Aug 10
2010

સ્મરણયાત્રા – કાકા કાલેલકર

[નાનપણનાં કેટલાંક સંસ્મરણો પર આધારિત પુસ્તક ‘સ્મરણયાત્રા’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] સીતાફળનું બી

સાતારામાં અમારા ઘર પાછળ સીતાફળીનું એક ઝાડ હતું. ફળ આવવાની મોસમ શરૂ થઈ; એટલે રોજ જઈને અમે ફળ તપાસીએ. ફળ તોડવા જઈએ એટલે દાદી કહે, ‘આ ફળ હજી આંધળાં છે. એને તોડો મા. એની આંખો જરા મોટી થવા દો. આંખો ખૂલે એટલે ફળ પાકે.’ ગોંદુનું મન નાનપણથી યાંત્રિક શોધો કરવા તરફ દોડતું. તેથી જ આગળ જતાં તે રસાયણ, પદાર્થવિજ્ઞાન અને ફોટોગ્રાફીમાં પ્રવીણ થયો. એક દિવસ ગોંદુ કહે, ‘આપણી આંખો સારી નથી. એ હાલે છે. એ કાઢી નાખીને તેને ઠેકાણે સીતાફળીની આંખો બેસાડવી જોઈએ !’ પિતાશ્રીએ તસવીરનું યંત્ર (કૅમેરા) ઊભું કર્યું કે તરત જ ગોંદુ કહે, ‘આપણા પગ સારા નથી. વાંકાચૂકા છે. એ કાપી નાખીએ ને એને બદલે કૅમેરાના સીધાસટ પગ બેસાડી દઈએ, પછી ચાલવાની બહુ મજા આવશે !’

એક દહાડો સીતાફળ ખાતાં ખાતાં એક બી મારા પેટમાં ગયું ! મેં જઈને કેશુને કહ્યું : ‘હું સીતાફળીનું બી ગળી ગયો. હવે શું થશે ?’ વાત વિષ્ણુએ સાંભળી. મશ્કરી કરવાની આવી સુંદર તક એ છોડે ? એણે મોઢું વીલું કરી કહ્યું : ‘અરેરે ! આ શો ગજબ કર્યો ? હવે તારી ડૂંટીમાંથી ઝાડ ઊગશે ! અને પછી અમે….’ કેશુએ ઉમેર્યું, ‘એ ઝાડ પર ચડીને સીતાફળ ખાઈશું. અને જેમ જેમ અમે ફળ તોડીશું તેમ તેમ તારા પેટમાં વેદના થશે. અમે ખાતા હોઈશું અને તું રોતો હોઈશ !’
વધુ આગળ વાંચો »

Jul 22
2010

રામપ્રસાદ બક્ષી : નસેનસમાં વિદ્યાપ્રેમ છલકાતો – ધીરુબહેન પટેલ

[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક નવેમ્બર-1996 દીપોત્સવી વિશેષાંકમાંથી સાભાર.]

સાન્તાક્રુઝ, પોદાર હાઈસ્કૂલ, હાઈસ્કૂલના મકાન પર કંડારેલી મયૂરવાહિની વીણાવાદિની સરસ્વતીની મૂર્તિ અને અમારા રામભાઈ મારા બાળપણનાં સંભારણાંમાં એવાં ઓતપ્રોત થઈ ગયાં છે કે લગભગ એક સાથે જ – એકાકાર થઈને યાદ આવે.

