કૂંપળ – ડૉ. અશોક એચ. પટેલ
[ કેટલીક કૃતિઓ એવી હોય છે જેને વારંવાર મમળાવવી ગમતી હોય છે. રંગોત્સવના આ પર્વ દરમિયાન અગાઉ પ્રકાશિત (2006) થયેલી આ રમૂજી રચનાઓ અહીં ફરીથી પુન:પ્રકાશિત કરવામાં આવે છે. સૌ વાચકમિત્રોને હોળી-ધૂળેટીના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.]
ગામ આખું કે’ છે
એ હસે છે તો
એના ગાલમાં સુંદર મજાના ખાડા પડે છે.
હું પડ્યો પડ્યો ગણું છું,
આ ખાડામાં, મારા સિવાય
બીજા કેટલાં પડે છે ?
**************
ખુલ્લા
આકાશનું માપ શું ?
લાવ,
તારી આંખને માપશું ?
**************
એવું પેલ્લી વાર બન્યું
ભૂલી ગયો નામ હું મારું !
એમણે હળવેકથી પૂછ્યું :
“શું છે નામ તમારું ?”
**************
‘ખૂબસૂરતની’ જોડણી લખતાં
કાયમ ભૂલ થઈ જાય છે,
હું શું કરું ?
એ યાદ આવી જાય છે.
**************
વધુ આગળ વાંચો »
સાક્ષરનો સાક્ષાત્કાર – સાક્ષર ઠક્કર
[ રમૂજ, હાસ્ય, વ્યંગ અને કટાક્ષની સાવ અલગ રીતે અનુભૂતિ કરાવે તેવી એક યુવા કલમનો આજે રસ માણીએ. શ્રી સાક્ષરભાઈ મૂળે વડોદરાના રહેવાસી છે, વિદ્યાનગરમાં એન્જિનિયરિંગ કર્યા બાદ હાલમાં ન્યુયોર્ક ખાતે ‘માસ્ટર્સ ઈન કોમ્પ્યુટર સાયન્સ’ ભણી રહ્યાં છે. તેઓ સાહિત્યક્ષેત્રમાં ખૂબ આગળ વધે તેવી તેમને શુભકામનાઓ. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : saksharhere@gmail.com ]
[1] પહેલી ચા ઢોળવા પાછળનું લૉજિક
તમે જોયું હશે કે ચાની કીટલીવાળા સવારની પહેલી ચા રસ્તા પર ઢોળી દે છે. આ પહેલી ચાને ‘જગ-ડખા’ની ચા પણ કહેવામાં આવે છે. આનું રહસ્ય હવે તમે જાણો….
બહુ વખત પહેલાંની વાત છે. માતા પાર્વતી સ્નાન કરવા બેઠાં હતાં. ભગવાન શંકરના પુત્ર ગણપતિ બારણે ઊભા હતાં. એમની સાથે શંકર ભગવાનની બોલાચાલી થતાં વાતવાતમાં શંકર ભગવાને ગણપતિનું મસ્તક કાપી નાખ્યું. માતા પાર્વતીએ આ વાત જાણી ત્યારે તેમને ભગવાન શંકર પર ક્રોધ ઊપજ્યો. એમણે માર્ગમાં જે પહેલું આવે એનું મસ્તક લાવવાનો આદેશ આપ્યો. આ પત્નીઓની આદેશ આપવાની પ્રથા એ સમયથી ચાલી આવે છે… જોયું ! ભલે ને પતિ ભગવાન શંકર કેમ ન હોય !
હવે આપણા ઈન્ટરેસ્ટની વાત શરૂ થાય છે.
