થોર અભ્યારણ્યની મુલાકાતે – સૃજના કાલે
[નવોદિત યુવા હિન્દીભાષી સર્જક સૃજનાબેન (અમદાવાદ) વ્યવસાયે હાલમાં સોફટવેર એન્જિનિયર તરીકે એક કંપનીમાં ફરજ બજાવી રહ્યાં છે. વાંચન-લેખન અને ચિત્રકામનાં તેઓ શોખીન છે. તાજેતરમાં તેમણે લીધેલી ‘થોર અભ્યારણ્ય’ની મુલાકાતના હિન્દી લેખનો આ અનુવાદ છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે srijanakale@gmail.com સંપર્ક કરી શકો છો. (અનુવાદ : મૃગેશ શાહ).]

આજની વ્યસ્ત અને દોડધામભરી જિંદગીમાં જો આપણે ખરેખર કશુંક ઈચ્છીએ છીએ તો તે છે મનની શાંતિ, નિરાંત અને આંતરિક પ્રસન્નતા. આ બધી દુર્લભ વસ્તુઓનો એક જ સ્ત્રોત છે અને તે છે – પ્રકૃતિ. પ્રકૃતિની ગોદમાં જ આપણને પરમ શાંતિ પ્રાપ્ત થઈ શકે. પ્રાકૃતિક સૌંદર્યથી પરિપૂર્ણ આપણી નજીકમાં જ આવી એક જગ્યા છે ‘થોર’. કેટલીક સહેલીઓ જોડે મને હમણાં થોડા દિવસ પહેલાં ત્યાં જવાનો અવસર પ્રાપ્ત થયો.
‘થોર’ અમદાવાદ શહેરની ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આશરે 40 કિ.મી.ના અંતરે મહેસાણા જિલ્લામાં આવેલું નાનકડું ગામ છે. એની ગોદમાં વસી છે પ્રકૃતિની એક સુંદર તસ્વીર એટલે કે ‘થોર તળાવ પક્ષી અભ્યારણ્ય.’ 1912માં બનેલું આ તળાવ લગભગ 7 કિ.મી.ના વિસ્તારમાં ફેલાયેલું છે. તેની આસપાસ કાદવથી લથપથ કિનારાઓ અને લીલાં ગાઢ જંગલો ફેલાયેલાં છે. વળી, છીછરું તળાવ હોવાને લીધે પ્રવાસી પંખીઓ માટે આ આદર્શ સ્થળ બન્યું છે. 1988માં ‘વન્યજીવ સંરક્ષણ’ના કાયદા હેઠળ આ સ્થળને ‘અભ્યારણ્ય’નો દરજ્જો આપવામાં આવ્યો છે. પક્ષીપ્રેમી લોકો માટે આ ઉત્તમ સ્થાન છે કારણ કે છીછરા પાણીને લીધે અહીં પુષ્કળ પ્રમાણમાં પક્ષીઓ ભ્રમણ કરતાં નજરે પડે છે અને અભ્યાસુઓને તેમની ગતિવિધિઓનો અભ્યાસ કરવાની તક સાંપડે છે.
વધુ આગળ વાંચો »
વિસલખાડીનાં સંસ્મરણો – પ્રવીણ કે. શાહ
[ડૉ. પ્રવીણભાઈના અનેક સુંદર લેખોથી આપણે પરીચિત છીએ. તેમના ઘણા લેખો આપણે અહીં માણ્યા છે. ‘એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજ’માંથી નિવૃત્ત થયા બાદ હાલમાં તેઓ ‘સિલ્વરઑક કૉલેજ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી’ (અમદાવાદ)માં આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. તાજેતરમાં તેમણે કરેલા એક સુંદર પ્રવાસનો લેખ અત્રે પ્રસ્તુત છે. રીડગુજરાતીને આ સુંદર પ્રવાસવર્ણન મોકલવા માટે પ્રવીણભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pravinkshah@gmail.com અથવા આ નંબર પર +91 9426835948 સંપર્ક કરી શકો છો.]
