સૂરજ છાંયડો માંગે! – દેવ કેશવાલા

‘શાંતિ – સ્ત્રીઓનુ પાગલખાનું’ સામે એક એમ્બ્યુલન્સ આવીને ઊભી. ત્યાં તો સાવિત્રીબહેન અને બીજો સ્ટાફ દોડતા આવી પહોચ્યાં. વાનમાંથી એક પાગલ સ્ત્રીને બહાર કાઢવામાં આવી અને સાવિત્રી બહેન તેને હેતપૂર્વક અંદર લઈ ગયા. પાગલખાનાનું નામ તો “શાંતિ….”હતું, પણ એમાં ક્યારેય શાંતિ જોવા ન મળે. આમેય પાગલખાનામાં તે શાંતિ કેવી! એટલે જ તો તે પાગલખાનું !

સાવિત્રીબહેન. એક ચાલીસેક વર્ષની મહિલા. દેખાવે સાવ સીધાસાદા, પણ વ્યક્તિત્વ એવું કે સૌ કોઇને આકર્ષે. સાવિત્રીબહેન છેલ્લા વીસેક વર્ષોથી આ “શાંતિ…”માં એક નર્સ તરીકેની કામગીરી પુરા ખંત, મહેનત અને લગનથી નિભાવતાં હતાં. એમના હાથમાં જ કંઇક એવો જાદુ હતો કે તે જે પાગલ ઉપર પડે તે ચોક્કસ પરિવર્તન પામે. સાવિત્રીબહેનનો પ્રેમ અને લાગણી તે પાગલને એટલી હદે ભીંજવી નાખે કે તેમા ભીંજાયેલા ક્યારેય ના સુકાય! એવા તો કેટલાય ઉદાહરણો આ “શાંતિ…” માટે મોજૂદ હતાં કે જેમાં સાવિત્રીબહેને અહીંની પાગલ સ્ત્રીઓને ફરીથી પોતાના પરિવાર સાથે રહેવા યોગ્ય બનાવી દીધી હોય. તેથી જ તો સાવિત્રીબહેન આ પાગલખાના માટે સવિશેષ વ્યક્તિ હતાં. એક નર્સથી કંઇક વધુ હતાં. બધા જ ડોકટરો તેને માન આપતા અને વળી સાવિત્રી બહેનનો હોસ્પીટલના સ્ટાફ સાથેનો વ્યવહાર પણ એવો મધુર હતો કે બધાને તેમના પ્રત્યે માન ઉપજતું. તેમા સૌથી વધુ માન ફાતિમાને હતું. ફાતિમા સાવિત્રીબહેન સાથે જ કામ કરતી તેમની હમદર્દ સખા હતી. સાવિત્રીબહેનનાં જીવનની દરેક ક્ષણથી તે વાકેફ હતી. સાવિત્રીબહેનનાં જીવનનાં દરેક ઉતાર-ચડાવ, સુખ-દુ:ખ, દરેક બાબતનો આછેરો એહસાસ ફાતિમાને રહેતો.

flight landscape nature sky

સાવિત્રીબહેનની નોકરીના દિવસો હવે પૂરા થવા આવ્યા હતા. તેમને હવે રીટાયર્ડ થઇ આ “શાંતિ- સ્ત્રીઓનું પાગલખાનુ” છોડીને જવાનું હતું, પણ એમનુ મન નહોતું માનતું. તેમને આ પાગલખાનાનાં દરેક ખુણે મુકેલી દરેક વસ્તુ અને અહીંના દર્દીઓ સાથે એવી માયા બંધાઇ ગઈ હતી કે આ બધુ છોડીને જવાના વિચાર માત્રથી તેઓ રડી પડતાં. આટલા વર્ષોથી સતત…આવિરત…સાવિત્રીબહેન સૂરજ બનીને આ પાગલખાનાને અજવાળતાં હતાં. પણ સાવિત્રીબહેનની આટલી મહેનત, આટલી સેવાનિષ્ઠા જોઇને ઘણાને થતું કે હવે તેમને આરામની જરૂર છે એટલે તેમણે રીટાયર્ડ થઇ જવું જોઈએ. ઘણી વખત બીજી નર્સો કહેતી કે ‘સાવિત્રીબહેને સૂરજની જેમ આ દવાખાનું અજવાળ્યુ છે અને ભગવાન કરે કે આ સૂરજનો પ્રકાશ આમને આમ ફેલાતો રહે. ’કોઈ કહે, ‘જો સૂરજ એક દિવસ આ દૂનિયા છોડીને ચાલ્યો જાય, ક્યારેય પાછો ના આવે તો આ દુનિયાની કેવી હાલત થાય! એવી જ હાલત સાવિત્રીબહેન વિના આપણી થવાની છે!’ આ બધી વાતો વચ્ચે ફાતિમા કહેતી, ‘હવે આ સૂરજ પણ છાંયડો માંગે હોં! પેલો સૂરજતો કુદરતની રચના છે. એ તો કદીયે થાકવાનો નથી પણ, સાવિત્રીબહેન આખરે તો માણસ જ ને! અને માણસને તો થાક લાગે ને. આ સૂરજ તપી તપીને અન્યને પ્રકાશે છે પણ એનેય હવે છાંયડાની જરૂર છે!’

