કૉરોના સંકટ સામે આપ સર્વ સુરક્ષિત હશો તેવી પ્રાર્થના સાથે કોરોના વિષયના સંદભમાં પાંચ કાવ્યરચનાઓ સ્મિતાબેન ત્રિવેદી આપણી સમક્ષ મૂકી રહ્યાં છે. તેમની કલમને અનેક શુભકામનાઓ અને રીડગુજરાતીમાં તેમનું હાર્દિક સ્વાગત છે.
૧. કપરું થઇ ગયું
હાથથી હાથ મિલાવવો કપરું થઇ ગયું,
મારાઓથી મને જ મળવું અઘરું થઇ ગયું.
બારી, બારણાં કચકચાઇને થઇ ગયાં બંધ,
સેલિબ્રિટીઓ કાઢે કચરો, આ કેવું જબરું થઇ ગયું.
સમયનો ન ખતમ થતો આ સિલસિલો,
ખુદમાં ડૂબી ડૂબીને ડૂબવું, અખરું થઇ ગયું.
ક્યારે અટકશે આ બધું, નજર પહોંચતી નથી,
તારી રચેલી આ દુનિયામાં જીવવું આકરું થઇ ગયું.
૨. બધાંને ભેગાં કરી દીધાં
કૉરોનાના કહેરે ખરાં બધાંને છેટાં કરી દીધાં,
દૂર દૂર રાખીને પાછાં બધાંને ભેગાં કરી દીધાં.
બૉર્ડરો થઇ ગઇ સીલ, ખૂલી ગયાં દિલ,
માસ્ક પહેરનારાઓના ચહેરા કેવા ખુલ્લા કરી દીધાં.
સાચું શું? એ તો રામ જાણે ભાઇ!
અફવાઓના ગરમ બજારે બધાંને ઘેટાં કરી દીધાં.
દીકરી નજર સામે જ તરફડે, ન લઇ શકે શ્વાસ,
લાચાર નજરો જોયા કરે, મન કેવા ખાટાં કરી દીધાં.
એક પછી એક થતાં રહ્યા વાર, બધું થયું ખુવાર જાણે,
બસ, લંબાયા કોઇના હાથ, હ્રદય ગળચટ્ટાં કરી દીધાં.
૩. આપણે જ્યાં હોઇએ ત્યાં કેમ હોતા નથી?
નોકરી પર હતા ત્યારે થાય એમ કે,
ક્યારે ઘરે પહોંચી જઇએ,
રવિવારની તો કાગડોળે રાહ જોવાય!
આજે નિરાંતે ઘેર છીએ તો,
ક્યાંય ચેન પડતું નથી!
બહાર ક્યારે નીકળીએ,
એમ મન લલચાય છે.
ઘરમાં રાશન ખૂટવાનો ડર,
ક્યાંથી બધુ લાવવું તેનો ખૉફ!
ટી.વી. પર નજરોની ટકટકી,
વૉટ્સઅપની પણ મહામારી!
ખાનપાનમાં થતો વધારો…
મમ્મી, પત્ની રસોઇ બનાવી બનાવીને પરેશાન,
વળી ન કામવાળી કે રસોઇયાઓ,
સતત સતત થતી ફરમાઇશો સામે લાચાર પરેશાન,
આ તો ઘરમાં મજા! કે પછી સજા!
આપણે જ્યાં હોઇએ ત્યાં કેમ હોતા નથી????
૪. કેદ લાગે છે
ધરતીનો છેડો ઘર આજે કેદ લાગે છે,
તારી અપરંપાર લીલાનો કોઇ ભેદ લાગે છે.
શાકભાજીની હાટડી, કરિયાણાની છે બોલબાલા,
અંતર રાખી કલાકો રાહ જોવામાં ખેદ લાગે છે
ચારેકોર ભડક્યા ધુમાડા, આગ તો લાગી જ છે,
એની શાનમાં ગુસ્તાખી કર્યાનો કોઇ છેદ લાગે છે
આકાશ ચૂમ્યા, દરિયા ભેદ્યા, પાતાળ ખોદ્યા,
નક્ષત્રોની પાર જવાની જીદનો આ મેદ લાગે છે.
૫. કૉરોના, કૉરોના, કૉરોના,
કૉરોના, કૉરોના, કૉરોના,
એનાથી બહુ ડરોના,
ઘરમાં શાંતિથી રહોને,
કૉરોના, કૉરોના, કૉરોના,
સાચી વાતો માનોને,
અફવાઓને છાની રાખોને,
મેસેજ ફૉર્વર્ડ કરોના,
કૉરોના, કૉરોના, કૉરોના,
કચરાં-પોતાં કરોને,
સફાઇ ઘરની કરોને,
ઘરમાં મદદ કરોને,
હાથ વારંવાર ધોઓને.
કૉરોના, કૉરોના, કૉરોના,
ગુસ્સો ઓછો કરોને,
વ્હાલથી વાત કરોને,
હળવાશથી થોડું રહોને.
કૉરોના, કૉરોના, કૉરોના,
સંગીત થોડું સાંભળોને,
વાંચવા જેવું વાંચોને.
પેઇન્ટીંગ કોઇ કરોને.
કૉરોના, કૉરોના, કૉરોના,
ચાલવાનું થોડું રાખોને,
ધ્યાનમાં થોડું બેસોને,
યોગ થોડા કરોને,
તબિયત જરા સાચવોને.
કૉરોના, કૉરોના, કૉરોના,
શાંતિથી ઊંઘી જાઓને,
વહેલાં ઊઠી જાઓને,
ભજન થોડા ગાઓને,
ભીતરથી હેઠાં ઊતરોને.
કૉરોના, કૉરોના, કૉરોના,
શાકભાજી વિના ચલાવોને,
ગ્રીન ટી -કૉફી પીવોને,
કો’ક દિ ઉપવાસ કરોને,
જે મળે તે જમોને,
વજન ઓછું કરોને.
કૉરોના, કૉરોના, કૉરોના,
પોલીસને સલામ કરોને,
નર્સને હાથ જોડોને,
ડૉક્ટર્સને પગે પડોને,
મિડિયા માટે દુઆ કરોને,
કૉરોના, કૉરોના, કૉરોના,
છેટાં – છેટાં રહોને,
સંપથી સહેજ રહોને,
જીવન હાથમાં રાખોને.
કૉરોના, કૉરોના, કૉરોના,
બહુ બોલ બોલ કરોના,
દિશાઓ થોડી બદલોને,
હવે બંધ થાઓને.
કૉરોના, કૉરોના, કૉરોના,
6 thoughts on “કૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી”
એક્દમ સરસ કાવ્ય
કોરોના ને સર્વ બાજુ થી વર્ણ્વી લીધો. અભીનન્દન્.
આપના પ્રતિભાવોથી સર્જનને બળ મળે છે.
ધન્યવાદ.
Excellent expression on present scenario of the reality of the ” Corona”.U have excellent skill of telling serious happenings to a light way. Congrats.
વર્તમાન વર્તાતિ વિપત્તિઓને વાસ્તવિક્તાથિ જુદિ જુદ રચનાઓ દ્વારા સુન્દર રરજુઆત !
ખૂબ સરસ