મથુરદાદા (શબ્દ ચરિત્ર) – અરવિંદ કળસરિયા

મોરારીબાપુનું ગામ એટલે ચિત્રકૂટધામ (તલગાજરડા). બરાબર ચિત્રકૂટની સામેની શેરીમાં ૧૨૦ મીટર જેટલુ ચાલી જવાનું, પછી એટલુજ ડાબી બાજુ ચાલવાનું. વચ્ચેનો એક ચોક મુકી બીજા ચોકથી જમણી બાજુ ત્યાં સુધી ચાલવાનુ કે જ્યાં સુધી એ દુકાન ન આવે. અહીં પ્લોટમાં એક જ દુકાન છે. જે ‘મથુરદાદાની દુકાન’ને નામે ઓળખાય છે. ભલે મથુરદાદા તમને ઓળખતા ન હોય પરંતુ તમને જોતાજ તમારું ભાવભીના ‘આવો આવો’ શબ્દથી સ્વાગત કરવામાં આવે ત્યારે સમજવુ કે એ મથુરદાદા છે. દુકાનની બાજુમાંજ એક રસ્તો છે. જે અમારા ઘર તરફ જાય. અમારા ઘરથી દુકાન વચ્ચે ૧૦૦ મીટરનું અંતર. દોઢે’ક મિનિટનું કહીએ તો પણ ચાલે.

મથુરદાદા અમારે દાદા થાય, પરંતુ અમે મથુરદાદાના નામથીજ બોલાવીએ. મથુરદાદાનો શારીરીક બાંધો ખૂબજ મજબુત. ભરાવદાર ચહેરો. ૬ ફુટ અને ૧ ઇંચ ઉંચાઇ. વજન સપ્રમાણ. સ્વભાવે શાંત અને મિજાજે ગરમ. મુછો રાખવામાં પાવરધા. કપણી અને ચોરણી એમનો રોજીંદો પહેરવેશ. ખભે ટુવાલ રાખે અને માથે પાઘડી બાંધે. એકવાર મથુરદાદાએ મને કહેલુ ‘મુછો રાખવી એ મર્દાનગી છે જ્યારે પાઘડી બાંધવી એ ખાનદાની છે.

સવારે પાંચ વાગ્યે શિવ મંદિરે આરતી થાય એ સમયે મથુરદાદા ઉઠી જાય. હાથ-પગ મો ધુવે. ત્યાર પછી દિવાબત્તી કરી પ્રાર્થના કરે. ત્યાર પછી એક રકાબી ચા પીવે. ત્યારબાદ તેઓ દુકાનની ચાવી સંભાળે. હાથમાં બડીયો લઇ મોજડી પહેરે અને ડોલમાં પાણી ભરી દુકાન ભણી ચાલતા થાય. દુકાને પહોંચે એટલે સૌપ્રથમ તેઓ ઓટલા પાસે રાખેલા કુંડાઓને પાણીથી છલકાવે. આમ સાતે’ક વાગ્યે તેઓ દુકાન ઉઘાડે. પછી અમારામાથી કોઇ એક દુકાનની અંદરથી સંજવારી કાઢે. તો કોઇ દુકાનની બહાર સાવરણાથી કચરો વાળી નાંખે. તો કોઇ વળી ઘરેથી પીવાનું પાણી ભરી લાવે અને દુકાનમાંનું માટલુ વીછળીને પાણીથી ભરી કાઢે. અને પછી મથુરદાદા અગરબત્તી અને દિવો પેટાવે. ત્યારબાદ તેઓ ગાઠીયાનાં ડબલામાંથી બે મુઠી ગાઠીયા સામેની દિવાલ પાસે નાખે. થોડીજ વારમાં ચકલાઓ આવીને આ ગાઠીયા ચણી જાય અને કુંડામાંનું પાણી પીતા જાય. ત્યારબાદ તેઓ ગ્રાહકો સંભાળે. ઘડીયાળમાં દસ કે સાડા દસ થાય એટલે મથુરદાદા માટે ચા આવી જાય. જો ચા પહોંચાડવામાં થોડું મોડું થયુ હોય તો મથુરદાદા બેલ વગાડીને ઘરે જાણ કરે અથવા આજુ-બાજુમાં રમતા છોકરાઓમાંથી કોઇ એકને ચા નું કહેવા માટે ઘરે મોકલે. આમ, ચા આવે એટલે સામેના ઘરમાથી દુદા’તાને પણ બોલાવવામાં આવે. તો વળી ક્યારેક દુદા’તાજ મથુરદાદા માટે ચા લાઇને આવી જાય. મથુરદાદા અને દુદા’તા નાનપણથીજ મિત્રો. ઘણીવાર તેઓ અમને તેમના સમયની વાતો કહેતા, તો ક્યારેક અમેજ આગ્રહ કરતા. પછી મથુરદાદા બપોરે  એકા’દ વાગ્યે દુકાન બંધ કરી ઘરે આવે.

