Dec 29
2009

પરાણે સંગીતનો શોખ અપનાવનાર…. – ગિરીશ ગણાત્રા

[‘હલચલ’ સામાયિક (કોલકતા)માંથી સાભાર.]

આપણે કોઈ વર્તમાનપત્ર કે સામયિકમાં નિયમિત રીતે કશુંક લખતા હોઈએ તો ઘણા એમ માની બેસે છે કે આ લેખક સર્વજ્ઞ હશે, એને ઘણા ઘણા વિષયોની જાણકારી હશે. સાહિત્ય-સંગીતકલાનો ત્રિવેણીસંગમ લેખકમાં વહેતો હશે ! અને એટલે જ શહેરની એક સંસ્થાના મંત્રી જ્યારે સંસ્થા દ્વારા આયોજિત સંગીત-સ્પર્ધાના નિર્ણાયક થવા વિનંતી કરવા આવ્યા ત્યારે એ વિષયનું કોઈ વિશેષ જ્ઞાન ન હોવાથી મેં ના પાડી દીધી, પરંતુ એમને મારા જ્ઞાન સાથે કોઈ નિસબત નહિ હોય કે પછી એક ‘છાપેલા કાટલા’નો મોહ હશે એટલે ‘નિર્ણાયક તરીકે તમે થોડા એકલા છો ? બીજા બે જણ પણ તમારી સાથે હશે ને !’ એવી હૈયાધારણ આપી મને પરાણે ખેંચી ગયા. સ્પર્ધાના દિવસે જ્યારે હોલમાં પહોંચ્યો ત્યારે નિર્ણાયકગણમાંના પેલા બીજા બે જણાની મને ઓળખાણ થઈ. વર્ષોથી આકાશવાણી પર સંગીતના કાર્યક્રમો આપતાં એક કલાકાર બહેન અને બીજા એક ડૉક્ટર પણ આ પરીક્ષણ ત્રિપુટીમાં સામેલ હતાં.

શહેરમાં વર્ષોથી તબીબી વ્યવસાય કરતા ડૉક્ટર અરવિંદભાઈ સાથે જ્યારે સંસ્થાના મંત્રીએ મારી ઓળખાણ કરાવી, ત્યારે ‘ડૉક્ટરને બિચારાને સંગીતમાં શી સમજણ પડે ? એ પણ શરમે-ધરમે મારી જેમ અહીં આવી ગયા હશે.’ એવું મેં ધારી લીધું. પણ, મારી આ માન્યતાને ત્યારે ધક્કો પહોંચ્યો કે જ્યારે એક સ્પર્ધક બહેને બહુ જ ઊંચા સ્વરથી ગીતનો ઉપાડ કર્યો કે મારી બાજુમાં બેઠેલા ડૉક્ટર અરવિંદભાઈએ ધીમેથી મારા કાનમાં કહ્યું, ‘ગીતનો ઉપાડ ખોટી રીતે થયો છે. કાળી પાંચમાં ગાનારે પોતાના સ્વરને તાર-સપ્તક સુધી લંબાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. સૂર તૂટવાનો પૂરેપૂરો સંભવ છે….’

એ પછી તો સ્પર્ધામાં રજૂ થતાં ગીતો સાંભળતાં સાંભળતાં, ડૉક્ટર તાનપલટાની, ફિરતની અને મુરકીની લઢણ સુધી જે જે વાતો મને કહી, એમ એમ એમના શાસ્ત્રીય સંગીતના ઊંડા જ્ઞાનની ઝાંખી થવા લાગી. ઈન્ટરવલમાં ચા પીતાં પીતાં એમણે મારી સાથે ઓડવ જાતિના રાગોની ચર્ચા માંડી, ત્યારે થયું કે સંગીત જેવા વિષયમાં આપણા અધકચરા જ્ઞાનની બાંધેલી મુઠ્ઠી ખોલવા જેવી નથી. એટલે પછી, રાગોની ચર્ચા પરથી હળવેક રહીને હું વાતનો દોર એમની સંગીતસાધના પર લઈ ગયો અને ઈન્ટરવલનો સમય પૂરો કરી નાખ્યો. પણ, એ વખતે મનમાં એક ગાંઠ બાંધી લીધેલી કે આ સંગીતકાર ડૉકટરનો વધુ પરિચય કરવા જેવો ખરો ! સ્પર્ધાના પરીક્ષકગણથી આરંભાયેલો પરિચયનો દોર પછી તો લંબાયો અને અવાર-નવાર ડૉક્ટર અરવિંદભાઈની મુલાકાતો થઈ અને એમને ઘેર જવાનું પણ થયું.
વધુ આગળ વાંચો »

