રાષ્ટ્રીય ચરિત્ર : રાષ્ટ્રના વિકાસનો પાયો – જિજ્ઞેશ અધ્યારૂ

અર્થશાસ્ત્રમાં કૌટિલ્ય છત્રીસમાં અધ્યાય, પ્રકરણ ૫૬ ના પ્રથમ શ્લોકમાં કહે છે,

समाहर्तुवन्नागरिको नगरं चिन्तयेत

અર્થાત જેમ સમાહર્તા સમગ્ર રાષ્ટ્રના હિતનો વિચાર કરે છે તેમ નાગરિકે નગરના પ્રબંધનની ચિંતા કરવી જોઈએ. ચાણક્યના મત મુજબ નાગરિક એટલે નગરના પ્રબંધનકર્તા, આપણે બધાં આપણાં મૂળભૂત હકોને લીધે નગરના પ્રબંધનકર્તાઓ છીએ.

આપણે આપણા વિસ્તારના પ્રતિનિધી પસંદ કરી તેમને આપણા મુદ્દાઓ સાથે નેતા તરીકે મોકલીએ છીએ, અને એમ આપણે નગરથી લઈને, ગામથી લઈને છેક દેશનું નેતૃત્વ પણ નક્કી કરીએ છીએ. પણ આપણી નેતાઓની પસંદગીમાં આટલી ભિન્નતા કેમ છે? એ માપદંડ કયા છે જેના પર આપણે નેતા પસંદ કરીએ છીએ? એ માપદંડોની વિવિધતા જોઈશું તો સમજાશે કે આપણે કેટલા વહેંચાયેલા છીએ, જુદાં જુદાં ચોકઠાં આપણને કઈ રીતે અલગ રાખી રહ્યાં છે એ સમજાશે. અને સમસ્યા શું છે એ સમજાશે તો જ એના ઉકેલ તરફ જોઈ શકીશું.

ભારતના નાગરિક હોવાને લીધે સંવિધાનના ભાગ ૩ ના વિવિધ અનુચ્છેદ મુજબ દરેકને મૂળભૂત અધિકાર આપવામાં આવ્યા છે. સમાનતાનો અધિકાર મૂળભૂત છે, કાયદા માટે બધા સરખાં છે, ધર્મ, વંશ, લિંગ, જાતિ, કે જન્મસ્થાનના આધારે કોઈ પણ ભેદભાવને અવકાશ નથી. વાણી અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય પણ આ મૂળભૂત અધિકારોમાં શરતો સાથે સમાવિષ્ટ છે. નિ:શુલ્ક અને અનિવાર્ય શિક્ષા મેળવવાનો અધિકાર દરેક નાગરિકને મળે છે, શોષણનો વિરોધ કરવાનો, ધાર્મિક સ્વતંત્રતાનો, સંસ્કૃતિ અને શિક્ષા સંબંધી અધિકાર, સંપત્તિ અને ધનોપાર્જનનો અધિકાર છે. અને આ બધા અધિકારો સામે અનુચ્છેદ ૫૧ એ માં સૂચવ્યા મુજબની આંગળીના વેઢે ગણાય એટલી જ ફરજો પણ છે. હક અને ફરજ સિક્કાની બે બાજુઓ છે. ફક્ત હક ન સંભવી શકે કે ફક્ત ફરજ પણ ન સંભવી શકે. સંવિધાનનું પાલન કરવું, તેની સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગાનનો આદર કરવો, સ્વતંત્રતા માટે થયેલા રાષ્ટ્રીય આંદોલનોના ઉચ્ચ આદર્શો હ્રદયમાં રાખવા અને તેમનું અનુસરણ કરવું, ભારતની એકતા, અખંડિતતા અને પ્રભુતાની રક્ષા કરવી, દેશની રક્ષા કરવી અને જરૂર પડે દેશની સેવા કરવી, ધર્મ, ભાષા, પ્રદેશ કે વર્ગના ભેદ વગર ભ્રાતૃભાવથી દેશના લોકો સાથે સમરસ થઈ રહેવું, સ્ત્રી સન્માન કરવું, આપણી સંસ્કૃતિ અને ગૌરવશાળી પરંપરાનું મહત્વ સમજી તેને જાળવવી, પર્યાવરણનું રક્ષણ અને સંવર્ધન કરવું, હિંસાથી દૂર રહી સાર્વજનિક સંપત્તિની જાળવણી કરવી, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ રાખી જ્ઞાનાર્જન કરવું અને વિકાસની ભાવના રાખવી, વ્યક્તિગત અને સામૂહિક વિકાસ દ્વારા દેશને નવી ઉંચાઈઓ સુધી લઈ જવો.

