આજનું પત્રકારત્વ તમને કેટલું વિશ્વસનીય લાગે છે?
- શું આ પત્રકારત્વ છે?
- શું પત્રકારોનું કામ ચુકાદા આપવાનું છે?
- અખબાર કે ચૅનલ કે વેબસાઇટ પ્રજા ગેરમાર્ગે દોરાય એવી હેડલાઇન આપે એ શું યોગ્ય છે?
- તમને કોઈ વિચારધારા નથી ગમતી અથવા કોઈ વિચારધારા પ્રત્યે લગાવ છે તો એનો અર્થ શું એવો થાય કે તમે પ્રજાને એવા હેડિંગ, એવા સમાચાર દ્વારા પ્રભાવિત કરો?
- તમને કોઈ વ્યક્તિ, કોઈ નેતા, કોઈ પક્ષની નીતિ પસંદ નથી, તો એનો અર્થ શું એ થાય કે તમે દેશ, દેશના લશ્કર, દેશની બહુમતી પ્રજાને અપમાનિત કરવાના ઇરાદાવાળા સમાચારને પ્રાધાન્ય આપો?
આ અને આવા બીજા ઘણા પ્રશ્નોના મંથનમાંથી “પત્રકારત્વઃ વિશ્વસનીયતાનો પડકાર” પુસ્તક તૈયાર થયું છે.
કોઇપણ વ્યવસ્થા કે મકાનના પાયાનો – પાયાનો સિદ્ધાંત એ છે કે સંતુલન હોવું જોઇએ. કોઇપણ એકબાજુનો ઝુકાવ સંતુલન ખોરવી નાખે છે અને એ વ્યવસ્થા કે પછી એ મકાનની વિશ્વસનીયતાનો પડકાર ઊભો થાય છે. પત્રકારત્વનું પણ એવું જ થયું છે. પત્રકારત્વનો એકમાત્ર અને મૂળભૂત સિદ્ધાંત “જે કંઈ બને તેની જાણ સમાજને કરવી” એ હતો અને છે. પણ, પત્રકારત્વ કદી આ વ્યાખ્યામાં બંધાઈ ન રહ્યું અને તરફેણ કરવાની અવળચંડાઈ લગભગ પ્રારંભથી શરૂ કરી દીધી હતી. પત્રકારત્વ એ લોકશાહીનું ઘણું અગત્યનું પાસું છે એમાં કોઈ શંકા નથી, પરંતુ તેને ચોથો પાયો (ફોર્થ પીલર) ગણાવવો એ યોગ્ય પણ નથી – ન્યાયસંગત પણ નથી. હકીકતે આ ક્ષેત્રે પોતાની જાતે જ પોતાને ચોથા પાયાનું પ્રમાણપત્ર આપી દીધું હતું! પત્રકારત્વની આ સ્થિતિના ગંભીર પરિણામ આવવા લાગ્યા છે. સૌથી પહેલાં તો મોટાભાગના નાગરિકોને પત્રકારત્વ-મીડિયા ઉપરથી વિશ્વાસ ઊઠી રહ્યો છે. રાષ્ટ્રવાદને સર્વોપરી ગણતા નાગરિકો નરેન્દ્ર મોદી વિરોધી છાવણીના સમાચાર સ્વીકારતા નથી. એ જ રીતે નાગરિકોનું બીજું જૂથ નરેન્દ્ર મોદી તરફી છાવણીના સમાચારો પર વિશ્વાસ કરતું નથી. ખેદજનક એ છે કે, બંને છાવણીના મીડિયા પોતપોતાના પ્લેટફોર્મ ઉપર રહીને એકબીજા ઉપર હુમલા કર્યા કરે છે, અને બંને છાવણીના નાગરિકો સોશિયલ મીડિયા ઉપર આખો દિવસ બથંબથા કરે છે. આ સ્થિતિ ચિંતાજનક કહી શકાય તેવા પરિમાણથી પણ આગળ વધીને ભયજનક બની રહી છે. ઉભય છાવણીઓ એ હદે આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને આક્રોશ વ્યક્ત કરે છે કે અનેકને ભાષા અને શબ્દોનું પણ ભાન રહેતું નથી.
