અત્તરનાં પૂમડાં – સંકલિત
[1] ભવિષ્યમાં શું થશે તેની ચિંતા કરવાનો કંઈ અર્થ નથી. સારું ભવિષ્ય છે તેમ કહેશો તો લોકો એની આશામાં કોઈ કામ નહીં કરે. ભવિષ્યમાં સારું નથી તેમ કહેશો તો કંઈ પણ કરવાનો અર્થ નથી એમ કહીને બેઠા રહેશે. તેથી આની ચર્ચા કરવાને બદલે વર્તમાનમાં આપણી સહાયથી સારામાં સારી રીતે કરીએ પછી પરિણામ જે આવવાનું હોય તે આવે. આપણી નજર વર્તમાન પર જ સ્થિર રાખીએ. – અજ્ઞાત
[2]
હેતને ન હોય કોઈ હેતુ
સંબંધના બાંધવાના હોય સદા સેતુ
મનની મહોલાત બધી છલકાવી દઈએ
થાય પછી લાગણીની લહાણ
મબલખ આ માનવીના મેળામાં
કોઈ રહે, કોઈથી ન છેટું – સુન્દરમ
[3] છોકરામાં માબાપની આકૃતિનો વારસો જેમ ઊતરે છે તેમ તેમના ગુણદોષનો વારસો પણ ઊતરે જ છે. તેમાં આસપાસના વાતાવરણને કારણે અનેક પ્રકારની વધઘટ થાય છે ખરી, પણ મૂળ મૂડી તો બાપદાદા ઈત્યાદિ તરફથી મળેલી હોય છે તે જ ખરી. એવા દોષોના વારસામાંથી કેટલાંક બાળકો પોતાને બચાવી લે છે એમ મેં જોયું છે. એ આત્માનો મૂળ સ્વભાવ છે, તેની બલિહારી છે. – ગાંધીજી
વધુ આગળ વાંચો »
વાગોળવા જેવા વિચાર – સંકલિત
[સુરતથી પ્રકાશિત થતા ‘જીવનયાત્રી’ સામાયિકમાંથી સાભાર.]
[1] હે ભગવાન ! જગતને તું જ સુધારજે પણ એની શરૂઆત મારાથી કરજે.
[2] જિંદગીમાં જે માગીએ છીએ તે બધું જ નથી મળતું અને મળે છે તેમાનું ઘણું જ માગેલું પણ નથી હોતું.
[3] પોતાની જવાબદારીઓમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું.
[4] દુ:ખી થયેલો માણસ પરિસ્થિતિ અથવા પ્રારબ્ધને દોષ દઈ દે છે, પરંતુ પોતાનાં કર્મ દોષને યાદ નથી કરી શકતો.
[5] પોતાના સંતાનને પુરુષાર્થની ટેવો પાડે છે તે મા-બાપ મોટા વારસા કરતાં પણ વધુ સારી વસ્તુ તેમને આપે છે.
[6] દીકરીને સાસરે વળાવતી વખતે સંસ્કારોનો કરિયાવર કરનાર માતાપિતા સૌથી મોટો દાયજો આપે છે.
[7] જે માણસ કોઈનુંય કશું સાંભળતો જ નથી એનું ઈશ્વર પણ કંઈ સાંભળતો નથી.
[8] પરસેવો પાડ્યા વગરની કમાણી સુખ અને શાંતિની ઝડપથી સમાપ્તિ કરે છે.
[9] દુશ્મન માટે સળગાવેલી આગ, દુશ્મન કરતાં પોતાને જ વધુ બાળનારી હોય છે.
[10] દુષ્કૃત્યોને હંમેશા ઢાંકી રાખે એવો પડદો વણનાર કોઈ વણકર હજુ પાક્યો નથી.
વધુ આગળ વાંચો »
ગાંધી ગુંજ – સં. યતિશ મહેતા
[ ગાંધીસાહિત્ય પૈકી અનેક પુસ્તકોમાંથી આપણે વિવિધ લેખો માણ્યા છે. પરંતુ આ ‘ગાંધી ગુંજ’ પુસ્તક કંઈક રીતે વિશિષ્ટ છે. તેની મુખ્ય વિશિષ્ટતા છે તેનો દેખાવ. રેંટિયા આકારનું આ પુસ્તક એ ગુજરાતી પુસ્તકોની દુનિયામાં કદાચ પહેલવહેલું છે. મુંબઈના શ્રી યતિશભાઈની આ કલ્પના અને જુદા જુદા 28 પુસ્તકોમાંથી કરાયેલું ઉત્તમ સંકલન છે. 116 પાનના આ પુસ્તકમાં આશરે 500થીયે વધુ રત્નકણિકાઓનું ફોટા સહિત સંકલન કરાયું છે. આ પુસ્તક ગાંધી પરિવાર, ગાંધી આશ્રમ તેમજ સર્વોદયની સંસ્થાઓ અને લાઈબ્રેરીઓને ભેટ રૂપે આપવા માટે પ્રકાશિત કરાયું હતું (આવૃત્તિ : 2007) તેથી આ પુસ્તક વેચાણ માટે મુકવામાં નથી આવ્યું. રસિકજનો તેને નજીકની લાઈબ્રેરીમાંથી મેળવીને વાંચી શકે છે. આ સુંદર સંકલન કરવા માટે આપ યતિશભાઈને આ સરનામે yatish44@hotmail.com શુભેચ્છાઓ પાઠવી શકો છો. – તંત્રી.]
[1] સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે. જગત આખું રજકણને કચડે છે, પણ સત્યનો પૂજારી તો રજકણ સુદ્ધાં તેને કચડી શકે એવો અલ્પ ન બને ત્યાં સુધી તેને સ્વતંત્ર સત્યની ઝાંખી પણ દુર્લભ છે.
