નિમિત્ત – સ્મિતા પારેખ
પ્રકાર: ટૂંકી વાર્તા
સાહિત્યકાર : સ્મિતા પારેખ
21 પ્રતિભાવો
[‘જલારામદીપ’ સામાયિક (વડોદરા)માંથી સાભાર.]
‘બધી વ્યવસ્થા થઈ ગઈ છે ને, અજય ?’
‘હા, ડૉક્ટર સાહેબ.’
‘અરે અજય ! આ બૅનર વાંકું નથી લાગતું ? જરા સીધું કરને ભઈલા.’ ત્યાં જ સંજય આવ્યો.
‘સર, બધાં છાપામાં પ્રેસનોટ આપી દીધી છે.’
‘સંજય, છાપાં તો ઠીક છે, ગરીબ માણસને તે વાંચવાનો સમય ક્યાં હોય છે ? એક કામ કર, ટ્રાફિક સર્કલ, ચાર રસ્તા પર, ડિવાઈડર એ બધે બૅનર લગાડવાનું કહી દે અને ફોન્ટ જરા મોટા રાખજે કે જેથી દૂરથી ય વંચાય કે આ હૉસ્પિટલમાં ફ્રી કેમ્પ છે.’
‘ઓ.કે. સર’
હોસ્પિટલમાં પ્રવેશતાં જ મેં નોંધ્યું કે આખો સ્ટાફ ખૂબ ઉત્સાહપૂર્વક હૉસ્પિટલના ઉદ્દઘાટનની તડામાર તૈયારીમાં વ્યસ્ત હતો. કૉન્ફરન્સ હૉલમાં બધા ડૉક્ટર્સ મારી જ રાહ જોતા હતા.
‘ગુડ મૉર્નિંગ, ડૉ. અંશુલ.’
‘ગુડ મૉર્નિંગ, આ ફ્રી કેમ્પમાં આપ સૌ ડૉક્ટર્સ જોડાયા ને મારો ઉત્સાહ દસગણો વધાર્યો તે બદલ, થૅન્ક્સ એ લોટ !’
‘ડૉ. અંશુલ, તમારો આ ફ્રી કેમ્પનો વિચાર જ ખૂબ ઉમદા છે. સામાન્ય રીતે હૉસ્પિટલના ઉદ્દ્ઘાટનમાં મિનિસ્ટર, સેલિબ્રિટીઝ, સગાવહાલાં, મિત્રો વગેરે બોલાવતા હોય છે ને પછી ફૂલોના ગુલદસ્તા, નાસ્તા-પાણી, આઈસ્ક્રીમ એવી રીતે ઉજવણી થતી રહેતી હોય છે. જ્યારે આપે એક ફ્રી કેમ્પ યોજી તેના દ્વારા હોસ્પિટલનું ઉદ્દઘાટન કરવાનું નક્કી કરી એક નવો જ ચીલો પાડ્યો છે.’
‘ડૉ. શરદ, ઘણીવાર આ બધું મનમાં હોય છે પણ તેનો અમલ કરવાનું શક્ય બનતું નથી. આજે આપ સૌના સહકારથી હાડકાનાં રોગોનું નિદાન, જરૂરી ટેસ્ટ, હાડકાંની ઘનતાની ચકાસણી તથા કૃત્રિમ પગનું પ્રત્યારોપણ બધું જ આપણે વિના મૂલ્યે આ કેમ્પમાં સામેલ કરી શક્યા છીએ એનો આનંદ મારા હૈયે અઢળક છે, થૅન્ક્સ.’ અમે બધા કૉફી પી છૂટા પડ્યા.
વધુ આગળ વાંચો »
રેવતી – નિરૂબેન અનડકટ
પ્રકાર: ટૂંકી વાર્તા
સાહિત્યકાર : નિરૂબેન અનડકટ
18 પ્રતિભાવો
[ પુના નિવાસી શ્રીમતી નિરૂબેન ગૃહિણી હોવાની સાથે વાંચન-લેખનનો શોખ ધરાવે છે. આ તેમની પ્રથમ કૃતિ છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9881145116 અથવા આ સરનામે niru_vijay@yahoo.co.in સંપર્ક કરી શકો છો.]
