ઇડરિયો ગઢ અને પોળોનું જંગલ : ગુજરાતની છુપાયેલી શિલ્પ સમૃદ્ધિ – મીરા જોશી

સાબરકાંઠા જીલ્લામાં આવેલા ઇડરીયો ગઢ અને તેનાથી આગળ વિજયનગર તાલુકાના આભાપુર ગામની પવિત્ર હિરણ્ય નદીના કાંઠાથી આઠ કિમી સુધીના વિસ્તારમાં ફેલાયેલા ગાઢ જંગલ અને પ્રાચીન મંદિરોના ખંડેરની ભૂમિ એટલે પોળોનું જંગલ છેલ્લા ઘણા સમયથી ખુબ ચર્ચિત બન્યું છે.

જાન્યુઆરી ૨૦૨૦ની કાતિલ ઠંડીમાં અમે પાંચ મિત્રો સુરતથી પોળોના જંગલમાં જવા માટે શનિવારની રાત્રે નીકળી ગયાં હતાં. અંધારિયા હાઇવેને ચીરતાં, રસ્તામાં એક વાર ચા પાણી માટે રોકાયા અને પછી સીધા ઇડર શહેર પહોંચ્યા ત્યારે હજુ શહેર અંધારામાં પોઢેલું હતું. આંગળી પણ બહાર ન કાઢી શકાય એવી કાતિલ ઠંડીમાં અમારી જેવા યંગસ્ટર્સ અને બાળકો ઇડરનો ડુંગર ચડવા આટલી વહેલી સવારે પહોંચી ગયાં હતાં! અમદાવાદ વડોદરાથી અનેક ટુર કંપનીઓ ઇડરગઢ-પોળો ફોરેસ્ટનો એકથી બે દિવસીય પ્રવાસ ગોઠવે છે. એમની બસ સાથે અમારી ગાડી પણ પાર્ક કરી સૂર્યોદય પહેલા ટોચ પર પહોંચવા અંધારામાં જ ઇડરિયો ગઢ સર કરવા ટ્રેક શરૂ કર્યું.

દાદર માર્ગે ઉપર પહોંચતા ગયાં તેમ તેમ અંધારાની રોનકમાં ઊંચાઈથી નીચે દેખાતા લાઇટોથી પ્રકાશિત ઇડર શહેરનો નજારો અવિસ્મરણીય લાગતો હતો. ઇડરના સૌથી ઊંચાઇવાળા ડુંગર પર મહારાજા દોલતસિંઘજીએ દોલત મહેલ બનાવ્યો હતો. ઉપર ચઢતા ચઢતા દોલત મહેલ જોવા રોકાયા પરંતુ ગાઢ અંધારાને લીધે પરત ફરતી વખતે પ્રાચીન સ્થાપકો જોવાનું નક્કી કર્યું. ધીમે ધીમે દાદરવાળો રસ્તો પૂરો થયો અને ચડવાના આવ્યા મોટા મોટા પથ્થરો! આજે અમારા શરીરની બરાબર કસોટી થઈ રહી હતી. શિયાળાની સવાર જેણે હંમેશા મીઠી નિંદરને નામે કરી છે એ સરખે-સરખા પાંચેય મિત્રોને આજે કાતિલ ઠંડીમાં કમને કસરત કરવી પડી રહી હતી!

ગ્રેનાઇટના લપસણા પથ્થરોમાં ચઢવાનો સંઘર્ષ કરતાં કરતાં આખરે ટોચ પર પહોંચ્યા, ત્યારે મોં સુંઝણું અજવાળું થઈ રહ્યું હતું. ટોચ પર પહોંચી ચારેય દિશાનો અદ્ભુત નજારો જોયો, નીચે આળસ મરડી જાગી રહેલું ઇડર શહેર તો ઉપર ઝાકળમાંથી ઉગું ઉગું થઈ રહેલો સૂરજ! સૂર્યોદય થવાની તૈયારી હતી, અમે ફટાફટ કેમેરા તૈયાર કર્યા અને ઊગતા સૂરજની લાલ-કેશરી આભાને કેમેરામાં મઢી આંખોથી હ્રદયમાં સમાવી લીધી. કેટલા વર્ષો બાદ કોઈક ડુંગરની ટેકરી પરથી સૂર્યોદય જોવાની ઘટના સાકર થઈ હતી! સૂર્યોદય અને સૂર્યાસ્ત, રોજીંદી બનતી સાવ સહજ ઘટના ને તોય એ કેટલી ખાસ બની જાય જ્યારે પહાડની ટોચ પરથી, દરિયાની ક્ષિતિજ પરથી કે અફાટ રણભૂમિ પરથી નિહાળીએ! હળું હળું વહેતી ઠંડી હવા છાતીમાં ભરતા સુરજના કિરણો પૂરેપૂરા ખીલીને ગઢ પર છવાઈ ગયા ત્યાં સુધી આ આહ્લાદક વાતાવરણ માણ્યું. થાક તો સૂર્યોદય નિહાળીને જ ઓગળી ગયો હતો પણ ભૂખ કકડીને લાગી હતી, આથી ટોચ પરના એક પત્થર પર બેઠા અને ઘરેથી લાવેલો થેપલા, ઢેબરા અને સેવમમરાનો નાસ્તો આરોગ્યો.