ત્યારે મારી ઉંમર સાત આઠ વર્ષની હશે. નોટબૂકની એક બાજુએ કોઈ મનગમતું ચિત્ર ચોંટાડવાનું અને બીજી બાજુએ – જમણી બાજુએ એ ચિત્ર વિશે જે મનમાં આવે તે લખવાનું એવું અમને સોંપાતું. વિદ્યાવ્યાસંગી માતાપિતાને કારણે ઘરમાં પુસ્તકો અને સામાયિકોની સમૃદ્ધિ ઘણી અને વાંચવાના અનહદ શોખને કારણે મારો શબ્દભંડોળ પણ સારો એટલે હિન્દી સામયિક ‘હંસ’નું મુખપૃષ્ઠ કાપીને નોટબૂકમાં ચોંટાડી દીધું અને લખી નાખ્યું : ‘આ ચિત્રમાં એક બાલિકા નદીકિનારે ખડક પર બેસીને ચંદ્ર સામે જુએ છે. તેનું મુખાર્વિંદ કેવું સુકુમાર છે !…..’ પાનું તો આખું ભરી દીધું હતું. પણ આપણે વાત કરવાની છે ‘મુખાર્વિંદ’ શબ્દની. એમાં રહેલી જોડણીભૂલ તરફ અમારા વર્ગશિક્ષકનું ધ્યાન નહીં ગયું હોય તેથી તેમણે લાલ લીટી દોરેલી નહીં. ભોગજોગે રામભાઈ ફરતા ફરતા અમારા વર્ગમાં આવી ચડ્યા. એમનો કડપ ભારે એટલે બધા ચડપ દઈને ઊભા થઈ ગયા. એમનો હાથ ઊંચો થયો એટલે પોતપોતાની જગ્યાએ બેસીને શ્વાસ હેઠો મૂક્યો. પણ તે દિવસે કંઈક નવરાશ હશે એટલે જતા રહેવાને બદલે એમણે વર્ગમાં આંટા માર્યા અને વારાફરતી અમારી નોટબૂકમાં નજર કરવા માંડી. મારો વારો આવ્યો એટલે એમણે મારું ચિત્રાવલોકન વાંચીને જરાક સ્મિત કર્યું અને ‘મુખાર્વિંદ’ પર આંગળી મૂકીને કહ્યું : ‘આ ભૂલ છે.’

રામભાઈ જેવા રામભાઈ કહે કે આ ભૂલ છે પછી આપણે બોલવાનું જ શેનું હોય ? પણ મારા મગજમાં શુંયે આવ્યું હશે તે મેં વકીલની માફક જવાબ દીધો, ‘ભૂલ હોય તો લાલ લીટી હોય ને ? લાલ લીટી નથી એટલે ભૂલ નથી.’ ધર્મસંકટમાં મુકાયેલા રામભાઈને શિક્ષકની આબરૂ પણ સાચવવાની અને મને સાચી જોડણી પણ શીખવવાની ! એમણે મને શિક્ષકના ટેબલ પાસે લઈ જઈને પૂછ્યું : ‘આ શબ્દનો અર્થ શું ?’ મેં તરત જવાબ આપ્યો : ‘જેનું સુંદર મોં હોય ને, એનું મુખાર્વિંદ કહેવાય.’
‘એમ કે ?’ રામભાઈએ હસીને શિક્ષકને કહ્યું : ‘આને તમે સમજાવો કે કયા બે શબ્દો આમાં ભેગા થયા છે.’ પછી તરત મારી તરફ ફરીને સમાસ વિશે વાત કરી અને કોઈ સમવયસ્ક વ્યક્તિ સાથે શબ્દચર્ચા કરતા હોય એટલી ગંભીરતાથી અને ઝીણવટથી મને સમજાવ્યું કે ‘અર’નો અર્થ શું અને ‘વિંદ’નો અર્થ શું. ગાડાના પૈંડાની આકૃતિ અને કમળની આકૃતિના સામ્યને કારણે કમળને અરવિન્દ પણ કહેવાય એ પુરવાર કરીને એ મૂળ મુદ્દા પર આવ્યા, ‘હવે આ ઉપર રેફ મૂકીને તો તમે અરધો ‘ર’ લખ્યો ‘અર’માં ‘ર્’ આખો છે. એનું કેમ કરશું ?’
‘તો તો આખો ‘ર’ લખવો પડે.’ મેં કબૂલ કર્યું. તે સાથે રામભાઈએ શિક્ષકની સંમતિ લઈને હાંસિયામાં ‘મુખારવિંદ’ લખી મારા લખાણમાંના ‘મુખાર્વિંદ’ પર લાલ છેકો માર્યો. પછી હસીને મને કહ્યું, ‘જોજો, શબ્દને પૂરેપૂરો સમજીને વાપરજો – યાદ રહેશે ને ?’
વધુ આગળ વાંચો »

Jul 20
2010

શીંગડા માંડતાં શીખવશું ! – મનુભાઈ પંચોળી ‘દર્શક’

