મારે સ્કૂલે જવું નથી – ડૉ. વીરબાળા ર. ઉમરાજવાલા
[‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.]
વેકેશનમાં છોકરાઓ રોકટોક વિના હર્યાફર્યા હોય, રમ્યા હોય, ખેલ્યા હોય, વિવિધ વાનગીઓ આરોગી હોય, મજા માણી હોય, કોઈ બંધન નહીં અને કશી ચિંતા નહીં. પણ વેકેશન પૂરું થવા આવે એટલે એમના મનમાં ચિંતા સવાર થઈ જાય છે. વળી પાછી એ જ રોજિંદી રફતાર શરૂ થવાની. નવો અભ્યાસક્રમ, હોમવર્ક, પ્રોજેકટ-વર્ક બધું જ પાછું ચાલુ થવાનું. સમય નહિ મળે. ના મિત્રોની સાથે ગપસપ થાય કે ના મિત્રો સાથે રમત રમાય.
નીરવે મમ્મી આગળ હૈયાવરાળ કાઢતાં કહ્યું : ‘મમ્મી….! ઓ મમ્મી….. મારી હજી બે ચોપડીઓ લાવવાની બાકી છે. જે ચોપડીઓ આવી ગઈ છે તેને પૂંઠાં ચઢાવવાનાં બાકી છે. આલેખની મમ્મીએ તો કેટલાય દિવસોથી પુસ્તકોને પૂંઠાં ચઢાવીને વ્યવસ્થિત કરી દીધાં. વળી યુનિફોર્મ, બૂટ, બેગ વગેરે પણ નવાં લઈ આવ્યાં… આલેખને તો શાંતિ થઈ ગઈ. કોઈ ચિંતા નથી. પણ મને તો નવી સ્કૂલમાં જવાની ખૂબ બીક લાગે છે. મને થાય છે કે હું એ નવી સ્કૂલમાં જાઉ જ ના…..’ આ મૂંઝવણ માત્ર નીરવની નથી. કેટલાયે વિદ્યાર્થીઓની છે. ‘નવી સ્કૂલ કેવી હશે ? નવો વર્ગ કેવો હશે ? નવા ટીચર કેવાં હશે ? ગયા વર્ષના ટીચર જેવા કડક તો નહીં હોય ને ? જૂના ભાઈબંધો પાછા કલાસમાં ભેગા મળશે કે નહીં ? નવા વર્ષનો કોર્સ કેવો હશે ? બહુ અઘરો તો નહીં હોય ને ? છોકરાઓ મને સ્વીકારશે કે નહીં ?
પહેલાંના સમયમાં તો માબાપ બાળકને પહેલા ધોરણમાં એક સ્કૂલમાં દાખલ કરે એટલે બારમા સુધી ત્યાં જ ભણે. કોઈ ચિંતા નહીં. પરંતુ આજે તો માબાપ છાશવારે સ્કૂલો બદલાવે છે. સારી સ્કૂલમાં બાળકને દાખલ કર્યો હોય છતાં બીજી સ્કૂલનાં વખાણ સાંભળે તો એમાં બાળકને મૂકવા માટે માબાપ આકાશ ને ધરતી એક કરે છે. ‘ડોનેશન આપીને પણ છોકરાને હવે આ નવી સ્કૂલમાં જ દાખલ કરવો છે. પૈસાથી શું નથી થતું ? આપણે વળી ક્યાં બે-પાંચ છોકરાં છે ?’ છોકરાના ભવિષ્ય આગળ પૈસાનો વિચાર માબાપ કરતાં નથી. સ્કૂલની ભારે ફી ભરવા માટે પૈસાની સગવડ ના હોય તો બેંકમાંથી લોન લઈને પણ માબાપ સારી સ્કૂલમાં છોકરાને ભણાવવાનો આગ્રહ રાખે છે. પરંતુ વારંવાર સ્કૂલ બદલવાથી બાળકના મનમાં અસલામતી ઊભી થાય છે, એનો વિચાર માબાપ ક્યારેય કરે છે ખરાં ? નવું વાતાવરણ બાળકના મનમાં અજંપો અને મૂંઝવણો ઊભાં કરે છે, જે એના વિકાસમાં એક બહુ મોટો અવરોધ ઊભો કરે છે. વારંવાર સ્કૂલ બદલવાથી બાળકમાં આત્મીયતાની ભાવાના જ નષ્ટ થઈ જાય છે. આ મારી સ્કૂલ, મારા શિક્ષકો, મારા મિત્રો – એ ભાવના જ પેદા ના થાય તો બાળકને ત્યાં રોજના છ-છ કલાક ભણવાનું ક્યાંથી ફાવે ? પછી એ બાળક સારી રીતે ભણી શકે ખરો ? માબાપ ફરિયાદ કરે કે, ‘આવી સરસ સ્કૂલમાં ડોનેશન આપીને મહાપરાણે એડમીશન લીધું છે. આટલી ભારે ફી ભરીએ છીએ તો પણ છોકરાના ભણવામાં બરકત આવતી નથી.’
