જન્મકુંડળી – તોરલ રાજપૂત

મુંબઈ શહેર, સપનાંંઓનું શહેર કે પછી માયાનગરી. જ્યાં રોજ હજારોની સંખ્યામાં લોકો પોતાના સપનાઓ લઈને આવે, સદ્દનસીબે કોઈના સપના સાકાર પણ થઈ જાય તો કોઈના સપના મુંબઈની લોકલ ટ્રેનની ભીડમાં જ ખોવાઈ જાય.

અદિતી જોષી અને માધવ પટેલ, સપનાઓની પેટીઓ ભરીને મુંબઈ શહેરમાં આવેલા બે નામ. બંને એક જ આઇ.ટી. કંપનીની નાનકડી ઓફિસમાં કામ કરતાં.

અદિતી જોષી, અત્યારની ફેશનેબલ કહેવાતી દુનિયામાં ભાગ્યે જ જોવા મળતી છોકરી, સામાન્ય દેખાવ, અંતર્મુખી સ્વભાવ, વાતોમાં ભોળપણ, બાળક જેવું મીઠું સ્મિત, હરણ જેવી ચંચળ નખરાળી આંખો કે જેના રહસ્યમાં ડૂબવાનું મન થાય અને ઊડીને આંખે વળગે એવી તેની સાદગી.

અને માધવ પટેલ, નામ પ્રમાણે જ ગુણ, કૃષ્ણ જેવું વ્યક્તિત્વ,રંગે જરાક શ્યામ પણ મોહક, બધાનો લાડકવાયો, હસતી આંખો અને હસતો ચહેરો, લોકોથી ઘેરાયલો રહેતો માણસ.

માધવ અને અદિતી વચ્ચે માત્ર એક જ સામ્યતા હતી, બંનેનું વતન અમદાવાદ હતું અને માધવને અદિતી સાથે વાતો કરવા અને મિત્રતા કેળવવા માટે આટલું પૂરતું હતું, કહેવાય છે ને કે પરદેશમાં પોતાના વતનનું ઢોરું પણ વહાલું લાગે જ્યારે અહીતો માધવ અદિતી માટે જીવતો જાગતો માણસ હતો.

બધા સાથે બહુ થોડું વાત કરતી અદિતી, માધવ સાથે કલાકોના કલાકો વાત કરવા બેસી જતી. મુંબઈના વડાપાઉંથી માંડીને માણેકચોકના પાઉંભાજી સુધી, શાળામાં કરેલા તોફાનથી લઈને જિંદગીમાં પહેલીવાર કોલેજમાં મારેલા બંક સુધીની વાતો. અદિતીની વાતોમાં ભોળપણ હોતું જ્યારે માધવની વાતોમાં પરીપક્વતા. બંનેને એકબીજાની આદત પડવા લાગી હતી અને માધવને એ સ્વીકારતા વાર ન લાગી કે આ આદત બીજું કઈ નહી પણ પ્રેમ છે.

એક જાણીતી પંક્તિ છે, માત્ર એક ટકો જ જોઈએ મોહબ્બતમાં બાકીના નવ્વાણું ટકા ખર્ચી નાખ હિમ્મતમાં. લગભગ અરીસા સામે કરેલા ત્રીસ દિવસના રિહર્સલ પછી માધવે એક શુભ દિવસ નક્કી કરી જ લીધો. સાંજના પાંચ વાગ્યાનો સમય હતો, ઓફિસમાં ગણીને માત્ર માધવ અને અદિતી જ હતા, માધવ બધું કામ પરવારીને બેઠો હતો અને અદિતી હજું પણ કોમ્પ્યુટર પર કામ કરવામાં મશગુલ હતી.

“માધવ, આજે વાત કરવા નહીં બેસાય, મારે હજી પાંચ-દસ મિનિટ લાગશે કામ પૂરું કરતાં” અદિતીએ કહ્યું.

“ના, આજે થોડી અગત્યની વાત કરવી છે તારી સાથે, આમ કહું તો જીવન મરણની વાત છે, વાંધો નહી હું રાહ જોઉ છું” માધવે કપાળ પર આવેલા પરસેવાને લૂછતાં કહ્યું.