હવે વિચારીએ કે ઢગલો અધિકારોની વચ્ચે જૂજ ફરજો છે, પણ આપણે અધિકારો કેટલા ભોગવીએ છીએ અને ફરજો કેટલી નિભાવીએ છીએ! આ સરખામણી જ આપણને આપણું સ્થાન સ્પષ્ટતાપૂર્વક બતાવી આપશે. જો વ્યક્તિ પોતાના ધર્મને પૂર્ણપણે તેના સાચા અર્થમાં સમજીને અક્ષરશ: અનુસરતો હોત તો વિશ્વમાં ક્યાંય કોઈ તકલીફ ન હોત, કોઈ યુદ્ધ ન હોત, કોઈ ભેદભાવ ન હોત, કોઈ સંઘર્ષ ન હોત. પણ જેમ આપણે પૂર્ણપણે આપણાં પોતાના ધર્મને સમજી શક્યા નથી, એમ જ આપણે સંવિધાને આપેલી આપણી મૂળભૂત ફરજોને પણ સમજી શક્યા નથી. આપણે હક્ક તો પૂર્ણપણે જોઈએ છે, જેટલાં છે એથી વધુ જોઈએ છે, પણ ફરજો નિભાવવામાં ક્યાંક વર્ષોથી ઉણાં ઉતરતાં આવ્યા છીએ. એક નાગરિક તરીકે આ ફરજો નિભાવવામાં કયા વ્યવધાનો છે? કઈ એવી વસ્તુઓ છે જે આપણને એ બધી ફરજોના પાલન માટે પ્રેરણા આપવાને બદલે છટકબારી બતાવે છે? કારણ કે જો આપણે બધાં આપણી ફરજો પૂર્ણપણે નિભાવતા હોત તો દેશમાં ક્યાંય કોઈ સંઘર્ષો ન હોત, રાજકીય દળો અને શાસનકર્તાઓ વચ્ચે દેશના વિકાસ બાબતે ચર્ચાઓ થતી હોત. આટલાં બધા વર્ષોની સ્વતંત્રતા પછી આજે પણ આપણે મૂળભૂત હક્કો માટે તરસવું ન પડતું હોત.

આટલા બધા વર્ષોની સ્વતંત્રતા પછી હજુ આપણે વિકસિત રાષ્ટ્ર નથી, વિકાસશીલ છીએ અને હજુ પણ ગરીબી દૂર કરવી કે બધા માટે શિક્ષણની વ્યવસ્થા કરી શકવી એ સ્વપ્ન જ છે એમ કહીએ ત્યારે કોઈ એક રાજકીય દળ તરફ આંગળીચીંધણ નથી. આ વાત તો સંપૂર્ણપણે નાગરિકલક્ષી જ છે. દેશના વહીવટ માટે સંપૂર્ણપણે જવાબદાર નાગરિક જ ગણવા જોઈએ કારણ કે દેશની શાસનધુરા સંભાળવા એ મત આપે છે. સૌથી શક્તિશાળી શસ્ત્ર દેશના નાગરિક પાસે જ છે. એનો મત જ વહીવટકર્તાઓ નક્કી કરે છે, પછી ભલે એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે હોય કે રાષ્ટ્રીય સ્તરે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓથી લઈને વડાપ્રધાન પદ સુધી દરેક પદ પર આરુઢ વ્યક્તિ કોઈક ને કોઈક રીતે તો બહુમતી નાગરિકોની પસંદને લીધે જ એ પદ પર છે એમ માનવું જોઈએ. એટલે જો ક્યાંક કંઈક ખોટું થયું છે એમ આપણને લાગતું હોય તો દેશના દરેક નાગરિકથી લઈને દેશનું રાષ્ટ્રીય ચરિત્ર એ માટે ધ્યાનમાં લેવાવું જોઈએ.

