પૌરુષી માતૃત્વ – મીરા ભટ્ટ

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે સાહિત્યકાર શ્રીમતી મીરાબેન ભટ્ટનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 265 2432497.]

‘દાદા આવ્યા ! દાદા આવ્યા !’ની બૂમરાણ ચોમેર ગૂંજી ઊઠી. હજુ તો સંદીપની ગાડી ‘વાત્સલ્ય ધામ’ના ઝાંપે પહોંચી નહોતી, ત્યાં દૂરથી ગાડી આવતી જોઈ, પાણીના રેલાની જેમ ચોમેરથી બાળકો ધસી આવ્યાં. ગાડીનું બારણું ખોલીને સંદીપ માંડ ઊભો થાય તે પહેલા તો નાના નાના હાથ એની કમરે વીંટળાઈ વળ્યા અને એ ચોમેરથી બાળકોના ઘરેકાથી ઘેરાઈ ગયો.

આજે ‘વાત્સલ્ય ધામ’ની અધિષ્ઠાત્રી ‘મા કૃષ્ણા’નો પુણ્યદિન હતો. જાહેર સમારંભ તો ઠેઠ સાંજે હતો, પણ સંદીપ પૂર્વ-વ્યવસ્થા જાણવા સવારે વહેલો જ નીકળી આવ્યો હતો. બહારગામથી પણ ઘણા સ્વજનો-પરિજનો અને મહેમાનો પધારવાના હતા. તેમની સમક્ષ વાત્સલ્ય-ધામનાં બાળકોના વિવિધ કાર્યક્રમો પણ રજુ થવાના હતા. બાળકોમાં અનેરો ઉત્સાહ હતો. એમના ખુશખુશાલ ચહેરા પર અંદરની ખુશી છલકાઈ ઊઠતી હતી. એક મોટા છોકરાના હાથમાં, સાથે લાવેલો સુખડીનો ડબ્બો સોંપી એ માંડ મુક્ત થયો. સીધો જ કાર્યાલયે પહોંચ્યો. વ્યવસ્થાપક રમેશભાઈ ત્યાં જ હતા. કલાકેક એમની પાસેથી બધી જાણકારી મેળવી, જાતે જ સંસ્થામાં આંટો મારવા નીકળી પડ્યો. વ્યવસ્થા તેમજ કાર્યક્રમની વિગતો સમજવામાં બીજો એક કલાક ક્યાં નીકળી ગયો તે ખબરેય ન પડી.

જોવા-તપાસવા-સમજવાનું બધું કામ પૂરું કરીને સીધો ઉપરના માળે બાંધેલા એના પોતાના ઓરડામાં પહોંચી ગયો. નહાયો-ધોયો, ઘડીક પલંગ પર પણ લંબાવ્યું, પરંતુ આજે એ થોડો અસ્વસ્થ હતો. એને પોતાને સમજણ ન પડે એવી કોઈ વ્યાકુળતાથી એ ઘેરાઈ ગયો હતો. અંદર જાણે કોઈ તૂફાન જાગ્યું હતું, જે એને લગીરે જંપવા દેતું નહોતું. ભીતરની તમામ ગ્લાનિને ખંખેરતો હોય તેમ સડાક દઈને ઊભો થઈ, બહાર અગાસીમાં ગયો.
વધુ આગળ વાંચો »

વાર્તાઉત્સવ – સં. રોહિત શાહ

[થોડા સમય અગાઉ ‘ગૂર્જર પ્રકાશન’ દ્વારા નવોદિતો તરફથી વાર્તાઓ મંગાવવામાં આવી હતી. જેમનું કોઈ પણ પુસ્તક પ્રકાશિત ન થયું હોય તેવા પંચોતેર નવોદિતોની સુંદર કૃતિઓનો સમાવેશ કરીને તાજેતરમાં આ પ્રકાશન સંસ્થા દ્વારા ‘વાર્તાઉત્સવ’ રૂપે આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. નવોદિતોની વાર્તાનો કોઈ પુસ્તકમાં સમાવેશ થાય એ ઉત્સવની ઘટના જ ગણાય ને ! આથી આ પુસ્તકનું નામ વાર્તા ઉત્સવ રાખવામાં આવ્યું છે. આજે માણીએ તેમાંથી બે સુંદર કૃતિઓ. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. – તંત્રી.]