વાત-વાતમાં સાવીત્રીબહેન મરક મરક કરતા બોલી ઊઠતા કે ‘છાયડો તો એને જોઈએ, જેણે મહેનત કરીને, પરસેવો પાડીને તડકો વેઠ્યો હોય. મારી ઉપર તો પ્રભુની કૃપા છે કે એવુ કંઈ મારા નસીબમાં નથી. હું તો મારા વાત્સલ્યથી, મારા પ્રેમથી એક માનવી થવાની મારી ફરજ નિભાવી રહી છું. અને એ પણ આવા સારા પરિવાર વચ્ચે રહીને. તેમની હૂંફની ઠંડક વચ્ચે રહીને. હવે તમે જ બોલો જે સૂરજ હંમેશા આવા મનુષ્યના લાગણી રૂપી છાંયડામાં જ રહેતો હોય તે છાંયડો ક્યાંથી માંગે?’ એમ બોલી પોતે હસી પડતા. પણ સાવિત્રીબહેનનાં એ હાસ્યમાં ઊંડે ધરબાયેલી વેદના ફાતિમા ભાળી લેતી!

સાવિત્રીબહેનને સંતાનોમાં એક જ દીકરો હતો. તેના પતિ તો અવધ નાનો હતો ત્યારે જ મૃત્યુ પામ્યા હતા. સાવિત્રીબહેને જ અવધને ભણાવી ગણાવીને નોકરીએ લગાવ્યો હતો. અવધે તેના જ બોસની દીકરી સાખી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પૈસાવાળાની દીકરીઓને માથે વાળ કરતા પણ વધારે ઘમંડ હોય છે! અને સાખી પણ એવી જ ઘમંડી. સાખીને સાવિત્રીબહેન લગીરે પસંદ ન હતા. તેને સાવિત્રીબહેન સાથે રહેવાનુ પણ ફાવતુ નહોતું. સાવિત્રીબહેન તેના પૌત્ર નિશને રમાડતા હોય તો પણ સાખીને ન ગમે. સાવિત્રીબહેન રસોઇ બનાવે તો સાખી અડકે પણ નહીં. તે નાની નાની વાતોમાં ઝગડા કર્યા કરે અને અવધના કાન ભર્યા કરે. તેણે ઘણી વખત અવધને અલગ રહેવા માટેની વાત કરી હતી. અવધ દર વખતે કંઇને કંઇ વાત દ્વારા સાખીને ટાળીને વાતનો અંત લાવવાની કોશિશ કરતો. તે વધુ કાંઈ બોલતો નહીં અને સાખીને સમજાવતો. સાવિત્રીબહેન પણ કંઈ બોલતા નહીં. દીકરાને સુખી જોવા માટે પોતાનું મોં સીવી લેતા. ઘરમાં ખખડતા વાસણોનો અવાજ સાવીત્રીબહેન ક્યારેય બહાર ન જવા દેતા. હૃદયના દુઃખને ચહેરા પરના હાસ્યથી ઢાંકી દેતા. છતાં ફાતિમા બધું જાણતી. એક દિવસ ફાતિમા સાવિત્રીબહેનને લેવા તેના ઘરે ગઈ હતી ત્યારે સાખીના વર્તન પરથી ફાતિમાને સાસુ વહુનાં ખાટા સંબંધની ગંધ આવી ગઈ હતી. ઘણી વખત ઘરમાં થયેલા ઝગડાને કારણે સાવિત્રીબહેન થોડા ઉદાસ હોય તો ફાતિમા તરત જ ઓળખી જતી. એમનો ચહેરો ફાતિમા પાસે બધુ જ કહી દે, ભલેને હોઠ બંધ હોય. ફાતિમા સાવિત્રીબહેનની આવી સ્થિતિ જોઇને દુઃખી થઇ જતી.