વધુ આગળ વાંચો »
પરમાણુ અને બ્રહ્માંડ – ડૉ. પંકજ શાં. જોષી
[ ડૉ. પંકજ શાંતિલાલ જોષી આઈન્સ્ટાઈનના ગુરુત્વાકર્ષણ સિદ્ધાંત વિશે પી.એચ.ડી. કરી, ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચમાં ખગોળશાસ્ત્રના પ્રાધ્યાપક અને સંશોધક તરીકે સેવા આપે છે. વિદેશમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે પણ અવારનવાર જાય છે. તારાઓનાં ગુરુત્વીય ભંગાણ અને વિલય વિશેની તેમની ‘ફાયરબોલ’ થીયરી આંતરાષ્ટ્રીય પ્રસિદ્ધિ અને સ્વીકૃતિ પામી છે. ભૌતિક વિજ્ઞાનમાં તેમનાં અનેક સંશોધનપત્રો અને અંગ્રેજી તેમજ ગુજરાતી પુસ્તકો પ્રકાશિત થયાં છે. તેમના પુસ્તક ‘બ્રહ્માંડ-દર્શન’ માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ગુજરાતના ગૌરવસમા વૈજ્ઞાનિક ડૉ.પંકજ સાહેબનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : psj@tifr.res.in પુસ્તકપ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે. ]
થોડા સમય અગાઉ જાપાનના વિજ્ઞાની કોશીબા ભારતની મુલાકાતે આવી ગયા અને તેમણે ‘પરમાણુ, મનુષ્ય અને બ્રહ્માંડ’ વિષે રસપ્રદ વાતો કરી. તેમના વ્યાખ્યાનમાં તેમણે કહ્યું કે ઉપરોક્ત વિષયમાં પરમાણુ તથા બ્રહ્માંડને સમજવામાં તો આપણે સારી પ્રગતિ કરી છે, પરંતુ વચ્ચેની મનુષ્ય જાતિને વિજ્ઞાનની દષ્ટિએ સમજવી ભારે અઘરી છે !
પદાર્થના મૂળભૂત કણોનું વિજ્ઞાન – particle physics, અને તેમાંયે ખાસ કરીને ન્યુટ્રિનો નામના મૂળભૂત કણો વિષેના કાર્ય માટે તેમને નોબેલ ઈનામ મળ્યું છે. કોશીબાએ કહ્યું કે આજથી બરાબર ચાલીશ વર્ષ પહેલાં તેઓ ભારત આવેલા અને ત્યારની સરખામણીમાં આજે તમારો દેશ ભારે કાર્યરત બની ગયો છે અને તે ભારે સુંદર વાત છે ! કદાચ એમની આ વાત સાચી જ છે કે ગુલામી અને ઘોર તમોગુણની અવસ્થામાંથી હવે આ દેશ ધીમે ધીમે રજોગુણ અથવા પ્રવૃત્તિના તબક્કામાં પ્રવેશી રહ્યો છે. જાપાની લોકો તો તેમની મહેનત તથા ખંતીલા સ્વભાવ માટે જાણીતા છે જ, તેથી તેમણે ઝડપી વિકાસ કર્યો છે.