[1] વેલેન્ટાઈન-ડે – નમ્રતા શૈલેષ દેસાઈ

Picture 026[ નવોદિત યુવા સર્જક શ્રીમતી નમ્રતાબેને (સુરત) ગુજરાતી સાહિત્ય સાથે એમ.એ. કરેલું છે. તેમની કેટલીક કૃતિઓ જાણીતા અખબારમાં સ્થાન પામી છે. આપ તેમનો આ નંબર પર +91 9925438103 અથવા આ સરનામે shail900@hotmail.com સંપર્ક કરી શકો છો. – તંત્રી.]

લીલાબા બાથરૂમમાં નાહવા જ જતાં હતાં ને ત્યાં તો નિકિતાની બૂમ સંભળાઈ :
‘દાદી, ઊભી રહે ! મને પહેલાં જવા દે, મારે મોડું થાય છે.’
‘પણ છે શું આજે ? સવારથી જ તું બાવરી-બાવરી થઈને આમતેમ ફરે છે તે !’
‘દાદી, તને એ બધું ન સમજાય. પછી શાંતિથી કહીશ. પહેલાં મને નાહી તો લેવા દે !’ નિકિતા જે દિવસની આતુરતાથી રાહ જોતી હતી તે દિવસ – પ્રેમીઓ માટે ઓળખાતો વેલેન્ટાઈન-ડે આજે આવી પહોંચ્યો હતો.

આશુતોષની માયાજાળમાં નિકિતા સવારથી ઉધામા મારતી હતી. નિકિતાની જોડે જ કૉલેજમાં ભણતો આશુતોષ દેખાવડો અને સંસ્કારી હતો. ટૂંકમાં જ વાત. ઝાઝી લપનછપ્પન એને ફાવે નહીં. ઓછાબોલો. પોતાની જરૂરિયાત પણ ભાગ્યે જ કહી શકતો. પણ નિકિતા મૅડમ ગમે ત્યાંથી એની જોડે વાત કરવાના અવસરો શોધતી જ હોય – કલાસમાં, કૅન્ટિનમાં, હૉલમાં કે પાર્કિંગમાં…. કોઈ દિવસ પુસ્તક, તો કોઈ દિવસ લેકચર, ક્યારેક વળી કોઈ પ્રોફેસર, તો કોઈક વાર જી.એસ.ની ચૂંટણી હોય. નિકિતા પાસે દરેક વિષય આશુતોષ માટે જરૂરી જ થઈ જતો. એટલે જ આજે હળવાફૂલ થઈને હૈયાની વાત હોઠે લાવવાની તક આવી મળી હતી. નવો ડ્રેસ, નવું પર્ફયુમ, ઈમિટેશન જ્વેલરી, હેરસ્ટાઈલ અને એક જોડ સરસ મજાની ગિફટ. ગિફટની જોડેજોડે શબ્દોનો ભીનીભીની સુગંધવાળો દરિયો પણ એણે વહેતો મૂક્યો હતો. આજે વહેણમાં ડૂબી જવાની તો તૈયારી જ ચાલી રહી હતી.
વધુ આગળ વાંચો »

ને હર્ષલે હરખાતાં હરખાતાં હા પાડી ! – કલ્પના જીતેન્દ્ર

[ ‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર. આપ લેખિકાનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9427714120 ]

