રીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે

આજે રીડગુજરાતી વેબસાઇટ અને તેની સાથે મૃગેશભાઈએ શરૂ કરેલું આપણી ભાષાના સંવર્ધન અને પ્રસારનું આ અદ્રુત માધ્યમ અસ્તિત્વના પંદર વર્ષ પૂર્ણ કરી સોળમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. રીડગુજરાતી સાથે જોડાયેલા સર્વે સર્જકો, વાચકો, પ્રકાશકો, સંસ્થાઓ અને વડીલ સાહિત્યકારોનો ખૂબ ખૂબ આભાર, આપણા સર્વેનો સહિયારો પ્રયાસ મૃગેશભાઈએ અત્યંત હોંશથી વાવેલા અને ખંતપૂર્વક ઉછેરેલા આ વટવૃક્ષના મૂળ હેતુને સદા સર્વદા વળગી રહે એવી ઈશ્વરને પ્રાર્થના.. હેપ્પી બર્થડે રીડગુજરાતી.. પ્રસ્તુત છે ૨૦૦૫માં મૃગેશભાઈએ લખેલો હાસ્યલેખ રીપેરિંગ ડે.

(૨૨ ફેબ્રુઆરી, ૨૦૦૫ના રોજ મૃગેશભાઈ શાહે લખેલો એક હાસ્ય લેખ)

આજે મને ઓફિસ જવાની જરા ઉતાવળ હતી. એટલે સવારમાં સાડા પાંચ વાગતાં તો હું ઊઠી ગયેલો. મને થયું, લાવ જરા મને મારી ચા જાતે જ બનાવી લેવા દે. શ્રીમતીજી તથા નાનકો ને નેન્સી બધાં પોતપોતાના રૂમમાં હજી ગાઢ નિંદ્રામાં હતાં.

મેં ચા બનાવવા પાણી લેવા માટે માટલાની ચકલી ખોલી ત્યાં તો કોઈ સરકારી નળમાંથી પાણીની ઝીણી ધાર પડતી હોય એમ ધીમેધીમે ટીપું ચાની તપેલીમાં પડવા માંડ્યું. મને થયું, આ શું છે? શ્રીમતીજી જરાય કાળજી રાખતાં નથી, માટલું તો રાત્રે ભરીને સૂઈ જવું જોઈએ ને. એમ હું મનમાં બબડ્યો. માટલું ભરવું એ કંઈ મારું કર્તવ્ય નથી. આપણે તો ચા પૂરતું પાણી મેળવી લેવું એમ વિચારીને મેં એક્વાગાર્ડની સ્વીચ ઓન કરી. થોડી વાર ઊભો રહ્યો, પછી એક્વાગાર્ડના નળ પાસે ચાનો કપ ધર્યો. મને એમ કે હમણાં પાણી આવશે. ત્રણ મિનિટ થઈ. જાતજાતની લાલ – લીલી – પીળી લાઈટો થઈ. એક્વાગાર્ડમાંથી સંગીતના સૂર રેલાયા. પણ પાણીની ધાર તો બહાર ના જ નીકળી. ફરી પાછું મશીન બંધ કર્યું અને થોડી વાર રહી ફરી ચાલુ કર્યું. વળી પાછો એ જ ક્રમ. ભગીરથ જેમ શંકર ભગવાનની જટામાંથી ગંગાની ધાર થાય એમ રાહ જોતો ઊભો હતો એમ હું ઊંચે લગાડેલા એક્વાગાર્ડ સામે હાથમાં કપ લઈને તપ ધર્યું. પણ આ કંઈ થોડી શંકર ભગવાનની જટા હતી. આ તો મશીન હતું. સવાર સવારની મારી ચા બગાડી. પાણી વગર શું કરવાનું? ફ્રીજમાં મૂકેલા પાણીના બાટલા અઠવાડિયા જૂના હતા. એટલે વળી કરવું પણ શું? મેં મોટેમોટેથી બબડવાનું ચાલુ કર્યું. મારા એકાકી ઘોંઘાટથી શ્રીમતીજી જાગી ગયા.

