દાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે

ભારતના સંદર્ભમાં દાર્શનિક સાહિત્યનું અધ્યયન બહુ જ વૈવિધ્યસભર અને રસપ્રદ છે.  આ અધ્યયનને રાષ્ટ્રીય મૂલ્યો, સંસ્કૃતિ, સંસ્કાર અને પરંપરાઓના પરિપ્રેક્ષ્યમાં જોઈએ.

ભારત અને ભારતીયતા:  

સમગ્ર વિશ્વને ભારત અને ભારતીયતાનો અર્થબોધ અનેકવિધ દૃષ્ટિકોણ અને દર્શન અનુસાર થઇ શકે છે.

ભારત નિરંતર અભ્યાસનો વિષય છે. હિન્દ મહાસાગર અને હિમાલય મધ્યે સ્થિત દેશ ‘ભારત’ તરીકે સુવિદિત છે. ભારત કેવળ પૃથ્વીનો એક અંશ છે એમ કહેવું પર્યાપ્ત નથી. કોઈપણ ભારતીય ભલે વિશ્વના ગમે તે સ્થળે વસતો હોય પણ તેના હૃદયમાં ભારત કાયમ વસતું હોય છે. આમ ભારત સાથે એક વિશ્વવ્યાપી વિભાવના વ્યાપ્ત છે જેનો સ્વીકાર ભારતીય ન હોય તે પણ મુક્ત મનથી કરે છે! ભારતમાં વસતો દરેક ભારતીય ભારતને અને ભારતીયતાને શ્વસે છે. ‘ભારત’ની વ્યાખ્યા કાવ્યમય શૈલીમાં આપતાં આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપાઈ કહે છે: ‘ભારત ફક્ત જમીનનો ટુકડો નથી, તે જીવંત રાષ્ટ્રપુરુષ છે, હિમાલય તેનું મસ્તિષ્ક છે, ગૌરીશંકર તેની શિખા છે, કાશ્મીર તેના શિરે કિરીટ (મુકુટ) છે, પંજાબ અને બંગાળ તેની બે વિશાલ ભુજાઓ છે. દિલ્હી તેનું દિલ છે, વિંધ્યાચળ કટી છે, તો નર્મદા કટીમેખલા. પૂર્વ અને પશ્ચિમની પર્વતમાળાઓ તેની બે વિશાળ જંઘાઓ છે, કન્યાકુમારી તેના ચરણ છે, સાગર તેના પગ પખાળે છે, વર્ષાનાં કાળાં ડીબાંગ વાદળાં તેના કુંતલ કેશ છે. ચંદ્ર અને સૂરજ તેની આરતી ઉતારે છે. મલયાનિલ તેને ચામર ઢોળે છે. આ વંદનની ભૂમિ છે, અભિનંદનની ભૂમિ છે. આ તર્પણની ભૂમિ છે, આ અર્પણની ભૂમિ છે. તેનો પ્રત્યેક કંકર શંકર છે, તેનું દરેક ટીપું ગંગાજળ છે. અમે જીવશું તેના માટે અને મરશું પણ તેના જ માટે.’ આવી ભાવસભર ભૂમિની પાવન અનુભૂતિ ભારતીયતાની આગવી ઓળખ છે. ‘ભારતીયતા’ ઘણાં પરિમાણો ધરાવતો, અનેક અર્થો ધરાવતો અને વિવાદાસ્પદ સમ્પ્રત્યય છે.

ભારતીયતાને સમજવા માટે ભારતીય જીવન દર્શનને સમજવું અત્યંત આવશ્યક  છે. તેના આધારભૂત સિદ્ધાંતો છે: સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, આસ્વાદ, અપરિગ્રહ અને અભય. ગાંધીવાદને ભારતીયતા કહી શકાય. જીવંત યથાર્થ જ ભારતીયતા છે. ભારતીયતાની અભિવ્યક્તિ તેની સંસ્કૃતિ (ધર્મ) દ્વારા જ થઇ શકે. 

