Sep 02
2010

ઉદ્ધવગીતા – શ્રીમદ ભાગવત મહાપુરાણ

[જેમને આ ‘રીડગુજરાતી’ સમર્પિત કરવામાં આવ્યું છે તે ‘શ્રીમદ ભાગવત મહાપુરાણ’ના અગિયારમા સ્કંધમાં ભગવાન શ્રી કૃષ્ણે પ્રિય સખા ઉદ્ધવને આપેલો ઉપદેશ ‘ઉદ્ધવગીતા’ તરીકે ઓળખાય છે. આજના મંગલદિને તેમાંના કેટલાક મનનીય શ્લોકોનું આચમન કરીએ. સૌ વાચકમિત્રોને જન્માષ્ટમીની વઘાઈ.]

[1] પ્રિય ઉદ્ધવ ! બંધન અને મુક્તિ જેવું દુનિયામાં કશું નથી કારણ કે દરેક ગુણ તો માયાનું કાર્ય છે અને પોતાનું જે સ્વરૂપ છે તેમાં ન મોક્ષ છે કે ન બંધન. શોક, મોહ, સુખ, દુઃખ અને દેહની પ્રાપ્તિ – આ સઘળું માયાને કારણે જ છે, આત્માને માટે તો આ વાત સ્વપ્ના જેવી મિથ્યા છે. વિદ્યા અને અવિદ્યા આ બન્ને મારી જ શક્તિઓ છે, જે દેહધારીઓને ક્રમશઃ મોક્ષ અને બંધન કરાવનારી છે. આ બન્ને અનાદિ છે અને મારી માયાથી રચાયેલી છે.

[2] આ શરીર પ્રારબ્ધને આધીન છે; ઈન્દ્રિયો દ્વારા કર્મ કરવામાં આવે છે તેનું પ્રેરક મન છે. આ પ્રમાણે આ મન અને ઈન્દ્રિયો બન્ને ગુણોનાં કાર્ય છે. વાસ્તવમાં તો ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે. પરંતુ સામાન્ય વ્યક્તિ ‘આ બધું મેં કર્યું’ એવું માનીને બંધાઈ જાય છે.

[3] જેને કોઈ અપેક્ષા નથી, જે જગતના ચિંતનથી સદા ઉપરામ થઈને મારા જ મનન-ચિંતનમાં તલ્લીન રહે છે અને રાગ-દ્વેષ છોડીને સર્વમાં સમાન દષ્ટિ રાખે છે, તેવા મહાત્માની પાછળ-પાછળ હું નિરંતર એવું સમજીને ફર્યા કરું છું કે તેના ચરણોની રજ ઊડીને મારા ઉપર પડી જાય, જેથી મારામાં વસેલા બધા લોક પવિત્ર થઈ જાય.

[4] હું જ તમામ પ્રાણીઓ-મનુષ્યોમાં ચાલવાની, બોલવાની, મળત્યાગની, પકડવાની, આનંદ-ઉપભોગની શક્તિ છું. સ્પર્શની, દર્શનની, સ્વાદની, સાંભળવાની અને સૂંઘવાની શક્તિ પણ હું જ છું. સમસ્ત ઈન્દ્રિયોની ઈન્દ્રિય-શક્તિ હું જ છું. પૃથ્વી, વાયુ, આકાશ, જળ, તેજ, અહંકાર, મહતત્વ, પંચમહાભૂત, જીવ, અવ્યક્ત પ્રકૃતિ, સત્વ, રજ, તમ – આ બધા વિકારો અને તેમનાથી પર રહેનાર બ્રહ્મ – આ બધું હું છું. આ બધાં તત્વોની ગણના, લક્ષણો દ્વારા તેમનું જ્ઞાન તથા તત્વજ્ઞાન દ્વારા તેનું ફળ પણ હું જ છું. હું જ ઈશ્વર છું, હું જ જીવ છું, હું જ ગુણ છું અને ગુણી પણ હું જ છું. હું જ સર્વનો આત્મા છું અને સર્વરૂપ પણ હું છું. મારા સિવાય કોઈ પણ પદાર્થ ક્યાંય નથી. એમ સમજો કે જેનામાં પણ તેજ, શ્રી, કીર્તિ, ઐશ્વર્ય, લજ્જા, ત્યાગ, સૌન્દર્ય, સૌભાગ્ય, પરાક્રમ, તિતિક્ષા અને વિજ્ઞાન વગેરે શ્રેષ્ઠ ગુણ હોય તે મારા જ અંશ છે.
વધુ આગળ વાંચો »