બૉસનો ઑર્ડર હતો એટલે ભગવાન શંકર તો નીકળ્યા ત્રિશુળ લઈને. માર્ગમાં જે પહેલું નીકળે એનું મસ્તક લેવાનું હતું. ચાલતાં ચાલતાં એમના મનમાં પાર્વતીજીના ગુસ્સા વિશે વિચારો ચાલતાં હતાં. એટલે એ વિચારોને લીધે તેમની દષ્ટિ માર્ગ પર નહોતી. એ માર્ગ પર બે નિર્દોષ દેડકાં (દેડકાંઓ હંમેશા નિર્દોષ જ હોય છે…. કોઈ દિવસ તમને દેડકો કરડ્યો છે ?) રમતા હતાં. એમને મહાદેવના પગની લાત વાગી અને તેઓ દૂર ફેંકાઈ ગયા. બંનેના માથામાં બેઠો માર પડ્યો. (માર બેઠો જ કેમ હોય છે, કોઈને ખ્યાલ હશે ?) અને તેમનું માથું દુ:ખવા લાગ્યું. બંને મહાદેવને રોકવા માટે જોરથી બૂમો પાડવા લાગ્યા :
‘અન્યાય…. ઘોર અન્યાય…. ઘોર અન્યાય…..’
શંકર ભગવાનને થયું : ‘યાર ! આજે કોનું મોઢું જોયું’તું સવાર-સવારમાં ? એક તો ઘેર અન્યાય કરીને આવ્યો, પત્નીનું ટેન્શન અને એમાં આ બીજો અન્યાય કરી નાખ્યો.’ ભગવાન રોકાયા.
વધુ આગળ વાંચો »
હાસ્ય વસંત – રાજુ મેઘા
[ઈ-ટીવી ગુજરાતી પર એન્કર તેમજ સુરતના બીગ-એફ.એમ પર આર.જે તરીકે રહી ચૂકેલાં શ્રી રાજુભાઈ હાલમાં સમભાવ-મેટ્રો, અમદાવાદના એડિટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમના પ્રસ્તુત બંને હાસ્યલેખ, ગુર્જર પ્રકાશન તરફથી પ્રકાશિત થયેલ ‘હાસ્ય ઉત્સવ’ નામના નવોદિત હાસ્યલેખકો માટેના પુસ્તકમાં સ્થાન પામ્યા છે. પ્રસ્તુત છે બંને હાસ્ય લેખ ‘હાસ્ય-ઉત્સવ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ લેખ માટે પરવાનગી આપવા બદલ શ્રી રાજુભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે raajoomegha@yahoo.com અથવા આ નંબર પર +91 9327449678 સંપર્ક કરી શકો છો.]
[1] લાઈવ કરવાની લ્હાયમાં – રાજુ મેઘા
‘હડબડી મેં ગડબડી’ કે પછી ‘ભૂલમાં મિસ્ટેક’ ઘણી વાર થઈ જતી હોય છે, પણ આ ચેનલવાળા જ્યારથી ફૂટી નીકળ્યા છે ત્યારથી બાજરીનું ડૂંડું લઈને રિપોર્ટરો એય ને બોલ્યે રાખે… બોલ્યે રાખે…. એન્કર પાછો સવાલ આવા પૂછે : ‘યે જો પાર્ટી કી મીટિંગ ચલ રહી હૈ ઉસ મેં સે ક્યા નિકલ કે આયેગા ? ક્યા લગતા હૈ આપ કો ?’ અવે એના ઘરનાં એને નથી પૂછતાં કે, ક્યા લગતા હૈ આપ કો ? ખાના ક્યા બનાઉં ? જે આપ્યું તે દબાવીને બિચારો લાઈવ રિપોર્ટિંગ કરવા કો’કના ઘરની બહાર ભરતડકે ઊભો હશે. ‘લાઈવ’ કરવાની લ્હાયમાં બિચારો એમ ને એમ અડધો ‘ડેડ’ થઈ જાય !
