એક પછી એક.. – બાદલ પંચાલ

અજયે કબાટનું બારણું ખોલ્યું અને એમાંથી કપડાંનું બનાવેલું યુવાન સ્ત્રીનું પપેટ બહાર કાઢ્યું અને એને પોતાની છાતીએ લપેટીને પોક મૂકી, ‘રીમાઆઆ…’

આ ચિત્કારથી ઘરની નીરવ શાંતિ ભેદાઈ ગઈ અને ઘડીભરમાં તો અજયની આંખોમાંથી ગંગાજમના વહેવા લાગી. પંદરેક દિવસોથી તોળાઈ રહેલી એકલતાના કાંગરા ખરી પડ્યા.

થોડીવાર આમ જ ગળે વળગાડી રાખેલા પપેટને ભેટીને રડી લીધા પછી અજયે એને છાતીથી અળગું કર્યું અને પોતાનાં જમણા હાથમાં કપડાંનાં પપેટને ભરાવ્યું. પપેટના હાથેથી તેણે પોતાનાં આંસુ લૂછ્યાં. 

‘રીમા, તને ખબર છે તારા વગર હું કેટલો એકલો થઇ ગયેલો’ અજયે રીમા પપેટની આંખોમાં આંખો નાખી રડતાં રડતાં કહ્યું.

‘મને ખબર છે અજય ડાર્લિંગ. તારા વગર તો હું પણ સૂનીસૂની પડી ગઈ હતી એટલે જ તો તને મળવા દો..ડીને આવી ગઈ.’ અજયે પોતાના જમણા હાથમાં ભરાવેલા પપેટનાં હોઠ ફફડાવ્યાં અને રીમા જેવો જ અવાજ અને લહેકો કાઢતાં અજય પોતે બોલ્યો.

‘આ તે તારી શું હાલત કરી છે? આ વિખરાયેલા વાળ, આ ચોળાયેલો ઘાઘરો, બંગડી વગરના હાથ… આ બધું શું છે રીમા? તને ખબર છે ને મને તું સાદા લિબાસમાં રહે એ પસંદ નથી.’ સહેજ અણગમા સાથે અજય બોલ્યો.

રીમા પપેટે બે કાન પકડ્યા અને ડોકું ડાબી તરફ ઝુકાવ્યું : ‘સોરી ‘ અજય ફરી રીમા જેવો અવાજ કાઢતાં બોલ્યો.

“ઓહ માય બેબી” ફરી રીમાના પપેટને છાતીએ લગાવ્યું અને ખૂબ વહાલથી એના કાળા વાળમાં હાથ ફેરવવા માંડયો. પ્લાસ્ટિકના બનાવટી વાળ એની આંગળીઓમાં ભરાવા લાગ્યાં. એકાએક ફરી કાંઈ યાદ આવતાં એણે રીમાનાં પપેટને છાતીએથી આઘું કર્યું : ‘રીમા, મને ખબર હતી તું મારું કહ્યું માનીશ જ’ પછી રીમા પપેટના પેટ પર પોતાનો ડાબો હાથ ફેરવતા કહ્યું : ‘તું આ બાળકને જન્મ ન આપીશ. મને ખુશી થઇ કે તે અબોર્શન કરાવ્યું.’ આટલું કહી અજયે રીમા પપેટનાં કપાળમાં ચુંબન કર્યું.


‘રીમા… રીમા…’ ફાટેલા અવાજ સાથે અજય કિચનમાં ધસી આવ્યો.  ચા ગળી રહેલી રીમાનું બાવડું પકડીને એને લગભગ ઘસડવા લાગ્યો. ‘આ ત્રીજી વખત બોલાવી રહ્યો છું છતાંયે સાંભળતી નથી’ એની આંખો અને ચહેરો લાલચોળ થઇ ગયાં હતાં.

