કોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા

ત્રીજી સદીની પરોઢે પહોંચેલા આ જગતમાં માણસાઇ જાગી છે. અમુક સફળતાઓ તો અમુક નિષ્ફળતાઓ છે. અને છતાં સતત ઉપરાછાપરી મળતી નિષ્ફળતાઓમાં પણ ક્યાંક માણસાઇ ખીલી ઉઠે છે. અપૂર્ણતાથી ભરેલી આ દુનિયામાં આમ જ બનવાનું! ભગવાન ચોક્ક્સ કોઇ રસ્તો બતાવશે! અનેક પડકારોની સામે રાત-દિવસ દુનિયાના કોઇને કોઇ ખૂણે કોઇક માણસજાતને ટકાવી રાખવા માટે સતત મથી રહ્યું છે અને એના પરિણામ સ્વરૂપ આ દુનિયામાંથી અનેક આપત્તિઓ જડમૂળથી દૂર થઇ છે તો અનેકની સામે માણસજાતની લડાઇ ચાલુ છે.

આજે આ દુનિયામાં પહેલી વખત એવું બની રહ્યું છે કે ભૂમરાથી મરનાર લોકોની સંખ્યા વધુ ખાવાનું ખાઇને મરનારની સંખ્યા કરતા ઓછી છે. હા, લોકો મેદસ્વિતાથી વધુ મરે છે. ઘડપણનો મૃત્યુદર, ચેપી રોગના મૃત્યુદર કરતાં વધારે છે. આમ, અનેક રોગ સામેની જીત એ મનવજાતના ઇતિહાસમાં સૌથી મોટું વિરાટ કદમ ગણી શકાય. શબ્દોનો થોડો ફેરફાર છે, બાકી આખી આ વાત, આ સદીમાં જે મહાન પુસ્તકની ગણના થઇ રહી છે એમાંના એક પુસ્તક Homo Deus માં જ લખાયેલા શબ્દો છે. લેખક Yuval Noah Harari પોતાના પુસ્તક Homo Deus માં આગળ લખે છે કે મનુષ્યજાતીનો ભુખમરા પછીનો જો કોઇ સૌથી મોટો શત્રુ હોય તો એ પ્લેગ અને ચેપી રોગ જ છે. લેખક સ્ટેટિસ્ટીકના વધુ આંકડા સાથે માહિતી આપતા કહે છે કે ૧૯૭૯ માં WHO એ વિશ્વને શીતળા મુક્ત જાહેર કર્યું પણ છેલ્લા મોટા ડેટા પ્રમાણે ઇ.સ. ૧૯૬૭માં દોઢ કરોડ લોકો શીતળાનો ભોગ બન્યા હતાં અને લગભગ વીસ લાખ લોકો મૃત્યુ પામ્યા હતાં. અને હવે આજે શીતળા મુક્ત દુનિયા છે. તો બીજી બાજુ બ્લેક ડેથમાં સાડા સાતથી વીસ કરોડ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જે યુરેશિયાની વસ્તીનો ચોથો ભાગ થાય. ઇંગ્લેન્ડમાં દર ૧૦ લોકોએ ૪ લોકો મરતાંં હતાં. જેમાં ફ્લોરેન્સ શહેરે ૧૦ લાખમાંથી પચાસ હજાર લોકો ગુમાવ્યા હતાં. અને ભૂતકાળમાં જ્યારે પણ આવું બનતું ત્યારે આવા આપદાના સમયમાં સત્તાધારીઓ પાસે માત્ર સામુહીક પ્રાથના જ સૌથી મોટું શસ્ત્ર રહેતું.  તેઓ પાસે આ મહામારીને રોકવાના જરા પણ ઉપાય નહોતા અને ભગવાનનો પ્રકોપ ઓછો થશે એટલે એની જાતે જ જશે એમ વિચારીને છોડી દેતાં. અરે એટલું જ નહી આધુનિક યુગ સુધી આવા રોગને લોકો ખરાબ હવા, આસુરી શક્તિ અને ભગવાનનો પ્રકોપ ગણવતાં, પણ વાઇરસ કે બેક્ટેરીયાના અસ્તિત્વને સ્વીકારવા જરા પણ તૈયાર ન જ થતાં. લોકોને પરીકથાઓમાં પૂરો વિશ્વાસ હતો પણ એક નાની માખી અને પાણીનું એક ખરાબ ટીપુ સર્વનાશ નોતરવા માટે પૂરતાંં છે એ કોઇ માનવા તૈયાર નહોતાં. 

