દે છે સહાય પણ – દિનેશ ડોંગરે ‘નાદાન’

[‘અખંડ આનંદ’માંથી સાભાર.]

મુશ્કેલ જીવવાનું છે એના સિવાય પણ,
તેથી જ હું દેતો નથી એને વિદાય પણ.

મૂકે છે મારી સામે સમસ્યાઓ હરઘડી,
આવીને પાછો એ જ તો દે છે સહાય પણ.

એ સત્ય છે કે હાજરી એની બધે જ છે;
ને, આમ પાછો એ નથી દેખાતો ક્યાંય પણ.

મજબૂર ફૂલ ડાળ ત્યજીને ન જઈ શકે,
ખુશ્બૂને ક્યાં નડે છે કોઈ અંતરાય પણ ?

શ્રદ્ધા હશે તો વાત એ સાબિત થૈ જશે,
જગથી નિરાળો હોય છે બહુ એનો ન્યાય પણ.

વિપરીત સમયને શાંતિથી કરજે પસાર તું,
ગંભીર થઈને શોધજે મળશે ઉપાય પણ.

‘નાદાન’ વૃક્ષ તાડનું કંઈ કામનું નહીં
ના હાથ લાગે ફળ કશું ના દેશે છાંય પણ

ગઝલ – હરીશ મીનાશ્રુ

મયદાનવની નગરી લાગે
અટકળ આજે અઘરી લાગે

પળપળ ચાંપે કોઈ પલીતો
જન્મારો જામગરી લાગે

ઉપર આભ નીચે ધરતી છે
પડછાયા ઘરવખરી લાગે

દંડકવનમાં શુષ્ક બોરડી
વણચાખેલી શબરી લાગે

આંસુને ઘડવા બેઠેલી
નદીઓ બહુ કામગરી લાગે

તું જો ઓઝલ, અષ્ટ પ્રહર આ
દષ્ટિ સાવ જ નવરી લાગે

ટગરટગર તું તાકી રહે તો
ત્રાટક કરતી ટગરી લાગે

ચકરી પાઘ જુઓ પંડિતની
ગનાનધેરી ગઠરી લાગે.

પાછો વળ – રશીદ મીર

સાંજ ટોળે વળી છે પાછો વળ,
ભીંત ભાંગી પડી છે પાછો વળ.

આંગણું રવરવે છે પગલાંથી,
ડેલી અબખે પડી છે પાછો વળ.

સૌ વળાંકો ઉદાસ ઊભા છે,
એ જ મારી ગલી છે પાછો વળ.

લોક શોધે છે નિત નવાં કારણ,
ખૂબ કપરી ઘડી છે પાછો વળ.

તારા એકાન્તને ભરી દેવા,
ભીડ મેં ચાતરી છે પાછો વળ.

ચન્દ્ર સોળે કળાએ ખીલ્યો છે,
ચાંદની ટળવળી છે પાછો વળ.

એક હું છું કે જીવ બાળું છું,
કોને કોની પડી છે પાછો વળ.

જિંદગીની તલાશ છોડી દે,
‘મીર’ કોને મળી છે પાછો વળ.

બે ગઝલો – સુનીલ આર. ભીમાણી ‘અંગત’

[અભ્યાસે એમ.એસ.સી (ઈલેક્ટ્રોનિક્સ) થયા બાદ વ્યવસાય ક્ષેત્રે શાળામાં આચાર્યની ફરજ બજાવતા શ્રી સુનીલભાઈનો (પોરબંદર) આ સુંદર ગઝલો મોકલવા માટે ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે sunil_ratilal@yahoo.com અથવા +91 8140644195 પર સંપર્ક કરી શકો છો.]

[1]
લાખ ઈચ્છાનું દહન કરવું પડ્યું
આંસુઓથી આચમન કરવું પડ્યું

આપને સાદી સમજ દેવા થકી
કેટલું ઊંડું મનન કરવું પડ્યું

મેં મદદ કરવા તને ચાહી હતી
આખરે મારે સહન કરવું પડ્યું

ઓટલા પર બેસવાની લાલચે
કાયમી સરખું ભજન કરવું પડ્યું

આજ ‘અંગત’ મોતની જાણી ખબર
કૈંકને આગમન કરવું પડ્યું.