પણ ટી.વી. ચેનલની અનોખી દુનિયા છે. કેટલાક દાખલા તમને આપું – જે મેં જોયા છે. ઘણા રિપોર્ટરોની કોઈ ને કોઈ ટેવ હોય છે. એ ટેવ કેમેરા સામે પણ ઘણી વાર આવી જાય. જોકે કેમેરાની પણ પાછી એક ટેવ છે. ઝીણામાં ઝીણી હલચલ ઝડપી લેવાનું એ છોડતો નથી. એક રિપોર્ટર ખબર નહીં કેમ, ઢીલું હશે કે શું, ઘડી-ઘડી પેન્ટ ઊંચે ચઢાવે તો જ એના આત્માને શાંતિ વળે, જીવને ચેન પડે અને મનને રાહત મળે. એના એક હાથમાં પેલું બાજરાનું ડૂંડું એટલે માઈક હોય, એમાં એક હાથ રોકાયેલો રહે. પણ એમ કંઈ હાથ હેઠા મૂકે તો રિપોર્ટર શાનો ? એટલે એણે એક બાજુ બોલવાનું ચાલુ રાખ્યું : ‘અહીંયા ચાલી રહેલી બેઠકમાં બે જૂથ વચ્ચે મતભેદો છે પણ એમાંથી કોઈ ઢીલ મૂકવા તૈયાર નથી (ઢીલ પરથી પેલું ઢીલું પેન્ટ યાદ આવ્યું એટલે બીજા હાથે ચઢાવ્યું.), પણ મને લાગે છે કે બંને બાજુના સભ્યો ખેંચતાણ ચાલુ રાખશે (એણે પણ ખેંચતાણ વધારી) તો પણ ઉકેલ જલ્દી નહીં આવે !’ આવું થાય ત્યારે મને તો કહેવાનું મન થાય કે એનો ઉકેલ તો આવતાં આવશે, તારા પેન્ટનો ઉકેલ વહેલો લાવી દે, ભાઈ ! નહીં તો…….
વધુ આગળ વાંચો »
બારમાનું તેરમું ! – ડૉ. નલિની ગણાત્રા
[ આગામી માસમાં બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે એને અનુલક્ષીને પ્રસ્તુત છે એક હાસ્ય લેખ, ‘હાસ્યમ શરણમ’ પુસ્તકમાંથી સાભાર. ડૉ. નલિનીબેન (અમદાવાદ) વ્યવસાયે આયુર્વેદિક ડૉક્ટર છે અને અમદાવાદની આર્યુવેદિક કૉલેજમાં લેકચરર તરીકે ફરજ બજાવી રહ્યા છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે નલિનીબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9428351120. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
કૉમર્સ બાપના દીકરાવ પડોશીના પાપે અને સગાવહાલાંઓના શાપે બાર સાયન્સમાં આવ્યા હોય એવું અ-સામાજિક વર્તન પડોશીઓ અને સગાસંબંધી સાથે કરે છે. ‘બારૂ’ (બારમાનો વિદ્યાર્થી) અને તેનું કુટુંબકબીલું સમાજથી દૂર અને સ્વભાવે ક્રૂર થઈ જાય છે. પોતે તો કોઈના ઘેર જતા નથી અને કોઈને પોતાના ઘેર આવવા માટે ધૂમ્રપાનની મનાઈ કરતાંય સખત મનાઈ ફરમાવી દે છે. રસ્તામાં સામા મળે તો સ્માઈલ પણ ન આપે. મસ્તીમજાકમાં તો રીતસરનું બ્રહ્મચર્ય પાળે ! એની મુલાકાત સમયે આપણો ચહેરોય ચીમળાઈ જવો જોઈએ એવો એમનો આગ્રહ હોય છે. જ્યારે મળે ત્યારે તમારે સહાનુભૂતિ અવશ્યમેવ બતાવવી પડે, નહીં તો એ આપણને અ-સામાજિક જાહેર કરી દે. જો કે આપણે ત્યાં ‘બારમું’ હોય ત્યારે એ લોકોય સુંદર વ્યવહારિક અભિનય કરતા હોય છે.