ભારતની ભાવધારા અખંડ અહોરાત્ર વહે છે. એ વિચારધારાને સમજવા માટે ભારતીય જીવન મૂલ્યો, સંસ્કૃતિ, સંસ્કાર અને પરંપરામાં અવગાહન કરી તેનો વિશદ પરિચય પામવો પડે. સાથોસાથ ભારતનો સર્વાંગી ખ્યાલ મેળવવા માટે ભારતીય સાહિત્ય, કળા, ધર્મભાવના, સંવેદનો અને સમસ્યાઓ, ચિંતન-મનન, શિક્ષણ તથા આદર્શના સંદર્ભમાં જાણવું પણ અનિવાર્ય છે. પરંતુ અહીં પ્રસ્તારને મર્યાદિત કરવાના આશયથી આ અભ્યાસને ‘દાર્શનિક સાહિત્યમાં ભરતીયતા’ સુધી સીમિત રાખવામાં આવ્યો છે.

ભારતીયતા વિષે અનેક વિદ્વાનોએ પ્રકાશ પાડ્યો છે, જેમ કે: સ્વામી વિવેકાનંદ, અરવિંદ ઘોષ, ગાંધીજી, રવીન્દ્રનાથ ટાગોર, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન, ડૉ. નગેન્દ્ર, પ્રેમચંદ, ડૉ. હજારીપ્રસાદ દ્વિવેદી, ડૉ. હર્ષદેવ માધવ વગેરે ઉપરાંત ગુજરાતી વિદ્વાનોમાં ગોવર્ધનરામ ત્રિપાઠી, ઉમાશંકર જોશી, ક.મા.મુનશી, ઝવેરચંદ મેઘાણી, મનુભાઈ પંચોળી (દર્શક), નરેશ વેદ, રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ, પ્રવીણ દરજી, પ્રશાંત બ્રહ્મભટ્ટ, રમણ સોની, નીતિન વડગામા, બિપિન આશર, બળવંત જાની, દીપક પટેલ, સુનીલ જાદવ વગેરેનો સમાવેશ થાય છે.

ભારતીય એટલે ભારતની, ભારત સાથે ભાવાત્મક સંબંધથી જોડાયેલી વ્યક્તિ. એવી વ્યક્તિ ભારતીય સંસ્કૃતિના સોળ સંસ્કારોને માનનારી અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જેવા પુરુષાર્થોનું શ્રદ્ધાથી પાલન કરતી હોય છે. આ વિભાવનાને ડૉ.નરેશ વેદ વધારે સારી રીતે સ્પષ્ટ કરે છે. ગાંધીજીના ‘વૈષ્ણવ જન…’ માં ભારતીયની અનેરી ઓળખ મળે છે.

વિશ્વના ફલક પર ભારતની આગવી ઓળખ તેનાં રાષ્ટ્રીય મૂલ્યો થકી છે, તેની યુગો જૂની સંસ્કૃતિ થકી છે. ભારતીયોના ભાતીગળ સંસ્કાર અને વિવિધતાની પરિચાયક એવી ભિન્નતામાં એકતા દર્શાવતી પરંપરા થકી છે. તેનું વારસાગત વર્ધમાન એવું અનેરું, અદભુત, રહસ્યમય આધ્યાત્મિક જ્ઞાન અને સાહિત્ય,  તેનાં શાસ્ત્રો, વેદ, વિવેક, પુરાણો, ઉપનિષદો, ભાષ્યો, મહાભારત, રામાયણ, ગીતા, આર્ષદૃષ્ટિ અને દર્શન થકી છે. તેની આત્મસાક્ષાત્કારની વિચારધારા, બ્રહ્મ, પરબ્રહ્મ અને બ્રહ્માંડની પેલે પારના રહસ્યો પામવાની અનંત જીજ્ઞાસા થકી છે. તે વૈશ્વિક સ્તરથી પણ ઉપરની છે. ભારતીય મેધા, પ્રજ્ઞા અને ગહન દર્શન જેટલું બાહ્ય છે  તેનાથી અદકેરું આંતરિક છે, ભીતરનું છે. જે  પિંડથી બ્રહ્માંડ સુધી ‘સ્વ’ની ઓળખ દર્શાવે છે.   

