થેન્ક યુ ૨૦૨૦ – આરોહી શેઠ

આ ૨૦૨૦નું વર્ષ તો નખ્ખોદિયાનાંય નખ ખેંચી જાય એવું છે, હવે આ જાય તો સારું. ૨૦૨૦ની જવાની રાહ તો આખું વિશ્વ જોઈ રહ્યું છે. અરે, કોરોનાની રસી શોધવાનાં ચક્કરમાં તો અમેરિકા જેવી મહાસત્તાને પણ ચક્કર આવી ગયા. કોરોનાની લીધે મૃત્યુઆંક લાખોમાં પહોંચી ગયો છે અને આપણે બધા પોતાનાં જ ઘરમાં કેદ થઇ ગયા છે. બેકારને ય બેકાર કરી દે એવું વર્ષ.

બોલો તમે મારી સાથે સહમત છો કે નહિ?

૨૦૨૦ ને બધાએ મન ભરીને શ્રાપ આપ્યા છે, અને કેમ ન આપે? આટલો સમય પણ આપણને ભાગ્યે જ કોઈ વર્ષે આપ્યો છે. હકીકતમાં તો આપણે આ વર્ષનો આભાર માનવો જોઈએ કારણ કે તેણે બધાને કિંમતી સમય આપ્યો. જે આઇ.ટી સિસ્ટમને અપગ્રેડ કરવાં માટે વર્ષો જોઈએ, તે માત્ર થોડા દિવસોમાં પતી ગયું અને વર્ક ફ્રોમ હોમ કરવાની સુવિધાનો લાભ મળ્યો મળ્યો. આ બહુ જ મોટી ભેટ છે જે ઘરોમાં બંને પતિ-પત્ની જોબ કરતાં હોય છે ત્યાં હંમેશા સમયની મારામારી હોય છે. તેની સાથે-સાથે બાળકો સાથે ગુણવત્તાસભર સમય ન વીતાવી શકવાની લાગણી પણ ક્યાંકને ક્યાંક અંદરોઅંદર કોરી ખાતી હોય છે. વાત માત્ર પરિવારને સમય આપવાની નથી, બચી ગયેલો સમય બીજી કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિમાં કે પછી કોઈ નવી આવડત વિકસાવવામાં વાપરી શકાયો. સ્ત્રીઓ માટે ઘરેથી કામ કરવાનો વિકલ્પ શ્રેષ્ઠ છે કારણ કે ભારતમાં આજે પણ “ઘરની જવાબદારીનાં” બોજ નીચે સ્ત્રીઓની કરિયર દબાઈ જતી હોય છે. કોવિડના સમયગાળામાં સ્ત્રીઓ ફિટનેસ પર ધ્યાન આપી શકી છે. ૨૦૨૦એ વણજોઈતું ઘણું આપ્યું પરંતુ ઘણું એવું પણ આપ્યું છે જેનો આપણે આભાર માનવો જોઈએ!

આ વર્ષનાં સૌથી અમૂલ્ય ભેટ એટલે “જિંદગીની કિંમત”, જે આપણને બધાને સમજાઈ. એટલા બધાં લોકોએ જીવ ગુમાવ્યો છે કે ડાઈંનિંગ ટેબલની ખાલી ખુરશીઓ ડૂસકાં ભરી ભરીને કહે છે સમય મર્યાદિત છે. થોડો સમય તમારા નજીકનાં લોકોને પણ આપો. કોમ્યુટરની સ્પીડ થોડી ધીમી પડી જાય અને ટેકનિકલ મદદ માટેના વિભાગમાં ફોન કરીએ તો તેઓ સૌથી પહેલી સલાહ તેને રિ-બૂટ કરવાની આપે. આપણને બધાને આ રિ-બૂટ થવાની એક તક કોવિડે આપી. જિંદગી એક દોડ છે પણ દોડતાં-દોડતાં “ટાઈમ-પ્લીઝ” લેવી પણ ખૂબ જ જરૂરી છે. આપણે શા માટે ભાગીએ છે તેની આપણને જ ખબર નથી. જયારે મંઝિલ ઝાંઝવાના જળ જેવી હોય ત્યારે જિંદગી અધવચ્ચે ડચકાં ખાય છે. ડચકાં ખાતી જિંદગી એટલે જ મેઇન્ટેન્સ ટાઈમ. આ વર્ષે આપણને પોતાના શરીર, મન અને લાગણીઓ પ્રત્યે સભાન થવાનો સમય આપ્યો.

