વયના એક પડાવે છોકરી હોય કે છોકરો એને વિજાતીય આકર્ષણ થાય એ સ્વાભાવિક છે. એનું મુખ્ય કારણ આપણે સૌ જાણીએ છીએ એમ શારીરિક ફેરફારો હોય છે. પણ આ આકર્ષણ હંમેશા પ્રેમ જ હોય એવું જરૂરી નથી. જો તમારું બાળક તમને મિત્ર સમજીને પોતાની દરેક અંગત વાતો વહેંચતુ હોય તો એને આકર્ષણ અને પ્રેમ વચ્ચેનો ભેદ સમજાવવો જોઈએ.
“બેબી.નવ વાગ્યા બેટા. ઉઠ. પાછી બેડરૂમનું બારણું બંધ કરીને સૂતી છે… મીનુ.. મીનુ બેટા.” સરોજબેન દીકરીના રૂમની બહાર ઊભાં રહી સતત બૂમો પાડવા સાથે બારણું પણ ખખડાવતા રહ્યાં. હવે એમની ધીરજ ખૂટી ગઈ.
“કેમ કંઈ બોલતી નથી? ઉઠ બેટા. બારણું ખોલ. તને શું થયું? કોઈ દિવસ નહિ ને આજે અચાનક આમ બારણું બંધ કરી સુઈ ગઈ!” બોલતાં તેઓ હવે રીતસરનો બારણાંને ધક્કો મારવા લાગ્યાં.
“કહું છું. બાથરૂમમાંથી જલ્દી નીકળો. બેબી બારણું ખોલતી નથી. એને કઈ થઈ તો નથી ગયું ને!”
“આ બધા તારાં વધારે પડતાં લાડના કારણે. મારી એકની એક દીકરી.. એને કઈ નહિ કહેવાનું. લે હવે ભોગવ.” સરોજબેનને સંભળાવતા એમના પતિ પિયુષભાઈ ટૉવેલ વીંટીને બહાર આવ્યા.
“બેટા.. બારણું ખોલ.”
પપ્પાનો અવાજ સાંભળીને બેબીએ તરત રૂમનું બારણું ખોલ્યું. અને એના માવતરે નજર સામે જે દ્રશ્ય જોયું તે જોઈને તેઓ ખૂબ ચોંકી ગયા.
દીકરીની આંખો એકદમ સુજેલી હતી. જાણે આખી રાત રડી ન હોય! ઉપરાંત તેનો મોબાઇલ જમીન પર ટુકડે ટુકડા થયેલો જોવા મળ્યો. અને પોતે સાવ લઘરવઘર હાલતમાં જણાતી હતી. એ જોઈને મા-બાપથી પૂછ્યા વિના ન રહેવાયું.
“આ શું? મોબાઇલ છોડ. પણ તું આ સ્થિતિમાં? શું થયું બેટા? કોઈએ તને કઈ કહ્યું? અમને જણાવ અમે એની ખબર લઈ લઈશું.”
“લિવ મી અલોન. તમે લોકો જાવ અહીંથી. કાયમ મારી પાછળ પાછળ શું ફર્યા કરો છો. ગેટ લોસ્ટ..” કહીને બેબી બારણે જ ફસડાઈ પડી.
માબાપને કૈક ગંભીર ઘટના બનવાનો અણસાર આવી ગયો. સરોજબેને દીકરીનું માથું પોતાના ખોળામાં લીધું. અને પ્રેમથી પંપાળ્યું. મીનુ ખૂબ રડી. અને પછી જે એણે કહ્યું તે ખરેખર આશ્ચર્ય પમાડે તેવું હતું.
“મમ્મી.. મારું બ્રેકઅપ થયું. હી ચિટ મી.”
બેબીનું આ ત્રીજું બ્રેકઅપ હતું.
તો મારે આજે વાત બ્રેકઅપની કરવી છે.

આપણી સંસ્કૃતિ અન્ય સંસ્કૃતિઓને અને એમાં થતા બદલાવને પણ સ્વીકારે છે. એમ જ આજકાલ બૉયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ રાખવાનો પશ્ચિમ સંસ્કૃતિનો રિવાજ આપણાં દેશમાં ચલણમાં આવ્યો છે. ત્યારથી લગભગ દરેકના યુવાનોના મોઢે આ શબ્દ સાંભળવા મળે છે. અને જો કોઈ યુવાન/યુવતી આ રિવાજમાં ભાગીદાર ન હોય તો તેમને વેદિયા કે બબુચક કહીને વખોડવામાં આવે છે. ગર્લફ્રેન્ડ કે બૉયફ્રેન્ડ પણ આજના સમયમાં સ્ટેટ્સ સિમ્બોલ ગણાય છે.