‘હું મમ્મી માટે ચા…’

‘અરે ભાડમાં ગઈ મમ્મી ‘ અજયે રીમાને બેડરૂમમાં ધકેલી. રીમા બેડ પર જઈને પડી.

‘ક્યાં છે મારું વોલેટ? શોધી આપ જલ્દી.’ પસીનાથી નીતરતાં અજયે કાન ફાડી નાખે એવા અવાજે કહ્યું.

રીમાનાં સખત હાથે પકડાયેલાં બાવડા પર અજયની આંગળીઓની લાલ છાપ ઊપસી આવી હતી. એને બાવડામાં સખત પીડા થઇ રહી હતી છતાંયે તે મહામહેનતે ઊભી થઇ. કબાટ ખોલીને ડાબી બાજુનાં બોક્સમાં પડેલું વોલેટ કાઢી અજયનાં હાથમાં આપ્યું: ‘આ રહ્યું વોલેટ. કીધું તો ખરા આવું છું અને આપું છું પણ…’

‘પણ બણ કાંઈ નહિ. મેં કીધું એટલે બધું કામ છોડીને પહેલા મારું કામ કરવાનું ‘ કહીને અજય રૂમની બહાર નીકળી ગયો. રીમા પોતાનાં બાવડાને મસળતી બેસી રહી.  અજયના ગયાંની થોડી જ વારમાં મમ્મી ગરમ બામ લઈને આવી. રીમાનાં બાવડાં પર બામ લગાડી દાબવા લાગી. રીમાની આંખોમાંથી વહેતા આંસુ જોઈ મમ્મી બોલી ‘બેટા, મેં તને કેટલીવાર કહ્યું છે કે અજય જે કહે, જેમ કહે, જયારે કહે તે જ તું કર. પહેલા એનું કામ કર પછી બીજું…’

મમ્મીએ રીમાનાં આંસુ લૂછ્યાં અને એનાં વાળમાં હાથ ફેરવવા માંડી. રીમાએ બીજી તરફ જોવા માંડ્યું.  હજુયે એની આંખમાંથી આંસુ વહી રહ્યાં હતાં. મમ્મીને શું બોલવું એ ન સૂઝતા એજ જૂની વાતો ફરી બડબડવા લાગી: એનાં પપ્પાનાં ગયા પછી અજય મને ક્યારેય ગાંઠ્યો નથી. અઢાર વરસના જુવાનજોધ છોકરાને હું રોકુ પણ તો કેવી રીતે?  એ આખી રાત એના દોસ્તો સાથે રખડતો, દારૂ પીતો, બાઈક લઈને નીકળી પડતો અને હું આખી રાત એની રાહ જોયા કરતી. ક્યારેક તો એ સવારે પાંચ વાગે આવતો તો ક્યારેક બે – ત્રણ દિવસ પછી. એનાં બગડેલાં દોસ્તોનાં સથવારે જ એ પણ સ્વચ્છંદી અને ઉચ્છૃંખલ બનતો ગયો. એનાં માટે હવે એની જાત સિવાય બીજા કોઈનું મહત્વ રહ્યું નથી.’