વધુ આગળ વાંચો »
બૅટર-હાફ : ગુજરાતી ફિલ્મોનો નવો વળાંક – મૃગેશ શાહ
દરેક સમયને પોતાની સમસ્યાઓ હોય છે. કોઈ યુગ એમાંથી બાકાત નથી. જે-તે સમયમાં જીવતો માનવી એ સમસ્યાઓથી ઘેરાતો હોય છે અને પીડાતો હોય છે. એ સંઘર્ષનો સામનો કરવા સતત મથામણ કરતો જ રહે છે. આ બાબત પુરુષ અને સ્ત્રી એમ બંનેને એક સરખી રીતે લાગુ પડે છે. કોઈ એક જમાનામાં સ્ત્રીઓ શોષણનો ભોગ બની રહી હતી ત્યારે પુરુષોને ગુલામીપ્રથા અને વિદેશી આક્રમણોનો ભોગ બનવું પડતું હતું. બંને પક્ષે સમાંતરે આ મુશ્કેલીઓ સામે ઝઝૂમવું પડયું છે. કાળના પ્રવાહમાં ડૂબકી મારીને આપણી પાછળની એક-બે પેઢીઓને જોઈશું તો આપણને અનેક લોકોના સંઘર્ષમય જીવનની ગાથાઓ જાણવા મળશે. સમય બદલાય તેમ સંજોગો બદલાય છે પરંતુ એથી કંઈ સમસ્યાઓનો અંત નથી આવી જતો. હા, ફક્ત એનું સ્વરૂપ બદલાઈ જતું હોય છે. તેથી આજના સમયમાં અદ્યતન સાધનો, બંગલો, ગાડી અને ઉચ્ચપદની નોકરી મેળવ્યા પછી એમ સાબિત નથી થઈ જતું કે આપણે જીવનની તમામ વિકટ પરિસ્થિતિઓને પાર કરી ગયા છે ! સંઘર્ષ અને સમસ્યાઓ જીવનનો એક ભાગ છે તેથી તે આપણી સાથે રહેવાના જ. ફરક એટલો છે કે તેનું સ્વરૂપ હવે કંઈક અલગ પ્રકારનું બન્યું છે.
સમસ્યા મોટી છે કે નાની તે મહત્વનું નથી. અગત્યની વાત એ છે કે તેનું મૂળ શું છે, તેનું નિવારણ શું છે અને તેમાંથી આપણને ઉગારે એવા સાધનો ક્યા ક્યા છે. જ્યારે આપણે સાધનો વિશે વાત કરીએ તો એમ કહેવાનું મન થાય કે દરેક સમયમાં જે-તે પ્રકારની સમસ્યાનું નિવારણ કરવા માટે જે-તે સમયને અનુરૂપ સાધનો ઉપલબ્ધ હોય જ છે. મહાભારત જેવી મોટી સમસ્યા હોય તો ખુદ કૃષ્ણ ઉપસ્થિત હોય છે. આઝાદીની સમસ્યા માટે ગાંધી પ્રગટ થાય છે. સામાન્ય માનવીની વ્યક્તિગત સમસ્યાઓ માટે કુદરતે સાહિત્ય, સંગીત, કથા-વાર્તા જેવી મબલખ કળાઓ આપણી સામે ખુલ્લી મૂકી આપી છે. આ સંદર્ભમાં આજના સમયમાં ફિલ્મોનો ફાળો પણ નાનો સૂનો નથી. ભલે તે એક મનોરંજનનું માધ્યમ હોય પણ ક્યારેક તો એ માનવીને એવી અનુભૂતિ કરાવી દે છે કે ‘અરે ! આ તો મારી જ વાત !’ જમાનો હવે ‘વિચારપ્રધાન’ ફિલ્મોનો છે. યુવાવર્ગ તેમાં પોતાનું પ્રતિબિંબ ઝંખે છે. કલ્પનાની રંગબેરંગી વાતો કરતાં વાસ્તવિક જીવનના સંઘર્ષની વાતો તેને વધારે સ્પર્શે છે. સમય અભાવે સાહિત્ય-કલાથી દૂર હોવાને લીધે ક્યારેક અજાણતાં જ તે ફિલ્મોને પોતાના જીવનની સમસ્યાના સાધન રૂપે જોતો થઈ જાય છે. તેની આ અભિલાષા પૂરી કરે તેવી તાજેતરમાં રજૂ થયેલી ગુજરાતી ફિલ્મ છે : ‘બૅટર-હાફ’.