એક સાવ સામાન્ય વાતથી જો ચર્ચા કરીએ તો બંધારણ મુજબ ધર્મ, ભાષા, પ્રદેશ કે વર્ગના ભેદ વગર સમરસ થઈને દેશના અન્ય રાજ્યો સાથે રહેવું જોઈએ. પણ શું ખરેખર એમ થાય છે ખરું? મત આપતી વખતે આજે પણ શું આપણી પાસે ધર્મ મુજબ, ભાષાના આધારે, જાતિના કાટલાં લઈને કે પ્રદેશના ભેદથી મત માંગવા આવતા લોકો નથી? શું દેશનો ઘણોખરો ભાગ આવા ભેદથી મુક્ત છે ખરો? શું મતદાન વખતે લોકો પોતાનો ટૂંકાગાળાનો લાભ ભૂલી રાષ્ટ્રીય હિતમાં નિર્ણય લઈ શકે છે ખરાં? ઊલટું મને તો એમ દેખાય છે કે આજે ધર્મના નામે, ભાષાને નામે, પ્રદેશને નામે અને જાતિગત ભેદ વધ્યાં છે. આજે વિશ્વ નાનું થયું છે, સંપર્કના સાધનો વિસ્તૃત થયા છે. સંચારની ક્રાંતિને લીધે આજે માહિતી આપણી આંગળીના ટેરવે રમે છે તે છતાં શું ભેદ ઓછા થયાં છે ખરાં? ઊલટું આપણે વધુ કૂપમંડુક થતા જઈએ છીએ. વિભાજનકારી તત્વો સફળ થઈ શકે એનું એક બહુ મોટું કારણ માનસિકતા પણ છે જ! અને આવા નાના કુંડાળાઓને લીધે થતું વિભાજન આપણું રાષ્ટ્રીય ચરિત્ર છે એ સ્વીકારવામાં આપણને છોછ ન હોવો જોઈએ. મહારાષ્ટ્રમાં મતદાન વખતે શું ગુજરાતીઓના મત અલગ કરવાનો પ્રયત્ન નથી થતો? કે ઉત્તરપ્રદેશ અથવા બિહારના લોકો સામે ત્યાં ભેદભાવ નથી થતો? ગુજરાતમાં ચૂંટણીઓ વખતે જાતિગત સમીકરણો મોટો ભાગ નથી ભજવતાં? શું સર્વાંગી વિકાસ આપણો મુખ્ય મુદ્દો ક્યારેય બન્યો છે ખરો? જેમને વિકાસ કરવો છે તેમણે પણ આ ભેદભાવનો જ આશરો લેવો પડતો નથી? દરેક પાર્ટીમાં ઘણાં આશાસ્પદ નેતાઓ છે, જે ધારે તો આવા ભેદ દૂર કરવા તરફ પગલાં ભરી શકે, પણ એમ કરીને એ પોતાની તૈયાર મતબેંક છોડવા માંગતા નથી.

પ્રશ્ન એ છે કે આપણો દેશ દુનિયાના વિકસિત દેશોની સરખામણીએ અનેક બાબતોમાં પાછળ છે, સરકારી સેવાઓ, શિક્ષણ અને આરોગ્ય સેવાઓની ગુણવત્તા, પ્રજાનું સામાન્ય વર્તન અને રાજકીય વિશ્વસનીયતા વગેરે અનેક બાબતો છે. આપણી લોકશાહીના મુખ્ય ઘટક એવા સરકાર, વહીવટીતંત્ર, નાગરિકો અને મીડિયા – આ ચારમાંથી દેશની અત્યારની સ્થિતિ માટે કોણ જવાબદાર છે? મારો જવાબ છે આ બધાં જ વૃક્ષોનું મૂળ છે – નાગરિકો.

