પાત્રતા – ગિરીશ ગણાત્રા
પ્રકાર: ટૂંકી વાર્તા
સાહિત્યકાર : ગિરીશ ગણાત્રા
27 પ્રતિભાવો
આમ જોઈએ તો બંને કુટુંબોએ એકબીજા જોડે સંબંધ બાંધવાનું નક્કી જ કરી નાખ્યું હતું. ચંદ્રકાન્તભાઈને શરદભાઈની પુત્રી રૂપા ગમી ગઈ હતી. એના પુત્ર સ્નેહલ માટે રૂપા બધી રીતે યોગ્ય હતી. એ જ્યારે સ્નેહલ માટે યોગ્ય પાત્રની તપાસ કરી રહ્યા હતા ત્યારે એના મિત્રે શરદભાઈની પુત્રી રૂપા સૂચવી. શરદભાઈ સાથે જ્યારે મુલાકાત થઈ ત્યારે ચંદ્રકાન્તભાઈને ખબર પડી કે વર્ષો પહેલાં શરદભાઈ એની જ કૉલેજમાં સાથે ભણેલા, એકાદ વર્ષ હોસ્ટેલમાં પણ રહેલા.
માણસને પોતાનો મીઠો ભૂતકાળ વાગોળવાનું ક્યારેક મન થઈ જાય છે. પોતાના સંતાનોને ઘડીભર વીસારી ચંદ્રકાન્તભાઈ અને શરદભાઈ પોતાની યુવાનીના દિવસોમાં સરી ગયા. ચા-નાસ્તો કરતાં કરતાં કૉલેજના પ્રોફેસરોની, હોસ્ટેલના રસોડાની, કેન્ટિનમાં કામ કરતા ઠીંગુજી છોકરાની, ક્રિકેટ-ટીમની, સહાધ્યાયીઓની, એમની ટેવોની અને વાર્ષિકોત્સવમાં ભજવાયેલા નાટકની વાતોની સમાપ્તિના અંતે બંને આશ્ચર્યથી બોલી ઊઠ્યા : ‘દુનિયા કેટલી નાની છે ! નહિતર ક્યાં જામનગર અને ક્યાં અમદાવાદ. પ્રારબ્ધમાં લખ્યું હશે તે આટલાં વર્ષે અહીં મળવાનું થયું.’ આ બંનેના પ્રારબ્ધે બંનેને અમદાવાદમાં એકઠા કરી દીધા તો બંનેનાં સંતાનોને એકમેક સાથે જોડી પ્રારબ્ધમાં હવે જે કંઈ લખાયું હશે તેને સાકાર કરવા આગળ વધ્યા. બસ, હવે રૂપા અને સ્નેહલ એકબીજાને મળે, વાતો કરે અને પસંદ કરે એટલે સગાઈની તારીખ નક્કી થઈ જાય….
એ પણ થઈ ગયું. રૂપા અને સ્નેહલ એકબીજાંને મળ્યાં. બે-ચાર વખત સાથે ફરવા ગયાં અને પછી સંમતિ દર્શાવી એટલે સગાઈનો પ્રસંગ પણ પાર પાડી દીધો. સગાઈ પછી રૂપા-સ્નેહલનું મળવાનું વધી ગયું. સ્નેહલ એના પિતા જોડે ધંધામાં ગોઠવાઈ ગયેલો પરંતુ રૂપા નોકરી કરતી હતી. ઑફિસમાંથી એ વારંવાર ગુલ્લી મારી શકતી નહોતી. આ કંઈ સરકારી ઑફિસ થોડી હતી કે ગમે ત્યારે અવાય અને ગમે ત્યારે જવાય ? આ તો લિમિટેડ કંપનીની મોટી ઑફિસ હતી જ્યાં ઑવરટાઈમ વિના ઑફિસસમય પછીય સોંપાયેલું કામ પૂરું કરવું પડતું. રૂપાની આ સમયમર્યાદાને કારણે સ્નેહલ કહેતો પણ ખરો કે લગ્ન પછી તારે ક્યાં નોકરી કરવાની છે ? બહુ ગુલામી કરી, હવે છોડી દે ને !
વધુ આગળ વાંચો »
પરિવર્તન – વત્સલા સુનીલ મનીઆર
પ્રકાર: ટૂંકી વાર્તા
સાહિત્યકાર : વત્સલા સુનીલ મનીઆર
17 પ્રતિભાવો
(‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.)
