Mar 16
2010

તર્પણ – અશ્વિન વસાવડા

[બાયોલોજીમાં એમ.એસ.સી, પી.એચ.ડી કરીને 37 વર્ષ સુધી શિક્ષણક્ષેત્રે કૉલેજમાં સેવા આપ્યા બાદ નિવૃત્ત જીવન ગાળતા ડૉ. અશ્વિનભાઈની અનેક લઘુકથાઓ ‘કુમાર’, ‘અખંડ આનંદ’, ‘નવચેતન’, ‘નવનીત સમર્પણ’ જેવા સામાયિકોમાં સ્થાન પામી છે. તેમનો ‘કિટ્ટા’નામનો પ્રથમ લઘુકથાસંગ્રહ ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ દ્વારા પસંદગી પામ્યો હતો. તાજેતરમાં પ્રકાશિત થયેલા તેમના આ દ્વિતિય લઘુકથા સંગ્રહ ‘તર્પણ’માંથી કેટલીક કૃતિઓ આજે માણીએ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ડૉ. અશ્વિનભાઈનો (જૂનાગઢ) ખૂબ ખૂબ આભાર. આ પુસ્તક મેળવવા માટે કે આપના પ્રતિભાવ માટે આપ તેમનો આ નંબર પર +91 9824000739 સંપર્ક કરી શકો છો.]

[1] વાડીનું વીલ

અમે ત્રણ ભાઈઓએ અમારી વાડીમાં કરેલા આનંદ, મસ્તી, તોફાનો મને આજે પણ ગઈકાલ જેટલાં જ યાદ છે. બાપુજી સાથે અમે ભાઈઓ વાડીએ જતા. ક્યારેક બા જમવાનું વાડીમાં લઈ આવતાં. બાપુજી અમારી પાસે થોડું સાફસૂફીનું કામ કરાવે અને પછી અમે છૂટા. પાકાં-કાચાં જામફળ, ચણીબોર, પપૈયાં તોડીતોડીને ખાઈએ. રજાઓમાં ભાઈબંધો પણ વાડીએ આવે, બાપુજી મકાઈડોડા ભઠ્ઠો કરી શેકી આપે. ટમેટાં, કાકડી પેટ ભરીને ખાઈએ. બા બાપુજી ઉપર ગુસ્સે પણ થાય, ‘રોજ વાડીએથી જે તે ખાઈને આવે છે તે ઘરે ભાણે બેસી સરખું જમતા પણ નથી.’ બાપુજી કૂવાનો પંપ ચાલુ કરે, કૂંડીમાં વહેતાં પાણીમાં સામ સામે પાણી ઉછાળતાં ન્હાવામાં તો કલાકો નીકળી જતા.

અમારા ત્રણેનાં લગ્ન પછી અમારા સંબંધોમાં તિરાડ પડવા લાગી અને પછી તો અમારે બોલવા-વ્યવહાર પણ ન રહ્યો. બાના અવસાન પછી બાપુજીએ ઘર અને મિલકતના ભાગ પાડી દીધા. અમે ત્રણે ભાઈઓ જુદા રહેવા લાગ્યા. બાપુજી વાડીમાં રહેવા લાગ્યા. અમે ત્રણે ભાઈઓએ વાડી વહેંચી ભાગ પાડી નાખવા ઘણી વાર કહેલું, પણ બાપુજી મક્કમ રહ્યા હતા, ‘મેં વાડીનું વીલ કર્યું છે.’

બાપુજી મૃત્યુ પામ્યા. વડીલનું વીલ શોધવા અમે ત્રણે ભાઈઓએ બાપુજીની પતરાંની જૂની બૅગનું તાળું તોડ્યું. અમે તવતવડા ભાઈઓને બાપુજીએ લખતાં-વાંચતા શીખવ્યું તે દેશી હિસાબની ચોપડીઓ, એકડેથી સો અંકો લખેલી અને શબ્દો લખેલી અમારા હસ્તાક્ષરોની જૂની નોટબુક્સ, અમને લઈ દીધેલાં કેટલાંક રમકડાં અને બાની ચૂંદડીમાં બાંધેલું કવર મળ્યું : વાડીનું વીલ.
વધુ આગળ વાંચો »