ફુલ એ.સી.ની કેબિનમાં માધવને પરસેવો છૂટી રહ્યો હતો, જાણે હમણાં જ ધોઈને નીચવેલો શર્ટ પહેર્યો હોય. હ્રદય છેક મોઢા સુધી આવી ગયું હતું અને તેના ધબકારા કાન સુધી સંભળાઈ રહ્યા હતા

“હા તો, બોલ હવે તારા જીવન મરણની વાત” ખુરશીની દિશા માધવ તરફ વાળતા અદિતીએ કહ્યું.

“એમાં તો એવું છે ને….” કપાળે છૂટેલા પરસેવાની નીકને ફરીથી લૂછતાં માધવે કહ્યું.

“શું થયું? તારી તબિયત તો બરાબર છે ને” અદિતીએ કહ્યું.

ઊંડા શ્વાસ સાથે થોડી હિમ્મત ભરીને માધવે સ્વસ્થ થતાં કહ્યું, મારી તબિયતને શું થવાનું! જો અદિતી, આપણે એકબીજાને બે વર્ષથી ઓળખીએ છીએ, તું મારા વિષે લગભગ બધુ જાણે છે, તારી સાથે જ્યારે વાતો કરતો હોવ છું ત્યારે ચહેરા પર બીજો કોઈ મુખવટો નથી હોતો, ઓફિસમાં પગ મુકતાની સાથે જ મારી આંખો તને શોધતી હોય છે. તને એક દિવસ પણ ના મળું તો એ આખો દિવસ વિતાવવો મારા માટે અસહ્ય બની જાય છે. મારા હિસાબે આ સંબધ માત્ર મિત્રતાનો નહીં પણ તેનાથી પણ વિશેષ છે અને જો તું ઈચ્છે તો તે લગ્નમાં પરિણમી શકે છે અને જો તારી ના હોય તો આ વાતને અહી જ પૂર્ણવિરામ મુકાઈ જશે, આપણે એક સારાં મિત્ર જ રહીશું.

અદિતી માધવની સામે જોઈ જ રહી.

“એટલે…. તને હું ગમુ છું એમ, પણ કઈ રીતે? હું તો એટલી સારી પણ નથી દેખાતી, મારે તો દાંતમાં બ્રેસીઝ પણ છે જો…..” અદિતીએ દાંત બતાવતા કહ્યું.

ગંભીર વાતાવરણને માધવના ખુલ્લા હાસ્યએ હળવું કરી નાખ્યું, “તારી આ જ વાતો, તારા ભોળપણના પ્રેમમાં છું હું.”

“સારું,સારું…. મને થોડો સમય આપ હું તને વિચારીને જવાબ આપીશ” અદિતીએ છણકો કરતાં કહ્યું.

અને બે મહિનાના લાંબા વિચાર પછી અદિતીએ માધવને કહી જ દીધું, “જો માધવ, તું એટલો હેન્ડસમ તો નથી દેખાતો, પણ બહુ વિચાર્યા પછી એક વાત તો નક્કી છે કે તું મારા જીવનસાથી તરીકે એકદમ પરફેક્ટ છે.”

“બડી મહેરબાની આપકી મોહતરમા” માધવે શાયરાના અંદાજમાં જવાબ આપ્યો.

અદિતીએ વાતને આગળ વધારતા કહ્યું, ”પ્રેમમાં આમ તો કોઈ શરત નથી હોતી તેમ છતાં મારી એક શરત છે માધવ. આમ જોઈએ તો આપણી જ્ઞાતી એક નથી, મારા મમ્મી પપ્પા બહુ આધુનિક વિચારવાળા માણસો છે કદાચ આ વાત નીકળશે પણ નહીં, પણ જો મારો પરિવાર આપણા સંબધને સમ્મતિ નહીં આપે તો હું તારી સાથે લગ્ન નહીં કરી શકું.”

“તું મારી મિત્ર અને મારી પ્રેયસી છે અને મારી ભાવિ પત્ની બનતા પહેલા તારા મમ્મી પપ્પાની દીકરી છે મને તારી આ શરત મંજૂર છે” માધવે બહુ આદરથી કહ્યું.