[ શ્રી નાનાભાઈ ભટ્ટની 80મી જન્મજયંતી પ્રસંગે, એમના જીવનપ્રસંગો મારફત દક્ષિણામૂર્તિ સંસ્થાની કથા કહેતું ‘નાનાભાઈ’ નામનું નાનું પુસ્તક શ્રી ‘દર્શકે’ 1961માં આપેલું. તેનો સંક્ષેપ કરીને શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ ઉપરોક્ત શીર્ષક હેઠળ ખિસ્સાપોથી તૈયાર કરી છે. આજે આ નાનકડી પુસ્તિકામાંથી નાનાભાઈ ભટ્ટના કેટલાક જીવનપ્રસંગો માણીએ. પુસ્તિકા પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] નાનાભાઈનું મૂળ નામ નરસિંહપ્રસાદ. તેમણે બાળપણ છેક ગરીબાઈમાં વિતાવેલું. મા નાનપણમાં જ મૂકીને મરી ગયેલાં. પિતાનો અગ્નિહોત્રી ને કથાકારનો ધંધો હતો. કથા વાંચતી વખતે જો પાટલા પર કાંઈ પૈસા આવ્યા હોય તો ઘરમાં શાક આવે, નહીંતર સૌ લૂખુંપાખું ખાઈ લે એવી સ્થિતિ. પણ આ ગરીબાઈ પિતાને ભાગ્યે જ સાલતી, ને દીકરાને તો કદીયે નથી સાલી. મુંબઈની એલફિન્સ્ટન કૉલેજ તો બાદશાહી કૉલેજ ગણાય. ત્યાં તો બધા અમીરના દીકરા પેઠે રહેનારા. એ બધા વચ્ચે પણ નરસિંહપ્રસાદ એક જ પહેરણે ચલાવે. રોજ રાત્રે પહેરણ ધોઈને સૂકવી નાખે, ને સવારે ઉજળા બાસ્તા જેવું પહેરણ પહેરી કૉલેજમાં જાય. એક જ કોટે ચાર વર્ષ કાઢેલાં.

હા, મુંબઈમાં એક મોજ માણેલી. એ અરસામાં એક અમેરિકન નાટક કંપની આવેલી, તે શેક્સપિયરનાં નાટકો અસાધારણ સુંદર રીતે ભજવે. નરસિંહપ્રસાદે એલિઝાબેથના સમયનાં નાટકોને ઐચ્છિક વિષય તરીકે લીધેલાં. એમણે નક્કી કર્યું કે, આ નાટકો તો જોવાં જ. તપાસ કરી, તો છેલ્લામાં છેલ્લા વર્ગની ફી પણ દસ રૂપિયા. ને દસ રૂપિયા તો નરસિંહપ્રસાદનું આખા મહિનાનું ખર્ચ આવતું. છતાં ત્રણ નાટકો જોયાં; ત્રીસ રૂપિયા ખર્ચ્યા ને છ મહિના એકટાણું જમ્યા. એવું ગાંડપણ !
વધુ આગળ વાંચો »

Jul 15
2010

લખવાનું મન થયું, કારણ કે….. – વિઠ્ઠલ વ્યંકટેશ કામત

[પર્યાવરણપ્રેમી હૉટેલ વ્યાવસાયિક, શિક્ષણ પ્રસારક અને પ્રેરણાદાયી વક્તા શ્રી વિઠ્ઠલ કામતના જીવનની ખાટી-મીઠી પરંતુ રોચક કહાની પર આધારિત પુસ્તક ‘ઈડલી, ઑર્કિડ અને મનોબળ’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે મીડિયા પબ્લિકેશનનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

‘પર્યાવરણનું સંતુલન જાળવનારી શ્રેષ્ઠ હૉટેલ’ માટેનો એક ઑર ગૌરવપ્રદ પુરસ્કાર મને મળ્યો. જે લઈને ‘ઓર્કિડ’માંના મારા રિઝર્વ્ડ સ્વીટમાં હું પાછો ફર્યો. સાંજનો એ સમારંભ, હાથમાંનો આ ચંદ્રક, ઉપસ્થિત મહાનુભાવોએ ‘ઓર્કિડ’ માટે ઉદગારેલા એ ગૌરવભર્યા બોલ ! આ બધું જ મને સ્વપ્ન સમું લાગતું હતું. ‘ઓર્કિડ’ને મળેલાં બીજાં અનેક માન-અકરામ સાથે આ નવો ચંદ્રક મૂક્યો. હવે મારી જાતને ચૂંટી ભરી જોવાની જરૂર રહી નહોતી.