ભારતીય દર્શન અને દાર્શનિક સાહિત્ય:

દર્શન તર્કયુક્ત, પદ્ધતિસર અને સુવવ્યસ્થિત વિચારવાની કળા છે. દર્શનશાસ્ત્ર એવું જ્ઞાન છે કે જે પરમ સત્ય અને પ્રકૃતિના સિદ્ધાંતો અને તેના કારણોની વિવેચના કરે છે. દર્શન યથાર્થને (Reality) જોવા-તપાસવા માટેનો એક દૃષ્ટિકોણ છે. દર્શનશાસ્ત્ર સામાજિક ચેતનાનું એક સ્વરૂપ છે. દર્શન બહુ વિષયક વિશ્લેષણ છે. दृश्यतेह्यनेनेति दर्शनम् (दृष्यते हि अनेन इति दर्शनम्). સત અને અસત પદાર્થો વિશેનું જ્ઞાન જ દર્શન છે. જે વ્યક્તિ દર્શન પર ચિંતન અને મનન કરે તે દાર્શનિક છે.  

ભારતીય જીવનદર્શનનો ઈતિહાસ બહુ જ પ્રાચીન છે. પણ ‘દર્શનશાસ્ત્ર’ શબ્દનો ઉપયોગ સહુ પ્રથમ પાયથાગોરસે કર્યો હતો. પ્લેટોએ વૈજ્ઞાનિક સ્વરૂપમાં તેનો વિકાસ કર્યો. દર્શનશાસ્ત્રનું ક્ષેત્ર અનુભૂતિનું ક્ષેત્ર છે. તેમાં આંતરિક અને બાહ્ય જગતના અનુભવોનું પૃથ્થકરણ છે. દર્શનના મુખ્ય વિષય બાહ્ય જગત, ચેતન, આત્મા અને પરમાત્મા છે. એ પહેલાં તે વિષય સર્જક અને સર્જનહાર હતો. પછી મધ્યકાળમાં તે આત્મા અને પરમાત્મા બન્યો. વર્તમાન સમયમાં તે પુરુષ અને પ્રકૃતિ, વિષયી અને વિષય વચ્ચેનો સંબંધ – વિવેચનાનું કેન્દ્ર છે. ગ્રીસમાં પ્રાચીનકાળમાં ભૌતિક, તર્ક અને નીતિ એવા ત્રણ ભાગમાં દર્શનશાસ્ત્રની ઓળખ હતી. મન, માયા અને મહેશ્વર (જીવ, જગત અને ઈશ્વર) આ ત્રણેય સ્વરૂપોનું અને તેમના પારસ્પરિક સંબંધોનું નિરૂપણ અને પરીક્ષણ દર્શનશાસ્ત્રનું મુખ્ય કર્તવ્ય છે.

દર્શન અને તત્ત્વજ્ઞાન :

તત્ત્વજ્ઞાન એટલે જીવન સત્યનું દર્શન. તે કેવળ બૌદ્ધિક નથી. તે આધાર જીવન રચી આપે છે. તત્ત્વજ્ઞાનમાં (મેટાફિઝિક્સ) જ્ઞાન ઉપરાંત જ્ઞાતા અને જ્ઞેયનું અસ્તિત્વ છે કે નહીં? અંતિમ સત્તાનું સ્વરૂપ કેવું છે અને તે એક જ છે કે તેના એકથી વધારે પ્રકારો છે?

આધુનિક સમયમાં કાંટે કર્તવ્યના પ્રત્યયને મૌલિક પ્રત્યય કહ્યો. જયારે તૃપ્તિ અથવા પ્રસન્નતાનું મૂલ્યાંકન વિવાદનો વિષય બની ગયો છે.