મમ્મીની આંખોમાં સરોવર છલકાયો. રીમાને મમ્મીનાં આ શબ્દો હવે કોઈ અસર નહોતાં કરતાં. આ વાક્યો, આ વાતો એ છેલ્લા બે વરસથી સાંભળતી આવી હતી અને અજયના સ્વચ્છંદ અને તોછડા બનવા પાછળ આ જ સ્ત્રી જવાબદાર છે એવું પણ રીમા દ્રઢપણે માનતી હતી. ‘અજયને આવો મવાલી, સ્વકેન્દ્રી, નફ્ફટ અને જિદ્દી બનતાં મમ્મી રોકી જ શકયા હોત પણ તેઓ તો પોતાનાં જ દુઃખમાં ડૂબ્યાં રહ્યાં. પોતાની તો જિંદગી હવે પૂરી થવાને આરે હતી પણ એમણે મારી જિંદગી કેમ કૂવામાં નાખી?’ આ સવાલ રીમાને રહીરહીને પજવી રહ્યો હતો. લગ્નની પહેલી જ રાતે લગભગ બળાત્કારની હદ સુધીનો અજયનો વિકૃત પ્રેમ જોઈને જ રીમાનું આખું રોમરોમ હીબકા ભરતું હતું. અજયની વાસનાથી એનું રૂંવાડું રૂંવાડું દાઝતું હતું. સવારે ચા – નાસ્તો બનાવતી રીમાને મમ્મીએ તે દિવસે પૂછ્યું હતું: ‘બેટા, કેવી રહી તારી જિંદગીની સુંદર રાત?’ મમ્મીનું સ્મિત જાણે પોતાની મજાક કરી રહ્યું હોય એવું લાગ્યું હતું રીમાને. એણે મમ્મીની સામે નિરીહ – ઘાયલ હરિણીની નજરે જોયું. એમાં રહેલો કંપ, ડર, આતંક જોઈને મમ્મી ધબકાર ચૂકી ગઈ હતી એ દિવસે. ‘જેનો ડર છે એવું ન થયું હોય તો સારું’ મમ્મીનાં તૂટક તૂટક શબ્દો રીમા સુધી પહોંચ્યા. રીમાના ચહેરા પર, ગળા પર, છાતી પર અને છાતીથી છેક પગ લગી નહોર ભર્યા હતાં એ માણસે જેને એ હજુ ગઈકાલે જ પરણી હતી. ક્યાંક ક્યાંક તો લોહીના ટશિયા ફૂટીને જામી ગયાં હતાં. પોતે કોઈ મોટી બાજી હારી ગઈ હોય એમ રીમા ત્યાં જ ફસડાઇને ઢગલો થઈ ગઈ. ‘આટલો મોટો વિશ્વાસઘાત….’ અને એનું હૃદય ફાટી પડ્યું. ગઈકાલની એક એક ક્ષણ કાચની કરચની જેમ હજુયે એને ભોંકાતી હતી. કોઈએ ગુલાબની નગરીમાંથી જાણે ભેંકાર જંગલમાં એને ધકેલી દીધી હતી. આ દુનિયા આટલી છેતરામણી, આ લોકો આટલા પ્રપંચી નીકળશે એવી તો એણે કલ્પના જ નહોતી કરી.


‘ઓહ માય બેબી ‘ અજયે રીમા પપેટનાં કપાળમાં ચુંબન કર્યું.

‘આ ડ્રેસ તારા પર સુટ નથી થતો, ચાલ તને સાડી પહેરાવું.’

રીમાનાં ઘર છોડીને ગયા પછી અજયને બહુ ફરક નહોતો પડ્યો. એણે તો પોતાની ઓફિસમાં જાતે જ કપડાંથી રીમાનું પપેટ બનાવ્યું હતું. એનાં જેવા જ લાંબા કાળા વાળ, ભૂરી આંખો, સ્નિગ્ધ અને રૂપાળો ચહેરો, લાલ સુંવાળા હોઠ, મોટું કપાળ અને લાંબી ડોક બધું જ બખૂબી એણે ડિઝાઈન કર્યું હતું.

જો કે બધું જ ડિઝાઇન મુજબ બનાવેલું છતાંયે…..

‘આ તારા વાળ કેવા રુક્ષ થઇ ગયાં છે. શેમ્પુ નથી કરતી?’ અજયને રીમા પપેટનાં વાળમાં હાથ ફેરવતાં અકળામણ થતી હતી.