Mar 11
2010

સુખ અંદરથી આવે છે – અવંતિકા ગુણવંત

[‘અભરે ભરી જિંદગી’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ શ્રીમતી અવંતિકાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 79 26612505 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

અસીમા ને શિખા કૉલેજમાં સાથે ભણતાં હતાં. અભ્યાસ પૂરો થયા પછી છૂટાં પડ્યાં તે છેક આજે મળ્યાં છે. લગભગ બત્રીસ વરસે. આ બત્રીસ વરસમાં તો ઘણું ઘણું બન્યું છે. બેઉ પરણ્યાં. સંતાનો થયાં. એમનાંય લગ્ન થયાં ને અલગ સંસાર રચાયા છે. બેઉ ખૂબ ઉમળકાથી એકબીજાને મળે છે ને ઉત્કટતાથી ખબરઅંતર પૂછે છે. શિખા બોલી :
‘મારે એક દીકરો છે. એ ડૉક્ટર છે ને મદ્રાસના દવાખાનામાં સર્વિસ કરે છે. દીકરી પરણી છે. એનો વર બૅન્કમાં છે. હાલ એ સૂરતમાં છે. તારે શું સંતાનો છે ?’
‘મારે દીકરો નથી, ચાર દીકરીઓ છે. ચારે પરણી છે ને સુખી છે.’ અસીમા બોલી.

અસીમાના મોં પર સુખ ને સંતોષની આભા જોઈને શિખાને થયું નક્કી એના જમાઈઓ ખૂબ પૈસાદાર હશે તેથી જ આટલા આનંદથી વાતો કરે છે. શિખાનો જમાઈ બૅન્કમાં નોકરી કરતો હતો, એણે પોતાનો ફલૅટ લીધો હતો, ધીરે ધીરે બધી સગવડો વસાવી હતી છતાં દીકરી મળે ત્યારે ફરિયાદ જ કરતી હોય, બબડતી હોય, ‘આ તે કંઈ જીવન છે ? પૈસો પૈસો કરીને બચત કરવી પડે છે. એક વસ્તુ વસાવવી હોય તો આખું વરસ કરકસર કરવી પડે છે, કંઈ કેટલાય ઠેકાણે કાપ મૂકો તો એક ચીજ ખરીદાય ! લોકો કેટલા એશારામથી જીવતા હોય છે. મને તો બજારમાં નીકળું ને સારી સારી વસ્તુઓ જોઉં ને જીવ બળી જાય છે. ટી.વી.માં જાહેરખબર જોઉં ને મન એવું ચચરે કે આ બધું હું ક્યારે વસાવીશ ?’
વધુ આગળ વાંચો »

Mar 08
2010

ઉષ્મા – કુન્દનિકા કાપડીઆ

[‘મનુષ્ય થવું’ પુસ્તકમાંથી સાભાર.]

બારણું ઉઘાડીને તે ચુપચાપ બાલ્કનીમાં આવીને બેસી ગઈ હતી. વાર્તાની રાજકુમારીને વરદાન મળ્યું હતું : તે બધાને જોઈ શકે, પણ કોઈ તેને જોઈ શકે નહિ. બંધ આંખે પોતે પણ દીવાનખંડના મહેમાનોને જોઈ શકતી હતી. એક પછી એક આવી રહેલાં, દમામદાર કપડાં, લળી પડતાં સ્મિત અને સુંવાળા અવાજવાળાં સ્ત્રીઓ ને પુરુષો. નોકરોની અવરજવર. કાચનાં નવાં ચકચકિત વાસણોની સપાટી પર તરતાં પ્રકાશનાં પ્રતિબિંબ.

