શિવનું સાચું સ્વરૂપ – ઉદય ત્રિવેદી

ભારતવર્ષમાં શિવને પરમાત્મ સ્વરૂપ માનવામાં આવે છે. શિવપંથીઓ શિવના વિભિન્ન સ્વરૂપોને પૂજે છે. તેમને મહેશ, ભોલેનાથ, ભોલેબાબા, શિવ, શંકર, નટરાજ વગેરે નામોથી ભજવામાં આવે છે. મંદિરોમાં શિવજીની લિંગ સ્વરૂપે ભજના થાય છે. વિવિધ ચિત્રોમાં શિવજીને સન્યાસી, રાખ-ભભૂતિ લગાવેલા, સર્પથી આચ્છાદિત, ત્રિશુલધારી સ્વરૂપે દર્શાવાય છે. આપણી પરંપરામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને સર્જનહાર, પાલનહાર અને સંહારક સ્વરૂપમાં જોવામાં આવે છે. આ બધી ઉપમાઓ અને પ્રતીકોની પાછળ છુપાયેલું શિવજીનું સાચું સ્વરૂપ શું છે?

શિવલિંગનું રહસ્ય:

people art festival statue
Photo by Shiva Kumar on Pexels.com

પરમાત્મા એ નિરાકાર છે. તેને સાકાર સ્વરૂપે દર્શાવવા એ તેમને સીમિત કરવા બરાબર ગણાય. એટલે જ ઘણા ધર્મમાં પરમાત્માની કોઈ છબી કે પ્રતિમા રાખવામાં આવતી નથી. આ સાથે એ પણ સાચું છે કે ઈશ્વરના ગુણો અને વૃત્તિઓને પ્રતીકાત્મક રીતે છબી કે પ્રતિમામાં દેખાડવાથી દર્શક એ ગુણ કે વૃત્તિને સહેલાઈથી ગ્રહણ કરી શકે. ગુણોની ભજના કરવાથી આપણામાં પણ એ ગુણો પ્રગટ થાય.    

પુરૂષદેહમાં લિંગ વંશવૃદ્ધિ માટે આવશ્યક છે. વીર્યનો પ્રવાહ નીચેની તરફ વહે તો સંસાર ઉભો થાય અને જો તે ઉપરની તરફ વહે તો આધ્યાત્મ તરફ ગતિ થાય. જેને સંસારના બાહ્ય વિષયભોગમાંથી સુખ લેવાની લેશમાત્ર ઈચ્છા રહી નથી તેને ઉર્ધ્વરેતસ કહે છે. ઈન્દ્રીઓ ભૌતિક જગતમાં સુખ કાજે વર્તે તેને અધોરેતસ કહેવાય. શિવજી એ સહજ ઉર્ધ્વરેતસ અવસ્થામાં સ્થિત છે. શિવલિંગ એ આધ્યાત્મિક જ્ઞાનથી નિજ વૃત્તિઓને અંતરદશામાં વાળવાના પ્રતીકરૂપે છે. શિવલિંગ એ કોઈ બાહ્ય ઘટનાથી ઇન્દ્રિય ઉત્થાનની નહિ પરંતુ સમ્યક દર્શન અને તપથી સ્વયંભૂ આધ્યાત્મિક જ્ઞાનના ઉત્થાનનું પ્રતીક છે. ઘણા ચિત્રોમાં શિવજીના નેત્રો બીડેલા અને શિવલિંગ ઉન્નતભૂ દેખાડાય છે જે મનની બાહ્ય ઉત્તેજનાનું નહિ પરંતુ આંતરિક આધ્યાત્મિક ઉત્તેજનાનું સૂચક છે. આમ, શિવલિંગને સંસાર માર્ગથી આધ્યાત્મ માર્ગ તરફ જવાની સાધનાના પ્રતીક રૂપે ભજવામાં આવે છે. 