‘સોરી જાનુ, આજે જ હેર ટ્રીટમેન્ટ કરાવી લઈશ, ઓકે?’ રીમા પપેટે ફરી પછી એ જ અદાથી કાન પકડી ડોક ડાબી તરફ ઝુકાવી બોલી. અજયે રીમાનાં અંદાજમાં અને એનાં જેવા જ અવાજમાં આવી વહાલસોયી વાત કરી. અજયને રીમા પપેટ પર વારી જવાનું મન થતું હતું. એની દરેકે દરેક વાત રીમા પપેટ કેટલી સરળતાથી માની જતી હતી.

અજયને આવી જ રીમા તો જોઈતી હતી. રીમા જ શું કામ? એનાં જીવનનો દરેક માણસ એને પોતાનાં કહ્યાં પ્રમાણે કરતો હોય એવો જ જોઈતો હતો. પણ પોતાને કોઈનાં કહ્યામાં નહોતું રહેવું. કદાચ એટલે જ છેલ્લા પાંચ વરસમાં તો તેણે ચાલીસેક જેટલી નોકરીઓ બદલી નાખી હતી. પછી એણે નિર્ધાર જ કરી લીધો નોકરી નહિ કરવાનો. એ નાનાં- મોટા કપડાંનાં પપેટ, ઢીંગલીઓ અને જાતજાતનાં પ્રાણીઓ બનાવતો અને ઓલ ઓવર ઇન્ડિયા ઓર્ડર મુજબ સપ્લાય કરતો. પોતાની મમ્મી પાસેથી નાનપણમાં એ આ કળા શીખ્યો હતો. મમ્મી મૂળ રાજસ્થાનનાં ગામડાંમાંથી આવી હોવાથી એ અજયને બાળપણમાં કપડાંની ઢીંગલીઓ બનાવી રમવા આપતી. બસ આ જ કળાને પોતાનો ધંધો બનાવી એ ગુજરાન ચલાવતો.

‘મને ગમ્યું રીમા’ સાડી પહેરાવી, બંગડી ચાંદલાનો શણગાર કરી અરીસાની સામે ઊભેલા અજયે રીમાનાં પપેટને પાછળથી વળગીને કહ્યું: ‘મને ગમ્યું રીમા કે તે નોકરી છોડી દીધી.’

સામાન્યરીતે સાજ-શણગાર અને મેકઅપ રીમાને ગમતો નહિ પણ અજયને આ બધું બહું જ ગમતું એટલે રીમાને નાછૂટકે આ પહેરવું પડતું. પણ અજયનાં ઓફિસ ગયા પછી રીમા ફરી પાછી સાદા લિબાસમાં આવી જતી.

‘તું કહે અને હું ન છોડું એવું બને અજય?’ રીમા પપેટ શરમાતાં બોલ્યું.


‘મેં પણ તને હજારવાર કહ્યું છે કે હું નોકરી નહિ છોડું.’

રીમાએ પણ થઇ શકે એટલી જોરથી અજયને કહી જ દીધું. આ બોલતી વખતે એની આંખોમાં ભય અને આંસુ બંને ડોકાતાં હતાં. આ બોલ્યા પછી અજય શું કરશે અથવા શું કરી શકે એની રીમાને બરાબર જાણ હતી જ.

સાતમાં આસમાને જેનો ગુસ્સો રહે છે એ અજય રીમાની આ વાત સાંભળી હજુ ઊકળી ઊઠ્યો. રીમાની નજીક આવીને એણે એટલી જોરથી તમાચો જડી દીધો કે રીમા બેડરૂમનાં કબાટને અથડાઈ. તેનાં હોઠનાં ખૂણેથી લોહી નીકળવા માંડ્યું અને આંખો અકળવકળ થઈ ગઈ. આંખો સામે અંધારા આવ્યાં અને એનું શરીર કંપવા માંડ્યું.