‘શું થયું? સવાર સવારમાં શેની બૂમો પાડો છો?’ એવી વાત પાછી શ્રીમતીજીએ બૂમ પાડીને કહી.

‘તારા રાજમાં શું થાય? આ એક્વાગાર્ડ ચાલતું નથી અને માટલા ખાલી.’

‘હા, તે મને ખબર છે.’

‘ખબર છે? તો પછી કહેવાય નહિ? મિકેનિકને બોલાવીને રીપેર કરાવી દેત.’

‘અરે પણ કાલે રાત્રે જ બગડ્યું લાગે છે. ગઈકાલે સવારે તો મેં માટલું ભરવાની શરૂઆત કરી ત્યાં પાણી જ બહાર ના આવ્યું. આજે જ ફરિયાદ નોંધાવી દેજો.’

‘પણ હમણાં પાણીનું શું?’

‘છે ને બટુકભાઈ! જાઓ અને એક ડોલ ભરતાં આવો.’

‘સવાર – સવારમાં કોઈની ઘરે જવાતું હશે.’

‘સાચો અને પહેલો સગો પાડોશી. તમ તમારે જઈ આવો. હું ચા બનાવવાની તૈયારી કરું છું.’

ત્યાં તો જોરથી છ વાગ્યાનું એલાર્મ વાગ્યું. મેં બટને દબાવીને બંધ કર્યું. ત્રણ-ચાર સેકન્ડ થઈ પાછું વાગ્યું. વળી પાછું મેં બટન દબાવ્યું. પણ એલાર્મને આજે બંધ થવું જ નહોતું. મેં ચારેબાજુ ઘુમાવીને એને જોવા માંડ્યું.

‘શું કરો છો? બંધ કરો ને ડેડી. હજી ઊઠવાની વાર છે.’ અમારો સૂર્યવંશી નાનકો બોલ્યો.

‘પણ આ બંધ થાય તો ને! આ આજે બધાને ઉઠાડીને જ જંપશે.’

મેં શ્રીમતીજીને બૂમ પાડી, ‘આ તારું ચાઈનામેડ એલાર્મ બંધ થતું જ નથી.’ શ્રીમતીજીએ કહ્યું, ‘એને જરા ઠોકો.’

મેં ધડામ દઈને દિવાલ સાથે અથાડ્યું. તરત બંધ. એલાર્મ બંધ કરવાની આવી સદર વિધિ પતાવી મેં બાલટી લઈને બટુકભાઈના ઘર તરફ ચાલવા માંડ્યું.

શ્રીમતીજી પાણી ચઢાવવાની મોટરની સ્વીચ પાડીને કામમાં લાગી ગયાં. ત્યાં સુધીમાં હું બટુકભાઈના ઘરે જઈને પાણી ભરી લાવ્યો. અડધો કલાકે ચાનો કપ નસીબમાં આવ્યો ત્યારે જરા હાશ વળી. છાપું વાંચતાં વાંચતાં મેં પગ લાંબા કરી થોડો આરામ કર્યો. ત્યાં તો કંઈક બળવાની વાસ આવી. મેં શ્રીમતીજીને પૂછ્યું, ‘કંઈક બળવાની વાસ આવે છે. ગેસ પર કંઈક મૂક્યું છે?’

‘ના ના ગેસ તો ખાલી છે, આ તો વાયર બળવાની વાસ આવે છે.’

મેં મારું મોઢું ટીવી તરફ કર્યું. એક-એક વાયરોને બરાબર સૂંઘી કાઢ્યા. ત્યાં શ્રીમતીજીએ જોરથી બૂમ પાડી.

‘ઓ બાપ રે…’

‘શું થયું?’ હું ભડક્યો અને ટીવીથી બે ફૂટ દૂર હટી ગયો.

‘મેં પાણીની મોટર ચાલુ રાખી’તી.’