આપણે શિવજીના વિવિધ સ્વરૂપ અને ગુણોને ઓળખીએ:

શંકર: આંતિરક/બાહ્ય સ્વરૂપ – સન્યાસી / અપરિગ્રહી

શિવજીને સ્મશાનમાં બેઠલા, સ્મશાનની ચિતાની રાખથી લિપ્ત, આંખો બંધ રાખીને ધ્યાનમાં સ્થિત એવા દર્શાવવામા આવે છે. જેઓ દેહભાવથી લિપ્ત છે તેની આંખો અને મન ઈન્દ્રીઓ દ્વારા સંસારમાં સુખ શોધે છે અને જેઓ આત્મભાવમાં લિપ્ત છે તેની આંખો બંધ અને ચિત્ત આત્મભાવમાં જ સ્થિર રહે છે. શિવજી સંસારી હોવા છતાં સંસારમાં લેપાતા નથી અને હંમેશા આત્મભાવમાં રહે છે. 

શા માટે તેઓ દેહભાવમાં નથી ? કારણકે તેઓ દેહની ક્ષણભંગૂરતા અને આત્મતત્વની અમરતા જાણે છે. દેહને સાધન જાણવાને બદલે સાધ્ય માનવું એ સંસારમાં ભટકવાનું કારણ છે એમ તેઓ જાણે છે. સ્મશાનની રાખ દેહ અને સંસારી જીવનની ક્ષણભંગૂરતા બતાવે છે અને તેઓ ખુદ સ્મશાનમાં બેસે છે. તેનો શું અર્થ ? તેઓ પ્રતિક્ષણ જાગૃત છે. આપણા સહુની સંસારી સુખની દોડ અંતે તો સ્મશાન ભણી જ ને ! આપણને સમયાંતરે સ્મશાન વૈરાગ્ય આવે છે અને પાછું જતું પણ રહે છે. શિવજી પરમ જાગૃતિમાં રહે છે અને એમનું જ્ઞાન-દર્શન નિરંતર “સ્વ” માં જ સ્થિર રહે છે. શિવજી પાસે સંસારની કોઈ કિંમતી વસ્તુઓ નથી અને તેની શિવજીને આવશ્યકતા પણ નથી. તેમને કોઈ ચીજનો પરિગ્રહ નથી કારણકે સંસારની કોઈ વસ્તુથી કાયમી સુખ મળી ન શકે એ તેમના જ્ઞાનમાં છે. જગતની કોઈ ભૌતિક બાબતની ઈચ્છા નથી તેવા શિવજી અપરિગ્રહી કહેવાય !

ભોળાનાથ : આત્મરત

ભોલેનાથ ખરેખર જ ભોળા છે ! એટલે જ જયારે દાનવો કે રાક્ષસો તપ કરીને તેમની પાસે વરદાન માંગે છે ત્યારે તેઓ તેમનામાં અને દેવોમાં કોઈ ભેદભાવ રાખતા નથી અને પ્રસન્નચિત્તે વરદાન આપે છે. અરે કોઈ ખુદ શિવજીને હરાવવાનું વર માંગે તો તેઓ તે પણ આપી દે છે ! પણ શું આવું કરવું સરળ છે ? વિચારો કે કોઈ તમારું કે તમારા નજીકના વ્યક્તિનું નુકશાન કરતુ હોય અથવા તો તમારી દ્રષ્ટિએ એ વ્યક્તિ સારો ન હોય તો તેની સાથે વાતચીત અને વર્તનમાં પણ આપણા એ અભિપ્રાય ની અસર આવી જ જાય છે. સામેવાળાને દોષિત માનવાથી આપણી વાણી, વર્તન તોછડુ અને તિરસ્કારવાળું નીકળે છે. જયારે શિવજી દેવ, દાનવો, રાક્ષસો સહુ ને આત્મા સ્વરૂપે જાણે છે અને એટલે જ સહુને અકર્તા જુએ છે. આત્મા કદી કર્તા બને જ નહિ ! તેઓ જાણે છે કે દેવો તેમના પાછલા જન્મના કર્મબીજના ફળ સ્વરૂપે આ જન્મમાં સારા/શુભ કામો કરે છે અને દાનવો તેમના પાછલા જન્મના કર્મબીજના ફળ સ્વરૂપે આ જન્મમાં ખરાબ/અશુભ કામો કરે છે. તેમાં આત્માનો નહિ અજ્ઞાનનો દોષ છે. શિવજી સહુને તેમના અજ્ઞાનથી અલગ આત્મ સ્વરૂપે જુએ અને જાણે !