જો કોઈ કવિને તેનું વર્ણન કરવાનું હોય તો…. પતંગિયાની જેમ ઉડતી, કોયલની જેમ ગાતી, હરણીની જેમ દોડતી, ખીલતી કળી જેવી… ઊઘડતા ગુલાબ જેવી…. એના ગાલ… એના હોઠ…. એની આંખો….. પણ જવા દો એ તો કોઈ કવિને જ ફાવશે. હું સીધી વાત જ કરું. આમ પણ મને અલંકાર બહુ ફાવતા નથી.
‘તારું નામ શું છે બેટા ?’ મેં તેના ગાલ પર ધીમેથી હાથ મુકીને પૂછ્યું.
‘રેવતી…..’ તેણે આંખો પટપટાવીને મારી સામે સહેજ આશ્ચર્ય સાથે જોઈને કહ્યું.
‘તારું નામ પણ તારી જેમ જ સરસ છે…’
‘પણ તમારું નામ તો કહેતા જાવ…..’ તેણે લિફટનો દરવાજો પકડીને જરા જોરથી મને કહ્યું.
‘નીરુ…’ હસીને મેં કહ્યું.
‘હંઅ…. મારા એક આન્ટીનું નામ પણ નીરુઆન્ટી છે. ચાલો… બાય આન્ટી….’ કહીને તેણે લિફટનો દરવાજો બંધ કર્યો પરંતુ એની સાથે વાત કરવાનો મારો દરવાજો ખૂલી ગયો.
અમે નવા ફલેટમાં રહેવા આવ્યા હતા. એ લોકો ચોથા માળે બરાબર અમારી ઉપરના ફલેટમાં રહેતા હતા. મને રોજ એનો અવાજ સંભળાય એટલે તેની સાથે વાત કરવાનું બહુ મન થતું હતું. ઘરમાં હું અને મારા પતિ બંને એકલાં જ. આમ પણ મને નાના બાળકો સાથે બહુ ફાવે. એમની કંપનીમાં મજા આવે. જ્યારે હું કૉલેજમાં હતી ત્યારે મારા નાના બે ભાઈઓના બધા જ ભાઈબંધ એ મારા પણ ભાઈબંધ. રોજ અમારા મોટા ફળિયામાં આખી સોસાયટીના બધા જ બાળકો ભેગા થાય. આખી સોસાયટીમાં ફક્ત અમારા જ ઘરમાં ખાટ બાંધેલી. એ ખાટની બંને બાજુ બદામના બે મોટા વૃક્ષો. દરેક સીઝનમાં મોટી મોટી લાલ બદામ ખુબ જ થતી તેથી બાળકોને અમારા ઘરનું ખૂબ જ આકર્ષણ અને મને નાના બાળકોનું આકર્ષણ. પહેલાના સમયમાં તો ઘરે ટીવી કે વિડિયોગેમ નહોતાં એટલે બાળકોને ઘરમાં પુરાઈ રહેવાની સ્વૈચ્છિક સજા પણ નહોતી. મુક્ત વાતાવરણમાં નવી નવી રમતો રમવાની, મૈત્રીભાવ કેળવવાની, મજાકમસ્તી સાથે શારીરિક કસરત કરવાની પ્રેક્ટિસ પણ અનાયાસ થઈ જતી.
વધુ આગળ વાંચો »
મહાલક્ષ્મી – તારિણીબેન દેસાઈ
પ્રકાર: ટૂંકી વાર્તા
સાહિત્યકાર : તારિણીબેન દેસાઈ
12 પ્રતિભાવો
[‘જનકલ્યાણ : વાર્ષિક અંક-એપ્રિલ 2010’માંથી સાભાર.]