નાસ્તો કર્યા બાદ પરત નીચે તરફ ટ્રેકિંગ શરૂ કર્યું અને દોલત મહેલ જોવા રોકાયા. આમ તો મહેલ જેવી કોઈ રોનક આ જગ્યામાં નથી રહી, પણ પ્રાચીન સ્થાપત્ય તરીકે હજુ પણ દોલત મહેલ ઓળખાય છે. અમુક અણસમજુ પ્રવાસીઓએ અહીંની દીવાલો પર નામો ને ચિત્રોની કોતરમણી કરી સ્થાપત્યને બગાડી નાખ્યું છે. સાચવણી ન થવાના લીધે ઠેર ઠેર કચરો પણ ફેલાયો હતો. દોલત મહેલમાં અનેક ઝરૂખાઓ અને પ્રવેશદ્વાર હતાં એવું જણાયું. દોલત મહેલ ઉપરાંત ઇડર ગઢ પર રૂઠી રાણી મહેલ અને બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મના પ્રાચીન મંદિરો પણ આવેલા છે. હિન્દુ મંદિરોમાં ઝરણેશ્વર મહાદેવ મંદિર, મહાકાળી મા મંદિર અને પંચમુખી હનુમાન જેવા પ્રાચીન મંદિરો સ્થિત છે. નીચે ઉતર્યા અને છેલ્લી વાર અજવાળામાં ઇડરિયા ગઢને સલામી ભરી પોળો ફોરેસ્ટ જવા નીકળ્યા.

‘પોળો’ નામ કઈ રીતે પડ્યું, એ વિષે કોઈ ચોક્કસ જવાબ નથી, પરંતુ સંસ્કૃત શબ્દ ‘પોળો’નો અર્થ થાય – પ્રવેશદ્વાર. ગુજરાત અને રાજસ્થાન રાજ્યની હદમાં વસેલું હોય તેમજ બન્ને રાજ્યોથી અહીં પ્રવેશદ્વાર થઈ શકતો હોય આ નગરીને પોળો નામ આપવામાં આવ્યું હોઈ શકે. અમે NH 76-A  ના માર્ગે ૪૦ કિમી અંતર કાપી પોળો નગરીમાં પ્રવેશ્યા. અરવલ્લીની પર્વતમાળાઓ વચ્ચે બાજુમાં વહેતા જળપ્રવાહના સાનિધ્યમાં પહેલું પ્રાચીન શિવશક્તિ મંદિર નિહાળ્યું. શિવશક્તિ મંદિરમાં ઇન્દ્ર-ઇન્દ્રાણી, શિવ-પાર્વતી તેમજ બ્રહ્મા-બ્રહ્માણીના શિલ્પો કંડારાયેલા છે. આ મંદિરમાં સૂર્યદેવ અને બન્ને બાજુ અશ્વારૂઢ અસ્વારોની આસપાસ સૂર્યાણીની સુંદર પ્રતિમા પણ જોવા મળે છે, તો દ્વારશાખના ભદ્રાદી ભાગે સૂર્યના શિલ્પો વિશેષ રીતે પ્રયોજાયેલા જોવા મળે છે. આથી આ મંદિરને સૂર્ય મંદિર પણ કહેવામાં આવે છે.  ઉપરાંત શિવ-શક્તિ મંદિરમાં દર્પણકન્યા અને અપ્સરાના શિલ્પો પણ ધ્યાન ખેંચે છે. મંદિરના ખંડેર થયેલા શિલ્પો, ઘુમ્મટનું બાંધકામ અનુપમ છે.