Dec 28
2009

આખરી નિર્ણય – સંજય ચૌહાણ

[ ટૂંકીવાર્તાના તાજેતરમાં પ્રકાશિત થયેલા શ્રી સંજયભાઈ ચૌહાણના પુસ્તક ‘એના શહેરની એકલતા’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 042આરતી ઊઠી. ઘડિયાળમાં જોયું તો સાત વાગી ગયા હતા. રાત્રે વિચારોમાં ને વિચારોમાં એ મોડે સુધી જાગી હતી. આમ તો મમ્મી વહેલી ઉઠાડી દેતી, પણ આજે કેમ ન ઉઠાડી ? આરતી વિચારોમાં પડી. રસોડામાં વાસણ ખખડવાનો અવાજ આવ્યો. મમ્મી ચા બનાવતી હશે. ટી.વી. બંધ હતું. આવું આજે પહેલી વાર જ બન્યું. નહિ તો સવારમાં જ મોટા અવાજે ટી.વી. ચાલુ હોય.

આરતીએ મોં પર હાથ ફેરવીને પપ્પાની છબી તરફ જોયું. પપ્પા ધીમા અને ગંભીર અવાજે કંઈક કહેતા હોય તેવું લાગ્યું. એ થોડી વાર ઊભી રહી. પછી બહાર આવી. પગમાં ખાલી ચડી એટલે દરવાજામાં ઊભી રહી ગઈ. બધું જોવા લાગી. પૂર્વી ચોપડી વાંચતી હતી. બહાર શિરીષનાં પર્ણોનો કર્કશ અવાજ થતો હતો. આરતીને બહાર આવેલી જોઈ પૂર્વીએ ચોપડી મૂકી દીધી. આરતી સામે જોવા લાગી. આમ તો સવારમાં એ ટી.વી. જોતી હોય, પણ આજે કેમ આમ ? ગઈકાલવાળી ઘટનાની તો અસર નહીં થઈ હોય ? – આરતીને પ્રશ્ન થયો.

ગઈકાલે જ મમ્મી, પૂર્વી અને આરતી ત્રણેય પપ્પાના દયા ફાઉન્ડેશન પર ગયાં હતાં. પપ્પાના મરણ પછી ત્યાંની સ્થિતિ જોઈ આરતી દ્રવી ઊઠી હતી. ત્યાં ફાઉન્ડેશનમાં જ પપ્પાનું નાનું દવાખાનું હતું. જેના આધારે પપ્પા ગામડાનાં માંદાં લોકોની સેવા કરતા હતા. ફાઉન્ડેશનમાં અપંગ બાળકો માટે સ્કૂલ અને રહેવા માટે હૉસ્ટેલ હતી. ફાઉન્ડેશન પપ્પાએ જ ઊભું કર્યું હતું ને બધી જવાબદારી પપ્પા જ સંભાળતા હતા. અપંગ બાળકો માટે કંઈક કરી છૂટવાનું સ્વપ્ન પપ્પાની ઘણી મહેનત પછી પૂરું થયું હતું. પપ્પા અપંગ બાળકો સાથેની દુનિયામાં ખુશ હતા. અપંગ બાળકોની નાનામાં નાની જરૂરિયાતનું તેઓ ચીવટથી ધ્યાન રાખતા. પપ્પાએ બાળકોના સુખે સુખી ને દુ:ખે દુ:ખી રહેતા. એમ તો આરતી, પૂર્વી પર તો એમના ચારેય હાથ રહેતા. પુત્ર ન હતો, પણ એ વાતનો વસવસો પપ્પા એ ક્યારેય નહોતો કર્યો. કારણ એટલું જ કે એમની સંસ્થાનાં બધાં બાળકોને એ પોતાના પુત્રો જ માનતા હતા. પપ્પાના મરણ પછી સંસ્થાની બધી જવાબદારી એમના મિત્ર જયંતભાઈએ સંભાળી લીધી. પણ પપ્પા જેવો ઉત્સાહ તેમનામાં ન હતો. એટલે બાળકો પહેલાં જેવાં ખુશ નહોતાં લાગતાં.
વધુ આગળ વાંચો »