અમારા કોઈ જ વાંકગુના કે ઈરાદા વગર ગઈસાલ અમારો એક બાબો દસમામાં અને બીજો બારમામાં હતો. એમાં 67% જનમત આઘાત અને 33% જનમત સહાનુભૂતિ ધરાવતો હતો. લે, તમારે તો આ વખતે બેય બોર્ડ ! એવા લહેકાથી બોલે જાણે આપણે માથે બે સુંદર શીંગડાં ઊગી નીકળ્યાં હોય ! અને 33 ટકાવાળા લોકો એ જ વાક્ય કંઈક એવા લહેકાથી બોલે જાણે આપણને બેય શીંગડાંમાં ગ્લેમરસ ગૂમડાં ફૂટી નીકળ્યાં હોય….! પાછું ઉમેરે, ‘સારું પ્લાનિંગ કર્યું કહેવાય !’ એલા મૂળચંદ, અમને તો અમારા છોકરાંવ દસમા-બારમામાં આવ્યાં એના આગલા દિવસ સુધી એ કયામતની જાણ નહોતી કે આ બંને બોર્ડમાં આવ્યાં, તે પંદર-સત્તર વર્ષ પહેલાં ક્યાંથી પ્લાનિંગ કર્યું હોય ? એક તો આપણા દીકરાઓ આંય સુધી પહોંચ્યા એના આશ્ચર્યમાંથી આપણે ઊંચા આવતાં ન હોઈએ ને એમાં આ લોકોનાં આઘાત અને સહાનુભૂતિઓ સહન કરવાની ! એક બહેન તો હૉસ્પિટલના આઈ.સી.સી.યુ. વોર્ડમાં ખબર કાઢવા આવતાં હોય એટલી ગંભીરતાથી ‘બ્લેક-બોર્ડ’ જેવું મોઢું કરીને કાયમ અમને યાદ કરાવે, ‘તમારે તો ભ’ઈસા’બ, આ વખતે બબ્બે બોર્ડ નહીં ? છોકરાઓનું આ દસમું-બારમું તો…. હારું કરજો…… ભગવાન !’ આ બહેન જો સફેદ સાડીમાં સજ્જ થઈને બોલતાં હોય તો આપણું હૃદય બોંતેર બોંતેર ધબકાર એકસામટા ચૂકી જાય…..! મારી સ્થિતિ તો ટ્વીન્સની જચ્ચા (નવોદિત મા) જેવી થઈ જતી. નાચવું કે રડવું એ ખબર ન પડે ! ટ્વીન્સની માતા પાસે આપણે હરખ કરીએ કે ‘સારું થયું, તમારે એક ખાટલે બે પારણાં !’ તો કહેશે કે – ‘શું સારું ? હેરાન-હેરાન થઈ જવાય છે !’ અને કહીએ એકસાથે બે બાળકો એટલે તકલીફ પડે, નહીં ? તો કહેશે – ‘ના…રે, એક ઘામાં (સિઝેરીયનથી) પતી ગ્યું ને…..!’
વધુ આગળ વાંચો »
હાસ્યમેવ જયતે – સંકલિત
[1] વહતા ભાભા – ગિજુભાઈ બધેકા
નાનું એવું ગામડું હતું. એમાં બધીય વસ્તી અજડ; કંઈ સમજેય નહિ ને સુણેય નહિ. એકેય ચીજને ઓળખેય નહિ ને કોઈને કોઈનું નામેય ન આવડે. એક વખત ચોમાસામાં એક મહોલ્લામાં દેડકું આવ્યું. જન્મારામાં દેડકું કોઈએ દીઠેલું નહિ, એટલે આખા ગામના માણસો એકઠા મળ્યા. સૌ વાંકા વળીને નીરખી નીરખીને જોવા લાગ્યા. એ શું હશે તે કોઈ કળી ન શક્યું. ત્યારે બહુ વારે એક બોલ્યો : ‘આ તે શું હશે માળું ?’