રસ્તાની ડાબી તરફ પત્થરોમાંથી બનાવેલી છત્રીઓનું કોતરકામ નજરે ચઢે છે. શ્રદ્ધાળુઓ તેને ‘સતીમાતાના સ્થાનકો’ તરીકે ઓળખાવે છે. અમે આગળ વધ્યા અને પોળો ફોરેસ્ટ નામના ઇકોપાર્કમાં ગયાં, ત્યાંથી જાણવા મળ્યું કે ટ્રેકિંગ કરવા માટે ગાઈડ મળી શકે છે તેમજ રાત્રીવાસની પેઈડ સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે. અમે ગાઈડ નોંધાવી પોળો ટ્રેકિંગ કરવાનું નક્કી કર્યું. પોળોના જંગલમાં અનેક સ્થાપત્યો અને જંગલની વચ્ચે ઝરણા-નદી આવેલ હોવાથી ગાઈડ લઈને ફરવું ઉચિત છે જેથી પોળોનું સૌંદર્ય જોવા માણવાનું ચુકાય નહીં. જંગલમાં ત્રણ ટેકરી પર ટ્રેકિંગ કરી શકાય છે- મેંગો હિલ, ભીમ હિલ અને ચરક્લો હિલ. ગાઈડે અમને પૂછતાં અમે ભીમ હિલ પર ટ્રેકિંગ કરવાનું નક્કી કર્યું. કહેવાય છે કે પોળોના જંગલમાં વાંદરા અને સરીસૃપ પ્રાણીઓ સહીત રીંછ, દીપડા જેવા રાની પશુઓ પણ જોવા મળે છે. ઉપરાંત વિવિધ ઉપયોગી વનસ્પતિઓ અને બસ્સોથી વધુ પ્રકારના પક્ષીઓની પ્રજાતિઓ પોળોના જંગલમાં વસવાટ કરે છે.

લગભગ એકાદ કલાક ભીમ હિલ પરથી ખેડાણ કરી સામેની તરફ ઉતર્યા જ્યાં અમે પ્રાચીન શિવ અને જૈન જિનાલયોની ભૂમિમાં પ્રવેશ કર્યો. અહીં પહોંચાડી ગાઈડે વિદાય લીધી અને અમે આ પ્રાચીન મંદિરોના પ્રદેશમાં અમારી વિસ્મયભરી દ્રષ્ટિઓ ફેલાવી દીધી. પ્રાચીન શિવ-શક્તિ મંદિર, વિરેશ્વર મહાદેવ મંદિર, શરણેશ્વર મંદિર અને લાખાના ડેરાઓ પોળોના ખંડેર સ્થાપત્યનું આકર્ષણ છે.

પંદરમી સદીના પ્રાચીન શિવ મંદિરો અને જૈન જિનાલયોનો મોટો સમૂહ પોળોના જંગલમાં જોવા મળે છે, એવું કહી શકાય કે એક સમયે અહીં મોટી સંખ્યામાં હિંદુ અને જૈન સંપ્રદાયના અનુયાયીઓ વસતા હશે. પુરાતત્વવિદોના મતે આ મંદિરો ૧૫મી સદીમાં નિર્માણ પામ્યા છે. આભાપુર તરીકે ઓળખાતું આ ગામ આજથી છ સૈકા અગાઉ વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતું. કાળક્રમે આ નગરી ખંડેરમાં ફેરવાઈ ગઈ. પરંતુ આજે પણ આ ખંડેર અને ભગ્નાવશેષોમાં ગુજરાતની સ્થાપત્યકળા અને સમૃદ્ધીનો અચરજ પમાડે એવો સુંદર વારસો જોવા મળે છે. આભાપુર ગામમાં પ્રવેશતા જ જમણી તરફ આવેલ શરણેશ્વરનું મંદિરના પ્રાંગણમાં ચાર સ્તંભવાળો નંદી અત્યંત શોભાયમાન થાય છે. નંદીમંડપની સામે વિશાળ શરણેશ્વર શિવાલય ખંડિત અવસ્થામાં ઉભેલું છે. વિવિધ આકૃતિઓ અને શિલ્પોથી મઢેલા શરણેશ્વર મંદિરની ખંડિત અવસ્થા મનમાં અનેક પ્રશ્નો ઉપજાવે છે.

શિવમંદિરો સિવાય પોળોમાં જૈનમંદિરો પણ સ્થાપિત છે. શૈવ સંપ્રદાય અને જૈન સંપ્રદાયનો મોટો વર્ગ એકસાથે ક્યાંક વસ્યો હોય એવું ભાગ્યે જ કોઈ સ્થળે જોવા મળે. આંતરસુબા ગામ પાસે જૈનમંદિરોનો સમૂહ છે, જે લાખાના ડેરા જિનાલય કહેવાય છે. મોટા પગથીયાઓની હારમાળાથી બનાવેલા પ્રવેશદ્વાર, બારશાખના લલાટ બિંબ, કોતરણી કરેલા ઊંચા સ્તંભ તેમજ દીવાલની જાળીમાં કરેલું કોતરકામ આ મંદિરને આકર્ષક બનાવે છે. દરેક જૈનમંદિરોનું શિલ્પકામ સુંદર, સચોટ અને આકર્ષક હતું. આ પ્રાચીન મંદિરોના મનોહર શિલ્પકામ જોતા જણાઈ આવે કે કેટલો અદ્ભુત ઇતિહાસ અને વારસો હતો ગુજરાત પાસે! લાખના ડેરાના મંદિરમાં મધ્યમાં ભોંયતળીએ જવાનો એક માર્ગ નજરે ચઢ્યો, આક્રમણ સમયે અહીંથી બહાર જવાના માર્ગ તરીકે કદાચ આ વ્યવસ્થા કરી હોઇ શકે. મંદિરની અંદર દીવાલની જાળીવાળી બારીઓ અને મૂર્તિઓના અવશેષો ખંડેર અવસ્થામાં હતા, પરંતુ મંદિરનું શિખર અખંડ જળવાયેલું હતું.

