થોડુંક વિચારીએ…. – તંત્રી
પ્રિય વાચકમિત્રો,
રીડગુજરાતી પર રોજ સૌ લેખો પર ‘કોમેન્ટ’ લખે પરંતુ આજે મને થયું કે હવે ‘કોમેન્ટ’ પર લેખ લખવાનો સમય આવી ગયો છે ! તેથી આ પ્રતિભાવ લખવાની સુવિધા વિશે કેટલીક બાબતો આપની સાથે વહેંચવા માગું છું. મને આશા છે કે આપ એ વિશે ગંભીરતાથી વિચારશો.
આપણે પ્રતિભાવ શા માટે લખીએ છીએ ? સ્વાભાવિક છે કે પુસ્તક, સામાયિક કે અખબાર વાંચીને આપણે લેખકને તુરંત ફોન કરી દેતા નથી. ઘણીવાર તો લેખક સાથે આપણો કોઈ સંપર્ક કે ઓળખાણ હોતી નથી. કોઈ સુંદર લેખ વાંચીને લેખકને બિરદાવવાનું મન હોય તો પણ સંપર્ક કરવો અઘરો બની જાય છે. 21મી સદીમાં ટેકનોલોજીના આ માધ્યમથી લેખકને આપણો વિચાર પહોંચાડવો સરળ બની રહે છે. પ્રતિભાવ લખવાનો હેતુ લેખકનો લેખ વાંચ્યા પછી આપણા મનમાં જે વિચાર ઊગ્યો હોય તેને સર્જક સુધી પહોંચતો કરવાનો હોવો જોઈએ. શક્ય છે કે કોઈ વાર્તામાં આપણને અમુક સંવાદ, દ્રશ્ય કે વિચાર ન ગમ્યા હોય. એ બાબતો વિશે પણ આપણે વિવેકથી આપણું મંતવ્ય જરૂર રજુ કરી શકીએ. પ્રતિભાવ લખવો એટલે લેખકના વિચાર સાથે સંમત થઈ જવું એમ તો નથી જ પરંતુ સાથે સાથે વિરોધમાં આક્રમકતા હોવી પણ જરૂરી નથી. આપણી ભાષા એ આપણા સ્વભાવનો પરિચય છે.
પ્રત્યેક લેખનું સ્તર એક પ્રકારનું હોતું નથી. બાળવાર્તા સરળતાથી સમજાઈ જાય છે જ્યારે અમુક લેખો વિચારમંથન માંગી લે છે. એ પ્રકારના લેખો પર ઉતાવળે લખાયેલો અભિપ્રાય ક્યારેક લેખના વિષયને બરાબર ન્યાય આપી શકે તેમ હોતો નથી. ઘણીવાર તો બે-ત્રણ વાર વાંચન થાય ત્યારે લેખકના કહેવાનું તાત્પર્ય બરાબર સમજાતું હોય છે. મનનને વાંચન બાદ એથી જ તો બીજા ક્રમે મૂકવામાં આવ્યું છે. વિચારશીલ લેખોના તત્વને યોગ્ય રીતે સમજ્યા વગર લખાતા પ્રતિભાવોની દિશા ક્યાંક તો સાવ અલગ હોય છે અથવા તો એ પ્રતિભાવો ઉપર ઉપરથી લખાયેલા હોય છે.
વધુ આગળ વાંચો »
આભાર – તંત્રી
રીડગુજરાતી તરફથી પ્રકાશિત થયેલી પ્રથમ પુસ્તિકા ‘જીવનપાથેય’ને સુંદર પ્રતિસાદ આપવા બદલ હું આપ સૌ વાચકમિત્રોનો આભારી છું. છેલ્લા પંદર દિવસમાં આ પુસ્તિકાની 300 થી વધુ નકલો યુ.કે, કેનેડા, અમેરિકા તેમજ ભારતના અનેક શહેરોના વાચકો સુધી પહોંચી શકી છે તે આનંદની વાત છે. આ પુસ્તિકાની કુલ 500 પ્રત પ્રકાશિત કરવામાં આવી છે. આથી જે વાચકમિત્રો, એક કે તેથી વધુ નકલો મેળવવા ઈચ્છતા હોય તેઓ કૃપયા પોતાનો ઑર્ડર સત્વરે નોંધાવી લેશો તેવી નમ્ર વિનંતી. હાલમાં આ પુસ્તિકા ભાવનગરના ‘પ્રસાર’ તેમજ વડોદરાના ‘ક્રોસવર્ડ’ ખાતેથી પણ મેળવી શકાશે.
