મિસરીનો ઝૂલો – શ્રદ્ધા ત્રિવેદી
Thursday, March 25, 2010 · પ્રકાર : બાળ સાહિત્ય · સાહિત્યકાર : શ્રદ્ધા ત્રિવેદી · 7 પ્રતિભાવો
[ બાળવાર્તા : ‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.]
ગામને પાદર એક નાનું મજાનું આંબાવાડિયું. લોકોએ એનું નામ પાડેલું નંદનવન. આ નંદનવનમાં ચકલીની ચીં…ચીં….ચી….ને કબૂતરનું ઘૂ…ઘૂ…ઘૂ…. કોયલનું કૂહુક અને મોરનું ટેંહુક સંભળાયા કરે. ત્યાં લીલાં મરચાં ખાઈ લીલાં થયેલા પોપટો પણ ખરા ને આમતેમ દોડતી ખિસકોલીઓ પણ ખરી. ખિસકોલીઓ તો બધાં ઝાડ પર પહોંચે. તો ગામનાં ગાય, ગધેડું ને કૂતરું પણ લટાર મારવા આવે. ક્યારેક સસલાભાઈ પણ આવે ને વાંદરાઓની તો વાત જ ના થાય ! ક્યારેક આખું ટોળું નંદનવનમાં કૂદાકૂદ કરે તો ક્યારેક આસપાસનાં ગામમાં ! આસપાસનાં ગામનાં લોકો રજાને દહાડે આવે, ખાય-પીએ, રમે-નાચે-કૂદે-ગાય ને મજા કરે ને સાંજ પડ્યે જાય. જે દહાડે લોકો કે છોકરા-છોકરીઓ આવે તે દહાડે આ બધાંને મજા ! તેમનેય જાતભાતનું ખાવાનું મળે.
આ નંદનવનમાં એક ચકલીનું કુટુંબ રહે. બાજુના ઝાડ પર બીજી ચકલી રહે. એક ચકલીને બે બચ્ચાં. ચકીએ તેમના નામ પાડેલાં માખણ ને મિસરી. બાજુમાં રહેતી ચકલીને એક બચ્ચું. તે બહુ કોમળ ! મિસરીએ જ તેનું નામ પાડ્યું : ‘પાંખડી.’ એક વાર તેમને ત્યાં મહેમાન આવેલા. તેમણે પૂછ્યું, ‘તમે બચ્ચાંનાં નામ પાડ્યાં છે ? આપણે ક્યાં માણસો છીએ કે નામ પાડવાનાં હોય ?’ ત્યારે આ ચકીમમ્મીએ કહ્યું : ‘સાંભળો. વાત એમ બનેલી કે એક વાર એક નિશાળની ટૂર આવેલી. તેમાં એક મિસરી કરીને છોકરી હતી. તે બહુ ભલી હતી. તેણે આ બચ્ચાંને સરસ રીતે રમાડેલાં. મિસરી તે દહાડે ડબ્બો ભરીને સુખડી લાવેલી. તે બધાંને આપતી. તેણે તો લાલિયા કૂતરાને આપેલી ને આપણી ખિલી ખિસકોલીનેય આપેલી. મારાં આ બચ્ચાંને તો નાની નાની કટકી કરીને ખવડાવતી. મને એ છોકરી ખૂબ ગમી ગઈ. એ મિસરીએ મારા આ નાનકા ચકાને જોઈ કહ્યું : ‘આ કેવું માખણ જેવું લીસું લીસું છે !’ મને આ બધું બહુ ગમ્યું. ને મેં આમનાં નામ પાડી દીધાં : માખણ ને મિસરી.’
વધુ આગળ વાંચો »
Published By : ReadGujarati · Permalink · Comments (7)
બહુ મઝા પડે – ડૉ. રક્ષાબહેન પ્ર. દવે
Sunday, March 21, 2010 · પ્રકાર : બાળ સાહિત્ય · સાહિત્યકાર : ડૉ. રક્ષાબહેન પ્ર. દવે · 4 પ્રતિભાવો
[બાળગીત : ‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.]
આ મામા ચંદર, આપણા ઘરની અંદર,
જમવા આવે તો ? બહુ મઝા પડે.
બહુ મઝા પડે, બહુ મઝા પડે, બહુ મઝા પડે.