૧૬૬૫ના પ્લેગ દરમ્યાનની લંડનની એક ગલીનું દ્રશ્ય
The Print Collector/Getty Images

Yuval Noah Harari એ લખેલી આ વાત જાણ્યા બાદ એટલું તો ચોક્ક્સ કહી શકાય કે આજે વિશ્વમાં પ્રત્યેક ખૂણે વિચારો બદલયા છે. માનવતા મહેકી છે અને માનવજાત પર વિજ્ઞાન અને સંશોધનનો પ્રભાવ વધ્યો છે. જીનવ સરળ બન્યું છે અને જીવનમૂલ્યો બદલાયા છે. કોઇપણ વાત માટે જરૂર પડ્યે બધા જ સાથે મળી કોઇ સોલ્યુશન શોધવા પ્રતિક્ષણ તૈયાર છે. અને આજે જ્યારે સમગ્ર વિશ્વ કોરોના કે Covid-19 ના સંક્રમણમાંથી પસાર થઇ રહ્યુ છે ત્યારે આજે ગર્વ લેવા જેવી બાબત એ જ છે કે જાણે આખી દુનિયા એક સાથે કદમ મિલાવીને ચાલી રહી છે અને એક જ વિચાર પર કેન્દ્રિત થઇ નાનામાં નાના માણસને બચાવી લેવા જે રીતે ધમપછાડા કરાય છે એ જ આજની સૌથી મોટી જીત છે. છતાં સમગ્ર દુનિયામાં મૃત્યુનો આંક વિચારતા કરી મૂકે એવો છે. નાના બાળકથી માંડીને ઘરડાને બચાવી લેવા કે ક્યોર કરવા માટે જે જાનની બાજી લગાવી દેવાય છે એ નોંધનીય છે. અને આપણે સૌ આ ઘટનાના સાક્ષી છીએ એ જ સૌથી મોટા ગૌરવની વાત છે. આ બધાની વચ્ચે એક વાત તો સ્વિકારવી જ રહી કે આજે પૃથ્વી પર કોઇપણ દેશમાં એક જ શબ્દની ચર્ચા છે અને તે છે Corona કે Covid19- Pandemic. તો શું આ પૃથ્વી પહેલી વખત જ આવા Pandemic નો ભોગ બની કે પહેલા પણ આવું કશું બન્યું હતું.  તો જવાબ છે હા, ઘણી વખત આવું બન્યું છે. અને શરૂઆત કરીએ આ Pandemic – વૈશ્વિક રોગચાળા શબ્દને સમજવાથી..

જ્યારે કોઇ એક રોગ કોઇ શહેર, પ્રદેશ કે દેશ પૂરતો સિમિત હોય અને એના સંક્રમણનો દર ધારણા કરતા વધારે હોય ત્યારે WHO ની ગાઇડલાઇન પ્રમાણે એને Epidemic – વ્યાપક રોગચાળો કહેવામાં આવે છે. અને જ્યારે એ રોગ સરહદ ઓળંગીને વધુ દેશમાં ફેલાય ત્યારે એને Pandemic – વૈશ્વિક રોગચાળા તરીક ઓળખવામાં આવે છે. આ અર્થમાં કોરોના વૈશ્વિક મહામારી એટલે કે Pandemic છે. આ જ્યારે લખી રહ્યો છું ત્યારે જહોન હોપ્કિન્સ યુનિવર્સિટીના ડેટા પ્રમાણે દુનિયામાં માત્ર ઉત્તર કોરિયા અને તુર્કમેનિસ્તાન જેવા બે જ મોટા દેશ અને Kiribati, Marshll island, Micronesia, Nauru, Palau, Samoa, Solomon, Tonga, Tuvalu અને Vanuatu જેવા નાના ટાપુ જ કોરોનાના સંક્રમણથી બાકાત છે. આખી પૃથ્વીની સપાટી પર માંડ આટલા જ જમીની પ્રદેશ બચ્યા છે કે જ્યાં હજુ કોરોના વાઇરસ પહોંચ્યો નથી.

ઇ.સ. ૧૯૧૮માં અમેરિકાના કાન્સાસમાં ફ્લુના દર્દીઓને કામચલાઉ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી એ તસવીર. Photo via AP Photo/National Museum of Health.