રવિવારની સવાર હતી. સત્યમ આરામથી ટેબલ પર છાપું વાંચતા ચાની રાહ જોઈ રહ્યો હતો. અંદર રસોડામાં ચા બનાવી રહેલી વંદના વિચારી રહી હતી કે પોતાના મનની વાત સત્યમ સમક્ષ કેવી રીતે રજૂ કરવી. એટલે જ ટેબલ પર ટ્રે મૂકવાને બદલે જરાક પછાડીને મૂકી જેથી સત્યમનું ધ્યાન તેના તરફ ખેંચાય પણ સત્યમ ચકોર હતો. ‘જરૂર પાછું પોતાને માટે ખરીદીનું કે ગૃહસજાવટનું ભૂત વંદનાના મનમાં ભરાયું લાગે છે…. એમ લાગતાં જ એણે જાણીજોઈને પત્નીની ચેષ્ટા પ્રત્યે અણજાણ બની છાપામાં વધુ ધ્યાન ખોસ્યું.
સત્યમ સરકારી ઑફિસમાં કામ કરતો ઉચ્ચ અધિકારી હતો. દોઢેક વર્ષ થતાં જ સત્યમ અને વંદના શહેરનાં પોશ વિસ્તારની સુંદર સોસાયટીમાં સરકાર તરફથી ફાળવવામાં આવેલા વિશાળ ફલેટમાં રહેવા આવ્યાં હતાં. શરૂઆતમાં આવો સુંદર આધુનિક સુવિધાઓથે ભરેલો મોટો ફલેટ મળવા બદલ બંને ખૂબ ખુશ હતાં. સત્યમ જોડે ઑફિસમાં કામ કરતા બીજા પાંચ-છ સરકારી અધિકારીઓને પણ તેમની ગ્રેડ પ્રમાણેનો ફલેટ એ જ સોસાયટીમાં મળ્યા હતા. પ્રારંભમાં વંદના પોતાની મરજી અને પતિની પગારની શક્તિ મુજબ ખરીદીઓ કરી ઘરસજાવટ ખૂબ આનંદથી કરતી હતી ને પોતાને આ નાનકડા મહેલની મહારાણી સમજતી હતી. બંને ખૂબ આનંદથી રહેતાં હતાં.
પણ આ પરિસ્થિતિ લાંબો વખત ન ચાલી, કારણ હતું સત્યમની નીતિ અને વંદનાની જીદ !! સત્યમ ઑફિસમાં બીજા અધિકારીઓથી તદ્દન અલગ હતો. સ્વાતંત્ર્યસેનાનીનો પુત્ર હતો, એટલે સૈદ્ધાંતિક વિચારો, પ્રામાણિક-પારદર્શક કાર્યપદ્ધતિ અને નીતિમય જીવન જીવવાના તેમ જ સાદગીના પાઠો તેને ગળથૂથીમાં જ મળ્યા હતા. ભ્રષ્ટાચાર પ્રત્યે તેને તીવ્ર ઘૃણા હતી, એટલે જ ભૌતિક જીવનનો મોહ તેને લલચાવી કે ડગાવી શકતો નહોતો. જ્યારે તેની ઑફિસમાં બીજા અધિકારીઓ ટેબલ નીચેથી સરકાવી ઉપરની ધૂમ કમાણી કરવામાં ઉસ્તાદોના ઉસ્તાદ હતાં. અને એ ઉપરની કમાણી તેમની પત્નીઓ ઘરવખરી કે ગૃહસજાવટની ચીજવસ્તુઓ, અલંકાર કે સાડીઓ ખરીદવામાં વાપરતી. દર બે વર્ષે નવી ગાડી લેવી કે વિદેશમાં વૅકેશન ગાળવાના પ્રોગ્રામો કરવાનું તેમને ભારે ન લાગતું.
વધુ આગળ વાંચો »
વાર્તારસ – હરિશ્ચંદ્ર
પ્રકાર: ટૂંકી વાર્તા
સાહિત્યકાર : હરિશ્ચંદ્ર
20 પ્રતિભાવો
[‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર.]