‘જો જરા જલ્દી. જા બંધ કર. આ સવારમાં શું માંડ્યું છે આજે.’ શ્રીમતીજી ધડાધડ મોટર બંધ કરવા ડોડ્યાં. મેં બહાર જઈને જોયું તો મોટરની જ વાસ હતી. મોટરની કોઈલ બરાબર બળી ગઈ હોય એવું લાગ્યું.

‘શું થયું?’

‘શું થાય, કોઈલ બળી ગઈ લાગે છે. ખરચામાં વધારો. એક એક્વાગાર્ડ બગડ્યું અને વળી પાછું આ બીજું.’

‘પણ ઉપર જોઈ આવો, પાણી છે કે નહિ, ના હોય તો નીચેની ટાંકીમાંથી ડોલે લેવું પડશે.’ શ્રીમતીજીએ ઓર્ડર છોડ્યો.

‘જોઉં છું.’ એમ કહી હું ધાબે ટાંકી જોવા ગયો. જોયું તો ટાંકી ખાલીખમ. આજે મારે ડોલો લઈને આમથી તેમ રખડવાનો જ દિવસ હતો.

નાનકાને ઉઠાડીને નીચેની ટાંકીમાંથી બાથરૂમમાં ડોલો ભરવાનો મોટો કાર્યક્રમ શરૂ થયો.

થોડી વાર શાંતિ થઈ ત્યાં વળી ત્રીજી ઘટના બની. કોઈ દિવસ નહીં ને આજે વળી નેન્સીએ ઊઠીને, ચા પીને તરત કમ્પ્યુટર ચાલુ કર્યું. થોડું ચાલ્યું ને ત્યાં વળી બંધ. નેન્સીએ મને બૂમ પાડી, ‘ડેડી, આ કોમ્પ્યુટર બંધ થઈ ગયું.’

‘હવે તું જ એક બાકી હતી. બધા ભેગા થઈને મારાં ખિસ્સા ખાલી કરો. આ આજે સવારથી શું માંડ્યું છે? આજે રીપેરીંગ ડે હોય એમ લાગે છે. પચાસ ટકા મારો પગાર બીલો ભરવામાં જતો રહે છે. અને બાકીનો પચાસ ટકા રીપેરીંગમાં જતો રહે છે.’  હું ભડક્યો. એકવાગાર્ડ, પાણીની મોટર અને કમ્પ્યુટર ત્રણેયને એક સાથે જ બગાડવાનું લખાયું હશે. મેં ઘરમાં બધાંને સખ્તાઈથી બધું કામ હવે મશીન વગર જ કરવાનો ઓર્ડર આપી દીધો. આજે કપડાં પણ હાથથી જ ધોવો. મશીનોને માટે આજે પનોતીનો દિવસ છે. કોઈએ મશીનોને અડકવું નહીં એમ મેં વટહુકમ બહાર પાડ્યો.

‘એટલું સારું છે કે આજે ટેલિફોન ચાલુ છે.’ એમ વિચારીને મેં ત્રણેય મશીનો માટે ફરિયાદ નોંધાવાની વિધિ આરંભી.

‘હલ્લો, મારું એક્વાગાર્ડ બંધ પડી ગયું છે.’

‘તમારો ગ્રાહક નંબર બોલો.’ સામે છેડેથી શ્રીમાન બોલ્યા.

‘ગ્રાહક નંબર તો ખબર નથી. ક્યાંથી મળશે?’

‘તમે જ્યારે ખરીદ્યું એની પાવતી પર લખેલો હશે.’

‘એ તો શોધવું પડશે. હું તમને થોડી વાર રહી ફોન કરું.’ મેં નાનકાને બૂમ પાડી, ‘અલ્યા નાનકા, ઉપરના કબાટમાંથી બિલફાઈલ લાવ તો.’

‘પપ્પા, મને જડે એમ નથી.’

‘અલ્યા જરા જો તો ખરો.’

‘મને ના ફાવે.’

