ઓત્તારી – સુધા નરેશ દવે

મીના બેને ઘડિયાળમાં જોયું, બપોરનો એક થવા આવ્યો! મહેશ હવે આવતા જ હશે. તેને હાથ થોડો ઝડપથી ચલાવવા મંડ્યો, સેલડ તૈયાર કરી નાખ્યું, અથાણાંનો ડબ્બો તૈયાર કર્યો, હવે શું બાકી છે વિચારતા યાદ આવ્યું, હા છાસ બાકી છે! પુત્રવધુ લાવણ્યાને કહ્યું, “બેટા, છાસ વલોવી નાખ અને ડાઇનિંગ ટેબલ તૈયાર કરી નાખ!”

બંને પૌત્રો આદિત્ય અને અર્ણવને યાદ દેવડાવ્યું, “હમણાં દાદા આવે તેને શાંતિથી જમવા દેજો, બોલથી રમતા નહિ, પાછા તમારા બોલ થાળીમાં પડશે.” બંનેએ ડાહ્યાડમરા થઇ, “હા મોટી મમ્મા, બોલથી નહિ રમીએ!” કહ્યું એટલામાં કારનું હોર્ન વાગ્યું અને છોકરાઓ દાદાજી પાસે દોડી ગયા, મહેશભાઈ અંદર આવતા કહે, “વાહ!! બહુ સરસ સુગંધ આવે છે ને ભાઈ, લાગે છે મીના, ઘણા વખતે તારા હાથનું ઊંધિયું ખાવા મળશે!!” મીના પોરસાતા કહે, “તમે ખરું ઓળખી કાઢ્યું, આજે લીલું લસણ નાખી ખાસ તમારા માટે ઊંધિયું બનાવ્યું છે.” મહેશભાઈ બોલ્યા, “સારું સારું, હું હમણાં હાથ મોઢું ધોઈને આવું છું.” એમ કહી તેમણે ચશ્મા કાઢી ટેબલ ઉપર મૂક્યા.

મહેશભાઈ હાથ મોઢું ધોઈ આવ્યા તો એમને ચશ્મા ન દેખાયા, એમણે વિચાર્યું, હમણાં તો કાઢીને મૂક્યા હતાંં, ક્યાં ગાયબ થઈ ગયા? પછી વિચાર્યું, બીજે ક્યાંક મૂક્યા હશે! તેમણે આમતેમ નજર ફેરવી, પણ ચશ્મા ન દેખાયા, શો-કેસમાં જોયું ત્યાં પણ નથી, ટીપાય ઉપર જોયું, હા ત્યાં ટીપાય ઉપર પડ્યા છે! મહેશભાઈ માથું ખંજવાળવા મંડ્યા, સાલું હું ટીપાય બાજુ ગયો જ નથી તો ત્યાં ક્યાંથી પહોંચી ગયા? ખેર! એમણે ‘હાશ મળી ગયા’ કરી ચશ્મા હાથમાં લીધાંં, કહે “અરે! આ તો મીનાનાંં છે.” બબડી મૂકી દીધાંં. પછી મીનાને કહ્યું, “મીના, જો ને મારા ચશ્મા મળતા નથી, ક્યાંક મૂકાઈ ગયા છે.” મીનાબેન પણ ચશ્મા શોધવા લાગ્યા, કહે “તમે બાથરૂમમાં મોઢું ધોવા ગયા હતા, ત્યાં જ હશે!” પણ ત્યાં નહોતા, પુત્રવધુ લાવણ્યા રસોડામાંથી આવી કહે, “શું શોધો છો?” મહેશભાઈ કહે, “જો ને, મારા ચશ્મા મળતા નથી, આવીને અહીં તો મૂક્યા હતા.” લાવણ્યા પણ બધે શોધી વળી, ટેબલ, વોશબેસિન, શો-કેસ, ટીપાય બધે જોયું પણ મળતા નહોતા, કોને ખબર ક્યાં મૂકાઈ ગયા હતા! ઘરના નોકર ચાકર પણ ચશ્મા શોધવા લાગી ગયા, દરેક સંભવિત જગ્યાએ ફરી ફરી જોયું, પણ ચશ્માઘરમાંથી ગાયબ! મહેશભાઈનું ધ્યાન ફરી ટીપાય ઉપર પડેલા ચશ્મા ઉપર ગયું પણ એતો મીનાના છે બબડી બીજે શોધવા લાગ્યા!