વધુ આગળ વાંચો »
વૈજ્ઞાનિકોના અદ્દભુત પ્રસંગો – ચંદ્રમૌલિ વિદ્યાલંકાર
[ વૈજ્ઞાનિકોના વિસ્મયપ્રેરક પ્રસંગોને સરળ, રસાળ અને સચોટ શૈલીમાં રજૂ કરતા પુસ્તક ‘વૈજ્ઞાનિકોના અદ્દભુત પ્રસંગો’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[1] જૉન વ્હીલર
અમેરિકન ભૌતિકશાસ્ત્રી જૉન વ્હીલર (ઈ.સ. 1911) એ હાઈડ્રોજન બૉમ્બ પ્રોજેક્ટમાં કામ કર્યું હતું. કોઈ ચીજ અથવા પરિઘટનાનું નામ રાખવા માટે રાતે પથારીમાં પડ્યા પડ્યા અથવા બાથટબમાં આરામ કરતા રહી કલાકો સુધી ધ્યાનમગ્ન રહેતા હતા. જ્યારે એક વખત તેઓ આ કામથી સંતુષ્ટ થઈ જતા ત્યારે કોઈને બતાવ્યા વગર એનો ઉપયોગ કરવો શરૂ કરી દેતા હતા. ઈ.સ. 1967ના ડિસેમ્બરમાં એક વ્યાખ્યાનમાં વ્હીલરે નષ્ટ થયેલ અથવા જામી જનારા તારાઓ માટે ‘બ્લેકહોલ’ નામ સુઝાડ્યું. એની ભારે પ્રશંસા થઈ અને દુનિયાભરના ખગોળ ભૌતિકવિદોએ આ નામને અપનાવી લીધું. આજે આ ખગોળીય પદાર્થને લોકોની કલ્પના પર લગાડી દીધેલ છે. આ નામની એક ફિલ્મ પણ બની છે.
[2] ચાર્લ્સ ડાર્વિન
ચાર્લ્સ ડાર્વિનનું પુસ્તક ‘ધી ઓરિજિન ઑફ સ્પીસીજ’ 1859માં પ્રકાશિત થયું હતું. વૈજ્ઞાનિક સમુદાયે જે રીતથી આ પુસ્તકને લીધું હતું એનાથી ચાર્લ્સ ડાર્વિન મૃત્યુપર્યંત ખૂબ જ દુઃખી અને ઉદાસ રહ્યા. મોટા ભાગના વૈજ્ઞાનિકો એના વિચારોની મજાક ઉડાવતા હતા કે માણસનો ઉદગમ વાનરમાંથી થયો છે ! વર્તમાનપત્રોએ એને વાનર તરીકે ચિત્રિત કર્યા. ત્યાં સુધી કે એના પોતાના શિક્ષક આ વિચારને સંપૂર્ણ ખોટો અને ગંભીર મજાક માનતા હતા.
