પદયાત્રી ગોખલેજી – અમૃતલાલ વેગડ

[‘જનકલ્યાણ’ જાન્યુઆરી-2004માંથી સાભાર.]

‘ગોખલેજી ! ઊભા રહો, હું પણ આવું છું.’
ચોમાસાના દિવસો હતા. આકાશ વાદળાંઓથી ઘેરાયેલું હતું. મેં પૂછ્યું : ‘છત્રી નહીં લો ?’ 77 વર્ષના ગોખલેજીએ કહ્યું : ‘છાતે કા ક્યા કામ ! પાણી આવશે તો ભીંજાશું.’ હું છત્રી લેવાનો હતો, પણ આ સાંભળીને હિંમત ન થઈ. સવારે છ વાગ્યે અમે બંને ગ્વારીઘાટ માટે નીકળી પડ્યા.

પૂરું નામ પાંડુરંગ બળવંત ગોખલે, પણ લોકો આબાજી ગોખલે કહેતા. મેં સાંભળ્યું હતું કે એ પ્રયાગથી રામેશ્વરમ સુધીનો પગપાળા પ્રવાસ કરી ચૂક્યા છે, બીજી પણ અનેક પદયાત્રાઓ કરી ચૂક્યા છે એટલું જ નહીં, નર્મદા પરિક્રમા પણ કરી ચૂક્યા છે. એમને મળવા હું ઉત્સુક હતો. ઓગસ્ટમાં જ્યારે એ નાગપુરથી જબલપુર આવ્યા ને અમારા મકાનમાં જ ઊતર્યા ત્યારે લાગ્યું કે કૂવો તરસ્યા પાસે આવ્યો છે. દૂબળું-પાતળું શરીર. ચહેરા ઉપર સ્પષ્ટવાદિતા અને વિનોદશીલતાની છાપ. એમને જોઈને કોઈ કલ્પના પણ ન કરી શકે કે આ માણસ 28,000 કિ.મી. પગે ચાલ્યો હશે. મને થયું, આવા માણસનો ઈન્ટરવ્યુ પણ પગે ચાલતાં જ લેવો જોઈએ. આથી હું એમની સાથે થઈ ગયો. અમે ચાલી રહ્યા હતા અને અમારી વાતો પણ ચાલી રહી હતી.’

વેગડ : ‘ગોખલેજી, પગે ચાલીને તમે ખૂબ ભારતભ્રમણ કર્યું છે. હું એના વિષે પણ જાણવા ચાહું છું, પરંતુ સૌથી વધુ ઉત્સુક હું તમારી નર્મદા પરિક્રમા વિષે છું. કૃપા કરીને પહેલાં એના વિષે કહો.’
ગોખલે : ‘આ પરિક્રમા મેં 1970માં કરી હતી. દીકરા-દીકરીઓને પરણાવી ચૂક્યો હતો. નોકરીમાંથી છ મહિનાની રજા લીધી.’
વેગડ : ‘છ મહિનાનો પગાર ?’
ગોખલે : ‘કપાઈ ગયો. વગર પગારે જ મેં બધી યાત્રાઓ કરી છે, નર્મદાની પરિક્રમા મેં અમરકંટકથી શરૂ કરી. શરૂમાં અમે ચાર હતા. પણ એકે ચોથે દિવસે જ યાત્રા છોડી દીધી. બીજો પાછળ રહી ગયો, આખર સુધી અમારો બેનો જ સાથ રહ્યો, મારા મિત્ર સદાશિવ શ્રીધર જોશીનો અને મારો.’
વધુ આગળ વાંચો »

કવિતા તો જિવાતાં જીવનનો હિસ્સો છે : રાજેન્દ્ર શુક્લ – જવલંત છાયા

[રાજકોટના પત્રકાર શ્રી જવલંતભાઈએ કવિવર રાજેન્દ્ર શુક્લની લીધેલી મુલાકાત, ‘ઉત્સવ’ સામાયિકમાંથી સાભાર. આપ જવલંતભાઈનો આ નંબર પર +91 9824376077 અથવા આ સરનામે cjwalant@yahoo.co.in સંપર્ક કરી શકો છો.]