આપ અહીંથી ઑર્ડર નોંધાવી શકો છો : Click Here to Order
રીડગુજરાતી તરફથી આગામી પુસ્તિકાઓ માટે આપનું યોગદાન આવકાર્ય છે : Click Here to Donate
સૌ વાચકમિત્રોને પ્રણામ.
લિ.
મૃગેશ શાહ
તંત્રી, રીડગુજરાતી.
+91 9898064256
જીવનપાથેય : ‘રીડગુજરાતી પુસ્તિકા’ – તંત્રી
આજના મંગલ પ્રભાતે રીડગુજરાતીની આ પ્રથમ પુસ્તિકા ‘જીવનપાથેય’ આપ સૌ વાચકો સમક્ષ મૂકતાં હું અત્યંત આનંદની લાગણી અનુભવું છું. આપના પ્રોત્સાહન, સહકાર અને શુભેચ્છાઓથી આજે આ સપનું સાકાર બન્યું છે ! આ પુસ્તિકાનું નામ ‘જીવનપાથેય’ રાખવામાં આવ્યું છે. ‘જીવનપાથેય’ એટલે કે જીવનપંથ માટેનું ભાથું. અહીં ભાથું એટલે કે સુસાહિત્યનો સંચય. એક એવા પ્રકારનો વૈચારિક ખોરાક કે જે આપણા ચિત્તને પોષણ પૂરું પાડે અને મનને અનેરી તાજગી બક્ષે.
મને હંમેશા એમ લાગે છે કે વાંચવું એટલે કશુંક પામવું. જે વાંચીને કશુંક મેળવ્યાનો અહેસાસ થાય તેને જ ખરા અર્થમાં વાંચન કહી શકાય. તેથી જ રીડગુજરાતી પર હું વાચકોને માત્ર ગમે એવા નહિ, પરંતુ સૌ વાચકો માટે ખરેખર વાંચવા જરૂરી હોય તેવા લેખો પસંદ કરવાનો આગ્રહ રાખું છું. સારું વાંચન આપણને હંમેશા વિચારવા મજબૂર કરે છે. ક્યારેક એ વિચારો આચરણમાં પરિણમીને માનવીય ચારિત્ર્યનું ઘડતર કરતાં હોય છે. આપણા જીવન ઘડતરમાં આપણને મદદરૂપ બને તેવા કુલ 18 જેટલા વિવિધ પ્રકારના ઉત્તમ લેખોનો આ ‘જીવનપાથેય’માં સમાવેશ કરવામાં આવ્યો છે. આ લેખોમાં મુખ્યત્વે નિબંધો, વાર્તા, પ્રેરક-પ્રસંગો, બાળવાર્તા, લઘુકથાઓ અને સત્યઘટનાઓ છે. રીડગુજરાતી પર અગાઉ પ્રકાશિત થયેલા તેમજ કેટલાક અપ્રકાશિત લેખો પણ આ પુસ્તિકામાં સમાવી લેવાયાં છે. મનગમતા લેખોને કાયમીરૂપે સાચવી રાખવા માટે અથવા ફુરસદના સમયે ફરીથી મમળાવવા માટે કે કોઈ પરિચિત મિત્રોને વહેંચવા માટે આ પુસ્તિકા આપને મદદરૂપ થઈ રહેશે તેમ હું માનું છું.
વધુ આગળ વાંચો »
એક વિરામ – તંત્રી
પ્રિય વાચકમિત્રો,
રીડગુજરાતીના નિયમિત મેઈન્ટેનન્સ કાર્યને અનુલક્ષીને આજે નવા લેખો પ્રકાશિત થઈ શકશે નહીં, તેની નોંધ લેશો. આવતીકાલે સવારે 8 વાગ્યે (IST) નવા બે લેખો સાથે ફરી મળીશું.