બપોરે જમવાનું તૈયારજ હોય. પોતાનું અંગત આસન પાથરી જમવા બેસી જાય. તે વખતે તેઓ પોતાની જમણી બાજુ પાણી ભરેલો એક લોટો રાખે અને ડાબી બાજુ બડીયો. તેઓ જમવા હંમેશા એકલાજ બેસે. ભાણું પીરસાયા બાદ તેમના ભોજનમાંનો દસમો ભાગ તેઓ પાટલાથી ચાર-છ આંગળ દુર અલગ રાખે. જમ્યા બાદ અલગ રાખેલો એ દસમો ભાગ તેઓ કુતરાને ખવડાવે. પછી અઢી-ત્રણ વાગ્યા સુધી તેઓ આરામ કરે. અને ફરી દુકાન ઉઘાડે.

ઢળતી સાંજે અમે અને શેરીનાં છોકરાઓ દુકાન સામે ભેગા થઇએ. અમારો ભેગા થવાનો મુખ્ય આશય મથુરદાદા પાસેથી ટીકડુ (ચોકલેટ) લેવાનો રહેતો. દુકાનની સામેજ પ્લાસ્તર વગરની એક ભીંત. સાંજના પાંચે’ક વાગ્યે મથુરદાદા અમને કહે હાલો, કોણ કોણ તૈયાર છે ભીંત પર હાલવા માટે? એટલે અમારામાં લાઇન લાગતી. મથુરદાદાનો હુકમ થતાજ અમે એક પછી એક ઇંટોના ખાલામાં હાથનાં આંગળા નાખી ઇંટો પરજ પગ રાખીને ચાલતા એક છેડેથી બીજા છેડે પહોંચી જતા. તો કોઇ વચ્ચેજ પડી જાય. જે આમાં પાર ઉતરે તેને મથુરદાદા તરફથી એક એક ટીકડુ (ચોકલેટ) મળતુ. જે વચ્ચેથીજ પડી ગયા હોય તેઓને વળતા દિવસની આશા રાખવી પડતી. સાંજે સાત વાગ્યા પછી અમારામાંથી કોઇ એક દુકાને બેસે. પછી ત્યારબાદ મથુરદાદા ઘરે આવે. હાથ-પગ-મો ધુવે અને દર્શનાર્થે  ચિત્રકૂટ જઇ આવે. ઘરે આવ્યા પછી દિવાબત્તી કરે. વાળુ કર્યા બાદ તેઓ ફળીયામાં અથવા અગાશી પર સુવા માટે જતા રહે.