પૃથ્વીએ જોયેલો સૌ પ્રથમ વૈશ્વિક રોગચાળો કયો? તો જવાબ ખૂબ જ પાછળ લઇ જાય છે. હા, વાત તો વ્યાપક રોગચાળા એટલે કે Epidemicની છે પણ ત્યાર માટે તો આને વૈશ્વિક રોગચાળો એટલે કે Pandemic જ ગણવો પડે કારણ કે આખું નગર અને આખી સંસ્કૃતિ પૂરી થઇ હતી. તો માંડીને વાત કરું તો, પ્રાગઐતિહાસિક સમયના Epidemicની સૌથી પહેલી વાત કરીએ તો ઇ.સ. પૂર્વે ૩૦૦૦ માં Circa નો કહેર હતો એમ માનવામાં આવે છે. ઉતરપૂર્વીય ચીનમાં પુરાતત્વવિભાગને એક આખું એવું ગામ મળી (Hamin Mangha Site)આવ્યું કે જેમાં આખું નગર રોગચાળાની ઝપટમાં આવ્યું કે કોઇ કરતાં કોઇ જ બચ્યું નહી. આ રોગચાળાનો એવો કહેર હતો કે જે લોકો પહેલા મર્યા એને યોગ્ય રીતે દફનાવવા પણ કોઇ પાછળ  જીવીત ન બચ્યું. હા, આવા  રૂવાં ઉભા કરી દે એવા પુરાવા મળ્યા છે. અને છેલ્લે આખો પ્રદેશ બિનવાસાહતીય-બિનમાનવીય બન્યો. આવું જ ત્યાં નજીકમાં આવેલ Miaozigou site માં પણ બન્યું હતું. આમ Epidemic ની અસર આજથી ૫૦૦૦ વર્ષ પહેલા પણ હતી અને આજે પણ છે. પણ ફર્ક માત્ર એ જ છે કે હવે કોઇ રોગચાળો આખા પ્રદેશને ભરખી જાય એ લગભગ અશક્ય છે.  

તો, આવું જ કંઇક ઇ.સ. પૂર્વે ૪૩૦માં એથેન્સમાં બન્યું હતું. અને ત્યારે ત્યાં પ્લેગની અસર સતત પાંચ વર્ષ રહી હતી. આ સમય ઇતિહાસમાં Peloponnesian યુદ્ધના સમય તરીકે ઓળખાય છે. લિબિયા, ઇથોપિયા અને ઇજિપ્તને ભરડામાં લઇને આખરે આ Pandemic એથેન્સની દિવાલ તોડીને એથેન્સમાં પ્રવેશ્યો અને જેમાં લગભગ એક લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતાં. જે ત્યારની બે તૃતિયાંશ વસ્તી બરાબરનો આંકડો કહેવાય. કેટલાક ઇતિહાસકારો એવું માને છે કે ઇ.સ. પૂર્વે ૪૦૪ માં જ્યારે એથેન્સને સ્પાર્ટા સામે હથિયાર મુકી દેવા પડ્યા ત્યાં સુધી આ પ્લેગની અસર રહી હતી.

હવે, ઐતિહાસિક યુગમાં પ્રવેશીએ તો, ઇ.સ. ૧૬૫ માં Antonine પ્લેગ ફેલાયો એના શરૂઆતના લક્ષણો શીતળા (smallpox) જેવા હતાં. જેનો સૌપ્રથમ ભોગ હુણો બન્યા હતાં એમ માનવામાં આવે છે. જેનો ચેપ જર્મનો સુધી પહોંચ્યો અને ત્યાંથી એ રોમનો સુધી આવ્યો. Parthia (હાલનું Khorasan in Iran) સામેની લડાઇમાંથી પાછા ફરેલા રોમન સૈનિકો આ પ્લેગ લેતા આવ્યા એમ પણ ઘણા ઇતિહાસકારો માને છે. લગભગ આ પ્લેગની અસર પંદર વર્ષ સુધી રહી હતી. જેમાં લગભગ પચાસ લાખ લોકો મૃત્યુ પામ્યા હતાં. આ પ્લેગનો ભોગ બનવામાં ત્યારના રોમન સમ્રાટ Marcus Aurelius નું નામ પણ સામેલ હતું.