‘મને એકની એક વાત વારંવાર કહેવાની આદત નથી.’ અજયે ગુસ્સાથી રીમાનું જડબું પકડીને એની આંખોમાં આંખ નાખી કહ્યું. રીમા અર્ધબેહોશ સ્થિતિમાં હતી. છતાંયે અજયનાં મોઢામાંથી આવતી દારૂની વાસ એનું નાક પારખી શક્યું. ઝાટકો મારીને અજય રૂમની બહાર નીકળી ગયો. બહાર ડ્રોઈંગ રૂમમાં બેઠેલી મમ્મીએ અજયને રોક્યો.

‘અજય, બેટા અહીંયા આવ. બેસ મારી બાજુમાં’ અજયને અંદાજ આવી ગયો કે મમ્મી હમણાં બેડરૂમમાં થયેલી ઘટના વિશે કંઈક વાત કરવા માંગે છે. એણે બેસવાનું ટાળ્યું અને દરવાજો ખોલી બહાર જવાની તૈયારી કરવા લાગ્યો.  મમ્મીએ હાથ પકડીને અજયને બહાર જતા અટકાવ્યો અને સોફા પર બેસાડી પોતે એની પડખે બેસી ગઈ. અજયનો હાથ પોતાના બંને હાથમાં લઇ તે પંપાળવા લાગી.

‘બેટા, આપણે ત્રણ જણ તો છીએ આ ઘરમાં. આપણે શાંતિથી, આનંદથી, હસતાં રમતાં ન રહી શકીયે?’  અજયનાં અંદાજાથી કંઈક જુદી જ વાત મમ્મીએ છેડી. તે હજુયે અજયનાં હાથને પંપાળી રહી હતી.

‘ક્યાં સુધી તું પોતાની વાત મનાવવા ઉધામા કરીશ. રીમા તારી પત્ની છે એટલે તું મન ફાવે એમ એની સાથે વર્તી ના શકે. એના મા-બાપને મેં રીમાને ખુશ રાખવાનું વચન આપ્યું છે. રીમા તને આટલો પ્રેમ કરે છે છતાંય….’ ધીરે ધીરે મમ્મી એ જ જૂની રેકોર્ડ સંભળાવવાની હતી જયારે અજયની આ ભાષણ સાંભળવાની કોઈ ઈચ્છા નહોતી. એ ઊભો થઇ ગયો: ‘જો મમ્મી, મારી લાઈફ હું મારી રીતે જ જીવીશ. મને એમાં કોઈનું ઇન્ટરફિયરન્સ નથી જોઈતું. તારું પણ નહિ અને રીમાનું પણ નહિ. હું કહું એમ કરો એટલે ઘરમાં શાંતિ જ છે.’

અજય જાણે અટલ ફેંસલો સુણાવતો હોય એમ બોલ્યો. મમ્મી એને સમજાવવા મથતી હતી. બેડરૂમમાં કબાટને ટેકે જમીન પર ફસડાઈ પડેલી રીમાને એટલી તો ખબર પડતી હતી કે મમ્મી અજયને સમજાવવાનો મિથ્યા પ્રયત્ન કરી રહી હતી.

થોડીવાર એમ જ પડી રહ્યાં બાદ રીમાએ આંખો ઉઘાડી. એને થોડું સ્વસ્થ લાગતું હતું. ડ્રેસિંગ ટેબલ પર પડેલી પાણીની બોટલમાંથી થોડું પાણી પીધું અને પરાણે ઊભી થઇ. બેડરૂમની બાલ્કનીમાં ગઈ અને કઠેડાને ટેકે ઉભી રહી. બહાર ઝરમર વરસાદ વરસતો હતો અને એક વરસાદ એની અંદર પણ. રીમાએ આંખો મીંચી. બહારના વાતાવરણને મહેસૂસ કર્યું. સવારની પોતાની મમ્મીનાં ઘરની અદરખની ચા અને સાંજની ખીચડીની સુગંધ તેને મહેસૂસ થવા લાગી. શું ખોટી હતી એ જિંદગી? પોતે અહીંયા આવીને તો જાણે કોઈ કરોળિયાના જાળામાં ફસાઈ ગઈ હોય એવું એને લાગ્યું. કેટલાય હાથ-પગ પછાડ્યા પણ હવે મરે જ છૂટકો.