મોના રસોડામાં હશે. છેલ્લી સૂચનાઓ આપતી હશે. સુદીપ સરસ કપડાં પહેરીને તૈયાર થયો હશે. દરેક વખતની જેમ, બધું સંપૂર્ણ હોવું જોઈએ. પીણાં, જમવાની વાનગીઓ, સજાવટ. બધા લોકો સુંદર તો નહિ હોય, પણ દરેકે સજાવટ પૂરેપૂરી કરી હશે. એ લોકો જાણે છે કે ક્યા સિક્કા ક્યારે વાપરવા. એ લોકો જાણે છે કે શું વાપરવાથી શું મેળવી શકાય. બધી રમત છે. એ લોકો સરસ રીતે રમે છે. દૂર બેઠાં બધું જોઈ શકાય છે. પહેલાં એક વાર ભૂલ થઈ હતી. બધાં આવવાનાં હતાં અને તે તો દીવાનખંડમાં જ બેઠી હતી. તેણે પણ તૈયાર થઈ કડકડતાં કપડાં પહેરી રજૂ થવાનું છે, એવો કંઈક ભાસ હતો, ભ્રમણા હતી. મોનાએ બહુ સલૂકાઈથી બીજા રૂમમાં જવા કહ્યું હતું. દીવાનખંડ એને ખાલી જોઈતો હતો. ‘તમે ત્યાં જ જમી લેજો. ઊંઘી જવું હોય તો ઊંઘી જજો. અમારી પાર્ટી જરા લાંબી ચાલશે. તમને બહુ ઘોંઘાટ લાગશે. તમારા રૂમનાં બારણાં બંધ કરી દેજો.’

ત્યાર પછી બે વાર પાર્ટી થઈ હતી. આગળથી જ તે પોતાના રૂમમાં ચાલી ગઈ હતી. તે દિવસે સોમવાર કરી લીધો હતો અથવા પછી અગિયારશ કે કાંઈ પણ. જમવાની ખટપટ જ નહિ. આટલી બધી વસ્તુઓમાંથી શું જમવું ને શું નહિ, તેની પસંદગી કરવી મુશ્કેલ બનત. કોઈક વાની ન પીરસાય તો માઠું લાગત. ભૂલી ગઈ હશે એમ મન મનાવવા છતાં ડંખ લાગત. જાણીને અજાણપણું આચર્યું હશે ? અથવા એમ હશે કે એક-બે વસ્તુ ન પીરસી તોયે શું ? આ ઉંમરે હવે ખાવા-પીવાના બહુ શા અભરખા ! પોતાને ખબર હતી કે ખાવાપીવાનો શોખ ઉંમર વધે એમ ઓછો કરવો જોઈએ. તો પણ મોં પર કોઈ એમ કહે તો ઓછું આવી જાય. અને આ શોખની વાત નયે હોય. હાજરીના સ્વીકારની વાત કદાચ હશે. ગમે તેમ પણ આવે વખતે સોમવાર, કે જે વાર હોય તે, કર્યો જ સારો. અંદરથી ટેકો તો રહે.
વધુ આગળ વાંચો »

Mar 05
2010

કેટલીક લઘુકથાઓ – દુર્ગેશ ઓઝા

[ પોરબંદરના વતની એવા શ્રી દુર્ગેશભાઈ ‘ફૂલછાબ’ની રવિપૂર્તિના (લઘુકથા વિભાગના) જાણીતા કટાર લેખક છે. અત્યાર સુધીમાં તેઓની 150થી વધુ કૃતિઓ પ્રકાશિત થઈ ચૂકી છે. તેમાંની કેટલીક ચૂંટેલી કૃતિઓ અહીં પ્રસ્તુત કરવામાં આવે છે, જે ‘શબ્દસૃષ્ટિ’, ‘પરબ’, ‘કુમાર’ જેવા જાણીતા સામાયિકોમાં સ્થાન પામી છે. લેખનની સાથે તેઓ સંગીત, નાટક અને અભિનયનો પણ શોખ ધરાવે છે. તેમણે અમદાવાદ દૂરદર્શનના ‘સુરીલી સરગમ’ કાર્યક્રમમાં ગાયક તરીકે તથા ‘સત્યના પ્રયોગો’ આધારિત ટી.વી સિરિયલમાં એક પાત્ર તરીકે સુંદર ભૂમિકા ભજવી છે. રીડગુજરાતીને આ સુંદર લઘુકથાઓ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે durgeshart@yahoo.in અથવા આ નંબર પર +91 9898164988 સંપર્ક કરી શકો છો.]