આનંદનો આખેઆખો પિંડ લઈને બેઠી હોય તેમ સુનંદા આજે ખૂબ ખુશ હતી. મેડિકલ કૉન્ફરન્સ આ વખતે હૈદ્રાબાદમાં હતી અને હૈદ્રાબાદનાં પટોળાં તો ખૂબ જ વખણાય. વળી પાર્થિવ તો દરેક વખતે કૉન્ફરન્સમાં જતો હતો પણ….. આ વખતે એને પણ સાથે જવાનું મળશે એમ લાગતું હતું. જોકે દર વખતે કૉન્ફરન્સ હોય ત્યારે બા કોઈ ને કોઈ બહાનું કાઢતાં હતાં….. આ વખતે તો પાર્થિવે બા સાંભળતાં હતાં ત્યારે જ કહ્યું હતું : ‘હવે તો… છોકરાઓની પરીક્ષા પણ પતી ગઈ અને નજીકના કુટુંબમાં પણ કોઈ પ્રસંગ નથી તેથી, આ વખતે સુનંદા ! કૉન્ફરન્સમાં તું જરૂર આવી શકીશ.’
આ વાત સાંભળતાં જ સુનંદા ખુશ થઈ સામાન તૈયાર કરવા માંડી. કૉન્ફરન્સમાં તો બધા ડૉક્ટરોની પત્નીઓ આવશે. વળી, લેડી ડૉક્ટરો પણ હશે. તે બધા તો વટમાં ફરશે, સરસ સાડીઓ પહેરશે તેથી એ લોકો સાથે પોતે શોભે એવી ભારે સાડીઓ સુનંદાએ બેગમાં મૂકવા માંડી. વળી ‘ત્યાંથી પટોળાં લઈએ તો…. તો બેગમાં જગ્યા જોઈએ ને ?’ એમ સમજી એણે બેગ થોડી ખાલી પણ રાખી હતી. જોકે થોડી સાદી સાડીઓ પણ લીધી હતી જે ત્યાં આજુબાજુ હરવા-ફરવામાં પણ કામ લાગે. આટલે સુધી જઈએ છીએ તો પછી આજુબાજુનું પણ જોતાં જ આવીએ ને ? વારેવારે ક્યાં જવાય છે ? તેથી જ્યારે પાર્થિવ દવાખાનેથી ઘેર આવ્યો કે સુનંદાએ એને પૂછ્યું : ‘આપણી ટિકિટો આવી ગઈ છે ને ? આપણે ક્યારે નીકળવાનું છે ? વળી કેટલા દિવસ આપણે બહારગામ રહેવાનું થશે ?’
‘પરમ દિવસે આપણે નીકળવાનાં છીએ. મારા ડૉક્ટર મિત્રોએ ટિકિટ બુક કરાવી જ દીધી છે. પંદર દિવસ બહારગામ રહેવાનું થશે, એમ લાગે છે.’
‘પણ એટલા બધા દિવસ તારું દવાખાનું પડશે તો…..’ બંને સાથે જતા હોવાથી અને તેમાંય સુનંદા સાથે જતી હોવાથી બા ધીરે રહીને ટહુક્યાં.
‘અરે…બા ! આપણે છીએ તો…. દવાખાનું છે. એટલું ઓછું કમાઈશું. જીવન જીવવા માટે છે ને ? અને… મારા બધા ભાઈબંધોનો ખૂબ આગ્રહ છે સાથે જવાનો અને સાથે પાછા આવવાનો.’
‘પણ… સુનંદાથી તો તારી સાથે નહીં અવાય…..’
‘કેમ બા ?’
‘આપણાં પિતરાઈ ધીરેનભાઈને ઘેર લગ્ન છે એટલે એણે ત્યાં લગ્નમાં કામ કરાવવા પણ જવું પડે.’
‘પણ…..બા ! એ તો આપણી સાથે સંબંધ જ નથી રાખતા.’ ધીમે રહીને પાર્થિવે કહ્યું.