સૌ વાચકમિત્રોને પ્રણામ.
લિ.
તંત્રી, મૃગેશ શાહ
વડોદરા.
રીડગુજરાતી તરફથી પ્રથમ પુસ્તિકા – તંત્રી
પ્રિય વાચકમિત્રો,
આપ સૌ જાણો છો કે રીડગુજરાતી પર શિષ્ટ, જીવનપ્રેરક અને ઉત્તમ પ્રકારનું સાહિત્ય પ્રકાશિત કરવામાં આવે છે. આ પ્રકારના સાહિત્યનું નિત્ય વાંચન એ આજના સમયની તાતી જરૂરિયાત છે. શુભવિચારો દ્વારા જીવનને સ્વસ્થ અને સમૃદ્ધ બનાવવા માટે વાંચન એ જાણે કે રાજમાર્ગ છે ! આપણું ગુજરાતી સાહિત્ય ઉત્તમ કૃતિઓથી ભર્યું પડ્યું છે. જે લોકો ઈન્ટરનેટનો ઉપયોગ ન કરી શકતા હોય અથવા જે વિસ્તારમાં ઈન્ટરનેટની સુવિધા ન હોય અથવા જેમને કેટલાક લેખો કાયમી રીતે સાચવી રાખવા હોય કે મિત્રોને વંચાવવા હોય – તે સૌ માટે શું કરી શકાય ? એ પ્રશ્ન ઘણા સમયથી મારા મનમાં રમતો હતો. પરંતુ તેના નિરાકરણરૂપે કોઈ પુસ્તક પ્રકાશિત કરવાની કે કોઈ સામાયિક શરૂ કરવાની ઈચ્છા નહોતી થતી. આ માટે કારણ એ હતું કે મોટા કદનાં પુસ્તકો ખરીદ્યા પછી પણ યુવા વર્ગને વ્યસ્તતાને કારણે તે વાંચવાનો સમય રહેતો નથી. એ જ રીતે કોઈ પણ સામાયિકની પોતાની મર્યાદાઓ હોય છે. તેનું સ્વરૂપ, કૉલમો અને વિભાગો અગાઉથી નક્કી કરવા પડતાં હોય છે. વળી, સામાયિક પ્રાક્ષિક, માસિક કે દ્વિમાસિક રૂપે નિયમિત પ્રકાશિત થતા હોય છે.
આ બધાંથી દૂર કશુંક નવું કરવાની ઈચ્છા મનમાં હતી, જેનું સ્વરૂપ રીડગુજરાતી જેવું જ હોય. આમાં મુખ્ય બાબત એ છે કે રીડગુજરાતી પર લેખોનો ક્રમ કોઈ નિશ્ચિત હોતો નથી. કોઈ એક દિવસ બાળવાર્તા તો કોઈ એક દિવસ વાનગી. ક્યારેક વળી નિબંધ તો ક્યારેક વળી વાર્તા. નિતનવા પ્રકારોના માધ્યમથી થતું આ મુક્ત વાંચન મનને અનેરી તાજગી બક્ષે છે. એ જ રીતે રીડગુજરાતીમાં પ્રત્યેક સર્જકને સમાન આદર છે. નવોદિતોને પ્રોત્સાહન મળે તેનો વિશેષ ખ્યાલ રાખવામાં આવે છે. માત્ર સુપ્રસિદ્ધ સાહિત્યકારની કૃતિઓ જ પ્રકાશિત કરીને નામના મેળવવાનો અહીં કોઈ ઉદ્દેશ નથી. કર્તા કરતાં કૃતિનું મહત્વ વધારે અગત્યનું છે. રીડગુજરાતીના આ સ્વરૂપને ધ્યાનમાં લેતાં પુસ્તક કે સામાયિક પ્રકારનું માળખું યોગ્ય રીતે બંધબેસતું નીવડે તેમ નહોતું. આથી બુદ્ધના મધ્યમ માર્ગની જેમ એક નવું સ્વરૂપ તૈયાર કરવામાં આવ્યું, જેને આપણે ‘રીડગુજરાતી પુસ્તિકા’ તરીકે ઓળખીશું. કોઈ પણ નવું પ્રકાશન અસ્તિત્વમાં આવે ત્યારે તેનો ઉદ્દેશ અને તેનું સ્વરૂપ જાણવા જરૂરી બને છે. તો આવો, આ પુસ્તિકા પ્રકાશિત કરવાનો ઉદ્દેશ અને તેનું સ્વરૂપ શું છે તેના વિશે વિસ્તારથી માહિતી મેળવીએ.