[1] ભાઈ-બહેન

નિશાનું રુદન સાંભળતા જ તેના પિતાજી સુરેશચંદ્રે પૂછ્યું : ‘શું થયું તને ? કોણે તને હેરાન કરી ?’
‘પિતાજી, દિનેશે મારા હાથમાંથી ચોપડી ઝૂંટવી લીધી. મેં પાછી લેવા ચોપડી ખેંચી તો એણે મને… એણે મને માર્યું…. તમે એને તો કાંઈ કહેતા નથી. કાલેય મને ખીજવતો’તો.’
અને સુરેશચંદ્ર ઊંચા અવાજે બોલ્યા : ‘ક્યાં ગયો દિનેશ ? આજે તો તારી ખબર લેવી પડશે. નાની બહેનને હેરાન કરતા શરમ નથી આવતી ? મોટોભાઈ થઈને સમજતો નથી ? શું કામ તેં એને માર્યું ?’
‘પણ મારેય આ ચોપડી વાંચવી છે.’ દિનેશે કહ્યું.
‘પણ હમણાં તો તું બીજું કંઈક વાંચતો’તો. બહાનાં કાઢીને હાથ ઉગામતાં ક્યાંથી શીખી ગયો ? આજે તને જમવાનું નહિ મળે અને જો હવે આવાં તોફાન કરીશ તો માર્યા વિના નહિ મૂકું.’ સુરેશચંદ્રે પુત્રને ધમકાવ્યો.

નિશાએ અંગૂઠો બતાવીને કહ્યું : ‘લે, લેતો જા, લેતો જા લાડવો’ ને પછી તાળી પાડીને હસવા લાગી.
…..અને જમવાનો સમય થયો.
સુરેશચંદ્રે નિશાને બોલાવી, પણ એ ક્યાંય દેખાઈ નહિ. તેને શોધવા એ ઉપરના ઓરડે ગયા. ત્યાં અચાનક કંઈક ધીમો ધીમો અવાજ સંભળાયો. ડોકિયું કરતાં જોયું તો નિશાની ભરેલી થાળી ત્યાં પડેલી હતી. તે તો જમતી જ હતી પણ દિનેશને પણ જમાડતી હતી. બંનેના ચહેરા પર લાગણી અને પ્રેમના ભાવ ચિતરાયેલા હતા. ને નિશા કહેતી હતી, ‘જલદી જલદી જમી લે, નહિતર પિતાજીને ખબર પડી જશે.’

અને સુરેશચંદ્ર આંખનો ખૂણો લૂછતાં હર્ષભેર જમવા બેઠા !!
વધુ આગળ વાંચો »

Mar 05
2010

સંવેદના – કીર્તિ પરીખ

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે કીર્તિબેનનો (દુબઈ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે kirtidasp@rediffmail.com અથવા આ નંબર પર +971 50 1364530 સંપર્ક કરી શકો છો. ]

આજે એમની વાત કરવી છે. એમની ઓળખ તો વળી શું આપવી ? ‘મૂઠી ઉંચેરા માનવી’ જ કહો ને ! 78 વર્ષની વયે પણ એમની યાદશક્તિ ગજબની હતી. ઉંમરને કારણે શરીર ક્ષીણ બન્યું હતું અને આંખો પણ ઝાંખપ અનુભવતી પરંતુ તેમ છતાં, એમના રોમરોમમાંથી ખુમારી ટપકતી હતી. નદીના પ્રવાહ જેવી વેગવંતી એમની વાણી હતી. એમની દરેક વાતમાં જુસ્સો વર્તાતો હતો. દુનિયાની દષ્ટિએ કહેવાતી સફળતા એમને જીવનમાં ન મળી હોવા છતાં ક્યારેય અફસોસ થયો હોય તેવું તેમણે કદી અનુભવ્યું નહોતું. જીવનને તેઓ ઝીંદાદિલીથી જ લેતાં. તેઓ અસફળતાનો સ્વીકાર કરી જાણતાં.

