- ReadGujarati.com - http://www.readgujarati.com -

લોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક

(સત્યઘટના)

તા. ૨૨ એપ્રિલ ૨૦૨૦ રાત્રે જયારે હોસ્પિટલમાંથી અમને જણાવવામાં આવ્યું કે અમારા પિતાજીએ અંતિમ શ્વાસ લીધા છે ત્યારે સ્વાભાવિકપણે અમારી વિચારશક્તિ લગભગ શૂન્ય થઇ ગઈ હતી. એક તરફ કુટુંબના મોભીને ગુમાવ્યાનું દુઃખ તો બીજી તરફ હવે શું કરીશું જેવા સવાલોથી અમે ઘેરાઈ ગયા હતા. કોરાના વાયરસના પ્રકોપને લીધે અમદાવાદ જેવા શહેરમાં સજ્જડ લોકડાઉન વચ્ચે બધું પાર પાડવાનું હતું. સમય અને સંજોગો તદ્દન વિપરીત હતા.

અંતિમ વિદાય:

અમો રાત્રે ૧૧.૦૦ વાગ્યે હોસ્પિટલના કોરિડોરમાં નતમસ્તક બેઠાંં હતાંં. મગજ બહેર મારી ગયું હતું. અમે બે ભાઈઓ સિવાયના બધાજ નજીકના સગા ૨૫૦ – ૩૦૦ કિલોમીટર દૂર હતા અને તેઓનું પહોંચવું અશક્ય હતું. રાત થઇ ગઈ હોવાથી સવારે અગ્નિસંસ્કાર કરવાનો નિર્ણય લીધો. અમારા ઘરે જ્યાંથી અંતિમયાત્રા નીકળવાની હતી ત્યાં લોકડાઉનના નિયમનું ચુસ્ત પાલન કરવાની અમારી તૈયારી હોઈ અમે બે ભાઈઓ અને મુઠ્ઠીભર નજીકના સગાઓ દ્વારા આ કાર્ય પાર પાડવાનું નક્કી કર્યું. તેમનું મૃત્યુ કોરોનાને કારણે નહોતું થયું.

રાત્રેજ બધા સગાવહાલા ને જાણ થઇ ગઈ હોવાથી લોકોના ફોન અને મેસેજનો મારો શરુ થઇ ગયો હતો. ઘણાની તો અદમ્ય ઈચ્છા હતી કે તેઓ અંતિમયાત્રામાં શામેલ થાય પણ સંજોગો વિપરીત હોવાથી અમારા દ્વારા સ્પષ્ટપણે બધાને નમ્રતાપૂર્વક મનાઈ કરી દેવામાં આવી. છતાં પણ સબંધીનો આગ્રહ હતો કે અમને અંતિમ દર્શન કરાવો. અહીંથી શરુ થયો ટેક્નોલોજીનો પ્રયોગ. એક તરફ અંતિમયાત્રાની તૈયારી ચાલતી હતી અને અમારા પાડોશીની આગેવાની હેઠળ સાથરો, નનામી, પિંડ, દોણી, અંતિમ સ્નાન ઇત્યાદિ ચાલી રહ્યું હતું તો બીજીતરફ ગ્રુપ વિડિઓ કોલિંગ ની મદદ થી સદગત ના દર્શન અમદાવાદ થી લઇ અમેરિકા સુધી વસતા તમામ સગા-સબંધી ને કરાવ્યા. ૫-૭ મોબાઈલ ફોન ઉપર ગ્રુપ વિડિઓ કોલ કરીને અમે અમારા સદગત પિતાજીના અંતિમ દર્શન કરાવ્યા. સામાન્ય સંજોગોમાં સુખદ ક્ષણોમાં જે ટેક્નોલોજીનો ઉપયોગ કરતા હતા તેનો ઉપયોગ આવી ક્ષણોમાં પણ કર્યો. ખેર, અંતિમયાત્રાના સમાપન સાથે જ ચર્ચાનો દોર શરુ થયો કે હવે બેસણું કઈ રીતે કરીશું. અમે એક બાબતમાં સંપૂર્ણતઃ સ્પષ્ટ હતા કે સગા સંબંધી, પાડોશી, મિત્ર મંડળ ને લોકડાઉનમાં કોઈ જગ્યાએ એકઠા ન કરવા. તદુપરાંત તેમને પોતાનું સ્થાન પણ ન છોડવા દેવું.