ઉમાબહેન ને નિકુંજભાઈને હાશ થઈ.
માંડ માંડ હર્ષલે છોકરી પસંદ કરી…. કેટલી ? આશરે ત્રીસ-પાંત્રીસ છોકરીઓ જોઈ હશે. ક્યાંય હા ન પાડે. દરેકમાં કોઈ ને કોઈ ખોડખાંપણ કાઢે જ. કોઈ ઊંચી તો કોઈ નીચી. કોઈનો અભ્યાસ ઓછો તો કોઈ શરમાળ લાગે. કોઈકની આંખ ચૂંચી તો કોઈકનું નાક ચીબું, કોઈ શામળી તો કોઈ ઘઉંવર્ણી, કોઈ અતિ સ્માર્ટ લાગે તો કોઈ અતિ ઠાવકી, કોઈક ઘરકૂકડી તો કોઈક અત્યંત ફરતિયાળ.

થોડા સમય પહેલાં ચહેરેમહોરે નમણી, દેખાવડી ને હોશિયાર છોકરી પર પસંગી ઊતરી. ઈંગ્લિશ પણ સારું જાણે, બંને સાથે રેસ્ટોરન્ટમાં ગયાં. નિકુંજભાઈ-ઉમાબહેનને થયું, વાત હવે જામી ગઈ. ત્યાં તો ઘેર આવી હર્ષલે નનૈયો ભણી દીધો… કેમ ?
તો કહે : ‘ભલે, ઈંગ્લિશ સારું જાણે, પણ રીતભાતમાં પાકી ગુજરાતણ છે…. ન ચાલે મમ્મી ! મારે વારંવાર પિકનિક પાર્ટી હોય, હોટલ-રેસ્ટોરાંમાં જવું પડે, એવી કશી રીતભાત, હોટલ-ટેબલ મેનર્સ બિલકુલ જાણતી નથી.’
‘લો ! હવે આને શું કહેવું ?’ ઉમાબહેને માથે હાથ મૂક્યો, ‘છોકરી ગમતી હોય તો હોટલ-ટેબલ મેનર્સ તો શીખવી પણ શકાય. એટલી વાતમાં ના પાડી દેવાની ?’ પણ હર્ષલને કહેવાનો કોઈ અર્થ નહોતો. એ છોકરીને ના પાડીને જ આવ્યો હતો. ખેર ! જે થતું તે.

આ પોયણી એકદમ ગમી ગઈ છે. અત્યંત દેખાવડી, નમણી, સ્માર્ટ છતાં સ્ત્રીસહજ લજ્જા ! અભ્યાસમાં તેજસ્વી, ઘરકામ, ઈતરપ્રવૃત્તિમાં અગ્રેસર, ઊંચી પાતળી બરાબર હર્ષલને અનુરૂપ. કાંઈ કરતાં કાંઈ કહેવાપણું નથી. આટલી રઝળપાટ પર હવે પૂર્ણવિરામ મુકાશે. એક વર્ષની તપશ્ચર્યા ફળી. ઉમાબહેન-નિકુંજભાઈ બંનેને હાશ થઈ. મનોમન શાંતિ થઈ. તોય આગલા અનુભવના કારણે કહ્યું તો ખરું જ –
‘હર્ષલ, તમે બંને હોટલમાં ડિનર લઈ આવજો હો.’
હર્ષલ પણ સમજ્યો ને મલકાયો, ‘મમ્મી, ગઈ કાલે ગયાં હતાં. અરે ! પોયણી તો એકસપર્ટ છે. એનામાં કશું જ કહેવાપણું નથી.’
‘પત્યું, ત્યારે ! નિરાંત. હવે સગપણની તારીખ નક્કી કરી નાખીએ. પોયણીની પણ હા છે ને ? તમે એકબીજાનું મન તો જાણી લીધું છે ને ?’
‘ઓહ મમ્મી ! પોયણીની હા છે…. ને સગપણ !… ના ! એવું કશું જ નહીં, હવે તો સીધાં લગ્ન જ.’
ઉમાબહેન ખુશ ખુશ. ‘ઓહો…હો ! એટલી બધી ઉતાવળ આવી ગઈ છે !’
‘ડેડી ! જુઓને ! મમ્મીને કાંઈક કહો ને. હવે કાંઈ મારો વાંક છે ?’ કહેતાં જ હર્ષલે મમ્મીના ખોળામાં માથું મૂક્યું ને સોફા પર લાંબો થયો.
‘હવે મોટો થયો દીકરા, ચાલ ઊઠ તો.’ ઉમાબહેને હર્ષલનું માથું પસવારતાં કહ્યું.
‘ના ! સૂવા દે ને ! ભલે મોટો થયો, તારો તો દીકરો જ છું ને ? મારી વહાલી…વહાલી મમ્મી. એમ જ હાથ ફેરવને, મજા આવે છે. તારા ખોળામાં જ ઊંઘી જવું છે.’ લાડભર્યા સ્વરે એ બોલ્યો.
‘અરે વેવાઈને હરખનો ફોન તો કરવો પડશે ને ? તું ઊઠવા દે ત્યારે ને ?’
‘એમ વાત છે ? ઊઠવાની જરૂર નથી. લે હું તને મોબાઈલ પર વાત કરાવું.’ ને એણે નંબર મેળવી મોબાઈલ મમ્મીના હાથમાં મૂક્યો. ઉમાબહેને વેવાઈ સાથે તો વાત કરી જ. નજીકના સગાંસંબંધી, પરિચિતો, મિત્રોને પણ ખુશીના સમાચાર આપી દીધા.
વધુ આગળ વાંચો »