વધુ આગળ વાંચો »
વિસ્મયજનક શોધ અને શોધકો – શાંતિલાલ જાની
[તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘વિસ્મયજનક શોધ અને શોધકો’ પુસ્તકમાં વિજ્ઞાનની કેટલીક બહુ ખ્યાતિ પ્રાપ્ત ન હોય તેવી પરંતુ આપણાં દૈનિક જીવન સાથે સદૈવ વણાઈ ગયેલી શોધો ક્યારે, કેવા વિચિત્ર સંજોગોમાં, ક્યારેક અનાયાસ, ક્યારેક જરૂરતને કારણે તો ક્યારેક આશ્ચર્યજનક રીતે થઈ ગઈ હોય એનું જ્ઞાન, એની વિગતો રમુજશૈલીમાં અને હળવી રીતે આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે જેથી વિજ્ઞાનપ્રેમી કિશોરો-કિશોરીઓ એનું રસાસ્વાદન કરતાં આનંદ અનુભવે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[1] જીન્સ
જેને વણેલું સાવ સુતરાઉ જેવું કાપડ કે એવી ચીજને ‘Jeans’ જીન્સ કહેવામાં આવે છે. ‘લેવી સ્ટ્રાઉસ’ મૂળ તો બવેરિયાનો પણ એ અમેરિકન વીઝા અને પાસપોર્ટ મેળવી અમેરિકામાં જઈ વસ્યો, પણ એ પોતાની સાથે આવા કપડાંની કેટલીક ગાંસડીઓ લઈ ગયેલો. આ ભાઈશ્રી લેવીનો એવો વિચાર હતો કે પોતે આ કાપડમાંથી તંબૂઓ કે રેલવેના વેગન્સને ઢાંકવા માટે શીટ્સ બનાવી કંઈક કમાણી કરશે, પરંતુ અમેરિકામાં દાખલ થયા પછી એને ખબર પડી કે, પોતાની અગાઉ જે લોકો આવી વસ્યા હતા તેઓ પણ આવો જ વિચાર લઈને આવ્યા હતા. ઈ.સ. 1850માં અમેરિકામાં આવેલા તમામ બેવેરિયન્સ આવા જ વિચારથી આવ્યા હતા.
પણ જેનું નસીબ કે કિસ્મત ખૂલી જવાનું હોય એના ભાગ્યની આડે હિમાલય હોય તો ય ખસી જાય છે ! ને ભાઈ, અલ્લામીયાં, જબ દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ ! અમેરિકાની સોનાની ખાણોમાં કામ કરનારા કામદારોએ આ લેવીભાઈને ફરિયાદ કરી કે, તેઓ જ્યારે ખાણમાં કામ કરે છે ત્યારે એમના સામાન્ય ટ્રાઉઝર્સ-પાટલૂનો ઝડપથી ફાટી જાય છે. આથી લેવીભાઈએ ‘મૂક તંબૂને ઉપાડ પાટલૂન’ જેવો ન્યાય અપનાવ્યો. એણે પોતાની ગાંસડીઓ સાથે લાવેલ કાપડમાંથી ટ્રાઉઝર્સ બનાવ્યા અને જોયું કે, આવા પાટલૂનો ઘસાઈ જતા નથી. ચમત્કાર થયો ! લેવી-ભાઈના ટ્રાઉઝર્સ લોકપ્રિય બની ગયા. ત્યાર પછી સોનાની ખાણોના માલિકો લેવીભાઈના આ ‘Jeans’ને લુહાર પાસે લઈ ગયા અને લુહારોને આવા Jeans પર ધાતુકીય કીલકો જડી આપવાનું કહ્યું, કારણ કે, આવા ધાતુકીય બકલ્સ વગર ટ્રાઉઝર્સના ખીસ્સાઓ પૂરતા મજબૂત લાગતા ન હતા. લુહારોએ નમૂનાના બકલ્સ તૈયાર કરી આપ્યા. એ પછી આ પ્રેરણા, આ વિચારને મેના 1873માં રજિસ્ટર કરાવી એની પેટન્ટ મેળવાઈ જે આજે પણ ચાલુ જ છે.