મથુરદાદા ક્યારેક વાડીએ આંટો મારવા પણ જાય. અમને પણ સાથે લેતા જાય. વાડીએ પહોંચ્યા બાદ પક્ષીઓને પાણી પીવા માટેના કુંડાઓને પાણીથી ભરી દેવા, વાડીનું મુખ્ય છીંડુ સરખુ કરવું, બાગના ખામણા સરખા કરી બાગમા પાણી છોડવું, પાણીનો ટાંકો વીછળીને ભરવો વિગેરે જેવા કામો અમે સાથે મળીને કરતા. તે સીવાય વાડીનું અન્ય કામ કરવાની પણ અમને મજા આવતી. થોડો પોરહ ખાધા બાદ મથુરદાદા આજુ બાજુના ખેતરોમાંથી કમોળીના દાતણ કાપી લાવે. ત્યારબાદ તેમના સારું વડવાઇના દાતણ પણ સુડી વડેજ કાપવાના. પછી ખાટલી પર બેસીને દાતણ સરખા કરે. ક્યાંયથી પણ ભોંપાત્રી કે ગુંદાની ભાજી મળી જાય તો તેને જવા ન દે. ઉપરાંત સરગવાની શીંગો, મીઠા લીમડાંના પાન, લીલી ડુંગળી, લીલુ લસણ, રીંગણા, ગાજર, મુળા, કોથમરી, ટામેટા, આદુ, તેમજ લીલા મરચા આ બધુ અલગ અલગ બે-ત્રણ થેલીમાં ભરવાનું. મોસમ પ્રમાણે પાકતા ફળો જેવા કે  કેરી, ચીકુડા, દાડમ, જમરુખ, પપૈયા, બોર, તેમજ સફેદ જાંબુડાની પણ એક થેલી ભરવાની થતી. જ્યારે શ્રીફળ પીવાનુ કામ અમે વાડીએજ પતાવી દેતા. સુર્યાસ્ત થવામાં થોડી વાર હોય એટલે મથુરદાદાનો ઘરે જવા માટેનો હુકમ થતો. અમોને નાળીયેરીનું એક એક પાંદડું હાથમાં પકડાવી છીંડાની બહાર ઉભા રહેવા કહે. પછી શાકભાજી અને ફળોથી ભરેલી થેલીઓ મથુરદાદા બળદગાડામાં મુકી છીંડા પાસે આવે, પછીજ અમને ચાલવાનો હુકમ મળે. મથુરદાદા પાસે કમોળીનાં અને વડવાઇનાં દાતણ હોય અને અમારી પાસે હોય નાળીયેરી નાં પાંદડાં. રસ્તામાંના એકા’દ પોરહ બાદ અમે અને બળદગાડું એકી સાથે ઘરે પહોંચતા. જે દિવસે અમે મથુરદાદા સાથે વાડીએ જઇ આવીએ એ રાત્રે અમને ઘસઘસાટ ઉંઘ આવતી.

અમારા ઘરની પાછાળ વાડીમાં એક વડલો છે. ઉનાળાનાં દિવસોમાં મથુરદાદા બપોરે જમ્યા બાદ આરામ કરવા માટે વડલા નીચે જાય. મથુરદાદા અમને કહે ‘હાલો વડલે‘. એટલે અમે હરખ-પદુડા થઇ જતા. અમે વડલે જઇએ ત્યારે ખાટલો, ગોદડુ, અને પાણીની બરણી, અવશ્ય લઇ જવાની. વડલાં નીચે મથુરદાદા દોઢે’ક કલાકની ઉંઘ ખેંચે ત્યા સુધી અમે રમતા હોઇએ. અમારાથી બીલકુલ અવાજ ન થતો. અઢી-ત્રણ વાગ્યે અમે ઘરે પાછા ફરતા. ત્યારબાદ મથુરદાદા દુકાન ઉઘાડે, ત્યારે મથુરદાદાનો અમારા પર હુકમ હોય કે ‘દુકાને પાણી છાંટી જજો’. દુકાને પાણી છાંટવામાં અમે પડા-પડી કરતા. કોઇના હાથમાં ડોલ તો કોઇના હાથમાં ગાગર કે ગાગરડી જે મળે તે લઇ સીધુજ પાણીની ટાંકીમાં બોળી દુકાન ભણી જવાનું. દુકાનની બરાબર સામે પાણીથી એક લંબચોરસ ખાનું કરી દેતા. અને તેની અંદરના ભાગમાં અને પાણી છાંટતા. અમારી પાણી છાંટવાની રીત એટલે પાણી ભરેલું અમારુ વાસણ પાણીથી બનાવેલા લંબચરસ ખાનામાં અમારા માથા પરજ ઉધું વાળી દેવાનુ. ત્યારબાદ મથુરદાદા ભીંની માટીની સુગંધ માણે. અને અમને એક-એક ટીકડુ (ચોકલેટ) આપીને ઘરે જવા રવાના કરે. જયાં સુધી પાણી સુકાય નહી ત્યાં સુધી ધુળ ઉડવાનું નામજ ન લે.