Dec 21
2009

પ્રેમથી થાય પરિવર્તન – અવંતિકા ગુણવંત

[દામ્પત્યજીવનની વિવિધ સમસ્યાઓનું સુંદર સમાધાન મળી રહે તેવા અનુપમ લેખોનો સંચય ‘કુર્યાત સદા મંગલમ’ પુસ્તકમાં થયો છે. ‘જનકલ્યાણ’ સામાયિકમાં નિયમિતરૂપે પ્રકાશિત થતા આ લેખો સંગ્રહિત થઈને તાજેતરમાં પુસ્તકરૂપે પ્રકાશિત થયા છે. સામાયિકના આજીવન સભ્યોને તે વિનામૂલ્યે મોકલવામાં આવ્યું છે. અવંતિકાબેનનો આપ આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 79 26612505. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 036શિયાળાની બપોર છે. બધાં શાંતિથી પોતપોતાના રૂમમાં આરામ કરે છે. ત્યારે નવપરિણીતા નિતલે જોયું કે એનાં સાસુ અરૂપાબહેન રસોડામાં કંઈક ઉદ્યમ કરી રહ્યાં છે.
‘અત્યારે શું કરો છો ?’ નિતલે સંવેદનાહીન અવાજે કહ્યું.
‘નાસ્તો બનાવું છું.’ ઉત્સાહથી અરૂપાબહેને કહ્યું.
‘પણ આ તો તમે રોટલી લઈને બેઠાં છો.’
‘હા, બૂરુ ખાંડ, સહેજ ચોખાનો લોટ અને પાણીને મિક્સ કરીને પેસ્ટ બનાવી છે, તેને આ વધેલી રોટલી પર લગાડી વીંટો વાળીને તળી લઈશ, બિસ્કિટ જેવું લાગશે, હમણાં ચા બનાવીશું ત્યારે ખાઈશું.’

નિતલ કંઈ બોલી નહિ. એને સાસુની આવી પ્રવૃત્તિમાં જરાય રસ ન પડ્યો. અરૂપાબહેન સવારના છ વાગ્યે ઊઠે ત્યારથી કંઈ ને કંઈ કર્યા જ કરે. ઘરનું ફર્નિચર જુદી રીતે ગોઠવે. આંગણામાં ગોઠવેલાં કુંડાં અને ક્યારામાં ગોડ કરે ને કંઈક વાવે ને કાપે અને રસોડું તો જાણે એમના માટે સ્વર્ગ. એનાં એ જ લોટ, દાળ, શાક અને મસાલા હોય પણ એમાંથી રોજ નવી નવી વાનગી બનાવે. ભાણામાં નવા રૂપરંગ સ્વાદવાળી વાનગીઓ પીરસાય. અમીય એની મમ્મીના આ ગુણનો પૂજારી હતો. પરંતુ નિતલને સાસુની આ રીત ના ગમે. એ રસ ના લે, મદદ ના કરે પણ બેધડક બોલે, ‘મમ્મીને તો જીવતાં જ નથી આવડતું. આખો દિવસ કામ કામ ને કામ. મને એમને જોઈને થાક ચડી જાય છે.’ અમીય ક્યારેય અરૂપાબહેનને કહેતો : ‘મમ્મી, નિતલને તારી પાસે બેસાડીને બધું શીખવને.’
વધુ આગળ વાંચો »