શિવજીને ભોળાનાથ કહે છે કારણકે તેમનામાં સાંસારિક તત્વ બિલકુલ નથી. સાંસારિક બુધ્ધિ ભેદ પડાવે કે આ મારુ અને આ બીજાનું, આ સારું અને આ ખરાબ, આ સાચું અને આ ખોટું. સાંસારિક બુદ્ધિ કામકાજ માટે વપરાય તો કામની ગણાય। પરંતુ આપણે તેને કોઈની સાથે સરખામણી કરવા, કોઈને નીચા પાડવા, કપટ કરવા, કોઈને દોષિત જોવાના કારણો શોધવા માટે વાપરીએ છીએ. ગીતામાં ભગવાને આવી ભુદ્ધિને વ્યભિચારિણી બુદ્ધિ કહી છે. જેમ વ્યભિચાર આપણને સંસારમાં ભટકાવે તેમ આવી બુદ્ધિ આપણને ચાર ગતિમાં ભટકાવે અને સરવાળે આપણું અકલ્યાણ કરે. બધા જ માનસિક રોગો એ આવી બુદ્ધિની દેન છે. જયારે બુદ્ધિ આત્મા ભણી હોય તેવી બુદ્ધિને સમ્યક બુદ્ધિ કહે છે. આવી બુદ્ધિ જગતના યથાર્થ સ્વરૂપને દેખાડે.

એટલે જ આપણા ઉપનિષદ કહે છે 

ईशा वास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत्‌।
तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यस्विद्धनम्‌ ॥ 

સંસારની દરેક વસ્તુ, પરિસ્થિતિને ત્યાગીને ભોગાવો. શું ત્યાગવાની વાત છે ? ચીજવસ્તુઓનો કે વ્યક્તિઓનો ત્યાગ? નહિ, આપણી અપેક્ષા, આપણા મોહનો ત્યાગ. આપણી અપેક્ષા જેમ કે અમુક વસ્તુ, પરિસ્થિતિ કે વ્યક્તિ મારી ઈચ્છા મુજબ જ હોવા જોઈએ અથવા બાહ્ય વસ્તુઓ, વ્યક્તિ કે પરિસ્થિતિમાંથી મને સુખ મળશે એ માન્યતાનો ત્યાગ. જયારે એ અપેક્ષા અને મોહ રહેતા નથી ત્યારે વ્યક્તિ સહજ ભાવે પ્રાપ્તને ભોગવે છે અને અપ્રાપ્તની ચિંતા કરી દુઃખ ઉભું કરતા નથી. વસ્તુનો અભાવ દુઃખદાયી નથી. એ તો આપણે સહેલાઈથી અનુકૂળતા સાધી શકીયે. પરંતુ વસ્તુનો મોહ દુઃખદાયી છે. જેમકે નાના બાળકને અમુક રમકડું ખુબ પ્રિય હોય છે અને તે ન મળતા તે દુઃખી થઈને રડવા માંડે છે ત્યારે આપણને આશ્ચર્ય થાય છે કે એક સાવ સસ્તા રમકડાં માટે આ બાળક કારણ વગર દુઃખી થાય છે.  બાળકને દુઃખ છે કારણકે તેના માટે રમકડું કિંમતી છે. એ જ બાળક મોટું થતા તેને એ રમકડાંની કિંમત રહેતી નથી અને તે ન મળતા તે દુઃખી પણ થતું નથી. જોકે હવે તેણે કોઈ બીજા રમકડાંની કિંમત મૂકી છે. મોટાઓના ફક્ત રમકડાં બદલાય છે. જ્યાં સુધી સંસારી રમકડાંની જરૂર કરતા વધારે કિંમત મૂકશું ત્યાં સુધી આપણે તેમાંથી સુખ અને દુઃખ બંને લેતા રહીશું. સંસારી સુખ સાથે દુઃખ આવે જ.

