ચૂંટેલી બાળવાર્તાઓ – રમણલાલ સોની
Monday, February 22, 2010 · પ્રકાર : બાળ સાહિત્ય · સાહિત્યકાર : રમણલાલ સોની · 4 પ્રતિભાવો
[‘લાડુની જાત્રા અને બીજી વાર્તાઓ’ પુસ્તકમાંથી સાભાર.]
[1] મિયાં-બીબી
રહીમભાઈ શેઠના દીકરાની શાદી હતી. દેશપરદેશથી કેટલાયે મહેમાનો પધાર્યા હતા. ભારે જલસો થયો. પણ શેઠ પોતાના ગરીબ પડોશી કડુમિયાંને જલસામાં નિમંત્રણ આપવાનું ભૂલી ગયા. શાદી ધામધૂમથી પતી ગઈ. કડુમિયાં બીબીને કહે : ‘આવડો મોટો રહીમભાઈ શેઠ, એના દીકરાની શાદી અને પડોશીનું મોં ગળ્યું ન થાય એ કેવી વાત ?’
બીબી કહે : ‘તો હું મોં ગળ્યું કરાવું !’
મિયાં કહે : ‘ક્યાં ? અહીં કે તહીં ?’
બીબી કહે : ‘તહીં !’ એમ કહી તેણે મિયાંના હાથમાં ઝાડુ પકડાવી દઈ કહ્યું : ‘મિયાં, હવે તમે થાઓ ગુસ્સે અને ઝાડુ લઈ મને મારવા દોડો ! જુઓ, હું માથાના વાળ છૂટા મેલી ઘરમાંથી ભાગું છું….એક-દો-તીન !’ બોલતાં બોલતામાં તો બીબીના ઢંગ ફરી ગયા. મોંમાથી ચીસ નીકળી ગઈ : ‘બચાવો ! બચાવો ! મિયાં મને મારી નાખે છે !’
મિયાંને બીબીની વાત પર બહુ વિશ્વાસ. બીબીની પાછળ એણે ઝાડું લઈ દોટ મૂકી : ‘ઊભી રહે, આજે તારી ખેર નથી. ટીપીટીપીને તારો રોટલો ન કરી નાખું તો મારું નામ કડુમિયાં નહિ !’ રહીમભાઈ શેઠ પોતાના બંગલાની ચોપાડમાં ખુરશી નાખી બેઠા હતા. કડુમિયાંની બીબી ‘મરી ગઈ ! મરી ગઈ !’ એવી ચીસો પાડતી એમના ઘરમાં ઘૂસી ગઈ અને પાછળ ઝાડુ લઈને દોડી આવતા કડુમિયાં શેઠના હાથમાં પકડાઈ ગયાં. મિયાં કહે : ‘છોડો મને ! આજે કાં બીબી નહિ, કાં હું નહિ !’
મિયાંના ખભે હાથ મૂકી શેઠે કહ્યું : ‘બીબીની કંઈ ભૂલ થઈ હોય તો માફ કરી દો, મિયાં, તમે સમજદાર માણસ છો !’
મિયાંએ દાંત ભીંસી કહ્યું : ‘નહિ, એણે મારો જીવ ખાઈ નાખ્યો છે, આજે હું એને ખાઈ નાખીશ.’
શેઠે કહ્યું : ‘તમે મારા ઘરમાં ઘૂસી બીબીને મારો, તો ગામમાં મારી આબરૂનું શું ? લોકો કહેશે કે રહીમભાઈના ઘરમાં બીબીને માર પડ્યો !’
મિયાં કહે : ‘પણ બીબી મારી છે !’
શેઠ કહે : ‘પણ ઘર મારું છે ને !’
વધુ આગળ વાંચો »
Published By : ReadGujarati · Permalink · Comments (4)
કેટલીક બાળવાર્તાઓ – સંકલિત
Saturday, February 13, 2010 · પ્રકાર : બાળ સાહિત્ય · સાહિત્યકાર : સંકલિત · 6 પ્રતિભાવો
[1] જીવનનું ધ્યેય – સાંકળચંદ પટેલ
(‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.)
કોઈ એક ગામમાં અજરામ નામનો એક ભાટ રહેતો હતો. તે આળસુનો પીર હતો. ખાવુંપીવું અને ઊંઘવું એમાં એ આખો દિવસ પસાર કરતો હતો. એ સિવાય એને બીજું કાંઈ કામ નહોતું. એ મોટો થયો ત્યાં સુધી એના પિતાએ એનું પોષણ કર્યું. એના પિતાએ કામધંધો કરવા એને ઘણું સમજાવ્યો પરંતુ એ માન્યો નહિ. એ તો આળસુ જ રહ્યો. એના પિતાના મરણ પછી એની કફોડી સ્થિતિ થઈ. ઘરમાં જે ધન હતું તે બધું ખરચાઈ ગયું.