પ્લેગનો બીજો મોટો Pandemic એટલે ઇ.સ. ૨૫૦નું વર્ષ. ટ્યુનિશિયાના કાર્થેજમાં બિશપ St. Cyprian ને સૌ પ્રથમ પ્લેગ થયો એટલે એના નામ પરથી જ પ્લેગ ને નામ આપી દેવાયું Cyprian પ્લેગ. અને ત્યારે આ બિશપે આ રોગને દુનિયાના અંત તરીકે ગણાવ્યો હતો એવા પુરાવા છે. તો પ્લેગના આ ભરડામાં રોમમાં રોજના ૫૦૦૦ લોકો મરતાં હતાં. આ પ્લેગ ઇથિયોપિયાથી શરૂ થયો અને ઉતર અફ્રિકામાં થઇને રોમમાં પ્રવેશ્યો હતો એવું મનાય છે. પરંતુ મજાની વાત એ છે કે આ પ્લેગ ફેલાયો હતો એના જે પુરાવા મળ્યા છે એ સાઇટ Luxor માં મળી  આવી છે જેમાં એક સાથે દફનાવાયેલ અનેક મૃતકોના શરીરને ચૂનાના પાતળા આવરણથી ઢાંકેલા છે. જે બતાવે છે કે એ સમયે પણ લોકો disinfectant પદ્ધતિને સારી રીતે જાણતાં હતાં. એની નજીકમાં જ લાઇમ બનાવવાની ત્રણ ફેકટરી પણ મળી આવી છે. આમ, ઇ.સ. ૨૫૦ થી શરૂ થયેલ અને ઇ.સ. ૨૭૧ સુધી ચાલેલ આ પ્લેગે આપણને  disinfectant પદ્ધતિનો એક પુરાવો પૂરો પાડ્યો. આવી રીત આજે કોરોનાના કહેર વચ્ચે આપણા માટે પણ એક અનિવાર્યતા બનીને સામે ઉભરી આવી છે. મૃત્યુ બાદ અનેક પ્રિકોશન વચ્ચે દફનવીધી કે અંતિમક્રિયા થાય છે. અરે એમ કહો કે જાણે આ સમયે થતી બધી જ રીતો બદલાઇ છે.

ત્યાર બાદ, ઇ.સ. ૫૪૧માં ઇજિપ્તમાં Justinian પ્લેગે દેખા દીધી. જ્યાંથી એ પેલેસ્ટાઇન અને પછી Byzantine સામ્રાજ્યને ઘેરી વળ્યો. અને પછી Mediterranean પ્રદેશના દેશ એક પછી એક ઝપટમાં આવવા લાગ્યાં. અને બસ આ સમયથી જ Byzantine સામ્રાજ્યના પતનનો સમય શરૂ થયો હતો. અને એક વર્ષમાં દુનિયાની ૧૦% વસ્તી નામશેષ થઇ.  આ પ્લેગ સતત બે સદી સુધી સમયાંતરે દેખા દેવા લાગ્યો અને જેમાં પાંચ કરોડ લોકો મૃત્યુ પામ્યા જે લગભગ દુનિયાની ૨૬% વસ્તી બરાબર કહેવાય. આ પ્લેગથી જ દુનિયામાં Bubonic પ્લેગની શરૂઆત થઇ એમ માનવામાં આવે છે. આ Bubonic પ્લેગ એટલે શું? તો જવાબ છે કે કોઇ પ્રકારનો ચોક્ક્સ રોગ કે જેના બેકટેરિયાનો ફેલાવો માખી જેવા માધ્યમ થકી થતો હોય અને ચોક્ક્સ લક્ષણો સાથે દેખાઇ આવે.