વર્ચ્યુઅલ બેસણાંથી વર્ચ્યુઅલ પ્રાર્થનાસભા :

અંતિમ ક્રિયા બાદ થોડી સ્વસ્થતા કેળવી અને વિવિધ સમાચાર પત્રો માટે જાહેર ખબર આપવાની કામગીરી શરુ કરી. સદગતની પસંદનો ફોટો તથા લખાણ નક્કી થઇ ગયું. પારંપરિક રીતનું બેસણું નહિ રાખવું તેવું તો નક્કી હતું એટલે “વર્ચુઅલ બેસણું” રાખવાની તૈયારી આદરી. આ માટે ઘરમાંજ જરૂરી સેટએપ ઉભો કરવાનો હતો. વળી અમારા બંને ઘરે (ગાંધીનગર તથા અમદાવાદ) એવી વ્યવસ્થા ગોઠવવાની હતી કે જેથી બેસણામાં વર્ચ્યુઅલ હાજરી આપનારને પણ રૂબરૂ મળ્યાની અનુભૂતિ થાય. બેસણાના દિવસે છાપાઓમાં સદગતની વિદાયની ખબર તથા વર્ચ્યુઅલ બેસણાની વિગતો છપાઈ ગઈ હતી. આ તરફ એલ.સી.ડી. ટીવી ઉપર સદગતનો સુંદર ફોટો, બ્લુટુથથી કનેક્ટેડ સ્પીકર પર મહામૃત્યુંજય જાપ, લેપટોપ અને વેબકેમ સામે નજીકના પરિવારજનો પોતપોતાના સ્માર્ટ ફોન સાથે ગોઠવાઈ ગયા. આ આખી ઇવેન્ટનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું તેમજ દેશ-વિદેશમાં વસતા સ્વજનો સાથે નિયત સમયે વોઇસ તથા વિડિઓ કોલથી સાંત્વના પ્રાપ્ત થઇ શકી.

અમારી ધાર્મિક માન્યતા મુજબ સદગતની વિદાય બાદ રોજ શક્ય તેટલા પરિવારના સદસ્યો સાથે બેસીને કોઈ ને કોઈ ધાર્મિક કાર્ય જેવું કે ગીતાજીના અધ્યાયનું  પઠન, ભજન-કીર્તન ઇત્યાદિ કરે તે જરૂરી હતું. પરંતુ આ માટે પરિવારજનની હાજરી તો શક્ય નહોતી. આ માટે ટેક્નોલોજીના ઉપયોગથી અમો એ ગ્રુપ વિડિઓકોલ સાથે સ્ક્રીન કાસ્ટિંગ ઉપર ઓડિયો વિઝ્યુઅલ સ્ટ્રીમ કરી ને ગીતાપાઠ, વિષ્ણુસહસ્ત્ર નામ, શિવસહસ્ત્ર નામ, સુંદરકાંડના પાઠ અને ભજન સંધ્યા કર્યા. પરિવારજનો દેશ-દુનિયાના અલગ અલગ છેડે હોવા છતાં લાઈવ સ્ટ્રીમિંગથી જાણે સામસામે બેસી આ ધાર્મિક પ્રવૃત્તિમાં સામેલ થયા હોય તેવી અનુભૂતિનો આનંદ માણ્યો.

બારમા તેરમા ની વિધિ:

આ વિધિ કરાવવા માં ઘણા પડકાર હતા. સૌથી પહેલા તો આ વિધિ કરાવવા નિષ્ણાત પંડિત (ગોર મહારાજ) આવશ્યક હતા તથા આ ઉપરાંત વિધિ માટે જરૂરી સામાન એકઠો કરવો એટલોજ જરૂરી હતો. તથા સગાવહાલાની હાજરી તો ખરી જ.