Dec 16
2009

રાજીનામું – પરાજિત પટેલ

[ટૂંકીવાર્તાઓના જાણીતા લેખક પરાજિત પટેલની કલમે તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘દિલનો દસ્તાવેજ’ માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 033ઓહ રે, આ સજ્જન બોલે છે ? મારો સજ્જન ? જેના માટે થઈને મેં આખી દુનિયાના વિરોધને ઠોકરે માર્યો હતો એ સજ્જન બોલે છે ? શિખરાના મનનું ઊંડાણ ખોદાવા લાગ્યું. ભારે બળતરા અનુભવતી હતી એ. જગત તો પીડા આપે, પણ પોતાનું માણસ જ પીડા આપવા લાગી જાય, ત્યારે જે આઘાત લાગે છે એ જીરવાય એવો નથી હોતો ! શિખરા માટે આ એક આઘાતજનક વાત હતી. એક એવો આઘાત કે જેની એ કલ્પના પણ ન કરી શકે ! એક એવો આઘાત કે જે એને માટે જીરવવો દોહ્યલો થઈ પડે તેમ હતો ! આમ તો જિંદગી એટલે જ આઘાતોનો સરવાળો ! આઘાત પર આઘાત મળ્યે જાય જિંદગીમાં ! એક આઘાતની કળ વળે ને તમે બેઠા થાવ ત્યાં આઘાતની બીજી લાત લાગે.

શિખરા દિગ્મૂઢ બની ગઈ.
એણે કદી કલ્પ્યું પણ નહોતું કે સજ્જનના મોઢામાંથી આવા શબ્દો નીકળશે ! સજ્જનને એ ચાહતી હતી. સજ્જન એને ગમતો હતો. દિલની સચ્ચાઈથી તે એને ચાહતી હતી. અને તેથી જ તો શિખરા એની હર એક ઈચ્છાની પૂર્તિ કરવા પ્રયત્ન કરતી. સજ્જન જે કહે તે હા. સજ્જનની ઈચ્છા તે પોતાની ઈચ્છા. કારણ કે સજ્જનથી તે ભિન્ન નહોતી. પણ સજ્જનના મોઢામાંથી નીકળેલા પેલા શબ્દોએ તો શિખરાના આખા અસ્તિત્વને રણઝણાવી મૂક્યું હતું. એના ચિત્તમાં ખળભળાટ મચાવી દીધો હતો. ‘આ….હા !’ વેદના અનુભવતી હોય એ રીતે તે સોફા પર બેસી પડી. એણે બે હાથ વડે માથું પકડી લીધું.
વધુ આગળ વાંચો »

Dec 15
2009

આસવ – હરિશ્ચંદ્ર

[‘જન્મભૂમિ પ્રવાસી’ની મધુવનપૂર્તિમાંની ‘આસવ’ કૉલમમાંથી સાભાર.]

[1] પહેલાંનાં બૈરાં

તમે માનશો ? પહેલાંનાં બૈરાં શું શું કરતાં, તે બધું મને મોઢે થઈ ગયું છે, કારણ કે મારા પતિદેવ દિવસમાં દસ વાર એનું પારાયણ મને સંભળાવે છે. સવારના પહોરમાં મને મરવાની ફુરસદ ન હોય. ચા-નાસ્તો, પાણી ભરવું, કપડાં, કૂકર ચઢાવવું, લોટ બાંધવો, એમને નવ વાગ્યાની લોકલ પકડવાની, છોકરાંઓને નિશાળે મોકલવાનાં. એ કશાયમાં જરીક હાથ ન દે તે તો બળ્યું, પણ ધીરે ધીરે ચા પીતાં, પગ પર પગ ચઢાવી છાપું વાંચતાં જ્યારે એક પછી એક હુકમ છોડવા માંડે – પાણી ગરમ થયું કે ? બાથરૂમમાં ટુવાલ મૂક્યો ? મારાં કપડાં ક્યાં ? ત્યારે સંયમ રાખવો અઘરો પડે.