જંગલો, ડુંગરા, ખીણ, સરોવર – આ બધે રખડવાનો આનંદ માણવો હોય તો ગુજરાતમાં જ ઘરઆંગણે ઘણી જગ્યાઓ છે. આવી એક સરસ જગ્યા છે ‘વિસલખાડી’. રાજપીપળાથી નેત્રંગ જવાના રસ્તે, વીસ કિલોમીટર દૂર આ સ્થળ આવેલું છે. રાજપીપળાથી આ રસ્તે, કરજણ નદી પરનો પુલ પસાર કર્યા પછી, રસ્તાની બંને બાજુ જંગલ શરૂ થઈ જાય છે. આ જંગલમાંના વાંકાચૂકા, ઊંચાનીચા રસ્તે જવાનો ઘણો જ આનંદ આવે છે. છેલ્લે એક કિલોમીટર બાકી રહે ત્યારે મુખ્ય રસ્તાની ડાબી બાજુ જંગલ તરફ વળતાં જ ‘વિસલખાડી’નું બોર્ડ નજરે પડે છે. જંગલના આ કાચા, સાંકડા, ઊંચાનીચા રસ્તે એક બાજુ ડુંગર અને બીજી બાજુ કરજણ નદીના બંધનું ક્યાંક ક્યાંક ભરાયેલું પાણી બહુ જ સુંદર દશ્ય સર્જે છે. આ રસ્તે ગાડી ચલાવવાની મજા જ કંઈ ઑર છે ! પણ જો કાળજી ના રાખો તો ગયા સમજો ! આ એક કિલોમીટરના ડ્રાઈવિંગ પછી જંગલોની વચ્ચોવચ થોડી ખુલ્લી જગ્યા દશ્યમાન થાય છે. બસ, આ જ વિસલખાડી.

આ ખુલ્લી પણ ઊંચીનીચી જગ્યામાં વનવિભાગે બે કોટેજ બાંધેલા છે. તેમાં કુલ આઠ જણ આરામથી રહી શકે છે. રસોડા તરીકે વપરાય એવી એક રૂમ અલગ બાંધવામાં આવી છે. એક બાજુ છતાવાળા એક મોટા ચોતરા જેવી જગ્યા બનાવવામાં આવી છે, ત્યાં ખુરશીઓ નાંખી બધા સમુહમાં બેસી શકે છે. ખુલ્લી જગ્યામાં છએક તંબુ બાંધવામાં આવ્યા છે. વધુ લોકો અહીં પ્રવાસે આવ્યા હોય અને કોટેજમાં જો જગ્યા ન મળે તો તંબુમાં રાત વિતાવી શકાય છે. વનવિભાગના પાંચેક કર્મચારીઓ અહીં રહે છે, તે સિવાય અહીં કોઈ ગામ નથી, માનવવસ્તી નથી, ચા-નાસ્તા કે પાનબીડીની દુકાન કે એવું કંઈ જ નથી. પાવર સપ્લાય પણ નથી. સોલાર પેનલથી રાત્રે દસ વાગ્યા સુધી લાઈટ ચાલુ રહી શકે. એ પછી ઘોર અંધકાર. ચારે બાજુ જંગલો, એક બાજુ કોટેજની નજીક ખીણ અને ખીણના ઢોળાવ પછી કરજણ નદીના બંધથી ભરાયેલું સરોવર. સર્વત્ર કુદરતે વેરેલું સૌન્દર્ય. આ સૌન્દર્યમાં ઓતપ્રોત થઈ જવાનો આનંદ અવર્ણનીય છે. અહીં મોબાઈલ ટાવર પણ નથી. તેથી અહીં એક-બે દિવસ રહો એટલે જાણે દુનિયાથી દૂર ફક્ત કુદરતના ખોળે હોઈએ તેવું અનુભવી શકાય.
વધુ આગળ વાંચો »
સરોવરોનું શહેર : ઉદયપુર – હરસુખ થાનકી
[‘સાંવરી’ સામાયિક (કોલકતા)માંથી સાભાર. રીડગુજરાતીને આ લેખ માટે પરવાનગી આપવા બદલ શ્રી હરસુખભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે thankibabu@gmail.com અથવા +91 9427606043 પર સંપર્ક કરી શકો છો.]

