સંત કબીરનું અધ્યાત્મદર્શન – ભાણદેવજી

૧. પ્રસ્તાવ

જીવનનું લક્ષ્ય શું છે? જીવનનું લક્ષ્ય છે પરમ સત્ય. અધ્યાત્મ શું છે? જીવનના આ લક્ષ્ય પરમ સત્યને સિદ્ધ કરવાનો ઉપાય તે જ અધ્યાત્મ છે. આમ જીવન અને અધ્યાત્મને છૂટાં પાડી શકાય નહિ તેવો એમનો અવિનાભાવ સંબંધ છે.

એ હકીકત સાચી છે કે બધા માનવો ઘરબાર છોડીને સત્યપ્રાપ્તિ માટે હિમાલય જવા નીકળી પડ્યા નથી. બધા માનવો ‘પરમ સત્ય જ જોઈએ, બીજું કશું જ નહિ’ તેવી પ્રતિજ્ઞા કરીને બેસી ગયા નથી. બધા માનવો સ્પષ્ટ રીતે અધ્યાત્મને જ પોતાના જીવનનું કેન્દ્ર માનીને સ્વીકારી લે છે, તેવું પણ નથી. આમ છતાં જીવન અને અધ્યાત્મનો સંબંધ એવો પ્રગાઢ છે કે જીવન વિકાસ – જો તે સાચા અર્થમાં જીવન વિકાસ હોય તો – નો વિચાર કરતી વખતે અધ્યાત્મની અવગણના કરી શકાય નહિ. જેણે આધ્યાત્મિક વિકાસને જીવનના કેન્દ્ર કે હેતુ તરીકે સ્વીકાર્યો નથી, તેમના માટે પણ જીવન વિકાસના એક માધ્યમ તરીકે અધ્યાત્મ રહે જ છે.

૨. અધ્યાત્મ એટલે શું?

માનવીની શોધના આઠ કેન્દ્રો છે: ૧. શાંતિ, ૨. શક્તિ, ૩. સ્વતંત્રતા, ૪. અમરત્વ, ૫. સૌંદર્ય, ૬. આનંદ, ૭. જ્ઞાન, ૮. પ્રેમ

ફ્રોઈડ, એડલર, યુન્ગ, મેકડૂગલ, મેસ્લોવ વગેરે મનોવૈજ્ઞાનિકોએ માનવ વર્તનના પ્રેરકબળો સમજાવવાના પ્રયત્ન કર્યા છે. ફ્રોઈડ જાતીય વૃત્તિને, એડલર આધિપત્યની વૃત્તિને, યુન્ગ એક વ્યાપક વૃત્તિ સંકુલને, મેકડૂગલ ચૌદ સહજ વૃત્તિઓને અને મેસ્લોવ શારીરિક – માનસિક ઉચ્ચતર પ્રેરણાઓને માનવ વર્તનના પ્રેરકબળ તરીકે મૂકે છે. આ બધા મનોવૈજ્ઞાનિકોની વર્તનના પ્રેરકબળોની યાદીઓને સંકલિત કરીએ તો માનવ વર્તનના પ્રેરકબળ તરીકે પ્રધાનત: આટલી વૃત્તિઓ જોવા મળે છે:
૧) જાતીય વૃત્તિ
૨) ખાનપાનની વૃત્તિ
૩) જીવવાની વૃત્તિ
૪) આધિપત્યની વૃત્તિ
૫) જાણવાની વૃત્તિ
૬) આરામ અને શાંતિની વૃત્તિ
૭) કીર્તિની વૃત્તિ
૮) સુખ સુવિધાની વૃત્તિ
૯) આત્મ આવિષ્કારની  વૃત્તિ – અભિવ્યક્ત થવાની વૃત્તિ