એક સાવ સામાન્ય ઉપાહારગૃહવાળાથી માંડીને ‘ઓર્કિડ’ જેવી અસામાન્ય ફાઈવ સ્ટાર હૉટેલના માલિક સુધીનો મારો આ પ્રવાસ સાચે જ પૂરો થયો હતો. આ સ્વપ્ન નહોતું. આ તો હતી સ્વપ્નપૂર્તિ ! આ સપનું આવ્યે ત્રીસેક વર્ષ થઈ ગયાં. 1972ની સાલમાં હું અમારી કામત ગ્રુપની ‘સમ્રાટ’ હૉટેલનો વહીવટ ચલાવતો હતો ત્યારે ‘સમ્રાટ’માં આવેલા અમારા એક વડીલ મુરબ્બી શ્રી રાવસાહેબ ગોગટેએ કહ્યું, ‘અલ્યા વિઠ્ઠલ, આજકાલ ઓબેરૉય શેરેટનનું બાંધકામ ચાલુ છે ને, ત્યાં રાયબહાદુર ઓબેરૉય આવ્યા છે.’
વધુ આગળ વાંચો »

Jul 13
2010

મારું ઘડતર – એ. પી. જે. અબ્દુલ કલામ

[‘અગનપંખ’માંથી કેટલાક અંશો સાભાર.]

મારો જન્મ તત્કાલીન મદ્રાસ રાજ્યમાં આવેલ ટાપુ – ગામ રામેશ્વરમમાં એક મધ્યમવર્ગીય તામિલ કુટુંબમાં થયો હતો. મારા પિતા જૈનુલબ્દીને ન તો વ્યવસ્થિત શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું કે ન તો તેમના પાસે ધન હતું; આવી પ્રતિકૂળતાઓ વચ્ચે પણ તે જન્મજાત, સહજ અને ભરપૂર ડહાપણ તથા ઉદાર ચિત્ત ધરાવતા હતા. આ બાબતોમાં તેમને મારી માતા, આશિયામ્મા, એક આદર્શ સહધર્મચારિણી તરીકે મળી ગયાં હતાં. તે દરરોજ કેટલાક લોકોને ભોજન કરાવતાં તે હું કંઈ ચોક્કસ કહી શકું તેમ નથી, પણ મને ખાતરી છે કે અમારા કુટુંબના બધા સભ્યોનો સરવાળો કરીએ તે કરતાં વધારે સંખ્યામાં બહારના લોકો અમારી સાથે જમતાં હતા.

મારાં માતાપિતાની સમાજમાં એક આદર્શ દંપતી તરીકે ગણતરી થતી હતી. મારાં માતાના પૂર્વજો ગૌરવપ્રદ રીતે જીવ્યા હતા. એક પૂર્વજને બ્રિટિશરોએ ‘બહાદુર’નો ઈલ્કાબ પણ આપ્યો હતો. હું અનેક સંતાનોમાંનો એક હતો. મારાં માતાપિતા ઊંચાં અને દેખાવડાં હતાં, પણ હું ઓછી ઊંચાઈ ધરાવતો અને ઓછો ધ્યાનાકર્ષક દેખાવ ધરાવતો છોકરો હતો. અમે ઓગણીસમી સદીના મધ્યમાં બંધાયેલ અમારા પૂર્વજોના ઘરમાં રહેતાં હતાં. તે રામેશ્વરમની મસ્જિદ શેરીમાં આવેલ, ચૂના તથા ઈંટોનું બનેલ, વિશાળ અને પાકું મકાન હતું. ચુસ્ત સાદાઈમાં માનતા મારા પિતા બિનજરૂરી સગવડો અને મોજમજાને ટાળતા. અલબત્ત, તેઓ ખોરાક, દવાઓ કે વસ્ત્રો જેવી જરૂરિયાતો સરસ રીતે પૂરી પાડતા. હું ખાતરીપૂર્વક કહી શકું છું કે ભૌતિક રીતે અને સાંવેગિક રીતે મારું બાળપણ પૂરું સલામત રહ્યું હતું. સામાન્ય રીતે હું ભોજન મારાં માતા સાથે, રસોડાની જમીન પર બેસીને લેતો. તેઓ મારી પાસે કેળનું પાંદડું મૂકતાં, જેના પર ભાત, ખુશ્બોદાર સંભાર, ઘેર બનાવેલ તીખાં વિવિધ અથાણાં અને નાળિયેરીની તાજી ચટણીનો લોંદો કડછીથી પીરસતાં.
વધુ આગળ વાંચો »