જો આપણે એમ માનીએ કે ચૂંટાયેલી સરકારો અને રાજકીય પક્ષો દેશની સ્થિતિ સુધારવામાં નિષ્ફળ ગયા છે તો એમને સતત અને આટલા દાયકાઓ સુધી અવસર કોણે આપ્યો? શું કામ રાષ્ટ્રીય ચરિત્ર કોઈ એક બાબત પર સંમત ન થયું? જો બધા વિકાસ જ ઇચ્છતા હતાં તો રાજકીય પક્ષોના ઘોષણાપત્રો આજે પણ કેમ વિભાજનકારી બાબતો લઈને જ બહાર પડે છે? કોઈ એક સરકારના કાર્યકાળના પૂર્ણ થયે એના બનવા વખતના ઘોષણાપત્રની અને એણે પૂર્ણ કરેલ વચનોની કે અપૂર્ણ છોડી દીધેલી બાબતોની કેમ ક્યાંય ચર્ચા નથી થતી?

રાજકીય દળોનું કામ છે જીતવું, શાસનમાં રહેવું અને એ માટે બધા જ પ્રકારના પ્રયત્નો એ કરે છે. એમાં ઘણાં વિભાજનકારી હોય છે, ઘણાં ટૂકા ગાળાની લાલચ આપતાં અને ઘણાં મોટા વચનો જે દાયકાઓ સુધી ચાલ્યા જ કરે પણ કદી પૂર્ણ થાય નહીં. આપણે સ્વતંત્રતાથી આજ સુધી કયા નેતાને પૂછ્યું કે તમે ગત ચૂંટણી વખતે જે બાબતો કહી હતી એ પૂર્ણ કેમ ન કરી? એક કારણ ડર છે, વગદાર વ્યક્તિઓથી આપણે ડરીએ છીએ, અને એ ડરનું કારણ છે આપણી સામૂહિક રીતે વાત મૂકવાની અસમર્થતા. આપણે દરેક લડાઈ એકલા જ લડીએ છીએ, અને પ્રજા તરીકે આ આપણી સૌથી મોટી નિષ્ફળતા છે.

ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પ્રજાએ સામૂહિક અવાજ ઉઠાવ્યો છે ત્યારે શાસનકર્તાઓએ, સંસ્થાઓએ અને નેતાઓએ ઝૂકવું પડ્યું છે. આપણું બંધારણ તો બહુ લવચિક છે, એ જડ નથી. એને બનાવનારાઓએ તો ભવિષ્યને ધ્યાનમાં રાખીને સુધારણાઓ કરી શકવા માટેની પણ પૂરી વ્યવસ્થા આપી છે. એ એમની દૂરદર્શિતા હતી, પણ આપણે એ બંધારણનો સામૂહિક ઉપયોગ કરી શકવામાં નિષ્ફળ ગયા છીએ. ફરજો ભોગવવામાં તો નિષ્ફળ છીએ જ, હક મેળવવામાં પણ નિષ્ફળ છીએ અને એ આપણું રાષ્ટ્રીય ચરિત્ર છે, એટલે જ્યારે આપણે એમ કહીએ કે વહીવટીતંત્ર તેની ફરજ બજાવવામાં નિષ્ફળ ગયું છે ત્યારે હકીકતે એના મૂળમાં શું આપણી નિષ્ફળતા નથી? પ્રજાએ માત્ર અપેક્ષાઓ રાખીને બેસી રહેવું જોઈએ?

અને મીડિયાની વાત અલગથી કેમ કરવી? દેશના ઉદ્યોગપતિઓ હોય, શાસનકર્તાઓ હોય કે વગદાર વ્યક્તિઓ હોય, એ બધાં એકબીજા સાથે જોડાયેલા નથી? સેલિબ્રિટી અને વગદાર વ્યક્તિઓને શાસનકર્તા બનવું છે, અને શાસનકર્તાઓને એ લોકોનો ખપ પોતાના હેતુ માટે લોકો સુધી પહોંચવા પૂરતો છે, એ બંને એકબીજા માટે પરોપજીવી છે, પણ એ બંને જીવે છે પ્રજાના વિકાસને ભોગે. મીડિયા પણ આ જ માયાજાળનો હિસ્સો છે. પ્રસ્થાપિત વગદાર શાસનકર્તાઓનો વિરોધ મીડિયા શું કામ કરે? કારણ કે આખરે મીડિયા પણ તેમના પર જ નિર્ભર છે. એટલે જો પ્રજા કોઈ ચળવળ ઉપાડીને પોતાના હક માટે લડતી હોય તો મીડિયાએ તેને ફરજીયાત ધ્યાને લેવી પડે, એમાં ભલે બે પક્ષો હોય, મીડિયાનો એક પક્ષ એની તરફેણમાં હોય અને બીજો વિરિધમાં હોય તે છતાં એવી ચળવળ દેશના ચરિત્રને ગૌરવાન્વિત કરે છે કારણ કે એ બતાવે છે કે પ્રજાના એક ભાગમાં પોતાના હક માટે અવાજ ઉપાડવાનું કૌવત છે, એટલે ક્યારેક ખોટા હેતુઓ માટે થતી ચળવળ પણ ચર્ચાનો મુદ્દો બની જાય છે પરંતુ એ જ પ્રેરણા બનશે જેનાથી ક્યારેક સાચા હેતુઓ માટે, સમગ્ર દેશના લોકોને એક હેતુથી, એક તાંતણે જોડવા માટે ક્યાંક કોઈક લડત ઉપડશે.