ટોપલી ટાંગી ઊંચી, એમાં ચકલી ચીંચીં,
માળા બાંધે તો ? બહુ મઝા પડે.
બહુ મઝા પડે, બહુ મઝા પડે, બહુ મઝા પડે.
આ મોરલો મીઠો, કળા કરતો દીઠો,
પીછું આપે તો ? તો ? બહુ મઝા પડે.
બહુ મઝા પડે, બહુ મઝા પડે, બહુ મઝા પડે.
આ પતંગિયું લીલું, પેલું રાતું પીળું,
હાથમાં આવે તો ? બહુ મઝા પડે.
બહુ મઝા પડે, બહુ મઝા પડે, બહુ મઝા પડે.
પીઠે પટ્ટા વાળી ખિસકોલી રૂપાળી,
રમવા આવે તો ? બહુ મઝા પડે.
બહુ મઝા પડે, બહુ મઝા પડે, બહુ મઝા પડે.
પૂજામાં જે કાનો, બેઠો છાનો માનો,
વાંસળી વગાડે તો ? બહુ મઝા પડે.
બહુ મઝા પડે, બહુ મઝા પડે, બહુ મઝા પડે.
Published By : ReadGujarati · Permalink · Comments (4)
મોટું જુઠાણું – કનુભાઈ રાવલ
Saturday, March 13, 2010 · પ્રકાર : બાળ સાહિત્ય · સાહિત્યકાર : કનુભાઈ રાવલ · 10 પ્રતિભાવો
[‘હાસ્ય-કથામાળા’માંથી બાળવાર્તા સાભાર.]
મિથિલાના રાજા શિવસિંહ. એમનો એક રાજકુંવર. એનું નામ વિરેન્દ્ર. ત્યાંના દીવાનનો એક પુત્ર. એનું નામ રાજેશ. એ ગામના વેપારીને પણ એક પુત્ર. એનું નામ મહેશ. આ ત્રણેય ભાઈબંધો આખો દિવસ સાથે ને સાથે. ફરવા જાય તો પણ સાથે.
એક વાર બધા સાથે બેઠા હતા રાજેશને તુક્કો સૂઝ્યો. તે બોલ્યો :
‘આપણે કશુંક નવું કરીએ. એક રમત રમીએ. એમાં દરેક જણે ખોટી વાત કહેવાની.’
‘બરાબર છે, પણ જે આ વાત જૂઠી છે એમ કહે તે એક હજાર રૂપિયા આપે !’ મહેશ બોલ્યો.
‘શરત મંજૂર છે.’ રાજકુમાર વિરેન્દ્રએ કહ્યું. ત્રણેય મહેલની અગાશી પર બેઠા. સરસ પવન આવતો હતો. રાજેશે પોતાની વાત શરૂ કરી. તેણે કહ્યું, ‘આજથી સો વર્ષ પહેલાંની વાત છે. મારા પિતાજી અહીંના રાજા હતા. તે સમયે શિવસિંહ પાસે ખાવાનું અનાજ નહોતું. તેઓ ખૂબ ગરીબ, રસ્તે રખડતા ભિખારી એટલે મારા પિતાજીએ એમને નોકરીએ રાખ્યા.’
વાત સાંભળતાં જ રાજકુમારનો મિજાજ ગયો. તે ગુસ્સે થયો. એણે રાજેશને એક તમાચો લગાવ્યો અને બોલ્યો : ‘તું ખોટો છે. તારા પિતાજી ક્યારે રાજા હતા વળી ?’
‘લાવો રાજકુમાર 1000 રૂ. તમે શરત પ્રમાણે વાત ખોટી છે એમ બોલી ગયા ને !’ રાજેશે કહ્યું. રાજકુમારે શરત પ્રમાણે 1000રૂ. આપવા પડ્યા.
હવે મહેશનો વારો હતો. એણે પોતાની વાત શરૂ કરી.
‘ઘણા વર્ષો પહેલાં રાજા મારા પિતા પાસે ભીખ માંગવા આવ્યા હતા…..’