‘લાગે છે આ ઘરમાં બધા કામ મારે જ કરવા પડશે. મિકેનિકો આવશે તો આ લોકો શું સંભાળશે? થાય છે કે આજે ઓફિસમાં રજા જ લેવી પડ્શે. ભલે કામ ચડ્યું હોય પણ શું થાય?’ દસેક મિનિટે માંડ પાવતી જડી અને પાછો ફોન જોડ્યો.

‘મેં હમણાં એક્વાગાર્ડ માટે એટલે કે ફરિયાદ નોંધાવવા માટે ફોન કરેલો. મારો ગ્રાહક નંબર છે AFR190708.’ મેં કહ્યું.

‘સાહેબ, એ તો મશીન નંબર છે. ગ્રાહક નંબર એની નીચે હશે.’

‘પણ અહીં તો સામે ગ્રાહક નંબર એવું લખેલું છે ને.’

‘એ તો કમ્પ્યૂટર પ્રિન્ટિંગ હોય છે એટલે ખસી ગયેલું છે. તમે નીચેનો નંબર વાંચો.’

‘સારું એ છે GFX19228.’ એમ કહીને મેં કમ્પલેન નોંધાવી.

‘હવે તમે જરા કમ્પલેન નંબર નોંધ કરી લો.’

‘બોલો.’

‘2221798’

‘જુઓ, મારે જરા પાણીની બહુ તકલીફ છે. તમે આજે થઈ જાય એવું કરો.’

‘હા અમે પ્રયત્ન કરીશું.’

‘આભાર.’

હવે બીજી ફરિયાદ નોંધાવવાનો વારો હતો. મેં નાનકાને કહ્યું, ‘જો નાનકા, ડિરેક્ટરીમાંથી મોટર્સનો વિભાગ શોધી કાઢીને એમાં કોઈ સારો ડીલર હોય તો જોઈને એનો ફોન નંબર આ પાના પર લખી રાખ. હું નહાવા જાઉં છું, પછીથી ફોન કરું છું.’ એમ કહી મેં નાનકાને કોરું કાગળ આપ્યું.

થોડી વારે નાહીને બહાર આવ્યો કાગળ પર નાનકાએ ફોન નંબર લખેલો, મેં કમ્પલેનની શરૂઆત કરી.

‘હલ્લો, અનિલ મોટર્સ.’

‘હું આપની શું સહાયતા કરી શકું?’

‘જી મોટર બગડી ગઈ છે.’

‘ક્યુ મોડલ છે?’

‘એટલે?’ મેં આશ્ચર્યથી પૂછ્યું.

‘એટલે કે તમે ક્યારે ખરીદેલી?’

‘ત્રણેક વર્ષ થયા હશે.’

‘તમારું નામ સરનામું વગેરે લખાવો. અમારો મિકેનિક આવીને લઈ જશે.’

‘એમાં પાછું લઈ જવી પડશે.’

‘હાસ્તો વળી, એના સાધનો વગર કેવી રીતે રીપેર થાય.’

‘લખો.’ એમ કહીને મેં પૂરું સરનામું લખાવ્યું.

‘હવે શું ફરિયાદ છે એ લખાવો.’

‘જી ધુમાડા નીકળે છે.’

‘તમે એમાં પાણી બરાબર રેડો છો ને?’ સામેથી અવાજ આવ્યો.

‘પાણી તો રેડવાનું જ હોય ને સાહેબ. એમાં કંઈ પેટ્રોલ થોડું નખાય!’ મેં કહ્યું.

‘એટલે તમે પેટ્રોલ નાંખતા જ નથી?’ પેલાએ આશ્ચર્યથી પૂછ્યું.

‘પેટ્રોલ? મોટરમાં પેટ્રોલ ક્યાંથી નખાય?’

‘તો પછી ચાલે કેવી રીતે?’

‘એ તો લાઈટથી ચાલે, પેટ્રોલથી થોડી ચાલે.’ મેં કહ્યું.

‘હેં?’

‘તમારી પાસે લાઈટથી ચાલતી કાર છે?’ પેલાએ મોંમાં આંગળા નાખ્યા.