Aug 11
2010

જીવન-ઉપનિષદ – સં. બબાભાઈ પટેલ

[ મહાપુરુષોના ઉત્તમ વિચારોના સંકલન રૂપ તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘જીવન-ઉપનિષદ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] આપણે બાહ્ય રીતે ખૂબ નમ્ર, સંસ્કારી છીએ, પણ જેનાથી મોટા ભાગના લોકો અજ્ઞાન છે, તેવા મનના ઊંડાણમાં વિશાળ અને જટિલ સંઘર્ષ, દુઃખ અને ભયનો મોટો વારસો પડેલો છે…. આપણે મનુષ્યો લાખ્ખો વર્ષોથી જેવા છીએ તેવા જ છીએ – લોભી, ઈર્ષાળુ, આક્રમક, ચિંતાતુર અને હતાશ, પણ સાથે સાથે આપણા જીવનમાં અવારનવાર આનંદ અને પ્રેમના ચમકારા પણ આવી જાય છે…. આપણે ધિક્કાર, ભય અને નમ્રતાનું વિચિત્ર મિશ્રણ છીએ. આપણે હિંસા અને શાંતિ, બંને છીએ. બળદગાડાથી જેટ વિમાન સુધીની આપણે બાહ્ય પ્રગતિ સાધી છે, પણ મનોભૂમિકાએ મનુષ્ય જરાયે બદલાતો નથી. આપણી અંદર જ માનવજાતિનો આખો ઈતિહાસ લખાયેલો પડ્યો છે. – જે. કૃષ્ણમૂર્તિ

[2] જાગવું, ઊંઘવું, પેટમાં ખોરાક ઓરવો અને કાઢવો, નાહકના બકવાસમાં લૂલી વાપરવી અને જે કામ ન કરો તો સારું એવાં પુષ્કળ કામો કરવાં અને કરવાનાં કામો ન કરવાં, એ સિવાય તમે જિંદગીમાં બીજું શું કરવાના છો ? – સંત મિખિલ નેઈમી

[3] માનવજાતિ આંધળાં પ્રાણીઓના કોઈ ટોળા પેઠે પોતે શું કરે છે, શા માટે કરે છે, તે સમજ્યા કે જાણ્યા વિના, ચારે બાજુ દોડાદોડ કરી રહી છે, અને ફક્ત પરસ્પર અથડાઈ અને ટિચાઈ જ રહી છે. લોકો આ ક્રિયાને કર્મ કહે છે, જીવન કહે છે. – માતાજી

[4] આપણે જીવનમાંથી શું પ્રાપ્ત કરવું છે, એ વિશે ફક્ત એક જ વાર વિચારીએ તો આપણા દિવસોની હેતુવિહીન હારમાળાથી આપણે ચોંકી ઊઠીએ. – બર્ટ્રાન્ડ રસેલ
વધુ આગળ વાંચો »

Aug 09
2010

સામૂહિક ચેતના – ભાણદેવ

[‘ભૂમિપુત્ર’ સામાયિક ઓગસ્ટ-2010માંથી સાભાર.]