નીલકંઠ : વૈરાગી (સંસારમાં ઉદાસીન)

શિવજીએ સંસારનું હળાહળ ઝેર પીને પોતાના કંઠમાં રાખ્યું તેથી તેઓ નીલકંઠ કહેવાયા. આ સંસારમાં આપણી ઈચ્છા મુજબ ન થાય, દુઃખ, અપમાનો આવે, દેહ અને મનને તકલીફ પડે એ બધું જ સાંસારિક ઝેર કહેવાય. બુદ્ધ ભગવાને કહ્યું કે “આ સંસારમાં દુઃખ જ દુઃખ છે.” સંસારમાં આપણા અહંકારને તોડવાના નિમિત્ત મળ્યા જ કરવાના. આવા સમયે જો દુઃખને દુઃખ ના જાણતા અને સામેવાળાને દોષિત ન જોતા પોતાના કર્મનો હિસાબ છે તેમ જાણીએ તો આપણે નીલકંઠ શિવજીના ગુણ આત્મસાત કર્યા ગણાય. શિવજી સંસારના સર્વ અપમાન, દ્વેષ, નેગેટિવિટીને સહજતાથી સ્વીકારે છે. તેમને એ ઝેર લાગતું નથી માટે તેમના પર એ ઝેરની અસર પણ થતી નથી. એટલું જ નહિ, શિવજી ઝેર પીને આશીર્વાદ પણ આપે છે.

સંસારી દ્રષ્ટિ આવા સમયે સામાવાળાને આપણા દુઃખનું કારણ માનીને દોષિત ગણે છે અને દ્વેષ/વેર ભાવ જન્માવે છે. શિવજી તેમના જ્ઞાનથી સમજાવે છે કે ખરી રીતે આ જગતમાં આપણને જે કઈ સારું/ખરાબ મળે છે તે આપણા જ પાપ-પુણ્યના હિસાબે મળે છે. સામેવાળા તો નિમિત્ત માત્ર છે. જેમ કોઈ ટપાલી આપણને જેલમાં મોકલવાનો પત્ર કે પરીક્ષામાં પાસ થયાનો પત્ર આપે તેમાં તે માત્ર નિમિત્ત છે. આપણા જ કાર્યોનું ફળ આપણને મળે છે. શિવજી સમજાવે છે કે આ જગતમાં જે કોઈ વ્યક્તિનો અહંકાર સંપૂર્ણ ખલાસ થઇ ગયો હોય, જે કલ્યાણ સ્વરૂપ હોય તે બધા શિવ સ્વરૂપને પ્રાપ્ત થયેલા ગણાય. આપણને સંસારી ઝેર પીને શિવ સ્વરૂપ થવાની તક મળતી જ રહે છે. પરંતુ આપણે સામેવાળાને ઝેરનો પ્યાલો પીવડાવીને જાણે કહીયે છીએ કે “મારે શિવસ્વરૂપ નથી થવું.  તું શિવ સ્વરૂપ થા !”

ત્રિનેત્ર : નિર્વિકારી વીતરાગ જ્ઞાની

શિવજીની ત્રીજી આંખ એ તેમની અંતરચક્ષુ છે જે જ્ઞાનેન્દ્રિય છે અને “સમ્યક દર્શન” દેખાડનારી છે. શિવજીએ પોતાની ત્રીજી આંખ ખોલીને કામદેવને ભસ્મ કર્યા એ બતાવે છે કે જ્ઞાનથી વિષયકામને અને સર્વ સંસારી વૃત્તિઓને બાળી શકાય છે. વિષય એટલે શું? સંસારની જે જે બાબતોમાં આપણી ચિત્તવૃત્તિઓ ઝલાઈ જાય છે એ બધા જ વિષય. સંસારની જે જે બાબતોમાંથી કંઈ પણ સુખ લેવાની વૃત્તિ રહે એ બધા જ વિષય. બ્રહ્મચર્ય એટલે કે સંસારની કોઈ બાબતમાંથી સુખ લેવાની બિલકુલ કામના ન રહે અને સદા આત્મ સ્વરૂપમાં જ વૃત્તિ વહે એ અવસ્થા.