વધુ આગળ વાંચો »
નૂતનવર્ષાભિનંદન – તંત્રી

આજથી શરૂ થતા વિક્રમ સંવત 2066ની સૌ વાચકમિત્રો, લેખકો તેમજ પ્રકાશકોને શુભકામનાઓ અને સૌને નૂતન વર્ષાભિનંદન. આ નવું વર્ષ આપ સૌને સુખદાયી, ફળદાયી, હૃદયને પ્રસન્ન કરનારું અને પ્રેમપૂર્ણ નીવડે તેવી પ્રભુપ્રાર્થના. રીડગુજરાતીના વિશ્વવ્યાપી તમામ વાચકમિત્રોને મારા સાલમુબારક.
આનંદ, ઉલ્લાસ અને ઉત્સાહનું આ પર્વ આપણને વિવિધ સાહિત્યકૃતિઓનું આજે સ્મરણ કરાવે છે; કારણ કે રંગોળીના રંગ જેવી રીતે ઘરનું આંગણ સજાવે છે, દીપ અંધકારને દૂર કરીને પ્રકાશ ફેલાવે છે – તેવી જ રીતે સાહિત્ય પણ આપણા જીવનમાં રહેલો અજ્ઞાનનો અંધકાર દૂર કરીને તેમાં પ્રસન્નતા, ઉત્સાહ અને નવચેતનાના રંગો પૂરે છે. ઉત્સવો માનવીને માનવીની નજદીક લાવે છે અને એ જ રીતે સાહિત્યનું કામ પણ માનવીને માનવી સાથે જોડવાનું છે. નવું વર્ષ જેવી રીતે જૂની વાતો ભૂલીને પ્રકાશના પંથે આગળ વધવાનો સંકેત કરતું હોય છે, બરાબર તેવી રીતે સાહિત્ય પણ સર્જકને પ્રતિપળ નવસર્જનનો માર્ગ દેખાડતું હોય છે. આ પર્વની સાહિત્ય સાથે આવી સામ્યતા છે.
ઉત્સવના આ દિવસોમાં, રીડગુજરાતીના વાચકો તરફથી SMS, ઈ-મેઈલ અને પત્રો દ્વારા શુભેચ્છા સંદેશ સતત પ્રાપ્ત થતા રહે છે, પરંતુ આટલી વિશાળ સંખ્યામાં પ્રત્યેકને વ્યક્તિગત રીતે પ્રત્યુત્તર પાઠવવો મુશ્કેલ હોવાથી તમામ વાચમિત્રોને અહીં યાદ કરીને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવું છું. આ સાહિત્યયાત્રામાં આર્થિક સહયોગ કરનારા તમામ દાતાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને સાથે તેઓને પણ નૂતનવર્ષાભિનંદન પાઠવું છું. આ સાથે આજના શુભદિને વડોદરાના ગઝલકાર શ્રી સુરેશભાઈ પરમારે ‘સૂર’ (soor789@yahoo.co.in) રચેલી ‘સર્વ મંગલ’ નામની એક તાજી ગઝલ માણીએ.
લો નવું આ વર્ષ, જીવનમાં મચાવે આમ દંગલ;
સુખ મંગલ, શાંતિ મંગલ, શુભ-લાભો સર્વ મંગલ.