વધુ આગળ વાંચો »
સંકલ્પ – વસુબહેન ભટ્ટ
પ્રકાર: ટૂંકી વાર્તા
સાહિત્યકાર : વસુબહેન ભટ્ટ
11 પ્રતિભાવો
[ આદરણીય શ્રી રઘુવીર ચૌધરી અને અનિલાબેન દલાલ દ્વારા સંપાદિત ‘વીસમી સદીનું ગુજરાતી નારીલેખન’ પુસ્તકમાંથી સાભાર. 1963માં લખાયેલા મૂળ પુસ્તક ‘પાંદડે પાંદડે મોતી’માંથી આ કૃતિ ઉપરોક્ત સંપાદનમાં સ્થાન પામી છે.]
અત્યાર સુધીનું આટલું સાચવ્યું એળે જાય એ ભયે શશીબા બહાર હીંચકા પર આવીને બેઠાં. મૂંગા રહેવું એમને મુશ્કેલ લાગ્યું. એટલે દેખવુંય નહિ ને દાઝવુંય નહિ એમ સમજી દૂર જવામાં જ એમણે સાર જોયો. દેખાતું તો બંધ થયું પરંતુ બહારના હીંચકા પરથી અંદરના અવાજો સ્પષ્ટ સંભળાતા હતા. અંદર નજર નહોતી કરવી છતાંય શશીબાથી પાછળ ફરીને જોવાઈ ગયું. અને એમનાથી ઊંડો નિ:શ્વાસ નંખાઈ ગયો.
‘મારું બોલવું કોને પસંદ છે તે આપણે વચ્ચે પડવું….’ મન સાથે નિશ્ચય કરી એ જીભ પર કાબૂ રાખતાં હતાં. પરંતુ બાંધેલા બંધનું પાણી જેમ બીજી બાજુ વેગબંધ પાછું ફરે તેમ રોકેલા વિચારો પૂરવેગમાં મગજમાં અથડાતા હતા. અંદરથી ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. કંઈક ખેંચાખેંચી થતી હોય એમ લાગ્યું.
‘રહેવા દો, રહેવા દો, બા જુએ તો કેવું ખરાબ લાગે ?’
‘શું લાગે ?’ સુધીરે એના હાથમાંથી બંડલ ખેંચતા પૂછ્યું.
‘બાને એમ થાય કે મારા કોડીલા કુંવરને વહુ પગનાં પગરખાં સમરાવવા મોકલે છે.’
‘અરે, બાને તો ઊલટું એમ થશે કે મારી નંદુવહુ બહુ સમજુ અને શાણી છે કે ચંપલ સહેજ ફાટતાં કાઢી નથી નાખતી.’
‘અરે વાહ !’ એણે હસીને લહેકો કર્યો.
‘બાને તો થશે કે વહુ કેટલી હોશિયાર કે પહેલાં છોકરો કશું કામ કરતો ન હતો તે બધું કરતો કરી દીધો.’ નંદિનીના હાથમાંથી જૂના ચંપલનું બંડલ પાછું ખેંચતા સુધીરે એવો તો ચાળો કર્યો કે બન્ને ખડખડાટ હસી પડ્યાં. શશીબાનો ઉકળાટ વધી ગયો. ભ્રૃકુટિઓ ખેંચાઈ, અને તપેલા મગજને આરામ આપવા સળિયાને માથું ટેકવી એ બબડ્યાં, ‘મારો છોકરો મટી ગયો ત્યારે ને ! કેવો વહુ નચાવે છે તેમ નાચે છે ! પહેલાં સહેજ કામ કરતાં કેવી ચૂંક આવતી હતી, અને હવે કેવો હોંસે હોંસે દોડે છે ! વહુનાં ખાસડાં ઊંચકીને જશે પછી શું ? અને અંદરથી જાણે કોઈએ દલીલ કરતાં કહ્યું : ‘ખાસડાં માથે મૂકીને જાય તોય તમારે શું ?’ – ‘હા ! હા ! મારે શું ? મારે શું ? એટલે તો જીભે દોરો દઈને બહાર આવીને બેઠી છું. જોઈએ તો કંઈ બોલી જવાય ને ?’