ત્યારે બીજો કહે : ‘અરે ભાઈ ! એ તો બગલું હશે, બગલું ! તમને શી ખબર પડે ?’ ત્યાં વળી ત્રીજો કહે, ‘અરે ભાઈ ! વગર વિચાર્યે કાં બોલો ? એ તો ભાઈ શિયાળ હશે શિયાળ ! ચોમાસું છે એટલે વગડામાંથી આવી ચડ્યું હોય !’
ત્યાં તો એકે કહ્યું : ‘અરે ભાઈ ! બોલાવો ને આપણા વહતા ભાભાને ! જેવું હશે એવું કહેશે. એ ઘરડું માણસ છે. એમણે ઘણાં ચોમાસાં જોયાં છે. એમણે બધું જોયુંજાણ્યું હશે. આપણે તો શું સમજીએ ? એમને જ પૂછીએ.’
એક જણ વહતા ભાભાને બોલાવવા દોડ્યો. વહતા ભાભા તો રાડો નાખતા આવ્યા : ‘અલ્યાઓ, હવે તો કંઈ શીખો ! આખો જન્મારો હું કંઈ બેસી રહેવાનો છું. તે તમને બધું કહ્યા કરીશ ? જીવીજીવીને હું હવે કેટલું જીવવાનો ? એદીપણું મૂકી દો. કંઈ શીખો.’
પછી દેડકાને જોઈ વહતા ભાભા બોલ્યા : ‘ઓહો ! આમાં તે શું ? નાખો ને ચપટી દાણા; ચણે તો ચકલું, નહિ તો મોર તો ખરો !’
વધુ આગળ વાંચો »
ચંપકલાલ-ટપુડાની જુગલજોડી ! – તારક મહેતા
[ ‘ચંપકલાલ-ટપુની જુગલજોડી !’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
દુનિયામાં બે પ્રકારના શ્રીમંત હોય છે. એક શ્રીમંતાઈ પચાવીને બેઠેલા ઠરેલ, સંસ્કારી, સમજુ શ્રીમંત અને બીજા શ્રીમંતાઈથી છાકટા બની ગયેલા છીછરા, અણઘડ, અલેલટપુ શ્રીમંત. આ બીજા પ્રકારના શ્રીમંતો જ સમાજમાં કાળો કેર વર્તાવતા હોય છે. માણસ ફૂટપાથ ઉપર કશાકની ફેરી કરતાં કરતાં લખપતિ બન્યો હોય કે લૉટરી લાગવાથી ધનાઢ્ય થઈ ગયો હોય એની સાથે આપણે કંઈ નિસ્બત હોતી નથી. બહુ બહુ તો એવા કિસ્સા વાંચીએ કે સાંભળીએ ત્યારે એકાદ ઉનો નિ:સાસો નાખી આપણા પ્રારબ્ધને દોષ દઈ કે મનોમન આપણી અણઆવડતને કબૂલ કરી આપણે આપણા કામે લાગી જઈએ અને આપણે માટે દુ:ખદ એવી એ કથા ભૂલી જઈએ.
પણ કેટલાક શ્રીમંતોનાં સેમ્પલ એવાં હોય છે કે આપણને એમની આત્મકથા કહી સંભળાવી ઘોંચપરોણા કર્યા જ કરે ત્યારે ક્યાં તો આપણને એના પ્રત્યે તિરસ્કાર થાય ક્યાં તો આપણને હસવું આવે. અમારા માળાના સુંદરલાલ શેઠ એવો એક નમૂનો છે. એમની પાસે કેટલી પૂંજી છે એ જાણવાની મેં કદી દરકાર કરી નથી. (દેખવુંય નહિ અને દાઝવુંય નહિ) પણ ભૂલેચૂકે એ જો માળામાં કે રસ્તા ઉપર ભેટી ગયા તો બસ આવી બન્યું.
‘કેમ મહેતા ! તું તો ભાઈ મોટો લેખક હેં ! તને અમારે ત્યાં આવવાની ક્યાંથી ફૂરસદ મળે હેં ! આવ…આવ… એકાદવાર આપણી સાથે જમ. આપણો ફલૅટ તો જો. હમણાં જ પચીસ હજાર ખર્ચી નવું ડેકોરેશન કરાવ્યું છે. કોઈ માને નહિ આવા ડર્ટી મકાનમાં આવો બ્યુટીફૂલ ફલૅટ હોય.’