પપ્પા, મારે મૂંડો કરાવવો છે ! – પ્રેષક : મીતા દવે

[ઈન્ટરનેટ પર પ્રચલિત થયેલી આ કૃતિ તાજેતરના ‘નવનીત સમર્પણ’(ડિસેમ્બર-09)માંથી સાભાર લેવામાં આવી છે.]

‘કેટલી વાર સુધી છાપું વાંચતા રહેશો ? જરા અહીં આવો અને તમારી લાડકી દીકરીને ખાવા માટે સમજાવો.’ મારી પત્નીએ બૂમ પાડી.
મેં છાપું ટેબલ પર મૂક્યું. મા-દીકરી વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ બંધ કરવા હું ડાઈનિંગ ટેબલની પાસે પહોંચ્યો. ભયથી ધ્રૂજી રહેલી દીકરી સિંધુ ડાઈનિંગ ટેબલની ખુરશી પર બેઠી હતી. એની આંખમાં આંસુ વહેતાં હતાં. કારણ હતું તેની સામે રાખેલો દહીં-ભાતથી ભરેલો વાડકો.

સિંધુ એક વહાલી અને પ્રેમાળ દીકરી છે અને પોતાની ઉંમરનાં બાળકો કરતાં ઘણી સમજદાર પણ છે. એ આઠ વર્ષની છે અને ખાવામાં દહીં-ભાત તેને બિલકુલ પસંદ નથી. આ બાજુ મારી પત્ની ‘દહીં-ભાતથી કોઠો ટાઢો રહે’ એ વાતે એટલી મક્કમ છે કે ઉનાળાના દિવસોમાં એ સિંધુને દહીં-ભાત ખાવા ખૂબ જ દબાણ કરતી રહે છે. મેં ખોંખારો ખાધો અને વાટકો હાથમાં લેતાં કહ્યું : ‘સિંધુ બેટા, તું જલદીથી પાંચ છ ચમચી દહીં-ભાત ખાઈ કેમ નથી લેતી ? કોઈના નહીં તો પપ્પાને ખાતર તો ખાઈ લે, જો તું આ ખલાસ નહીં કરે તો તારી મમ્મી મારા પર ગુસ્સો કરશે.’