વધુ આગળ વાંચો »
વિજ્ઞાન અને ટેકનોલોજીના પડકારો – સામ પિત્રોડા
[ ટેકનોલોજીના ક્ષેત્રમાં શ્રી સામ પિત્રોડાનું નામ જાણીતું છે. તેમણે 24મી માર્ચ, 1995માં અમદાવાદમાં આપેલું 19મું વિક્રમ સારાભાઈ મેમોરિયલ લેકચર (અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન) અહીં ‘વિચારવલોણું’ માર્ચ-2010ના અંકમાંથી સાભાર પ્રકાશિત કરવામાં આવ્યું છે.]
હું વિજ્ઞાન અને ટેકનોલોજીના પડકારોની બે સ્તરે વાત કરીશ – વિશ્વ સ્તરે અને રાષ્ટ્રના સ્તરે. વિશ્વ સ્તરે, 20મી સદીની વિજ્ઞાન અને ટેકનોલોજીના સંદર્ભે જે છાયાઓ ઉપસે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરું તો ત્રણ-ચાર મુખ્ય ટેકનોલોજીઓ 21મી સદીમાં ઉભરતી દેખાય છે. અને આગામી વીસ-ત્રીસ વર્ષમાં દશ મુખ્ય વૈશ્વિક ફેરફારો જોઈ શકું છું. રાષ્ટ્રીય સ્તરે હું એ તપાસીશ કે આઝાદીનાં 45-50 વર્ષો દરમ્યાન શું બન્યું, આજની વિજ્ઞાન અને ટેકનોલોજીની સ્થિતિ અને ભવિષ્યના દશ મુખ્ય મુદ્દાઓ, જે હું જોઈ શકું છું.
જ્યારે હું વીસમી સદી તરફ જોઉં છું ત્યારે મુખ્ય ત્રણ તબક્કાઓ દેખાય છે : ગુલામી, આઝાદી અને વિશ્વબજાર. મારા મનમાં જે છાયાઓ ઉપસે છે તે છે માનવસંહાર, હિરોશીમા, જાતિભેદ, વિશ્વયુદ્ધ, ગરીબી, અજ્ઞાનતા, પર્યાવરણ, ઉથલપાથલો અને દરેક સ્તરે શાંતિ અને સમૃદ્ધિથી અપેક્ષાઓ. વીસમી સદીમાં આપણે એક મહત્વનો બદલાવ જોયો – મૂડી આધારિત ઔદ્યોગિકી એકમો તરફથી જ્ઞાન આધારિત માહિતી એકમો. ઈલેક્ટ્રોનિક્સનું બહુ મોટું મોજું આવ્યું જેણે છેલ્લાં સીત્તેર વર્ષમાં દુનિયાની શકલ બદલી નાખી. અમેરિકાના દરેક ઘરમાં ઈલેક્ટ્રોનિક્સ ઘૂસી ગયું છે. બ્લેન્ડર્સ, વોશર્સ, ડ્રાયર, ગેરેજ ડોર ઓપનર… એટલું બધું વ્યાપી ગયું છે કે આપણી જાણ બહાર આપણી આસપાસ પથરાઈ ગયું છે. કમનસીબે, વીસમી સદીમાં ટેકનોલોજીનો ઉપયોગ વિનાશ અને વિકાસ, બંને માટે થયો. યુદ્ધનું સંરક્ષણ તંત્ર ઘડવામાં ખૂબ સમય, શક્તિ, ધન અને સંસાધનો વપરાયાં. આ સામ્રાજ્યવાદી માનસિકતાએ આપણા પર મોટો બોજ મૂકી દીધો, જેને સાથે લઈ વર્ષો સુધી ચાલ્યા. વિશ્વયુદ્ધોએ દેશોને વિચારધારાઓમાં વિભાજિત કરી દીધાં. આપણે લોખંડી પરદાઓ બનાવ્યા અને અબજો રૂપિયા સંરક્ષણનાં સાધનો માટે ખર્ચ્યા. વૈજ્ઞાનિકોએ જીવનપર્યંત ન્યુક્લિયર બોમ્બ, મિસાઈલ્સ, અવકાશીયુદ્ધો પાછળ કામ કર્યું અને પાયાના વિકાસ તરફ દુર્લક્ષ સેવ્યું. વૈજ્ઞાનિકોને વિનાશ અને વિકાસના એ વિશિષ્ટ મિશ્રણનું કામ સોંપાયું. આને કારણે જીવનની ગુણવત્તાને અસર થઈ. જીવનધોરણ ઊંચું આવ્યું પણ ઘણી જગ્યાએ જીવનની ગુણવત્તા વિષે મને શંકા છે.