એક દિવસ સાખીને બહાર જવાનું હતું એટલે ન ગમતું હોવા છતાં, કમને નિશની જવાબદારી સાવિત્રીબહેનને સોંપતી ગઈ. સાવિત્રીબહેને ખુબ જ કાળજીપૂર્વક નિશનું ધ્યાન રાખ્યું. તેને સમયસર દુધ પિવડાવ્યુ. નવડાવ્યો, જમાડ્યો અને જમાડીને સુવડાવવા માટે ઘોડીયામાં મુક્યો. મીઠાં હાલરડાં ગાઇને નિશને સૂવડાવતા હતાં તેમાં તેમની આંખ લાગી ગઈ અને નિશ ઘોડિયામાંથી રમતો રમતો નીચે પટકાયો! બરોબર એ જ વખતે સાખી ઘરમાં પ્રવેશી અને એણે તો આખુ ઘર માથે લીધુ, ‘એક અડધો દિવસ પણ મારા દીકરાને સાચવી નથી શકતા? પોતે ઊંધે છે, છોકરો ભલે ને મરતો હોય. કંઈ પડી જ નથી! હવે તો હદ થાય છે… મારાથી હવે તમારી સાથે નહી રહેવાય. અવધને આવવા દો. એને પણ કહી દઉં કે જો તમને આ ઘરમાં રાખવા હોય તો હું નહીં રહું.’

તે રાત્રે અવધ આવ્યો ત્યારે સાખી બેગ લઈને તૈયાર જ બેઠી હતી, ‘અવધ, આજે તો ફેસલો થઈને જ રહેશે.’ અવધ ચમક્યો અને વાતને સમજાવવા કહ્યુ. સાવિત્રીબહેન કશું બોલ્યા નહીં પણ સાખીએ આખી વાત કહી દીધી. ‘હવે કાં તો હું આ ઘરમાં રહીશ કાં તો તારા મમ્મી.’

અવધને શું કરવું કશું જ સૂઝતું ના હતું. ‘મમ્મી શું તું આટલુ પણ ધ્યાન ના રાખી શકે? સાખી પરનાં ગુસ્સાની સજા નિશને કેમ આપે છે? અત્યાર સુધી હું તને સાચવતો આવ્યો છું. સાખીને તારી સાથે બનતું નથી છતાં મેં બધુ જ સહન કરીને તને રાખી અને તું છે કે કાંઈ સમજતી જ નથી. ઓફિસે ટેન્શન મુકીને માંડ ઘરે આવું તો ઘરે પણ આ રોજની માથાકૂટ!’ સાવિત્રીબહેન અવધ સામું જોઈ રહ્યાં. અવધનાં આવા  અનઅપેક્ષિત વર્તનથી તેઓ ડઘાઈ ગયાં.

‘જો મમ્મી આ હવે છેલ્લી વાર છે. હવે હું કંટાળી ગયો છું તમારા ઝગડાઓથી. હવે જો તારી ફરીયાદ આવશે તો મારે તારી રહેવાની વ્યવસ્થા અલગ કરવી પડશે.’ અવધ આટલું કહી સાખીને લઈને પોતાના રૂમમાં ચાલ્યો ગયો.

સાવિત્રીબહેન ઉપર તો જાણે આભ તૂટી પડ્યું. તે જે સ્થિતિમાં ઊભા હતાં તે જ સ્થિતિમાં, પાંપણ ઝબકાવ્યા વિના ઊભા રહ્યા. શરીર પરનો પુરો કાબૂ જ ગુમાવી બેઠા. વર્ષોથી બાંધેલી હૈયાધારણા આજે તૂટી ગઈ. મન મુકીને રડવાનું મન થયુ પણ રડ્યા નહીં. થોડીવાર પછી તેઓ સ્વસ્થ થયા. મનમાં વિચારોનું આવનજાવન શરુ થયું. અવધના બાળપણથી જુવાની સુધીની નાની મોટી તમામ સ્મૃતિઓ  માનસપટલ પર ઘૂમરાવા લાગી. તેઓ પોતાના રૂમમાં ગયાં. પલંગ પર સુતાં અને સામે ભીંત પર ટીંગાડેલા પતિના ફોટા સામે જોઈ રહ્યાં. જાણે કંઈ શોધમાં હોય એવા અસંખ્ય ભાવો અને ફરિયાદો  એમની આંખોમાં ઉમટી આવ્યાં. આસું પીવાના તો તેઓ આદી હતા તેથી એક પણ આંસુ ટપકવા ન દીધું. રૂમનો ખૂણેખૂણો તેમને ખૂંચતો હતો. અવધના શબ્દો વારંવાર તેનાં કાનમાં થઇ ને હૃદયમાં અથડાઈ રહ્યાં હતાં. આખી રાત તેઓ તે બસ વિચારતા જ રહ્યાં.