આ બધી ભિન્ન ભિન્ન વૃત્તિઓ દ્વારા માનવ આખરે શું શોધે છે?
૧) જાતીય વૃત્તિ દ્વારા આનંદ, પ્રેમ અને સૌંદર્ય શોધે છે.
૨) ખાનપાનની વૃત્તિ દ્વારા અમરત્વ અને આનંદ શોધે છે.
૩) જીવવાની વૃત્તિ દ્વારા શક્તિ અને સ્વતંત્રતા શોધે છે.
૪) આધિપત્યની વૃત્તિ દ્વારા શક્તિ અને સ્વતંત્રતા શોધે છે.
૫) જાણવાની વૃત્તિ દ્વારા જ્ઞાન શોધે છે.
૬) આરામ અને શાંતિની વૃત્તિ દ્વારા શાંતિ શોધે છે.
૭) કીર્તિની વૃત્તિ દ્વારા અમરત્વ અને પ્રેમ શોધે છે.
૮) સુખ સુવિધાની વૃત્તિ દ્વારા આનંદ અને શાંતિ શોધે છે.
૯) આત્મ આવિષ્કારની  વૃત્તિ – અભિવ્યક્ત થવાની વૃત્તિ દ્વારા આનંદ અને પ્રેમ ઈચ્છે છે.

આમ, માનવની શોધના આઠ કેન્દ્રો છે, તે તો રહે જ છે. એવું કયું કેન્દ્ર છે, જ્યાં આ આઠ તત્વો કેન્દ્રિત થયા છે? એવું કયું તત્વ છે, જેને પામવાથી આ આઠ તત્વો સિદ્ધ થાય છે? સર્વ તત્વોનું કેન્દ્રસ્થ તત્વ અને સર્વ કેન્દ્રોનું કેન્દ્ર છે આત્મા.

પરમ શાંતિ, પરમ શક્તિ, પરમ સ્વતંત્રતા (મોક્ષ), અમરત્વ, પરમ સૌંદર્ય, પરમ આનંદ, પરમ જ્ઞાન, પરમ પ્રેમ – આ આઠ તત્વો આત્મામાં સ્વરૂપતઃ અને સહજ સ્વરૂપે છે. કારણ કે આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ અને પૂર્ણ છે. આત્માને પામવાથી આ સર્વ તત્વોને તેમના પૂર્ણ અને યથાર્થ સ્વરૂપે પામી શકાય છે.

જીવનની કૃતાર્થતા સુખ પ્રાપ્તિમાં નથી, સત્ય પ્રાપ્તિમાં છે. આમ છતાં એ પણ એક હકીકત છે કે જાણ્યે અજાણ્યે પ્રત્યેક જીવ સુખ ઝંખે છે. સુખ પ્રાપ્તિ અને દુઃખમુક્તિ જીવની પ્રવૃત્તિની મૂળભૂત પ્રેરણા બની ગઈ છે. જીવન સમસ્યારૂપ બની જવાનું મૂળ અહીં છે.

હવે પ્રશ્ન એ છે કે સત્ય શું છે અને સુખ શું છે? સત્ય એટલે આપણું મૂળભૂત સ્વરૂપ – આત્મ સ્વરૂપ. આ હકીકતને અનેકવિધ સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. ભગવત્ પ્રાપ્તિ, આત્મ પ્રાપ્તિ, પરમ સત્યનો સાક્ષાત્કાર, બ્રહ્મ પ્રાપ્તિ, નિર્વાણ, કૈવલ્ય – આ બધા શબ્દો દ્વારા મૂલત: એક જ પરમ સત્યની પ્રાપ્તિનો નિર્દેશ કરવામાં આવે છે.

ઈચ્છિત પદાર્થ, વ્યક્તિની પરિસ્થિતિ કે પ્રાપ્તિ અને અનિચ્છિત પદાર્થ, વ્યક્તિ કે પરિસ્થિતિમાંથી મુક્તિ દ્વારા ચિત્તમાં જે અનુકૂળ સંવેદના અનુભવાય છે તે સુખ છે. તેથી વિપરીત બને ત્યારે ચિત્તમાં જે પ્રતિકૂળ સંવેદના અનુભવાય તે દુઃખ છે.