વધુ આગળ વાંચો »
સૌરઊર્જાનો સદુપયોગ – ઉદય ત્રિવેદી
[ નવોદિત યુવાસર્જક શ્રી ઉદયભાઈ (બૅંગ્લોર) વ્યવસાયે સોફટવેર એન્જિનિયર છે. માનવતા, જીવન અને અધ્યાત્મ તેમના રસના વિષયો છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે udaytrivedi@gmail.com અથવા આ નંબર પર +91 98864 60844 સંપર્ક કરી શકો છો.]
આપણા પૂર્વજો પહેલેથી પ્રકૃતિ અને પ્રાકૃતિક તત્વોની પૂજા કરતા આવ્યા છે. તેઓ જાણતા હતા કે આ તત્વો જ પૃથ્વી પર જીવનને ટકાવે છે. ૠગ્વેદમાં પણ સૂર્ય, વરુણ, વાયુ, અગ્નિ, ચંદ્ર અને પૃથ્વીની પૂજા માટેની અનેક ઋચાઓ છે. જેમ કે, ‘नूनः जनाः सूर्येण प्रसुताः ।’ એટલે કે ‘જે પણ કંઈ અસ્તિત્વમાં છે તે સૂર્યમાંથી ઉદભવ્યુ છે.’ સૂર્ય, પવન અને પાણી જીવનના મૂળભૂત સ્ત્રોતની સાથે સાથે નવીનતમ ઊર્જાના સ્ત્રોત પણ છે. નવીનતમ ઊર્જા સ્ત્રોતો એટલે સૂર્ય, પવન, જળ, ભરતી અને ભૂગર્ભીય ગરમી વગેરે પ્રાકૃતિક ઊર્જા સ્ત્રોતો. આપણા પ્રણાલીગત ઊર્જા સ્ત્રોતો જેવા કે કોલસો, પેટ્રોલિયમ, ખનીજતેલ વગેરે બહુ ઝડપથી ખતમ થઈ રહ્યાં છે. જો આપણે વહેલી તકે તેમનાં વિકલ્પો નહીં શોધીએ તો વિશ્વને ભવિષ્યમાં ઊર્જાની વિકટ સમસ્યાનો સામનો કરવો પડશે. વધુમાં પ્રણાલીગત ઊર્જા સ્ત્રોતોના ઉપયોગથી પ્રદુષણ વધે છે. આવા સમયે આ નવીનતમ ઊર્જા સ્ત્રોતો કે જે અખુટ અને પ્રદુષણહીન છે, તેમનું મહત્વ ખુબ વધી જાય છે.