જીવનભર માત્ર ગુજરાન ચાલી શકે એટલું જ કમાયા હતાં. ભૌતિક ચીજવસ્તુઓમાં એમને ખાસ કોઈ રસ નહોતો. પોતાની સાથે માત્ર બે-જોડી કપડાં રાખતાં. ઓછામાં ઓછી જરૂરિયાતથી ચલાવી લેતાં. તેઓ ભણેલા માત્ર બે-ચોપડી પરંતુ તેમને દરેક ક્ષેત્ર વિશે જાણવાની રુચિ હતી. તેમની પાસે અનેક વિષયોની જાણકારી રહેતી. મકાનોના બાંધકામથી લઈને શેરબજાર અને ખેલકૂદથી લઈને રાજનીતિ અને ફિલ્મો સુધીના વિષયમાં એમની સૂઝ ગજબની હતી. ફલૉપ ફિલ્મમાંથી પણ કોઈક સંદેશો તારવીને ક્યારેક અમને સૌને સમજાવતાં ત્યારે આશ્ચર્યથી અમારી આંખો પહોળી થઈ જતી ! આ ઉંમરે પણ એમને નવું નવું શિખવાની ધૂન લાગેલી રહેતી. કોઈક અમારા જેવું મળે એટલે તરત એને સૉફટવેર અને ઈન્ટરનેટ વિશે નાની-મોટી બાબતો પૂછી લે. બહારના કયા દેશમાં કયું ચલણ ચાલે છે તે ચપટીમાં કહી આપે. કોઈને એવું લાગે કે જાણે એમણે કેટલાંય દેશોની મુસાફરી કરી હશે. પરંતુ હકિકતે તેઓ કાઠિયાવાડના એમના નાનકડા ગામમાંથી કદીયે બહાર નીકળ્યાં નથી. કોઈને પ્રિય કે અપ્રિય થવામાં તેઓ કદી પડતાં નહીં. પોતાની આગવી જીવનશૈલીમાં જ તેઓ રચ્યાંપચ્યાં રહેતાં.
વધુ આગળ વાંચો »

Mar 03
2010

હું યે એકવાર વહુ જ હતી ને ! – હરિશ્ચંદ્ર

[‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર.]

માધુકાકા અને માલુકાકી સાથે અમારે ઘર જેવો સંબંધ. અમારી પડોશમાં જ રહે. એમનો જયંત મારા જેવડો. મારો દોસ્ત. અમે સાથે ભણીએ, એટલે એકબીજાના ઘરમાં જવા-આવવાનો, રમવા-જમવાનો નિકટનો સંબંધ. માલતીકાકી મારા પર બહુ પ્રેમ રાખે. પોતાના દીકરા જેવો જ માને. ભણી-ગણીને નોકરી નિમિત્તે હું બહારગામ રહેતો થયો એટલે મળવાનું ઓછું થઈ ગયું. છતાં જ્યારે પણ ઘરે આવું, ત્યારે માધુકાકા, માલુકાકી અને જયંતને અચૂક મળું. જો એક ટંક એમના ઘરે જમ્યા વિના પાછો જાઉં, તો માલુકાકી બહુ નારાજ થઈ જાય.