બસ ! રાજકુમાર સાંભળી ન શક્યો. એનો મિજાજ ગયો. ગુસ્સાથી લાલચોળ થઈને તેણે મહેશને બે ચાર લપડાક લગાવી અને બોલ્યો : ‘મોઢું સંભાળીને વાત કરજે, નહિ તો જાનથી મારી નાખીશ. તારા પિતા પાસે મારા પિતાજી ભીખ માંગે ? ખોટી વાત…..’
‘એ જ તો શરત હતી ને કુમાર ! તમે મારી વાતને જૂઠી કહી. તો લાવો હવે હજાર રૂપિયા !’ મહેશ બોલ્યો. રાજકુમાર વિરેન્દ્રએ શરત મુજબ પૈસા આપવા પડ્યા. હવે વારો રાજકુમારનો હતો. તે ખૂબ ગુસ્સે થયેલો હતો અને તેની તબિયત પણ બરાબર નહોતી. તે બોલ્યો : ‘હું આવતીકાલે મારી વાત કહીશ.’
વધુ આગળ વાંચો »
Published By : ReadGujarati · Permalink · Comments (10)
ચૂંટેલી બાળવાર્તાઓ – રમણલાલ સોની
Monday, February 22, 2010 · પ્રકાર : બાળ સાહિત્ય · સાહિત્યકાર : રમણલાલ સોની · 6 પ્રતિભાવો
[‘લાડુની જાત્રા અને બીજી વાર્તાઓ’ પુસ્તકમાંથી સાભાર.]
[1] મિયાં-બીબી
રહીમભાઈ શેઠના દીકરાની શાદી હતી. દેશપરદેશથી કેટલાયે મહેમાનો પધાર્યા હતા. ભારે જલસો થયો. પણ શેઠ પોતાના ગરીબ પડોશી કડુમિયાંને જલસામાં નિમંત્રણ આપવાનું ભૂલી ગયા. શાદી ધામધૂમથી પતી ગઈ. કડુમિયાં બીબીને કહે : ‘આવડો મોટો રહીમભાઈ શેઠ, એના દીકરાની શાદી અને પડોશીનું મોં ગળ્યું ન થાય એ કેવી વાત ?’
બીબી કહે : ‘તો હું મોં ગળ્યું કરાવું !’
મિયાં કહે : ‘ક્યાં ? અહીં કે તહીં ?’
બીબી કહે : ‘તહીં !’ એમ કહી તેણે મિયાંના હાથમાં ઝાડુ પકડાવી દઈ કહ્યું : ‘મિયાં, હવે તમે થાઓ ગુસ્સે અને ઝાડુ લઈ મને મારવા દોડો ! જુઓ, હું માથાના વાળ છૂટા મેલી ઘરમાંથી ભાગું છું….એક-દો-તીન !’ બોલતાં બોલતામાં તો બીબીના ઢંગ ફરી ગયા. મોંમાથી ચીસ નીકળી ગઈ : ‘બચાવો ! બચાવો ! મિયાં મને મારી નાખે છે !’
મિયાંને બીબીની વાત પર બહુ વિશ્વાસ. બીબીની પાછળ એણે ઝાડું લઈ દોટ મૂકી : ‘ઊભી રહે, આજે તારી ખેર નથી. ટીપીટીપીને તારો રોટલો ન કરી નાખું તો મારું નામ કડુમિયાં નહિ !’ રહીમભાઈ શેઠ પોતાના બંગલાની ચોપાડમાં ખુરશી નાખી બેઠા હતા. કડુમિયાંની બીબી ‘મરી ગઈ ! મરી ગઈ !’ એવી ચીસો પાડતી એમના ઘરમાં ઘૂસી ગઈ અને પાછળ ઝાડુ લઈને દોડી આવતા કડુમિયાં શેઠના હાથમાં પકડાઈ ગયાં. મિયાં કહે : ‘છોડો મને ! આજે કાં બીબી નહિ, કાં હું નહિ !’
મિયાંના ખભે હાથ મૂકી શેઠે કહ્યું : ‘બીબીની કંઈ ભૂલ થઈ હોય તો માફ કરી દો, મિયાં, તમે સમજદાર માણસ છો !’
મિયાંએ દાંત ભીંસી કહ્યું : ‘નહિ, એણે મારો જીવ ખાઈ નાખ્યો છે, આજે હું એને ખાઈ નાખીશ.’
