પદ્યરચનાઓ – ચિંતન રીંગવાલા, જીત જોબનપુત્રા, બીના વિશાલ

પદ્ય સર્જનમાં પ્રયાસરત ત્રણ મિત્રોની સુંદર પદ્યરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. ત્રણેય સર્જકમિત્રો ચિંતન રીંગવાલા, જીત જોબનપુત્રા અને બીના વિશાલને તેમની સર્જનયાત્રા માટે ખૂબ શુભેચ્છાઓ અને રીડગુજરાતીને તેમની રચનાઓ પાઠવવા બદલ ધન્યવાદ.

૧) નિજતાના પ્રવાસે

દરેક આંખે નજારો અલગ અલગ છે,
અહીં દુનિયા બધાંની અલગ અલગ છે..

વરસાદ હોય એક આભથી આવતો ભલે,
બધી નદીઓમાં પાણી અલગ અલગ છે..

એ તારો છે કિનારો, આ મારો કિનારો છે
સાગર એક, મોજાં બધે અલગ અલગ છે..

સંવાદો મન ને હ્રદયના અલગ અલગ છે
અંદાજ ગઝલનો બધાંની અલગ અલગ છે..

મથે છે તું ફૂલો ને એક ફૂલછાબમાં રાખવા !
જોજે મોગરો,કમળ,ગુલાબ અલગ અલગ છે..

જાણ્યું જીવનભર તેં જે શબ્દો ના સહારે,
પણ જાણવું ને જીવવું બે અલગ અલગ છે..

ગળપણ ઉમેરો નહીં ગમે તીખું કવન બધાંને
દરેક જીભે સ્વાદનું પ્રમાણ અલગ અલગ છે..

‘સુખન’ આપણે તો નિજ સહજતાના માણસ
તોય વાંધો આપણાથી બધે અલગ અલગ છે.

– ચિંતન રીંગવાલા

૨) થઈ હશે..

મુક્ત મલકાતા હ્રદયને જ્યારે ગણતરીની અસર અડતી થઈ હશે,
દોસ્તી ને દુનિયાદારીની પછી બધી ખબર પડતી થઈ હશે..

અનાયાસ ઉડેલી ફોરમ માટે ફૂલોએ બાગ ને આપવો પડ્યો હશે હિસાબ,
કુદરતના ગર્ભમાં અડચણ સમી ત્યારે નવી હલચલ શરૂ થઈ હશે..

પ્રેમ ને સહજ વિહરવા માટે જ્યારે કરવો પડ્યો હશે સંઘર્ષ,
સૌંદર્ય ને સ્વભાવે નિખરવાની, ત્યારે અથડામણ શરૂ થઈ હશે

ઉભી’તી રાહ જોઈને એક નજર, એને સમયાંતરે અકળામણ શરૂ થઈ હશે,
પારેવું ઉડવા માટે માંગે પરવાનગી ! આકાશે પણ શું, સરહદો શરૂ થઈ હશે?

– ચિંતન રીંગવાલા

૩) ગઝલ

વાદ અને વિવાદેથી શું સતત પણ સંવાદેથી શું
ભાગી છૂટે રણબંકા તો રણભેરીના નાદેથી શું

રંગ ભવનમાં કેદ થયાં, એ વિલાસી પ્રાસાદેથી શું
જન જીવન અહીં જાગી ઊઠે મધ દરિયે વરસાદેથી શું

અંતર ઓસાણ ન આવે તો મુખ પરના અવસાદેથી શું 
કાન પડે નહિ ટહુકો મીઠો પંખીના પ્રતિસાદેથી શું

કલબલ નહિ કોઈ કિનારે તો કલ કલ કલ નિનાદેથી શું
રોજ રચાશે રામાયણ કંઈ ક્રૌંચ તણા વિષાદેથી શું

– જીત જોબનપુત્રા

૪) ગઝલ

ડાળ નમેલી મ્હોરી ક્યાં છે
ફાગણમાં પણ ફોરી ક્યાં છે

ફાગ સુણાવો રસિયા બાલમ
રંગ વિહોણી હોરી ક્યાં છે

હું જ અહીં મુજ પગ બાંધી લઉં
રેશમ કેરી ડોરી ક્યાં છે

દાડમની ડાળીથી દિલ માં
ચાંદ ચકોરી કોરી ક્યાં છે

કાનાને ક્યાં કેલિ કરવી
રાધા સરખી ગોરી ક્યાં છે

વાટ નિરંતર જોવાની છે
છાક છકેલી છોરી ક્યાં છે

– જીત જોબનપુત્રા

૫) શમણાંનો વલેપાત

આશંકાઓ જરાક સંકોરી, ત્યાં ઊગી નીકળી આશા,
ખૂલી આંખોનાં શમણાંઓએ સનેપાત મચાવ્યો છે.

નિરાશા ની કોરી રાખમાંથી’ય બેઠા થઈશું,
મન ભીતર ઇચ્છાઓએ તરખાટ મચાવ્યો છે.

ભલે વ્યાપે હતાશા, છોં ને  ઉંધા પડે પાસાં.!
સાંભળી લો ! નહીં હારવાનો નિયમ બનાવ્યો છે.

સપનાં પૂરા કરવામાં દિવસ શું, ને રાત શું?
અમે તો ભાઈ હમણાંથી, ખુદનો સુરજ વસાવ્યો છે.

પ્રભુ રોજ સવારે ખોલે, અનોખી સપનાંની દુકાન,
આપું મહેનતની મિલકત, ક્યાં કોઈ દી’ ભાવ કરાવ્યો છે.!

પડી ગયાં જો બે ઘડી, તો ચાલશું ને સો ઘડી,
ચાલતાં જ મળશે મંજિલ, વિશ્વાસ સજાવ્યો છે.

બીના વિશાલ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

One thought on “પદ્યરચનાઓ – ચિંતન રીંગવાલા, જીત જોબનપુત્રા, બીના વિશાલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.