એ રેશમી રૂમાલ.. – ચિંતન આચાર્ય

‘સ્મરણપટ’ના વિશાળ આંગણમાં લાલ મંડપ નીચે હવનકુંડમાંથી નીકળી રહેલો સફેદ ધુમાડો, હમણાં જ હોમાયેલા શ્રીફળની ચાડી ખાઈ રહ્યો હતો. બારસાખો પીળા અને કેસરિયાં ગલગોટાનાં ફૂલોનો શૃંગાર કરીને ગેલમાં હતી. ચંદરવા નીચે સવારથી લટકાવેલાં આસોપાલાવના લીલાછમ તોરણો મલકાઈ રહ્યાં હતાં. લાકડાનાં ગુંજબ ઉપર નકશીકામ કરેલી ચોરી, વિભિન્ન રંગના દેશી-વિદેશી ફૂલોથી આચ્છાદિત હતી. નાના બાળકો ગુબ્બારાં લઈને આમતેમ દોડી રહ્યા હતાં. કાકીઓ અને માસીઓ રંગબેરંગી સાડીમાં હાથ લાંબા કરીને એકબીજાને બોલાવી રહ્યા હતાં. ચમકદાર ચણિયાચોળીવાળી યુવાન છોકરીઓ હથેળીમાં મેંદી ચોળી રહી હતી.

વાતાવરણમાં જાતજાતનાં પરફ્યુમની ગંધ મહેકી રહી હતી. ફઈઓ મોઢું મચકોડીને બાકી લોકોને સલાહ સૂચનો આપી રહ્યા હતાં. વડોદરાવાળા ફુવા અને હિંમતનગરવાળા માસા, બે હાથ પાછળ બાંધીને ગરદન ટટ્ટાર કરીને મોઢા ઉપર ભાર સાથે બધુ નિરીક્ષણ કરી રહ્યા હતાં; સાથે આખી વ્યવસ્થામાં થયેલી ભૂલો શોધવાનો અથાગ પ્રયત્ન કરી રહ્યા હતાં. ચાના કપ વારંવાર ખાલી થતાં અને ભરાતાં હતાં. સફેદ અને કાળા સાડલા વાળા દાદીઓ સાથે પાડોશીઓ ગાણાં ગાઈ રહ્યા હતાં. ઢોલી ઢોલ તોડવા ઉપર તુલ્યો હતો. બે ત્રણ જુવાનિયાઓ મુખ્ય દ્વારથી બહાર બગીચામાં બાંધેલી ચોરી સુધી લાલ જાજમ પાથરવામાં વ્યસ્ત હતાં. અને આ તમામ ચહલપહલનું સાક્ષી બનેલું ત્રણ માળનું સ્મરણપટ, લાલ-પીળી રોશનીથી ઝળહળી રહ્યું હતું. પણ હતું કો’ક, આ જ મકાનના પ્રથમ માળ ઉપર પોતાના રૂમમાં; જે અસમંજસમાં હતું!

લાલ પાનેતરમાં સજ્જ સ્મૃતિ પોતાના નીરસ અને ઉત્સાહ હીન ચહેરાને આઇનામાં જોઈ રહી હતી. અચાનક એનું ધ્યાન ગયું બાજુમાં પડેલી પોતાના જ લગ્નની કંકોત્રી ઉપર. એણે કંકોત્રી હાથમાં લીધી અને વાંચવા લાગી.   

‘શ્રીમાન મુકુલ દેસાઈ અને શ્રીમતી સરિતા મુકુલ દેસાઈની સુપુત્રી, કુમારી. સ્મૃતિ મુકુલ દેસાઈનાં લગ્ન….’ બસ એટલું વાંચતાં જ સ્મૃતિ અતીત માં ચાલી ગઈ

“વ્હોટ? અરેંજ મેરેજ?” કોઈ ભૂત જોઈ લીધું હોય તેમ ચોંકીને બોલી હતી સ્મૃતિ.

“એમાં આટલું ચોંકવાની શું વાત છે?” મુકુલભાઈ તાડૂકયા

“પપ્પા, અરેંજ મેરેજ મને ચંદ્ર જેવું લાગે છે. ઉપરથી તો સુંદર અને આકર્ષક. પણ ત્યાં પહોંચો પછી જ ખબર પડે કે એ લોભામણાં ગોળા ઉપર જીવનની શક્યતા છે કે આખરે ગૂંગળાઇને મરી જવાનું છે!” સ્મૃતિએ તર્ક આપેલો

“તો પ્રેમ લગ્ન કરી લે!” મુકુલભાઇ તરત બોલ્યા હતાં

“અરે.! પહેલાં કોઇની સાથે પ્રેમ તો થાય? અને પ્રેમ કરવો એ શ્વાસ લેવા જેટલું સરળ ક્યાં છે, કે એમ ઇચ્છો અને થઈ જાય? હવે એકાદ વર્ષમાં થઈ જશે.” સ્મૃતિ જીભ બહાર કાઢીને બોલી હતી

“તને પહેલાં જ ઘણો સમય આપી ચૂક્યા છીએ અમે. ચાર વર્ષ એંજિનયરિંગ, પછી બે વર્ષ એમ.બી.એ અને છેલ્લા બાર મહિનાથી તું નોકરી પણ કરે છે. આટલા વર્ષોમાં તને કોઈ ન મળ્યું, અને હવે એક વર્ષમાં જાણે  જાદુ થઈ જવાનો છે! એમ પણ પ્રેમ થવો એ ક્યાં શ્વાસ લેવા જેટલું સરળ છે? એટલે પ્લીઝ, ડોન્ટ ટ્રાય ટુ બાય મોરે ટાઇમ. આવતા મહિને સત્યાવીસની થઈશ તું.” મુકુલભાઈના બંદૂકની ગોળી જેવા તર્કનો સ્મૃતિ પાસે કોઈ તોડ નહોતો 

“પણ પપ્પા…..”