વિષય એ ભ્રાંતિનું સુખ ગણાય છે. પૂર્વે વિષયમાં ખુબ સુખ મળશે એવી ભાવના ભાવી હતી તેથી અત્યારે વિષયમાં સુખ ભાસે છે. આપણે સહુ કોઈ સાંસારિક દુઃખમાંથી રાહત મેળવવા વિષયમાં પડીયે છીએ. શિવજીને “સ્વરૂપ”નું યથાર્થ જ્ઞાન જાગૃતિ હોવાથી તેમને નિરંતર આત્મસુખ વર્તે અને કોઈ સાંસારિક દુઃખ અડે જ નહિ. માટે જ તેમને વિષયમાંથી સુખ લેવાની જરૂર જ ન રહે. 

ભક્ત માટે શિવજીનું “સમ્યક” દર્શન:

ભક્ત કહે છે કે એકવાર શિવજીના “દર્શન” થઈ જાય તો બેડો પાર ! પછી બીજું કશું જ જોઈએ નહિ. પરંતુ ખરું દર્શન કોને કહેવું ? માત્ર બાહ્ય દર્શન તો રોજ કરવા છતાં આપણો બેડો પાર ન થયો. ખરેખર તેમની જ્ઞાન જાગૃતિની અવસ્થાના દર્શન કરવાના છે. તેમના આત્મ સ્વરૂપના દર્શન કરવાના છે. તેમનામાં જે “સમ્યક દર્શન” છે એટલે કે : જગત જેમ છે તેમ જોવું એ તેમની રિયલ દ્રષ્ટિને જાણવી અને પોતાની દ્દષ્ટિ પણ “ભ્રાંત દ્રષ્ટિ” માંથી “સમ્યક દ્રષ્ટિ” બને એ દિશામાં પુરુષાર્થ કરવો એ જ થયું શિવજીનું સાચું દર્શન ! “જગત જેમ છે તેમ જોવું” એટલે જગત ચલાવે છે કોણ, કર્તા કોણ છે? આપણું સાચું સ્વરૂપ શું છે એ જ્ઞાન. એ દ્દષ્ટિ મળે પછી સંસારની બીજી કોઈ ચીજની ભીખ ન રહે ! શિવજી જ્ઞાનની અવસ્થામાં છે અને તેમની એ પરમાત્મ અવસ્થા તરફની આપણી સાધના પણ આપણી આત્મદ્રષ્ટિથી શરુ થાય છે. 

શિવજીને સંહારના દેવ કહ્યા છે. આમ જોઈએ તો સંસારમાં કોઈ પણ જાતના સંહારને શુભ ગણવામાં નથી આવતો. તો પછી શિવજી સંહાર કરે તે શુભ કાર્ય કઈ રીતે ગણાય? શિવજી જીવમાત્રની સાંસારિક વૃત્તિનો સંહાર કરે છે, તેમના અજ્ઞાનનો, ભ્રાંતિનો અને મોહનો સંહાર કરે છે. શિવજી જીવમાત્રને શુભાશુભ માંથી શુદ્ધ ભાવમાં રહેવાનું શીખવે છે. શુદ્ધ ભાવ એ જ આત્મ ભાવ. તેઓ પોતાની અવસ્થાથી જીવમાત્રને સમજાવે છે કે સંસારમાં રહીને પણ સંસારથી અલિપ્ત કઈ રીતે રહી શકાય. તેમની આંતરિક અવસ્થા નિરંતર આત્મભાવની ટોચ પર રહે છે. તેમનું આંતરિક સ્વરૂપ આપણને સમજાવે છે કે આપણું ખરું સ્વરૂપ પણ આત્મ સ્વરૂપ છે અને જ્ઞાન સાધનાથી આપણે પણ તેમના સ્વરૂપની મૂળ અવસ્થાને પામી શકીયે અને શિવસ્વરૂપ જે આપણું ખરું “સ્વ”રૂપ છે તેમાં સ્થિર થઇ શકીએ.

– ઉદય ત્રિવેદી ( 9886460844 )

(સંદર્ભ: અક્રમ વિજ્ઞાન, દાદા ભગવાન ફાઉન્ડેશન, ત્રિમંદીર, અડાલજ; શિવલિંગનું રહસ્ય : પુસ્તક – શિવનાં સાત રહસ્યો, દેવદત્ત પટ્ટનાયક)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “શિવનું સાચું સ્વરૂપ – ઉદય ત્રિવેદી”

Copy Protected by Chetan's WP-Copyprotect.