[2] અણીને વખતે તમારી શ્રદ્ધા ઉણી ન ઊતરે તે જો જો. અનુકૂળ વાતાવરણમાં જ પાંગરે એ શ્રદ્ધાની કશી કિંમત નથી. કપરામાં કપરી કસોટીમાંથી પાર ઊતરે તે શ્રદ્ધાની જ કિંમત છે. આખી દુનિયાની નિંદા સામે તમારી શ્રદ્ધા ટકી ન શકે તો તમારી શ્રદ્ધા માત્ર દંભ છે.
[3] માણસ પોતાની વાચાથી કદાચ આડંબર કરીને પોતાને છુપાવી શકે પણ તેની આંખ તેને ઉઘાડો પાડશે. તેની આંખ સીધી, નિશ્ચલ ન હોય તો તેનું અંતર પરખાઈ જશે. જેમ શરીરના રોગ જીભની પરીક્ષા કરીને પારખી શકીએ છીએ, તેમ આધ્યાત્મિક રોગો આંખની પરીક્ષા કરીને પારખી શકાય.
[4] ઘણી વખતે ‘ગુજરાતી ભાષા બાપડી’ એવું વાક્ય હું સાંભળું છું, ત્યારે મને ક્રોધ છૂટે છે. આ સંસ્કૃતની એક વહાલી દીકરી એ બાપડી હોય તો દોષ કંઈ ભાષાનો નથી, પણ આપણે કે જે ભાષાના વાલી છીએ તેનો છે. આપણે તેને તરછોડી છે, તેને વિસારે પાડી છે, પછી તેનામાં જે તેજ, શૌર્ય વગેરે હોવાં જોઈએ તે ક્યાંથી હોય ?
વધુ આગળ વાંચો »
વીણેલાં મોતી – પ્રમોદ બત્રા
[‘અહા જિંદગી’ સામાયિકમાંથી સાભાર.]
શતાબ્દીઓથી ચાલી આવતું શુદ્ધ સમજદારીપૂર્વકનું શિક્ષણ એટલે રૂઢિપ્રયોગો અથવા તો નાનકડાં વાક્યો. ચિંતન અને અનુભવોનો આ સાર ફક્ત એક જ વ્યક્તિને લાગતોવળગતો નથી. એ તો હજારો વ્યક્તિ સાથે અનેક જુદા જુદા સંજોગોમાં-સંદર્ભોમાં સંકળાયેલો છે. શતાબ્દીઓના અનુભવી નિચોડમાંથી અમુક ખાસ તારવેલાં પરિવારને લગતાં બુદ્ધિપૂર્ણ વિચક્ષણ વાક્ય અહીં આપેલાં છે. આશા રાખું છું કે ઘાસની ગંજીમાંથી શોધી કઢાયેલી આ સોયો તમને અથવા તમારા કુટુંબના સભ્યોને રોજબરોજનાં કામમાં કોઈને કોઈ રીતે ઉપયોગી નીવડશે. સ્વસ્થ અને આનંદિત જીવન માટે આવશ્યક, દાદ માગી લે એવાં આ વાક્યો તમારાં બાળકો તથા પૌત્ર-પૌત્રીઓને સચ્ચાઈ, કર્તવ્ય, વિશ્વાસ, દયા, આનંદ, આદર, નમ્રતા અને પ્રેમ જેવા મહત્વનાં મૂલ્યોનો પરિચય કરાવશે અને મદદરૂપ પણ થશે.
[01] લગ્નજીવનની સફળતાનું રહસ્ય એ વાત પર નિર્ભર છે કે તમે એક સારા સાથી પર પસંદગી ઉતારી છે અને પોતે પણ સારા બન્યા છો.
[02] પતંગિયું હંમેશા ભૂલી જાય છે કે પોતે પણ એક સમયે એક કીડો હતું.
[03] કોઈ પણ અંકુરિત થયેલું બીજ તરત જ ઝાડ નથી બની જતું.
[04] તમારા દીકરાને એક ફુલ આપશો તો એ ફક્ત એ દિવસે જ એને સુંઘી શકશે. એને છોડ ઉગાડવાનું શીખવી દો – એ રોજ સુવાસ માણી શકશે.
[05] લક્ષ્ય ત્યારે જ સાધી શકાય જ્યારે આપણાં પ્રયત્નોને બીજા સાથે સરખાવીએ.
[06] સમુદ્રનાં મોજાંના માર્ગમાં પથ્થરોની પથારી ન હોય તો લહેરો ગૂંજતી નથી.
[07] તમે તમારા વડીલો પર ગર્વ કરી શકો છો કે નહીં એ વાતથી કોઈ ફરક નથી પડતો, ફરક તો એ વાતથી પડે છે કે તેઓ તમારા પર ગર્વ કરી શકે છે કે નહીં.
[08] દરેક વ્યક્તિ એ જ કરે છે જે એને ગમતું હોય છે, નહીં કે જે એણે વાસ્તવમાં કરવું જોઈએ.
[09] તમે એક વર્ષીય યોજના બનાવવા ઈચ્છતા હો તો મકાઈ વાવો. તમે ત્રણ વર્ષીય યોજના બનાવવા ઈચ્છતા હો તો વૃક્ષ રોપો. તમે દસ વર્ષીય યોજના બનાવવા ઈચ્છતા હો તો લોકોને કેળવણી આપો.
[10] કોઈ પણ સંઘર્ષ કરવો પડે, તમે આગળ વધતા રહો, સફળતા દસ પગલાં જ દૂર છે.
વધુ આગળ વાંચો »

સાહિત્યકાર : 