“હવે આગળ કોઈ ચર્ચા નઈ. આવતાં અઠવાડિયે છોકરા વાળા આવે છે. બી પ્રિપેર્ડ.” મુકુલભાઈ મક્કમ હતાં. 

સ્મૃતિ પગ પછાડતી એના રૂમ તરફ ચાલી હતી અને પાછળ સરિતાબેન પણ.

ઠક… ઠક… ઠક… ઠક… સ્મૃતિના રૂમનો દરવાજો ખખડ્યો.

“સ્મૃતિ…. કેટલી વાર?” સરિતાબેન હતાં. એ ટકોરાં સ્મૃતિના અતીતને વીંધીને એનાં કાને અથડાયા. કંકોત્રી હજુ પણ એના હાથમાં હતી.

સ્મૃતિએ ગરદન ફેરવી, “હા મમ્મી, બસ થોડી જ વાર હવે. તમે જાઓ હું આવું છું.”

સ્મૃતિ નહોતી ઇચ્છતી કે સરિતાબેન એના રૂમમાં આવે. ખરેખરતો એ નહોતી ઇચ્છતી કે કોઈ પણ એના રૂમમાં આવે. એટલે જ જ્યારે દુલ્હનને તૈયાર કરવાની વાત નીકળી હતી ત્યારે એણે તરત કહી દીધેલું, “મારે કોઇની જરૂર નથી, હું મારી જાતને શણગારવા એકલી જ કાફી છું.” અને મુકુલભાઇએ રકઝક કર્યા વિના સ્વીકારી લીધું હતું.

સ્મૃતિએ પાછું આઇનામાં જોયું. એની નજર એણે પહેરેલાં પાનેતર ઉપર પડી અને એને યાદ આવ્યું, આજે લગ્ન હતાં એના, આ ઘર છોડી જવાનું હતું એણે આજે.

કોણ જાણે એ કઈ ક્ષણ હશે જ્યારે એક છોકરી પોતાને વિવાહિત અનુભવતી હશે? ક્યારે એક છોકરી પોતાના બાળપણની યાદો, કિશોરાવસ્થાની મસ્તી, પોતાનો પરિવાર, મિત્રો, આડોશી પાડોશી ને જાણે કેટકેટલું છોડી જવાની હિંમત ભેગી કરી લેતી હશે? ‘આવી ગયાં.. આવી ગયાં.. વરઘોડિયાં આવી ગયાં!’ એ સાંભળીને? કે પછી હસ્તમેળાપ વખતે? કે પછી ઘરની દીવાલ ઉપર કંકુ વાળી લાલ હથેળીએ પોતાનો અંશ એ ઘરમાં છોડતી હશે ત્યારે? કોણ જાણે ક્યારે એક છોકરી ખુદને કોકની પરણેતર સ્વીકારી લેતી હશે? ક્યારે?

સ્મૃતિ માટે મનનો એ ઊમરો ઓળંગવાનો દિવસ આજે હતો. ફૂલોથી શણગારેલી એક ગાડી આવીને લઈ જવાની હતી એને, એક નવી દુનિયામાં. બાળપણથી સાચવી રાખેલી એની દુનિયાને છોડીને એ જવાની હતી, એક અજાણ્યાં વ્યક્તિ સાથે. એના ઘરે રહેવા. એના ઘરને પોતાનું ઘર કહેવા. એનાં પરિવારને પોતાના પરિવાર જેટલો આદર અને પ્રેમ આપવા. પોતાનું મન, શરીર અને સર્વસ્વ સોંપી દેવા. ઉફ…! કેવી હતી આ નિયતિ!?

પણ, આ સમાજની દ્રષ્ટિએ જુઓ તો કશું નવું કરવા નહોતી જઈ રહી એ? હજારો-લાખો છોકરીઓ આજ કરે છે ને આપણા દેશમાં! દર બીજી છોકરી કરે છે… ‘અરેંજ મેરેજ’!

પણ સ્મૃતિ ક્યાં હતી દર બીજી છોકરી જેવી? એણે તો એંજિનયરિંગ કર્યું હતું અને એમ.બી.એ પણ. એને તો એક બહુમાળી ઇમારતની કોર્પોરેટ ઓફિસમાં વિશાળ કોમ્પુટર સામે બેસવું હતું. નોકરી કરવી હતી, દુનિયા જીતવી હતી. પણ આજે એને બેસવાનું હતું ફૂલોથી સજાવેલી એક ગાડીમાં.