Genetic engineering and gene manipulation concept
Image Courtesy Sandialabnews

આ બધાની વચ્ચે આ દુનિયાએ એક એવો સમયગાળો પણ જોયો કે જેમાં યુરોપ પશ્ચિમ પર વિજયકૂચ આદરે છે. હા, યુરોપિયન પ્રજા અમેરિકા તરફ આવી રહી હતી અને સાથે સાથે વહાણમાં અનેક બીમારીઓ પણ લાવી રહી હતી. હા, અત્યાર સુધી દુનિયાના સંપર્કમાં ન આવેલ અમેરિકા એકદમ જ અલગ રીતે કચડાવવા તૈયાર જ હતું. યુરોપિય પ્રજાની સૌથી મોટી ભેટ શીતળા અને પ્લેગ એ અહીંની પ્રજાને હતી. અને ઇ.સ. ૧૫૨૦માં તો આખું Aztec Empire શીતળાના પ્રકોપ નીચે આવી ગયું અને સામે હતી એક આખી સ્પેનીશ આર્મી, પરિણામ સ્વરૂપ એક આખી સંસ્કૃતિ નામશેષ થઇ. આવી જ રીતે સ્પેનિસ પ્રજાએ Incan પ્રજાને અને એના આખા સામ્રાજ્યને પુરું કર્યું. આમ આ Aztec અને Inca બન્ને સમ્રાજ્યોની પ્રજા એકબાજુ રોગથી સંક્રમીત અને બીજી બાજુ યુરોપિયન પ્રજા સામેની લડાઇ બન્ને મોરચે ન ફાવી શકી અને પોતાનું અસ્તિત્વ જાળવી રાખવામાં સદંતર નિષ્ફળ ગઇ. તો જે કંઇ થોડું બચ્યું હતું એના માટે કુદરત નવા હથિયાર સાથે તૈયાર જ હતી અને ટાઇફોડની સાથે તાવ આવે એ Enteric fever તરીકે ઓળખાય એ રોગે માજા મુકી. ઇ.સ. ૧૫૪૫ – ૪૮ સુધી સતત મેક્સિકો અને મધ્ય અમેરિકાના પ્રદેશને Cocoliztli મહામારીએ ભરડામાં લીધું અને પાછો આ સમય, આ પ્રદેશ માટે દુષ્કાળનો કપરો સમય હતો. આ બધાની વચ્ચે દોઢ કરોડ લોકો મૃત્યુના મુખમાં ધકેલાયા. આમ સોળમી સદીમાં ઉતર અમેરિકા અને દક્ષિણ અમેરિકા ખંડના મૂળ વતનીઓનું  નિકંદન કાઢવામાં જેટલો ફાળો યુરોપિયન પ્રજાનો હતો એના કરતાં વધારે તો ત્યારના Pandemic નો હતો. જાણે કુદરત જ મૂળ અમેરિકન પ્રજાને પૂરી કરવા પર ઉતરી આવી હોય એવું લાગ્યું.

પરિસ્થિતિ બદલાઇ અને કુદરતનું ચક્ર થોડું અવળું ફર્યું અને ખરાબ સમય આ વખતે યુરોપનો હતો. એક epidemic કે જેણે લંડનને પુરેપુરું હલાવી નાખ્યું. અમેરિકા ખંડમાં થયેલા અત્યાચારનો બદલો હવે લંડન ચુકવવાનું  હોય એમ કુદરત ઇ.સ. ૧૬૬૫માં લંડન પર પોતાનો પ્રકોપ વરસાવી રહી હતી. અને The great plague of London એ એપ્રિલ 1665માં ભર ઉનાળે પોતાની માયા પાથરવાની શરૂ કરી અને ધડાધડ પ્લેગ ફેલાવવા લાગ્યો. આ પ્લેગની એક વર્ષની માયાજાળમાં લંડનમાં મૃત્યુદર 1 લાખને પાર હતો જે લંડનની વસ્તીના ૧૫% થી ૨૦% નો આંક હતો. લોકો કુતરા અને બિલાડીઓને કતલખાનામાં કાપે એમ મારીને ફેંકવા લાગ્યા જાણે પ્લેગના સાચા વાહકો એ જ હોય એમ તેઓ માનતા હતાં અને થેમ્સના કિનારા પર જાણે એમના મૃતદેહોઓ ઢગલો રોજે રોજ મોટોને મોટો થતો જતો હતો.  પણ આ જાણે અંત ન હોય એમ બીજી સપ્ટેમ્બર ૧૬૬૬ ના રોજ લંડન આગની ઝપટમાં આવ્યું અને ચાર દિવસ ચાલેલી આ આગે શહેરના મોટાભાગને રાખ બનાવી દીધું. પણ અજાયબી જેવી વાત એ બની કે The great London fire માં ચાર શહેરોના સાત મોટા દરવાજા, ૮૯ ચર્ચ અને ૧૩૨૦૦ ઘર બળીને ખાક થયા હતાં પણ માત્ર ૬ માણસોએ જ જીવ ગુમાવ્યો હતો. જાણે કુદરત પણ નક્કી કરીને બદલો લેતી હતી કે લોકોને તો પ્લેગથી જ મારવા, આગથી નહી. આગ તો સર્વસ્વ છીનવી લેવા આવી હતી. બોલો છે ને નવાઇ, આજનું લંડન જોઇને કોઇ કલ્પના કરી શકે કે આજથી ૩૫૪ વર્ષ પહેલા લંડનની આવી હાલત હતી.