વધુ આગળ વાંચો »
એક નંબરનાં કકળાટિયાં કમુબા – ગિરીશ ગણાત્રા
પ્રકાર: ટૂંકી વાર્તા
સાહિત્યકાર : ગિરીશ ગણાત્રા
17 પ્રતિભાવો
[‘હલચલ’ સામાયિક (કોલકતા)માંથી સાભાર.]
કમળાબાને હું પહેલવહેલો મળ્યો મંદિરના પગથિયે ! આ પહેલાં ક્યારેય મેં એમને જોયાં નહોતાં. હા, એમનો સાદ સાંભળ્યો હતો, એટલું જ. માત્ર સાદ જ નહિ, એમના વિશે ઘણું ઘણું સાંભળ્યું હતું. એટલે એમનો શાબ્દિક પરિચય તો મળી જ ગયેલો. એ શાબ્દિક પરિચય એમનાં આડોશીપાડોશીઓ દ્વારા મળેલો. એ બધાંના બાયનોક્યુલર વડે જોઈએ તો…..
કમળાબા એટલે એક નંબરની કચકચિયણ બાઈ. આમ પાછું ધરમનું પૂછડું. દરરોજ સવારે અને સાંજે નાનકડી થેલીમાં માળા લઈને નીકળી પડે મંદિર તરફ. મંદિરના એક ખૂણે ભલેને ડોશી માળા ફેરવતી બેઠી હોય, પણ એની નજર ચારેબાજુ ચકળવકળ ફરકતી જ હોય. કોણ કોની જોડે દર્શન આવ્યું છે, કઈ સાડી પહેરી છે, પૂજારીની ચમચાગીરી કરી કોણકોણ પ્રસાદના મુઠ્ઠા ભરી જાય છે, દાનની પેટીમાં પડેલા જે સિક્કાઓએ રણકાર કર્યો તે ચલણી હતો કે ઘસાયેલો – આ બધાનું ડોશી ધ્યાન રાખે… એને ગામ આખાની પંચાત. સૌને બોલાવી બોલાવીને, એના મોંમાં આંગળાં નાખી એના ઘરની વાતો કઢાવે…. આમ તો સામે મળે એને ‘જે શ્રીકૃષ્ણ’ કહે, પણ એની પીઠ પાછળ મણમણની સંભળાવે…. બાપ રે ! શાકભાજી લેતી વખતે શાકવાળા જોડે જે વડછડ કરે એ સાંભળ્યું હોય તો…..
કમળાબાને ઓળખતાં સૌનો આ મત હતો.
કમળાબાને સંતાનમાં માત્ર એક જ પુત્ર. જુવાન છોકરો જતીન નાની વયમાં પણ સારું કમાય છે. એને બે નાનકડાં સંતાનો છે. સરસ મજાનાં ગોરાં, હસમુખાં અને રમતિયાળ. જતીનની પત્ની અનુરાધા પણ એક સરસ, સુંદર, સુશીલ ગૃહિણી છે. કમળાબાનું શબ્દચિત્ર હવે અનુરાધાના જ મુખે……
વધુ આગળ વાંચો »
બી….પ્રેક્ટિકલ, મમ્મા – નયના ભરતકુમાર શાહ
પ્રકાર: ટૂંકી વાર્તા
સાહિત્યકાર : નયના ભરતકુમાર શાહ
38 પ્રતિભાવો
[‘અખંડ આનંદ’ એપ્રિલ-2010માંથી સાભાર. લેખિકા નયનાબેનનો (વડોદરા) આપ આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 265 2662218.]