[1] મંગળની છાયામાં
સુધાએ છાપામાં વાંચ્યું : ‘આ મહિનામાં મંગળ પૃથ્વીની બહુ નજીક આવવાનો છે. નરી આંખેય જોઈ શકાશે. મહિના સુધી સંધ્યાકાળે સૂર્યાસ્ત પછી પૂર્વ ક્ષિતિજે તેનાં દર્શન થશે.’ તેણે બાજુમાં બેઠેલા સમીરને કહ્યું, પણ તેણે તો સાંભળ્યું-ન સાંભળ્યું કર્યું. પરંતુ સુધાએ નક્કી કરી નાખ્યું કે મંગળ જોવો જ. સાંજે સૂર્યાસ્ત થાય તે પહેલાં જ અગાશી પર પહોંચી ગઈ. સૂર્ય અસ્ત થયો હતો ત્યારે પૂર્વ ક્ષિતિજ પર અત્યાર સુધી ઝાંખો દેખાનારો તારો ધીરે ધીરે ચમકવા લાગ્યો. જોત-જોતામાં તેનો રંગ લાલાશ પકડતો ગયો. બસ, આ જ મંગળ ! સુધા ખુશ ખુશ થઈ ગઈ. પછી તો ચાર-પાંચ દિવસ રોજ સાંજે મંગળને જોતી રહી.
એમને જમીનનો પ્લોટ ખરીદવો હતો. સમીરના મિત્ર જોશીએ એક જગ્યા બતાવી. તેણે પોતે પણ હમણાં જ ત્યાં એક પ્લૉટ ખરીદેલો. સમીર પણ ત્યાં જ પ્લોટ ખરીદે એવો એમનો આગ્રહ હતો. સારા પડોશી મળે. જગ્યા જોઈ. બંનેને ગમી. ત્યાં જોશીએ પૂછ્યું : ‘તમારી જન્મ-કુંડળી હશે ને !’
‘જમીન ખરીદવામાં જન્મ-કુંડળીની શી જરૂર ?’
‘ના ભાઈ, હોં ! હું તો બધું જ કામ કુંડળીને જોઈને કરું. આ જમીન ખરીદતી વખતે મેં તો મારી કુંડળીનો બરાબર અભ્યાસ કરેલો, અને પછી જ જમીન ખરીદી. તમારી બંનેની કુંડળી મને આપજો, આપણે પછી જ સોદો પાકો કરીશું.’
સુધા-સમીરે તો લગ્ન વખતેય કુંડળી-બુંડળી જોયેલી નહીં. કુંડળી ક્યાં હશે તેય ખબર નહીં. છતાં માળિયામાંથી સમીરની કુંડળી તો મળી, સુધાની ન મળી. જોશી કહે, ‘કાંઈ નહીં, તમારી જન્મ તારીખ અને જન્મનો સમય મને આપો, હું કુંડળી બનાવી લઈશ.’ જન્મ-તારીખ તો ખબર, પણ જન્મ-સમય કોને ખબર ? સુધાએ માને પૂછીને જન્મ-સમય પણ કહ્યો. અને જોશીએ એની કુંડળી બનાવી લીધી. બંને કુંડળીનો બરાબર અભ્યાસ કર્યા બાદ જોશીએ કહ્યું, ‘સુધાબહેન ! તમને મંગળ છે.’
વધુ આગળ વાંચો »
પાંદડે પાંદડે ઝાકળ – સં. મહેશ દવે
પ્રકાર: ટૂંકી વાર્તા
સાહિત્યકાર : મહેશ દવે
9 પ્રતિભાવો
[ શ્રી મહેશભાઈ દવે દ્વારા સંકલિત ‘પાંદડે પાંદડે’ શ્રેણીમાં તાજેતરમાં ‘પાંદડે પાંદડે ઝાકળ’નામનું નવું પુસ્તક પ્રકાશિત થયું છે. હંમેશની જેમ સુંદર બોધપ્રદ કથાઓના આ પુસ્તકમાંથી માણીએ કેટલીક કૃતિઓ. શ્રી મહેશભાઈનો આપ આ નંબર પર +91 9427606956 પર સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. ]
[1] બધું જ યંત્રવત
ઉત્તરપ્રદેશનું એક નાનકડું ગામ. ગામમાં એક જ સ્કૂલ હતી. શાળાના ઘરડા થઈ ગયેલા શિક્ષક પ્રાચીન સાહિત્યનો વિષય શિખવાડતા હતા. આજે એ રામાયણ ભણાવતા હતા. વર્ષોથી એ રામાયણ ભણાવતા આવ્યા હતા. તુલસીદાસની ચોપાઈઓ મોઢે હતી. ચોપાઈમાં જોવાની જરૂર નહોતી. પહેલાં ચોપાઈ બોલે અને પછી એને ગદ્યમાં સમજાવે.