હવે કોયડો એ છે કે જીવનનું લક્ષ્ય સત્ય પ્રાપ્તિ – સ્વરૂપ‌ પ્રાપ્તિ છે, તો આપણી વૃત્તિ અને પ્રવૃત્તિનું કેન્દ્ર સુખ શા માટે બની ગયું છે? તેનું કારણ એ છે કે સુખ પ્રાપ્તિનો પ્રયત્ન પણ મૂલત: સ્વરૂપ પ્રાપ્તિનો જ પ્રયત્ન છે. હા તે સ્વરૂપ પ્રાપ્તિ ક્ષણિક અને ભ્રામક છે. તેથી સત્ય ત્યાં હાથ લાગતું નથી. તેનો અર્થ એમ છે કે સુખ પ્રાપ્તિની પ્રવૃત્તિમાં આપણે જે જ્યાં નથી તે ત્યાં શોધીએ છીએ. આમ હોવાથી સુખ પ્રાપ્તિના પ્રયત્નને અંતે, સફળતા મળે કે નિષ્ફળતા, તો પણ આપણા હાથમાં તો હતાશા જ આવે છે કારણકે મૂળ તત્વ હાથ લાગતું નથી. સુખ પ્રાપ્તિના પ્રયત્નને અંતે જાગૃત માનવીને એવા અનુભવ થાય છે કે હું જે શોધતો હતો તે આ નથી.

આપણે આપણા સ્વરૂપ સિવાય અન્ય સ્થાને આપણા સ્વરૂપને પામવાનો પ્રયત્ન કરીએ તો તે પામીએ કેવી રીતે? જે જ્યાં નથી તે ત્યાં કદી ન મળે. પણ તો પછી તે ખોટી દિશામાં પ્રયત્ન કરવાની આટલી તીવ્ર ઈચ્છા કેમ રહે છે? કારણ કે ત્યાં તેનું પ્રતિબિંબ છે. બિંબને ચૂકી ગયેલું આપણું મન પ્રતિબિંબમાં બિંબને શોધવાનો પ્રયત્ન કરે છે. વિચારણીય મુદ્દો એ છે કે જેના પ્રતિબિંબ પ્રત્યે આટલું આકર્ષણ રહે છે તે મૂળ બિંબ કેટલું પ્રેમાસ્પદ, કેટલું આનંદમય હશે!

આનાથી એટલું તો સ્પષ્ટ છે કે સુખ પ્રાપ્તિ દ્વારા સત્ય પ્રાપ્તિનો પ્રયત્ન ખોટી દિશાનો છે. સ્વરૂપ પ્રાપ્તિ દ્વારા આનંદ પ્રાપ્તિનો પ્રયત્ન સાચી દિશાનો છે. પ્રથમ સ્વરૂપનો પ્રયત્ન ભોગ ગણાય છે અને બીજા સ્વરૂપનો પ્રયત્ન યોગ – અધ્યાત્મ ગણાય છે.

દુઃખનું કારણ ઈચ્છા છે, ઈચ્છાનું કારણ અભાવનો અનુભવ છે. અભાવનું કારણ સ્વરૂપની વિસ્મૃતિ છે. સ્વરૂપનું જ્ઞાન થતા જ અભાવ રહેતો નથી. અભાવના અભાવે ઈચ્છાઓ વિલીન થાય છે. ઈચ્છાઓ વિલીન થતાં દુઃખનું વિસર્જન થાય છે.

આ અભાવ કાલ્પનિક છે, અજ્ઞાનજન્ય છે, એથી તેને કોઈ બહિરંગ પૂર્તિથી ભરી શકાય નહિ.સ્વરૂપ પ્રાપ્તિ – આત્મ પ્રાપ્તિ જ તેના વિસર્જનનો એકમાત્ર ઉપાય છે.

શાંતિ, આનંદ, પ્રેમ આદિ તત્વોની આપણી શોધ વસ્તુત: સત્ ની શોધ છે. શક્તિ, જ્ઞાન અને સ્વતંત્રતાની શોધ વસ્તુત: ચિત્ ની શોધ છે. સૌંદર્ય આનંદ અને પ્રેમની શોધ વસ્તુત: આનંદની શોધ છે. આમ આપણી શોધના મૂળમાં જઈને, ગહન દૄષ્ટિથી તપાસીએ તો આપણી સર્વ શોધ દ્વારા આપણે સચ્ચિદાનંદ આત્માને જ પામવા પ્રયત્ન કરીએ છીએ. આનો અર્થ એમ છે કે માનવીની મૂળભૂત ઝંખના છે – સચ્ચિદાનંદ પ્રાપ્તિની ઝંખના. આપણે જાગૃતિથી જોઈએ તો દેખાશે કે આપણે આપણી બધી વૃત્તિ અને પ્રવૃત્તિઓ દ્વારા આપણે મૂલત: તો સચ્ચિદાનંદને જ પામવાનો પ્રયત્ન કરીએ છીએ. 