સિંધુ થોડી નરમ પડી અને પોતાના હાથોથી પોતાનાં આંસુ લૂછતાં બોલી, ‘ઠીક છે પપ્પા, હું પાંચ-છ ચમચી નહીં વાડકામાં રાખેલાં બધાં દહીં-ભાત ખાઈ જઈશ, પણ….’ – થોડું ખચકાતાં એણે કહેવાનું ચાલુ રાખ્યું, ‘પપ્પા, જો હું બધાં દહીં-ભાત ખાઈ લઉં તો તમે મને હું જે માગું તે આપશો ?’
‘હા, બિલકુલ.’
‘પ્રોમિસ ?’
‘પ્રોમિસ,’ મેં કહ્યું.
‘મમ્મીને પણ પ્રોમિસ આપવાનું કહો’, એણે ભાર આપતાં કહ્યું.
પત્નીએ લાપરવાહીથી કહ્યું : ‘હા, પ્રોમિસ.’
પરંતુ હું થોડો ગભરાતો હતો કે કદાચ એ એવું કશું ન માગી લે કે જે મારા ખિસ્સાને ભારે પડે અને હું મુશ્કેલીમાં પડી જાઉં. આથી મારી પરિસ્થિતિની ચોખવટ કરતાં મેં કહ્યું, ‘સિંધુ બેટા, તું કોમ્પ્યુટર કે એવી કોઈ મોંઘી ચીજની માગણી નહીં કરતી. પપ્પાની પાસે અત્યારે એટલા પૈસા નથી. ઠીક છે ?’
‘નહીં પપ્પા. મને કોઈ મોંઘી ચીજ નથી જોઈતી.’ એનો જવાબ સાંભળી મને રાહતનો અનુભવ થયો. એણે ખૂબ તકલીફથી કચવાતાં મને ધીરે ધીરે બધાં દહીં-ભાત ખાઈ લીધાં.
વધુ આગળ વાંચો »

વિભાજીત – ભગવતીકુમાર શર્મા

[‘ગુજરાત’ સામાયિક દીપોત્સવી અંકમાંથી સાભાર.]

‘રૂપા ! મારાં ચશ્માં ક્યાં છે ?’ સુકેતુએ બૂમ જેવા અવાજે પૂછ્યું.
રૂપાએ રસોડામાંથી જ દાળની તપેલીમાં કડછી ફેરવતાં તીણા સ્વરે ઉત્તર આપ્યો :
‘ચશ્માં શોધવા માટે તું ખાસ નવાં ચશ્માં બનાવડાવ સુકેતુ !’
સુકેતુ વધારે ધુંધવાયો : ‘આ મજાક-મશ્કરીનો વખત નથી રૂપલી ! ઑફિસે જવામાં મને ઑલરેડી મોડું થઈ ગયું છે. નવ-પંદરની બોરીવલી-ચર્ચગેટ ગઈ તો પછી હું…..’

રૂપા રસોડામાંથી સહેજ ડોકાઈ. બારણાની અડધી આડશે જ તેણે પૂછ્યું :
‘રોજ તું તારાં ચશ્માં ક્યાં મૂકે છે ?’
‘શૉ-કેસના ડાબા ખૂણે.’
‘ડાબા નહિ, જમણા ખૂણે !’
‘પણ રોજ તો હું ડાબે ખૂણેથી જ મારા ગ્લાસિસ….’
‘ગઈ કાલ સાંજથી મેં આખી વ્યવસ્થા બદલી નાખી છે.’ રૂપાએ કિચનના ઉંબરાની બહાર પગ મૂકતાં કહ્યું, સુકેતુ હવે ખરેખરો અકળાયો. તેણે ઉગ્રતાથી પૂછ્યું : ‘વ્યવસ્થા બદલી નાખી છે એટલે વૉટ ડુ યુ મીન ?’ તેની ઉગ્રતાથી જરા પણ મૂંઝાયા વિના રૂપા સત્તાસૂચક રીતે બોલી :
‘મેં કહ્યું અને તેં સાંભળ્યું. ધેટ્સ ઑલ ! હવેથી શૉ-કેસનો જમણો ખૂણો તારો અને ડાબો મારો.’
‘મતલબ કે….’ સુકેતુ થોથવાયો.
‘હવે તને મોડું નથી થતું ? મારે હજી રોટલી કરવાની બાકી છે,’ બોલતી રૂપા ફરીથી રસોડામાં સરકી ગઈ.