વિશાળ જૈનમંદિરોની સુંદરતા ભલે આજે અખંડ ન રહી હોય પરંતુ આજે પણ આ શિલ્પકામ ગુજરાતના ઉત્તમ સ્થાપત્યમાં સ્થાન પામી શકે છે. ૧૪ કે ૧૫મી સદીમાં વસેલી અદ્ભુત સ્થાપત્યની મંદિર નગરી પોતાના સમયમાં કળા- કૌશલ્ય અને સંસ્કૃતિનો અદ્ભુત વારસો સાચવીને બેઠી હશે. સરકાર દ્વારા આ સ્થાપત્યોની જાણકારી આપતા બોર્ડ દરેક મંદિરોના પ્રવેશ ઉપર મુકવામાં આવ્યા છે. ફોટોગ્રાફરો માટે નેચર અને પ્રી-વેડિંગ ફોટોગ્રાફીનું નવું નજરાણું બનેલું પોળોનું જંગલ દરેક વર્ગના લોકોને આકર્ષે છે. ચોમાસા દરમિયાન અહીંની લીલીછમ ખીલી ઉઠતી પ્રકૃતિનો મનોહર નજારો અમદાવાદવાસીઓને આસાનીથી સુલભ છે. 

અમે બે કલાક સુધી આ સ્થાપત્યોમાં ફર્યા, ફોટોગ્રાફી કરી અને બહાર આવ્યા. મંદિરોની ભૂમિથી આગળ વધ્યા ત્યાં હરણવ નદી મળી. સુંદર સ્વચ્છ પાણી પાસે થાક ખાતા બેઠા. અહીં ઘોડે સવારીવાળા તેમજ નાસ્તાવાળા ફેરિયાઓ મળ્યા. હજુ એક મંદિર જોવાનું બાકી હતું અને ચાર વાગી ચૂક્યા હતા આથી આગળ વધ્યા.

પોળોના રસ્તે વિજયનગર જવાના વળાંકે પહેલું મંદિર વિરેશ્વર મહાદેવનું આવે છે. આ મંદિર પાછળ માતા પાર્વતીના પિતા દક્ષ અને ભગવાન શિવની પૌરાણિક કથા જોડાયેલી છે. પ્રાચીન સત્ય કથાના પરિણામે આજે પણ એક ડુંગરમાંથી કુદરતી બારેમાસ પાણીની સરવાણી ફૂટે છે, જે ગુપ્તગંગા તરીકે ઓળખાય છે. મંદિરના પરિસરમાં નરસિંહ અવતારનું મંદિર છે. અહીં રહેવા તથા જમવા માટે અન્નક્ષેત્રની સુવિધા હોઈ વિકેન્ડમાં પ્રવાસીઓની ખાસ અવરજવર જોવા મળે છે. વિરેશ્વર મંદિર નિહાળી વણજ ડેમ જવા ગાડી હંકારી. હરણવ ડેમ તરીકે પણ ઓળખતો વણજ ડેમ હરણવ નદીના પાણીને સાચવવા બાંધવામાં આવેલ. થોડો સમય વણજ ડેમને આપી પોળોની યાદોનું પોટલું બાંધી પરત સુરત જવા નીકળ્યા. 

અમદાવાદથી ૧૫૦ કિમીના અંતરે તેમજ રાજસ્થાનના ઉદેપુરથી ૧૨૦ કિમીના અંતરે આવેલ ઇડરની ઐતિહાસિક અને પોળોના ખંડેરોમાં સચવાયેલી ભારતીય સંસ્કૃતિનો પરિચય લેવા જેવો છે. પ્રાચીન મંદિરોના ભગ્નાવશેષોથી શોભાયમાન એવું પોળોનું જંગલ ગુજરાતના સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક વૈભવની સાક્ષી પૂરે છે. 

– મીરા જોશી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “ઇડરિયો ગઢ અને પોળોનું જંગલ : ગુજરાતની છુપાયેલી શિલ્પ સમૃદ્ધિ – મીરા જોશી”

Copy Protected by Chetan's WP-Copyprotect.