સગાઈ પહેલાં એક દિવસ એને વિચાર આવ્યો હતો, શું એ બોજ છે એનાં પેરેંટ્સ ઉપર? કે ‘સત્યાવીસની થઈ’ કહીને બસ પરણાવી દેવાની હતી? એનો શું મતલબ હતો કે ‘તને પહેલેથી જ ઘણો સમય આપી દીધો છે?’ અરે ભાઈ આખા જીવનનો સવાલ હતો. લગ્ન કરવાના હતાં, ઘરની દીવાલ માટે રંગ નક્કી નહોતો કરવાનો! એંજિન્યરિંગ અને એમ.બી.એ તો ભણવા માટે કરેલું. અને નોકરી તો બસ શરૂ જ કરી હતી, એમાં વળી પ્રેમ ક્યાંથી આવે વચ્ચે? સત્યાવીસ વર્ષ એ તો જાણે કોઈએ નક્કી કરેલી સમય સીમા હતી, કે કોઈ પણ ભોગે લગ્ન કરી જ લેવાનાં? સ્મૃતિનાં મનમાં આવા ઘણાં પ્રશ્નાર્થ ચિન્હ હતાં. પણ અઢળક પ્રેમ કરતી હતી એ માતા-પિતાને, એટલે પહેલો છોકરો જોઈને જ હા પાડી દીધેલી. એમ પણ બીજો, ત્રીજો કે દસમો છોકરો જોઈને ય, કરવાનાં તો અરેંજ મેરેજ જ હતાંને છેવટે!

એની પણ ઇચ્છા હતી, કોઈ અજાણી વિજાતીય વ્યક્તિ પર મોહી પડવાની. કોઈના વિચારોમાં ખોવાયેલા રહેવાની. આંખનાં ખૂણેથી કોઈને જોઈ લેવાની તત્પરતા એને પણ અનુભવવી હતી. ઇચ્છતી હતી કે એની આંખોમાં આંખ નાખીને કોઈ એવી રીતે જુએ કે જાણે હમણાં ડૂબી જશે. એને પણ શરમાવું હતું કોઈની મુસ્કાન પર. રાત્રે ઊંઘ ન આવવાનું, ભૂખ ન લાગવાનુ એક મનગમતું કારણ જોઈતું હતું. કોલેજ બન્ક કરીને કોઈને મળવા જવું હતું. સિનેમા હોલમાં ખૂણાંની સીટ ઉપર કોઈના ખભે માથું ઢાળીને ખુલ્લી આંખે ખ્વાબ જોવા હતાં. જાતજાતની ભેટ સોગાત, કોઇની રાહ જોવી’ને ક્યારેક રાહ જોવડાવવી હતી. એ રિસાવવું.. એ મનાવવું… ધીમેથી પોતાના હાથ ઉપર મુકાયેલો કોઈ પ્રિય વ્યક્તિનો હાથ, એ પહેલો સ્પર્શ, એ પાછળથી જઈને ભેટી પડવું. એક જોડી આંખોમાં પહેલાં જોયા કરવું, પછી બે શ્વાસોનું અથડાવવું, આંખોનું બંધ થવું ને હોઠનું જરાક ખૂલી જવું, હૃદયનું જોરથી ધડકી જવું અને શરમથી લાલ ચોળ થવું. એ પ્રથમ આલિંગન, એ પહેલું ચુંબન, ઉફ.. મનમાં ઉદ્દભવતી એ દરેક મીઠી ઉત્તેજના એને પણ અનુભવવી હતી. 

માણવી હતી એ ક્ષણ, જ્યારે કોઈ મનગમતી વ્યક્તિ પોતાના ઢીંચણ ઉપર ઝુકીને જાદુગર ટોપીમાંથી કબૂતર કાઢે એમ એક અંગૂઠી કાઢે, એનો હાથ પકડે અને પૂછે… ‘સ્મૃતિ, હું તારો હાથ પકડીને ઊગ્યો તો નથી પણ આથમું ત્યારે તારો હાથ મારા હાથમાં હોય તેમ ઇચ્છું છું. તારી સાથે ઘરડા થવું છે મારે. બાંધીશ મારા નામનું મીંઢળ તારી કલાઈ ઉપર? વિલ યૂ મેરી મી?’ અને એને ય સજળ આંખે આખી દુનિયાને સંભળાય એમ બૂમ પાડીને કહેવું હતું “હા… હા… હા”, “યસ આઇ વિલ!” થવું હતું ન્યોછાવર અને સમર્પિત પૂરેપુરું, કોઈ પ્રિય વ્યક્તિ ઉપર. પણ આજે એ એક એવા માણસને ખુદને સોંપવાની હતી જેને એ બસ એક માસ પહેલાં મળી હતી. 

જોકે, આટલું જલ્દી લગ્ન કરવાનો વિચાર બેમાંથી એકે ય બાજુનો નહોતો. પણ સંજોગો ય જાણે સ્મૃતિથી રિસાયા હતાં. સ્મૃતિના ભાવિ સસરાની તબિયત ઠીક નહોતી રહેતી. નાના મગજ સુધી પૂરું લોહી નહોતું પહોંચતું. ડોક્ટરે કહ્યું હતું કે ગમે ત્યારે કોમામાં જઈ શકે છે, એટલે ‘ચટ મંગની પટ બ્યાહ’ સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. સ્મૃતિને એક વાર તો થયું હતું કે બસ એક મહિનામાં લગ્ન? એક મહિનામાં એક અજાણ્યાં માણસને કેમ ઓળખાય? એ પણ એવો માણસ, જેની સાથે બાકી વધેલી જિંદગી એની જીવનસંગિની બનીને કાઢવાની હતી! ખેર, પછી એવો પણ એક વિચાર આવ્યો; કે માણસને ઓળખવા માટે એક મહિનો, એક વર્ષ, કે પછી દશ વર્ષ પણ ઓછા પડે. ક્યારેક આખી જિંદગી નીકળી જાય, તે છતાં માણસોને સંપૂર્ણ ઓળખી નથી શકાતું. એટલે જ સ્મૃતિએ એક એવા વ્યક્તિ સાથે લગ્ન કરવાનો ખાસ વિરોધ નહોતો કર્યો, જેનું એ માત્ર નામ સારી રીતે જાણતી હતી. “ક્ષિતિજ નાગર”, સ્મૃતિનો થનાર પતિ… એનો ભાવિ હસબન્ડ!