May 31
2010

લોકશિક્ષણના આચાર્ય એવા બબલભાઈ – સંકલિત

[ 2009-2010 એ લોકશિક્ષણના આચાર્ય એવા શ્રી બબલભાઈ મહેતાનું જન્મ-શતાબ્દી વર્ષ છે. આ નિમિત્તે ગત ઑક્ટોબર માસમાં ‘ભૂમિપુત્ર’ સામાયિક દ્વારા શ્રી બબલભાઈ વિશે ‘જન્મ-શતાબ્દી વિશેષાંક’ તૈયાર કરવામાં આવ્યો હતો. આજે તેમાંથી કેટલાક પ્રેરક પ્રસંગો માણીએ. રીડગુજરાતીને આ વિશેષાંક ભેટ મોકલવા માટે પારુલબેનનો (સંપાદક, ભૂમિપુત્ર) ખૂબ ખૂબ આભાર.]

[1] જીવનમાં જોઈએ : બસ, આનંદ ને પ્રસન્નતા

આપણે આનંદ-સ્વરૂપ છીએ. સદાય આનંદમાં રહેવું, પ્રસન્ન રહેવું, એ જીવનનો અચળ મંત્ર છે. એ જ જીવનનું ધ્યેય છે. એમાં જ જીવનનું સાર્થક્ય છે. બબલભાઈનો પણ આ જ જીવનમંત્ર. વિસાપુર જેલમાં બેઠાં 23 વરસના આ જુવાનિયાએ લખ્યું છે : ‘મારો ધર્મ તો નીતિનિયમોનું પાલન અને આત્માની પ્રસન્નતા. અહિંસક ઉપાયો વડે પ્રસન્નતા પ્રાપ્ત કરવી, એ જ મારું લક્ષ્ય છે…. હું પ્રસન્નતાની પૂંઠે પડ્યો છું. જીવનને વ્યવસ્થિત અને પ્રસન્ન કરવા મથી રહ્યો છું.’

અને આ વાત ડાયરીમાં વારે વારે જુદી જુદી રીતે એકધારી ઘુંટાતી રહી છે. જીવન આખું એમનું સમાજ-સેવામાં વીત્યું. પણ એ સેવા પણ આનંદ ને પ્રસન્નતા માટે જ. પહેલેથી લખ્યું છે : ‘પોતાની જાત કરતાં બીજાની સેવા કરવામાં જ સાચો આનંદ લૂંટી શકાય છે. આમ, આનંદ-પ્રાપ્તિ માટેનું સેવા પણ એક અંગ છે… મારું જીવન આનંદમય રહે એવું ઈચ્છું છું, અને સત્યને છોડીને હું આનંદ નથી જ મેળવી શકવાનો. એટલે સત્ય એ આનંદી જીવન જીવવા માટેનું એક તત્વ છે.’

આમ, નજર સામે છે – સત્ય અને સેવા. આનંદ-પ્રાપ્તિ માટેનું સેવા એક અંગ અને સત્ય એક તત્વ. તત્વ આત્મસાત કરી સેવારૂપે તેને વ્યવહારમાં પ્રગટ કરવું છે, અને તેના ફળસ્વરૂપે આનંદ પ્રાપ્ત કરવો છે. એટલે કહે છે : ‘સત્યને પૂરેપૂરું સમજી જીવનમાં ઉતારી શકું, તો જ મને પૂરેપૂરો આનંદ થાય. એ મારી મુખ્ય વસ્તુ. પછી તો એ આદર્શને અનુકૂળ થાય એવાં આવી પડે એ સેવાકાર્યો કરતાં કરતાં જીવન ગાળવું. એને અંગે જરૂર જણાય એટલું જ્ઞાન અને હૃદયનો આનંદ મેળવવાં.’ આ રીતે નજર સામે જીવનનું લક્ષ્ય સ્પષ્ટ હતું. ઊંડા ચિંતન-મનનમાંથી અને સાધનામાંથી પરિણમેલું : ‘મારા મન સાથેની લડત દરમ્યાન જ હું નીતિ-નિયમને સમજતો થયો; એટલું જ નહિ પણ કંઈક અંશે પાળતો પણ થયો. સાથે સાથે મારું ‘દેશ સેવાનું ધ્યેય’ સત્યનો સાક્ષાત્કાર કરવાના ધ્યેયમાં પરિણમ્યું. પછી આવ્યો, વિશ્વ પ્રેમ. પણ મારું આજનું ધ્યેય તો છે, આત્મ-સંતોષ-મનની પ્રસન્નતા. આ મારાં પહેલાંનાં ધ્યેયોને બરાબર અનુરૂપ જ છે, એક જ છે. માત્ર નામ હું જીરવી શકું એવું મળ્યું છે. આજે તો એ જ ધ્યેય છે.’
વધુ આગળ વાંચો »