આજકાલ quarantine શબ્દ ખાસ કાને પડે છે અને બધા જ એનો મતલબ પણ સમજતાં થયા છે. તો આજથી ૩૦૦ વર્ષ પહેલા કોઇ જહાજને Pandemic ના ભય હેઠળ quarantine કર્યું હોય એવું તમે વિચારી શકો ? જવાબ હા, છે અને ઇ.સ. 1720માં ફ્રાંસના  Marseille  બંદરે Grand – Saint – Antonie નામનું વહાણ પૂર્વીય Mediterranean પ્રદેશમાંથી વસ્તુઓ લઇને આવે અને પ્લેગના લક્ષણો ખલાસીઓમાં દેખાય અને એ જહાજને quarantine કરવામાં આવે અને છતાં પ્લેગ માખી જેવા માધ્યમ થકી શહેરોમાં પ્રવેશે અને ત્રણ વર્ષના સમયગાળામાં લગભગ એક લાખ લોકો એનો ભોગ બને! અને એમ કહેવાય છે કે ત્યારે Marseille ની ૩૦% વસ્તીને પ્લેગ ભરખી ગયો હતો. આમ ત્રણસો વર્ષ પહેલા માત્ર થોડું કાચું પડાયું અને પ્લેગને અટકાવવામાં સફળ ન થવાયું. પણ એક પ્રકારની જાગૃકતા હતી એ વાત તો સ્વિકારવી જ રહી. આ વાત પરથી જ મને બીજી એક વાત યાદ આવે છે કે Dawn of the Planet of the Apes મુવીમાં શરૂઆતના સીનમાં જ્યારે કાર જંગલમાંથી શહેર તરફ પાછી આવે છે ત્યારે જે ચેકપોસ્ટ પરથી અંદર જાય છે ત્યાં પણ મોટા અક્ષરે લખેલું હોય છે zone 9 quarantine check point. અને ખરેખર એ જ સાચી રીત છે,  આવા સંક્રમણને ટાળવા માટે ચેકપોઇન્ટની જ જરૂર હોય છે. આવા કપરા સંક્રમણના સમયમાં સજાગ ચેકપોઇન્ટ જ કોઇ શહેરને બચાવી શકે એમ હોય છે. Pandemic ના સમયમાં ચેક પોસ્ટ પર શરતચૂક બિલકુલ પોસાય નહી. તો ક્યાંક દરેકે પોતના ઘરની કંપાઉન્ડ વોલને જ બોર્ડર બનાવી લેવાની જરૂર હોય છે. આટલું સમજનાર Pandemic માં જીતી જતાં હોય છે. આપણે વાત કરતાં હતાં quarantine કરેલા જહાજની; તો કરોનાના આ સમયમાં આવું કંઇ બન્યું? તો જવાબ છે હા, The Cruise Ship Diamond Princess ને ફેબ્રુઆરી ૨૦૨૦માં Yokohama પર રોકીને તમામને quarantine કરાયા હતાં, તો કેલિફોર્નિયામાં પણ The Grand Prince Cruise અને જર્મનીમાં પણ Ship Mein Schiff 3 Cruise ના સભ્યોને આ કોરોના સમયમાં quarantine કરાયા હતાં આ બધા Cruiseમાંથી ૮૦૦ કરતાં વધારે કોરોના કેસ નિકળ્યા હતાં અને ૧૦ના મૃત્યુ થયા હતાં. એક અંદાજ મુજબ અત્યારના સમયમાં દર વર્ષે ઓછામાં ઓછા ત્રણ કરોડ લોકો આશરે ૨૭૨ Cruise Ship થકી વિશ્વમાં ભ્રમણ કરતાં હોય છે.

આજે લગભગ બધે જ મંદિરો અને ચર્ચ બંધ ભાસે છે. ભુતકાળમાં આવું બનેલું? તો જવાબ છે હા, ઇ.સ. ૧૭૭૦ થી શરૂ થયેલા રશિયન પ્લેગે મોસ્કોને તહસનહસ કરી નાખ્યું હતું. આવા સમયમાં પહેલી વખત એવું બન્યું કે Quarantine કરેલા નાગરીકો હિંસા પર ઉતરી આવ્યા અને આખા શહેરમાં દંગા ભડકી ઉઠ્યા. Ambrosius નમનો આર્કબિશપ લોકોને પ્રાથના કરવા ભેગા ન થવા સમજાવતો અને આદેશ આપતો, પણ લોકો સમજવા તૈયાર ન હતાં અને એનું ખૂન કરી દેવાયું હતું. આજે જ્યારે કોરોનાના સમયમાં મંદિરો અને ચર્ચને બંધ જોવું છું, લોકોને સ્વયંમભૂ શિષ્ત પાળતા જોવું છું ત્યારે એમ થાય છે કે ૨૫૦ વર્ષ પહેલા Ambrosius આપેલું બલીદાન ઓળે નથી ગયું. છેલ્લા અઢીસો વર્ષમાં માનવજાત કેટલા સમજણના પગથિયા ચડી છે એનો આનાથી મોટો પુરાવો બીજો તો શું હોય શકે?  આ રશિયન પ્લેગમાં પણ લાખ જેટલા લોકો મૃત્યુ પામ્યા હતાં.