મનોવિજ્ઞાનની એક શાખા છે – પ્રાણી મનોવિજ્ઞાન (Animal Psychology). યુરોપ અને અમેરિકાના પ્રાણી મનોવિજ્ઞાનીઓની એક ટુકડીએ ખૂબ વિશિષ્ટ પ્રયોગ કર્યો. વિશ્વમાં વાંદરાઓની અનેક જાતિઓ છે. આમાંથી ચાર જાતિઓ અન્ય જાતિઓ કરતાં વધુ વિકસિત છે અને માનવથી નજીક છે. આ ચાર જાતિઓ આ પ્રમાણે છે – ચિંપાંઝી, ગોરીલા, ગબ્બન અને ઉરાંગઉટાંગ.

પેસિફીક મહાસાગરમાં અનેક ટાપુઓ છે. આ ટાપુઓમાં ઘોર જંગલો છે અને આ જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં ચિંપાંઝી વાંદરાઓ વસે છે. આમાંના મોટાભાગના ટાપુઓમાં માનવ વસતિ નથી. પ્રાણી મનોવિજ્ઞાનીઓની આ ટુકડી આમાંના એક ટાપુ પર ચિંપાંઝીઓના અભ્યાસ માટે ગઈ. આ પ્રાણીમનોવિજ્ઞાનીઓ આ ટાપુ પર છ મહિના રહ્યા. આ છ માસ દરમિયાન તેઓએ ચિંપાંઝીઓનો એક સમૂહ પસંદ કર્યો અને તેમને અનેક આવડતોનું શિક્ષણ આપ્યું. આ ચિંપાંઝીઓની કક્ષા, તેમનું શિક્ષણ, તેમનો વિકાસ આદિ સર્વ હકીકતોની વ્યવસ્થિત નોંધ તૈયાર કરી.

છ માસ પછી મનોવિજ્ઞાનીઓ અન્ય ટાપુ પર ગયા. આ ટાપુ પહેલા ટાપુથી લગભગ સો કિ.મી. દૂર હતો. તે ટાપુ પર પણ તે જ કક્ષાના ચિંપાંઝીઓની વસતિ હતી. મનોવિજ્ઞાનીઓએ જે આવડતો પ્રથમ ટાપુના ચિંપાંઝીઓની વસતિ હતી, તે જ આવડતો તેઓ આ નવા ટાપુના ચિંપાંઝીઓને શીખવવા માંડ્યા. પ્રથમ ટાપુના ચિંપાંઝીઓને જે આવડતો હસ્તગત કરતાં છ માસ થયા હતા, તે સર્વ આવડતો આ નવા ટાપુના ચિંપાંઝીઓ માત્ર એક માસમાં શીખી ગયા. આ પરિણામ જોઈને પ્રાણીમનોવિજ્ઞાનીઓ હેરત પામી ગયા. એક મહિના પછી આ પ્રાણીમનોવિજ્ઞાનીઓ ત્રીજા ટાપુ પર ગયા. અહીં પણ તેમણે ચિંપાંઝીઓનો એક સમૂહ પસંદ કર્યો. પ્રથમ બે ટાપુઓના ચિંપાંઝીઓને જે આવડતો શીખવી હતી, તે જ અહીંના ચિંપાંઝીઓને શીખવવાનું શરૂ કર્યું. આ તૃતીય ટાપુના વાંદરાઓ તે સર્વ આવડતો માત્ર એક સપ્તાહમાં અર્થાત બહુ ઝડપથી શીખી ગયા. પ્રાણીમનોવિજ્ઞાનીઓ એથી વધુ હેરત પામ્યા. આ શિક્ષણકાર્ય પૂરું થયું પછી પ્રાણીમનોવિજ્ઞાનીઓની એક પરિષદ ભરાઈ. તેમાં આ પ્રયોગનાં પરિણામોની વિગતવાર વિચારણા થઈ.
વધુ આગળ વાંચો »