આધુનિક કાળમાં વિચારકોને જ્ઞાનમીમાંસા વધારે આકર્ષે છે.

‘દર્શન’ શબ્દને અનુભવ અને અનુભૂતિ સાથે ગહન સંબંધ છે. દર્શન એટલે મનની જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા, આત્માની અનુભૂતિ દ્વારા તત્ત્વોનો સ્વીકાર. તે એક જ સત્યને જાણવાના, જોવાના વિવિધ માર્ગો છે. સંસારિક અને પારમાર્થિક એવા બંને પ્રકારના સુખ પ્રાપ્ત કરવાનો માર્ગ દર્શાવે છે દર્શન. તેને માટે અંગ્રેજીમાં ‘ફિલોસોફી’ (PHILOSOPHY) શબ્દ પ્રયોજાય છે જેનો અર્થ છે જ્ઞાન પ્રત્યેનો પ્રેમ. તે ઈશ્કે હકીકી છે, દિવ્ય પ્રેમ છે. દર્શનને જીવ, જગત અને ઈશ્વર સાથે સંબંધ છે. તે તત્ત્વજ્ઞાનની વિચારધારા છે. દર્શનશાસ્ત્ર સાધન છે, સાધ્ય નથી. દર્શનમાં તત્ત્વજ્ઞાન છે અને તેમાં અદભુત રહસ્ય છે.

‘એ દર્શન કલ્યાણકારી ગણાય જે સમગ્ર જીવનની વ્યાખ્યા કરે. તત્ત્વો તથા મૂલ્યોને સ્પષ્ટ કરે. વ્યક્તિ તથા પ્રજાને જીવન જીવવા પુરુષાર્થ, શૌર્ય, શક્તિ, સાહસ, ધીરજ અને ઈચ્છાશક્તિની પ્રેરણા આપે. જે વિચારોથી પ્રજા મહાન બને, અન્યાય કે અત્યાચારનો પ્રતિકાર કરવાની ક્ષમતા મેળવે તેવા વિચારો જગાડે.’

વૈશ્વિક સ્તરે જોઈએ તો મુખ્ય દર્શનમાં ભારતીય દર્શન, ધર્મ દર્શન, ગ્રીસનું(યૂનાની) દર્શન, પાશ્ચાત્ય દર્શન, ચીની દર્શન અને સ્ટોઇક દર્શનને ગણાવી શકાય. તદુપરાંત આ સંદર્ભમાં અન્ય ‘-વાદ’ અને મીમાંસાનો પણ અભ્યાસ થયો છે (જેમ કે : અનુભવવાદ, વિવેકવાદ, પરીક્ષાવાદ, ભૌતિકવાદ, પ્રત્યયવાદ, અજ્ઞેયવાદ, સંશયવાદ વગેરે). મીમાંસા એટલે સત્યની શોધ.

ભારતીય સાહિત્ય: (ભારતીય દર્શન)

સાહિત્ય માત્ર માનવ મનની યાત્રા છે. મનુષ્યની ચેતનાનો અનુભવ અને તેનાં સ્પંદનો સાહિત્યમાં પ્રતિબિંબિત થતા હોય છે. ખરેખર કહીએ તો સાહિત્ય માનવ સંસ્કૃતિનું દર્પણ છે.