પણ અગાઉ જણાવ્યું તેમ લોકડાઉનના સમયમાં આમાંનું કઈ શક્ય નહોતું.

હવે ચાલુ થયો ઉપલબ્ધ સંસાધનો અને વિકલ્પો નો વિચારવિમર્શ. સૌથી પહેલા શું આવશ્યક છે તે અંગે માર્ગદર્શન મેળવવા નું નક્કી થયું. અમારા સંબંધી એવા એક જાણકાર અને નિષ્ણાંત પંડિતજી પાસે થી આખી વિધિ અંગે માહિતી અને આવશ્યક સામગ્રી ની યાદી મેળવી. અહીં એક નિર્ણય એવો લેવાનો આવ્યો કે આ વિધિ પંડિતજીના સ્થળે તેમના દ્વારા કે અમારા ઘરે કરવી.

વિચાર વિમર્શ બાદ સમગ્ર વિધિ અમારા ઘરે કરવી અને પંડિતજી ફક્ત વિડિઓ કોલ મારફતે તેમના સ્થાને થી (૨૫૦ કિલોમીટર દૂરથી) વિડિઓ કોલ દ્વારા માર્ગદર્શન આપે. અમે પંડિતજીના મંત્રોચાર અને માર્ગદર્શન સાથે ઘેર બેઠા પૂજા વિધિ કરીએ. હવે વાત આવી સગાસંબંધીના સામેલ થવા અંગે, જે શક્ય જ નહોતું. એટલે નક્કી કર્યું કે ભલે શારીરિક હાજરી ન આપી શકાય પણ આ વિધિમાં સગાસબંધી પણ વર્ચુઅલ હાજરી આપશે.

ફરીથી અમારા બન્ને ઘરમાં વર્ચુઅલ કનેક્ટીવીટી સ્થાપી. બીજી બાજુ વિડિઓ કોલિંગથી પંડિતજી સતત યજમાનને માર્ગદર્શન આપે અને યજમાન ને કઈ પ્રશ્ન હોય તો તે તુરંત પૂછી શકે તે માટે ટુ-વે વિડિઓ કોલિંગ કનેક્શન સ્થાપિત કર્યું. વિશેષમાં આ પૂજાનું લાઈવ સ્ટ્રીમિંગ ગ્રુપ વિડિઓ કોલ દ્વારા સગા-સંબંધીને પ્રસારિત કરવા માં આવ્યું. સગાસંબંધી પણ કંંઈ પૂછવા કે કહેવા માંગતા હોય તેવી સુવિધા રાખવામાં આવી.

વૈદિક મંત્રોચાર દ્વારા, વિધિમાં કચાશ રાખ્યા વગર, સગાવહાલાની “વર્ચ્યુઅલ” હાજરી સાથે અને લોકડાઉનના નિયંત્રણનું જવાબદારીપૂર્વક પાલન કરી અમોએ તમામ વિધિ સંપન્ન કરી

સમાપન: કોઈપણ વિકટ પરિસ્થિતિમાં બધા કાર્ય કચાશ રાખ્યા વગર કરી શકાય એવો અમારો સ્વાનુભવ છે. ટેક્નોલોજીના માધ્યમથી અમે આ કાર્ય સંપન્ન કરી શક્યા એ અંગેનો આ લેખ કોઈને માર્ગદર્શક બની શકે છે.

લેખક ને લેખ વિષે આપનું મંતવ્ય જણાવવા ઇ-મેઇલ કરી શકો છો jigyagnik@gmail.com

વિધિ નું લાઇવસ્ટ્રીમીંગ ટેબ્લેટ પર નિહાળતા એક પરિવારજન

ધાર્મિક કાર્ય માં વિડિઓ મિટિંગ થી સામેલ દેશ-વિદેશ માં રહેતા પરિવારજનો