આ એક મહિનામાં સ્મૃતિ ક્ષિતિજને બસ ત્રણ વાર મળી હતી. એક વાર પોતાના ઘરે, એક વાર ક્ષિતિજના ઘરે અને એક વખત રેસ્ટોરાંમાં. ક્ષિતિજ એક પ્રતિષ્ઠિત બેંકમાં ઈન્વેસ્ટમેન્ટ બેન્કર છે. ઊંચા હોદ્દા ઉપર છે એવું કહી શકાય.

“મને ખબર છે આ બધુ ખૂબ જલ્દી થઈ રહ્યું છે. આપણને એકબીજાને જાણવાનો સમજવાનો સમય નથી મળતો. ફોન ઉપર પણ ખાસ વાત નથી થતી, પણ સંજોગો જ એવા છે. તારા મનમાં કંઈ હોય તો તું કહી શકે છે મને.” ક્ષિતિજે પૂછ્યું ત્યારે સ્મૃતિ કશું બોલી નહોતી શકી  

“અને હા, યૂ શુડ કીપ યોર સેકન્ડ નેમ. ‘સ્મૃતિ દેસાઈ’માંથી સીધું ‘સ્મૃતિ નાગર’ ન થવું હોય તોય વાંધો નથી. ‘સ્મૃતિ દેસાઈ નાગર’ સાઉંડ્સ પર્ફેક્ટ ટૂ મી!” ક્ષિતિજે કોફીનો કપ પકડેલો હાથ લાંબો કરીને કહ્યું હતું રેસ્ટોરાંમાં. આશ્ચર્ય મિશ્રિત ખુશીનો ભાવ તરી આવ્યો હતો સ્મૃતિના ચહેરા ઉપર.         

ઠક… ઠક… ઠક… ઠક… ફરી સ્મૃતિના રૂમનો દરવાજો ખખડ્યો. સ્મૃતિ હજુ પણ આઇનામાં જોઈ રહી હતી, એનું ધ્યાન ગયું કે એનાં હોઠ જરાક ઉપરની તરફ ખેંચાયેલાં હતાં.

“આવી ગયો… વરઘોડો આવી ગયો” બહારથી કોઈ બોલ્યું. સ્મૃતિએ આઇનામાં એક નજર ઉપરથી નીચે સુધી પોતાને જોઈ લીધી. પછી દરવાજો ખોલ્યો. આતશબાજી અને નાસિક ઢોલના તાલથી કોસ દૂર, માઇક ઉપર બેસુરા અવાજે જોરજોરથી ગવાતું ગીત એનાં કાને પડ્યું. એણે બાલ્કનીમાંથી નીચે જોયું, લાલ રંગની ફૂલોથી શણગારેલી ગાડી… એનો ઉડનખટોલો આવીને ઊભો હતો એને એક અલગ દુનિયામાં લઈ જવા.

એક પછી એક લગ્નની વિધિઓ પતવા લાગી. કન્યા આગમનને મોર્ડનાઈજ કરવાની હોડમાં ‘મંગલાષ્ટક’  નવા ફિલ્મીગીતના કર્કશ અવાજ નીચે રૂંધાઈ ગયું. લિજ્જતદાર જમણ, ફોટા પડાવવાની હોડ અને કોણે શું પહેર્યું છે’ની પંચાત વચ્ચે સપ્તપદીના સાત વચનો અસ્પૃશ્ય થઈ રહ્યાં. અને છેવટે લાં…બી લચક લગ્ન નામની ફિલ્મનો ક્લાઇમેક્સ આવી ગયો. ફરી એ લાલ રંગની ગાડી આવી, સ્મૃતિને ગાડી સુધી પહોંચવાના એ સાત ડગલાં સેટ જન્મો કેટલા લાંબા લાગ્યાં. સ્મૃતિ એમાં બેસી ગઈ. ગાડીના ચક્ર-પૂજન પછી પૈડું શ્રીફળ ઉપર ફરીવળ્યું. સ્મૃતિને થયું જાણે એ પૈડું એના સપનાઓ ઉપર ફરીવાળ્યું હતું.      

લાલ ગાડી ચાલી પડી. કોકે ફૂલ વારસાવ્યાં તો કોકે સિક્કા. બચ્ચાઓ એને ઉઠાવવા માટે દોડી પડ્યા. ચમકદાર સાડી વાળી સ્ત્રીઓએ કેડમાં ભરાવેલાં નાના-નાના કોટનના રૂમાલોથિ પોતાના આંસુ લૂછ્યાં. કોઈ હાથ મુકુલભાઈના ખભે એમને ચિંતા ન કરવાનું કહી રહ્યો હતો, તો કોઈ ખભો સરિતાબેનનાં ડૂસકાંથી ભીંજાયો હતો.