કોઈ વિદ્યાર્થીનું શિક્ષક પર ધ્યાન નહોતું. શાનું હોય ? ઉત્તરપ્રદેશમાં રામનો મહિમા ભારે. બાળપણથી રામકથા સાંભળતા આવ્યા હતા. દાદા-દાદીએ કથા કહી હતી. કથા કરવા આવતા મહારાજે એ કથા સંભળાવેલી, રામાયણની ફિલ્મ જોયેલી, ટીવી પર રામાયણની સિરિયલ અનેક વાર આવી ગઈ હતી. ફરી ફરી રામકથા સાંભળવામાં વિદ્યાર્થીઓને રસ નહોતો. કોઈનું ધ્યાન શિક્ષક પર નહોતું. કેટલાક ઊંઘતા હતા, કેટલાક ઝોકે ચડ્યા હતા, કેટલાક બારી બહાર ઢોર, પક્ષીઓ અને વૃક્ષો જોતાં હતાં. અને કેટલાક અંદરોઅંદર વાતો કરતા હતા. શિક્ષક પણ બેધ્યાનપણે બોલ્યે જતા હતા. પોતે શું બોલે છે તેનું પોપટને જેમ ધ્યાન કે ભાન હોતું નથી તેમ શિક્ષક કંઠસ્થ થઈ ગયેલી ચોપાઈઓ અને કથા રટ્યે જતા હતા. ઊંઘમાં કે ટેપ કરેલી રેકર્ડની હોય તેમ ગબડાવ્યે જતા હતા.
એવામાં શાળામાં સરકારી ઈન્સ્પેક્ટર (નિરીક્ષક) ‘સરપ્રાઈઝ ઈન્સ્પેકશન’ (ઓચિંતા નિરીક્ષણ) માટે આવી ચડ્યા. બધા સફાળા જાગ્રત થઈ ગયા. ઈન્સ્પેક્ટરે શિક્ષક સાથે થોડી વાતચીત કરી. પછી શિક્ષણ અને વિદ્યાર્થીઓની આવડત જાણવા સવાલ પૂછ્યો, ‘શિવનું ધનુષ્ય કોણે તોડ્યું ?’
એક વિદ્યાર્થી ડરતાં ડરતાં ઊભો થયો, ‘તમારા કહ્યા વગર ઊભા થવા માટે માફ કરજો સાહેબ, પણ મેં ધનુષ્ય તોડ્યું નથી. શાળામાં ગમે ત્યારે કંઈ તૂટે-ફૂટે તો મારું જ નામ આવે છે, તેથી ઊભો થયો છું. હું પંદર દિવસથી શાળામાં ગેરહાજર હતો, કારણ કે માંદો હતો. મેં ધનુષ્ય તોડ્યું નથી.’ નિરીક્ષકે આશ્ચર્યથી શિક્ષક સામે જોયું. બારણા પાછળથી શિક્ષકે સોટી કાઢી, કહ્યું, ‘હમણાં બે સોટી પડશે ને એટલે કબૂલ કરશે. શાળામાં બધી જ તોડફોડ સાલો એ જ કરે છે.’ નિરીક્ષકને વધારે અચંબો થયો. એ હેડમાસ્તર પાસે ગયા. બધી વાત કરી. હેડમાસ્તરે કહ્યું : ‘હવે મેલોને વાત. વિદ્યાર્થીને દંડ કરી નવું ધનુષ્ય લાવીશું. ગ્રાન્ટમાંથી પૈસા નહીં વાપરીએ. બોલો શું લેશો ચા કે કૉફી ? નાસ્તામાં શું ચાલશે ?’ નિરીક્ષકે લમણે હાથ દીધો.