બીજે દિવસે “શાંતિ-સ્ત્રીઓનું પાગલખાનું” સામે એક એમ્બ્યુલન્સ આવીને ઉભી રહી. ત્યાં તો અંદરથી ફાતિમા અને સ્ટાફની બીજી બહેનો દોડતીદોડતી બહાર આવી. વાનમાંથી એક પાગલ સ્ત્રી- સાવિત્રીબહેનને બહાર કાઢવામાં આવી! એમને જોઇને દરેક નર્સની આંખો ભીંજાતી હતી ખાસ કરીને ફાતિમાની. ફાતિમાએ ધીમેકથી એમનો હાથ ઝાલ્યો અને એમને અંદર લઈ ગઇ. તેની આંખોમાં અસંખ્ય સવાલો હતા. સવારે જ અવધે પાગલખાનામાં ફોન કરીને સાવિત્રીબહેન અંગે જાણ કરી દીધી હતી. ફાતિમાને ભનક પડી ગઈ’તી કે રાતે શું થયુ હશે? સાવિત્રીબહેનની આ હાલત જોઈને તેનો જીવ કપાતો હતો. તે સાવિત્રીબહેનને લઈને હોસ્પિટલની લોબીમાંથી પસાર થઇ ત્યાં જ હોસ્પિટલની બીજી બહેનોનો અવાજ તેના કાને પડ્યો, ‘બિચારા…! હવે નોકરી પુરી થવા આવી હતી એટલે અહીંથી જવુ ગમતુ નો’તું ને જુઓ હવે કાયમ માટે અહીં આવી ગયા!’

રડતી આંખે ફાતિમા સાવિત્રીબહેનને રૂમમાં લાવી અને પલંગ પર સુવડાવ્યા. ત્યાં જ એક નર્સ દોડતી દોડતી આવી, ‘ફાતિમાબેન પેલા બે નબંરના દર્દીની હાલત બગડી છે, કાબૂમાં જ નથી રહેતા. તેને ઇલેક્ટ્રિક શોક દેવા પડશે.’ ફાતિમા ઉતાવળે બોલી, ‘તું જા, હું હમણાં જ આવું છું.’ ત્યાં તો પલંગ પર સૂતેલા સાવિત્રીબહેન સફાળા ઊભા થઈ ગયાં, ‘ના ના ફાતિમા, એ દર્દીને ઇલેકટ્રીક શોક નથી આપવાના. શોકથી તો તેની હાલત વધુ બગડશે….’

‘અરે રે આ શું થઇ ગયુ?’ સાવિત્રીબહેને ધ્યાન કેન્દ્રિત કર્યુ. બાજુમાં ઊભેલી ફાતિમા તો સાવિત્રીબહેનને જ જોતી રહી ગઈ. આશ્ચર્ય અને ખુશીનાં મિશ્ર ભાવો તેના ચહેરા પર ઉપસી આવ્યાં. ‘તો શું તમે…? તમે પાગલ નથી…?’ સાગરમાં ઉછળતી લહેરોની જેમ તેના હૃદયમાં હરખ ઉછાળ્યો અને જલ્દીથી આ હરખને બધા સાથે વહેંચી આવવાના હેતુથી એણે આગળ પગલું માંડ્યું, ‘હુ હમણાં જ જાઉં છું બધાને કેહવા કે…’ ત્યાં જ સાવિત્રીબહેને તેનો હાથ પકડી લીધો. ફાતિમાએ પાછળ ફરીને જોયુ તો સાવિત્રીબહેનની આંખોમાંથી આજે પહેલીવાર આંસુ ટપકતાં હતાં, ‘રહેવા’દે બેન, આજે આ સૂરજને છાંયડો મળી ગયો..!’ સાવિત્રીબહેનના આ શબ્દો ફાતિમાની રગેરગમાં વ્યાપી ગયા. તેની આંખોમાં વળી કંઈક જૂદા જ ભાવ ઉભરાઇ આવ્યા અને આંસુ સ્વરૂપે છતા પણ થઈ ગયા. ખરેખર આજે એ સૂરજને છાંયડો મળી ગયો હતો. બંનેની આંખો બસ એકબીજા સામે જોતી રહી…!

– દેવ કેશવાલા

ડૉ. પરવાની હોસ્પિટલ પાછળ, “ખોડીયાર કૃપા” પોરબંદર ૩૬૦૫૭૫ ફોન : ૯૮૨૫૬૫૨૩૩૫ Email : devkeshwala8@gmail.com

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “સૂરજ છાંયડો માંગે! – દેવ કેશવાલા”

Copy Protected by Chetan's WP-Copyprotect.