શેઠે કહ્યું : ‘તમે મારા ઘરમાં ઘૂસી બીબીને મારો, તો ગામમાં મારી આબરૂનું શું ? લોકો કહેશે કે રહીમભાઈના ઘરમાં બીબીને માર પડ્યો !’
મિયાં કહે : ‘પણ બીબી મારી છે !’
શેઠ કહે : ‘પણ ઘર મારું છે ને !’
વધુ આગળ વાંચો »
Published By : ReadGujarati · Permalink · Comments (6)
કેટલીક બાળવાર્તાઓ – સંકલિત
Saturday, February 13, 2010 · પ્રકાર : બાળ સાહિત્ય · સાહિત્યકાર : સંકલિત · 9 પ્રતિભાવો
[1] જીવનનું ધ્યેય – સાંકળચંદ પટેલ
(‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.)
કોઈ એક ગામમાં અજરામ નામનો એક ભાટ રહેતો હતો. તે આળસુનો પીર હતો. ખાવુંપીવું અને ઊંઘવું એમાં એ આખો દિવસ પસાર કરતો હતો. એ સિવાય એને બીજું કાંઈ કામ નહોતું. એ મોટો થયો ત્યાં સુધી એના પિતાએ એનું પોષણ કર્યું. એના પિતાએ કામધંધો કરવા એને ઘણું સમજાવ્યો પરંતુ એ માન્યો નહિ. એ તો આળસુ જ રહ્યો. એના પિતાના મરણ પછી એની કફોડી સ્થિતિ થઈ. ઘરમાં જે ધન હતું તે બધું ખરચાઈ ગયું.
એક દિવસે એની પત્નીએ એને કહ્યું : ‘આમ આળસુ થઈને ક્યાં સુધી બેસી રહેશો ? ઘરનું બધું ધન ખાવાપીવામાં વપરાઈ ગયું છે. હવે શું ખાશો. ધ્યેય વગરનું જીવન નકામું છે. જીવનમાં કોઈ ને કોઈ લક્ષ્ય હોવું જોઈએ. લક્ષ્ય વગરનું જીવન સુકાન વગરના વહાણ જેવું છે. ગમે તે બાજુ તણાઈ જાય ! બધા લોકો પોતાના જીવન સાથે કંઈક લક્ષ્ય રાખીને જીવે છે. જ્યારે તમારે તો લક્ષ્ય જેવું કંઈ છે જ નહિ. હજુ કંઈ બગડી ગયું નથી. જીવનમાં કંઈક લક્ષ્ય રાખશો તો સુખી થશો.’
અજરામ આળસુ હતો તેથી જીવનમાં મોટું લક્ષ્ય તો તેનાથી પળાય એમ હતું જ નહિ. છતાં કંઈક લક્ષ્ય તો હોવું જ જોઈએ એવું તેને લાગવા માંડ્યું હતું અને પત્ની પણ આખો દિવસ દબાણ કર્યા કરતી હતી. જીવનમાં જેનાથી ઓછી મુસીબત પડે એવું લક્ષ્ય રાખવાનો અજરામે નિર્ણય કર્યો. પત્નીને બોલાવીને તેણે કહ્યું : ‘તારી ઈચ્છા હોવાથી આજથી મેં મારા જીવનનું ધ્યેય નક્કી કરી દીધું છે. આજથી હું આપણા પાડોશી ધનજી કુંભારના ગધેડાના કાન પકડીને પછી જ ખાઈશ. જ્યાં સુધી કાન નહિ પકડું ત્યાં સુધી ખાઈશ નહિ.’ અજરામની પત્નીને અજરામની આવી પ્રતિજ્ઞા સાંભળીને હસવું આવ્યું, પરંતુ તેણે મનમાં વિચારીને કહ્યું : ‘ભલે, જીવનમાં કશું ધ્યેય ન હોય એના કરતાં કંઈક પણ ધ્યેય હોય એ સારું છે.’