smiling senior indian woman near old church bell
Photo by Mehmet Turgut Kirkgoz on Pexels.com

સચ્ચિદાનંદ વ્યક્તિનું મૂળ સ્વરૂપ છે. સચ્ચિદાનંદની શોધમાં તેની બધી શોધની પરિપૂર્ણતા છે. સચ્ચિદાનંદની પ્રાપ્તિ જ વ્યક્તિને અમરત્વ, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ શક્તિ, પૂર્ણ સ્વતંત્રતા, પૂર્ણ પ્રેમ, પૂર્ણ આનંદ, પૂર્ણ સૌંદર્ય, પૂર્ણ શાંતિ આપે છે, જે ભ્રામક અને ક્ષણિક નહિ પરંતુ યથાર્થ અને શાશ્વત હોય છે. સચ્ચિદાનંદની પ્રાપ્તિમાં જ વ્યક્તિના જીવનની પૂર્ણ કૃતાર્થતા છે.

આ સચ્ચિદાનંદ આત્માની પ્રાપ્તિનો જે પથ છે, તે જ અધ્યાત્મ પથ છે.

અધ્યાત્મ = અધિ + આત્મ. અધિ એટલે તરફ. આત્મા તરફ વળવું તે જ અધ્યાત્મ છે. અહીં આત્મા શબ્દનો ઉપયોગ થયો હોવાથી કોઈ એમ ન સમજે કે અધ્યાત્મ પથ દ્વારા માત્ર જ્ઞાનમાર્ગ જ સૂચિત થાય છે. ભક્તની ભગવત્ પ્રાપ્તિ, આત્માર્થીની આત્મ પ્રાપ્તિ, જ્ઞાનીની અદ્વૈત સિદ્ધિ અર્થાત્ બ્રહ્મ પ્રાપ્તિ, યોગીનું કૈવલ્ય – આ બધાં અધ્યાત્મના જ સ્વરૂપો છે અને આમાંના કોઈ પણ ઉપાયથી વ્યક્તિ તત્વત: તો પોતાના સ્વરૂપને જ પામે છે.

સરળ ભાષામાં કહીએ તો અધ્યાત્મ એટલે પોતાના મૂળ ઠેકાણે – સ્વસ્થાને પાછો ન ફરે ત્યાં સુધી યાત્રાની સમાપ્તિ થતી નથી અને ત્યાં સુધી યથાર્થ કૃતાર્થતા અનુભવાતી નથી. પ્રકૃતિના રાજ્યમાં ફરતો – આખડતો જીવ પોતાના નિજ સ્વરૂપમાં સ્થિત ન થાય ત્યાં સુધી સાચી શાંતિ પામી શકે નહિ.

અરીસામાં પ્રતિબિંબિત થયેલો અગ્નિ કોઈની ઠંડી ઉડાડી શકે નહિ, કારણ કે તે મૂળ અગ્નિની જેમ ઉષ્ણતા આપી શકે નહિ. તે માટે તો આપણે બિંબ સ્વરૂપ મૂળ અગ્નિ પાસે પહોંચ્યે જ છૂટકો. તે જ રીતે આ પ્રકૃતિમાં પ્રતિબિંબિત થયેલ આત્માની ખોજથી અર્થાત્ ભોગથી માનવી કૃતાર્થતા પામી શકે નહિ. ભોગ દ્વારા સચ્ચિદાનંદની પ્રાપ્તિનો પ્રયત્ન અરીસામાં પ્રતિબિંબિત અગ્નિમાં ઉષ્ણતાની પ્રાપ્તિના પ્રયત્ન જેવો વ્યર્થ છે. તે માટે તો સ્વરૂપ પ્રાપ્તિ અર્થાત્ અધ્યાત્મ જ ઉપાય છે.

૩. અધ્યાત્મ વિદ્યા એટલે શું?