ભારતીય સાહિત્યમાં ભારતીય સંવેદનાઓનું આલેખન જોવા મળે છે. તેમાં ભાષા કે પ્રાંત અવરોધક બનતા નથી! ભારતીય સાહિત્ય ઇયત્તા અનુસાર પ્રેમ, નારી શક્તિની વંદના કરે છે. ભારતીય નારીને મમતા, કરુણા, ક્ષમા, દયા, ત્યાગ, ઉદારતા, ધીરજ, ભક્તિભાવ, સહનશીલતા અને પ્રેમની જીવંત મૂર્તિ માનવામાં આવે છે. આ સર્વ ભારતીય સંવેદનાઓ છે. એ સંવેદનાઓ કાલિદાસની ‘અભિજ્ઞાન શાકુંતલમ’, ભવભૂતિની ‘ઉત્તરરામચરિત’, રવીન્દ્રનાથ ટાગોરની ‘ગોરા’, શરદબાબુની ‘વિપ્રદાસ’ અને ‘દેવદાસ’, રમાકાંત રથની ‘શ્રી રાધા’, ગોવર્ધનરામ ત્રિપાઠીની ‘સરસ્વતીચંદ્ર’, મૈત્રેયીદેવીની ‘ન હન્યતે’, જયશંકર પ્રસાદની ‘કાયાની’ વગેરે કૃતિઓમાં પામી શકાય છે.

આ સાહિત્ય માનવતા, મહાનતા અને ઉદાત્તતાનો સ્વીકાર કરે છે. તે વ્યક્તિના સદગુણોને પ્રશસ્ત કરે છે. તેણે માનવ્ય દોષો કરતાં મનુષ્યત્વને પ્રાધાન્ય આપ્યું છે. ભગવતીચરણ વર્મા તેમની નવલકથા ‘ચિત્રલેખા’માં કહે છે ‘ન માણસ પાપ કરે છે, ન પુણ્ય કરે છે, તે તો ફક્ત એ જ કરે છે જે તેણે કરવું પડે છે.’   

ઇન્દ્રનાથ ચૌધરીએ ભારતીય સાહિત્યમાં ભારતીયતાના સંદર્ભમાં જે મુખ્ય મુદ્દાઓ દર્શાવ્યા છે:  આધ્યાત્મિક દૃષ્ટિ, રહસ્યમય પ્રતીકો-રૂપકો, અદ્વૈત, આદર્શવાદ અને માનવતાવાદ.

બધા ભારતીય દર્શનો માને છે કે અજ્ઞાન બંધનનું કારણ છે. જ્ઞાનથી માનવી મુક્ત થાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થમાં ધર્મ અને મોક્ષ મુખ્ય છે. જયારે અર્થ અને કામ તો આનુષંગિક છે. મુક્તિ ભારતીય દર્શનોનું પરમ લક્ષ્ય રહ્યું છે. શુદ્ધ નૈતિક જીવન પર પણ બધા ભારતીય દર્શનો ભાર મૂકે છે. બૌદ્ધ ધર્મ અને જૈન દર્શન શુદ્ધ આચાર-વ્યવહાર પર વધારે ભાર મૂકે છે.

આ ધરા પર વસતા પ્રત્યેક માનવને પ્રેમ અને શાંતિનો પથ દર્શાવે છે ભારત. ભારતનું જીવન દર્શન એક શ્લોકમાં આ રીતે વ્યક્ત થયું છે:

સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા:|
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદદુ:ખભાગ્ભવેદ્ ||

સહુ સુખી થાય, સહુ નીરોગી રહે, સહુ મંગળ અનુભવ કરે, કોઈને પણ દુઃખનો અનુભવ ન કરવો પડે. આ ભાવ ભારતીયતાની વિશિષ્ટતા છે.

ભારતની પ્રજાની અધ્યાત્મભાવના અદ્વિતીય છે. તે ઈશ્વરને સ્વીકારે છે. તેઓએ ધર્મ, અર્થ, કામને ભોગવીને અંતે તો મોક્ષને જ જીવનનું અંતિમ લક્ષ્ય માન્યું છે. તેમના જીવનમાં ભક્તિને અનેરું સ્થાન છે. ભારતીય જનોની આ પ્રકારની આધ્યાત્મિક, ધાર્મિક અને વિશિષ્ટ જીવનદૃષ્ટિને મૂર્ત કરતા સંવેદનો તુલસીદાસ, સૂરદાસ, કબીર, શંકરદેવ, ચંડીદાસ, તુકારામ, નરસિહ, મીરાં, અખો, દયારામ વગેરે ભક્ત-કવિઓની રચનાઓમાં નિરુપિત છે. તે જ રીતે તમિલ ભાષાનું ‘સંગમ સાહિત્ય’, કન્નડ ભાષાનું ‘વચન સાહિત્ય’, ઈતર પ્રાંતોની ભાષાઓનું ‘ભજન સાહિત્ય’, ખોજા-વ્હોરા અને મુસ્લિમોનું ‘ગિનાન અને નસીયત’ સાહિત્યમાં પણ આ પ્રકારના ભારતીય સંવેદનો આલેખાયા છે જે ભારતીયતાની ઝાંખી કરાવે છે.