વધુ આગળ વાંચો »
ગુજરાતી લઘુકથાસંચય – સં. મોહનલાલ પટેલ, પ્રફુલ્લ રાવલ
પ્રકાર: ટૂંકી વાર્તા
સાહિત્યકાર : પ્રફુલ્લ રાવલ, મોહનલાલ પટેલ
32 પ્રતિભાવો
[સાહિત્યમાં લઘુકથાનું સ્વરૂપ અનોખું છે. તે થોડામાં ઘણું કહી જાય છે. ક્યારેક તેનો અંત ચોટદાર અને આશ્ચર્યચકિત કરી મૂકે તેવો હોય છે. આ લઘુકથાના જનક એવા શ્રી મોહનલાલ પટેલનું લઘુકથાના આરંભ અને વિકાસમાં મહત્વનું યોગદાન છે. તેમણે શ્રી પ્રફુલ્લભાઈ રાવલ સાથે મળીને કુલ 76 જેટલી સુંદર લઘુકથાઓ ચૂંટીને ‘ગુજરાતી લઘુકથાસંચય’ રૂપે આપણને આ સુંદર પુસ્તક પ્રાપ્ત કરાવ્યું છે. આજે તેમાંથી માણીએ કેટલીક લઘુકથાઓ. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[1] ખેલ – વિનોદ ભટ્ટ
પછી એ માણસ રસ્તા પર પડેલ ઈંટાળાનો ભૂકો કરીને ખાવા માંડ્યો. આખુંય ટોળું એની સામે આશ્ચર્યથી જોઈ રહ્યું. થોડીક ખીલીઓ ને ટાંકણીઓ લઈ તે પાપડની જેમ બડુકા બોલાવતો ખાવા લાગ્યો. લોકો તેની સામે મુગ્ધભાવે જોતા હતા. અને સોડા-વોટરની એક બાટલી જમીન પર પછાડી, ફોડીને જ્યારે તેણે કાચના ટુકડા ખાવા માંડ્યા ત્યારે તો કેટલાક લોકો મોંમાં આંગળાં ઘાલી ગયા. એક-બે જણાએ તો તેને આવું કામ કરતાં વારવા પ્રયત્ન કર્યો. કેટલાકે દયાથી પ્રેરાઈને પોતાના ખિસ્સામાંથી ચાર-આઠ આનાના સિક્કા કાઢીકાઢીને પેલાએ પાથરેલ શેતરંજી પર નાખવા માંડ્યા. પૈસા આપીને બધા વેરાવા માંડ્યા.
સામેની દુકાનમાં બેઠેલા ગીધુકાકા આ બધું તદ્દન નિર્લેપભાવે જોતા હતા. એમના મોં પરના ભાવો જરાય બદલાયા નો’તા. પેલો ખેલ કરનાર ગીધુકાકા પાસે આવી હાથ લાંબો કરતાં બોલ્યો : ‘શેઠ, આઠ આના-રૂપિયો જે કંઈ આપવું હોય એ આપો, મા-બાપ…..’
‘પણ શેના ભૈ ?’ ગીધુકાકાએ પૂછ્યું.
‘આ મેં ઢેખાળાના ટુકડા, ઈંટાળાનો ભૂકો, લોખંડના ખીલા, કાચ –એ બધું ખાધું એ તમે જોયું નહિ ?’
‘એમાં ભાઈલા, તેં ધાડ શી મારી એ કહીશ, જરા ?’
‘એટલે ?’
‘આ બધો ખેલ તો અમે રોજ કરીએ છીએ. ફેર એટલો કે તું જે જાહેરમાં કરે છે એ અમે ખાનગીમાં કરીએ છીએ.’
‘સમજાયું નહીં, શેઠ…..’
‘તને નહીં સમજાય…… અમે જેવી ચીજો ખાઈએ છીએ એવી તો તુંય નહીં ખાતો હોય…. ઘીમાં ડુક્કરની ચરબી, મરચામાં લાકડાનું ભૂસું, ધાણાજીરામાં ઘોડાની લાદ, લસ્સીમાં બ્લોટિંગ પેપર-બોલ, આવી બધી વસ્તુઓ તેં કદીય ખાધી છે ?’
….ને પેલો પોતાનો ખેલ કરવા બીજા લત્તા તરફ ચાલતો થયો.
વધુ આગળ વાંચો »
અગ્રંથસ્થ શબ્દયાત્રા – રાવજી પટેલ
પ્રકાર: ટૂંકી વાર્તા
સાહિત્યકાર : રાવજી પટેલ
22 પ્રતિભાવો
[ સુપ્રસિદ્ધ કવિ, વાર્તાકાર તેમજ નવલકથાકાર શ્રી રાવજી પટેલની કેટલીક અપ્રગટ રચનાઓને લઈને તાજેતરમાં ‘તાદર્થ્ય’ સામાયિક દ્વારા ‘રાવજી પટેલ : અગ્રંથસ્થ શબ્દયાત્રા’ નામનો વિશેષાંક પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તેમાંની બે વાર્તાઓ આજે આપણે અહીં માણીશું. ગ્રામ્ય શૈલી અને તળપદી ભાષાના સંવાદો અને ભાવોનું વર્ણન કરતી પ્રસ્તુત વાર્તાઓ પ્રેમ અને કરુણાનો સંદેશ સરળ શબ્દોમાં રજૂ કરે છે.]