ધૈર્યનો ફોન આવતાં જ મારો પહેલો સવાલ એ જ હોય, ‘પછી તેં શું વિચાર્યું ? તું બે મહિના પછી આવવાનો હોય તો મારે તારો જવાબ હા જ જોઈએ છે.’ પરંતુ આજે ધૈર્યએ સામેથી કહ્યું, ‘મમ્મા, હું બે મહિના પછી આવું છું. તું તારી પસંદગીની છોકરી શોધી લે જે. બસ, હવે તો તું ખુશ ને ?’ મને તો જાણે મારા કાન પર વિશ્વાસ જ ન હતો બેસતો કે ધૈર્યએ લગ્ન માટે હા પાડી ! મારી ખુશીનો પાર ન હતો. ધૈર્યના પપ્પા ઑફિસથી આવ્યા કે મેં તરત જ કહી દીધું, ‘હવે તમે બધાં છાપાંમાં જાહેરાત આપી દો કે ટૂંક સમયમાં વિદેશથી આવનાર મુરતિયા માટે સંસ્કારી, ખાનદાન અને ઉચ્ચજ્ઞાતિની કન્યા જોઈએ છે.’
મારા બોલવાના એકેએક શબ્દમાં મારો ઉત્સાહ પ્રગટ થતો હતો. તેથી તો ધૈર્યના પપ્પા બોલ્યા પણ ખરા : ‘છાપામાં જાહેરાત આપવાની જરૂર જ ક્યાં છે ? તમારી કીટી પાર્ટી, લેડીઝ કલબ બધે જ વાત કરી દે. છાપામાં જાહેરાત આપવા કરતાં પણ જલદીથી વાત ફેલાઈ જશે.’ હું સમજી ગઈ કે મારો ઉત્સાહ જોઈ મને ચીડવવાની એક પણ તક જતી નહીં કરે.
છાપામાં જાહેરાત આપ્યા બાદ ઘણીબધી છોકરીઓનાં મા-બાપના ફોન આવવા માંડ્યા. મેં પણ ઉત્સાહપૂર્વક જન્માક્ષર જ્યોતિષ પાસે મેળવવા માંડ્યા. એમાંથી મને માત્ર છ છોકરીઓ જ પસંદ પડી હતી. છોકરીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલી હતી. પરંતુ ક્યાંક કંઈ ખૂટતું હોય એવું લાગ્યા કરતું હતું. ડૉક્ટર છોકરીઓ બે હતી. પણ એમને પસંદ કરતાં મારું માતૃહૃદય કહેતું એને ગમે ત્યારે તાત્કાલિક દવાખાને દોડવું પડે. ડૉક્ટર માનવતાની રીતે દર્દી સાથે માનસિક સ્તરે જોડાયેલો જ હોય. મારો દીકરો પાંચ પાંચ વર્ષથી વિદેશમાં એકલો રહે છે. સાંજે થાકી હારીને ઘેર આવે ત્યારે મધુર હાસ્ય સહિત કોઈ એની રાહ જોઈ રહ્યું હોય, એના માટે ગરમાગરમ રોટલી ઉતારે એવી પત્ની ડોક્ટર પત્ની ના બની શકે. જોકે ધૈર્યના પપ્પા મને ઘણું સમજાવતા કે ડૉક્ટરનું સમાજમાં એક મોભા ભરેલું સ્થાન હોય છે. સમાજ એને માનની નજરે જુએ છે. અને ગરમ રોટલી તો રસોઈવાળી બાઈ પણ ઉતારીને જમાડે એમાં શું ? પણ મારા વિચારો અને એમના વિચારોનો મેળ પડતો નહોતો.
વધુ આગળ વાંચો »
ઘંટી – જોસેફ મેકવાન
પ્રકાર: ટૂંકી વાર્તા
સાહિત્યકાર : જોસેફ મેકવાન
10 પ્રતિભાવો
[જોસેફ સાહેબને શ્રદ્ધાંજલિરૂપે સમર્પિત.]