‘અજય તારી અંદર ડોકિયું કર. માણસમાંથી હેવાન બની ગયો છે તું.’ મમ્મીનો ડૂમો બાઝેલો અને ફાટી પડેલો અવાજ છેક બેડરૂમની બાલ્કની લગી રીમાને સંભળાયો.

પણ હવે…..પોતે અજયનો પ્રકોપ સહન કરવાને લાયક નહોતી બચી એટલે બહાર થયેલી જીભાજોડીમાં જોડાવાને બદલે એ ત્યાં જ ઊભી રહી.

‘હેવાન નહિ કહે મને. મને પસંદ નથી.’ હવે અજયનો ફાટેલો અવાજ સંભળાયો. 

રીમા ત્યાં જ ઊભી રહી. લગ્નનાં બે વરસ પછી પણ પોતાનાં પ્રેમની ધારાથી આ પથ્થર ભીંજાયો સુદ્ધા નહોતો. લીસો થવાની વાત તો દૂર જ રહી. રીમાને વિચાર આવ્યો. ખિલખિલાટ હસતી અને જિંદગીને માણતી પોતે કેવી સહમી ગઈ છે, ડરી ગઈ છે, હાંફી ગઈ છે, થાકી ગઈ છે. પોતે જાણે એકાએક ચોવીસથી ચોર્યાસી વરસની થઇ ગઈ હોય એવું એને લાગ્યું. પોતે જ્યાં પહોંચવા નીકળી હતી ત્યાં પહોંચ્યા પહેલા જ એના પગના તળીયા ઘસાઈ ગયા હતાં છતાંયે ………..હવે તો એ પોતે પણ જાણે ભૂલી જ ગઈ હતી કે એને ક્યાં પહોંચવું છે. બસ હવે એ સતત ચાલ્યા જ કરતી હતી. નિરંતર ….મંઝિલ વગર.  એને દીપ્તિ મિશ્રની એક પંક્તિ જાણે આસપાસ ગુંજતી લાગી.

‘ऐ मेरी खानाबदोशी ये कहाँ ले आयी तू?

घर में हूँ मैं मेरे और मेरा घर मुझे मिलता नहीं’

એકાએક જોરથી તમાચો મારવાનો અવાજ રીમાને સંભળાયો અને રીમાનો હાથ પોતાનાં ગાલ લગી પહોંચી ગયો. જાણે આ તમાચો એને ન પડ્યો હોય? એની આંખમાંથી આંસુની બીજી ધારા શરુ થઇ. બહાર ઝરમર વરસતો વરસાદ એકાએક મૂશળધાર થઇ ગયો.


એવું તો નહોતું કે અજયને કોઈકે પહેલીવાર આવું કહ્યું હોય – તું માણસમાંથી હેવાન બની ગયો છે. કોલેજમાં છોકરીઓની છેડતી કરતી વખતે, ગણેશ વિસર્જનમાં દારૂ પીને મારામારી કરતી વખતે, ન જાણે કેટલીય વખત, કંઈ કેટલા લોકોએ આવું કહ્યું હતું. પણ એ દિવસે તો એને હાડોહાડ ખંજર ભોંકાયું હતું જયારે આવું એની મમ્મીએ એને કહ્યું. ધોમધખતા તડકામાં, રસ્તામાં પસાર થતાં પ્રવાસીઓને જોતો અજય બાલ્કનીમાં ઉઘાડા શરીરે ઊભો હતો. આ એક વાક્ય એની આજુબાજુ છેલ્લા પાંચ દિવસથી ચકરાવા લઇ રહ્યું હતું.