સ્મૃતિનો ચહેરો પણ આંસુમાં લપેટાયેલો હતો, એ લાલ ગાડીમાં સંકોચાઇ રહી હતી. ગાલ ભીંજાયેલાં હતાં, હાથ લાલ-સફેદ ચૂડીયોથી લદાયેલાં હતાં, વજનદાર પાનેતરનો ભાર એને હૃદય ઉપર અનુભવાતો હતો. એ ઝૂકેલા ચહેરે આજુ-બાજુ કશુંક શોધવા લાગી. એનો રૂમાલ એના પર્સમાં હતો, પર્સ કોઈ મોટી બેગમાં હતું ક્યાંક. એના રહી-રહીને ઊઠતાં ડૂસકાં, સજળ આંખો અને ઝૂકેલાં ચહેરા આગળ અચાનક એક રેશમી રૂમાલ આવી ગયો; સાથે ક્ષિતિજનો હાથ પણ. સ્મૃતિએ ખચકાટ સાથે એ રેશમી રૂમાલ લઈ લીધો. ક્ષિતિજ અને સ્મૃતિની આંગળીઓ સ્પર્શી ગઈ એક-બીજાને. અરેંજ મેરેજ પછીનો પહેલો નિઃસ્વાર્થ સ્પર્શ હતો એ. કંઈ ખાસ નહીં, બસ એક નાનકડું ‘કેમ છો?’ બે આંગળીઓ વચ્ચે.

ગાડી ભાગી રહી હતી શહેરનાં રસ્તાઓ ઉપર. ગાડીના કાચમાં થઈને સ્મૃતિએ બહાર નજર કરી. બાળપણમાં ભેગી કરેલી એની ચોપડીઓ, માતા-પિતા, ઘર, બધું પાછળ છૂટી રહ્યું હતું. સ્મૃતિએ ફરી થોડા આંસુ લૂછ્યાં. આંખનું કાજળ એ રેશમી રૂમાલ ઉપર ઉતરી આવેલું, આંસુઓથી ભીનો થઈ ગયો હતો રૂમાલ.

“ધોઈને આપી દઈશ.” સ્મૃતિ ધીરેથી બોલી

“ઇટ્સ ઓકે! એમ પણ શેરવાનીનાં ઉપરના ખિસ્સામાંથી ડોકાયા કરતો હતો કારણ વગર. ચાલો કંઈ કામ તો લાગ્યો” ક્ષિતિજે એ રેશમી રૂમાલ પાછો ખિસ્સામાં મૂકી દીધો, જાણે લગ્ન પછીની પહેલી ભેટ ન મળી ગઇ હોય એને!

ગાડી ધીમી પડી. બાળકો ગાડીના કાચ ઉપર બે હાથ વચ્ચે ચહેરો ગોઠવીને અંદર બેઠેલી નવી દુલ્હનને જોવા લાગ્યા. ક્ષિતિજનું ઘર આવી ગયું હતું. ગાડીમાંથી ઊતરીને, ફૂલોના વરસાદ વચ્ચે લાલ જાજમ ઉપર નવ પરણિત યુગલ ઘર તરફ ચાલવા લાગ્યું. સ્મૃતિએ એક નજર ઘરને જોયું. આ સ્મૃતિનું ઘર નહોતું, આ એનું આંગણું ય નહોતું, આ છત, બારીઓ કે દીવાલો પણ સ્મૃતિના નહોતા. એ પરણેતર બનીને પોતાના ઘરે આવી ગઈ હતી પણ પોતાનું કહેવાય એવું….?

ખેર, લગ્નની વિધિઓ પૂરી નહોતી થઈ હજી. વરઘોડિયાની નજર ઉતારવામાં આવી. સ્મૃતિની આંખોમાં ઊંઘ હતી. પાછલી ઘણી રાતોથી ઊંધી નહોતી એ, લગ્નના ઘરની રાતો હતી એ. સ્મૃતિને થયું કે આ અજાણ્યાં ઘરના કોઈ અજાણ્યાં ખૂણામાં જઈને બસ નિંદ્રાધીન થઈ જાય. અને સવારે ઊઠે ત્યારે બધું એવું જ મળે જેવું છોડીને આવી હતી.

બદામી રંગની દીવાલો વાળું ત્રણ માળનું મકાન. એક નાનકડો બગીચો. ઝાંપાથી ઘર સુધી ખરબચડા પત્થરોની પગથી, નાની-નાની ક્યારીમાં ગુલાબનાં છોડ. ખૂણામાં ઊગેલાં વિશાળ લીમડા ઉપર ચહેકતી કોયલ, દરવાજા ઉપર મમ્મીએ હાથથી કરેલાં સ્વસ્તિકનું નિશાન, અને પત્થરની લાદી ઉપર લખેલું ઘરનું નામ; ‘સ્મરણપટ’. યાદોનું ઘર…. સ્મૃતિને એના યાદોના ઘરે પાછું જવું હતું.

નવી વહુના આગમનની જાણકારી જાણે ઢોલી ઢોલ ટિપીને આખા શહેરને આપી રહ્યો હતો. ઘસઘસાટ ઊંઘેલા બચ્ચાઓ માંના ખભે લટકી રહ્યા હતાં અને ક્ષિતિજની બહેનો દરવાજો રોકીને ઊભી હતી. રિવાજ પ્રમાણે વરવધૂને ઘરની અંદર આવવાની અનુમતિના બદલામાં પૈસા માંગી રહ્યાં હતાં. પછી દુલ્હા-દુલ્હનના અમુક ખેલ થવાના હતાં. સફેદ પાણીથી ભરેલી થાળીમાં એક વીંટી નાખવામાં આવી. ઉપર ફૂલો તારી રહ્યાં હતાં. સફેદ પાણીમાં સંતાયેલી વીંટીને સૌથી પહેલાં શોધી કાઢવાની હતી. ક્ષિતિજનો આખો પરિવાર નવી આવેલી દુલ્હનને એકલી પાડી, એને હરાવવા તત્પર હતો. સ્મૃતિને ચક્રવ્યૂહમાં ફસાયેલો અભિમન્યુ યાદ આવી ગયો. લગ્નના શોરગુલમાં ખોવાયેલી એકલતા ફરી પાછી એની સામે આવીને અટ્ટહાસ્ય કરી રહી હતી. વીંટી સ્મૃતિના હાથમાં આવી ગઈ. એને સમજાઈ ગયું કે ક્ષિતિજે વીંટી સફેદ પાણીના આવરણ નીચે સ્મૃતિને સોંપી દીધી હતી. સ્મૃતિ વિજેતા જાહેર થઈ ચૂકી હતી. સ્મૃતિએ આંખનાં ખૂણેથી એક ઝલક ક્ષિતિજને જોઈ લીધો. એને થયું કે આ યુગનો અભિમન્યુ ચક્રવ્યૂહમાં એકલો નહોતો, કદાચ! એક ખૂબ નાનું, સંતોષથી છલોછલ સ્મિત રેલાઈ ગયું સ્મૃતિના ચહેરા ઉપર.

