Nov 21
2009

પદ્યપુષ્પ – સંકલિત

[1] ગઝલ – અલ્પેશ કળસરિયા

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે યુવાસર્જક શ્રી અલ્પેશભાઈનો (રાજુલા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે alpesh9427511573@yahoo.in અથવા આ નંબર પર +91 9427511573 સંપર્ક કરી શકો છો.]

તારી વાતોમાં છે એ લ્હાવ ગઝલ
તારા ચ્હેરાનાં હાવભાવ ગઝલ

પ્રેરણા છે અહીંના કણ-કણમાં
હો ગજુ ત્યાં સુધી બનાવ ગઝલ !

સાધના એ જ એની સાચી છે,
જિંદગી સમજીને વિતાવ ગઝલ !

આ દિવાળીમાં ગોખ સૂનાં કાં ?
ઘીનાં દીવા શી ઝગમગાવ ગઝલ !

અર્થનાં રંગ પૂર તર્ક વડે,
શબ્દની ફ્રેમમાં મઢાવ ગઝલ !
.

[2] માનો પ્રેમ – ધીરજલાલ શાહ

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે 89 વર્ષીય વડીલ મુરબ્બી શ્રી ધીરજલાલભાઈનો (સુગરલેન્ડ, ટેક્સાસ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +1 281 242 8454 પર સંપર્ક કરી શકો છો.]

બાપ-દીકરાને તેના ભલા માટે લડે
તોયે માને દુ:ખ થાય.
દીકરો માંદો પડે તો મા
દવાખાને દોડાદોડ કરે.
દીકરો ના ખાય તો
મા પણ ના ખાય.
ટાઢ હોય તો મા રાતે
ઊઠી ઊઠીને ઓઢાડે.
ભીનું કર્યું હોય તો મા સૂકે સુવાડે
અને પોતાને ભીને સુવાડે.
દીકરો શાળાએથી મોડો આવે
તોયે માને દુ:ખ થાય.
દીકરો મોડે સુધી ભણે
તોયે માને દુ:ખ થાય.
પણ દીકરો પરણે એટલે
મા પોતે જ છૂટી થાય, દૂર જાય –
રખેને ! માનો પ્રેમ
પત્ની પરના પ્રેમને અવરોધે !

Aug 09
2009

મનાઈ છે – ચૈતન્ય અમૃતલાલ શાહ ‘પરેશાન’

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી ચૈતન્યભાઈ શાહ (અમદાવાદ)નો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : chaitanya68@gmail.com ]

અહીંયા જાહેર સ્થળે ધ્રૂમ્રપાન કરવાની મનાઈ છે
એંઠા ધુમાડાથી લોકોને હેરાન કરવાની મનાઈ છે

દંભી નકાબોને માન આપો, ચુપચાપ વાહ વાહ કરો
એમના અસલ ચહેરાની પહેચાન કરવાની મનાઈ છે

દેશદ્રોહીઓને સવલત આપો, છટકબારીનો લાભ આપો
ભુલથી પણ એ લોકોનું અપમાન કરવાની મનાઈ છે

ખુબ વાંચો, વિચારો, લખો ને ભાષણ કરો નૈતિકતા વિશે
પણ ખબરદાર વ્યવહારમાં આચરણ કરવાની મનાઈ છે

રદીફ જોઈએ, કાફિયા જોઈએ, જોઈએ છંદ અને શેરિયત
અહીં ફક્ત લાગણીઓથી શેરનું ફરમાન કરવાની મનાઈ છે

સાચા-ખોટાની વ્યાખ્યા બદલાવી ને દિલને સમજાવી દો,
‘પરેશાન’ અંતરાત્માને કહો, પ્રવચન કરવાની મનાઈ છે

Aug 01
2009

વાચકોની કૃતિઓ – સંકલિત

[1] સંવેદનશીલ ઋતુ : વરસાદ – અલ્પેશ ભલાળા

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે અલ્પેશભાઈનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. વ્યવસાયે તેઓ યુવા એન્જિનિયર હોવાની સાથે કલમથી સાહિત્યપ્રેમી છે. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : alpesh.bhalala@gmail.com ]

મારી મનગમતી, મનભાવતી મૌસમ છે: વરસાદ. મને સૌથી પજવતી ઘટનાનું નામ છે વરસાદ. અંદરથી માણવાનું મન થાય એવી ઋતુ એટલે વરસાદ. ચોમાસું એટલે બહારથી પલળવાની અને અંદરથી ભીંજાવાની ઋતુ. જેઓ પલળી શકતા નથી તેઓ પલાળી કેવી રીતે શકે ? મનતરબોળ થઇ ભીંજાઈ ના શકે તે બીજા કોઈ પાત્રને ભીંજવી પણ કેવી રીતે શકે ? વરસાદ એ કુદરતના આનંદની ચરમસીમા છે. કુદરત ઘેલી બની નાચી ઉઠે એને આપણે ‘વરસાદ’ કહેતા હોઈએ છીએ. એ વરસાદ આપણને નચાવી ના શકે તો તમે કાં તો જિંદગીભર નાચવાના આનંદથી વંચિત રહ્યા છો અથવા તો માત્ર બાહ્યદેખાડા ખાતર ઠૂમકા લીધા છે.