‘હા, અજય તું માણસમાંથી હેવાન બની ગયો છે.’ અજયના કાન સરવા થયા. કોણ બોલ્યું આ? એણે ગોળ ફરીને બધી જ બાજુ નજર નાખી. આ અવાજને એ ઓળખતો હતો કદાચ.

‘ભૂલી ગયો કે શું મને?’ એ અવાજ ફરી બોલ્યો. અને અજય પોતાનાં જ મનનો આ અવાજ ઓળખી ગયો.

‘ના ભૂલ્યો નથી તને, તું એક જ તો છે જે પપ્પાનાં ગયા પછી મારી જોડે વાતો કરે છે. તને કેવી રીતે ભૂલું?’ અજય પોતાનાં મનને જવાબ આપી રહ્યો હતો. અજયનો પોતાનો જ અવાજ હતો આ. પપ્પાનાં ગયા પછી એની હૃદયગુહામાંથી પ્રગટેલો. એણે જ તો અજયને પોતાની વાતોથી દુનિયા સામે ટકાવી રાખેલો.

‘મેં ઘણા સમયથી તારી સાથે વાત ના કરી એટલે તું માણસમાંથી હેવાન થઇ જઈશ?’

‘બસ કર, મને આ હેવાન શબ્દ પસંદ નથી. છેલ્લા પાંચ દિવસથી મારા માથે હથોડાની જેમ પટકાય છે આ શબ્દ.’ અજય કાન પર હાથ દાબીને જોરથી બોલી રહ્યો હતો.

કિચનમાં વિલાયેલા મોંએ કામ કરતી રીમાનાં કાન અજયનાં આ શબ્દોને સાંભળી રહ્યાં હતાં. એને આશ્ચર્ય તો થયું કે આ અજય કોની સાથે વાત કરે છે?

‘મેં તો તને અંદરથી કાઠો કર્યો હતો. જેથી દરેક પરિસ્થિતિ સામે તું ઉઘાડી છાતીએ ઝઝૂમી શકે પણ તું તો અંદરથી કાચો નીકળ્યો’. કાન પર હાથ દાબીને ઉભેલા અજયને આ વાતો નહોતી સાંભળવી છતાંયે એને એકેએક શબ્દ સ્પષ્ટ સંભળાતો હતો.

‘મેં તો તારા લોહીને ગરમ રાખવાનો પ્રયત્ન કરેલો પણ તે તો એને બાળી જ નાખ્યું. તારી મમ્મી પર હાથ ઉપાડી, એને ઘરની બહાર તરછોડીને તે શું મેળવી લીધું અજય?’

અજયનું બસ ચાલ્યું હોત તો તેણે હમણાં જ ચાકુ ખૂંપીને આ અવાજનું ખૂન કરી નાખ્યું હોત.

‘બંધ થા….’ અજયે ફાટેલા અવાજે ગાળ આપી.

રીમા કામ પતાવીને બેડરૂમમાં આવી. અજયને આવી વિચિત્ર પરિસ્થિતિમાં બડબડ કરતો જોયો છતાંયે એણે આંખ આડા કાન કર્યા. કબાટ પર પડેલી બેગ એણે ઊતારી. બાલ્કનીમાં કાન પર હાથ દાબીને ઊભેલા અજય પર ફરી સરસરી નજર કરી.

‘મેં તને આવો બનાવવા નહોતો ધાર્યો.’

અજયે અડધે જ વાત કાપી અને આંગળી ચીંધીને બોલવા લાગ્યો.

‘સાંભળ, હું આવો જ છું અને આવો જ રહીશ. તારા ધાર્યા પ્રમાણે હું નહિ જીવું. મને મન ફાવે એમ જ જીવીશ અને એમ જ લોકો મારી આજુબાજુ જીવશે.’ અજય થૂંક્યો.

આસપાસથી આવતો અવાજ બંધ થઇ ચૂક્યો હતો.