ડ્રોઈંગ રૂમમાં ચહલપહલ  હજુ ઓછી નહોતી થઈ. પંડિતજી દક્ષિણાની રાહમાં હતાં, વડીલો પાછળ છૂટી ગયેલા સામાનની ચિંતામાં હતાં, કોઈ જાનૈયાઓને પીરસેલા જમણની નિંદા કરવામાં વ્યસ્ત હતું, ક્ષિતિજ અને એના મિત્રો વચ્ચે ટીખળ ચાલી રહી હતી, સાસુમાં એમની ભજન મંડળીની બહેનોની રાહ જોઈ રહ્યાં હતાં અને પડોશીઓ ખૂણામાં સંકોચાઈને બેઠેલી નવી દુલ્હનને કોઈ મ્યુઝીયમમાં મૂકેલી મૂર્તિની જેમ ટગર-ટગર આંખો ફાડીને જોઈ રહ્યાં હતાં.

ક્ષિતિજની બહેનો અને બાળકો સ્મૃતિને બેડરૂમમાં ખેંચી ગયા. કોઈ એના પાનેતરના વખાણ કરતું હતું તો કોઈ મેંદીમાં ભાઈનું નામ શોધવાનો પ્રયાસ કરતું હતું. પછી નવી ભાભી સાથે ફોટો પડાવવાની હોડ લાગી. દરેકને એ સાબિત કરવું હતું કે એ ભાભીની સૌથી પ્રિય છે.

“અરે…. તમે લોકો અત્યારથી ભાભીને પજવવા લાગ્યાં? ચાલો જાઓ બહાર, ભાભીને આરામ કરવાદો…” ક્ષિતિજે રૂમમાં આવીને મીઠો ઠપકો આપ્યો. આખું ટોળું બહાર ચાલ્યું ગયું.

“સોરી, આટલી બધી બહેનો વચ્ચે એક જ ભાઈ છું એટલે જરા…. ઓવર એક્સાઈટમેન્ટ યૂ નો!” ક્ષિતિજ મોઢા ઉપર મુસ્કાન લાવીને બોલ્યો. સ્મૃતિએ બસ ‘હા’માં માથું ધૂણાવી નાખ્યું.

“ઘણો લાંબો દિવસ હતો, થાકી હોઈશ. બાથરૂમમાં જઈને ફ્રેશ થઈજા, હું નીચે પપ્પાને મળીને આવું.” ક્ષિતિજ રૂમની બહાર નીકળી ગયો 

મેંદી વાળા હાથે પગના પંજા ઉપર ઊંચી થઈને સ્મૃતિએ બેડરૂમના દરવાજાની સ્ટોપર બંધ કરી. સવારથી પહેલી વાર એની બંગડીઓની ખનક એને સંભળાઇ. સવારથી પહેલી વાર એ ભીડથી દૂર હતી. સવારથી પહેલી વાર એણે પોતાના અસ્તિત્વને અનુભવ્યું. એણે બેડરૂમને ધ્યાનથી જોયો. આ જ હતો એ રૂમ જે એનું નવું ઘર હતું. આચ્છા પીળા રંગની દીવાલો સાથે ઘટ્ટ કેસરિયા રંગના પડદા હતાં, જેવા એને પસંદ હતાં. કથ્થઈ બોર્ડર વાળી ચોરસ- સફેદ દીવાલ ઘડિયાળ, જે સ્મૃતિને ન ગમી. દીવાલમાં બનેલું લાંબુ લાકડાનું કબાટ હતું, એક નાનું ડ્રેસિંગ ટેબલ અને એક ડબલ-બેડ. એક પંખો છત ઉપર ઊંધો લટકી રહ્યો હતો. સ્મૃતિને થયું કે એ પણ આ અચેતન ફર્નિચરનો એક ભાગ બની ગઈ છે. કદાચ આ જ હતું અરેંજ મેરેજ !?  સ્મૃતિને છાતી ઉપર ભાર લાગવા લાગ્યો. તાજી હવા લેવા માટે એ બહાર બાલ્કનીમાં જઈને ઊભી રહી ગઈ.