Rajendra_Shuklaએ સમય હશે 1962ની આસપાસનો. જૂનાગઢમાં ત્યારે દર મંગળવારે કવિઓની બેઠક થાય અને એ સમયે મોટાં નામો હતાં એ કવિઓ ત્યાં આવતા અને કવિતાની ક્ષિતિજ પર જેમનાં પગલાંની છાપ હજુ અંકિત થતી હોય તેવા કવિઓની પણ નિયમિત હાજરી રહેતી. એ સભાનું મુખ્ય કેન્દ્ર રહેતા તખ્તસિંહ પરમાર. નવોદિતોનાં કાવ્યો જુએ. ક્ષતિ બતાવે, મોઢેમોઢે પ્રશંસા ન કરે, પરંતુ, ત્રણ-ચાર જણને તેમણે કહ્યું હતું કે, આ નવા જે છોકરાઓ આવે છે તેમાંથી બેની કવિતા મારા કલાસરૂમમાં ભણાવવામાં આવશે. વરતારો સાચો પડ્યો. એ બન્ને છોકરાની કવિતા પછી તો કલાસરૂમમાં પણ ભણાવાઈ અને લોકો સુધી પણ પહોંચી. તેમાંના એક કવિના નામની આગળ સદગત વિશેષણ લાગી ગયું તે મનોજ ખંડેરિયા અને બીજા કવિ એટલે રાજેન્દ્ર શુક્લ. ગઝલને માટીનો ગરબો બનાવી તેના પ્રત્યેક છિદ્રમાંથી ભારતીય દર્શન, વૈવિધ્યનો પ્રકાશ ફેલાવવાનું કામ તેમણે કર્યંઆ છે.

આ અવધૂતી કવિને આકંઠ માણનારા ચાહકો જાણે છે કે, ફારસી કવિતા પ્રકારને ગઝલને તેમણે તત્વજ્ઞાન, સૂફીઈઝમ, વેદાંતના વિચારોનો ઘાટ અને રંગ આપ્યા છે. બાલાશંકર કંથારિયાથી ગુજરાતી ગઝલને ઘડવાનું જે કામ શરૂ થયું તેમાં રાજેન્દ્ર શુક્લની ભૂમિકા નોખી રહી છે. તેમને નર્મદ સુવર્ણચંદ્રક અપાયો ત્યારે તેમનો પ્રતિભાવ સ્પષ્ટ હતો, ‘એવોર્ડમાં વહેલું અને મોડું એવું ન હોય, ગોળની ગાંગડી જ્યારે પણ મોમાં મુકાઈ ત્યારે ગળી જ લાગે. એવોર્ડનો આવકાર હોય પણ મને તેની ઉત્કંઠા ન હોય. સંચિત થયેલો સદભાવ જ્યારે ઘનીભૂત થાય ત્યારે આવો પ્રસંગ સાંપડે.’ રાજેન્દ્રભાઈની વાત આવે એટલે ગઝલના માત્ર ભાવક જ હોવા છતાં આપણને એમની ગઝલો વિશે કાંઈક ચર્ચા કરવાનું મન થાય. ગઝલ એટલે પ્રિયતમ સાથેની વાત – એવી વ્યાખ્યા હવે સમયાતીત છે અને ગઝલ અનેક વિષયોના નવા નવા સ્વાંગમાં બયાં થઈ રહી છે તેમાં સંખ્યાબંધ પ્રયોગશીલોનું યોગદાન છે તે પૈકી રાજેન્દ્ર શુક્લ અગ્ર છે. તેમની ગઝલોમાં નોખો ઉઘાડ છે. સંસ્કૃત શબ્દો છે, તળપદી બાની પણ છે, ખડી બોલી પણ છે. ‘જે હશે તેહનું ભાન એમ જ થશે, અટકનેયત્ના ઉત્થાન એમ જ થશે’ તેવો શેર ગઝલ પ્રભાતીમાં મળે તો ‘વહેતી રહી હૂંફ જેવી નદી, કૈં ના કર્યું માત્ર તાપ્યા કર્યું’ એવી કોઈ અનુભૂતિ પણ વ્યક્ત થતી મળશે. ‘પત્રગઝલ’ કે ‘રતિવાર્તિક’ જેવી રચનાઓની વાત કરીએ તો લંબાણ વધી જાય.
વધુ આગળ વાંચો »

ડૉ. પ્રીતિ ભટ્ટ સાથે મુલાકાત – શ્રીલેખા રમેશ મહેતા

[‘નવનીત સમર્પણ’ જુલાઈ-09 માંથી સાભાર.]

Picture 053લોકસંગીત. લોકસંગીત એટલે જીવનનો ધબકાર, મનમાં થતો મધુરો રણકાર અને સાથે સાથે હૈયાને વલોવી નાખતો હાહાકાર. પિયુના અબોલા સહન ન થતાં સહિયરને થતી ફરિયાદ. પરણ્યા જોડે માંડેલી ગોઠડીની યાદ. પરદેશ વસતા વાલમના કાગળની જોવાતી રાહ. અને કાગળ મળ્યા પછી તેમાં પોતા વિશે એક અક્ષરનો પણ ઉલ્લેખ ન હોય તેનો વસમો વલોપાત.