[2]
આખરે આશા બધી હણવી પડી
જિંદગીને અધ વચે લણવી પડી

કોઈએ ક્યાં હાથ પણ થામ્યો હતો
બીન વારસ લાગણી જણવી પડી

આપમેળે આવડી સૌ ને અહીં
ને અમારે જિંદગી ભણવી પડી

એક તારી લાલસાને કારણે
વેદનાઓ કેટલી ગણવી પડી

કોણ કોના છે અહીં ‘અંગત’ ભલા
એટલે આડશ ઘરમાં ચણવી પડી.

ગઝલ – મિલિન્દ ગઢવી

લખ્યું છે બ્રેઈલમાં મારું મરણ, એની ઉદાસી છે
ઉપરથી હાથ આપ્યા છે અભણ, એની ઉદાસી છે

સરી ગઈ રાત સાથે ચાંદની પણ આંગળીમાંથી
ન સચવાયાં હથેળીમાં કિરણ, એની ઉદાસી છે

લીલાછમ ઘાસમાં વરસાદ વેરાયાની ક્ષણ વચ્ચે
પગરખાં શોધવા નીકળ્યાં ચરણ, એની ઉદાસી છે

સ્મરણની શ્વેત કાગળ-નાવ જ્યાં તરવા મૂકી જળમાં
ચિરાયું વસ્ત્રની માફક ઝરણ, એની ઉદાસી છે

હું જાણું છું કથા પણ તોય પાછળ દોડવું પડશે
ફરે છે એક માયાવી હરણ, એની ઉદાસી છે

ધારો મને – ભગવતીકુમાર શર્મા

કેદ છું સળિયાઓ વચ્ચે, આપ છુટકારો મને;
ઓ ભલા આકાશ, મોકલ તારો અણસારો મને.

શ્વાસમાં ઘૂંટો અને સ્વપ્નોમાં કંડારો મને;
તોય ના પ્રત્યક્ષ લાગું તો પછી ધારો મને.

મેઘ, પારેવાં, ટપાલી, પત્રનો કંઈ ખપ નથી,
પ્રેમ કરવો હોય તો કરજે તું પરભારો મને.

હું તો મારી મેળે મારી વારતા કહી જાઉં છું,
એ જરૂરી પણ નથી કે દે તું હોંકારો મને.

મારી નૌકાને ખરાબાથી વધારે છે લગાવ,
તોય કાંઠેથી હજી સંભળાય હેલ્લારો મને.

લોહી પિવડાવીને લાગણીઓ ઉછેરી મેં સતત,
કોણે દીધો વારસામાં સર્પનો ભારો મને ?

કોને જઈને રાવ કરવી કે મને જાસો મળ્યો ?
મારો પડછાયો જ આપે છે હવે ડારો મને !

ગઝલ – અંકિત ત્રિવેદી

કેવો મજાનો કોણ જાણે શુંયે વટ હતો,
અજવાશના ખિસ્સા મહીં અંધારપટ હતો.

એના સુધી પહોંચતાંમાં રાત થઈ ગઈ,
પડછાયો નહિ તો મારાથી ખૂબ જ નિકટ હતો.

ઘૂમી રહ્યો છે શહેરમાં કોઈ ફકીર જેમ,
જાણે પવન એકાદ તારી ઊડતી લટ હતો.

કોઈ બખૂબી સાચવે છે રણની આબરૂ,
ભીનાશ જેવું ક્યાં હતું ને તોયે તટ હતો !

તારે લીધે દેખાઉં છું હું મારી આંખમાં,
દર્પણમાં નહીં તો હું વળી ક્યારે પ્રગટ હતો ?

પ્હોંચ્યા પછી ખબર પડી આ ચાલવા વિશે,
રસ્તા સુધીનો માર્ગ પણ ભારે વિકટ હતો.

ઓળખ – હરજીવન દાફડા

કોઈ સાધુ-ફકીરને ઓળખ,
તે પ્રથમ આ શરીરને ઓળખ.

ધન વગર મોજશોખ માણે છે,
કો’ક એવા અમીરને ઓળખ.

આયખાનો અવાજ રૂંધે છે,
એ અહમની લકીરને ઓળખ.

તું ઝવેરી જ હોય સાચો તો,
હેમ ઓળખ, કથીરને ઓળખ.

તું જ આસન લગાવ અંતરમાં,
તું જ તારા કબીરને ઓળખ.

Page 1 of 512345