રાત અડધાથી વધારે વહી ચૂકી હતી. આખો દિવસ ઘોંઘાટોમાં સળવળતું શહેર પોતાના જ સન્નાટામાં લપેટાયેલું હતું. ધરતી ઉપર ઊંઘની વસ્તી એટલી ગાઢ ફેલાયેલી હતી કે, વાદળની ઓટમાં થીજેલો ચાંદ પણ ઝોકાં ખાઈ રહ્યો હોય તેમ લાગતું હતું. સ્મૃતિએ બાલ્કનીમાંથી નીચે જોયું. નાનકડો બગીચો હતો, અને ખૂણામાં બાંધેલો એક હીંચકો. સ્મૃતિ ફરી એના ભૂતકાળમાં સરી પડી. પોતાના ઘરના બગીચામાં બાંધેલા હીંચકા ઉપર સફેદ ફૂમતા વાળું ગુલાબી ફ્રૉક પહેરેલી નાનકડી સ્મૃતિ એને દેખાવવા લાગી. સાથે એના પિતા, જે મોઢા ઉપર મોટી મુસ્કાન સાથે હીંચકો ઝુલાવી રહ્યાં હતાં. એ ભૂતકાળ સ્મૃતિનો હાથ પકડીને ઘરના એક-એક ખૂણામાં એને ફેરવી આવ્યો. છોકરીઓ લગ્ન પછી ચકલીની જેમ મુંડેર તો બદલી નાખે છે પણ પોતાના ઘરને ક્યારેય ભૂલી નથી શકતી. બસ ઘરનું નામ બદલાઈને પિયર થઈ જાય છે. સ્મૃતિની ઊંઘથી છલોછલ થાકેલી આંખોમાં વાદળ ભરાઈ આવ્યાં, ભીંજાઈ ગયું એનું મન કોઈ ઋતુની જેમ.

અચાનક એનો જીવ ડહોળાવવા લાગ્યો. એ બાથરૂમ તરફ જતી હતી ત્યાં દરવાજો ખખડ્યો, એણે દરવાજો ખોલ્યો, ક્ષિતિજ હતો. સ્મૃતિ બાથરૂમ તરફ ભાગી અને એક ઊબકા સાથે એના મનની કચવાટ વોશબેસિનમાં ફેલાઈ ગઈ. આંખોમાં આવી ચડેલા વાદળાં ફાટી પડ્યા અને વહી પડ્યા આંખમાંથી. એ હજુ ઝૂકેલી હતી, અચાનક એણે પીઠ ઉપર એક હાથ અનુભવ્યો. એની પીઠને પંપાળી રહ્યો હતો, પ્રેમથી! ક્ષિતિજ હતો. એ રોઈ રહી હતી. “એકાદ ટેન્કર તો તું સવારથી રડી ચૂકી હોઈશ, લે થોડું પાણી પીલે. વધારે રડવું હશે તો કામ લાગશે” ક્ષિતિજે પાણી ભરેલો ગ્લાસ આપતા કહ્યું. રડતાં-રડતાં અચાનક હસવું આવી ગયું સ્મૃતિને. પહેલી વાર એક અજાણ્યાં ઘરમાં અસહ્ય એકલતાની લાગણી થોડી ઓછી લાગી એને.

“તું ફ્રેશ થઈજા હું બહાર છું” ક્ષિતિજે સ્મિત કર્યું

સ્મૃતિ બહાર આવી ત્યારે ક્ષિતિજ પલંગ ઉપર એક કાગળ લઈને બેઠો હતો.

“મને ભૂખ લાગી હતી એટલે સેન્ડવિચ ઓર્ડર કરી છે. અને તારી માટે પીઝા, હા ભાઈ વિથ એકસ્ટ્રા ચીઝ.  તારી મિત્રએ તે દિવસે રેસ્ટોરાંમાં કહ્યું હતું, યાદ છે મને.” ક્ષિતિજ સસ્મિત બોલ્યો. સ્મૃતિના મોઢા ઉપર પણ એક સ્મિત આવી ગયું.

“હાસ્તો, બોસના પ્રેઝન્ટેશન માટે જેટલું નથી કર્યું એટલું રિસર્ચ તારી પસંદ-નાપસંદ જાણવામાં કર્યું છે છેલ્લા બે અઠવાડિયામાં મે. તારો મનગમતો રંગ, આસમાની અને સફેદ. તને રણવીર કપૂરની ફિલ્મો પસંદ છે, સોનું નિગમના કોઈ શો તું છોડતી નથી, ડાન્સ કરવો પસંદ છે અને હ્યૂમન રિસોર્સમાં ખૂબ રસ છે. અરે યાદ આવ્યું, લગ્ન નક્કી થયા પછી તે જોબ કેમ છોડી દીધી? ખેર, જો ફરી શરૂ કરવામાં રસ હોય તો મારા અમુક કોંટેક્ટ્સને વાત કરી રાખી  છે. ઇન્ટરવ્યુ ગોઠવી શકાશે. અરે હા, ખાસ વાત તો રહી ગઈ. પેટપુજા પછી તૈયાર થઈ જજે. છુપાઈને કોફીશોપમાં જવાનું છે. તને લેટનાઇટ કોફી પીવી ખૂબ ગમે છે, કરેક્ટ? આ કાગળમાં બધું લખી રાખ્યું છે મે.” ક્ષિતિજે આત્મવિશ્વાસથી છલોછલ સ્મિત સાથે કાગળ સ્મૃતિ આગળ ધરી દીધું.

સ્મૃતિને ખૂબ ગમ્યું એ. “કેટલી મહેનત કરી છે ક્ષિતિજે મારી પસંદ-નાપસંદ જાણવા” સ્મૃતિએ વિચાર્યું. ક્ષિતિજના એ સ્મિત પાછળ સ્મૃતિના મનની કચવાટ પીગળી રહી હતી. એના મનમાં જાણે ક્યાંકથી વસંત ઊમડી આવી હતી. અરેંજ મેરેજને નફરત કરવા વાળી એ છોકરી, એના અરેંજ મેરેજ વાળા પતિને પ્રેમ કરી બેઠી હતી.