આમ ગ્રામ્યબોલીમાં, ભીની માટીની સુગંધ લઈને અને લહેરાતાં ખેતરોની લીલીછમ તાજગી લઈને જ્યારે આપણી સમક્ષ કોઈ ગાયક લોકસંગીત પ્રસ્તુત કરે ત્યારે ભલેને આપણે શહેરની કોઈ બહુમજલી ઈમારતના વૈભવશાળી એપાર્ટમેન્ટમાં બેઠા હોઈએ કે વાતાનુકૂલિત ઓડિટોરિયમમાં, મન:ચક્ષુ સમક્ષ તાદશ્ય થાય ભારતના દૂરસુદૂર પ્રાંતનું કોઈ ગામડું. રંગબેરંગી કપડાં પહેરેલી, માથે પાણીનું બેડલું લઈ સહિયરો સાથે મલપતી ચાલે ચાલી જતી અલ્લડ ગ્રામકન્યાનાં જ દર્શન થાય. કે પછી પોહ ફાટતાં પહેલાં જ ઘંટી પર દળણાં દળતી એ નવોઢા ક્યાંકથી આવીને તમારા દિલોદિમાગનો કબજો લઈ લે. અને જો એ કલાકાર શાસ્ત્રીય સંગીતકાર હોય તો ! તો પછી તો સાંભળનારનાં ભાગ્ય જ ઊઘડી ગયાં એમ કહેવું અસ્થાને ન ગણાય. આવા જ એક સક્ષમ કલાકારની આ વાત છે. નામ છે ડૉ. પ્રીતિબહેન ભટ્ટ. તેમના મધુરા, ભાવવાહી કંઠેથી જ્યારે ગાન સરી પડે, ‘બાર બાર વર્ષના અબોલડા, અબોલડા ભંગાવો હે જીરે જી રે’ ત્યારે તમારી આંખોમાંથી સરતાં આંસુ તમે છાનાછપનાં લૂછવા મજબૂર થઈ જાઓ.

પ્રીતિબહેનનો જન્મ ભાવનગરના એક સંપન્ન પરિવારમાં. દસ વર્ષની ઉંમરે પિતાની બદલી મોહમયી નગરી મુંબઈમાં થવાથી મુંબઈ બની કર્મભૂમિ. ભાંડુઓમાં એક મોટી બહેન, મોટો ભાઈ અને એક નાનો ભાઈ. સંસ્કારી કુટુંબ. કુટુંબવત્સલ માતાપિતા. સમાજમાં માનમર્યાદા અને પ્રતિષ્ઠા. વ્યક્તિત્વ ખીલવવાની બધી તકો વિધિએ પૂરી પાડેલી. બચપણથી જ સંગીતમાં રસ. ભવિષ્યમાં નિશ્ચિત થયેલો, નીવડેલો એ માર્ગ, તે પર આદરેલી પ્રીતિબહેનની સફર અને એ સફરમાં મળેલો સૂરોનો સંગાથ. અમને પ્રીતિબહેનની ભાળ મળી અમારાં ડૉ. મિત્રો રેખાબહેન અને રોધનભાઈ શ્રોફના સૌજન્યથી. રેખાબહેન સાથે જ્યારે અમે ‘ફલોરા ફાઉન્ટન’ (હાલ હુતાત્મા ચોક) સ્થિત તેમને ઘેર પહોંચ્યાં ત્યારે સવારના લગભગ 11:30 વાગ્યા હતા. પ્રીતિબહેન તાનપૂરા પર ગાયનનો રિયાજ કરી રહ્યાં હતાં. સાથે તબલાંની સંગત કરી રહ્યા હતા શ્રી વિનાયક નાઈક. વાતાવરણ શાસ્ત્રીય સંગીતના સૂરોથી ગોરંભાયેલું હતું. બહાર ઝરમર વરસાદ વરસતો હતો. અમે ચૂપચાપ તેમની આજુબાજુ તેમની સંગીતસાધનામાં ખલેલ ન પહોંચે એમ બેસી ગયાં. રિયાજ પૂરો થયો, પ્રીતિબહેને આંખો ખોલી. અમે કહ્યું : ‘ના, હજી સાંભળવું છે.’ કોઈ આનાકાની વિના સરળ ભાવે તેમણે અમે કહેલી ફરમાઈશો પૂરી કરી. અમે સાંભળ્યું લોકસંગીત, રવીન્દ્રસંગીત, ભજનો…. નવાઈ લાગી આટલાં પ્રભાવશાળી અને ગુણી કલાકાર કેમ છુપાઈને બેઠાં છે ! કેમ રસિકજનો વંચિત રહ્યા છે તેમના સુશ્રાવ્ય ગાનથી ! આ બધા વિશે પ્રીતિબહેન કરેલી વાતો એમના સ્વમુખે…..
વધુ આગળ વાંચો »