મારે નથી જાવું તીરથધામ…! – દિનેશ પાંચાલ

એક મિત્ર મીઠાઈની દુકાને મળી ગયા. અમને કહે, ‘આજે માનું શ્રાદ્ધ છે, લાડુ માની પ્રિય વાનગી છે એટલે લાડુ લેવા આવ્યો છું.’ અમારા આશ્ચર્યનો પાર ન રહ્યો. હજી પાંચ મિનિટ પહેલા તો અમે એમની માને શાકમાર્કેટમાં મળ્યા હતા. અમે કાંઈ બોલીએ તે પહેલા ખુદ માતાજી થેલી લઈને ત્યાં આવી પહોંચ્યા.

તેમને જોઈ અમે પૂછ્યું, ‘ભલા માણસ, આ શી મજાક માંડી છે? માજી તો આ રહ્યા તારી બાજુમાં. મિત્રે માતાના ખભા પર હાથ મૂક્યો અને હસીને કહ્યું, ‘જુઓ સાંભળો, માના મર્યા બાદ ગાય-કાગડાને વાસમાં લાડુ મૂકવાને બદલે હું જીવતા જીવત જ એમના ભાણામાં લાડુ મૂકીને એમને તૃપ્ત કરવા માગું છું. હું માનું છું કે જીવતા જીવત જ મા-બાપને તૃપ્ત કરો એ જ સાચું શ્રાદ્ધ ગણાય! માને સોસિયો બહુ ભાવે છે, હું એમના માટે સોસિયો કાયમ ફ્રીઝમાં રાખું છું. એમને ખાજલી, સફેદ જાંબુ, સુતરફેણી વગેરે બહુ ભાવે છે. તે બધું જ હું એમને ખવડાવું છું. શ્રદ્ધાળુઓ મંદિરે જઈ અગરબત્તી સળગાવે છે. હું મંદિરે જતો નથી, પણ માના સુવાના ઓરડામાં કાચબાછાપ અગરબત્તી સળગાવી આપું છું. સવારે મા ગીતા વાંચવા બેસે ત્યારે માના ચશ્મા જાતે સાફ કરી આપું છું. મને લાગે છે કે ભગવાનનો ફોટો કે મૂર્તિ સાફ કરવા કરતા ઘરડી માના ચશ્મા સાફ કરવાથી વધુ પુણ્ય મળે છે.’

મિત્રની વાત શ્રદ્ધાળુઓને કઠે એવી છે પણ વાતમાં વજૂદ છે. આપણે વડીલોના મૃત્યુ બાદ શ્રાદ્ધ કરીએ છીએ, જ્ઞાતિને લાડુ અને દૂધપાકનું જમણ જમાડીએ છીએ. રિવાજ ખાતર ભલે એમ કરવું પડતું પણ યાદ રહે, ગાય-કાગડાને ખવડાવેલું કદી ઉપર પહોંચતું નથી. અમેરિકા અને જાપાનમાં પણ સ્વર્ગ માટેની કોઈ ટિફિન સેવા હજુ શરૂ થઈ નથી. માવતરને જીવતા જીવત જ બધા સુખો આપીએ, તે ઉત્તમ શ્રાદ્ધ કહેવાય. 

grayscale portrait photo of an elderly woman wearing headscarf
Photo by Bhavyata Nimavat on Pexels.com

એક સત્ય સમજી લેવા જેવું છે. દીકરાઓ ગમે તેટલા શાણા, સમજુ અને પ્રેમાળ હોય તો પણ ઘડપણની પીડા અને અસહાયતાનો તેમને ખ્યાલ આવી શકતો નથી. આંખે દેખાતું બંધ થયા પછી જ અંધાપાની લાચારી સમજાય છે. કાને સંભળાતું બંધ થાય પછી જ એ દુઃખની સાચી પીડા જાણી શકાય છે. એ સંજોગોમાં વૃદ્ધોને પૈસા કરતાં પ્રેમની અને ટીકા કરતા ટેકાની વધુ જરૂર હોય છે. આજના તણાવયુક્ત જીવનમાં દીકરાઓને માથે પણ તરેહ તરેહના ટેન્શનો અને જવાબદારીનું ભારણ રહેતું હોય છે. તેઓ ઈચ્છવા છતાં માબાપની પુરી કાળજી લઈ શકતા નથી. એવા દીકરાઓને કંઈકે માફ કરી શકાય. પરંતુ કેટલાક યુવાનો પત્ની અને સંતાનોની કાળજી લે છે તેટલી ઘરડા માબાપોની લેતા નથી. સમાજના મોટા ભાગના વૃદ્ધો અનેક પ્રકારની અવહેલના ઝીલતા (હોઠ ભીડીને) જીવ્યે જાય છે. એવા દીકરાઓ માબાપને પાશેર ખમણ ખવડાવતા નથી અને મર્યા બાદ હજારો રૂપિયા ખર્ચીને જ્ઞાતિને જમાડે છે, બ્રાહ્મણોને દાન આપે છે, તીર્થસ્થળોએ જઈ શ્રાદ્ધ કરે છે. આ બધા નિરર્થક ક્રિયાકાંડ છે. જૂની પેઢીના લોકોની એ જર્જરિત મનોદશામાં કોઈ પરિવર્તન આવવાનું નથી. પરંતુ આજના યુવાનોએ એવા ખોખલા રિવાજોને તિલાંજલિ આપવી જોઈએ. 