તેમાં તે દિવસે તો લગભગ બરાડ્યા : ‘મારા એકેય ખમીસને પૂરાં બટન નથી. ચાર દી’થી તને કહ્યું છે. આખો દી’ કરે છે શું ? પહેલાંનાં બૈરાં તો કેટલું કામ કરતાં.’
‘હમણાં અમારા મહિલામંડળની વ્યાખ્યાનમાળા ચાલે છે. કાલે પૂરી થશે એટલે બધું વ્યવસ્થિત કરી આપીશ.’ થોડો વખત થયો ત્યાં ફરી બાંગ પડી : ‘મારો રૂમાલ નથી મળતો. પેન ને ઘડિયાળ ક્યાં છે ? મારાં મોજાં ?’
‘પોતે વ્યવસ્થિત રાખવું નહીં અને બીજા પર ધમપછાડા ?’ મારાથી બોલાઈ ગયું.
‘પહેલાનાં બૈરાં આમ સામું નહોતાં બોલતાં. પતિની સેવા માટે ખડેપગે હાજર ! આખો દિવસ કામ કરીને રાતે પાછાં પગ દાબી આપતાં, તળિયે ઘીની માલિશ કરી દેતાં. આજે તો બસ, મહિલામંડળ અને સમાન હક્ક !’
વધુ આગળ વાંચો »

Dec 11
2009

રાફડા – ડૉ. પ્રફુલ્લ દેસાઈ

[‘જલારામદીપ’ સામાયિકમાંથી સાભાર.]

લગભગ અડધા ખંડમાં સફાઈ થઈ રહી હતી. કબાટમાંના કપડાં, ઝૂલાની ગાદી, બેડપરનાં ઓશિકાં-ચારસા, નીચેની કારપેટ બધું સાફ થઈને વ્યવસ્થિત ગોઠવાઈ ગયું હતું. રણજિતને જરા ‘હાશ’ થઈ. ટેબલપરના અને કાચના કબાટની અંદર અને ઉપર ખડકાયેલાં પુસ્તકો, મેગેઝિન અને પોતાનાં લખાણના ગંજ હવે વ્યવસ્થિત કરવાના હતાં. એ બધાંની હાલત જોતાં એને જરા ધ્રુજારી આવી ગઈ. એને થયું કે એ કામ ભગીરથ છે. દર વર્ષે ચોમાસું પૂરું થતું હોય અને દિવાળી આવવાની તૈયારી હોય, ત્યાં જ રણજિતને ધ્રાસકો પડવા માંડે. વાસંતી અને મિતાને ઘરની સફાઈ કરવાનો સોલો ઉપડ્યો જ હોય. સફાઈયજ્ઞ શરૂ થતાં રણજિતનાં મોતિયાં મરી જાય. હલ્લો ગમે ત્યારે પોતાના ખંડ સુધી પહોંચવાના ભણકારા એને આવવા માંડે અને એ તપસ્યા કરતા ઋષિની જેમ તપોભંગ થઈ જાય.