[1] પ્રીસ્ક્રીપ્શન
ડોક્ટરે છેલાને બહાર બેસવા કહ્યું. ડોસો દેવની મૂર્તિ સામે બેઠો હોય એમ ડોક્ટરને કરગરી પડ્યો. બારણા બ્હાર ફીક્કી નજર નાખીને ડોસાએ ધીમેથી પૂછ્યું : ‘દાગતર સા’બ, ઈને ખઈ રોગ (ક્ષય રોગ) તો નથ્ય ને ?’
ડૉક્ટરનો હકાર સાંભળીને ડોસાના પગ ભાગી ગયા. ધ્રૂજતે હાથે પ્રીસ્ક્રીપ્શન લઈને તે દીકરા પાસે આવ્યો. શિશિરના પાંદડા જેવો એનો ચહેરો જોઈને ડોસો એને ‘ઉઠ બેટા’ એટલું પણ ન કહી શક્યો. બન્ને ઘેર આવ્યા. પાછલી પછીતે છાણાં થાપતી છેલાની મા દોડી આવી. ડોસાનું પડી ગયેલું મ્હોં જોઈને એની ઘરડી આંખનો ખૂણો ભીનો થયો. ડોસો ત્યાં ઝાઝું ન ટકી શક્યો. ઘરમાં જઈ થોડુંક ઊભો રહ્યો અને બારણા પાછળથી લાકડી લઈને….. ‘ફકર્ય ચંત્યા ન કરતી…’ એમ બબડતો બબડતો પરસાળમાં આવ્યો. ઘરમાં ફૂટી કોડી ય નહોતી. દવા વગર છેલો નહીં બચે. આજે ચુંગી સળગાવવાનું પણ મન થતું નહોતું. પાંગેથ પર છેલાની મા બેઠી હતી. ઘેટું બેઠું હોય એવી ગરીબ. અચાનક ડોસાને ઈલાજ સૂઝ્યો. ખીંટીએથી કેડિયું ઉતાર્યું, પહેર્યું. પછેડીને છેડે પ્રીસ્ક્રીપ્શન બાંધ્યું અને વાડા પાસે આવ્યો. એને ઝાંપલી આગળ ઊભેલો જોઈને ઘેટાં બેંબેં કરવા લાગ્યાં. ડોસે વાડામાંથી નબળાં જોઈને બારેક ઘેટાં કાઢ્યાં. અને તેમને લઈને નીકળી પડ્યો….
ધૂળિયા રસ્તા પરથી સડક પર પગ મૂકતાં જ તે દાઝ્યો. સૂરજ માથે ચડતો હતો. એ ઘણીવાર શહેરમાં ઘરવખરી લેવા જતો. કતલખાના પાસેથી ઘણીવાર ગુજર્યો હતો અને તેની આંખમાં ખુન્નસ ઝલપાતું. એ ઘેટાં લઈને છેક કતલખાનાના ઝાંપા આગળ આવી ઊભો. ઝાંપે ઊભેલા માણસને કગર્યો.
‘એ બાપલિયા, ઘર્યે સોકરો ખઈમાં રિબાય સે, પાંહે દવા લાવ્યાનો પૈસો નથ્ય, આ….’ ઘેટાં ભણી જોઈને એણે નજર વાળી લીધી. ઘેટાં છેક વાડેથી પૂંઠે પૂંઠે આવ્યા અને કોણ જાણે શીય મરવાની ગંધ આવી કે ઝાંપો જોઈને ચૂપ થઈ ગયાં. સોદો નક્કી થયો. ડોસે પછેડીને છેડે બાંધેલું પ્રીસ્ક્રીપ્શન કાઢ્યું, એના પર દુ:ખી હાથ ફેરવી જોયું અને પછી એક એક ઘેટાને નજરમાં ભરી લીધું.