આપણી રાષ્ટ્રીયતા. (ભારતીયતા) :

ડૉ. લક્ષ્મીકાંત સિંઘવી પોતાના પુસ્તક ‘ભારત ઔર હમારા સમય’ માં લખે છે કે: ‘ભારતવર્ષ એક સનાતન ચિંતન, સનાતન વિચાર, સનાતન દૃષ્ટિ સનાતન આચાર અને સનાતન યાત્રા-પથ પણ છે. ભારત માત્ર એક ભૂખંડ જ નથી, કેવળ ભૌગોલિક એકમ જ નથી, કેવળ એક રાજનૈતિક સત્તા જ નથી પરંતુ મનુષ્યની મનુષ્યતાનો અભિષેક છે.’ ડૉ. સિંઘવીના વિચારોના અનુક્રમમાં જોઈએ તો આપણો દેશ એક ઇન્દ્રધનુષ છે કારણ કે ભારતમાં સદેવ સહિષ્ણુતાનું સામ્રાજ્ય રહ્યું છે. ભૌગોલિક અખંડતા આપણું નાગરિક કર્તવ્ય છે અને તે આપણી સંસ્કૃતિ અને રાજકીય નીતિથી અલગ નથી. એથી યે ક્યાંય ઉપર, એથી યે વધારે અપેક્ષિત છે રાષ્ટ્રીયતાથી ઓતપ્રોત એક દૃષ્ટિ. તેનો અર્થ છે – ભારતના લાખો કરોડો લોકોમાં અંતર્નિહિત, અંતર્ભૂત સંબંધ, તેમના પ્રત્યેની પ્રતિબદ્ધતા, તેમના પ્રત્યે સેવાની ભાવના – સંપર્ક, સહયોગ અને સંસ્કાર. આ ચારેય આપણી સંસ્કૃતિના મૂળ મંત્રો છે. આ મૂળ મંત્રો પ્રમાણે આચરણ કરીને આપણે રાષ્ટ્રીય જીવનનું નિર્માણ કરીએ અને રાષ્ટ્ર પ્રત્યે ભક્તિ, નિષ્ઠા, શ્રદ્ધા ધરાવીએ તો આપના રાષ્ટ્રીય જીવનમાં એક નવો અધ્યાય નિશ્ચિત સ્વરૂપે શરુ થઇ શકે છે.’

આજે કેટલાય પ્રકારનાં જોખમ આપણા ઉપર તોળાઈ રહ્યા છે. એ જોખમ બૌદ્ધિક પણ છે અને સંસ્કૃતિક પણ. સંસ્કૃતિક જોખમના મૂલ્યને ભૌગોલિક જોખમથી જરાય ઓછું ન આંકવું જોઈએ. ભાષાનું નામશેષ થઇ જવું એ કાંઈ જેવું તેવું જોખમ ન ગણાય. આપણી માન્યતાઓ, સંસ્કૃતિ, ભાષા નષ્ટ થઇ જાય તો આપણો સમાજ અને આપણી જાતિ નષ્ટ થઇ જાય. 