આ વખતે બહુ લાંબા ગાળે મારે ઘેર આવવાનું થયું. દોઢેક વરસ થઈ ગયું હતું. મા સાથે વાત કરતો બેઠો હતો. સહેજે મેં પૂછ્યું : ‘માલુકાકી, જયંત વગેરે બધાં મજામાં છે ને ?’
‘અરે, તારી માલુકાકી તો હવે ઓનરશિપના ફલેટમાં રહે છે. બે રૂમ કિચનનો સરસ મજાનો ફલેટ છે.’
‘શું કહે છે !’ અને એમનું જૂનું ઘર મારી આંખ સામે આવી ગયું. ઘર શું, એક નાનકડો વાડો જ હતો. એ વાડામાં અમે બહુ રમતા, ઝાડ પર ચઢતા. એક સરસ મજાનો આંબો હતો અને એક ફણસનું ઝાડ. આંબા ઉપર કેરી આવે કે માલુકાકી પહેલી અમારા ઘરે મોકલે. ફણસ પણ મને બહુ ભાવે. પણ એમનું ઘર બહુ જૂનું. હવા-ઊજાશ ઝાઝાં નહીં. પાંચ-સાત ઓરડા ખરા, પણ કેટલાંક તો બહુ અંધારિયા. કુટુંબ બહોળું. માલુકાકી કાયમ રસોડામાં જ હોય. અમારું મકાન એમના વાડાને અડીને જ. પછી અમે સોસાયટીમાં રહેવા ગયા, પણ તોય અમારો સંબંધ એવો જ રહ્યો. મારાં લગ્ન વખતે સો માણસનું રસોડું માલુકાકીએ જ સંભાળેલું. આ બધું મારી આંખ સામે આવી ગયું.
વધુ આગળ વાંચો »

Feb 24
2010

હું તો લગ્ન કરવાની જ નથી….! – ભેજેન્દ્ર પટેલ

[ટૂંકી વાર્તાના પુસ્તક ‘વધામણાં’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

સવારના પાંચ વાગે ઍલાર્મની ઘંટડી રણકી ઊઠી. તનીમાએ ઍલાર્મ બંધ કર્યું. તનીમા કૉલેજનાં છેલ્લાં વર્ષમાં ભણે છે. ઊઠીને ફ્રેશ થઈને તે વાંચવા બેસી ગઈ. થોડી વાર થઈ હશે ત્યાં પડોશીના ઘરમાંથી પતિ-પત્નીના જોરજોરથી ઘાંટા સંભળાવાના શરૂ થયા. બન્ને વચ્ચે વારંવાર ઝઘડા થતાં. તનીમા વિચારે ચઢી કે આમ આ લોકો જિંદગી શી રીતે જીવતા હશે ? વળી તેને ખ્યાલ આવ્યો કે પોતાનાં મમ્મી-પપ્પા વચ્ચે પણ ઉષ્માભર્યા સંબંધો નથી. તેના સગામાં પેલા પ્રીતમે તેની પત્ની સાથે છૂટાછેડા લીધેલા તે પણ યાદ આવ્યું. તેને થયું કે એવું જો મારા જીવનમાં બને તો ? બાપ…રે ! એના કરતાં તો એકલા રહેવું શું ખોટું ? જોને પેલા સાયન્સના પ્રોફેસર ડૉ. વિનય, ગૃહલક્ષ્મી સંસ્થાના પેલા નિર્મળાબહેન… વગેરે અપરણિત જ છે ને ! કેવાં મોજથી જીવે છે !

તનીમાની ખાસ બહેનપણીઓ : અક્ષિ અને ચિન્મયી. ત્રણેય એક જ કલાસમાં સાથે ભણે. હરવું, ફરવું, ફિલ્મ જોવા જવું – બધું જ એક સાથે. રોજ એકમેકને મળ્યા વિના ચેન ન પડે. ફોનમાં પણ ગુફતેગો ચાલુ જ હોય. એકવાર ત્રણેય જણાં રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા ગયાં. કૉર્નરનું ટેબલ પસંદ કરીને બેઠાં. વાતવાતમાં તનીમાએ કહ્યું કે : ‘હું તો લગ્ન કરવાની જ નથી…’ એ પછી એણે બધાં કારણો વિગતવાર કહ્યાં. જે જે લોકો અપરણિત રહીને સ્વતંત્રતા ભોગવે છે, જિંદગીનો આનંદ માણે છે એવાના દાખલા કહી સંભળાવ્યાં. અક્ષિ અને ચિન્મયી તેની વાત સાથે સંમત થયા. કંઈક વિચારીને ચિન્મયીએ પ્રસ્તાવ મૂક્યો :
‘તો બોલો ! આપણે ત્રણેય જણાંએ એક સાથે એકલાં રહેવું છે ? પૈસાની ચિંતા ના કરશો. જો, મારા પપ્પાએ મને કાર તો આપી જ છે. મારા નામે પૈસા પણ સારા એવા છે. પરીક્ષાઓ પતી જાય પછી આપણે એકસાથે એક જગ્યાએ રહીશું.’ બધાંને આ વાત બહુ ગમી.
વધુ આગળ વાંચો »

Feb 23
2010

તાવ – પૂજા તત્સત્

[‘નવનીત સમર્પણ’ સામાયિક નવેમ્બર-2009માંથી સાભાર.]

