લૉકડાઉનના લેખાંજોખાં – રતિલાલ બોરીસાગર

લૉકડાઉનનું પહેલું ચરણ વિધિવત્ ૨૫મી માર્ચ, ૨૦૨૦થી આરંભાયું; પરંતુ, મારું લૉકડાઉન એ પહેલાં એક મહિનાથી શરૂ થઈ ગયું હતું – મારી કમર લૉક થઈ જવાને કારણે. એટલે લૉકડાઉનના અનુભવની દૃષ્ટિએ હું ઘણો સિનિયર છું.  

woman in green and white stripe shirt covering her face with white mask
Photo by Nandhu Kumar on Pexels.com

લૉકડાઉનના પ્રારંભે મોટાભાગના લોકો એકદમ ડાઉન થઈ ગયા હતા; પણ, પછીથી લૉકડાઉન લંબાતું ગયું અને એની અનિવાર્યતા સમજાતી ગઈ તેમ ડાઉન થઈ ગયેલા પાછા ટટ્ટાર થતા ગયા – ‘દર્દ કા હદ સે ગુજર જાના હૈ દવા હો જાના’ એ ન્યાયે! લૉકડાઉન પૂર્વે બહાર ન નીકળનારા અને ઓછું નીકળનારા લોકો પણ લૉકડાઉન અમલમાં આવ્યા પછી અકળાયેલા. સ્વાતંત્ર્યની ઝંખના માત્ર મનુષ્ય જાતિની નહીં, પ્રાણીમાત્રની ઝંખના છે.ફરજિયાતપણું જ્યારે અને જ્યાં આવે છે ત્યારે અને ત્યાં માણસનું મન બળવો પોકારે છે. પોતાનું આખું મોં એક્ટિવા પર દુપટ્ટાથી ઢાંકીને માર-માર જતી આજની યુવતી સાસરે જાય ત્યારે સાસરિયાં જો લાજ કાઢવાનું કહે તો બંડ  પોકાર્યા વિના ન રહે. જ્યોતીન્દ્ર દવેએ ‘શિખામણ’ નામના હાસ્યલેખમાં કહ્યું છે કે ‘કાદવમાં ન રમીશ અને કેળું ન ખાઈશ’ એ બાળકને કહેવું તે એને કાદવમાં બોળીને કેળું ખાવાને ઉશ્કેરવા જેવું જ છે. આવું બાળકપણું માણસમાં આજીવન ટકી રહે છે એટલે જ એકવાર પણ બહાર જવાની આળસ ચડતી હતી એવા માણસોને લૉકડાઉન દરમિયાન ચાર-પાંચ વાર બહાર જવાની ઈચ્છા થતી હતી. 

લૉકડાઉન દરમિયાન મારું શું થયું તેની કેફિયત રજૂ કરવા આ લેખ લખી રહ્યો છું. (જૂનાં જમાનામાં કોઈ ફિલ્મ એક જ થિયેટરમાં ૨૫ અઠવાડિયા પૂરાં કરતી તો સાઇન બોર્ડ પર લખાતું ‘કીર્તિવંત ૨૫મુ અઠવાડિયું’ – એમ મને નિવૃત્તિનું કીર્તિવંત ૨૨મુ વરસ એમ લખવાનો વિચાર તો આવ્યો જ, પણ વિવેકને લીધે એ વિચિરનો અમલ મોકૂફ રાખ્યો છે.) આ ૨૨ વરસ દરમિયાન જુદી જુદી સાહિત્યિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે જોડાવાને કારણે તેમજ જુદી જુદી સંસ્થાઓનું સંચાલન કરી રહેલા અનેક મિત્રોને કારણે મારા કાર્યક્રમો, સેમિનારો, મિટિંગોની પ્રવૃત્તિ સતત ચાલતી રહી. પગ વાળીને બેસવાનો અવસર જ ન મળ્યો. ઈ.સ. ૨૦૦૭માં સ્કૂટરનો અકસ્માત થયો ત્યારેય પગ વાળીને બેસવાનું ન થયું, કારણ કે પ્લાસ્ટરને કારણે પગ વળતો જ નહોતો! જો કે એ વખતે ચાર મહિના સૂઈ રહેવાનું થયું; પણ બાણશય્યા પર સૂતા સૂતા ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને રાજધર્મનું કોચિંગ આપ્યું હતું એમ મેં બાણશય્યા જેવી જ લાગતી પથારીમાં સૂતા સૂતા મારા ‘ભજ આનંદમ્’ પુસ્તકની હસ્તપ્રત તૈયાર કરવાથી માંડીને એનાં ફાઇનલ પ્રૂફ વાંચવા સુધીની કામગીરી કરેલી.