અધ્યાત્મની કોઈ વિદ્યા હોઈ શકે? અધ્યાત્મ પથનું કોઈ શાસ્ત્ર હોઈ શકે? અધ્યાત્મ વિદ્યા સ્વરૂપત: અનુભવગમ્ય વિદ્યા છે. પરંતુ હજારો વર્ષના અનુભવોનું એક ભાથું એકઠું થયું છે. સદીઓ – સહસ્ત્રાબ્દીઓથી માનવજાતે પરમને પામવાના અનેકવિધ સફળ – નિષ્ફળ પ્રયોગો કર્યા છે. આ લાંબો અનુભવ, અનેક અધ્યાત્મ પુરૂષોની અનુભૂતિઓ, તેમનું આંતરદર્શન, આ સર્વ તત્વોમાંથી અધ્યાત્મ વિદ્યાનો જન્મ થયો છે. ભૂતકાળના અનુભવી પુરૂષોના અનુભવો દ્વારા વર્તમાન અને ભાવિ સાધકોને માર્ગદર્શન મળે તે રીતે તેમના અનુભવો, ચિંતન – મનન, પ્રયોગો, દર્શન, સાક્ષાત્કાર –   આ સર્વ પરિબળોમાંથી અધ્યાત્મના શાસ્ત્રને અધ્યાત્મવિદ્યા કહેવામાં આવે છે. આપણે કહી શકીએ કે અધ્યાત્મવિદ્યા એટલે સાક્ષાત્કાર શાસ્ત્ર.

ભૌતિક વિજ્ઞાન, રસાયણ શાસ્ત્ર, ગણિત શાસ્ત્ર આદિ વિજ્ઞાનો જે અર્થમાં વિજ્ઞાન છે, તે અર્થમાં અને તે સ્વરૂપનું અધ્યાત્મનું વિજ્ઞાન બની શકે નહિ, કારણ કે અધ્યાત્મ વિદ્યા કોઈ ભૌતિક – પ્રાકૃતિક વિજ્ઞાન નથી. પરંતુ કોઈ વિષય વિશે શાસ્ત્રીય અને પદ્ધતિસરની વિચારણા અને તદ્‍વિષયક રચનાને વિજ્ઞાન કે શાસ્ત્ર ગણવામાં આવે તો તે અર્થમાં અધ્યાત્મવિદ્યા શાસ્ત્ર છે.

આત્માનું કોઈ શાસ્ત્ર ન બની શકે, કારણ કે આત્મા સર્વનો દૃષ્ટા છે અને દૃશ્ય કદી બની શકે નહિ અને તેથી તે કોઈ અભ્યાસનો વિષય પણ બની શકે નહિ. આમ હોવાથી અધ્યાત્મવિદ્યાને આત્માનું વિજ્ઞાન કે આત્માની વિદ્યા કહી શકાય નહિ. અધ્યાત્મવિદ્યા અધ્યાત્મપથનું વિજ્ઞાન છે તેમ કહી શકાય, કારણકે અધ્યાત્મપથ વિશે શાસ્ત્રીય વિચારણા શક્ય છે. સાધક જ્યાં છે, ત્યાંથી તે આત્માને કે પરમાત્માને પામે તે અધ્યાત્મપથ છે અને આ અધ્યાત્મપથનું વિજ્ઞાન તે અધ્યાત્મવિદ્યા છે.

આમ અધ્યાત્મ એટલે પરમ સત્યની અપરોક્ષ અનુભૂતિ. અધ્યાત્મપથ એટલે આ પરમ અનુભૂતિ માટેનો સાધનપથ. અધ્યાત્મવિદ્યા એટલે અધ્યાત્મવિષયક શાસ્ત્રીય અને વ્યવસ્થિત વિદ્યા કે વિજ્ઞાન.

તત્વજ્ઞાન અને અધ્યાત્મ વિદ્યા વચ્ચે પ્રગાઢ સંબંધ હોવા છતાં બંને એક નથી. જીવ, જગત અને ઈશ્વરના સ્વરૂપ અને સંબંધોનું શાસ્ત્ર તે તત્વજ્ઞાન. તત્વજ્ઞાનના પાયામાં કોઈક સ્વરૂપની આધ્યાત્મિક અનુભૂતિ કે દર્શન હોય છે, અને અધ્યાત્મ સાધનની ભૂમિકા રૂપે તત્વજ્ઞાન ઉપયોગી આધાર આપી શકે તેમ છે. આમ છતાં, અધ્યાત્મવિદ્યા અને તત્વજ્ઞાન બંને ભિન્ન ભિન્ન વિદ્યાઓ છે તે સ્પષ્ટ સમજી લેવું જોઇએ.