જોકે પવનઊર્જા અને જળઊર્જાના ઉપયોગ માટે જટીલ પવનચક્કી અને મોટા ડેમની જરૂરીયાત રહે છે; જે વ્યક્તિગત રીતે વાપરવું શક્ય નથી. પરંતુ સૌરઊર્જાનો ઉપયોગ તો દરેક વ્યક્તિ બહુ સરળતાથી કરી શકે છે. સૌરઊર્જાથી ચાલતાં સાધનોમાં સૂર્યકૂકર, સૂર્યહિટર, સોલાર-લેમ્પ, સોલાર-રેફ્રિજરેટર વગેરેનો સમાવેશ થાય છે. સૂર્યકૂકર એ સૂર્યની ગરમીથી ખોરાક પકવતું સાધન છે. આપણે સહુએ નાની સુટકેસના કદનું સૂર્યકૂકર જોયું હશે. આપણે તેનાં વિશે થોડું વધુ જાણીએ.
વધુ આગળ વાંચો »
સ્વર્ણિમ ગુજરાત : સંકલ્પ અને વિરાસત – વિષ્ણુ પંડ્યા
[ આજે ગુજરાત રાજ્ય સ્થાપનાદિનના પચાસ વર્ષ એટલે કે ‘સ્વર્ણિમ ગુજરાત’ના ઉત્સવનો દિવસ. રીડગુજરાતીના સૌ વાચકમિત્રોને આ મંગલદિનની વધાઈ. આપણું ગુજરાત ભૌતિકથી લઈને આધ્યાત્મિક સુધી તમામ ક્ષેત્રે પ્રગતિ કરે અને સૌની શારીરિક-માનસિક સુખાકારીમાં વૃદ્ધિ થાય તેવી પ્રભુપ્રાર્થના. આજના આ વિશેષ દિવસે ‘ગુજરાત’ સામાયિકમાં અગાઉ પ્રકાશિત થયેલ લેખ દ્વારા પ્રાચીનથી અર્વાચીન ગુજરાતની સફર કરીએ. સૌને પ્રણામ સાથે જય જય ગરવી ગુજરાત....’ – તંત્રી, રીડગુજરાતી.]
આજે 2010માં, આપણી પોતાની એક અદ્દભુત અને ઐતિહાસિક ઘટના આકાર પામી રહી છે, અને તેનો સમગ્ર દુનિયાના આંગણે રણકાર સંભળાઈ રહ્યો છે, તે છે ગુજરાત રાજ્યની સ્થાપનાની અર્ધશતાબ્દી ! આ કોઈ રાબેતા મુજબની ઘટના નથી, તેની પાછળ બે મહત્વની બાબતો રહી છે : એક, રાજકીય સરકાર અને વહીવટ સાથેની પ્રાદેશિકતા 1960માં નિર્માણ પામી એટલે 2010માં તેને પચાસ વર્ષ થયાં. અને બીજી, એટલી જ મહત્વની વાત છે કે આ 50 વર્ષની પાછળ, એકલાં ઐતિહાસિક પ્રમાણો મુજબ એક લાખ વર્ષની જૂની ગૌરવભરી પરંપરા છે. આ વિરાસતના આધારે ગુજરાત અને ગુજરાતની પ્રકૃતિ, સંસ્કૃતિ અને આકૃતિ-ત્રણેય સરજાયાં છે. એકલો ગુજરાતી જ, દુનિયાના ચૌરાહે એવી રીતે સ્થાપિત છે, જેણે સાહસ, સંઘર્ષ, સંવાદ અને સામંજસ્યના આધારે પ્રબળ પુરુષાર્થ કર્યો.
ગુજરાતની અર્ધશતાબ્દી એટલે કે સુવર્ણજયંતિના સ્વર્ણિમ વર્ષે અતીતના વિરાટ વૈભવથી શરૂ કરીને, આજની તિથિએ પહોંચીએ તો સંકલ્પબદ્ધ વર્તમાનનું નિર્માણ થશે. અહીં પ્રાગ-ઈતિહાસ યુગથી આજ સુધીની કેટલીક નિર્ણાયક ઘટનાઓનો સંકેત માત્ર કરું છું. જેમાં આર્થિક, રાજકિય, સાંસ્કૃતિક વળાંકોનો અંદાજ આવશે :
વધુ આગળ વાંચો »

સાહિત્યકાર : 