May 11
2010

ઉજાસનું પ્રથમ કિરણ – લતા હીરાણી

[ સમાજના વિવિધ ક્ષેત્રમાં સર્વપ્રથમ વખત પદાર્પણ કરનારી મહિલાઓની ગાથા એટલે ‘ઉજાસનું પ્રથમ કિરણ’. આ અનોખા પુસ્તકમાં 101 જેટલી મહિલાઓના જીવનની સંઘર્ષકથા સમાવિષ્ટ કરવામાં આવી છે. ગુજરાતી ભાષામાં આ પ્રકારનું આ પ્રથમ પુસ્તક છે. હંસા મહેતા, રઝિયા સુલતાન, લતા મંગેશકર, મૃણાલિની દેસાઈથી લઈને અનેક મહાન નારીઓના જીવનની વાતો આજની યુવાપેઢી માટે ખૂબ પ્રેરણારૂપ બની રહે તેમ છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે લતાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે lata.hirani55@gmail.com અથવા આ નંબર +91 79 26750563 પર સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] અક્ષરથી અમરત્વ : મહાદેવી વર્મા (ભારતીય સાહિત્ય અકાદમીની ફેલોશિપ મેળવનાર પ્રથમ લેખિકા)

‘યુગોથી પુરુષ સ્ત્રીને તેની શક્તિ માટે નહીં; સહનશીલતા માટે દંડતો આવ્યો છે.’ આ એક વાક્યમાં નારીની સામાજિક સ્થિતિનું માર્મિક અને હૃદયસ્પર્શી ચિત્રણ કરનાર મહાદેવી વર્મા છાયાવાદી યુગનાં એક સમર્થ કવયિત્રી અને લેખિકા છે. એ સમયના સાહિત્ય પર મહાદેવીની સ્પષ્ટ અસર જોઈ શકાય છે. ઈ.સ. 1907ની 24 માર્ચ ઉત્તર પ્રદેશના ફરૂખાબાદમાં જન્મેલાં મહાદેવીનાં લગ્ન ખૂબ નાની ઉંમરે ડૉ. સ્વરૂપનારાયણ વર્મા સાથે થઈ ગયાં હતાં, પરંતુ અભ્યાસમાં ઊંડી રુચિ ધરાવનાર મહાદેવીનું ચિત્ત કદી અભ્યાસથી અળગું થઈને સંસારમાં ખૂંપ્યું નહીં. અત્યંત ભાવુક અને સંવેદનશીલ પ્રકૃતિ ધરાવતાં મહાદેવી પોતાની વિદ્યાર્થી-અવસ્થાથી જ કાવ્યરચનાઓ કરતાં હતાં. તેમની પ્રત્યેક અનુભૂતિ વેદનાનો સ્પર્શ પામી શબ્દમાં કવિતારૂપે અવતરતી. સતત વાંચન અને લેખનમાં ડૂબેલાં મહાદેવીની સંસારમાં પ્રવેશવાની ઉંમર થવા છતાં તેમને સંસાર પ્રત્યે કોઈ જ આકર્ષણ જાગ્યું નહીં. ઊલટું એ બંધનો પ્રત્યે તેમના મનમાં વિરક્તિભાવ દઢ થવા લાગ્યો. અંગત કુટુંબજીવન સ્વીકારવાને બદલે તેમણે આખાયે સમાજને પોતાનો પરિવાર માનીને જીવવાનો નિશ્ચય કર્યો.
વધુ આગળ વાંચો »