‘હવે આમાં કાર ક્યાંથી આવી? હું તો પાણીના મોટરની વાત કરું છું.’ મેં ખુલાસો કર્યો.

‘અરે ભાઈ સાહેબ, આ તો અનિલ મોટર્સ એટલે કે કાર સર્વિસ સ્ટેશન છે.’

મેં ફોન મૂકીને જોરથી નાનકાને બૂમ પાડી. હવે મારાથી ત્રીજી ફરિયાદ નહિ નોંધાવાય. મારે આરામ કરવો જ પડશે એમ વિચારીને ત્રીજી ફરિયાદનું કામ મેં શ્રીમતીજીને સોંપી દીધું. આજે રજા પાડવી જ પડશે એમ વિચારીને મેં સોફા પર લંબાવ્યું.

બપોરે જમીને પરવાર્યા ત્યાં તો ત્રણેય મિકેનિકોની સવારી વારાફરતી અમારા ઘરે આવી પહોંચી. ઘરના બધાં જ લોકો આ કામમાં રોકાઈ ગયા. મારા ઘરની એકે એક રૂમ જાણે સાયન્સની પ્રયોગશાળા હોય એમ લાગતું હતું.

મિકેનિકો પાછા ધ્યાનથી મશીનો ખોલે, ગંભીરતાથી નિહાળે અને એમના મુખની મુદ્રાઓ જોઈને મને મારા મુખ પર ચિંતા ઉપસી આવે. કોઈ જ્યોતિષીને આપણી કુંડળી બતાવવા આપી હોય અને પછી જેમ જ્યોતિષી માથું હલાવે એવું કંઈક આ મિકેનિકો ગંભીર મુખમુદ્રા ધારણ કરીને કરે. અમારે ત્યાં એક નહિ પણ ત્રણ ત્રણ જ્યોતિષીઓને આઈ મીન મિકેનિકોને બેસાડેલા.

‘આ તો સાવ બળી ગયું છે.’

‘શું બળી ગયું?’ હું લાચાર મુખમુદ્રા ધારણ કરીને પૂછું.

‘આ પ્રોસેસર છે જેનાથી કમ્પ્યૂટર ચાલે એની પરનો પંખો બળી ગયો છે.’

‘એમ… એમાં વળી પાછો પંખો હોય?’

‘હા તે હોય જ ને, એનાથી કમ્પ્યૂટર ઠંડું રહે.’

‘ઊડી ગઈ છે.’ ત્યાં વળી બીજા મિકેનિકનો અવાજ આવ્યો.

‘હવે હોળી ઉડી ગઈ.’

‘કોઈલ ઊડી ગઈ છે.’

‘ક્યાંય ઊડે નહીં. એટલામાં જ પડી હશે તમે જુઓ. અમારે તો પૂરી કંપાઉન્ડ વોલ છે.’

‘અરે, એમ નહીં, કોઈલ ખલાસ થઈ ગઈ છે.’

‘આ તો બદલવું જ પડશે.’ ત્રીજો મિકેનિક બોલ્યો.

‘શું બદલવું પડશે?’ મેં કહ્યું.

‘આ પાણી શુદ્ધ કરવા માટે જે પાવડર આવે છે તે બદલવો પડશે.’

આ બધાં જો આમને આમ ચાલુ રાખશે તો મારું જીવન બદલઈ જશે. મારા મહિનાનો અડધો પગાર આપીને માંડ માંડ બધું રીપેર કરાવ્યું. રીપેરીંગ ડેની ધામધૂમથી ઊજવણી આખા ઘરે કરી.

બીજા દિવસે ફરી એ જ ક્રમ.

મેં ચા બનાવવા માટે પાણી લેવા એક્વાગાર્ડ ચાલું કર્યું. પણ મારા હર્ષ વચ્ચે સરસ મજાની પાણીની ધાર પડી.

મને થયું ‘હાશ ચલો છૂટ્યો.’

– મૃગેશ શાહ

Leave a Reply to Shridevi shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “રીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે”

Copy Protected by Chetan's WP-Copyprotect.