વધુ આગળ વાંચો »
દીકરો – વિનોદિની નીલકંઠ
પ્રકાર: ટૂંકી વાર્તા
સાહિત્યકાર : વિનોદિની નીલકંઠ
16 પ્રતિભાવો
[‘અરધી સદીની વાચનયાત્રા’ ભાગ-3માંથી સાભાર.]
પીતાંબરનો નાનો ભાઈ કાંતિ હડકાયું કૂતરું કરડવાથી બાવીશ વર્ષની ભરજુવાન વયે જ્યારે ગુજરી ગયો, ત્યારે ઘરની મોટી વહુ અંબાએ જે કલ્પાંત કરી મૂક્યું. જે છાતી-માથાં કૂટી નાખ્યાં, તે ઉપરથી સૌ કોઈને એમ જ લાગી આવે કે તે એના પેટનો દીકરો જ ગુમાવી બેઠી હશે. અને તે અનુમાન ઘણું ખોટું પણ ન ગણાય.
પંદર વર્ષની અંબા પરણીને સાસરે આવી ત્યારે, સસરા આગલી સાલ ગુજરી ગયેલા હતા, સાસુને ક્ષયરોગ લાગુ પડેલો હતો. અંબાએ ઘરમાં પ્રવેશ કર્યો કે તરત સાસુએ તેને પોતાની પથારી પાસે બોલાવી ને બેસાડી. કાંતિ ત્યારે ફક્ત બે વર્ષનો હતો. પગ આવી ગયા હતા, પણ બોલતા પૂરું શીખ્યો નહોતો. સાસુએ કાંતિને પાસે બોલાવી અંબાના ખોળામાં મૂક્યો ને કહ્યું : ‘જો બેટા કાંતિ, આ તારી બીજી બા.’
‘બીજી બા’ કાંતિ પોપટની પેઠે બોલ્યો. ખોળામાં બેઠેલા બચુકડા દિયર પ્રત્યે અંબાને ખૂબ વહાલ ઊપજ્યું. તેણે પ્રેમપૂર્વક કાંતિને માથે હાથ ફેરવીને કહ્યું : ‘બા, હું જરૂર એની બીજી બા થવા મથીશ.’ અંબાના ચહેરા ઉપર તે બાળક પ્રત્યે પ્રેમની કુમાશ ફરી વળેલી જોઈ, સાસુએ વહુનું પારખું કરી લીધું અને છુટકારાનો દમ ખેંચ્યો. પોતાના લગ્નજીવનની લુપ્ત થતી સંધ્યાએ જન્મેલો આ બાળક, બાર મહિનાના ખૂણા દરમ્યાન આંસુની ધારે ઊછરેલો આ કાંતિ – તેને માટે હવે સાસુ નિશ્ચિંત બની ગયાં. સાસુનો રોગ વધતો ચાલ્યો. ચાકરી કરવામાં વહુએ પાછી પાની ન કરી, દવા કરવામાં પીતાંબરે પણ કસર ન કરી; પણ જેની આવરદાની દોરીમાં દાંતી પડેલી, તે શરીર કેટલું ટકે ? પીતાંબરના લગ્ન પછી બાર મહિને તેની માતાનું મૃત્યુ નીપજ્યું. ત્રણ વર્ષનો કાંતિ માબાપ-વિહોણો બન્યો, પરંતુ તેની બીજી બા અંબાએ તેને માબાપની ખોટ એક ઘડી પણ પડવા ન દીધી.
પીતાંબરને મનને ખૂણે આ નાનકડા ભાઈ પ્રત્યે ઈર્ષા હતી. તેને થતું કે નવવધૂ અંબાના પ્રેમાળ હૃદયનો ઘણોખરો ભાગ આ બાળકે કબજે કરી લીધો હતો. અને સાચે જ, વાંદરીનું બચ્ચું જેમ પોતાની માતા ઉપર સંપૂર્ણ ભરોસો મૂકી તેને વળગેલું રહે, પછી વાંદરી એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર કૂદકા મારે તોપણ બચ્ચું લેશમાત્ર ડરતું નથી, તેમ જ આ કાંતિ અંબા ઉપર પ્રેમપૂર્વક વિશ્વાસ મૂકી, તેને વળગીને જીવતો હતો. અંબા એવી તો ચતુર ગૃહિણી હતી કે પીતાંબરને ફરિયાદ કરવાની તક કદી પણ સાંપડતી જ નહિ. પીતાંબરની ઝીણામાં ઝીણી સગવડ તે કુનેહથી સાચવતી. અને પીતાંબર એમ તો શી રીતે કહી શકે, કે ‘મારા નમાયા બાળક ભાઈ ઉપર તું પ્રેમ રાખે છે, તે મારાથી નથી ખમાતું ?’