સુકેતુ દિંગ્મૂઢ બનીને ઊભો રહ્યો – થોડીક જ ક્ષણ કાંડા-ઘડિયાળ પર નજર પડતાં જ તે સાબદો થયો. મોજાં, ટાઈ, પૉર્ટફોલિયો અને હા, ચશ્માં અને હવેથી તે ડાબે નહિ, જમણે ખૂણે ! સુકેતુને પળભર શૉ-કેસ તોડી-ફોડી નાખવાની ઝનૂની ઈચ્છા થઈ આવી અને તરત પૂરના પાણીની જેમ ઓસરી ગઈ. નાહક વધારે મોડું થાય અને વળી શો ફરક પડવાનો હતો. ચશ્માં શૉ-કેસના ડાબે ખૂણે હોય કે જમણે તેથી ? હાથ આ તરફ લંબાવવાને બદલે પેલી તરફ લંબાવવાનો એટલું જ ને ? પણ વળતી પળે તેનું મન પોકારી ઊઠ્યું : વ્યવસ્થાને નામે આમ મનસ્વી ફેરફાર કરવાનો રૂપાનો શો અધિકાર ?
વધુ આગળ વાંચો »

ટાઈપ-ફોર – અનુ. ડૉ. રેણુકા શ્રીરામ સોની

[મૂળલેખક : અનંત પ્રસાદ પંડા. ‘જનકલ્યાણ’માંથી સાભાર.]

રમેશબાબુ સેક્રેટરિયેટમાં નોકરી કરે છે. કટક શહેરની એક ગલીમાં તેઓ ભાડાના મકાનમાં રહે છે. ઈંટોની બનેલી દીવાલ, નીચે સિમેન્ટની લાદી અને ઉપર છાપરું. દીવાલમાં વરસોથી ચૂનો લાગ્યો નથી. પણ તે શેરીમાં એમનું ઘર સૌથી સારું ગણાય, એમ કહીએ તો ચાલે. એમના ઘરને અડીને સાઈકલનું સમારકામ કરતા કારીગરનું ઝૂંપડું છે. એમાં દીવાલો રહી નથી. વાંસ પર ગારો લગાવેલો હતો, તે પણ ક્યારનો ઉખડી ગયો છે. ખખડધજ વાંસ દેખાય છે. તેની પેલી બાજુ ગાડાવાળા કાળુખાનનું ઘર. એક જ ઓરડો. એમાં અડધામાં કાળુખાનના વહાલા માયકાંગલા બે લાલ બળદ રહે – અને બાકીના અડધાના બે ભાગ પાડ્યા છે એકમાં રસોઈ બને અને બીજામાં કાળુખાનને સૂવાનું. તેની પેલી બાજુ પૂરી-પકોડીવાળાનું ઘર. તેની હાલત પણ એવી જ. ઘાસનું છાપરું અડધું ઊડી ગયું છે. દિવસે તડકો, અને રાતે તારા દેખાય. આવા આવા કેટલાય વેપારીઓનાં ઘર એ ચાલમાં, પણ એમાં એકલા રમેશબાબુ જ ‘સાહેબ’ ગણાય.