કર્મ કરતાં થાય છોને, પરસેવાથી તરબતર તન;
છાંય મીઠી વેરતો રહે, શીર્ષ ઉપર ઈશ-અંચલ.
ચાલવાના યત્નમાં પણ, કષ્ટ જેવું લેશ ના હો;
પગ તળેની તકલીફોને, દાબતા રહે એમ ચંપલ.
કોઈ પણ કારણ સહારે, ‘સૂર’ ઝળહળ થાય તો બસ;
રોશની હો કોડિયાની, કે શમાનું તેજ-મંડલ.
વાચકમિત્રો, કૃપયા નોંધ લેશો કે દિવાળીના આ પર્વ નિમિત્તે તા. 22 સુધી રીડગુજરાતી પર રજા રહેશે. તા. 23 ઑક્ટોબરના રોજ લાભપાંચમના દિવસે નવા બે લેખો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો….
તંત્રી :
મૃગેશ શાહ, વડોદરા.
ફોન : +91 9898064256
shah_mrugesh@yahoo.com
વાર્તા-સ્પર્ધા : 2009 પરિણામ – તંત્રી
પ્રિય વાચકમિત્રો અને સ્પર્ધકો,
ઘણા લાંબા સમયથી જેની આપ રાહ જોઈ રહ્યા છો તે વાર્તા-સ્પર્ધાનું પરિણામ આખરે નિર્ધારિત સમય કરતાં ચાર દિવસ મોડું આવી પહોંચ્યું છે. (આ પરિણામ આપ અહીંથી જોઈ શકો છો : http://www.readgujarati.com/notes/ ) આ પરિણામ અગાઉ કરતાં કંઈક રીતે વિશિષ્ટ છે. તે વિશિષ્ટ એટલા માટે છે કે તેમાં ત્રણ નહીં પરંતુ ચાર વિજેતાઓ જાહેર થયા છે ! વળી, બીજી વિશિષ્ટતા એ છે કે એક જ પરિવારના બે ભાઈઓ પ્રથમ અને દ્વિતિય ક્રમાંક મેળવીને મેદાન મારી ગયા છે ! ચાલો, વિજેતાઓની વિગત જોઈ લઈએ.
[1] પરેશ કળસરિયા, ભાવનગર (ગુજરાત) [વાર્તા: પરી, ગુણ : 197/300 ]
[2-અ] અલ્પેશ કળસરિયા, રાજુલા (ગુજરાત) [વાર્તા : ઉંબર, ગુણ : 195/300]
[2-બ] શીતલ દેસાઈ, વડોદરા (ગુજરાત) [વાર્તા : માણસવેડા, ગુણ : 195/300]
[3] અનાયાસ ઝીંઝુવાડિયા, ન્યુજર્સી (અમેરિકા) [વાર્તા : એટલાન્ટીકની સફરે, ગુણ : 193/300]
પ્રથમ ક્રમાંક મેળવનાર પરેશભાઈ મુખ્યત્વે તો કવિ છે. ફૂલછાબની ગુલમોર પૂર્તિમાં તેઓ લખે છે. 27 વર્ષીય પરેશભાઈ અભ્યાસે બી.એસ.સી, બી.એડ થયેલા છે. તેમની ગઝલ, નઝમ, ગીત, મુક્તક, અછાંદસ કાવ્ય, લઘુકથા અને ટૂંકીવાર્તાઓ જાણીતા અખબારો અને સામાયિકોમાં સ્થાન પામી છે. 2005-06માં રાજ્યકક્ષાનાં યુવક મહોત્સવમાં કાવ્યલેખન સ્પર્ધામાં તેઓ એ પ્રથમ ક્રમ મેળવ્યો છે. 2007માં કરમસદ ખાતે યોજાયેલ ‘માતૃવંદના’ કાર્યક્રમમાં તેમનું ‘શ્રેષ્ઠ નવોદિત કવિ’ તરીકે શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમના ભાઈ શ્રી અલ્પેશભાઈ સાથે તેમણે અનેક કાવ્યસ્પર્ધાઓમાં ભાગ લીધો છે અને આ રીતે સંયુક્ત વિજેતા બન્યા છે. રીડગુજરાતી વાર્તા-સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવનાર તેમની વાર્તા ‘પરી’ નિર્ણાયકોની કસોટીમાંથી પાર ઉતરી છે. બાળપણમાં સાંભળેલી વાર્તાને લઈને કથાનાયકના મનમાં ઊઠતા ભાવો, લગ્ન માટેના પાત્રની પસંદગી અને એ પછી સતત થતી પરીની શોધ અને ગૃહસ્થાશ્રમના વિચ્છેદ સમયે થતું ‘પરી’નું સાચા અર્થમાં મિલન ભારે રોમાંચક છે. પાત્રોની મન:સ્થિતિ, સંજોગો, વિચારો, ઘટના અને સંવાદના માધ્યમથી તેમણે વાર્તામાં મધુર રસસૃષ્ટિ ઊભી કરી છે. આ સુંદર વાર્તા આપણે સોમવારે એટલે કે 17મી ઑગસ્ટે રીડગુજરાતી પર માણીશું. શ્રી પરેશભાઈને ખૂબ ખૂબ શુભકામનાઓ.