વધુ આગળ વાંચો »
ઈંડા જેવડો દાણો ! – ટૉલ્સ્ટૉય
પ્રકાર: ટૂંકી વાર્તા
સાહિત્યકાર : ટૉલ્સ્ટૉય
7 પ્રતિભાવો
[‘ટૉલ્સ્ટૉયની 23 વાર્તાઓ’ પુસ્તકમાંથી સાભાર. આ વાર્તાઓનો અનુવાદ શ્રી જિતેન્દ્રભાઈ દેસાઈએ કર્યો છે. તેની પ્રસ્તાવના કાકાસાહેબ કાલેલકરે લખી છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
રજાના કોઈ એક દિવસે ગામનાં બાળકો રમતાં રમતાં ગામ નજીક આવેલી ટેકરીઓમાં જઈ ચડ્યાં. ત્યાંથી તેમને એક અજાયબ વસ્તુ મળી. આ વસ્તુનો આકાર ઘઉંના દાણા જેવો હતો અને તેનું કદ મરઘીના ઈંડા જેવડું હતું. રસ્તે પસાર થતા મુસાફરે બાળકોને નજીવી કિંમત આપી તેમની પાસેથી એ વસ્તુ લઈ લીધી અને રાજાને ભેટ આપી. આ અજાયબ વસ્તુના બદલામાં રાજાએ મુસાફરને મોટી બક્ષિસ આપી.
રાજાએ પોતાના પંડિતોને બોલાવ્યા અને આ અજાયબ વસ્તુ હકીકતમાં શું છે તે શોધી કાઢવા જણાવ્યું. પંડિતોએ રાતદિવસ એક કર્યાં અને હતાં તેટલાં થોથાં ઉકેલી જોયાં, પણ આ અજાયબ વસ્તુ શી છે, તેનો ભેદ તેઓ પામી શક્યા નહીં. એક દિવસ રાજપંડિત એ વસ્તુ સામે મૂકી તેનો ભેદ ઉકેલવા મથતા હતા ત્યાં ઓચિંતી એક મરઘી આવી ચડી અને ઝડપથી આ વસ્તુ લઈને ભાગી ગઈ. તેણે ચાંચ મારી આ વસ્તુમાં કાણું પાડી નાખ્યું. રાજપંડિતે મહામુશ્કેલીએ મરઘી પાસેથી એ વસ્તુ પડાવી લીધી. ત્યારે તેમને ખબર પડી કે, આ અજાયબ વસ્તુ તો બીજું કશું નહીં, પણ એક ઘઉંનો દાણો જ છે ! તેણે બીજા પંડિતોને બોલાવ્યા. બધા પંડિતો ભેગા થઈ રાજા પાસે ગયા અને કહ્યું :
‘મહારાજ, આ તો ઘઉંનો દાણો છે !’
આ જાણીને રાજાને વધુ નવાઈ લાગી. તેણે પંડિતોને કહ્યું, ‘આવડો મોટો ઘઉંનો દાણો ક્યાં અને કયે સમયે પાકતો હતો તે તાબડતોબ શોધી કાઢો.’ પંડિતો પાછા કામે લાગ્યા. રાતદિવસ એક કર્યાં. બધાં થોથાં પાછાં ઉથલાવી કાઢ્યાં, પણ ક્યાંય આવડા મોટા ઘઉંના દાણાનો ઉલ્લેખ સરખો મળ્યો નહીં. આખરે તેઓ રાજા પાસે ગયા અને જણાવ્યું, ‘મહારાજ, શાસ્ત્રમાં આવડા મોટા ઘઉંના દાણાનો ઉલ્લેખ ક્યાંય મળતો નથી.’ એક શાણા પંડિતે રાજાને કહ્યું, ‘મહારાજ, કોઈ ઘરડા ખેડૂતને બોલાવીને તેને આ અંગે પૂછી જુઓ. તેના બાપદાદાએ આવો દાણો રોપ્યાની વાત તેણે કદાચ સાંભળી હોય એવું બને.’
વધુ આગળ વાંચો »