રમેશબાબુ ચોક્કસ સાહેબ છે. પેન્ટ પર ટીશર્ટ પહેરે છે; નાક નીચે પતંગિયાકટ મૂછો રાખે છે. હાથમાં સોનાની વીંટી ચળકે છે; સાઈકલ પર આવ-જા કરે છે. તેમની સરખામણીમાં તે ચાલમાં બીજા જેટલા વ્યવસાયીઓ છે, તે બધા મજૂર શ્રેણીના છે. એટલે જ તે ચાલમાં રમેશબાબુનું માન ખૂબ જ. ઓફિસનું કામ પતાવી રમેશબાબુ ઘેર આવે ત્યારે ઑફિસની વાત, ફાઈલની વાત, મોટા સાહેબ અને નાના સાહેબનો ગુસ્સો, બૂમાબૂમ બધું ભૂલી જાય. હવે તેઓ એ શેરીના સાહેબ. કાળુખાન ગાડાવાળાથી માંડીને નાક વીંધવાવાળો, પૂરી-પકોડીવાળો, સાહુ અને બીજા કેટલાયે પડોશીઓ રમેશબાબુ જોડે કેટલીયે વાતો કરે. ખૂબ મુશ્કેલીમાં હોય ત્યારે એ લોકો રમેશબાબુ પાસેથી બે-ચાર રૂપિયા ઉધાર પણ લઈ જાય. રવિવારે ઑફિસમાં રજા હોય. એટલે તે દિવસે રમેશબાબુ સંપૂર્ણપણે રમેશસાહેબ બની જાય.
વધુ આગળ વાંચો »

બ્રાયન ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા

[ મોતીચારો શ્રેણીના પુસ્તક-4 ‘અમૃતનો ઓડકાર’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ડૉ.સાહેબનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : drikv@yahoo.com]

શિયાળાનો એ અત્યંત ઠંડો દિવસ હતો. અમેરિકાના એક હાઈવે પર સાઈડપાર્કિંગમાં પોતાની વૈભવશાળી કાર ઊભી રાખીને એક વૃદ્ધ સ્ત્રી કોઈની મદદની રાહ જોતી હતી. ફૂલ સ્પીડમાં જતી ઢગલાબંધ ગાડીઓ સામે એણે હાથ હલાવી જોયો હતો, પરંતુ ઠંડી સાંજનો ઝાંખો પ્રકાશ અને અત્યંત ઝડપ તેમ જ વરસતા બરફના કારણે કોઈનું ધ્યાન એના પર નહોતું પડતું અને કદાચ કોઈકનું ધ્યાન પડ્યું હશે તો પણ કોઈ ઊભું નહોતું રહ્યું. એ અમીર માજીના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટપણે ઊપસી આવી હતી.

એ માજી નિરાશ થઈને પોતાની કારમાં પાછાં બેસવા જતાં હતાં એ જ વખતે એક જૂની અને ખખડધજ કાર એમની કારની પાછળ આવીને ઊભી રહી ગઈ. એમાંથી સાવ લઘરવઘર લાગતો એક ગરીબ હબસી ડ્રાઈવર ઊતર્યો. પેલા પૈસાદાર માજીને બીક લાગી. કાળા માણસો ઘણી વખત આવી એકલી સ્ત્રીઓને લૂંટી લેતા હોય છે અને અમુક કિસ્સામાં મારી પણ નાખતા હોય છે એ વાતનો માજીને બરાબર ખ્યાલ હતો. એટલે એમને વધારે બીક લાગતી હતી. એ માણસ એમની પાસે આવ્યો. ભય અને ઠંડી બંનેની ભેગી અસરથી માજીના હાથપગ ધ્રૂજવા લાગ્યા. પેલો કાળો માણસ એ માજીનાં ડરને જાણી ગયો. અત્યંત નરમાશથી એ બોલ્યો, ‘મૅમ ! ગભરાશો નહીં. હું તમને મદદ કરવા માટે આવ્યો છું. તમને એકલાં અટૂલાં અહીં હાઈવે પર ઊભેલા જોયા એટલે હું સમજી ગયો હતો કે તમારી કારમાં કંઈક પ્રોબ્લેમ થયો લાગે છે. મારું નામ બ્રાયન છે. હું પૂછી શકું કે તમારી કારમાં શું તકલીફ ઊભી થઈ છે ?’
વધુ આગળ વાંચો »

થોડો ટેકો રહે ને ! – વ્રજેશ આર. વાળંદ

[‘અખંડ આનંદ’ નવેમ્બર-2009માંથી સાભાર. આપ શ્રી વ્રજેશભાઈનો (વડોદરા) આ નંબર પર +91 9723333423 પર સંપર્ક કરી શકો છો. ]