એક દિવસે એની પત્નીએ એને કહ્યું : ‘આમ આળસુ થઈને ક્યાં સુધી બેસી રહેશો ? ઘરનું બધું ધન ખાવાપીવામાં વપરાઈ ગયું છે. હવે શું ખાશો. ધ્યેય વગરનું જીવન નકામું છે. જીવનમાં કોઈ ને કોઈ લક્ષ્ય હોવું જોઈએ. લક્ષ્ય વગરનું જીવન સુકાન વગરના વહાણ જેવું છે. ગમે તે બાજુ તણાઈ જાય ! બધા લોકો પોતાના જીવન સાથે કંઈક લક્ષ્ય રાખીને જીવે છે. જ્યારે તમારે તો લક્ષ્ય જેવું કંઈ છે જ નહિ. હજુ કંઈ બગડી ગયું નથી. જીવનમાં કંઈક લક્ષ્ય રાખશો તો સુખી થશો.’
અજરામ આળસુ હતો તેથી જીવનમાં મોટું લક્ષ્ય તો તેનાથી પળાય એમ હતું જ નહિ. છતાં કંઈક લક્ષ્ય તો હોવું જ જોઈએ એવું તેને લાગવા માંડ્યું હતું અને પત્ની પણ આખો દિવસ દબાણ કર્યા કરતી હતી. જીવનમાં જેનાથી ઓછી મુસીબત પડે એવું લક્ષ્ય રાખવાનો અજરામે નિર્ણય કર્યો. પત્નીને બોલાવીને તેણે કહ્યું : ‘તારી ઈચ્છા હોવાથી આજથી મેં મારા જીવનનું ધ્યેય નક્કી કરી દીધું છે. આજથી હું આપણા પાડોશી ધનજી કુંભારના ગધેડાના કાન પકડીને પછી જ ખાઈશ. જ્યાં સુધી કાન નહિ પકડું ત્યાં સુધી ખાઈશ નહિ.’ અજરામની પત્નીને અજરામની આવી પ્રતિજ્ઞા સાંભળીને હસવું આવ્યું, પરંતુ તેણે મનમાં વિચારીને કહ્યું : ‘ભલે, જીવનમાં કશું ધ્યેય ન હોય એના કરતાં કંઈક પણ ધ્યેય હોય એ સારું છે.’
વધુ આગળ વાંચો »
Published By : ReadGujarati · Permalink · Comments (6)
લાડુની જાત્રા અને બીજી વાર્તાઓ – રમણલાલ સોની
Thursday, February 4, 2010 · પ્રકાર : બાળ સાહિત્ય · સાહિત્યકાર : રમણલાલ સોની · 10 પ્રતિભાવો
[ જાણીતા બાળસાહિત્યકાર શ્રી રમણલાલ સોનીની કલમે લખાયેલી સુંદર બાળવાર્તાઓમાંથી કેટલીક ચૂંટેલી બાળવાર્તાઓનું સંપાદન તેમના પુત્રવધૂ શ્રીમતી રેણુકાબેન શ્રીરામ સોનીએ ‘લાડુની જાત્રા અને બીજી વાર્તાઓ’ શીર્ષક હેઠળ કર્યું છે. સૌ બાળકો સુધી આ સંસ્કાર વારસો પહોંચે તે માટે કુલ 214 પાનામાં પ્રકાશિત કરાયેલી 51 જેટલી વાર્તાઓનું આ પુસ્તક રાહતદરે ફક્ત 50 રૂપિયામાં આપવામાં આવે છે. બાળકોની કલ્પનાશક્તિ ખીલવવા માટે તેમજ તેમને રોજ અવનવી વાર્તાઓ દ્વારા સંસ્કૃતિનો પરિચય કરાવવા માટે દરેક માતાપિતાએ આ પુસ્તક વસાવવા જેવું છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. – તંત્રી.]
[1] પકડ કાન !
એક હતો બ્રાહ્મણ. બહુ ભોળો, બહુ ગરીબ.