ઘણીવાર બપોરે મથુરદાદા જમ્યા બાદ આરામ કરતા હોય ત્યારે અમે હજી જમતા હોઇએ. જમતાં જમતાં અમે વાતો કરતા હોઇએ એટલે મથુરદાદાને ઉંઘમા ખલેલ પહોચે. અમારા ગઢા’માં અમને વાતો કરતા અટકાવે એટલે અમે થોડીવાર શાંત રહીએ. પરંતુ જ્યારે અમારી વાતો ખુબજ વધી જતી ત્યારે મથુરદાદા ઘરમાથી બડીયો લઇને બહાર આવે. બડીયો બારસાખ સાથે અથડાવે એટલે અમારે ભાગવું પડતું. ‘મથુરદાદા દ્વારા બડીયાનું બારસાખ સાથે અથડાવવુ એ અમારા માટે ભાગવાની પૂર્વ તૈયારી થઇ પડતી’ એમ કહુ તો ખોટું નથી. અમે ભાગતા ત્યારે અમારામાંથી કોઇ એક વ્યક્તી રસોડામાં ઘંટી પાછળ સંતાય જાય. હજી તો મથુરદાદા પડથાર ઉતરે તે પહેલા તો અમે ખડકી બહાર પહોંચી ગયા હોઇએ. મથુરદાદા બડીયાનો ફરફરતો છુટો ઘા કરે એટલે ક્યારેક એકઆ’ધાને પગમાં વાગે. જેને પણ વાગે એ પડેજ સમજો. અમે ખડકીની બહાર હોઇએ અને મથુરદાદા ખડકી બંધ કરીને દુકાને ચલ્યા ગયા હોય. ત્યારબાદ ઘંટી પાછળ જે સંતાયો હોય તે ખડકી ઉઘાડે. એ દિવસે સાંજ સુધી અમે મથુરદાદાને મોઢુ ન બતાવીએ. આ થયુ દિવસનું. પણ મને એક વખતની સાંજ યાદ છે. અમે ઘરમા રમત રમી રહ્યા હતા, ત્યારે બહાર ઓસરીમાં મથુરદાદા વાળુ કરી રહ્યા હતા. તેવા સમયે અમે જોર જોરથી અવાજ કરી રહ્યા હતા. વાળુ કર્યા બાદ મથુરદાદાએ બડીયો બારસાખ સાથે અથડાવ્યો. અમે તરતજ ખડકી બહાર દોડી ગયા. આ વખતે ઘંટી પાછળ કોઇ સંતાય ના શક્યું. અમારા માટે આ મોટી આફત હતી, મથુરદાદા ખડકી બંધ કરી સુઇ ગયેલાં. ત્યારે અમને અમારા ગ’ઢામાંએ આઝાદી અપાવેલી.       

નિયમિત સાંજે ચિત્રકુટમાં આરતી થાય એ સમયે મથુરદાદા હનુમાનજીના દર્શન કરવા અવશ્ય જાય. મોરારી બાપુનાં માતા-પિતાનું સમાધિ મંદિર અને મોરારી બાપુના દર્શન પણ કરે. બાપુ ચિત્રકૂટમાં ન હોય તો તેઓનાં હિંડોળાનાં દર્શન કરે. મથુરદાદા ઘરે અને દુકાને પણ નિયમિત સવાર-સાંજ દિવાબત્તી કરે. ચંદ્રદર્શન, એકાદશી, પુનમ, શિવરાત્રી અને રામનવમી ના દિવસે ઉપવાસ જરૂર કરે. ચંદ્રદર્શન નિમીત્તે બીજના દર્શન કરવાનું ક્યારેય ન ભુલે. દર પુનમની બપોરે મંદિરીયામાં રહેલી ભગવાનની મુર્તી અને શાલીગ્રામને પાણીથી નવડાવી દેવામા આવે. ભેંસ વંયાય ત્યારથી બે દિવસ સુધી ઘરનું પાણી પણ નથી પીતા. દુદા’તાના ઘરેથી પાણી મંગાવી પી લે છે. ફુલ-છોડને પાણી પાવુ, પક્ષીઓને ચણ નાંખવી, મંદીરે જતાં-આવતાં રસ્તામાં પડેલા પથ્થરોને એકબાજુ કરી દેવા તેમજ આંગણે આવેલાને આશરો આપવો એ એમની સેવા બની રહી છે. અમારા ગ’ઢામાંની કડ(કમર) દુખતી હતી તે દિવસોમાં મથુરદાદાએ પોતાનાં બનાવેલા લાકડાનાં પગરખા પહેરવાની બાધા રાખેલી. અમારામાંથી કોઇ બહાર ગામ જતુ હોય તો કાળજી રુપે થોડી ભલામણ જરૂર કરે. તેઓ જમવામાં મુખ્યત્વે બાજરાનો કુણો રોટલો, ઘંઉની રોટલી, લીલા પાંદડાવાળા શાકભાજી નું શાક, દુધ, છાછ, દહીં, કઢી, ખીચડી, દાળ-ભાત, અને કચુબંર જેવો ખોરાક લે છે. બેસતા વર્ષ (દિવાળીનો વળતો દિવસ)ના દિવસે તેઓ વહેલી સવારે નાહી-ધોઇ તૈયાર થઇ જાય. ત્યાર બાદ ઓસરીમા ખુરશી પર બેસી ટેબલ પર ખાંગડા સાકર અને પેંડાથી ભરેલી થાળી રાખે. અમે પણ વહેલી સવારે નાહી-ધોઇ તૈયાર થઇને સૌપ્રથમ મથુરદાદાને પ્રણામ કરીએ, એટલે તેઓ અમને ‘ભગવાન સુખી રાખે’ એવા આશીર્વાદ આપે અને પેલી થાળી માથી ખાંગડા સાકર અને પેંડા પણ.      