સંતો કહે છે, ‘નાનપણમાં આપણે ચાલી નહોતા શકતા ત્યારે મા-બાપ આપણી આંગળી ઝાલતા. હવે તેઓ ચાલી નથી શકતા ત્યારે આપણે તેમનો હાથ ઝાલવો જોઈએ.’ વારંવાર એક વાત સમજાય છે, મા-બાપને તીર્થયાત્રા કરવા નહીં લઈ જાઓ તો ચાલશે, તેમનો હાથ ઝાલીને સંડાસ સુધી દોરી જાઓ તો એમાં અડસઠ તીરથનું પુણ્ય સમાઈ જાય છે. કહે છે કે મા-બાપ બે વખત રડે છે, દીકરી ઘર છોડે ત્યારે અને દીકરો તરછોડે ત્યારે.. પણ માએ તો જિંદગીભર રડવાનું જ હોય છે. છોકરાં નાનાં હોય અને જમે નહીં એટલે મા રડે અને છોકરાં મોટા થઈને જમાડે નહીં એટલે મા રડે છે. સંજોગની એ વિચિત્ર વિડંબના છે કે જે બાળકને માએ બોલતા શીખવ્યું હોય એ દીકરો મોટો થઈને માને ચુપ રહેવા કહે છે. (જો કે બદલાયેલા જમાના પ્રમાણે હવે એ વાતમાં સમજદારી રહેલી છે કે દીકરાઓ પૂછે નહીં ત્યાં સુધી તેમને કોઈ સલાહ ન આપવી. એમ કરવું એ ઘડપણની શોભા પણ છે અને જરૂરિયાત પણ.)

માતૃપ્રેમ વિશે આપણા લોકકવિઓએ ઘણું લખ્યું છે. કવિ ધરમશીએ કહ્યું છે, ‘પહેલાં રે માતા.. પછી રે પિતા.. પછી લેવું પ્રભુનું નામ.. મારે નથી જાવું તીરથધામ..’ પણ હવે સમય અને સમાજ બંને બદલાયા છે. લોકોના વાણી, વર્તન અને જીવનશૈલી પર પશ્ચિમની અસર થઈ છે. જે મા દીકરાને ગર્ભમાં રાખે છે તેને દીકરા ઘરમાં રાખવા માંગતા નથી. અમારા કવિ મિત્ર કહે છે, આણંદના પ્રખ્યાત ગોટા અમદાવાદના સ્ટેશને ખાવાં મળતાં નથી, તેમ જુવાનીના સ્ટેશન પર ઘડપણના દુઃખોનો અંદાજ આવી શકતો નથી. નર્કની પીડા આપણે અનુભવી નથી પરંતુ નર્કની ભયાનકતાથી બચવા આપણે નિયમિત ભગવાનની ભક્તિ કરીએ છીએ, તેમ ઘડપણની યાતનાનો ખ્યાલ ભલે આજે ન આવે પણ તે દુઃખોની કલ્પના કરીને આપણે વૃદ્ધોની પ્રેમથી સંભાળ રાખવી જોઈએ. આપણા એવા સંસ્કાર આપણા સંતાનોને મળશે તો આપણું ઘડપણ પણ સુધરી જશે. દોસ્તો, સંસારનો દરેક વૃદ્ધ આદરને પાત્ર હોય કે ન હોય પણ વૃદ્ધાવસ્થા જરૂર આદર અને સહાનુભૂતિને પાત્ર છે. કેમકે વૃદ્ધાવસ્થા એ જિંદગીનું અંતિમ જકાતનાકુ છે. જીવનભરના તમામ કર્મોના હિસાબની ત્યાં ચૂકવણી કરીને માણસ અનંતની યાત્રાએ ઉપડી જાય છે. એથી પ્રત્યેક દીકરાએ માબાપની પુરી કાળજી લેવી જોઈએ. લોકકવિ ભીખુદાન ગઢવી લખે છે, ‘અંતવેળા જેના મા-બાપ ના ઠર્યા, સાત જનમ તેના બૂરા ઠર્યા.’

ગુલાબદાન ગઢવીની ચાર પંક્તિઓ પર નજર ફેરવીશું તો સમજાશે કે આજના દીકરાઓની વચ્ચે માબાપની શી હાલત થાય છે?

માઇલસ્ટોન
ગરીબ માની ઝૂંપડીમાં ‘ગુલાબદાન’ કોઈ દિ’ સાંકડ નહોતી થાતી,
આજે પાંચ પુત્રોના પાંચ બંગલામાં એક માવડી નથી સચવાતી…
તો શરમ, મરજાદ ક્યાં ગઈ, જે ગૌરવ આપણું ગણાતી…?
આલિશાન બંગલામાં પોસાય આલ્સેશિયન… એક માવડી નથી પોસાતી…!

(‘જનકલ્યાણ’ સામયિકના એપ્રિલ-મે, ૨૦૨૦ના અંકમાંથી સાભાર)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

One thought on “મારે નથી જાવું તીરથધામ…! – દિનેશ પાંચાલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.