ્યું હતું. નાનકડો શામીર તેની અમ્મીને કાલે ગુલનાર બાગ લઇ જવાની જીદે ચડ્યો હતો. ગઝાલાએ ખુબ પ્રેમથી પોતાના લાડકાને કહ્યું ” નવરેહ કો ચલેંગે, સફીના ભી તબ છે મહિને કી હો જાયેગી.” શામિરે ઉછળીને પોતાની બહેનને બચી ભરી લીધી. એવામાં અચાનક ગોળીઓના અવાજથી વાદી ગૂંજી ઉઠી. ગઝાલાએ શામીરને બહાર ન જવાની સૂચના આપી. અચાનક જ ચાલુ થઇ ગયેલા ગોળીબારે તેને બેબાકળી કરી મૂકી હતી. તેણે ફટાફટ કાંગરી સળગાવી, મોટું તપેલું ઉતારી, સફીનાને કપડામાં લપેટી તેમાં રાખી, થોડી હવા જાય તેટલી જગ્યા રાખી ઢાંકણ રાખી દીધું અને કાંગરી એ રીતે ગોઠવી કે તપેલું એક્દુમ ગરમ પણ ન થઇ જાય અને થોડી હૂંફ પણ  મળતી રહે.

ઘરનાં દરવાજા પાસે થયેલાં ખળભળાટ સાંભળી શામીર બહારની તરફ દોડ્યો અને તેની પાછળ ગઝાલા. તે હજુ શામીરને ઉંચકીને અંદર જ આવતી હતી ત્યાં તો હેન્ડ ગ્રેનેડ આંગણામાં આવીને પડ્યો અને કશું સમજે તે પહેલા, એક મોટા ધમાકા સાથે બંનેના ચીથરાં ઉડી ગયા. થોડીવાર પછી એક આંતકવાદી ઘરમાં પ્રવેશ્યો. પણ ન તો કોઈ અવાજ ન તો કોઈ આહટ. સળગેલાં ઘરમાં તેણે બરાબર ચેક કર્યું કે છુપાવા માટે જગ્યા યોગ્ય તો નથી. તે રસોડામાં પાણી પીવા તો ગયો પણ પાછળથી કરને ૪-૫ ગોળી ધરબી દીધી. તે ત્યાં ને ત્યાં ફસડાઈ પડ્યો.

ગોળીના અવાજથી તપેલાંમાં સૂતી સફીના જોર જોરથી રડવા લાગી. કરને હળવેકથી તપેલાંનુ ઢાંકણ હટાવ્યું. તપેલું હજુ હુંફાળું હતું. કાંગરી હજી બુઝાઈ નહોતી. તેણે નાનકડા ફરિશ્તા જેવી સફીનાને એકદમ કાળજીપૂવર્ક હાથમાં લીધી અને બાજુમાં પડેલી દૂધની બોટલ તેના મોંમાં રાખી. ઘરનો ધુમાડો તેની આંખમાં ખૂંચી રહ્યો હતો. તેણે જેવો દરવાજાની બહાર પગ મુક્યો  ત્યાં જ તેની નજર લોહીથી લથબથ ફાટેલી તૂટલી ઓઢણી પાસે પડેલા તાવીજ પર પડી અને તે મનોમન બબડી ઉઠ્યો, “યે કૌનસી દુઆ માંગીથી જો આજ કુબૂલ હો ગયી દીદી.” સામેથી ભારત માતાકી જય બોલતો સુબેદાર દોડતો આંગણમાં પ્રવેશ્યો અને કરને તેને મુબારકબાદ આપી પણ સળગતાં ઘરે જાણે કે તેને પણ દઝાડી દીધો હતો. તેણે સુબેદારને કાંગરી સાથે લઇ લેવા કહ્યું.

***

અડધી રાત્રે આર્મીનો નંબર જોતાં જ નંદિતાનાં પગ નીચેની જમીન ખસી ગઈ. તેનું હાર્ટ બમણી ઝડપથી ધબકવા લાગ્યું હતું. તેણે ધ્રુજતા હાથે ફોન ઉપાડ્યો. સામેથી અજયસિંઘ નો અવાજ સાંભળી, રડમસ અવાજે પૂછ્યું, “કરન બરાબર તો છે ને? તેની સાથે વાત કરાવો.” અજયસિંઘે  ખૂબ શાંતિથી પરિસ્થિતિ સમજાવી, ફોન કરનને આપ્યો, તે થોડો ડિસ્ટર્બ હતો. તેણે નંદિતાને તે ઠીકઠાક છે એવું આશ્વાસન આપી શ્રીનગર આવી જવા કહ્યું. નંદિતા બીજા જ દિવસે ફ્લાઈટ લઇ ત્યાં પહોંચી ગઈ. એરપોર્ટ પર કરનના હાથમાં બાળક જોઈ તે અચંબામાં પડી. તેણે મળતાની સાથે જ પૂછ્યું, “આ બધું શું છે? અને તું આ બાળકી ક્યાંથી લઇ આવ્યો? તેનું નામ શું છે?” ત્યારે કરનને અહેસાસ થયો તેને તો આ બાળકીનું નામ પણ ખબર નથી. એક ઊંડો શ્વાસ ભરી તેણે આખી હકીકત જણાવી અને સફીનાને એક નવું નામ આપ્યું “કાંગરી”. આજથી તે આપણી સાથે જ રહેશે અને આપણે જ તેણે ફેમિલીની હૂંફ આપવી  પડશે. ગળગળી થઇ ગયેલી નંદિતાએ પોતાના ગળામાંની ચેઇન ઉતારી કાંગરીને પહેરાવી દીધી.

– આરોહી શેઠ


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous જીવનદાતા – શ્યામ ખરાડે
લોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક Next »   

7 પ્રતિભાવો : કાંગરી – આરોહી શેઠ

 1. Nirav says:

  ખુબ જ સરસ

 2. Chintan says:

  સામાન્ય છતાં અસામાન્ય

 3. Sureshsinh says:

  Nice

 4. Kalidas V. Patel {Vagosana} says:

  દેશભક્તિ સભર મજાની વાર્તા આપી. આભાર.
  કાલિદાસ વ.પટેલ {વાગોસણા}

 5. રાજેશ ચૌહાણ says:

  ખૂબ જ સરસ વાર્તા.
  અભિનંદન આરોહીબેન.

 6. VINOD A SOLANKI says:

  Very Good

 7. Praful Mehta says:

  ખૂબ ટુંકી પણ હૃદય સ્પર્શી.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.