વધુ આગળ વાંચો »
ઘડિયાળનું ટાવર – નિરંજન ત્રિવેદી
[પુન:પ્રકાશિત]
ક્યારે પણ કોઈ વાત ઉપર એકમત નથી થઈ શકતા એવા મારા નજીકના બે મિત્રો, એક વાત ઉપર તો જરૂર એકમત છે, અને તે છે કે મારી પાસે કોઈ વસ્તુ ટકી શકતી નથી. મારા પક્ષે એટલું હું જરૂર કહી શકું કે આ છાપ ટકાવી રાખવાના મારા નમ્ર પ્રયાસો જારી છે, મેં જેટલા ચોમાસાં જોયાં છે એના કરતાં ત્રણગણી છત્રીઓ મેં ખરીદી છે એ આ વાતની સાક્ષી પૂરે છે. આજ સુધી મારાં કપડાં પાછળ પૈસા ખર્ચાયા હશે તેથી વધુ પૈસા હાથરૂમાલ પાછળ ખર્ચાયા છે.
હું ફાઉન્ટનપેન ખરીદું છું ત્યારે છૂટક વેપારી પાસેથી નહિ પણ જથ્થાબંધ વેપારી પાસેથી જ ખરીદું છું. મહિનાની બાર પેન તો હું સામાન્ય રીતે ખોઈ નાખું છું એટલે જથ્થાબંધ વેપારી પાસેથી જ ખરીદવી પોસાય. એ વેપારી શરૂમાં મને પેનની ફેરીવાળો સમજતો હતો.
મેં હમણાં જ મારા કાંડા-ઘડિયાળની રજતજયંતી ઊજવી. આ અંગે મને એક પ્રસંગ યાદ આવે છે. બે મિત્રો વાત કરતા હતા :
‘આજે મારે ત્યાં રામાની રજતજયંતી છે.’ એક મિત્રે બીજા મિત્રને કહ્યું.
‘એમ ! તમારા રામાએ તમારે ત્યાં 25 વર્ષ પૂરાં કર્યાં ?’
‘ના, આ તો આ વર્ષનો પચીસમઓ રામો છે!’
મારી કાંડાઘડિયાળની રજતજયંતી પણ આ જ પ્રકારની છે. મેં હમણાં જ પચીસમું ઘડિયાળ ખરીદ્યું. હું જ્યારે પચીસમી વાર ઘડિયાળ ખરીદવા ગયો ત્યારે દુકાનદારે પૂછ્યું હતું : ‘ઘડિયાળ ખરીદવા અને ખોવાના કાર્યની વચ્ચે તમને ઘડિયાળનો ટાઈમ જોવાની ફુરસદ મળે છે ખરી?’ આવાં ઘડિયાળ ખરીદવાં અને ગુમાવવાના એક ગાળામાં એક પ્રસંગ બન્યો. મારી પાસે ઘડિયાળ ન હતું. એક લગ્નમાં જવાનું હતું એટલે તાત્કાલિક મારા પિતરાઈભાઈનું ઘડિયાળ માંગી લેવાનું નક્કી કર્યું.
‘જો ભાઈ, હમણાં જ 650 રૂપિયાનું લીધું છે, સાચવજે.’ તેણે ઘડિયાળ આપતા કહ્યું. મેં બે દિવસમાં પરત કરવાનું વચન આપ્યું. પરંતુ મારા ગ્રહોએ ફરી પોત પ્રકાશ્યું. મારા હાથ ઉપરથી અચાનક ઘડિયાળ ગુમ ! આખું ઘર ફેંદી માર્યું. ઘરના દરેક માણસો ઘડિયાળની શોધમાં લાગી ગયા. ઘડિયાળ તો ન મળ્યું, પણ આ પહેલાં ગુમ થયેલી ઘણી વસ્તુઓ આ શોધખોળમાં મળી આવી.