એ રાત તો વીતી ગઈ. પછીના દિવસોમાં સ્મૃતિએ ધીરે-ધીરે ક્ષિતિજને જાણ્યો. એવું નહોતું કે બંનેને એક બીજાની બધી જ વાત પસંદ હતી. એવું પણ ઘણું હતું જે નાપસંદ હતું. પણ ભીડમાં માણસ જેમ કોણીથી જગ્યા બનાવી લે છે, એમ લગ્ન જીવનમાં પણ બંનેએ અઢળક ખૂબીયો અને બેશૂમાર ખામીયો વચ્ચે પોતાની જગ્યા બનાવી લીધી હતી. લગ્ન કરતી વખતે સ્મૃતિને લાગ્યું હતું કે એ બસ એક ફરજ બજાવે છે, અરેંજ મેરેજ કરીને. એની ખુશીઓ હવે સ્વાહા થઈ ગઈ છે. પણ ધીરેધીરે એ સમજી કે અરેંજ મેરેજ હોય કે પ્રેમ લગ્ન, જો સંબંધોને હૂંફ અને સુંદર ક્ષણોથી ન સિંચિએ તો એ મૂરઝાઇ જાય છે. આજકાલ ચારે કોર નજર કરો તો છુટ્ટાછેડાનું જાણે પૂર આવ્યું હોય એમ લાગે છે. ના… ના… એવું નથી કે જો એ લોકોએ અરેંજ મેરેજ કર્યા હોત તો એવું ન થાત. બંને પ્રકારના લગ્નમાં પોત-પોતાના સુખ અને દુઃખ છે. સ્મૃતિ કદાચ નસીબદાર રહી એમ કહી શકાય. પણ ચોપડીઓ અને ફિલ્મોમાં, ધુમ્મસ પાછળથી અચાનક પ્રગટ થતાં શ્વેત અશ્વ ઉપર બેઠેલાં રાજકુમારની રાહમાં બસ એકલતા જ સાંપડતી હોય છે, મોટેભાગે!

પચીસ વર્ષ થઈ ગયા બંનેના લગ્નને. એક દીકરો અને એક દીકરી છે. દીકરાને પ્રેમ લગ્ન કરવાની ઇચ્છા અને દીકરીને પેરેંટ્સની જેમ અરેંજ મેરેજમાં રસ છે. બે બાળકો મોટાં થઈ ગયા છે હવે. એટલાં મોટાં કે પચીસમી એનિવર્સરીની ઉજવણી જાહોજલાલીથી કરી હતી સાંજે. હવે તો અડધી રાત વીતી ચૂકી છે. પણ, સ્મૃતિ અને ક્ષિતિજ તો દર વર્ષની જેમ  કોફીશોપમાં આવ્યા છે, લેટનાઇટ કોફીનો આનંદ લેવાં. સ્મૃતિનાં હાથમાં એક બોક્સ છે નાનું, મોઢા ઉપર ખીલેલી મુસ્કાન પણ આંખો સજળ છે. એનું કારણ છે થોડી વાર પહેલા ઘટેલી એક ઘટના.

તો થયું જાણે એમ, કે કોફી પીતાં-પીતાં બંને એનિવર્સરીના પ્રસંગને વાગોળી રહ્યાં હતાં. અને અચાનક ક્ષિતિજ ઊભો થયો. સ્મૃતિની બાજુમાં પડેલી ખુરશી ખસેડી અને ઢીંચણ ઉપર ઝૂકી ગયો સ્મૃતિ આગળ.

“સ્મૃતિ, લગ્ન પહેલાં કે લગ્ન પછીનાં આટલા વર્ષોમાં ક્યારેય મોકો ન મળ્યો; પણ આજે કહું છું. આ જન્મમાં તો મારાં સદનસીબે તું મારી પત્ની બની ગઈ. પણ શું આવતા સાત જન્મ તું મારી પત્ની બનવાનું સ્વીકારીશ? વિલ યૂ મેરી મી ફોર નેક્ષ્ટ સેવન લાઈવ્સ?” ક્ષિતિજે ખિસ્સામાંથી એક નાનકડું બોક્સ કાઢીને સ્મૃતિને આપ્યું. કોફીશોપમાં બેઠેલાં બીજા લોકોની તાળીઓના ગડગડાટથી અડધી રાત્રે કોફીશોપ ગુંજી ઊઠયું.

સ્મૃતિએ બોક્સ ખોલ્યું તો ગદગદિત હ્રદયે આંખમાંથી આનંદ વરસી પડ્યો. કારણકે બોક્સમાં હતો એક રેશમી રૂમાલ. એજ રૂમાલ જે પચીસ વર્ષ પહેલાં ક્ષિતિજે સ્મૃતિને ગાડીમાં આપ્યો હતો. એજ રૂમાલ જેને લેતાં સ્મૃતિ અને ક્ષિતિજની આંગળીઓ સ્પર્શી ગઈ હતી, નિઃસ્વાર્થ! એજ રેશમી રૂમાલ જેની ઉપર પચીસ વર્ષ પહેલાં, એક નવી પરણેલી દુલ્હનના આંસુની ખારાશ હતી અને તણાઈને સાથે આવેલું અઢળક કાજળ. સ્મૃતિએ એ રેશમી રૂમાલ છાતીએ ચાંપી દીધો.   

– પૂર્ણવિરામ –

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “એ રેશમી રૂમાલ.. – ચિંતન આચાર્ય”

Copy Protected by Chetan's WP-Copyprotect.