શ્રાવણ મહિનો આવ્યો, એટલે એ નીલકંઠ મહાદેવના મંદિરમાં જઈને બેઠો. હાથમાં માળા અને જીભે ભગવાનનું નામ. મહિનો પૂરો થયો એટલે એની તપસ્યાથી પ્રસન્ન થઈ લોકોએ એને એક ગાય આપી. બ્રાહ્મણ ગાય લઈને ઘેર જતો હતો, ત્યાં રસ્તામાં એક ઠગ મળ્યો. ગાય જોઈને ઠગ કહે : ‘અરેરે, આપણા લોકો દાનધરમ કરતાં ક્યારે શીખશે ? આવી ગાય બ્રાહ્મણને દાનમાં અપાતી હશે કદી ? આ ગાય તો માત્ર સાડા ત્રણ અઠવાડિયાં દૂધ દેનારી છે !’
આ સાંભળી બ્રાહ્મણને થયું કે આવી ગાય ઘેર લઈ જવા કરતાં વેચી દેવી સારી ! એણે ઠગને કહ્યું : ‘તમે જ આ ગાય વેચાતી લઈ લો !’
ઠગે કહ્યું : ‘આપણે કોઈ પાસે એની કિંમત કરાવીએ.’
નજીકમાં જ એક ઝૂંપડું હતું. ઝૂંપડામાં એક ખાટલા પર એક વૃદ્ધ બેઠેલો હતો. ઠગે અને બ્રાહ્મણે બેઉએ એ વૃદ્ધને ગાયની કિંમત કરવા કહ્યું. વૃદ્ધે પૂછપરછ કરી બધી વાત જાણી લીધી. પછી કહ્યું : ‘આ ગાય અપલખણી છે, માત્ર સાડા ત્રણ અઠવાડિયાં દૂધ દેનારી છે, એટલે એની કિંમત સાડા ત્રણ રૂપિયા !’
બ્રાહ્મણે કહ્યું : ‘માત્ર સાડા ત્રણ રૂપિયા ?’
વૃદ્ધે કહ્યું : ‘મારે તો ન્યાયથી બોલવાનું. ગાય ચાલીસ અઠવાડિયાં દૂધ દેનારી હોત તો હું એની કિંમત ચાલીસ રૂપિયા કહેત !’
વધુ આગળ વાંચો »
Published By : ReadGujarati · Permalink · Comments (10)
કેવી અજબ જેવી વાત છે – ઉપેન્દ્રચાર્ય
Saturday, January 2, 2010 · પ્રકાર : બાળ સાહિત્ય · સાહિત્યકાર : ઉપેન્દ્રાચાર્ય · 12 પ્રતિભાવો
નાની મારી આંખ, એ જોતી કાંક કાંક
……….. એ તો કેવી અજબ જેવી વાત છે!
નાક મારું નાનું એ સુંઘે ફૂલ મઝાનું
……….. એ તો કેવી અજબ જેવી વાત છે!
નાના મારા કાન, એ સાંભળે દઈને ધ્યાન
……….. એ તો કેવી અજબ જેવી વાત છે !
નાના મારા હાથ, એ તાળી પાડે સાથ
……….. એ તો કેવી અજબ જેવી વાત છે !
આંગળી મારી લપટી, એથી વગાડું ચપટી
……….. એ તો કેવી અજબ જેવી વાત છે !
પગ મારા નાના, એ ચાલે છાનામાના,
……….. એ તો કેવી અજબ જેવી વાત છે !
Published By : ReadGujarati · Permalink · Comments (12)
સમજણ – નીલમ દોશી
Friday, December 18, 2009 · પ્રકાર : બાળ સાહિત્ય · સાહિત્યકાર : નીલમ દોશી · 37 પ્રતિભાવો
[ગુજરાતી સાહિત્યના વિવિધ પ્રકારો પૈકી ‘બાળનાટકો’ ક્ષેત્રે ખૂબ ઓછા સંગ્રહો પ્રકાશિત થયેલા છે. તાજેતરમાં જાણીતા સાહિત્યકાર નીલમબેન દોશીનું ‘જન્મદિવસની ઉજવણી’નામનું પુસ્તક સુંદર બાળનાટકો લઈને આવ્યું છે. આ નાટ્યસંગ્રહની ખાસ વિશિષ્ટતા એ છે કે તેમાંના દરેક નાટક સફળતાપૂર્વક ભજવાઈ ગયેલ છે અને સુંદર પ્રતિસાદ મેળવી ચૂકેલ છે. આજે માણીએ તેમાંથી એક બાળનાટક. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રીમતી નીલમબેનનો (ઓરિસ્સા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nilamhdoshi@yahoo.com અથવા આ નંબર પર +91 9556146535 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
પાત્રો :
દાદીમા
પપ્પા
અનંત : (તેમનો દીકરો લગભગ દસ વરસનો)
હિનલ : (અનંતની નાની બહેન આઠ વરસની)
સ્થળ :
મધ્યમ વર્ગનું હોય તેવું સમાન્ય ઘર.