છેલ્લા બસ્સો વર્ષનો પ્રથમ કોલેરા Pandemic એટલે ઇ.સ. ૧૮૧૭નો સમય. આ મહામારી રશિયાથી શરૂ થઇ અને ત્યાં લગભગ દસ લાખ લોકો મૃત્યુ પામ્યા. ખોરાક અને પાણીથી ફેલાતો આ રોગ બ્રિટીશ સૈનિકો સુધી પહોંચ્યો અને એમના દ્વારા સ્પેન,  આફ્રિકા,  ઇન્ડોનેશિયા,  ચીન, જાપાન, ઇટલી, જર્મની અને અમેરિકા પણ પહોંચ્યો અને આ બધે લગભગ દોઢ લાખ લોકો મૃત્યુ પામ્યા, જ્યારે બીજી બાજુ ભારતમાં લગભગ દસ લાખ લોકો મૃત્યુ પામ્યા હતાં. યાદ કરાવી દઉં કે, ઇ.સ. ૧૮૮૫માં કોલેરાની રસી શોધાઇ, છતાં એ સંપૂર્ણ નાબૂદ નથી જ થયો. દર વર્ષે આજના સમયમાં પણ દુનિયામાં કોલેરાના સવા લાખ થી ચાર લાખ જેટલા કેસ આવે છે અને ૨૦,૦૦૦ થી ૧,૫૦,૦૦૦ લોકો દરે વર્ષે વિશ્વમાં કોલેરાથી જ મૃત્યુ પામે છે.

ઇ.સ. ૧૮૮૯માં આ દુનિયામાં રશિયન ફ્લૂ આવ્યો જે સાઇબિરીયા અને કઝખસ્તાનથી શરૂ થયો અને મોસ્કોથી ફિનલેન્ડ અને પોલેન્ડ સુધી પહોંચ્યો. અને પછી સમગ્ર યુરોપમાં ફેલાયો અને થોડા જ સમયમાં અમેરિકા પણ પહોંચ્યો. એશિયાથી યુરોપ અને સમગ્ર યુરોપથી અમેરિકા સુધી ફેલાવો થવા માટે આ ફ્લૂને માત્ર પાંચ અઠવાડિયા જ લાગ્યા હતાં. ઇ.સ. ૧૮૯૦ ના અંત સુધીમાં વિશ્વમાં દસ લાખથી વધુ લોકો મૃત્યુ પામી ચુક્યા હતાં. આજથી માત્ર એકસો વીસ વર્ષ પહેલા કોઇ મહામારી ફેલાવવા માટે માત્ર પાંચ અઠવાડિયા જ લાગતા હોય તો આજે તો આપણે વિશ્વને મુઠી જેવડું નાનું બનાવી ચુક્યા છીએ તો કોરોનાને ફેલાતા કેટલો ઓછો સમય લાગ્યો હોય એ જરા વિચારી જુઓ.