મુદ્દો એ છે કે, આ સ્થિતિ આવી શા માટે?
જો પત્રકારત્વ સાચા અર્થમાં સંતુલિત રહ્યું હોત તો ખાતરીપૂર્વક કહી શકાય કે આ સ્થિતિ ન આવી હોત.
આ પુસ્તકમાં ૧૦-૧૨ વર્ષથી શરૂ કરીને ૫૦ વર્ષની પત્રકારત્વની કારકિર્દી ધરાવનાર દિગ્ગજોને વાંચ્યા પછી પત્રકારત્વની દશા અને દિશા વિશે આપણે વિચાર કરતા થઈ જઈએ છીએ એ નક્કી.
પુસ્તક દેખીતી રીતે પત્રકારોને, નવોદિત પત્રકારોને, પત્રકારત્વના વિદ્યાર્થીઓને, મીડિયા હાઉસને સંબોધીને લખાયું છે, છતાં આ તમામ જે માધ્યમ દ્વારા જે લોકો સુધી પહોંચે છે અર્થાત વાચકો, દર્શકો – તેમની લાગણીનો પડઘો પણ પુસ્તકમાં પાને-પાને પડતો હોય એવું લાગ્યા વિના રહેતું નથી.
તુષ્ટિકરણ રાજકારણનો વિષય છે. માનવ સમુદાય અને માનવ અધિકારના વ્યાપક સિદ્ધાંતો અનુસાર આવું તુષ્ટિકરણ તદ્દન ગેરવાજબી છે. તેમ છતાં રાજકીય પક્ષો એવું તુષ્ટિકરણ કરે ત્યાં સુધી સમજાય, પરંતુ મીડિયા એ દિશામાં વળી ગયા છે અને તેના અતિશય ગંભીર પરિણામો આ દેશે ભવિષ્યમાં ભોગવવા પડશે. દરેકે દરેક નાની નાની બાબતોમાં માત્ર એક જ સમુદાયનો પક્ષ લેવો અને બીજા સમુદાયને સતત વિલન ચીતરવો એ પત્રકારત્વ નથી જ નથી. ઉપરાંત આ દેશના તમામ નહીં પણ મોટાભાગના મીડિયાએ મૂળ ભારતીય નાગરિકને નીચો ગણ્યો છે. તેની પરંપરાઓ, તેના ધાર્મિક તહેવાર તથા ઉત્સવોનો વ્યાપારી લાભ લઇને પણ તેની હાંસી ઉડાવી છે. આ ટ્રેન્ડ ખાસ કરીને ત્રીસેક વર્ષથી જોવા મળે છે, જેના વિશે આ પુસ્તકમાં લેખકો ઉદાહરણો સાથે ચર્ચા કરે છે.
આ પુસ્તકમાં કોઇપણ એક-તરફી વિચારધારાની તરફેણ કર્યા વિના –આ વિશ્વસનીયતાને ક્યાં – ક્યારે – કેવી રીતે – કેટલો – કેવો ધક્કો પહોંચ્યો તેની દાખલા, દલીલો અને પુરાવા સાથે ચર્ચા કરવામાં આવી છે. વિશ્વસનીયતા ખરીદી શકાતી નથી, મહેનત અને ધીરજથી હાંસલ કરવી પડે છે.
“પત્રકારત્વઃ વિશ્વસનીયતાનો પડકાર” પુસ્તક પ્રાપ્તિ માટે સંપર્ક અરુણોદય પ્રકાશન, ફોન ૯૬૬૪૯૩૯૪૪૦, સંપાદક અને પ્રકાશક – અલકેશ પટેલ, ૧, ન્યૂ નવદીપ એપાર્ટમેન્ટ, ઑક્સફર્ડ ટાવર પાછળ, ડૉ. વસાવડાના દવાખાના પાસે, ગુરુકુળ સામે, મેમનગર, અમદાવાદ – 380 052 ફોન – 9687619767 / 9925029048
આ જ પુસ્તકનો શ્રી અલકેશ પટેલનો લેખ ‘ભૂલ કબૂલીને પાછા વળવાનો સમય’ વાંચવા અહીં ક્લિક કરો..