આ દિવાળી શા માટે આવતી હશે ? એને સવાલ થતો. પોતે કંઈ ઉત્સવના તરવરાટ અને આનંદનો વિરોધી નહોતો પણ સાફસૂફી અને સફાઈની આકરી ઝૂંબેશ એને કદી સમજાતી નહીં. એને મન સફાઈ અને સ્વચ્છતા એ સતત ચાલતી પ્રક્રિયા હોવી જોઈએ. એને થતું કે સ્ત્રીવર્ગ વર્ષ દરમિયાન કેમ સતત સફાઈ કરતો નથી રહેતો ? વર્ષ આખું બેદરકાર રહે અને પછી અચાનક દિવાળીનાં દૂદૂંભી વાગવા માંડે અને ઘરેઘરની વીરાંગનાઓ સફાળી જાગી ધૂળ અને જાળાં સામે યુદ્ધ આદરવા મેદાને પડે અને દરેક ઘર ઉથલપાથલ અને અવ્યવસ્થાનું સમરાંગણ બની જાય ! એ યુદ્ધ પોતાના સ્થાનક સુધી આવી પહોંચે અને રણજિતને ભય લાગવા માંડે કે, એ આક્રમણમાં પોતાનાં પુસ્તકો, સામાયિકો, લખાણોની વ્યવસ્થા અને ગોઠવણીના ફૂરચેફૂરચા ઊડી જશે. પોતાનું ધ્યાનભંગ થાય તે તો કદાચ સહી શકાય પણ પછી આડાંઅવળાં, ગમે ત્યાં, ગમે તે રીતે, સીંચી દેવાયેલા એ સામાનમાંથી પોતાને જોઈતી સામગ્રી શોધતાં એને નવનેજાં પાણી ઊતરે. વાસંતીને પોતાનો એ ભય કદી સમજાયો નહોતો.
વધુ આગળ વાંચો »

Dec 08
2009

આંબો – વર્ષા અડાલજા

[‘ઉત્સવ’ સામાયિકમાંથી સાભાર.]

ઉર્વશીએ કોટેજીસના રાઉન્ડ લીધા. બધે સવારની પ્રવૃત્તિઓ ચાલતી હતી. નહાવું-ધોવું, સફાઈ, પાઠપૂજા… દરેકનાં ખબરઅંતર પૂછતી જતી હતી. ‘કાલે તાવ હતો, આજે કેમ છે ?’, ‘જે શ્રીકૃષ્ણ અનુકાકા, ગાર્ડનિંગમાંથી પરવાર્યા ? આજે ઑફિસમાં તમારું કામ છે હોં !….’, ‘નીરુમાસી, આજે કૉમ્પ્યુટર ટીચર આવવાના છે, તૈયાર છો ને ?’ છેલ્લે કિચનમાં ડોકિયું કર્યું, વાસણો સ્વચ્છ છે જોઈ લીધાં, કોઠારમાં અનાજ પર નજર ફેરવી લીધી. સબ સલામતનો શ્વાસ ભરતી હોય એમ ઉર્વશી ઑફિસમાં આવી. ઑફિસ આમ તો માનવાચક નામ. ટેબલ-ખુરશી અને થોડાં રજિસ્ટર, એક ફોન, જે મોટે ભાગે આઉટ ઑફ ઑર્ડર રહેતો, પણ મોબાઈલ હતા, ખાસ તકલીફ નહોતી.

‘બેન જુઓ, આંબો વાવું છું.’ રક્ષાની બૂમ સાંભળી ઉર્વશી બહાર આવી. ઑફિસેથી દૂર ખાડો કરી નાનકડી રક્ષા ગોટલો અંદર મૂકી ધૂળ વાળી રહી હતી. ઉર્વશીને જોતાં ખુશખુશાલ થતી બોલી,
‘આંયા મારો આંબો ઊગશે કેસર કેરીનો હોં ! પછી બઉ બધી કેરી થાશે જોજો.’
‘અરે પણ આશ્રમની પાછળ તો આપણે આંબા ને ચીકુ વાવ્યા છે ને !’ રક્ષાએ ધીમી ધારે પાણી રેડ્યું અને હેતથી ભીની માટીના ક્યારા જેવું કરતાં કહ્યું.
‘પણ આ તો મારો આંબો મારી એકલીનો.’
‘પણ આમ વચ્ચોવચ્ચ ?’
‘આંબો મોટો થાશે, ઘેઘૂર થાશે પછી તમારી ઑફિસને છાંયો કરશેને ! એટલે આંઈ વાવી દીધો.’ ઉર્વશીએ ઘડો વાંકો વાળી હાથ ધોવડાવ્યા, હસીને એને ટપલી મારતાં કહ્યું :
‘તારો એકલીનો આંબો એટલી સ્વાર્થી થઈશ તું બેટા ?’
‘ના રે બેન. હું તો ટોપલો ભરીને હંધાય પાસે જઈશ અને સૌને દઈશ કઈશ, રક્ષાડીની કેરીયું ખાવ, પણ આંબો સુવાંગ તમારા હારૂ હોં બેન ! ઑફિસ માથે છાંયો થાય તો તમને તાપ નો લાગે. શેરની મોટી ઑફિસમાં તો ઠંડીનું મશીન હોય ને !’
વધુ આગળ વાંચો »