એક નાગરિક તરીકે આપણું નસીબ એ રીતે પણ ખરાબ છે કે આપણે શાસનકર્તાઓની બાબતમાં શ્રેષ્ઠ પસંદ કરતી વખતે ખરાબમાંથી ઓછા ખરાબ વ્યક્તિને પસંદ કરવાનો જ વિકલ્પ મળ્યો છે. રાજકારણને ગંદકીનું ક્ષેત્ર સમજીને દેશના યુવાનો, બુદ્ધિજીવીઓ અને ખરેખર નેતૃત્વક્ષમતા ધરાવતા આદર્શ નેતા બની શકે એવા લોકો રાજકારણથી દૂર જ રહે છે.

દેશના સમગ્રતયા ચરિત્રને જ બદલવાની, સુધરવાની જરૂર છે અને એ માટે પણ કોઈ એક નેતા જોઈશે જ, એક નહીં પણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓથી લઈને છેક ટોચ સુધી એવા નેતાઓ જે દેશની મૂળભૂત સમસ્યાઓના ઉકેલની, તત્કાલીન જરૂરતોની સ્પષ્ટ તારવણી કરી શકે, અને એ વિશે લોકોને સ્પષ્ટપણે કહી શકે, એ દિશામાં પ્રમાણિક કામ કરી શકે અને એમ સામૂહિક જીવનસ્તર ઉંચું લાવી શકે. નીચેના સ્તરે એવા લોકોએ ચૂંટણીઓમાં ઝંપલાવવું જોઈએ જેમને ખરેખર નેતાગીરી દ્વારા લોકોના જીવનધોરણને ઉંચું લાવવાની હોંશ છે, ફક્ત કમાવાની અને પોતાના બંગલા બાંધવાની નહીં. પ્રજાએ પોતાની દ્રષ્ટિ આવા અસરકારક નેતાઓ પસંદ કરવા વધુ કેળવવી પડશે. હવે એવા નેતા પસંદ કરવાની જરૂર છે જે ભાષાના, જાતિના, વિસ્તારના, વંશવાદના કે ધર્મના ભેદ વગર ફક્ત રાષ્ટ્રહિતમાં વિચાર કરી શકે અને એ દિશામાં કામ કરી શકે. અને જેમના પર વિશ્વાસ મૂકી શાસનધુરા સોંપી એવા લોકો ધાર્યા મુજબ પરિણામ ન આપી શકે તો તેમનું મૂલ્યાંકન પણ થવું જોઈએ. એ પણ પ્રજાના પ્રશ્નોના જવાબ આપવા બંધાયેલા હોવા જોઇએ. એમની સંપત્તિની પણ સમીક્ષા થવી જોઈએ, એમના કાર્યનું પણ મૂલ્યાંકન થયે એ ઉપયોગી ન જણાય તો તેમને પણ બદલી શકાવા જોઈએ.