હવે તો બંને પૌત્રોએ પણ રમવાનું પડતું મૂકી દાદાજીના ચશ્મા શોધવા લાગ્યા! મીનાબેનને થયું આદિત્ય, અર્ણવે તો નહિ છુપાવ્યા હોય!! બંનેને પૂછ્યું, “તમે તો નથી છુપાવ્યા ને??” બંને કહે, “અમે તો શોધવા લાગીએ છીએ, અમે નથી સંતાડ્યા, પ્રોમિસ!” મીનાબેન મહેશભાઈને કહે, “તમે ધ્યાન રાખો નહિ અને તમારા ચશ્માએતો ઘર આખું માથે લીધું!!”

મહેશભાઈ થોડા ભોંઠા પડી ગયા!! મહેશભાઈનું ફરી ધ્યાન ટીપાય પાર ગયું, અને મીના ઉપર ગયું, ‘જો મીનાના ચશ્મા ટીપાય ઉપર છે તો મીના એ કોના ચશ્મા ચડાવ્યા છે?’ “ઓત્તારી! મીના મારા ચશ્મા તો તેંં પહેર્યા છે!” મીનાબેન પણ ચોંકી બોલ્યા, “હેંં!”

અને બધા ખડખડાટ હસી પડ્યા! મહેશભાઈ કહે, “તું આવાજ ગોટાળા મારતી હોય છે!!”

મીનાબેન કહે, “રહેવા દ્યો, રહેવા દ્યો! આ સભામાં ઊંટવાળી થઈ જશે!!”

મહેશભાઈ કહે, “કંંઈ નહિ, અમે તારા જેવા ગોટાળા નથી મારતા.”

મીના બેન કહે, “એમ તો ખોલું પોલ તમારી ઓલી જૂનાગઢવાળી!!” 

લાવણ્યાના કાન ચમક્યા, ‘અરે જૂનાગઢ તો મમ્મી પપ્પા મારા પિયર ગયા હતાંં!’ તેને મીનાબેનને કહ્યું, “મારો ભાઈ કે કોઈ બોલ્યા નથી, ત્યાં પપ્પાએ ગોટાળો માર્યો!!” મહેશભાઈને યાદ આવી ગયું એટલે વાત ને કાપતા કહે, “કંંઈ નહિ બેટા, જવા દે ને!” મીના બેન કહે, “વાહ! કેમ જવા દે ને? આજે તો પોલ ખોલવી જ છે, હું એકલી ગોટાળા નથી મારતી, આ તારા સસરા ગોટાળા માસ્ટર છે! જો સાંભળ, અમે બંને જૂનાગઢ તારા પિયર ગ્યા’તા ને ત્યાં તારા પપ્પા એ કેવું કર્યું! જમી પરવારી ને પાછા જવા ઉભા થયા તો એક ચપ્પલ મળે અને એક ન મળે, બધે શોધા શોધ, દરવાજાની બહાર, સીડી ઉપર, બધે ગોતી વળ્યાં! ક્યાંય બીજું ચપ્પલ મળે નહિ! તારા ભાઈએ કહ્યું, “આ બીજું ચપ્પલ અમારા કોઈનું નથી, તમારુંય એક જ છે તો આ બીજું ચપ્પલ આવ્યું ક્યાંથી?” ત્યાં તારા ભાઈનો બાબો રમતમાં રમમાણ હતો એનું ધ્યાન ગયું કે શેની શોધખોળ ચાલે છે! એણે કહ્યું, “દાદા તમે આવ્યા ત્યારે આ બે અલગ અલગ ચપ્પલ પહેરી ને આવ્યા હતા! મને તો એવી શરમ આવી, પણ બધા તો હસી હસી ને બેવડ, પાછા તારા પપ્પા કે ઓત્તારી, આમ કેમ થયું અને એ પણ હસવા મંડ્યા!”

મહેશભાઈ પણ યાદ કરી ખડખડાટ હસી પડ્યાં, એમાં એમનું દાંતનું ચોકઠું ઉડીને મીનાબેનના ગાલ ઉપર!!

અને ફરી હસાહસ !!

– સુધા નરેશ દવે

એ/૩૦૩, અમિત એપાર્ટમેન્ટ, વામન રાવ ભોઇર માર્ગ, કંદરપાડા, દહિસર વેસ્ટ, મુંબઈ ૪૦૦૦૬૮

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

One thought on “ઓત્તારી – સુધા નરેશ દવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.