‘હવે તું પણ મને છોડીને..’ અજયનાં અવાજમાં રીમાને એક ડૂમો સંભળાયો. અજયના આ શબ્દો પોતાની માટે તો નહોતાંજ એ રીમાને ખબર હતી. એણે અજયને આવી રીતે બેબાકળો અને રડતો પણ જોયો નહોતો. રીમાએ વિચાર્યું, નક્કી અજયે કોઈ અનમોલ સંબંધ ગુમાવ્યો લાગે છે…

અજયે આસપાસ જોયું અને સડસડાટ બાલ્કનીથી બહાર નીકળી ગયો. રીમાની બેગ પેક થઇ ચૂકી હતી. બહાર સૂકવેલાં કપડાં એણે લઇ લીધા. ગડી કરીને કબાટમાં ગોઠવ્યાં. બેડરૂમમાં વિખરાયેલો સામાન સમેટયો અને પોતપોતાની જગા પર ગોઠવ્યો.

સવારે જ એની સાસુ – અજયની મમ્મીનો ફોન આવેલો. એ મુંબઈ છોડીને ફરી પાછા રાજસ્થાન ચાલ્યાં ગયાં છે – એ સાંભળી રીમાને હાશ વળી. ‘જે માણસ પોતાની માનો ન થઈ શક્યો એ એની પત્નીનો તો શું થશે?’ રીમાને વિચાર આવ્યો. હવે પોતે પણ આ સંબંધ બહું ઝાઝો નહિ ખેંચી શકે એની એને ખાતરી થઈ ગઈ હતી.

‘મમ્મી તે આવું કેમ કીધું?’ ડ્રોઈંગરૂમમાં, મમ્મીનાં પોતે જ બનાવેલા પપેટને જમણા હાથમાં ભરાવીને અજય બોલી રહ્યો હતો. ‘બોલ ને, હવે મને તું હેવાન કહીશ?’

મમ્મીનાં પપેટે અજયનાં ગાલ પર હાથ ફેરવ્યો.

‘બેટા, એ તો હું ગુસ્સામાં બોલી ગઈ. તું તો મારા કાળજાનો કટકો છું. હું તને હેવાન માનું કંઈ?’

‘મમ્મી’ મમ્મીનાં પપેટને ગળે વળગાડી અજય કંઈક બડબડ કરતો હતો. રીમા ઘરનાં દરવાજે ઉભેલી આ બધું નાટક જોઈ રહી હતી.  ‘હું આ બાળકને જન્મ આપીશ જ. હું એબોર્શન નથી કરાવવાની.’ કોઈ ગેબી અવાજ જાણે અજયનાં કાને પડ્યો એમ એણે પાછળ વળીને જોયું.

રીમા કોઈ પણ મેકઅપ વગર, સાદા પંજાબી ડ્રેસમાં બેગ લઈને ઊભી હતી. એના ચહેરા પર કોઈ સંવેદનાની છાંટ નહોતી. એ કોઈ ચાવી ભરેલા રમકડાંની જેમ બોલતી હતી.

‘રાતનું જમવાનું બનાવી રાખ્યું છે. જમી લેજો. હું મારા પિયર પછી જાઉં છું ‘ આટલું બોલીને રીમા ઊંધી ફરીને ચાલવા માંડી.


અજયે કબાટનો દરવાજો ખોલ્યો. એમાંથી છેલ્લા એક અઠવાડિયાથી પોતે જ બનાવેલું એક કપડાંનું પપેટ બહાર કાઢ્યું.

દેખાવે સાવ પોતાનાં જેવું જ. મોટી આંખો, આંખો પર કાળી ભ્રમર, કાળા પડી ગયેલા હોઠ અને સખત ચહેરો… અજયે એને છાતીએ લપેટીને પોક મૂકી.

‘અજય…..’  

– બાદલ પંચાલ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

17 thoughts on “એક પછી એક.. – બાદલ પંચાલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.