અત્યાર સુધી આ વિશ્વએ ન હતું જોયું એવું કંઇક સામે આવવાનું હતું. મૃત્યુનું તાંડવ સર્જાવવાનું હતું એવું એ વર્ષ હતું. હજુ પ્રથમ વિશ્વયુદ્ધની અંતિમ ઘડીને દસ મહિનાની વાર હતી અને સ્પેનના મેડરીડથી એક ફ્લૂ શરૂ થાય છે અને નામ અપાય છે સ્પેનિશ ફ્લૂ. ક્યાંક એવી પણ વાત છે કે આ ફ્લૂ સ્પેનથી શરૂ ન હોતો થયો પણ સ્પેન પ્રથમ વિશ્વયુદ્ધમાં કોઇ તરફથી લડ્યુ નહી એટલે એને બદનામ કરવા બીજા યુરોપિય રાષ્ટ્રોએ એક ચાલ ચાલી. માત્ર બે વર્ષમાં વિશ્વમાં એક અબજ લોકો એના સંક્રમણનો ભોગ બને (કુલ વસ્તીનો ત્રીજો ભાગ) અને દસ કરોડ લોકો મૃત્યુના મુખમાં ધકેલાય. ભારતમાંથી દોઢ કરોડ લોકો એટલે કે  કુલ વસ્તીના પાંચ ટકા લોકો મૃત્યુ પામ્યા હતાં. ત્યારે કોંગોની તાંબાની ખાણમાં કામ કરતાં દર પાંચ મજૂરમાંથી એક મજૂર મર્યો હતો. હા, આ કંપારી છુટાવી દે એવો આંકડો માત્ર સો વર્ષ પહેલાનો જ છે.. આજે સદી પછી આવેલ કોરોનાનો કહેર આવો પ્રકોપ નહી જ પાથરી શકે. કારણ કે આજે મેડિકલ ક્ષેત્રે ઘણી મોટી હરણફાળ ભરાઇ છે. દરેક ક્ષેત્રમાં અનેક નવી ટેકનોલોજી છે અને બધી જ બાજુ મોટો આશાવાદ છે. એ પણ નોંધી રાખવા જેવું જ છે કે ઇ.સ. ૧૯૧૮ માં જ પૂરા થયેલા પ્રથમ વિશ્વ યુદ્ધમાં કુલ ચાર વર્ષમાં ચાર કરોડ લોકો મરે અને એ જ વર્ષમાં શરૂ થયેલ ફ્લૂથી માત્ર બે વર્ષમાં દસ કરોડ લોકો મરે!! એ બતાવે છે કે વાઇરસ માણસજાત માટે શસ્ત્ર કરતાં પણ વધારે ઘાતક સાબિત થયો પણ હવે આ સો વર્ષમાં વિશ્વ બદલાયું છે. શસ્ત્રો ઘાતક છે અને ટૂંક સમયમાં વાઇરસનું નામોનિશાન નહી રહે.

ત્યાર બાદ હોંગકોંગમાં ૧૯૫૭માં એશિયન ફ્લૂ આવે અને પછી એ ચાઇનામાં પ્રસરે અને ત્યાંથી અમેરિકા અને ઇંગલેન્ડ પણ પહોંચે, અને માત્ર છ મહિનામાં ચૌદ હજાર લોકો મૃત્યુના મુખમાં ધકેલાય અને ઇ.સ. ૧૯૫૮ના અંત સુધીમાં મૃત્યુ આંક અગિયાર લાખને પર કરી જાય અને અમેરિકા એકલામાં ૧,૧૬,૦૦૦ લોકો મૃત્યુ પામે.

ઇ.સ. ૧૯૮૧થી વિશ્વ AIDSના ભરડામાં આવે પણ આજ સુધી AIDSથી મરનારાની સંખ્યા પાંચ લાખે માંડ પહોંચી છે. SARS, H1N1 Swine Flu (જેમાં મૃત્યુઆંક ૧,૫૦,૦૦૦ હતો), Ebola, Zika Virus જેવા Pandemic આપણે છેલ્લા વીસ વર્ષમાં જોયાં અને એ બધાના સંક્રમણ પર આપણે રોક લગાવવામાં સફળ રહ્યા. પણ આ કોરોના અત્યારે થોડો બેકાબૂ છે. ટેકનોલોજી અને સુવિધાઓના પ્રભાવ વચ્ચે દેખાતા મૃત્યુના આંકડા થોડા હેરાન ચોક્ક્સ કરે છે. પણ દુનિયાના ખૂણે ખૂણે અનેક રિસર્ચ સેન્ટરોમાં અનેક માનવ મસીહા એની રસી માટે દિવસ રાત એક કરી રહ્યા છે. એટલે આજે નહી તો કાલે કોઇ ચોક્ક્સ એક સૉલ્યુસન તો મળશે જ! ૧૯૧૮માં ટકાવારીની દ્રષ્ટિએ જે ખુવારી વિશ્વએ જોઇ હતી એ તો આ સદીમાં વિશ્વ નહી જ જુએ એ પાક્કું જ છે. આમ, આ પૃથ્વી પર ટકી રહેલા સેપિયન્સે અનેક Pandemic અને Epidemic માંથી પોતાની જાતને બહાર કાઢી છે અને હજુ પણ સતત ઉત્ક્રાંતિના જુદા જુદા તબબકામાંથી પસાર થઈને ટકી જ રહેશે. બાકી અત્યારે તો એક વાર્તાના શબ્દો જ યાદ આવે છે કે દોસ્ત, યે ભી બીત જાયેગા.. અને નવો મજાનો સૂર્યોદય આખા વિશ્વ પર પથરાશે. કોરોના શબ્દ ઇતિહાસ બની જાય એની જ રાહ જોવાની.

–    અજીત કાલરિયા

Photo Courtesy Visual Capitalist

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “કોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.