Aug 06
2010

વિશુદ્ધ મનુસ્મૃતિ – પ્રો. ડૉ. સુરેન્દ્રકુમાર

[વૈદિક ધર્મના સિદ્ધાંતોનું સંવિધાન દર્શાવતા પ્રાચીન ગ્રંથ ‘મનુસ્મૃતિ’માંથી કેટલાક જીવનોપયોગી સુવિચારો અહીં ‘વિશુદ્ધ મનુસ્મૃતિ’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યા છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1]
एक एव सुहद्धर्मो निधतेडप्यनुयाति यः ।
शरीरेण समं नाशं सर्वमन्यद्धि गच्छति ।।

આ સંસારમાં એક ધર્મ જ સુહૃદ એટલે કે મિત્ર છે, જે મૃત્યુ પછી પણ સાથે આવે છે અને સર્વ પદાર્થ કે સંગી શરીરના નાશ સાથે જ નાશને પ્રાપ્ત થાય છે અર્થાત સર્વ સંગ છૂટી જાય છે પરંતુ ધર્મનો સંગ કદી છૂટતો નથી.

[2]
नामुत्र हि सहायार्थं पिता माता च तिष्ठतः ।
न पुत्रदारा न ज्ञातिर्धर्मस्तिष्ठति केवलः ।।
एकः प्रजायते जन्तुरेक एव प्रलीयते ।
एकोडनुभुडक्ते सुकृतमेक एव च दुष्कृतम ।।
मृतं शरीरमुत्सृजय काष्ठालोष्ठसमं क्षितौ ।
विमुखा बान्धवा यान्ति धर्मस्तभनुगच्छति ।।

પરલોકમાં માતા, પિતા, પુત્ર, સ્ત્રી અને જ્ઞાતિ એમાંથી કોઈ પણ સહાય કરી શકતા નથી, કિન્તુ એક ધર્મ જ આપણો સહાયક બને છે. જુઓ, એકલો જ જીવ જન્મ અને મરણને પ્રાપ્ત કરે છે તેમ તે એકલો જ ધર્મનું ફળ, સુખ અને અધર્મનું દુઃખરૂપી ફળ ભોગવે છે. જ્યારે કોઈનો સંબંધી મરી જાય છે ત્યારે તેને લાકડાં અને માટીના ઢેફાની માફક ભૂમિ ઉપર છોડીને તેના તરફ પીઠ કરી બન્ધુવર્ગ વિમુખ થઈ ચાલ્યા જાય છે. કોઈ તેની સાથે જનાર હોતું નથી. કિન્તુ એક ધર્મ જ તેનો સંગી થાય છે.
વધુ આગળ વાંચો »

Aug 03
2010

પરમને પ્રણામ – ધૂની માંડલિયા

[‘પરમને પ્રણામ’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] બીજા માટે ઘસાઈ છૂટો

તમારા જીવનમાં તમે અન્યોને ક્યારેય ઉપયોગી કે મદદગાર ના બન્યા હો તો નક્કી માનજો કે તમારું જીવન એળે ગયું છે. એટલું જ નહીં, ભવિષ્યનું નિશ્ચિત મૃત્યુ પણ પીડાદાયક બનવાનો સંભવ છે. તમે માત્ર પોતાનું જીવવા માટે નથી જન્મ્યા, બીજાને જિવાડવા માટે પણ તમારો જન્મ પરમાત્માએ નક્કી કર્યો હોવાનું શક્ય છે. તમારા માટે ફક્ત જીવવું કે સારા પતિ, પિતા અથવા કુટુંબપાલક થવામાં સંતુષ્ટ રહેવું એ પૂરતું નથી. તમારે જીવનમાં કાંઈક વધુ અગત્યની જવાબદારી ઉઠાવવાની છે. તમે સાચે જ ઈચ્છો તો એવાં ઉમદાં કામો તમારી આસપાસ તમારી રાહ જોતાં ખડાં જ હોય છે. તમને એવાં કામો પ્રતિ રસ નથી, એટલે તેવાં કામો તમને દેખાતાં નથી.