કાળાડિબાંગ કે ધોળા રૂની પુણી જેવા વાદળાનું સામ્રાજ્ય, લાંબા-ટૂંકા શેરડા વીંઝતી ઝબુક વીજળી, ગેબી ગડગડાટ, હિલોળતાં વૃક્ષો, પલળતી માટી, નીતરતા માણસો, મસ્તીમાં મહાલતા પક્ષીઓ, આકાશી રંગોળી મેઘધનુષ્ય, મોરના ટહુકા, પવનના સુર ને સુસવાટા, ઠંડીનો ચમકારો…. આટલા વાજિંત્રો કયા આલબમમાં જોયા છે તમે, જરા કહેશો મને ? મેં તો નથી જોયા ! અને આ વરસાદનું પાણી ! ધોધમાર, મુશળધાર, ઝાપટાભેર , ઝરમર ઝરમર, છાંટા, પછેડીભર, સાંબેલાધાર, એકરસ અને ક્યારેક ખાબકેય ખરો ! બારે મેહ ખાંગા!

વરસાદ માણવામાં જેઓને આનંદ મળતો નથી (કે સંકોચ અનુભવે છે), તેઓ જિંદગીથી ત્રસ્ત હોવાની શક્યતા ઘણી ઉંચી છે ! ઘણા ગેલેરીમાં ઊભા રહી હાથ લંબાવી મેહુલિયાને ઝીલી ભીંજાશ પામે છે. છત્રીની નીચે રહી પલળવાની મજા કંઈક ઔર હોય છે. તો ઘણા બારીમાંથી ડોકિયું કરી વર્ષાની ધાર નિહાળી લેતા હોય છે. ઘણાને મેઘતાંડવ સાંભળવું ગમે છે અને ખુલ્લા મિજાજના બેફામ લોકો છલાંગ મારી આભ નીચે આવી જાય છે ! માથામાંથી પાણી નીતરતા યુવાન તેની અસલી કેફિયતમાં કોસ્મેટીકરણથીય હજાર દરજે રૂડા દીસે છે. પાણીમાં છબછબીયા કરતા ટાબરિયાએ કયારેય તમારી પાસે ચોકલેટ માંગ્યાનું યાદ છે, ભેરુ ? આજકાલ મમ્મીઓ છોકરાવને સ્વીમીંગ પુલ કે વોટરપાર્ક લઇ જશે, પણ વરસાદમાં ‘છુટા’ નહિ મેલે !
વધુ આગળ વાંચો »

Jul 19
2009

બે ગઝલો – સંકલિત

[1] ગઝલ – અમિત ત્રિવેદી

[યુવાસર્જક શ્રી અમિતભાઈની (વડોદરા) અનેક પદ્યકૃતિઓ અગાઉ ઘણા સામાયિકોમાં સ્થાન પામી ચૂકી છે. રીડગુજરાતીને આ ગઝલ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે amit.vadodara@gmail.com સંપર્ક કરી શકો છો.]

મારી સાથે મારો ઈશ્વર, નિભાવે એવો નાતો
મારે ઘેરે દીવો કરવા એ પાડે છે રાતો

સમજણની દીવાલો તોડી છોને દોડી જાયે
જો ઋણાનુંબંધ હશે તો, આવશે ઠોકર ખાતો

અષાઢી રાતે તારું ન હોવું એવું કૈં ડંખે કે
ભરચોમાસે રાતી આંખે દુકાળ આ ચકરાતો

શ્વાસ અને ઉચ્છવાસની વચ્ચે એ નિરંતર વસતો
તોય નિરાકારી હોવાનો પ્રશ્ન સદા ચર્ચાતો

તું ક્યાં છે ? શું કર્મ કરે છે ? સમય એ જોવા ખોયો
હું છું તો શું ? પ્રશ્ન મને એ તેથી ના સમજાતો

સગપણ નોખું તારું, મંદિરમાં તું લાગે સૌનો
ભીતરમાં બેઠેલો તું કેવો અંગત વરતાતો
.

[2] આદમ ભુલા પડ્યાં – તેજસ શાહ

[રીડગુજરાતીને આ ગઝલ મોકલવા માટે તેજસભાઈનો (ઓસ્ટ્રેલિયા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : tejasshah9@yahoo.com ]

આદમ બધાં એ ગામનાં કેવા જુઓ ગુમનામ છે!
સરિયામ શેરીઓ છતાં કઈ ચાલ આ બેફામ છે?

ઝાકળ બની આંખો વહે ફુલપાંખડીના ગાલ પર,
પુષ્પો ખરી કંટક ઉગે એ પાપનો અંજામ છે.

હર પળ મરી જીવવા થકી પળ પળ હણી સ્પર્ધા કરે,
નહિ પામતાં એ વાત કે હર શ્વાસમાં ઈનામ છે.

ઊલેચતાં મધ મન ભરી, નહિ વ્હેચતાં ટીપું કદી,
દરિયો જડ્યે પણ રોદણાં, જળ ગાળવાનાં દામ છે.

અન્યાયની આંધી મચે, નરમાશથી નિંદા પચે,
કોઠે પડે વિષ નસ નસે જ્યાં અમરતોના જામ છે.

આચારનાં આકાર નૈ, રમતાં ધનુષ ને બાણ થૈ,
સાચો રમતને જીતશે એ વાતથી આરામ છે.

કોઈ રટે કુરાનને તો કોઈ રામાયણ રટે,
અલ્લાહ બાંગે-બાંગ છે, પથ્થર તરે ત્યાં રામ છે!

આદમ બધાં એ ગામમાં બેભાન છે બેનામ છે,
ભુલી પડેલી ભીડને બસ ભોમિયાનું કામ છે!