વધુ આગળ વાંચો »
રીડગુજરાતી : પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ – તંત્રી

પ્રિય વાચકમિત્રો,
રીડગુજરાતીના આજે પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે આપ સૌનું હાર્દિક સ્વાગત છે ! મોટાભાગના અખબારો અને સામાયિકોમાં ‘તંત્રી લેખ’નો વિભાગ રોજેરોજ અથવા નિયમિતરૂપે પ્રકાશિત થતો હોય છે. તેના દ્વારા સંપાદક કે તંત્રી પોતાના વિચારો અને અનુભવો વાચકો સાથે વહેંચતા હોય છે. પરંતુ રીડગુજરાતી પર એવો કોઈ વિભાગ ન હોવાથી વર્ષમાં એક જ વાર આપ સૌની સાથે વાતો કરવાનો મોકો આ વર્ષગાંઠ નિમિત્તે મળે છે. આમ, આ દિવસ વિશેષ યાદગાર બની રહે છે.
ઘણા દિવસથી મને એમ થતું હતું કે ક્યાંથી શરૂઆત કરું ? આખા વર્ષ દરમિયાન અનેક ઘટનાઓ, પ્રસંગો અને અનુભવોમાંથી પસાર થવાનું બને છે પરંતુ એ તો બધું સમય વીતતા ભૂલાઈ જાય છે. વિચાર કરતાં મને એમ લાગ્યું કે રીડગુજરાતીના પાયાના કેટલાક ઉદ્દેશોથી શરૂઆત કરું. કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા પોતાના મૂળ ઉદ્દેશોને સ્મરણમાં રાખીને ચાલે તો ભૂલા પડવાની શક્યતા ઓછી થઈ જાય છે. સમય વીતે તેમ એ ઉદ્દેશો ભૂલાતા જાય છે તેથી એને સતત સ્મરણમાં રાખવા જરૂરી લાગે છે.