પહેલાના સમયમાં તો કોલેજ કક્ષાએ પ્રેમ થતો. અને લગભગ તેઓ લગ્ન કરી લેતા. પણ આજના સમયમાં શાળાકાળ દરમ્યાન પ્રેમની શરૂઆત થઈ જાય. હવે સમયે છોકરા છોકરીની ઉંમર કાચી હોય છે. તેઓ એ શરૂઆતની કાચી લાગણીઓને પ્રેમ સમજી બેસે છે. આમાં આજકાલના માતાપિતા પણ અમુક અંશે જવાબદાર છે. તેઓ જાણતા હોય છે કે તેમના સંતાનને ફલાણી છોકરી કે ઢીંકણો છોકરો ગમે છે. તો તેઓય સગાં સંબંધીઓ આગળ ડંફાસ મારવામાંથી ઊંચા નથી આવતા. અને પોરસાઈને કહેતા જોવા મળે છે
“આપણાં ટપ્પુનું તો ફિક્સ જ છે. એણે અત્યારથી ઊંચા ઘરની છોકરીને ગર્લફ્રેન્ડ બનાવી લીધી છે.”
અને એનાથી ઉલટો સંવાદ પણ ઘણાં ઘરોમાં જોવા મળે છે.
“જોયું મારી ગુડિયાએ પોતાના કોયલ જેવા અવાજથી પેલી સામેવાળી પાર્ટીને પાડી દીધી. એને તો પાંચે આંગળા ઘીમાં છે.”
ઉંમર થતા આ પ્રેમ સુરસુરીયું થઈ જાય તો બેબીના ઘર જેવી ઘટના બને છે. છોકરો હોય કે છોકરી લાંબા સમય સુધી કહેવાતી રિલેશનશિપમાં રહે અને પછી અચાનક કોઈ કારણોસર બ્રેકઅપ થાય તો બંનેય જણ તૂટી જતા હોય છે. ઘણીવાર તો તેઓ અતિશય માનસિક તણાવમાં આવી જઈને પોતાનું જીવન ગુમાવી દેતા હોય છે.
અહીં વાંક કોનો? આપણે બદલાવ અપનાવ્યો એનો કે પછી ત્રણ ત્રણવાર બ્રેકઅપની નોબત આવી ત્યાં સુધી દીકરીને સાથ આપતા રહ્યાં એ માબાપનો?
જે માવતરને માત્ર એક જ સંતાનનું સુખ પ્રાપ્ય છે તેઓ હંમેશા એક ભયમાં જીવતા જોવા મળે છે. કે જો એને એનું ધાર્યું નહિ કરવા દઈએ તો સંતાનને ગુમાવવું પડશે. તે માતાપિતા એ વાતે મન મનાવે છે કે ચલો આપણું બાળક આપણને મિત્ર સમજીને પોતાના જીવનની અંગત વાતો તો કરે છે. ભલે પછી એનો બૉયફ્રેન્ડ હોય કે ગર્લફ્રેન્ડ.
વયના એક પડાવે છોકરી હોય કે છોકરો એને વિજાતીય આકર્ષણ થાય એ સ્વાભાવિક છે. એનું મુખ્ય કારણ આપણે સૌ જાણીએ છીએ એમ શારીરિક ફેરફારો હોય છે. પણ આ આકર્ષણ હંમેશા પ્રેમ જ હોય એવું જરૂરી નથી. જો તમારું બાળક તમને મિત્ર સમજીને પોતાની દરેક અંગત વાતો વહેંચતુ હોય તો એને આકર્ષણ અને પ્રેમ વચ્ચેનો ભેદ સમજાવવો જોઈએ. Like એ Love નથી જ નથી. જો બાળકનો બોયફ્રેન્ડ/ગર્લફ્રેન્ડ તમારા ઘરે છૂટથી આવતા જતા હોય તો તેવા સમયે તેમની વચ્ચેની નિકટતા અને વર્તન ઉપર ધ્યાન રાખવું જોઈએ. અને એનાં થકી તમે સંતાનને રિલેશનશિપમાં આગળ વધવું કે નહીં તે વિશે સમજાવવા પ્રયત્ન કરી શકાય. કારણકે ઘણીવાર બાળક પોતાના પાત્રની નબળાઈ ન જોઈ શકતો હોય કે તે નબળાઈ સામે આંખ આડા કાન કરતો હોય તો એનું ધ્યાન દોરી આવનાર ભવિષ્ય માટે ચેતવી શકાય. પણ આ બધું ત્યારે જ સંભવ છે કે જ્યારે બાળક તમને સારા મિત્ર ગણીને પોતાના જીવનમાં ચાલતી દરેક વાત જણાવતું હોય. અને તમે પણ એના સાથી મિત્રને તમારી હાજરીમાં તમારા ઘરે આવવાની છૂટ આપતા હોવ.
આજના આ સુપરફાસ્ટ બદલાવ અને સોશિયલ મિડિયાથી પ્રભાવિત એવા યુવાનોને સમજવા સહેલા નથી તો એટલાં અઘરાં પણ નથી.
અને એક સત્ય એટલું પણ છે કે જો તમે એમને બોયફ્રેન્ડ/ગર્લફ્રેન્ડના ચક્કરમાં પડવાની મનાઈ ફરમાવશો તો કઈ તેઓ અટકવાના નથી. ઉપરથી તમે તેમના દુશ્મનમાં ગણના પામશો. અને આગળ જતા તેઓ તમારાથી સંતાઈને પણ એ કામ કરશે. અને કદાચ એનું પરિણામ સારું કે ખરાબ હોઈ શકે.
– શીતલ ગઢવી
2 thoughts on “બ્રેકઅપ – શીતલ ગઢવી”
Op
sachi vat 6medam