મથુરદાદા સુથારી કામ કરવાનું પણ જાણે. તેઓએ ઘર વપરાશ માટે લકડાના સાંબેલા, સુપડા, ખારણી, પાટલા, પાટલી, ટેબલ-ખુરશી, ખાટલા, ખાટલી, બારી અને બારણા પણ બનાવ્યા છે. તેઓ ખાટલાને વાણ અને પાટી ભરવાનું પણ જાણે. ચોમાસાનાં આગમન સાથેજ મેડા પરથી જુની છત્રીઓ ઉતારે. જેમાં કોઇ છત્રી ફાટેલી-તુટેલી દેખાય તો તેને થીગડાં મારી સારી કરે.

એક સાંજે દરરોજની જેમ મથુરદાદા ચિત્રકુટ જવા માટે તૈયાર થયા. પડથારના પગથીયા પરથી મોજડી પહેરી રહ્યા હતા ત્યારે પગથીયા નીચે છુપાયેલા સાપે મથુરદાદાના પગમાં ડંખ માર્યો. તરતજ મથુરદાદાને સાપનું ઝેર ઉતારવા માટે કંટાસર ગામે લઇ જવામાં આવ્યા, ત્યાં આ ઝેર ઉતરે તેમ ન હોય તેઓને વડલી મુકામે આવેલ સદ્-ભાવના હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. સારવાર ચાલુ થયા બાદ પણ તેઓ ઘણા કલાકો સુધી બેભાન અવસ્થામાં રહ્યા. મથુરદાદાની આવી હાલત જોઇ તે સમયે અમે ખૂબ રડેલા. અમારો આખો પરીવાર મથુરદાદા સાથે ખડે પગે હાજર રહેલો. સગા-સબંધી અને ગામનાં ઘણા લોકો મથુરદાદાનાં ખબર-અંતર પુછવા આવતા હતા. સખત બે રાત અને એક દિવસની સારવાર બાદ મથુરદાદાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. પછીના દિવસોમાં મથુરદાદાએ પગની ખુબજ કાળજી રાખેલી. તેઓ દિવસમાં ત્રણ વખત પગને ગરમ પાણીમાં પલાળી શેક આપે. અમે પણ તેઓને મદદ કરતા. આમ, જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ પગનો સોજો ઉતરતો ગયો. મથુરદાદાની નિયમિતની પ્રભુ સેવા, પ્રભુ વિશ્વાસ અને પ્રભુ શ્રધ્ધા થકી આજે તેઓ ફરી પહેલાની જેમ એક નવું જીવન જીવી રહ્યા છે.

– અરવિંદ કળસરીયા. ‘માનસ’

બી-૫૦૧, માધવ રેસીડેન્સી, જ્ઞાન જ્યોત સ્કુલ ની બાજુમાં, ગોડાદરા નહેર રોડ, ગોડાદરા, સુરત – ૩૯૫૦૧૦, મોબઈલ નંબર – ૯૭૨૬૧ ૬૦૦૦૪

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “મથુરદાદા (શબ્દ ચરિત્ર) – અરવિંદ કળસરિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.