(‘ગુજરાત’ દીપોત્સવી અંક વિક્રમ સંવત: ૨૦૭૬ વર્ષ: ૨૦૨૦ માંથી સાભાર.)
ન્યાયાધીશ : પુરાવામાં એવું આવે છે કે તમે એવું બોલેલા કે નેતાઓ ખાલી વાયદાઓ જ કરે છે.
આરોપી : જી સાહેબ, પણ મેં પોલીસને એવું કહેલું કે હું આપણા દેશની વાત નથી કરતો. પણ પોલીસ કહે અમને બુદ્ધિ વિનાના સમજે છે? શું અમે નથી જાણતા કે તું કોની વાત કરે છે?
ન્યાયાધીશ : પુરાવામાં એવું આવે છે કે કાર્યક્રમમાં મહંમદઅલી એકલા જ આવવાના હતા છતાં તમે ત્રણ જણા આવવાના છે એમ કહીને વ્યવસ્થાનો ખોટો ખર્ચ કરાવ્યો.
તાહેરઅલી : નામદાર સાહેબ, હું નિર્દોષ છું. મારો એવો કોઈ ઈરાદો ન હતો પણ અંગ્રેજીમાં વોટ્સએપ મેસેજ સમજવામાં ભૂલ થયેલી.
ન્યાયાધીશ : એટલે તમે શું કહેવા માંગો છો?
તાહેરઅલી : નામદાર સાહેબ, મેસેજ હતો કે મહંમદઅલી ચોક્કસ જાતે આવે છે. તે આવવાના છે એ અંગ્રેજીમાં લખેલું.
ન્યાયાધીશ : પણ તમે કહેવા શું માગો છો?
તાહેરઅલી : સાહેબ, તેમાં લખેલું, મહંમદઅલી સર્ટનલી, પર્સનલી કમિન્ગ ને હું સમજ્યો, મહંમદઅલી, સરટનઅલી, પરસનઅલી એમ ત્રણ જણા આવશે.
ન્યાયાધીશ : તમે મિલકતમાં ભાગ માંગો છો પણ જેનું કોઈ ન હોય તેનું કોણ હોય છે?
પક્ષકાર : માનનીય સાહેબ, જેનું કોઈ ન હોય તેનો મોબાઈલ હોય છે.
ન્યાયાધીશ : તમારા ઉપર આરોપ છે કે તમે ભારતનું ચલણી નાણું છાપેલું અને છાપવાનું શરૂ કરેલું.
આરોપી : નામદાર સાહેબ, મેં તો ભારત સરકારના નીતિ નિયમોનું પાલન કરેલું છે. સરકારશ્રીએ કહ્યું કે આત્મનિર્ભર બનો એટલે મેં બેંકમાંથી લોન લેવાને બદલે જાતે જ નાણાં ઊભા કરી દીધા.
ન્યાયાધીશ : પુરાવામાં એવું આવે છે કે તમે જ્યારે કુટુંબ સાથે ટીવી જોવા બેઠા હતા ત્યારે તો કેટી ન્યૂઝ ચેનલવાળા બોલેલા કે ‘આપ દેખ રહે હૈં કેટી ન્યૂઝ’ આમાં તમારો શું મુદ્દો છે?
ફરિયાદી : નામદાર સાહેબ, એટલે જ મેં ફરિયાદ કરી કે એમને કઈ રીતે ખબર પડી કે અમે તેમની ચેનલ કેટી ન્યૂઝ જોઈ રહ્યા છીએ. આમાં અમારી પ્રાઇવસીનો ભંગ થાય.
ન્યાયાધીશ : તો ક્યા સંજોગોમાં તેમની વાત ન માની?
બચાવપક્ષના વકીલ : સાહેબ, તેઓશ્રી પાગલખાનામાં કાર્યક્રમમાં ગયા હતા અને ત્યાંથી ફોન કરેલો અને બોલેલા કે તમે જાણો છો હું કોણ બોલું છું? તેના જવાબમાં મારા અસીલે એટલું જ કહ્યું કે તમે કોણ બોલો છો તે હું નથી જાણતો પણ ક્યાંથી બોલો છો તે જાણું છું.
ન્યાયાધીશ:- તે આટલી બધી ચોરીઓ કઈ રીતે, કેવી રીતે કરી?
આરોપી:- નામદાર સાહેબ, આપ શીખીને શું કરશો?
ન્યાયાધીશ (ફેમિલી કોર્ટ) : પરંતુ તમે તમારા સાસુ પ્રત્યે આદરભાવ બતાવી વખાણ કરો છો તેનું શું કારણ?
પક્ષકાર (પતિ) : સાહેબ, અમારા વચ્ચે બોલાચાલી થઈ ત્યારે મારી પત્નીએ કીધું કે મારી મા તો તમારી સાથે મારા લગ્ન કરવાની ના જ પાડતી હતી.
ન્યાયાધીશ : પુરાવામાં એવું આવે છે કે ફરિયાદી તમારી આંખની હોસ્પિટલમાં આંખ બતાવવા આવેલા.
આંખના ડૉકટર : જી સાહેબ, તે વાત ખરી છે.
ન્યાયાધીશ : તમે ફરિયાદીને કહેલું કે આંખના નંબર કઢાવશો અને ચશ્માથી જોશો એટલે તમને વંચાશે. પરંતુ, તેમની રજૂઆત છે કે તે વાંચી શકતા નથી.
ડૉક્ટર : નામદાર સાહેબ, તેમની ગેરસમજ અને નાસમજ માટે હું જવાબદાર નથી.
ન્યાયાધીશ : એટલે તમે શું કહેવા માંગો છો?
ડૉક્ટર : નામદાર સાહેબ, ફરિયાદી અભણ છે.
ન્યાયાધીશ : આ પહેલા કોઈ વખત તમારી ઉલટ તપાસ થઈ છે?
સાક્ષી : જી સાહેબ, થઈ છે. હું પરણેલો છું.
વકીલ : તો તમારા કહેવા પ્રમાણે તમારી યાદશક્તિ નબળી પડી ગઈ છે એમ ને?
સાક્ષી : હા જી.
વકીલ : એટલે તમે બનાવ કે પ્રસંગ બાબત ભૂલી જાઓ છો અને યાદ રહેતું નથી ખરું?
સાક્ષી : જી સાહેબ.
વકીલ : તમે એવો કોઈ દાખલો આપી શકો એમ છો કે જે તમને યાદ નથી?