અલાર્મ વાગે છે ને ઉમાકાંત ઊઠે છે. બ્રશ પર પેસ્ટ લગાવતાં એને બાપુજીના શબ્દો અચૂક યાદ આવે છે, ‘પાકા બાવળનું દાતણ બહુ સારું ભાઈ ! પેઢાં મજબૂત બને.’ કોલબેલ વાગે છે ને શીલા બારણાની આંખે નજર કસીને એ ઉઘાડે છે. પાસેની ઝૂંપડપટ્ટીમાં રહેતી રઈલી બાજરીનો ગરમગરમ રોટલો પાલવ નીચેથી કાઢે છે. શીલા એ લઈ લે છે ને દૂધના ગ્લાસ સાથે સસરાજીના ઓરડામાં જઈ ઊભી રહે છે. બાપુજીને સવારે ગરમ રોટલો આખો નાસ્તામાં લેવાની ગામડિયા આદત છે. શીલાને રોટલો ઘડતાં નથી આવડતું. રઈલીને સાધી છે ને એ રોટલો ઘડીને આપી જાય છે.
‘દીકરા વહુ રોટલો ઘડે છે પોતા કાજે’ એવો બાપનો ભ્રમ સંતોષાતો જાય છે ને દીકરો મર્માળુ મલકે છે, દાઢી પર સુંવાળું બ્રશ ફેરવતો-ફેરવતો !
‘આટલું વૈતરું કરવું પડે આપણે. ફલેટ પામ્યાં છીએ એમના પ્રતાપે. હજીય ફિક્સમાં સારી એવી મૂડી છે. જરાક જ વાંકું-વટકું પડશે તો ક્યાંય દાન કરી દેશે; ડોસો મહાખેપાની છે. ને તને મળેલા દાગીના તો હજી અર્ધા જ છે. લૉકરમાં મૂકેલા કેટલા છે એ તો હુંય નથી જાણતો.’
‘પણ આ તો રોજની કડાકૂટ, આંતરેદહાડે બાજરી દળાવવી પડે છે. બે દા’ડાનો લોટ ડોસા તરત વરતી કાઢે છે. આવી લપ ક્યાં સુધી ? ને એમના ખોચા મને સમજાતા નથી. દરરોજ કોઈક સુધારો તો રોટલામાં સૂચવે જ છે ! પરમ દા’ડે રઈલીને આ બાજુ ઊભી રાખીને એમના બોલ સંભળાવ્યા : “મને ખરચૈલો રોટલો, ઉપર પોપડી પાપડ જેવી ઊઠી હોય, અને નીચેનું પડ બરાબર સિઝાયું હોય, તળિયે રાતાં ચકામાં પડ્યાં હોય, એ બહુ ગમે. તમારી સાસુના હાથનો રોટલો જો તમે એકાદ વારેય ખાધો હોત, તો આ ઘઉંની ઘેલછા ભૂલી જાત.” – મને આ બાજરી પુરાણ નથી ગમતું.’
‘રઈલીને ગમ્યું ને ?’
‘હા, એ મૂઈ હૈયાહેતથી આ રોટલા પાછળ પડી છે. કહે છે, અસ્સ્લ છાણાના શેકે ચડાવું છું. જોજોને હવે કશી કે’ત નહીં રહે ! આજે બાપુ રોટલાનાં વખાણ કરતા’તા ત્યારે એ હરખની મારી લાલ-લાલ થઈ ગયેલી. મને કહે : “બુન ! તમે જ શીખી લ્યો ન… ઘૈડિયાંનો આતમરામ રીઝે તો ભવ તરી જાય ! એક દા’ડો ડોસા જો ભેદ પામી ગયા તો મારે મોં બતાવવા વારો નહીં રહે.”
‘કેમ ? કેમ ? એવું તે પાછું શું છે ?’
