બને તો ચૂંટજો આ બાગનાં ફૂલ ચૂમી ચૂમીને,
જગા આ એજ છે જ્યાં પાનખર પણ જાય ઝૂમીને!
તું કહે તો હાથ કાંટાથીય વીંધાવી શકું,
પણ પછી હું લાગણીનો છોડ નહીં વાવી શકું!
૧. ચૂમીને
બને તો ચૂંટજો આ બાગનાં ફૂલ ચૂમી ચૂમીને,
જગા આ એજ છે જ્યાં પાનખર પણ જાય ઝૂમીને!
અમે દરિયામાં રહીને પણ જરા મીઠપ નથી છોડી,
તમે ખારાં થયાં છો કેમ? ઘૂંટ અમૃત તણા પીને!
ભલે આપે જગત શિરને ઇનામો સામટાં આજે!
અહીં આવી શક્યો છું મારા પગનાં છાલાં ચૂમીને!
હિસાબો માગવાની તું ઉતાવળ શું કરે પ્યારા?
હજી હમણાં જ આવ્યો છું હું દુનિયાથી ઝઝૂમીને!
નજરના એક ઈશારે આ સભામાં મૌન બેઠો છું
કદી પણ દાદ’થી લૂંટી નથી આ કાવ્યભૂમિને !
૨. વીંધાવી શકું
તું કહે તો હાથ કાંટાથીય વીંધાવી શકું,
પણ પછી હું લાગણીનો છોડ નહીં વાવી શકું!
છે ઘણો રસ્તો ભયાનક જાણ છે એની મને,
આમ પણ આ જિંદગીમાં કઈ રીતે ફાવી શકું?
રણ મને આપ્યું ભલે સાથે હરણની પ્યાસ દે,
જિંદગીભર આંખનાં સપનાંને ભરમાવી શકું!
ધારણા મારા વિશે તારી હવે ખોટી પડે,
કાગડો તો બોલશે પણ હું નહીં આવી શકું !
દર્દ’ તારું સ્થાન તો છે પાંસળીની મધ્યમાં,
પાંપણે તોરણ કરી હું કેમ લટકાવી શકું?
– પરબતકુમાર નાયી ‘દર્દ’