તમે પોતે તમારી પોતાની કોઈ આગવી દુનિયામાં રહેતા નથી, તમારા માનવબંધુઓ પણ અહીં છે. પરોપકાર કરવા માટે શુભ-લાભનાં ચોઘડિયાં જોવાની જરૂર નથી. પ્રત્યેક પળ મુહૂર્તરૂપ છે. તમે વૃદ્ધ હો તોપણ આવાં કામોમાં નાનો-મોટો ફાળો જરૂર આપી શકો. જીવનની ક્ષણેક્ષણ કૃતાર્થ કરવી હોય તો ક્ષણેક્ષણનો આનંદમય ઉપયોગ કરો. આનંદ અન્યને મદદરૂપ થવામાં મળે છે. પંડ માટે કરનારને સુખ મળશે, પણ આનંદ નહીં મળે. સુવિધા-સગવડ મળશે, પણ સંતોષ નહીં મળે. જીવન એ જિંદગીના મૂળ રંગને વિકૃત કરવાનો નહીં, પરંતુ અલંકૃત કરવાનો અવસર છે. જીવનનો આરંભ અને અંત શાનદાર બનાવવા હોય તો બીજાને માટે ઘસાતા શીખો. માત્ર પોતાનું કામ કરવું તે ભક્તિ અને કામ કરતા રહીએ છતાંય નિસ્પૃહ રહેવું તે વિરક્તિ. સ્વાર્થ માણસને નાનો બનાવે છે. પરમાર્થ માણસને માણસ બનાવે છે. માણસાઈ કરે તે માણસ. રોજરોજ જીવનનું સરવૈયું કાઢો. કેટલો સ્વાર્થ સિદ્ધ કર્યો ? કેટલો પરમાર્થ કર્યો ?
વધુ આગળ વાંચો »

Jul 03
2010

રાધાની પ્રાર્થના – શ્રી માતાજી

તારું પ્રથમ દર્શન થતાં જ મને જણાયું કે,
તું જ છે મારા જીવનનો સ્વામી,
તું જ છે, મારો દેવ.
મારા સમર્પણનો સ્વીકાર કર.
મારા સર્વ વિચારો, મારી સર્વ લાગણીઓ,
મારા હૃદયની સર્વ ઊર્મિઓ, મારા જીવનની સર્વ ક્રિયાઓ,
મારા સર્વ સંવેદનો, મારા દેહનું પ્રત્યેક અણુ
મારા રક્તનું પ્રત્યેક બિંદુ,
સર્વ કંઈ તારું જ છે.
હું તારી છું સર્વ ભાવે, સર્વ રીતે, સર્વથા.
મારા માટે તારી જે કંઈ ઈચ્છા હશે, તે હું બનીશ.
તું મારા માટે જે કંઈ નિર્માણ કરશે
જીવન કે મૃત્યુ, સુખ કે દુઃખ, હર્ષ કે શોક,
તારા તરફથી મને જે કંઈ મળશે,
તે સર્વનું હું આનંદપૂર્વક સ્વાગત કરીશ.
તેં આપેલી પ્રત્યેક વસ્તુ,
મારા માટે હંમેશા,
એક દિવ્ય ઉપહાર જેવી બની રહેશે
અને એમાં મને પરમ સુખ મળશે.

Jun 18
2010

સાધનાનાં અંગ – વિનોબા ભાવે

[ વિનોબાની જીવન-ઝાંખી વિનોબાના શબ્દોમાં કરાવતા સુંદર પુસ્તક ‘અહિંસાની ખોજ’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