પણ એ ચાર મહિના બાદ કરતા મારી પ્રકૃતિ અને પ્રવૃત્તિને કારણે મારે સતત બહાર રહેવાનું થતું. યશવંતભાઈ (યશવંત શુક્લ) સાથે મારી બીજી કોઈ રીતે તુલના થઈ શકે તેમ નથી, પણ યશવંતભાઈની જેમ હું કોઈ પણ સંસ્થાના નિમંત્રણને નકારી શક્યો નથી. સંસ્થા નાની હોય કે મોટી, પુરસ્કાર આપી શકે કે ન આપી શકે, કમ્ફર્ટેબલ વાહનની વ્યવસ્થા થાય કે ન થાય – યશવંતભાઈ કોઈને ના પાડી ન શકતા. મારા એક મિત્રની સંસ્થાના કાર્યક્રમમાં હું યશવંતભાઈને મારા સ્કૂટર પર બેસાડી એમના નિવાસસ્થાનેથી કાર્યક્રમના સ્થળે લઈ ગયો હતો. આમાં અમારા બંનેના પક્ષે જોખમ હતું. યશવંતભાઈ જેવા શબ્દના બધા અર્થમાં ‘વજનદાર’ વ્યક્તિને સ્કૂટર પર બેસાડવામાં જોખમ હતું તો મારા જેવા એ સમયે નવાસવા સ્કૂટરચાલકની પાછળ બેસવામાં યશવંતભાઈના પક્ષે વધુ જોખમ હતું – ને છતાં અમે બંનેએ એ જોખમ ખેડેલુ. કોઈ સંસ્થામાં અતિથિ તરીકે જવામાં હું તો યશવંતભાઈ કરતા બે ડગલાં આગળ હતો. યશવંતભાઈને ક્યારેય કોઈના બદલે ભાષણ કરવા જવાનું નહોતું થતું. મારે તો એ રીતેય અનેકવાર જવાનું થયેલું ને મેં ક્યારેય કોઈને ના પાડી નહોતી. (ખુદ યશવંતભાઈને બદલે હું પાલનપુર કોલેજના વાર્ષિકોત્સવ પ્રસંગે અતિથિવિશેષ તરીકે ગયેલો, જ્યાં બીજા અતિથિવિશેષ પાટણ યુનિવર્સિટીના તત્કાલીન કુલપતિ શ્રી કુલીનચંદ્ર યાજ્ઞિક હતા.) હાસ્યલેખક નિરંજન ત્રિવેદી મને ‘સદાબહાર સાગર’ કહે છે. એમણે પહેલીવાર આ બિરૂદ આપ્યું ત્યારે જ હું તો એનો વ્યંજનાર્થ પામી ગયેલો; પણ કોઈએ એમને પૂછેલું, “તમે રતિલાલ બોરીસાગરને ‘સદાબહાર’ વિશેષણથી કેમ નવાજો છો? દેવ આનંદ એમના પ્રિય હીરો છે એટલે એમની જેમ ‘એવરગ્રીન’ વ્યક્તિ તરીકે?” નિરંજને હા પાડી હોત તો મને જરૂર ગમત, પણ નિરંજને ‘સારું’ ને ‘સાચું’ વચ્ચે સાચું કહેવાનું પસંદ કર્યું. એમણે કહ્યું, સદાબહાર એટલે એવરગ્રીન નહીં સદા – હંમેશા બહાર. એમને ઘેર ફોન કરો તો દસમાંથી નવ વખત જવાબ મળે, ‘સેમિનારમાં ગયા છે, પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં ગયા છે, માતૃભાષાના વર્ગમાં ભણાવવા ગયા છે.’ ટૂંકમાં ‘સાગર સદા ઘરબહાર.’