(બંને બાળકો યુનિફોર્મમાં તૈયાર થઈને અંદરથી આવે છે. દાદીમા માળા ફેરવતાં બેઠાં છે.)
અનંત : ગુડ મોર્નિંગ દાદીમા
દાદીમા : જે શ્રીકૃષ્ણ કે’વાય બેટા….
હિનલ : દાદીમા, અમને તો સમજાતું જ નથી કે અમારે તમારું માનવું કે સ્કૂલમાં ટીચરનું ?
દાદીમા : એટલે ?
અનંત : એટલે એમ જ કે તમે કહ્યા કરો કે ગુજરાતીમાં બોલો…. આપણી માતૃભાષામાં વાત કરો….
હિનલ : ને સ્કૂલમાં ભૂલથી પણ ગુજરાતીમાં બોલાઈ જવાય તો ટીચર ગુસ્સે થાય છે.
અનંત : એટલે અમારે તો બંને વચ્ચે સેન્ડવીચ જ થવાનું.
હિનલ : અરે, ક્યારેક ક્યારેક તો કંઈ સમજાય પણ નહીં. તમે કહો છો, ‘લે બેટા, આ ફલાવરનું શાક…’ અને સ્કૂલમાં ટીચર કહેશે પાંચ ફ્લાવરનાં નામ આપો.
અનંત : અને પપ્પા કહેશે હાય ! માઈ સન… અને સ્કૂલમાં કહે…. ‘Where is rising Sun ?’
હિનલ : આ બધા શબ્દોના ગોટાળા… ને અમારી મૂંઝવણનો તો પાર નહીં….
દાદીમા : મને તો કઈ ખબર નથી પડતી.
અનંત : અરે દાદીમા, જવા દો…… એ બધી વાતો તમને નહીં સમજાય.
દાદીમા : કેમ અમને નહીં સમજાય ? ને એવું હોય તો તમે સમજાવો.
હિનલ : સમજાવું ? ઓ.કે. જુઓ એક નાનકડું ગીત કહું છું. સાંભળો (બંને ગાય છે.)
વધુ આગળ વાંચો »
Published By : ReadGujarati · Permalink · Comments (37)
ઉપકારનો બદલો – રાકેશ ચૌહાણ
Saturday, October 24, 2009 · પ્રકાર : બાળ સાહિત્ય · સાહિત્યકાર : રાકેશ ચૌહાણ · 9 પ્રતિભાવો
[બાળવાર્તા : ‘ફૂલવાડી’ સામાયિક (દીપોત્સવી)માંથી સાભાર.]
મંગળપુરા ગામમાં મહાવીર રહેતો હતો. માતા-પિતા અને ઘરનાં અન્ય સભ્યો ખેતીવાડી કરતા, પરંતુ મહાવીર ખૂબ આળસુ હોવાથી ખેતીકામમાં મદદ ન કરતો. ઘરના બધા સભ્યો તેનાથી કંટાળી ગયા હતાં. એક દિવસે કામ નહીં કરવાના કારણે મહાવીરને તેના પિતાએ ઠપકો આપ્યો. આથી મહાવીર ગુસ્સામાં ઘરની બહાર ચાલી નીકળ્યો.
મહાવીર ગામની સીમ છોડીને જંગલ તરફ ચાલવા લાગ્યો. ત્રણ-ચાર કલાક પછી એક ઘનઘોર જંગલ આવ્યું. મહાવીર પણ ચાલી ચાલીને થાકી ગયો હતો. તેણે એક વડના વૃક્ષ નીચે આરામ કરવાનો નિર્ણય કર્યો. તે જેવો વડના વૃક્ષ નીચે બેઠો કે તેની આંખો થાકના કારણે ઘેરાવા લાગી. મહાવીર ક્યારે ઊંઘી ગયો તેને તેનો ખ્યાલ જ ન રહ્યો. ઊંઘમાંથી જાગ્યા બાદ મહાવીરને તરસ લાગી. તે પાણીની શોધમાં નીકળી પડ્યો. જંગલમાં આમતેમ ભટક્યાં પછી તેની નજર એક કૂવા પર ગઈ. કૂવો જોઈ મહાવીર તેની પાસે પહોંચી ગયો. કૂવામાં તેણે નજર કરી તો તેમાં પાણી જ ન હતું. પરંતુ કૂવામાં એક માણસ, એક સાપ અને જંગલનો રાજા સિંહ જોવા મળ્યો.