ધાર્મિક વિધિનિષેધના શાસ્ત્રને ધર્મશાસ્ત્ર કહેવામાં આવે છે. હિન્દુ સમાજને પોતાનું, સ્મૃતિગ્રંથો પર આધારિત એક ધર્મશાસ્ત્ર પણ છે. ધર્મશાસ્ત્ર અધ્યાત્મવિદ્યાનો બહિરંગ આધાર છે. અધ્યાત્મપથ માટે ધર્મશાસ્ત્રનું મૂલ્ય પણ છે. બંને પ્રગાઢ રીતે જોડાયેલા હોવા છતાં અધ્યાત્મવિદ્યા અને ધર્મશાસ્ત્ર એક નથી.

આ જ રીતે નીતિશાસ્ત્ર અને અધ્યાત્મવિદ્યા પણ એક નથી. ક્રિયાકાંડ અને અધ્યાત્મવિદ્યા પણ એક નથી. ક્રિયાકાંડ અધ્યાત્મનું પ્રથમ સોપાન છે. ક્રિયાકાંડ અધ્યાત્મપથ પર સહાયક સાધન છે. ક્રિયાકાંડના અનુસરણથી અધ્યાત્મની યોગ્યતાનું નિર્માણ થાય છે. આમ છતાં બંનેમાં ભિન્નતા તો છે જ.

ગુહ્યવિદ્યા (Occultism)અને અધ્યાત્મવિદ્યા પણ એક નથી. ગુહ્વિદ્યા એટલે પ્રકૃતિના સૂક્ષ્મ નિયમોનું જ્ઞાન અને તેમના પર નિયંત્રણ મેળવવાની વિદ્યા. આમ ગુહ્યવિદ્યા સિદ્ધિઓનું વિજ્ઞાન છે, વિભૂતિ વિજ્ઞાન છે. અધ્યાત્મ તો પરમ સત્યની શોધ છે. અધ્યાત્મની દૃષ્ટિ શુદ્ધ સત્ય પર મંડાયેલી છે. અધ્યાત્મપથના પથિકના જીવનમાં આડપેદાશ રૂપે કોઈવાર સિદ્ધિઓ પ્રગટે તે બની શકે છે પરંતુ તે અધ્યાત્મનો હેતુ નથી. ગુહ્યવિદ્યા તો સિદ્ધિઓ મેળવવાનું જ વિજ્ઞાન છે. તેથી ગુહ્યવિદ્યા અને અધ્યાત્મવિદ્યાનો ભેદ પણ સ્પષ્ટ જ છે.

અધ્યાત્મ વિદ્યાને સમજવાની સર્વ વિચારણાનો નિષ્કર્ષ એ જ છે કે અધ્યાત્મવિદ્યા એટલે પરમ સત્યના પથને પામવા માટેની વિદ્યા.

૪. અધ્યાત્મ શા માટે?

જો કોઈ વ્યક્તિ એમ કહે કે મારે અધ્યાત્મની જરૂર નથી. હું અધ્યાત્મ વિના મારા ભૌતિક જીવનથી ખુશ છું. તો તેને એમ કહેતા રોકી શકાય નહીં, પરંતુ તે વ્યક્તિને પૂછી શકાય કે તમે પ્રામાણિકપણે કહો, તમને તમારા નર્યા ભૌતિક જીવનથી પરિપૂર્ણ સમાધાન છે? અને તે સમાધાન સતત રહે છે? જો તે વ્યક્તિ જાગૃત હશે અને પ્રામાણિક પણ હશે તો તેણે કહેવું જ પડશે કે ના, નર્યું ભૌતિક જીવન એવું સમાધાન ન આપી શકે. આપણે અહીં માનવી વિશે વિચાર કરીએ છીએ, માનવેતર પ્રાણી વિશે નહિ.

ભગવાન ઈશુએ આ જ કહ્યું છે – “Man cannot live by bread alone.” માનવી માત્ર રોટી (ભૌતિક જરૂરિયાતોથી જ) જીવી શકતો નથી.

રોટી શરીરનો ખોરાક છે પરંતુ માનવી માત્ર શરીર નથી, તેમાં આત્મા પણ છે અને તેના માટે અધ્યાત્મ છે. જો કોઈ માનવી સાચા અર્થમાં માનવી હોય, તે તેના જીવન વિશે જાગૃત હોય, તે તેના આંતરિક અભાવને અનુભવતો – ચકાસતો હોય અને તેના સમાધાનની ઝંખના હોય, તો તેને અધ્યાત્મના કોઈ ને કોઈ સ્વરૂપનો આશરો લેવો જ પડશે. તેણે અધ્યાત્મ તરફ વળવું જ પડશે.