Dec 04
2009

પૌરુષી માતૃત્વ – મીરા ભટ્ટ

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે સાહિત્યકાર શ્રીમતી મીરાબેન ભટ્ટનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 265 2432497.]

‘દાદા આવ્યા ! દાદા આવ્યા !’ની બૂમરાણ ચોમેર ગૂંજી ઊઠી. હજુ તો સંદીપની ગાડી ‘વાત્સલ્ય ધામ’ના ઝાંપે પહોંચી નહોતી, ત્યાં દૂરથી ગાડી આવતી જોઈ, પાણીના રેલાની જેમ ચોમેરથી બાળકો ધસી આવ્યાં. ગાડીનું બારણું ખોલીને સંદીપ માંડ ઊભો થાય તે પહેલા તો નાના નાના હાથ એની કમરે વીંટળાઈ વળ્યા અને એ ચોમેરથી બાળકોના ઘરેકાથી ઘેરાઈ ગયો.

આજે ‘વાત્સલ્ય ધામ’ની અધિષ્ઠાત્રી ‘મા કૃષ્ણા’નો પુણ્યદિન હતો. જાહેર સમારંભ તો ઠેઠ સાંજે હતો, પણ સંદીપ પૂર્વ-વ્યવસ્થા જાણવા સવારે વહેલો જ નીકળી આવ્યો હતો. બહારગામથી પણ ઘણા સ્વજનો-પરિજનો અને મહેમાનો પધારવાના હતા. તેમની સમક્ષ વાત્સલ્ય-ધામનાં બાળકોના વિવિધ કાર્યક્રમો પણ રજુ થવાના હતા. બાળકોમાં અનેરો ઉત્સાહ હતો. એમના ખુશખુશાલ ચહેરા પર અંદરની ખુશી છલકાઈ ઊઠતી હતી. એક મોટા છોકરાના હાથમાં, સાથે લાવેલો સુખડીનો ડબ્બો સોંપી એ માંડ મુક્ત થયો. સીધો જ કાર્યાલયે પહોંચ્યો. વ્યવસ્થાપક રમેશભાઈ ત્યાં જ હતા. કલાકેક એમની પાસેથી બધી જાણકારી મેળવી, જાતે જ સંસ્થામાં આંટો મારવા નીકળી પડ્યો. વ્યવસ્થા તેમજ કાર્યક્રમની વિગતો સમજવામાં બીજો એક કલાક ક્યાં નીકળી ગયો તે ખબરેય ન પડી.

જોવા-તપાસવા-સમજવાનું બધું કામ પૂરું કરીને સીધો ઉપરના માળે બાંધેલા એના પોતાના ઓરડામાં પહોંચી ગયો. નહાયો-ધોયો, ઘડીક પલંગ પર પણ લંબાવ્યું, પરંતુ આજે એ થોડો અસ્વસ્થ હતો. એને પોતાને સમજણ ન પડે એવી કોઈ વ્યાકુળતાથી એ ઘેરાઈ ગયો હતો. અંદર જાણે કોઈ તૂફાન જાગ્યું હતું, જે એને લગીરે જંપવા દેતું નહોતું. ભીતરની તમામ ગ્લાનિને ખંખેરતો હોય તેમ સડાક દઈને ઊભો થઈ, બહાર અગાસીમાં ગયો.
વધુ આગળ વાંચો »

Page 11 of 19« First...910111213...Last »