આ દશ્ય જોઈને મહાવીરને નવાઈ લાગી. તેણે કૂવામાં બેસી રહેલા ત્રણેયને પૂછ્યું : ‘તમે કૂવામાં કેવી રીતે પડ્યાં ?’
ત્યારે માણસે કહ્યું : ‘હું સિંહથી બચીને દોડતો હતો. વચ્ચે સાપ મળ્યો, સાપ સિંહ પાછળ પડ્યો. આગળ કૂવો આવ્યો અને હું અંદર પડ્યો. સિંહ અને સાપ પણ મારી પાછળ આવી ગયા. મેં સાપ અને સિંહને કહ્યું કે તમે લોકો જો મારો ભોગ લેશો તો તમને બહાર કોણ કાઢશે ? માટે આપણે વટેમાર્ગુની રાહ જોઈએ. વટેમાર્ગુ આવશે અને આપણને બહાર કાઢશે.’ માણસના ઉપાયથી સાપ અને સિંહના મનમાં બચવાની આશા બંધાઈ અને તેને જીવીત રાખ્યો. અજાણ્યાનો અવાજ આવતાં જ બાકીના બેઉની નજર પણ ઉપર તરફ ગઈ. બધાએ ભેગા થઈને કૂવામાંથી બહાર કાઢવા આજીજી કરી. મહાવીરે કૂવામાં ડોકિયું કરીને કહ્યું : ‘સારું, હું તમને બહાર કાઢવાનો પ્રયાસ કરું છું.’
વધુ આગળ વાંચો »
Published By : ReadGujarati · Permalink · Comments (9)
એકડા બગડા આરામ કરે છે – વંદના ભટ્ટ
Sunday, October 18, 2009 · પ્રકાર : બાળ સાહિત્ય · સાહિત્યકાર : વંદના શાંતુ ઈંદુ · 5 પ્રતિભાવો
[જાણીતા વાર્તાકાર શ્રીમતી વંદનાબેનનું (વડોદરા) તાજેતરમાં પ્રકાશિત થયેલ બાળગીતોનું પુસ્તક ‘એકડા બગડા આરામ કરે છે’ માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9428301427 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] કોયલે પહેર્યા ચશ્મા
કોયલ એકલી ફરવા ચાલી ચશ્મા પ્હેરી કાળા
ડાળે-ડાળે શોધતી ફરે કાગડીના માળા
રંગ એનો રૂડો મજાનો જાણે વાદળની બેન
ટહુકા એના સાંભળી તડકાને ચડતું ઘેન
ચાળા એના પાડો તો સામા પાડતી ચાળા
કોયલ એકલી ફરવા ચાલી ચશ્મા પ્હેરી કાળા
વસંતને વધાવતાં એ કદી ન થાકે
કાચી કેરી ખાઈ-ખાઈ ચાંચ એની પાકે
શિયાળાને આવતો જોઈ મોં એ મારે તાળાં
કોયલ એકલી ફરવા ચાલી ચશ્મા પ્હેરી કાળા
ચશ્મા પહેરી કોયલે કર્યુ કેટ-વોક
બધા દેખતાં એ તો કદી ન કરે ટોક
પાંખ ભૂલીને ક્યારેક ચાલે છે પગપાળા
કોયલ એકલી ફરવા ચાલી ચશ્મા પ્હેરી કાળા
વધુ આગળ વાંચો »
Published By : ReadGujarati · Permalink · Comments (5)
બાળકાવ્યો – સંકલિત
Sunday, September 27, 2009 · પ્રકાર : બાળ સાહિત્ય · સાહિત્યકાર : સંકલિત · 2 પ્રતિભાવો
[1] ઉનાળાનો તડકો – ડૉ. આઈ. કે. વીજળીવાળા
ઉનાળાનો કેવો તડકો,
જાણે ધોળો-ધોળો ભડકો !
શેરી રસ્તા ખાલીખમ, ને
પહોળી પહોળી લાગે સડકો.
બપોરના સૌ ઘરમાં બંધ,
લૂ લાગવાનો સૌને ફડકો.
પાણી છાંટો ઘરમાં બારે,
માથે ઠંડા પોતાં ખડકો !
લીંબુ-શરબત છાશ પીઓ સૌ,
કેરી રસનો લો સબડકો !
વાદળ લાવે, વરસાદ લાવે,
તેથી ગમતો અમને તડકો !
. વધુ આગળ વાંચો »
Published By : ReadGujarati · Permalink · Comments (2)