વધુ આગળ વાંચો »
Published By : ReadGujarati · Permalink · Comments (9)
લાડુની જાત્રા અને બીજી વાર્તાઓ – રમણલાલ સોની
Thursday, February 4, 2010 · પ્રકાર : બાળ સાહિત્ય · સાહિત્યકાર : રમણલાલ સોની · 13 પ્રતિભાવો
[ જાણીતા બાળસાહિત્યકાર શ્રી રમણલાલ સોનીની કલમે લખાયેલી સુંદર બાળવાર્તાઓમાંથી કેટલીક ચૂંટેલી બાળવાર્તાઓનું સંપાદન તેમના પુત્રવધૂ શ્રીમતી રેણુકાબેન શ્રીરામ સોનીએ ‘લાડુની જાત્રા અને બીજી વાર્તાઓ’ શીર્ષક હેઠળ કર્યું છે. સૌ બાળકો સુધી આ સંસ્કાર વારસો પહોંચે તે માટે કુલ 214 પાનામાં પ્રકાશિત કરાયેલી 51 જેટલી વાર્તાઓનું આ પુસ્તક રાહતદરે ફક્ત 50 રૂપિયામાં આપવામાં આવે છે. બાળકોની કલ્પનાશક્તિ ખીલવવા માટે તેમજ તેમને રોજ અવનવી વાર્તાઓ દ્વારા સંસ્કૃતિનો પરિચય કરાવવા માટે દરેક માતાપિતાએ આ પુસ્તક વસાવવા જેવું છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. – તંત્રી.]
[1] પકડ કાન !
એક હતો બ્રાહ્મણ. બહુ ભોળો, બહુ ગરીબ.
શ્રાવણ મહિનો આવ્યો, એટલે એ નીલકંઠ મહાદેવના મંદિરમાં જઈને બેઠો. હાથમાં માળા અને જીભે ભગવાનનું નામ. મહિનો પૂરો થયો એટલે એની તપસ્યાથી પ્રસન્ન થઈ લોકોએ એને એક ગાય આપી. બ્રાહ્મણ ગાય લઈને ઘેર જતો હતો, ત્યાં રસ્તામાં એક ઠગ મળ્યો. ગાય જોઈને ઠગ કહે : ‘અરેરે, આપણા લોકો દાનધરમ કરતાં ક્યારે શીખશે ? આવી ગાય બ્રાહ્મણને દાનમાં અપાતી હશે કદી ? આ ગાય તો માત્ર સાડા ત્રણ અઠવાડિયાં દૂધ દેનારી છે !’
આ સાંભળી બ્રાહ્મણને થયું કે આવી ગાય ઘેર લઈ જવા કરતાં વેચી દેવી સારી ! એણે ઠગને કહ્યું : ‘તમે જ આ ગાય વેચાતી લઈ લો !’
ઠગે કહ્યું : ‘આપણે કોઈ પાસે એની કિંમત કરાવીએ.’
નજીકમાં જ એક ઝૂંપડું હતું. ઝૂંપડામાં એક ખાટલા પર એક વૃદ્ધ બેઠેલો હતો. ઠગે અને બ્રાહ્મણે બેઉએ એ વૃદ્ધને ગાયની કિંમત કરવા કહ્યું. વૃદ્ધે પૂછપરછ કરી બધી વાત જાણી લીધી. પછી કહ્યું : ‘આ ગાય અપલખણી છે, માત્ર સાડા ત્રણ અઠવાડિયાં દૂધ દેનારી છે, એટલે એની કિંમત સાડા ત્રણ રૂપિયા !’
બ્રાહ્મણે કહ્યું : ‘માત્ર સાડા ત્રણ રૂપિયા ?’
વૃદ્ધે કહ્યું : ‘મારે તો ન્યાયથી બોલવાનું. ગાય ચાલીસ અઠવાડિયાં દૂધ દેનારી હોત તો હું એની કિંમત ચાલીસ રૂપિયા કહેત !’
વધુ આગળ વાંચો »
Published By : ReadGujarati · Permalink · Comments (13)
કેવી અજબ જેવી વાત છે – ઉપેન્દ્રચાર્ય
Saturday, January 2, 2010 · પ્રકાર : બાળ સાહિત્ય · સાહિત્યકાર : ઉપેન્દ્રાચાર્ય · 13 પ્રતિભાવો
નાની મારી આંખ, એ જોતી કાંક કાંક
……….. એ તો કેવી અજબ જેવી વાત છે!
નાક મારું નાનું એ સુંઘે ફૂલ મઝાનું
……….. એ તો કેવી અજબ જેવી વાત છે!