કેટલાક લોકોની કરિઅર પાટે ચઢી તો કેટલાક લોકોની ફેમિલી લાઈફ અને જે લોકોને આ સમય દરમિયાન તકલીફ પડી છે તે લોકોએ તો ખાસ આભાર માનવો જોઈએ કારણ કે જિંદગીમાં ખરાબ સમય જેટલો સારો સમય કોઈ છે જ નહિ. વિષમ પરિસ્થતિ માણસને સમ બનાવે છે. જેને આપણે ખરાબ સમય કહીએ છીએ એ હકીકતમાં તો શીખવાનો સમય છે, ઓળખવાનો સમય છે. પારખવાનો સમય છે. ખરાબ સમય એ એવો લીટમસ ટેસ્ટ છે, જેમાં ભલભલાં લોકો પોતાનો રંગ બદલવાં લાગતાં હોય છે. સુખ ક્ષણિક છે. સામાન્ય ભાષામાં સુખ એટલે તકલીફમુક્ત  જીવન. તો પછી દુઃખ એટલે? દુઃખ એટલે આપણે ધારીએ તે રૂપ લઇ શકે તે સ્થિતિ. આપણે ઇચ્છીએ તો ડિપ્રેશનમાંથી બહાર આવી શકીએ, ઇચ્છીએ તો નાની નાની વાતમાં ફરિયાદ કરવાનું બંધ કરી શકીએ કે પછી આપણી તકલીફને તકમાં ફેરવી શકીએ. જેમ પરીક્ષા આપ્યા પછી તેનું પરિણામ બધાંનું અલગ અલગ આવે, તેમ એકસરખી વિષમ પરિસ્થતિમાંથી પસાર થયેલા દરેક માણસનું વર્તન અને લાગણી અલગ હોય. માટે જ દુઃખ અદ્દભુત છે. ઘણાં પ્રસિદ્ધ કલાકારોએ તેમની શ્રેષ્ઠ કૃતિઓ આવા તકલીફભર્યા સમયમાં જ આપી છે. માટે જિંદગીની દરેક પરિસ્થિતિનો આભાર માનીએ.

આ વર્ષે લોકડાઉન લીધે લાખો લોકો બેરોજકાર બન્યાં પણ સાથે- સાથે માણસાઈ મહેકો ઉઠી. સામાન્ય કહેવાતાં લોકોએ જ સામાન્ય લોકોને સાચવી લીધા. બેરોજગાર બન્યાં પછી, નાની મૂડીમાંથી આત્મનિર્ભર થવાનાં કિસ્સાઓએ અધધધનો આંકડો પાર કર્યો છે. આ એ લોકો જેને કામ કરવું છે અને હાથ લંબાવવો નથી. કોરોના વાયરસે સાહસ કરવાની આ તક આપી છે માટે આભાર માનીએ. બેરોજકારી સાથે આઈ.ટી, હેલ્થ કેર, ફાર્મા, ઓનલાઈન શોપિંગ, હોમ-ડિલિવરી અને એન્ટરટેઇન્મેન્ટ સેક્ટરમાં એવો જોરદાર ઉછાળો આવ્યો કે સેન્સેક્સ સચવાઈ ગયો અને શેરબજારનાં રોકાણો ધોવાઈ જતાં અટકી ગયા. બધાં આર્થિક આયોજનો તદ્દન નિષ્ફળ જ ગયા છે તો પણ આભાર માનીએ કે જીવનનું નુકસાન થતાં બચી ગયું.