‘પપ્પા, તમે હવે આછુંપાતળું કામ શોધી લો તો તમારો સમય પસાર થાય ને કંટાળોય ન આવે !’
‘પરાશર, સમય તો પાણીના રેલાની જેમ પસાર થઈ જાય છે. સવારે મોર્નિંગ વૉક, સેવા-પૂજા અને પાંજરાપોળના નોંધારા, અકર્મણ્ય પશુઓની સારસંભાળ, સાંજે પુસ્તકાલય, સમવયસ્કો સાથે ઉદ્યાન-ગોષ્ઠિ, સરકારી હૉસ્પિટલના દર્દીઓની મુલાકાત…..’
‘પણ પપ્પા, તમે થોડું અર્થોપાર્જન કરો તો અમને થોડો ટેકો રહે ને ! તમને નિવૃત્ત થયે ચારેક વર્ષ થયાં. હજી તમારા પેન્શનનો પ્રશ્ન જેમનો તેમ છે. કોણ જાણે ક્યારેય ઊકલશે ! તમે કેટકેટલી લખાપટ્ટી કરી, શિક્ષણ કચેરીનાં પગથિયાં ઘસ્યાં ! પણ હજી કોઈ ઉકેલ નથી આવ્યો !’
‘પણ બેટા, પી.એફ.ના પાંચ લાખ રૂપિયા તો આવ્યા એવા જ તારા હાથમાં મૂકી દીધા હતા !’
‘અરે, એ તો આ આલીશાન ડુપ્લેક્ષ ખરીદવામાં ક્યાંય ચટ થઈ ગયા !’

‘જો પરાશર, તારી કારકિર્દી ઘડવામાં મારાથી બનતું બધું જ હું કરી છૂટ્યો છું. તેં અને વિશાખાએ કિશોરાવસ્થા પહેલાં જ માતાની છાયા ગુમાવી હતી. તમને સાવકી માનું સાલ ન નડે એટલે મેં સ્વૈચ્છિક રીતે જ પુનર્લગ્ન ન કર્યું. તમને બંનેને ભણાવ્યાં-ગણાવ્યાં, તમારાં ધામધૂમથી લગ્ન કર્યાં. સરસ મજાનું બે રૂમ રસોડાનું ટેનામેન્ટ લીધું. અત્યારે સારો કહી શકાય એવો પાંચ આંકડાનો તારો પગાર છે. ઝંખના પણ ખૂબ સારું કમાય છે…!’
‘એ બધું તો ઠીક છે, પપ્પા…..’ અત્યારે સુધી મૌન રહી પિતા-પુત્રનો સંવાદ સાંભળતી ઝંખનાએ વાતમાં ઝુકાવ્યું !…. ‘પણ પરાશર કેટલું કામ કરે છે એ તો જુઓ ! ભાડૂતી ટેક્સીની જેમ એક ઑફિસથી બીજી ઑફિસની હડિયાપટ્ટી, ટેન્ડર પાસ કરાવવાની દોડધામ, ડીલ ફાઈનલ કરવી, સામી પાર્ટીને કન્વિન્સ કરવી….’
‘બેટા ઝંખના, આસિસ્ટન્ટ એડ્મિનિસ્ટ્રેટરની જવાબદારીભરી હાઈ પોસ્ટના અધિકારીએ આવું બધું તો કરવું જ પડે ને !’
‘વેલ પપ્પા, હજી તમે એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત છો’ પરાશરે સંવાદ આગળ ચલાવતાં કહ્યું, ‘ચાર-પાંચ ટ્યુશન કરો તો શો વાંધો છે ! તમે કહો તો મારા સર્કલમાં વાત મૂકી જોઉં ! અરે, સસ્તા પગારવાળા શિક્ષકો ધરાવતી કેટલીય નોન-ગ્રાન્ટેડ સ્કૂલોમાં મારી ઓળખાણ છે, આપ કહો તો…..!’
વધુ આગળ વાંચો »

Page 10 of 17« First...89101112...Last »