ગૃહસ્થ શબ્દનો અર્થ થાય – ઘરમાં રહેનાર. પણ આ ‘ગૃહસ્થ’ હંમેશા ‘ઘર બહાર’! પણ લૉકડાઉને મને શબ્દના મૂળ અર્થ મુજબ ‘ઘરમાં રહેનાર’ બનાવી દીધો. આ અઠંગ ભાષણબાજ માણસના બધાં ભાષણો ગળામાં ગૂંગળાઈ ગયાં છે. આ ભાષણવીરના અગાઉથી ગોઠવાઈ ગયેલા ત્રણ કાર્યક્રમો લૉકડાઉનને કારણે રદ થઈ ગયા. કંકોતરી લખાઈ ગઈ હોય, નવાં કપડાં સિવાઈને આવી ગયાં હોય, અતિ દુર્લભ એવો પાર્ટી પ્લોટ બુક થઈ ગયો હોય, ડૅકોરેશનનો ઓર્ડર અપાઈ ગયો હોય, જમણવારનો કોન્ટ્રાક્ટ અપાઈ ગયો હોય ને લગ્ન એકાએક બંધ રહે તો પરણવા થનગની રહ્યા હોય એવા યુવક – યુવતીની શી દશા થાય? મારી દશા એમનાથી સહેજે ઓછી કરૂણ નથી. 

– પણ ચમત્કાર કહો તો ચમત્કાર, મારામાં એકાએક જ્ઞાનનો ઉદય થયો. મને થયું દરેક કાર્યક્રમ વખતે હું આયોજકોને અનુકૂળ થવાનો પ્રયત્ન કરું છું. તારીખ મને અનુકૂળ ન હોય તો પણ ગમે તેમ કરીને અનુકૂળ કરવા પ્રયત્ન કરું છું. કાર્યક્રમનો સમય સાચવવા વહેલાં ઉઠવું પડે તો ઉઠું છું. મને બોલવા માટે ચાલીસ મિનિટ આપી હોય ને મારા પૂર્વવક્તાઓ લાંબુ બોલે ને  આયોજક શ્રી મને પંદર મિનિટમાં મારું ભાષણ સમેટી લેવા કહે તો સમેટી લઉં છું. જમવામાં મોળું બનાવવાનું કહું છું પણ યજમાન કાર્યક્રમના ટૅન્શનમાં ભૂલી જાય તો તીખું ખાઈ લઉં છું તો પછી ઘરમાં અનુકૂલન કેમ ન સાધું? ને મેં ખાસ કરીને ભોજનમાં અનુકૂલન સાધવાનો નિર્ણય લીધો. અત્યાર સુધી જે ભાવતું હતું તે ફાવતું નહોતું ને જે ફાવતું હતું તે ભાવતું નહોતું એટલે મારી તબિયતને અનુકૂળ આવે એવી રસોઈ મહારાજ મારા એકલા માટે બનાવતા. પણ લૉકડાઉનને કારણે ઘરકામ અને રસોઈની બેવડી જવાબદારી પુત્રવધૂ પર આવી. પુત્રવધૂએ હૃદયપૂર્વક આ જવાબદારી સ્વીકારી. તેમ છતાં એને રાહત રહે એવી ભાવનાથી લૉકડાઉનના પ્રારંભે જ મેં પુત્રવધૂને કહી દીધું, ‘હવેથી મારે માટે કશું અલગ ન બનાવવું. તું જે બનાવીશ તે હું ખાઈશ.’ આટલાં વર્ષોથી ખાવાની બાબતમાં મારાં જે નખરાં હતાં તેના સઘન અનુભવ પછી મારી ‘તું જે બનાવીશ તે ખાઈશ’ એવી વાત સાંભળી પુત્રવધૂ ઘડીભર તો અવાક્ થઈ ગઈ. મારા શરીરમાં સોડિયમ ઘટી ગયું છે કે શું? – એવી એને શંકા ગઈ. થોડા વરસ પહેલાં મારા શરીરમાં સોડિયમ ઘટી ગયું હતું ત્યારે હું અસંબદ્ધ બોલવા લાગ્યો હતો એ ઘરના બધાને યાદ છે એટલે પુત્રવધૂની શંકા સકારણ જ ગણાય. પણ હું પૂરા સાનભાન સાથે બોલું છું એની એને ખાતરી થઈ એટલે એ ખૂબ રાજી થઈ. પોતાની ખુશી એણે બહેનપણીઓમાં વહેંચી પણ ખરી. મેં આવી સમજદારી દાખવી હોય એવો આ પ્રથમ પ્રસંગ હતો. એટલે ઘરમાં મારી સમજદારીની સર્વાનુમતે પ્રશંસા પણ થઈ. આટલી ઉંમરમાં મારી સમજદારીની સર્વાનુમતે પ્રશંસા થઈ હોય એવી પણ આ પહેલી ઘટના હતી.