ભારતીય સંસ્કૃતિ: 

‘ભારતીય’ શબ્દનો સ્વાયત્ત અર્થ એવો છે કે જે ભારતીય વ્યક્તિની આંતરિક ભાવનાને પ્રગટ કરે છે. ‘ભારતીય’ શબ્દને સંસ્કૃતિક દૃષ્ટિકોણથી અનાવૃત કરવામાં આવે તો જ સાચા ‘ભારતીય’ની ઓળખ મળી શકે. ડૉ. સુનિલ જાદવ કહે છે: ‘ભારતીય સંસ્કૃતિનાં સોળ સંસ્કારોમાં માનનારી, પાલન કરનારી, ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ ચાર પુરુષાર્થો તથા આનંદ, સૌન્દર્ય અને નીતિનું આચરણ કરનારી, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સન્યાસાશ્રમ એ ચારેય આશ્રમ પ્રમાણે જીવન જીવનારી, માતા, પિતા, ગુરુને દેવતુલ્ય ગણી તેના પ્રત્યે પૂજ્યભાવ ધરાવનારી, માતૃભૂમિનું ગૌરવ અને તેની રક્ષા કાજે આત્મબલિદાન આપવા તત્પર હોય એવી વ્યક્તિને ભારતીય કહી શકાય.’ જે ભારતીય હોય તેનામાં આંતરિક સમૃદ્ધિ હોય છે. તે બચપણથી ફૂલ, પશુ-પંખી, નદી, પર્વત સાથે સ્નેહનો નાતો બાધે છે. તે ગાયમાતા, ચાંદામામા, સૂરજદાદા, વડદાદા, બિલ્લીમાસી, નાગદાદા સાથે સ્વજનભાવ દાખવે છે, સંવાદિતા સાધે છે. તે સહજ, ધૈર્યવાન, તત્પર, સહૃદય અને સહિષ્ણુ હોય છે.

ભારતીય પ્રજાના સંસ્કારો, ભાવનાત્મક ખ્યાલો, જીવનભાવના, પ્રકૃતિપ્રેમ, જીવનમૂલ્યો, વિશિષ્ટ સંવેદનો, સમાજ જીવન, કુટુંબભાવના, ચિંતનધારા દ્વારા જ એક ‘ભારતીય’ નો સાચો પરિચય સાંપડે. ટૂંકમાં કહીએ તો ભારતીય સંસ્કૃતિની વિવિધ વિચારધારાઓ પ્રમાણે જીવન જીવતા વિશ્વના કોઈપણ મનુષ્યને, ભલે  પછી તે ભારતનો હોય કે ભારત બહારનો હોય તેને, ‘ભારતીય’ કહી શકાય. એ મુજબ મધર ટેરેસા, એની બેસન્ટ, જે. કૃષ્ણમૂર્તિ, ફાધર વાલેસ વગેરે મહાનુભાવો પણ ‘ભારતીય’ છે.

ભારતીય સંસ્કારો: 

ભારતીય સંસ્કૃતિ માણસને સુસંસ્કૃત અને મહામાનવ બનાવવા માટે પ્રયત્નશીલ રહી છે. તેથી જ ભારતમાં જીવનને સોળ સંસ્કારો સાથે વણી લેવામાં આવ્યું છે. તેમાં ગર્ભાધાન, પુંસવન, સીમંતોન્નયન, જાતકર્મ, નામકરણ, કર્ણવેધ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૂડાકરણ, વિદ્યારંભ, ઉપનયન, વેદારંભ, કેશાંત (ગોદાન, સમાવર્તન અથવા સ્નાન), વિવાહ, વાનપ્રસ્થ અને સન્યાસ તથા અંત્યેષ્ટિ વગેરેનો સમાવેશ થાય છે. આ સંસ્કારો ભારતીયની ભારતીયતાના પરિચાયક છે.

ડૉ. નામવરસિંહ કહે છે કે ભારતીયતાને ધાર્મિક સંકુચિતતાથી મુક્ત કરવાની જરૂર છે. અને તો જ સાચા અર્થમાં ભારતીયતાને આત્મસાત કરી શકાય. કારણ કે આ એક એવો શબ્દ છે જે બુદ્ધિ કરતા મન સાથે વધારે સંબંધિત છે. તે હૃદયની ભાવના દ્વારા સમજવાનો વિષય છે.  