વધુ આગળ વાંચો »
માર્ગદર્શન – નટવર પંડ્યા
[ કટાક્ષિકા – ‘નવનીત સમર્પણ’માંથી સાભાર. શ્રી નટવરભાઈનો (સુરત) આપ આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9375852493 ]
માનવીને મૂંઝવણ જેટલો મૂંઝવી નથી શકી તેનાથી અનેકગણો માર્ગદર્શને મૂંઝવ્યો છે. જેને કશું જ માર્ગદર્શન નથી મળ્યું તેના કરતાં જેને ખૂબ જ માર્ગદર્શન મળ્યું છે, તે વધારે મૂંઝાય છે. ‘મૈં ઈધર જાઉં યા ઉધર જાઉં’ આમ મૂંઝવણના ઉકેલ માટે માર્ગદર્શન આપવામાં આવે છે. અને તેમાંથી જ પાછી મૂંઝવણ ઊભી થાય છે. આ આજના માર્ગદર્શનની ખૂબી છે. ટૂંકમાં, મૂંઝવણ અને માર્ગદર્શન એક સિક્કાની બે બાજુ છે કે બે સિક્કાની એક બાજુ ! તે ખબર નથી પડતી.
અગાઉ મૂંઝવણોના પ્રમાણમાં માર્ગદર્શન ઓછાં હતાં. જ્યારે આજે માર્ગદર્શનના પ્રમાણમાં મૂંઝવણો ઓછી છે. તેથી જ લોકો મૂંઝવણ અનુભવે છે. મૂંઝવણ અને માર્ગદર્શનને આદિ-અનાદિ કાળથી સંબંધ છે. પણ પહેલાના જમાનામાં અને આજના યુગમાં તફાવત એ છે કે પહેલાં તમારે માર્ગદર્શન મેળવવા જવું પડતું જ્યારે આજે માર્ગદર્શન આપવા માટે નિષ્ણાતો તમારો દરવાજો ખખડાવી રહ્યા છે. ટૂંકમાં માર્ગદર્શન તમારા દરવાજે ટકોરા મારી રહ્યું છે. (ક્યારેક બપોરે પણ.)
ખરી રામાયણ અહીંથી જ શરૂ થાય છે. માર્ગદર્શન આપવાનો વ્યવસાય આજે એટલો બધો પૂરબહારમાં ખીલ્યો છે કે જેને કોઈ મૂંઝવણ નથી તેને અગાઉથી પોલિયોની રસીની માફક માર્ગદર્શન આપવામાં આવે છે. પેલો કહે કે ભાઈ મને કોઈ તકલીફ નથી, મૂંઝવણ નથી. ત્યારે માર્ગદર્શક કહેશે, ‘કોઈ વાંધો નહીં. પહેલાં માર્ગદર્શન મેળવી લો. એટલે મૂંઝવણ આપોઆપ ઊભી થશે.’ (અથવા અમે ઊભી કરી આપીશું.) કેટલાક લોકોને ખબર જ નથી હોતી કે પોતાની સમસ્યા શું છે, મૂંઝવણ શું છે. વળી જે સમસ્યાથી તદ્દન બેખબર છે તેનું કોઈ શું બગાડી લેવાનું છે. પણ માર્ગદર્શનવાળા તેમને તેમની સમસ્યાઓ શોધી-શોધીને બતાવે છે કે જુઓ સાહેબ, તમારા જીવનમાં આટ-આટલી સમસ્યાઓ છે. તેની સામે અમારી પાસે સચોટ માર્ગદર્શન છે. તમારી તમામ મૂંઝવણના ઉકેલનો થેલો ભરીને આવ્યા છીએ. અમારી કંપનીની નવી સ્કીમ છે, ‘મૂંઝવણ એક, ઉકેલ અનેક !’
વધુ આગળ વાંચો »





