ઘર, એક બગીચો! – દાદા ભગવાન

એક ભાઈ કહેતા હતા કે, ઘરમાં મારી પત્ની આમ કરે છે ને તેમ કરે છે. ત્યારે એને પૂછ્યું કે તારી પત્નીને પૂછીએ તો એ શું કહે છે ? એ કહે છે કે મારો ધણી અક્કલ વગરનો છે. હવે આમાં તમારો એકલાંનો ન્યાય શું કરવા ખોળો છો? ત્યારે એ ભાઈ કહે કે મારું ઘર તો બગડી ગયું છે. છોકરાં બગડી ગયાં છે, બૈરી બગડી ગઈ છે. તો તેને કહ્યું કે ‘કશું બગડી ગયું નથી.’ તમને એમાં સારું જોતાં આવડતું નથી.

તમારું ઘર તમને જોતાં આવડવું જોઇએ. તમારું ઘર તો બગીચો છે. સતયુગ, દ્વાપર ને ત્રેતાયુગમાં ઘર એટલે ખેતર જેવાં હતાં. કોઈ ખેતરમાં નર્યા ગુલાબ જ. કોઈ ખેતરમાં નર્યા ચંપા, કોઈમાં કેવડો, એમ હતું. અને આ કળિયુગમાં ખેતર રહ્યું નથી, બગીચા થઈ ગયા. એટલે એક ગુલાબ, એક મોગરો, એક ચમેલી ! હવે તમે ઘરમાં વડીલ ગુલાબ હો ને ઘરમાં બધાંને ગુલાબ કરવા ફરો, બીજા ફૂલને કહો કે, મારા જેવું તું નથી કરીને તું તો ધોળું છે. તારું ધોળું કેમ આવ્યું? ગુલાબ જેવું લાલ ફૂલ લાવ. આમ કરીને સામાને માર માર કરો છો! અલ્યા, ફૂલને જોતાં તો શીખો. તમારે તો એટલે સુધી કરવાનું કે, આ શું પ્રકૃતિ છે! કઈ જાતનું ફૂલ છે! ફળફૂલ આવે ત્યાં સુધી છોડને જો જો કરવાનું કે આ કેવો છોડ છે? મને કાંટા છે, આને કાંટા નથી. મારો ગુલાબનો છોડ છે, આનો ગુલાબનો નથી. પછી ફૂલ આવે ત્યારે આપણે જાણવું કે ઓહોહો! આ તો મોગરો છે! એટલે એની સાથે મોગરાના હિસાબે વર્તન રાખવું. ચમેલી હોય તો તેના હિસાબે વર્તન રાખવું. સામાની પ્રકૃતિના હિસાબે વર્તન રાખવું. ‘પહેલાં તો ઘરમાં ડોસા હોય તે તેમના કહ્યા પ્રમાણે ઘરમાં છોકરાં ચાલે, વહુઓ ચાલે. જ્યારે કળિયુગમાં જુદી જુદી પ્રકૃતિ તે કોઈને મેળ ખાય નહીં, માટે આ કાળમાં તો ઘરમાં બધાની પ્રકૃતિના સ્વભાવને એડજસ્ટ થઈને જ કામ લેવું જોઇએ. એ એડજસ્ટ નહીં થાય તો રીલેશન બગડી જશે. માટે બગીચાને સંભાળો અને ગાર્ડનર(માળી) થાવ. વાઈફની જુદી પ્રકૃતિ હોય, છોકરાંની, છોકરીઓની જુદી જુદી પ્રકૃતિ હોય. તે દરેકની પ્રકૃતિનો લાભ ઉઠાવો. આ તો રીલેટીવ સંબંધ છે, વાઈફ પણ રીલેટીવ છે. અરે, આ દેહ જ રીલેટીવ છે ને ! રીલેટીવ એટલે એમની જોડે બગાડો તો એ છૂટાં થઇ જાય !

તમે મિત્રતા કરશો તો સુધરશે. મિત્રતા હશે તે છોકરાં સુધરશે. બાકી ‘ફાધર – મધર’ તરીકે રહો છો, રોફ પાડવા જાવ છો, એ જોખમ છે બધું! મિત્ર તરીકે રહેવું જોઈએ અને બહાર મિત્ર શોધે જ નહીં, એ રીતે રહેવું જોઈએ. આ ફ્રેન્ડ તો એ… પાના રમવા જોઈએ, બધું જ એની જોડે કરવું જોઈએ! તું આવ્યા પછી અમે ચા પીશું, એવું કહેવું જોઈએ. આપણે બધાએ સાથે ચા પીવાની. ‘યોર ફ્રેન્ડ’ હોય એ રીતે વર્તવું જોઈએ તો એ છોકરાં તમારાં રહેશે. નહીં તો છોકરાં તમારાં – કોઈ છોકરું કોઈનું થાય જ નહીં. પહેલાં ફ્રેન્ડ તરીકે તમે નક્કી કરો તો રહી શકાય. જેમ ફ્રેન્ડને રીસ ચડે એવું બોલતા નથી. એ અવળું કરતો હોય તો આપણે ફ્રેન્ડને સમજાવીએ કેટલું? એ માને ત્યાં સુધી. ના માને તો આપણે પછી કહીએ, તારી મરજીની વાત! અને મનમાં ફ્રેન્ડ થવા માટે પહેલું શું કરવું પડે? બાહ્ય વ્યવહારમાં હું એનો ફાધર છું, પણ અંદરખાને મનમાં આપણે માનવું કે હું એનો છોકરો છું. ત્યારે ફ્રેન્ડશીપ થાય, નહીં તો થાય નહીં! ફાધર ફ્રેન્ડ કેવી રીતે થાય? ત્યારે કહે, લેવલ લઈએ ત્યારે. લેવલ કેવી રીતે લેવાય? ત્યારે કહે, એના મનમાં એવું માને કે હું આનો છોકરો થઉં છું, એનું કહે તો કામ થઈ જાય. કેટલાક લોકો કહે છે ને કામ થઈ ય જાય છે!

કોઈને સુધારવાની શક્તિ આ કાળમાં ખલાસ થઇ ગઈ છે. માટે સુધારવાની આશા છોડી દો, કારણ કે મન, વચન, કાયાની એકાત્મવૃત્તિ હોય તો જ સામો સુધરી શકે, મનમાં જેવું હોય, તેવું વાણીમાં નીકળે ને તેવું જ વર્તનમાં હોય તો જ સામો સુધરે. અત્યારે એવું છે નહીં. ઘરમાં દરેકની જોડે કેવું વલણ રાખવું તેની ‘નોર્માલિટી’ લાવી નાખો.

આપણે છોકરાંઓ માટે ભાવ કર્યા કરવા કે છોકરાંની બુદ્ધિ સવળી કરો. એમ કરતાં કરતાં બહુ દહાડા થાય ને, અસર પડ્યા વગર રહેતી નથી. એ તો ધીમે ધીમે સમજશે. તમારે ભાવના કર્યા કરવી. એમની ખેંચ કરશો તો અવળાં ચાલશે. બાકી સંસાર નભાવી લેવા જેવો છે જેમ તેમ કરીને.

— દાદા ભગવાન

રીડગુજરાતીને આ સુંદર લેખ પાઠવવા બદલ દાદા ભગવાન ફાઉન્ડેશનનો ખૂબ આભાર અને તેમના થકી આવા વધુ સુંદર લેખ આપણને મળતા રહેશે એ વાતનો આનંદ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

One thought on “ઘર, એક બગીચો! – દાદા ભગવાન”

Copy Protected by Chetan's WP-Copyprotect.