સાધનાની દષ્ટિએ જ્યારથી મારો પ્રયાસ આદરાયો ત્યારથી રોજ પરોઢિયે ઊઠીને સંકલ્પ કરતો કે અત્યારે મંગળ પ્રભાત છે તો એક શુભ સંકલ્પ કરું છું. પછી આખો દિવસ એ સંકલ્પ મુજબ સાધનામાં વીતતો. સાંજને ટાણે પંખી માળામાં પાછું ફરે એ જ રીતે ચિત્તને પાછું અંદર ખેંચી લેતો. આખો દિવસ જે કાંઈ સાધના થઈ તેને ભગવદચરણોમાં ધરી દેતો. ત્યાર પછી રાતે સૂવા જતો ત્યારે સઘળા સંકલ્પો છોડી દઈ સમાધિમાં લીન થઈ રહ્યો છું, એ ભાવનાપૂર્વક સૂઈ જતો. આ અભ્યાસ અત્યાર સુધી આમ જ ચાલ્યો. સંકલ્પ, સાધના, સમર્પણ અને સમાધિ – આ આખા દિવસનો કાર્યક્રમ રહેતો.

સૂરદાસે કહ્યું છે ‘सूर क्रूर इहि लायक नाहीं ।’ હું ક્રૂર તો નહીં, પરંતુ કઠોર જરૂર છું. પરંતુ ‘इहि लायक नाहीं’ હવે હું નથી રહ્યો. ભગવાનની પ્રીતિ માટે હવે હું ભારે લાયક બની ગયો છું. એની પ્રીતિ મને નિરંતર મળી રહી છે. અને એની પ્રીતિના અનુભવ વગર મારો એક દિવસ પણ નથી જતો.

હું કઠોર છું, એનો મને પસ્તાવો નથી. કારણ કે કઠોરતા મારી ઢાલ છે. ગાંધીબાપુએ પોતા વિષે લખ્યું કે શરમાળપણું એમની ઢાલ છે. હું શરમાળ નથી. આક્રમણખોરોનો મને કદી ભય નથી લાગ્યો. પરંતુ હું ભારે કઠોર છું. નારિયેળની જેમ, એ મારી ઢાલ છે. નારિયેળ ઉપરથી ભારે સખત હોય છે. પરંતુ એની ભીતર રસ ભર્યો છે. આજે મારી આંખોમાંથી જે રીતે આંસુ વહે છે એ જ રીતે સાબરમતી આશ્રમમાં હતો, ત્યારે પણ વહેતાં. આજે સૌની સામે વહે છે, ત્યારે એકાંતમાં ઝરતાં. પરમેશ્વર સિવાય બીજો કોઈ મારો ઉદ્દેશ નથી. પરંતુ મેં મારું જીવન ભારે કઠોર બનાવી લીધું હતું. વહેવારમાં એ કઠોરતા દોષ મનાય છે, પરંતુ ક્યાંક એ ગુણ પણ બની જાય છે. જે વિષ સૌને માટે મારક હોય છે, તે ભગવાન શંકર માટે નામસ્મરણ કરવાનું સાધન બની જાય છે.
વધુ આગળ વાંચો »

Jun 03
2010

તમે તમારા જીવન સાથે શું કરી રહ્યા છો ? – જે. કૃષ્ણમૂર્તિ

[‘તમે તમારા જીવન સાથે શું કરી રહ્યા છો ?’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તકનો અનુવાદ શ્રી હર્ષદ મ. દવેએ કર્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] જીવનનો હેતુ શો છે ? : જીવનની અગત્યતા જીવવામાં જ છે. જ્યારે ભય હોય, જ્યારે આપણા સમગ્ર જીવનને અનુકરણ અને નકલ કરવાની તાલીમ વડે જ ઘડવામાં આવ્યું હોય ત્યારે શું આપણે વાસ્તવમાં જીવીએ છીએ ? આવી પરિસ્થિતિમાં જીવવું શું યોગ્ય જણાય છે ? શું કોઈના આધિપત્યને (દાસત્વને) અનુસરવામાં જ જીવન છે ? જ્યારે તમે કોઈકને અનુસરો છો ત્યારે શું તમે જીવતા હો છો – ભલે તે કોઈ મહાન સંત હોય કે મહાન રાજનેતા હોય અથવા મહાન વિદ્વાન હોય ?