‘જય શ્રીકૃષ્ણ, કેમ છો ?’
એરપોર્ટ પહોંચતાં જ લેવા આવેલા સૌને બે હાથ જોડીને આદિત્ય સસ્મિત બોલ્યો :
‘તમે વૈદેહીભાભીને ? સાક્ષાત દુર્ગા…..’
વૈદેહી સામે જોઈને એ બોલ્યો. વૈદેહી થોડું શરમાઈને હસી, ‘આવો આવો આદિત્યભાઈ, વેલકમ ટુ ઈન્ડિયા…’ એને આજે સવારથી પાછું થોડું તાવ જેવું…..

પછી પગે લાગવાનો વિધિ ચાલ્યો.
બેગો ગાડીમાં ગોઠવાઈ. ઘરે પહોંચતાં થાકેલા ઊંઘરેટા સૌ ગોઠવાયા. એક મોટા સંયુક્ત કુટુંબમાં એનઆરઆઈ જમાઈરાજ દીકરી અને બાળક સહિત પધાર્યા હતા. છ ફૂટ હાઈટ, ગોરો વાન અને એની સાથે શોભતો સાલસ સ્વભાવ. ક્યાંય કશી કમી નહીં. કશી આછકલાઈ નહીં. માત્ર સભરતા, સરળતા. યુએસમાં જ ગર્ભશ્રીમંત એનઆરઆઈ કુટુંબમાં જન્મીને ઊછરેલ આદિત્ય હજી બે વર્ષ પહેલાં જ વૈદેહીની પિતરાઈ નણંદ સોહા સાથે પરણ્યો હતો. વર્ષ પહેલાં એમને ત્યાં એક સુંદર બાળકી જન્મી હતી. આખું ઘર આનંદમાં મગ્ન હતું. એમાંય નમણી કળી જેવી પૂર્વાને જોવા તો સૌ આતુર હતા.

બીજે દિવસે સવારે શોર્ટસ અને વ્હાઈટ ટીશર્ટમાં સજ્જ આદિત્ય ધડધડ દાદરા ચડીને ડાઈનિંગ રૂમમાં અને પછી સીધો રસોડામાં ધસી ગયો. પૌંઆ, ટોસ્ટ, સેન્ડવિચ, ચા, કોફી તૈયાર કરતી વૈદેહીને મદદ કરાવવા લાગ્યો.
‘લાવો ભાભી, અમારા ઘરમાં આ બધું હું જ કરું છું. પૂર્વાના જન્મ પછી તો એ જ ક્રમ બની ગયો છે.’ નિખાલસતાથી હસતા આદિત્યના હાસ્યમાં દાડમની કળીઓ ચમકી રહી. એ બોલતી વખતે શબ્દેશબ્દ છૂટો પાડીને વચ્ચે એકપણ અંગ્રેજીનો ન આવે તેનો ખ્યાલ રાખતો.
‘તમારું ગુજરાતી ખૂબ સુંદર છે….’ વૈદેહીએ એના હાથમાંથી નાસ્તાની ટ્રે લેવા હાથ લંબાવ્યા, ‘લાવો મને આપી દો. અમેરિકા જઈને આ બધું કરજો. અહીં અમને તમારી સરભરાનો લાભ લેવા દો.’ વૈદેહી હસતાં હસતાં બોલી.
‘ના, બિલકુલ નહીં. હું અહીં છું ત્યાં સુધી કામ કર્યા વિના નહીં રહી શકું. આદત પડી ગઈ છે. ને ગુજરાતી બોલવું અમારા ઘરમાં ફરજિયાત હતું એટલે આવડે છે.’
વધુ આગળ વાંચો »

Page 8 of 19« First...678910...Last »