ભારતીય પરંપરા:

ભારતમાં પરંપરાનું આગવું સ્થાન છે. આ પરંપરા પેઢી દર પેઢી વિસ્તરે છે. અમુક પરંપરાનો વારસો અતૂટ છે જે આજે પણ જીવંત છે. પ્રાતઃ સ્નાન સમયે શ્લોકો ઉચ્ચારવા, ઈશ્વરનું  પૂજન, અર્ચન, ભજન, કીર્તન કરવું, તુલસી ક્યારે દીવો કરવો, આહાર ગ્રહણ કરતાં પહેલા ગૌગ્રાસ, ભૂ-ગ્રાસ આપવો, અભ્યાગત, અતિથિનો ઉચિત સેવા-સત્કાર કરવા, સ્વજનોના કલ્યાણ માટે આસ્થાપૂર્વક માનતા કે બાધા રાખવી, પંખીઓને ચણ અને ગાય-કૂતરાને અન્ન આપવું, ધાર્મિક દૃષ્ટિએ ઉપવાસ-એકટાણા કરવા, વાસ્તુ-પૂજન, મૃત્યુ સમયે મુખમાં ગંગાજળ મૂકવું, તર્પણ-શ્રાદ્ધ કરવું વગેરે પરંપરાઓ ભારતીય સંસ્કૃતિનો પરિચય આપે છે. તે સમાજ સાથે અભિન્નપણે સંકળાયેલી છે. એ સઘળી ભારતીયતાનો પર્યાય બની ગઈ હોય તેવી જણાય છે.

કર્મ અને પુનર્જન્મના સિદ્ધાંતોનો પણ ભારતીય દર્શનોએ સ્વીકાર કર્યો છે. રામાયણનાં પાત્રો રામ-કથા સ્વરૂપે પ્રત્યેક જનના હૃદયમાં સ્થાન પામી આદર્શ ભારતીય પરંપરા બની ગઈ છે.

સમાપન:

વિદ્યાનિવાસ મિશ્રની દૃષ્ટિએ : ‘અખંડતાનો ભાવ જ ભારતીયતા છે.’

જીવ માત્રને જીવવાનો પૂરો અધિકાર છે. ‘જીવો અને જીવવા દો’ જીવદયાનો આ ભાવ ભારતની વિશિષ્ટતા છે. સાથે રહીને સહુનો વિકાસ સાધવાની ઉચ્ચ ભાવના ભારત સિવાય અન્યત્ર જોવા નહીં મળે. ભારતીયતાની સરિતામાં અનેક સ્રોતોમાંથી જળ વહે છે અને તેમાં અસંખ્ય લોકોને પોષણ આપવાની ક્ષમતા છે. તેની પ્રેમ-ધારા અગણિત લોકોના પ્રેમ-સમર્પણ અને ત્યાગ ભાવનાથી અવિરત વહેતી રહે છે અને યુગો યુગો સુધી વહેતી રહેશે. આ જીવનદાયી દર્શન ભારતનો આત્મા છે. એ જ દર્શન કહે છે આત્મા અમર છે. પ્રત્યેક જીવ શિવ છે, પરમ ચેતનાનો અંશ છે.

— હર્ષદ દવે, વડોદરા.

૮૭૫૮૭ ૪૬૨૩૬, hdjkdave@gmail.com

=

તારીખ ૨ માર્ચ, ૨૦૨૦ નાં રોજ આણંદ પીપલ્સ મેડીકેર સોસાયટી અને શ્રી જે એમ પટેલ પી જી સ્ટડીઝ ઇન હ્યુમેનીટીઝ, આણંદ તથા અખિલ ભારતીય સાહિત્ય પરિષદના સંયુક્ત તત્વાવધાનમાં આયોજિત એક દિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠી ‘સાહિત્યમાં ભારતીયતા’ માટે મેં તૈયાર કરેલ શોધપત્ર.  

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “દાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.