જો તમે તમારી રીતે નિરીક્ષણ કરશો તોપણ તમે તે જોઈ શકશો કે તમે અન્ય કોઈકનું અનુસરણ કરવા સિવાય બીજું કશું જ કરતા નથી. અનુસરવાની આ પ્રક્રિયાને આપણે ‘જીવવું’ કહીએ છીએ અને ત્યારબાદ તેને અંતે તમે કહો છો, ‘જીવનનું મહત્વ શું છે ?’ હવે તમારા માટે જીવનનું કોઈ મહત્વ નથી રહ્યું. જ્યારે તમે અન્યના આધિપત્યને, એ બધા આધિપત્યને એક બાજુ મૂકો તો જ જીવન મહત્વનું બને, સાર્થક બને. પરંતુ આધિપત્યને બાજુએ મૂકવું મુશ્કેલ છે.

તમારા પર કોઈનીય સત્તા હોય તે આધિપત્ય છે. આ આધિપત્યથી મુક્તિ મેળવવી એટલે શું ? તમે કાયદાનો ભંગ કરી શકો, પણ તે આધિપત્યથી મુક્તિ નથી. મન કેવી રીતે આધિપત્યનું સર્જન કરે છે, એ પ્રક્રિયાને સમજવી જરૂરી છે. આપણામાંની પ્રત્યેક વ્યક્તિ ગૂંચવણમાં છે અને તેથી તેને એવી ખાતરી મેળવવાની ઈચ્છા છે કે તેનું જીવન યોગ્ય રીતે જિવાઈ રહ્યું છે – આવી બધી પ્રક્રિયાને સમજવામાં મુક્તિ છે, કારણ કે આપણે ગૂંચવણમાં છીએ. આપણે ઈચ્છીએ છીએ કે આપણે શું કરવું તે આપણને કોઈ કહે, તેથી જ આપણું આધ્યાત્મિક તેમજ વૈજ્ઞાનિક ગુરુઓ દ્વારા શોષણ થાય છે. જ્યાં સુધી આપણે નકલ કરતા રહીશું, અનુકરણ કરતા રહીશું કે અનુસરતા રહીશું ત્યાં સુધી આપણે જીવનના મહત્વને જાણતા નથી. આપણે તો સફળતાની પાછળ પડ્યા છીએ, તેથી આપણે જીવનના મહત્વને કેવી રીતે જાણી શકીએ ? અને એ જ તો આપણું જીવન છે. આપણે સફળતા ઈચ્છીએ છીએ, આપણે આંતરિકપણે અને બાહ્યપણે સંપૂર્ણ સલામતી ઈચ્છીએ છીએ. આપણે ઈચ્છીએ છીએ કે કોઈ આપણને એમ કહે કે આપણે જે કરીએ છીએ તે સાચું છે અને જે રસ્તાને આપણે અનુસરીએ છીએ તે મુક્તિ (મોક્ષ) તરફ લઈ જાય છે….. આપણે જીવનભર ગઈકાલની અથવા હજારો વર્ષ જૂની એવી પરંપરાને અનુસરીએ છીએ, અને આપણો દરેક અનુભવ આવું પરિણામ મેળવવામાં મદદરૂપ થાય તેવા આધિપત્યની હેઠળનો હતો. આમ, આપણે જીવનનું મહત્વ જાણતા નથી. આપણે જે કાંઈ જાણીએ છીએ તે ભય છે – કોઈ શું કહેશે તેનો ભય, મૃત્યુનો ભય, ઈચ્છિત વસ્તુ ન મળવાનો ભય, કાંઈક ખોટું કરી બેસવાનો ભય, સારું કરવાનો ભય. આપણાં મન બહુ જ ગૂંચવાઈ ગયેલાં છે. સિદ્ધાંતોમાં ફસાઈ ગયેલાં છે, તેથી આપણા માટે જીવનનું મહત્વ શું છે તે આપણે કહી શકતા નથી.
વધુ આગળ વાંચો »

Page 1 of 512345