દરેક ક્ષેત્રની જેમ રાજકારણમાં પણ એક નિશ્ચિત ઉંમર હોવી જોઈએ જે પછી નેતાઓ નિવૃત્ત થઈ જાય. તો જ યુવાનોને પણ સ્થાન મળી શક્શે, અને કદાચ એ જ રીતે વંશવાદ પણ નિર્મૂળ થઈ શક્શે. અને આ બધું કર્ય પછી પણ આખરે તો પસંદ કરેલ નેતા માણસ જ છે. એનામાં પણ માનવીય નિર્બળતાઓ હશે, એ પણ હતાશ થશે, નિષ્ફળ થશે, ક્યારેક ખોટું કરી બેસશે, એ સમયે તેની સાથે રહી તેને સાચા રસ્તે લઈ જવો, એને એનો મૂળ હેતુ યાદ કરાવવો અને એ પ્રાપ્ત કરવા તેને પૂર્ણપણે સાથ આપવો એ પણ પ્રજાનું જ કર્તવ્ય છે. આપણે ત્યાં દરેક રાષ્ટ્રીય પક્ષના ચૂંટણી ઢંઢેરાઓની ભિન્નતા જોઈએ ત્યારે જ ખબર પડે કે આપણે તો આપણા પોતાના હેતુઓમાં પણ કેટલા વહેંચાયેલા છીએ. પહેલાં તો આપણે એ નક્કી કરવાનું છે કે પ્રજા તરીકે આપણે શું જોઈએ છે, કયા સ્તરે જવું છે અને કઈ બાબતો આપણા વિકાસને રૂંધી રહી છે. અને પછી એ ધ્યેયને ઓળખીને એને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે એવા નેતા શોધી તેને સત્તાસ્થાને પહોંચાડવો એ આપણું ધ્યેય હોવું જોઈએ.

આપણે ત્યાં એક ખૂબ સરસ વાર્તા છે એ કઠિયારાની જે મરણ પથારીએ પોતાના છોકરાંઓને બોલાવી એક ભારો તોડવા આપે છે. વાત સાંકેતિક છે પણ એક પ્રજા તરીકે આપણે પણ આવો જ એક ભારો બનવાની જરૂર છે, અત્યારે આપણે છુટ્ટાં છીએ, અનેકવિધ બાબતોથી વહેંચાયેલા છીએ. જો આપણને લાગતું હોય કે નેતાઓ, ઉદ્યોગપતિઓ, મીડિયા, સેલેબ્રિટીઓ કે અન્ય વગદાર વ્યક્તિઓ નાગરિક તરીકે આપણો ફાયદો ઉઠાવે છે, તો આપણે છુટ્ટી લાકડીઓ મટી એક ભારો બનવાની જરૂર છે. સંગઠિત થવાની એ આવડત જ્યાં સુધી આપણામાં નહીં આવે ત્યાં સુધી આપણે ભોગવતા રહેવાનાં છીએ. એક એકલો નિષ્ઠાવાન, પ્રામાણિક અને કર્મશીલ નેતા શુદ્ધ હેતુ હોવા છતાં રાષ્ટ્ર માટે ત્યાં સુધી કંઈ નહીં કરી શકે જ્યાં સુધી પ્રજા વિવિધ ભેદભાવ અને ચોકઠાં છોડીને એક સામાન્ય હેતુ માટે એકત્રિત ન થાય. જાતજાતના ચોકઠાંઓમાં રહેવું એ આપણું રાષ્ટ્રીય ચરિત્ર છે જેને આપણે સૌએ સ્વીકારવું જ રહ્યું. એને શક્ય એટલી વહેલી તકે ત્યાગીને સમગ્રતયા વિચારીશું તો જ રાષ્ટ્રની પ્રગતિમાં પાયાનો ભાગ ભજવી શકીશું. આવડા મોટા દેશમાં અનેક વિવિધતાઓ છે, ભાષાની, ધર્મની, જાતિની, ભૌગોલિક વિવિધતાઓની પણ એ આપણી નબળાઈ નથી, એને જ આપણી તાકાત બનાવી આપણે સૌ એકત્રિત થઈ એક સૂરમાં રાષ્ટ્રહિતની વાત કરી શકીએ તો અને તો જ આ રાષ્ટ્રને પ્રગતિના પંથે લઈ જઈ શકીએ એમ મારું માનવું છે.

– જિજ્ઞેશ અધ્યારૂ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

Copy Protected by Chetan's WP-Copyprotect.