અદ્રુત કાવ્ય અને ગઝલો – મહેશ જોશી

જામનગરના બહુ જૂની પેઢીના ખૂબ જાણીતા કવિ શ્રી મહેશ જોશીની આજે ત્રીજી પુણ્યતિથિ છે, વર્ષ ૧૯૭૪માં કાવ્યસંગ્રહ ‘યતિભંગ’, ૧૯૯૬માં ગઝલસંગ્રહ ‘વિકલ્પ’ તેમજ ૨૦૦૮માં તેમનો ટૂંકી વાર્તા સંગ્રહ ‘સૂર્ય સૂર્ય આમ આવ’ પ્રકાશિત થયો. પુણ્યતિથિ નિમિત્તે કવિ મહેશ જોશીની જ રચનાઓથી તેમને યાદ કરીએ. રીડગુજરાતીને આ સુંદર રચનાઓ પાઠવવા બદલ જૂહીબેનનો ખૂબ આભાર.

શ્રી મહેશ જોશીના પ્રથમ કાવ્યસંગ્રહ ‘યતિભંગ’ માંથી એક કવિતા.

શૈશવ – સ્મૃતિ

મારો બધો શૈશવનો ખજાનો;
કોડી, લખોટી, છીપલાં, ચણોઠી,
હજુય છે બદ્ધ સ્મૃતિ તળે રહ્યાં;
જે ગ્રીષ્મની કોઇ બપોર વેળા
ઉત્તાલ સૂરે ઉપન્યો હતો
તે વિહંગનો કંઠધ્વનિ, અચિંત;
ને પદ્મના કોશ મહીં પ્રસુપ્ત
કો રાજકન્યા તણી વારતાને
મૂકી અધૂરી નતનેત્ર દાદા
ઝૂક્યા ( ઝૂલે ખાટ હજુ ય ) , ને જે
કીચૂડ કેરો લય બદ્ધ; – તે સ્મરું.
મારી બધી શૈશવની સ્મૃતિ અરે
આ વ્હીલની ઘર્ઘરમાં ન વિસ્મરું.

કવિ શ્રી મહેશ જોશી
કવિ શ્રી મહેશ જોશી

તેમના ગઝલસંગ્રહ ‘વિકલ્પ’ માંથી રચનાઓ માણીએ..

મને લાગું

હું આયનામાં અર્ધ ભૂંસાયો મને લાગું
રસ્તામાં ટોળા વચ્ચે પરાયો મને લાગું

સંદર્ભ એવી રીતે તૂટી જાય છે મિત્રો,
હુંફાળ પથારીમાં ઘવાયો મને લાગું

એવી રીતે કરાયો જિંદગીનો ફેંસલો
ન્યાયાધીશોની સામે સવાયો મને લાગું

મારા સહાયકોના થયા લાલચુ ચહેરા
હું કોર્ટ કચેરીમાં ફસાયો મને લાગું

ઊંડે છે ગર્દ દેહ ઉપરથી સતત એવી
વાતાવરણમાં આજ દટાયો મને લાગું

ફૂટે છે ઘાસ જેવી તિરાડૉ અનુભવું
હું મારો મૃત્યુલેખ લખાયો મને લાગું
(૧૯-૮-૯૪)

આપમેળે

રદીફ કાફિયા ને બહર આપમેળે
તમારામાં ઉઠે લહર આપમેળે

નજર સામે આવે ગઝલની હવેલી
રચાઈ જશે મારું ઘર આપમેળે

બળે રાતભર રાહમાં શબ્દફાનસ
સફર આપમેળે સહર આપમેળે

લગાવે જે સુરમો ને અત્તર ગઝલનાં
થશે એનું ઘર તરબતર આપમેળે

ગઝલ નામે આકાશ સોહં પરાત્પર
કરી બંધ આંંખો વિહર આપમેળે
(૧૮-૧૧-૧૯૯૩)

બેઠા છીએ

એ રીતે ચકડોળમાં બેઠા છીએ
જિદ્દ પૂર્વક હોડમાં બેઠા છીએ

જન્મથી સિપાઈ જેવો નિગહદાર
તો ય એની સોડમાં બેઠા છીએ

દાઝવાનું તૂટવાનું રોજ રોજ
કો લુહારી કોઢમાં બેઠા છીએ

આંસુઓમાં દ્રશ્ય તગતગ થાય છે
ને તમારી પોળમાં બેઠા છીએ

હાડ લોહી ચામડાના સાથમાં
કો સુગાળી ખોળમાં બેઠા છીએ

જે સતત વાગ્યા કરે છે આસપાસ
કોઈ એવા ઢોલમાં બેઠા છીએ
(૨૩-૭-૧૯૯૫)

શિવોહમ

મળી ગઈ અચિંતી ખજાનાની ચાવી
ગયું કોઈ આંખોમાં અજવાસ વાવી

લથડતા ગયા કાફલા ઝાંઝવાના
રહ્યું કોણ મૃગજળમાં ગંગા બતાવી?

બહિર અંતરે સર્વ એકાંગ લાગે
ભીતરમાં અગોચર સમાધિ લગાવી

ચલમફૂંકથી તાળવું ફાટે તડતડ
અમે દિગ્વસન બેઠા ધૂણી ધખાવી

શિવોહમ શિવોહમ ઊઠે નાદ ઘેરા
શવાસનમાં બેઠું હવે કોઈ આવી
(૧૧-૭-૧૯૯૩)

બિલિપત્ર

તુહિન શિખર પર શિવજી બેઠા, નામ અલખનું બોલે,
સર્વ ગેબના ભેદ ઊભા, પોતાના પરદા ખોલે.
– કવિ શ્રી મહેશ જોશી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “અદ્રુત કાવ્ય અને ગઝલો – મહેશ જોશી”

Copy Protected by Chetan's WP-Copyprotect.