મોડર્ન કપડાં પહેરતા લોકોના વિચારો પણ મોડર્ન જ હોય એવું જરૂરી નથી, સદનસીબે અદિતી અને માધવના પરિવારે બંનેના સંબંધને સ્વીકારી લીધો. પણ ભગવાનને અહી થોડી ટીખળ કરવાનું સૂજ્યું અને લવસ્ટોરીમાં આવ્યો “વિલન“

અને વિલન કોઈ માણસ નહીં પણ કાગળનો એક ટુકડો હતો “જન્મકુંડળી”.અદિતી અને માધવની કુંડળી મળતી નહતી. જ્યોતિષની ભાષામાં કહીએ તો કુંડળીમાં નાડીદોષ બતાવતાં હતા. અને દોષને ઉકેલવાનો સર્વોત્તમ ઉપાય હતો લગ્નને અટકાવી દેવા. અદિતીના પરિવાર તરફથી સંબંધ પર કાયમ માટે પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યું.

માધવને અદિતીની શરત યાદ હતી. છેલ્લીવાર જ્યારે માધવ અદિતીને મળ્યો, ત્યારે અદિતીની ચંચળ આંખો સાવ સૂકાયેલી હતી. કોઈ આસું સાર્યા વગર પણ રડી શકે તે માધવે પહેલીવાર અનુભવ્યું હતું.

લગભગ ત્રણ મહિના વિતી ગયા, આમ જોઈએ તો, સાચો પ્રેમ હંમેશા જીતી જતો હોય છે કોઈ તેને હરાવી શકે તો એ છે માત્ર માણસનું અભિમાન. હું શું કામ પહેલા મેસેજ કરું? હું શું કામ પહેલા એની પાસે જાઉં? આ આપણો “ઈગો” તો હોય છે જે પ્રેમને પાંગરતા પહેલા જ પીંખી નાખે છે.

સદભાગ્યે માધવના કિસ્સામાં પ્રેમ જીતી ગયો. માધવ અદિતીના પપ્પા પાસે છેલ્લીવાર વાત કરવા ગયો કદાચ છેલ્લીવાર કિસ્મતને અજમાવવા. ભગવાન પણ તેને જ મદદ કરે છે જે પોતાની મદદ કરવા તૈયાર હોય.

માધવે પોતાની વાત કહેવાની ચાલુ કરી, “અંકલ, હું સમજું છું તમે આ સંબધ કેમ નકાર્યો દરેક પિતાને પોતાની દીકરીના ભવિષ્યની ચિંતા હોય. અને આમ તો કહેવાયું છે ને, પ્રેમ સાચો હોય તો તેને જવા દેવો જોઈએ જો એ ખરેખર સાચો પ્રેમ હશે તો તમારી જિંદગીમાં ફરી પાછો આવશે પણ અહી પ્રશ્ન એ છે કે પ્રેમ હોય તો એને જવા જ શા માટે દેવો? કદાચ અદિતીને મારા કરતાં પણ સારો છોકરો મળી જશે પણ શું અદિતી ખુશ રહી શકશે? સાચે જ, બધુ ભૂલી જશે?

હૃદય મળે કે ન મળે, પ્રેમ હોય કે ના હોય પણ કુંડળી મળવી જોઈએ આ શ્રદ્ધાનો વિષય છે કે અંધશ્રદ્ધાનો એ હું નથી જાણતો. બિલાડી રસ્તો કાપે તો અપશુકન થાય તો ક્યારેક બિલાડીને નહીં થતું હોય કે અરેરે… માણસે રસ્તો કાપ્યો.

માધવની અદિતીના પપ્પા સાથેની આ મુલાકાતે માધવ અને અદિતીના નસીબની રેખાઓ બદલી નાખી.બંનેના પરિવાર તરફથી લગ્નની મંજૂરી મળી ગઈ. માધવ અને અદિતીના ધામધૂમથી લગ્ન થયા.

આજે લગ્નના પાંચ વર્ષ પછી, માધવ અને અદિતીના દાંપત્યજીવનમાં એક નાનકડું ફૂલ ખીલ્યું છે અને એ ફૂલ છે એમની પરી જેવી નાનકડી દીકરી મીરાં.

અને આ નાનકડી ઢીંગલી જાણે એ વાત કહેતી હોય કે લગ્ન પહેલા કદાચ કુંડળી નહી મળે તો ચાલશે પણ પ્રેમના તો છત્રીસે છત્રીસ ગુણ મળવા જોઈએ.

– તોરલ રાજપૂત

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “જન્મકુંડળી – તોરલ રાજપૂત”

Copy Protected by Chetan's WP-Copyprotect.