વર્ગખંડમા બોલાયેલા એ શબ્દો આજેય મનમાંં પડઘાય છે – ડૉ. સંતોષ દેવકર

શિક્ષક અને વિદ્યાર્થીને જોડતો એક સેતુ એટલે વર્ગખંડ. વિદ્યાર્થીના જીવનમા વર્ગખંડ એક મોટો જીવનખંડ બની જતો હોય છે.વર્ગખંડમા શિક્ષક દ્વારા ઉચ્ચારાયેલા શબ્દોથી જો વિદ્યાર્થીનુ જીવન બદલાઈ જાય તો એ શબ્દો ઉપનિષદના મંત્રથી જરાય ઉતરતા નથી.

‘તારા વાલીની સહી લઈ આવ.’ સાહેબે આદેશ કરેલો.

‘પણ સાહેબ કાલે હું હોમવર્ક કરી લાવીશ.’ એણે ગળગળા અવાજે કહેલુ.

‘ના. આવુ મારે કેટલા દિવસ ચલાવી લેવાનુ?’ 

‘આટલી વખત જવાદો સાહેબ, હવેથી..!’

‘ના.. હવે બિલકુલ નહિ.’

‘એ બાપાથી બહુ ગભરાતી.અને એ જ થયુ. બાપા એ સહી તો કરી પણ સોળ ગાલ પર ઉપસી આવેલા. રાત્રે મોડે સુધી જાગીને એણે હોમવર્ક પુરુ કરેલુ.

‘લો સાહેબ મારુ હોમવર્ક જુઓ.’

‘આ કોણે લખ્યુ? કોની પાસે લેશન કરાવ્યું?’ સાહેબ તાડુક્યા.

‘મે જાતે કર્યુ છે સાહેબ, મારા જ અક્ષર છે.’

‘એ શક્ય જ નથી….!’

જાતને સાબિત કરવા માટે એણે વિનંતીઓ કરવી પડી હતી પરંતુ બધુ વ્યર્થ. કેમેય કરી સાહેબ માનવા તૈયાર નહોતા કે આ હોમવર્ક એણે જાતે કર્યુ છે અને અક્ષર પણ એના જ છે.

‘જા હવે તો વાલીને જ બોલાવી લાવ, ત્યાંસુધી વર્ગખંડ્મા….!’ એ જ સમજાતુ નો’તુ કે આમ શાને થાય છે. લેશન કરેલુ હોય તે છતાં……!

વાલીને મળીને ખાત્રી થતા સાહેબના મુખેથી જે શબ્દો નિકળ્યા તે પથ્થરકી લકીર બની ગયેલા. વર્ગખંડમા બોલાયેલા સાહેબના એ શબ્દો આજે પણ મારા મનમા પડઘાય છે. શહેરના નામાંકિત અને સફળ તબીબોમા આજે મારી ગણતરી થાય છે. શિક્ષકદિને એ સર ચોક્કસ યાદ આવે છે. શિક્ષક દ્વારા ઉચ્ચારાયેલા પ્રેરણાના કેટલાક શબ્દો વિદ્યાર્થીઓ માટે સંજીવની બની જતા હોય છે.સમય જતા શિક્ષક તો ભૂલી જાય છે પણ વિદ્યાર્થી યાદ રાખે છે. વિદ્યાર્થીના જીવનમા એ શબ્દો ટર્નીંગ પોઇંટ સાબીત થતા હોય છે. આ ટર્નીંગ વિદ્યાર્થીનુ જીવન બદલી નાખે છે.શિક્ષકના‘જાદુઈશબ્દો’વિદ્યાર્થીમા કબ,કહાં,કૈસે કમાલ કરે તે કહેવુ કઠિન હોય છે.

વાલીને સંબોધીને સાહેબે કહેલું,“જો તમારી વાત સાચી હોય તો લખી રાખો કે આ બાળક ભવિષ્યમા મોટી વ્યક્તિ બનશે. મોતીના દાણા જેવા અક્ષર,સખત મહેનત અને તેની મૂલ્યનિષ્ઠા તમારી દીકરીને ખુબ મોટી સફળતા અપાવશે.” શિસ્ત પાલનમા કડકાઇ દાખવતા શિક્ષક જ પ્રેમ વરસાવી શકતા હોય છે.

શિક્ષક અને વિદ્યાર્થીને જોડતો એક સેતુ એટલે વર્ગખંડ. વિદ્યાર્થીના જીવનમા વર્ગખંડ એક મોટો જીવનખંડ બની જતો હોય છે. વર્ગખંડમા શિક્ષક દ્વારા ઉચ્ચારાયેલા શબ્દોથી જો વિદ્યાર્થીનુ જીવન બદલાઈ જાય તો એ શબ્દો ઉપનિષદના મંત્રથી જરાય ઉતરતા નથી.

– ડૉ. સંતોષ દેવકર

બિલિપત્ર

વ્યાકરણ વચ્ચે આ બારાખડી ફાવતી નથી,
વાત છે મુદ્દાની એ જ હોંઠે આવતી નથી.
– દીપક મેઘાણી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

Copy Protected by Chetan's WP-Copyprotect.