નાના મારા કાન, એ સાંભળે દઈને ધ્યાન
……….. એ તો કેવી અજબ જેવી વાત છે !
નાના મારા હાથ, એ તાળી પાડે સાથ
……….. એ તો કેવી અજબ જેવી વાત છે !
આંગળી મારી લપટી, એથી વગાડું ચપટી
……….. એ તો કેવી અજબ જેવી વાત છે !
પગ મારા નાના, એ ચાલે છાનામાના,
……….. એ તો કેવી અજબ જેવી વાત છે !
Published By : ReadGujarati · Permalink · Comments (13)
સમજણ – નીલમ દોશી
Friday, December 18, 2009 · પ્રકાર : બાળ સાહિત્ય · સાહિત્યકાર : નીલમ દોશી · 41 પ્રતિભાવો
[ગુજરાતી સાહિત્યના વિવિધ પ્રકારો પૈકી ‘બાળનાટકો’ ક્ષેત્રે ખૂબ ઓછા સંગ્રહો પ્રકાશિત થયેલા છે. તાજેતરમાં જાણીતા સાહિત્યકાર નીલમબેન દોશીનું ‘જન્મદિવસની ઉજવણી’નામનું પુસ્તક સુંદર બાળનાટકો લઈને આવ્યું છે. આ નાટ્યસંગ્રહની ખાસ વિશિષ્ટતા એ છે કે તેમાંના દરેક નાટક સફળતાપૂર્વક ભજવાઈ ગયેલ છે અને સુંદર પ્રતિસાદ મેળવી ચૂકેલ છે. આજે માણીએ તેમાંથી એક બાળનાટક. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રીમતી નીલમબેનનો (ઓરિસ્સા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nilamhdoshi@yahoo.com અથવા આ નંબર પર +91 9556146535 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
પાત્રો :
દાદીમા
પપ્પા
અનંત : (તેમનો દીકરો લગભગ દસ વરસનો)
હિનલ : (અનંતની નાની બહેન આઠ વરસની)
સ્થળ :
મધ્યમ વર્ગનું હોય તેવું સમાન્ય ઘર.
(બંને બાળકો યુનિફોર્મમાં તૈયાર થઈને અંદરથી આવે છે. દાદીમા માળા ફેરવતાં બેઠાં છે.)
અનંત : ગુડ મોર્નિંગ દાદીમા
દાદીમા : જે શ્રીકૃષ્ણ કે’વાય બેટા….
હિનલ : દાદીમા, અમને તો સમજાતું જ નથી કે અમારે તમારું માનવું કે સ્કૂલમાં ટીચરનું ?
દાદીમા : એટલે ?
અનંત : એટલે એમ જ કે તમે કહ્યા કરો કે ગુજરાતીમાં બોલો…. આપણી માતૃભાષામાં વાત કરો….
હિનલ : ને સ્કૂલમાં ભૂલથી પણ ગુજરાતીમાં બોલાઈ જવાય તો ટીચર ગુસ્સે થાય છે.
અનંત : એટલે અમારે તો બંને વચ્ચે સેન્ડવીચ જ થવાનું.
હિનલ : અરે, ક્યારેક ક્યારેક તો કંઈ સમજાય પણ નહીં. તમે કહો છો, ‘લે બેટા, આ ફલાવરનું શાક…’ અને સ્કૂલમાં ટીચર કહેશે પાંચ ફ્લાવરનાં નામ આપો.
અનંત : અને પપ્પા કહેશે હાય ! માઈ સન… અને સ્કૂલમાં કહે…. ‘Where is rising Sun ?’
હિનલ : આ બધા શબ્દોના ગોટાળા… ને અમારી મૂંઝવણનો તો પાર નહીં….
દાદીમા : મને તો કઈ ખબર નથી પડતી.
અનંત : અરે દાદીમા, જવા દો…… એ બધી વાતો તમને નહીં સમજાય.
દાદીમા : કેમ અમને નહીં સમજાય ? ને એવું હોય તો તમે સમજાવો.
હિનલ : સમજાવું ? ઓ.કે. જુઓ એક નાનકડું ગીત કહું છું. સાંભળો (બંને ગાય છે.)
વધુ આગળ વાંચો »
Published By : ReadGujarati · Permalink · Comments (41)