હમણાં થોડા દિવસો પહેલાં મારે એક પુસ્તક વિમોચનમાં જવાનું થયું. મારી બાજુમાં એક પરિવાર હતો. તેમના આશરે પાંચમા-છઠ્ઠામાં ભણતા દીકરાએ એના પિતાને એક વેધક સવાલ પૂછ્યો : ‘પપ્પા, આ આગળની બધી જ ખુરશીઓમાં બેઠેલા લોકોના વાળ સફેદ છે. તે હેં પપ્પા, સાહિત્યમાં શું બધા બુઢ્ઢા લોકો જ આવે ?’ મેં મનોમન એને શાબાશી આપી. સવાલ એકદમ યોગ્ય હતો. સાહિત્યને આપણે જાણે નવરા અને ઘરડાં લોકોની પ્રવૃત્તિ બનાવી દીધી છે ! જેને કંઈ કામ ના હોય એ પુસ્તક વાંચે. એટલે જાણે પુસ્તક વાંચવું એ નિવૃત્ત લોકોની પ્રવૃત્તિ છે ! સાહિત્યને આપણે જીવન સાથે કેમ જોડી શકતા નથી એ મોટો સવાલ છે. આ ખોટી છાપ ભૂંસીને સાહિત્યને સમાજના અત્યંત વ્યસ્ત એવા યુવાવર્ગના હાથમાં મૂકવું એ રીડગુજરાતીનો પહેલો પાયાનો ઉદ્દેશ છે. સાહિત્યમાંથી જીવનની તમામ સમસ્યાઓના સમાધાન મળી શકે છે એની ખાત્રી સમાજને થવી જોઈએ. નિવૃત્ત વડીલો શોખ કે સમયપસાર કરવા સાધન તરીકે પુસ્તકનો ઉપયોગ કરે તેમાં કંઈ ખોટું નથી, પરંતુ જેણે જીવનના સંગ્રામમાં ઝઝૂમવાનું છે તેની માટે સાહિત્ય ઢાલ સમાન બની રહે તો જ સાહિત્યનો કંઈક અર્થ છે. જેવી રીતે સમાજના અમુક ક્ષેત્રોમાં પુરુષોનું વર્ચસ્વ તૂટ્યું અને સ્ત્રીઓ માટેના દ્વાર ખૂલ્યાં એ રીતે સાહિત્યમાં હવે યુવાપેઢી રસ લેતી થાય તે ઈચ્છનિય છે.
આજે દિલ ખોલીને વાત કરવાની છૂટ છે તેથી મારા વ્યક્તિગત અભિપ્રાયો પણ આપની સાથે વહેંચવાનું મન થઈ આવે છે. હું અંગત રીતે એમ માનું છું કે સર્જકે પણ એ તપાસવું રહ્યું કે તેના લેખ સમાજના ક્યા વર્ગ સુધી પહોંચે છે. શું તે યુવાવર્ગને અસર કરી શકે છે ? શું તેના વાચકોમાં વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે ? શું મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરતો યુવાવર્ગ તમારા લેખોમાંથી પ્રેરણા મેળવી શકે છે ? ફક્ત સીમિત વાચકવર્ગ નહીં, લોકહૃદય સુધી પહોંચે તે જ સાચો લેખક ! જાણીતા વૈજ્ઞાનિક ડૉ. પંકજભાઈ જોશી સાથે વાત કરતાં મેં એકવાર કહ્યું હતું કે પુસ્તક વિમોચન રાખવાનું સૌથી ઉત્તમ સ્થળ તો શાળાનું પ્રાંગણ છે. ભલે એ ભૂલકાંઓ પુસ્તક ખરીદવાના નથી પરંતુ એમના ચિત્ત પર એક છાપ પડી જશે કે મારી ભાષામાં આ પ્રકારના પુસ્તકો પ્રગટ થાય છે. મને લાગે છે આપણે આખો ‘એપ્રોચ’ બદલવો પડશે. ‘સૌરાષ્ટ્રની રસધાર’ને પકડીને બેસી રહેવાથી નહીં ચાલે. પ્રાચીન સાહિત્યને સાથે લઈને અર્વાચીન સાહિત્યનો પણ સ્વીકાર કરવો પડશે. જો ખરા અર્થમાં ભાષા અને સાહિત્યને આગળ લઈ જવી હશે તો સમાજની સાંપ્રત સમસ્યાઓ સાહિત્યમાં પ્રતિબિંબિત થવી જોઈએ. માત્ર કલા નહિ, પરંતુ જીવનના સ્તર પર પણ સાહિત્ય આપણને ઉપયોગી થઈ શકે છે એવો વિશ્વાસ યુવાપેઢીમાં પેદા કરવો પડશે. થોડાક સમારંભો, ઉદ્દઘાટનો, સભાઓ અને પુણ્યતિથિની ઉજવણીઓ ઓછી કરીને સાહિત્યને યુવાવર્ગને વધારે ને વધારે ઉપયોગી કેવી રીતે બનાવવું તે સર્જકોએ પણ વિચારવું પડશે.
વધુ આગળ વાંચો »