Apr 20
2010

એકત્વની આરાધના – સં. રજની દવે

[ રીડગુજરાતીના વાચકો ‘હરિશ્ચંદ્ર’નામથી પરિચિત છે. ‘હરિશ્ચંદ્ર’ એ કાન્તાબહેન અને હરવિલાસબહેનનું વિનોબાએ પાડેલું સંયુક્ત નામ છે. કોલેજકાળની સખીઓ કેવી રીતે આજીવન એક બનીને રહી તેની આ વાત છે. થોડાક વર્ષો પહેલાં કાન્તાબહેન ગુજરી ગયા અને હમણાં એપ્રિલ માસની 2જી તારીખે હરવિલાસબહેન પણ દેવલોક પામ્યાં. ‘ભૂમિપુત્ર’ સામાયિકનું છેલ્લું પાનું હરિશ્ચંદ્રબહેનોએ સર કર્યું હતું. જેમના સુધી ‘ભૂમિપુત્ર’ પહોંચતું હોય તેઓ અંદરના બીજા લેખો વાંચે કે નહિ, પરંતુ હરિશ્ચંદ્રની વાર્તા તો વાંચે જ વાંચે. 80 થી 82 લીટી એટલે કે 700/750 શબ્દોમાં તેઓ એ ભારતભરની અનેક વાર્તાઓમાંથી અનુવાદ કે રૂપાંતર કરીને અસંખ્ય વાર્તાઓ તેમણે ગુજરાતી સાહિત્યને આપી છે. સામાન્ય વાચકોથી લઈને મનુભાઈ પંચોળી, ગુલાબદાસ બ્રોકર, ઉશનસ, ઉમાશંકર જોશી જેવા ગણમાન્ય સાહિત્યકારોએ પણ આ વાર્તાઓને ઊલટભેર વધાવી છે. એન્લાર્જ્ડ હાર્ટ અને શ્વાસની અત્યંત તકલીફને કારણે હરવિલાસબહેન દસ દિવસ હોસ્પિટલમાં રહ્યા અને બીજી એપ્રિલે અમદાવાદની હૉસ્પિટલમાં જ રાતે સવા દસ વાગ્યે એમણે દેહ છોડ્યો. ઈશ્વર તેમના આત્માને આધ્યાત્મિક ગતિ આપે તેવી પ્રભુપ્રાર્થના. તાજેતરના ‘ભૂમિપુત્ર’માં તેમને શ્રદ્ધાંજલિ રૂપે અપાયેલો લેખ અહીં પ્રસ્તુત છે. – તંત્રી, રીડગુજરાતી ]

કર્વે યુનિવર્સિટીની સવારની કૉલેજ. 1951ની સાલ. વર્ગ છૂટ્યો. કાન્તાબહેન ઝટઝટ નિશાળે પહોંચવાની ઉતાવળમાં હતાં. ત્યાં લૉબીમાં પાછળથી કોઈએ એમને બોલાવ્યાં – ‘કાન્તાબહેન !’ વર્ગ શરૂ થયે હજી ઝાઝા દિવસ થયા નહોતા. એટલે પરસ્પરની ઝાઝી ઓળખાણ નહીં. પરંતુ નખશીખ શ્વેત-ધવલ ખાદી અને સફેદ સૅન્ડલમાં સજ્જ કાન્તાબહેનને નામથી પેલાં બહેન ઓળખતાં થઈ ગયાં હતાં.

કાન્તાબહેને પાછળ જોયું. અરે, આ તો એ જ બહેન, જેમની સાથે વાત કરવાની એમનેય સહજ ઈચ્છા થઈ આવી હતી. અન્ય બહેનો કરતાં એ કાંઈક જુદાં તરી આવતાં હતાં. ખાદી તો ખરી જ, તે ઉપરાંત સૌમ્ય, શાંત વ્યક્તિત્વ અને નામ તદ્દન અવનવું, એટલે તુરત મોઢે ચઢી ગયેલું. ‘હા, કેમ ? તમે હરવિલાસબહેન ને !’ – કાન્તાબહેન અને હરવિલાસબહેનનો આ સૌથી પહેલો પરિચય હતો. બંનેને તેથી ઘણી ખુશી થઈ, મળ્યાનો અપાર આનંદ થયો. વાતચીતથી જાણ્યું કે કાન્તાબહેન લેમિંગ્ટન રોડ ઉપર ભગિની સમાજની નોકરી-ધંધો કરતી, ઘરબાર વિનાની વ્યાવસાયિક બહેનોની હૉસ્ટેલમાં રહે અને હરવિલાસબહેનનું ઘર ત્યાંથી માત્ર પાંચ મિનિટના અંતરે. બંને કર્વે યુનિવર્સિટીની સવારની કૉલેજમાં ભણે તથા દિવસે બંને હાઈસ્કૂલમાં ભણાવે.

વધુ આગળ વાંચો »

Page 1 of 3123