કેટલાક લોકોને ઘરમાં બેસવાનું અઘરું લાગતું હતું પરંતુ આ મશ્કેલી નથી. લોકડાઉન દરમિયાન પગપાળા જ પોતાનાં વતન ચાલી નીકળેલાં શ્રમિકો વિષે અત્યારે પણ વિચારીએ તો પણ કંપારી છૂટી  જાય છે. આવામાં જો તમારી પાસે રહેવા માટે ઘર હોય, બે ટંકનું ભોજન મળતું હોય તો આભાર માનો ઇશ્વરનો.. ફરિયાદ કરવાથી નબળું કોઈ કામ નથી. વેપાર જગતમાં જે લોકો ફરિયાદ કરતાં હોય છે તે ગ્રાહક બને છે. અને  જે સમસ્યાનું નિરાકરણ લાવે છે તે વેપારી બને છે. માટે જ મેહનત કરો. સતત ફરિયાદ કરતાં લોકો તો ભગવાનને પણ પસંદ નથી. મુશ્કેલીઓ તેની જ પર આવે છે જેના ખભા મજબૂત હોય. વસંતને માણવા માટે પણ પાનખર જોઈએ. પાનખર એ વૃક્ષોનો એ સમયગાળો છે જયારે ધરતી તેનો સાથ નથી છોડતી. તેમને નકામા કરીને ધ્વંસ નથી કરતી પરંતુ તેમને પોતાની સાથે જકડી રાખે છે. કદાચ એટલે જ તેમનાં આ સાથને ઊજવતો કૂંપણોનો લીલો રંગ આંખોને ટાઢક આપે છે. ઋતુઓની આ ફેરબદલી પણ તો કુદરતનો એક સંદેશ છે કે ન તો સમય સ્થિર છે, ન તો તેની સ્થિતિ. સમય સારી તક આપે તો ઝડપી લેવી અને મુશ્કેલી આપે તો શીખવા માટે તૈયાર રહેવું.

આ ડિસેમ્બરમાં લખી રહી છું ત્યારે આપણાં મનગમતા સેન્ટા કલૉઝને કેવી રીતે ભુલાય? ક્રિસમસમાં લાખો બાળકો તેમનાં વિશ-લિસ્ટ લેટર રૂપે નોર્થ પોલ મોકલતાં હોય છે અને ક્રિસમસને દિવસે સેન્ટા ઇચ્છાઓનાં મૃગલાની સવારી લઇ ખુશીઓ વહેંચવા નીકળી પડે છે. આપણાં દરેકની જિંદગીમાં પણ આવા કેટલાય સેન્ટા કલોઝ છે જે આપણને આખું વર્ષ નાની-મોટી ભેટ આપતાં જ રહે છે. તે માતા-પિતા, ભાઈ-બહેન, શિક્ષકો કે પછી મિત્ર સ્વરૂપે પણ હોઈ શકે. ચાલો આ વખતે કશું માંગવાને બદલે આપણે આપણાં સેન્ટાનો આભાર માનીએ કે તેમણે આપણને સાચવી લીધા.

મારું ૨૦૨૦ એ રોલર કોસ્ટર રાઈડ જેવું હતું. મુશ્કેલીઓ તો આવી પણ.આ જ જિંદગી છે. થાકેલી માછલીની રાહ જોવા માટે પોતાના મોજાંને પાંચ મિનિટ માટે ઉછળતાં બંધ રાખતો દરિયો તમે કદી જોયો છે? સમય એ આપણાં શ્વાસોનો દરિયો છે અને આ દરિયામાં મુશ્કેલીઓ અને લાગણીઓની ભરતી આવવી આવશ્યક છે. હું ૨૦૨૦નો આભાર માનું છું કે તેણે આપણને જિંદગી જીવતાં શીખવ્યું. હવે તો કોરોના વાયરસની રસી પણ શોધાઈ છે તો આશા રાખીએ આપણાં સૌનું ૨૦૨૧ સરસ જાય અને નવા વરસના રેઝોલ્યૂશન તરીકે ફરિયાદ કરવાને બદલે આભાર માનતાં શીખીએ.

તમારી થેન્ક યુ વાતો મારી સાથે connect.parinda@gmail.com પર વહેંચવાનું ન ભૂલતાં.

Wishing everyone a Happy, Healthy and Safe 2021!

– આરોહી શેઠ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “થેન્ક યુ ૨૦૨૦ – આરોહી શેઠ”

Copy Protected by Chetan's WP-Copyprotect.