ઘરના કામકાજ માટે ઘર ગૃહસ્થી શરૂ થઈ ત્યારથી આજ સુધી મારી છાપ ‘ગુડ ફોર નથિંગ’ની રહી છે. (હું નાનો હતો ત્યારે મારાં બા ઘરના કામકાજના સંદર્ભે મારા માટે ‘માંડી વાળેલ’ એવો ભાષાપ્રયોગ કરતા. ‘માંડી વાળેલ’ એ ‘ગુડ ફોર નથિંગ’નો ગુજરાતી અનુવાદ છે.) ‘ગુડ ફોર નથિંગ’નું બિરૂદ મેં હોંશે હોંશે સ્વીકારી લીધું હતું.  એટલે આ છાપ દૂર કરવાનો મેં ક્યારેય પ્રયત્ન ન કર્યો. પણ, લૉકડાઉન દરમિયાન હું એકદમ સક્રિય થઈ ગયો. સેનિટાઈઝેશનની સવારની જવાબદારી મેં ઉપાડી લીધી છે. દૂધની કોથળીઓ સાબુના પાણીમાં ધોવાની કામગીરી મારે હસ્તક છે. આ જવાબદારી પૂરી નિષ્ઠાથી અદા કરું છું. છાપાને સેનેટાઇઝ કરવાની કદાચ જરૂર નહીં, તો પણ હું છાપાને પણ રોજ સેનેટાઇઝ કરું છું. ક્યારેક હાથ ધોયા વગર સેનેટાઇઝરની બોટલને હાથ લગાડાય જાય છે તો હું સેનેટાઇઝરની બોટલની બહારની સપાટી પણ સેનેટાઇઝ કરું છું. મારી પૌત્રી એની બહેનપણીઓને કહે છે, “દાદા સાબુને બીજા સાબુથી નથી ધોતા એટલું સારું છે, પણ ક્યારેક એમ કરે તો પણ નવાઈ નહીં.” આમ છતાં, મારી કામગીરીને કારણે ઘરના સૌ મારા પર પ્રસન્ન છે. ઘરના સૌ સભ્યો મારા પર પ્રસન્ન હોય એવું આ પૂર્વે કદી બન્યું નહોતું એટલે હું પોતે પણ આ કારણે ખુશ છું.

– રતિલાલ બોરીસાગર

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

Copy Protected by Chetan's WP-Copyprotect.