‘મને કહે : વહુ બેટા ! રોટલો તો તમે સારો શીખ્યાં. ઘેર ગામડે સરસ મઝાની નાની ઘંટી પડી રહી છે. અહીં લાવીએ તો આ તમારે ચક્કીનો આટો ખાવો મટે. એમાં બહુ મીઠાશ હોય ને તંદુરસ્તી સારી રહે. ભાખરી, ભૈડકું ને થુલીય એના વડે બહુ સારી થાય. તમારાં સાસુ પંચાવન વરસે દેવ થયાં પણ કદી ઊંહકારો નથી ભર્યો. મહેનતે દેહ કેળવાય.’
વધુ આગળ વાંચો »
સંવાદ જોડે છે – અવંતિકા ગુણવંત
પ્રકાર: ટૂંકી વાર્તા
સાહિત્યકાર : અવંતિકા ગુણવંત
13 પ્રતિભાવો
[‘એક દૂજે કે લિએ’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા માટે અવંતિકાબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે : avantika.gunvant@yahoo.com અથવા આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 79 26612505 - તંત્રી ]
વિવાહ પછી માધવી અને પરંતપ હોટલ કે પિક્ચરમાં જવા કરતાં કોઈ પાર્કમાં કે બીચ પર જવાનું વધારે પસંદ કરતાં હતાં. કુદરતના સાંનિધ્યમાં તેઓ કલાકો સુધી વાતો કરતાં. ખૂબ પ્રામાણિકતા અને નિખાલસતાથી પોતાના વિશે વાતો કરતાં. માધવીની બહેન રીમા માધવીને ચીડવતી, ‘તારો વર તો કંજૂસ છે. તને જુદાં જુદાં સ્થળે ફરવા નથી લઈ જતો કે સિનિયર સિટીઝન્સની જેમ એક જગાએ બેસાડીને તને પટાવે છે. આ ઉંમરના લોકો તો કેટલું રખડે ને મજા કરે. આ તો જિંદગીનો સોનેરી સમય કહેવાય.’
માધવી કહેતી : ‘તારી વાત સાચી છે. આ સમય જિંદગીનો સોનેરી સમય કહેવાય, માટે તો અમે એની ક્ષણેક્ષણ એન્જોય કરીએ છીએ. એને ભરપૂર માણીએ છીએ.’
‘કેવી રીતે ? એકબીજાના મોં જોઈને ?’ રીમાએ પૂછ્યું, ‘માત્ર મોં જોઈને નહીં, દિલની વાતો કરીને રીમા. આનંદ માટે અમારે રખડપટ્ટી કરવાની જરૂર નથી. અંતરમાં ઊઠતા ભાવો વ્યક્ત કરવાનો આનંદ જુદો હોય છે. અમે અલકમલકની વાતો કરીએ છીએ.’
‘તું ય તારા વર જેવી વેદિયણ થઈ ગઈ છે.’ રીમા બોલી.
‘હા, હું મારા વર જેવી થઈ ગઈ છું. તને ખબર છે, અમે અમારા વિશે એટલી બધી વાતો કરી છે, ખુલ્લા મનથી કશુંય છુપાવ્યા વગર કે મને એવું લાગે છે જાણે હું પરંતપને કેટલાંય વરસોથી ઓળખું છું, અને હુંય એને ચિરપરિચિત લાગું છું. એકબીજાના જીવનમાં બનેલા બનાવો જ નહીં પણ એકબીજાના હૃદયના ખૂણેખૂણાથીય અમે પરિચિત છીએ. એકબીજાની ભૂલો, નબળાઈઓ અને મર્યાદાઓ પણ અમે જાણીએ છીએ. આખું જીવન જો એક સાથે જીવવાનું હોય તો એકબીજાને ઓળખવા તો જોઈએને ! એ ઓળખવાનો સમય અત્યારે છે, એ સમય નાટક, સિનેમા કે પિકનિક પાર્ટીમાં જઈને વેડફવામાં અમે નથી માનતા. હા, કોઈક ખરેખર સારું પિક્ચર કે નાટક હોય તો અમે જોઈએ છીએ.