ભૌતિક સંપત્તિનો પર્યાપ્ત વિકાસ, મનો-શારીરિક સલામતી, સ્ત્રી, સંતાન અને ધન સહિતનું સુખી ગૃહસ્થ જીવન, સમાજસેવા, ધર્મ પ્રચાર, કલઃ સાહિત્ય, પાંડિત્ય, વિજ્ઞાન, પ્રાકૃતિક સૌંદર્ય – એમાંનું કશું ખોટું નથી. પણ તે સર્વ મળીને પણ જીવનની યથાર્થ અને પરિપૂર્ણ કૃતાર્થતા માટે પર્યાપ્ત નથી. શાશ્વત અને પરિપૂર્ણ કૃતાર્થતાનો એક જ માર્ગ છે અધ્યાત્મ.

ઉપનિષદના ઋષિ સ્પષ્ટ કહે છે –
यदा चर्मवदाकाशं वेष्टिष्यन्ति मानवाः।
तदा देवमविज्ञाय दुःखस्यान्तो भविष्यति।।
– श्वेताश्वतरोपनिषत् ६:२०
“જ્યારે મનુષ્યો આકાશને ચામડાની જેમ લપેટી શકશે ત્યારે પરમ દેવને પામ્યા વિના દુઃખોનો અંત આવશે.” આકાશને ચામડાની જેમ લપેટવાનું શક્ય નથી. તે જ રીતે પરમાત્માને પામ્યા વિના દુઃખોનો આત્યંતિક ક્ષય શક્ય નથી.

૫. અધ્યાત્મપથના સોપાન
બે અને બે ચાર થાય, તેવી સ્પષ્ટ સોપાન શ્રેણી અધ્યાત્મપથની બની શકે નહિ અને છતાં અધ્યાત્મપથના સોપાનો પણ છે.

ભારતીય અધ્યાત્મવિદ્યામાં અધ્યાત્મપથના અનેકવિધ સ્વરૂપો માન્ય અને સેવ્ય છે અને છતાં સર્વમાન્ય અને સર્વસંમત એવી એક સોપાન શ્રેણી પણ છે. આ સોપાન શ્રેણીને અધ્યાત્મની ભૂમિકાઓ કે અધ્યાત્મપથના કાંડ પણ કહેવામાં આવે છે.

કોઈ પણ અધ્યાત્મપથ કોઈ ને કોઈ સ્વરૂપે ત્રણ તબક્કામાંથી પસાર થાય છે. આ ત્રણ તબક્કા કે ભૂમિકાને જ વૈદિક પરિભાષામાં ત્રણ કાંડ કહેવામાં આવે છે.

(૧) કર્મકાંડ:
આ કાંડ અધ્યાત્મપથની બહિરંગ અને પ્રારંભિક ભૂમિકા છે. આ તબક્કામાં સાધક કોઈક પ્રકારની ક્રિયાત્મક સાધનાનું અનુસરણ કરે છે. યજ્ઞયાગ, પૂજાકર્મ, સ્તોત્ર કે મંત્રનો પાઠ, યોગાસન, પ્રાણાયામ, વાચિક જપ આદિ સાધનાઓ ક્રિયાયોગનો ભાગ છે. વૈદિક પરંપરામાં આ ભાગને કર્મકાંડ કહેવામાં આવે છે. આ અવસ્થાને પ્રયોગ કહેવામાં આવે છે.

કર્મકાંડને ‘ભૂ:’નું ક્ષેત્ર ગણવામાં આવે છે. કર્મકાંડની વિચારણા વિશેષત: બ્રાહ્મણ ગ્રંથોમાં થઈ છે. કર્મકાંડનો દેવ અગ્નિ અને તેની પ્રણવમાત્રા ‘અ’ છે.

– ભાણદેવજી

(‘જનકલ્યાણ’ સામયિકના માર્ચ-૨૦૨૦ના અંકમાંથી સાભાર)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

Copy Protected by Chetan's WP-Copyprotect.