‘ટ્રાવેલ એન્ડ લેઈઝર’ મેગેઝિન દ્વારા કરાયેલા સર્વેક્ષણમાં રાજસ્થાનના ઉદયપુરને વિશ્વનું શ્રેષ્ઠ શહેર જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રતિષ્ઠિત સ્થાન મેળવનારું તે માત્ર ભારતનું જ નહિ, પણ દક્ષિણ એશિયાનું સૌપ્રથમ શહેર બન્યું છે. અત્યાર સુધીની આ યાદીમાં ટોચના ક્રમે અમેરિકા અને યુરોપનાં શહેરો જ જોવા મળતાં હતાં. રાજસ્થાનનું જ બીજું શહેર જયપુર આ યાદીમાં 12મા ક્રમે છે. ‘ટ્રાવેલ એન્ડ લેઈઝર’ મેગેઝિન દ્વારા દર વર્ષે તેના વાર્ષિક અંકમાં ‘વિશ્વના શ્રેષ્ઠ એવોર્ડ’ના ભાગરૂપે વાચકો પાસેથી અભિપ્રાયો મંગાવવામાં આવે છે. તેના આધારે વિશ્વનાં શ્રેષ્ઠ શહેરોની યાદી જાહેર કરવામાં આવે છે. તેમાં લેક સિટી એટલે કે સરોવરના શહેર તથા મહેલોના શહેર ઉદયપુરને ટોચનું સ્થાન મળ્યું છે. વાચકોને સીધો સાદો પ્રશ્ન કરવમાં આવે છે કે તમારે ફરવા જવાનું હોય તો વિશ્વમાં ક્યા શહેરમાં ફરવા જવાનું પસંદ કરો. ટ્રાવેલ અને ટૂરિઝમના આ મેગેઝિનની યાદીમાં ઉદયપુર પછી બીજા ક્રમે દક્ષિણ આફ્રિકાનું કેપટાઉન અને ત્રીજા ક્રમે થાઈલેન્ડની રાજધાની બેંગકોકને સ્થાન અપાયું છે.
ન્યુયોર્ક શહેરને સતત નવમા વર્ષે અમેરિકાનું શ્રેષ્ઠ શહેર જાહેર કરવામાં આવ્યું છે. વિશ્વનાં શ્રેષ્ઠ દસ શહેરોમાં ન્યુયોર્ક આઠમા ક્રમે છે. 2008માં શ્રેષ્ઠ શહેરોની સ્પર્ધામાં ઉદયપુર અને જયપુર સામેલ થઈ શક્યાં નહોતાં, જ્યારે 2007માં ઉદયપુરને એશિયાનું બીજું અને વિશ્વનું સાતમું સુંદર શહેર જાહેર કરાયું હતું. 2008માં ઉદયપુરમાં 6,12,526 ભારતીય અને 1,86,160 વિદેશી પ્રવાસીઓ આવ્યાં હતાં. હોટલ સીરીઝમાં ઉદયપુરની ઉદયવિલાસને આઠમું અને રણથંભોરની વન્યવિલાસને 14મું સ્થાન મળ્યું છે. ઉદયવિલાસને જોકે 2007માં પ્રથમ અને 2008માં ચોથું સ્થાન મળ્યું હતું. આગ્રાની ઓબેરોય હોટલને 28મું સ્થાન મળ્યું છે.
વધુ આગળ વાંચો »
કુદરતી સૌંદર્યથી ભરેલું સ્થળ : પાસીઘાટ – હેતલ દવે
[‘સાંવરી’ સામાયિકમાંથી સાભાર.]

અરૂણાચલ પ્રદેશના પૂર્વ સિયાંગ જિલ્લામાં આવેલ પાસીઘાટ રાજ્યનું સૌથી જૂનું નગર છે. જેની સ્થાપના સન 1911માં થઈ હતી. અંગ્રેજોએ અહીંના સ્થાનિક લોકો આસામના મેદાનોમાં ધંધો-વ્યવહાર કરતા થાય તેમાં મદદરૂપ થવા પાસીઘાટ ખાતે એક પોલીટીકલ ઑફિસરની નિમણૂક કરી હતી. આ વિસ્તારમાં વસતા પાસી જાતિના લોકો પરથી ગામનું નામ પાસીઘાટ પડ્યું છે. પાસીઘાટને ‘અરુણાચલનું પ્રવેશદ્વાર’ તરીકે ઓળખવામાં આવે છે.
આસામના દિબ્રુગઢથી સીધું પાસીઘાટ પહોંચી શકાય છે. પરંતુ આપણે અરૂણાચલ પ્રદેશમાં છીએ એટલે વધુ પરિચિત રસ્તે પાસીઘાટ જઈએ. ઝીરો નામના સ્થળથી પૂર્વ દિશામાં અલોન્ગ થઈ પાસીઘાટ જઈ શકાય છે, તે રસ્તે આગળ વધીએ. અલોન્ગ જતાં રસ્તામાં તાજીન જાતિના લોકોનો વસવાટ ધરાવતું દાપોરીજો આવે છે. અહીં અંગ્રેજ શાસનકર્તાઓએ સર્વે માટે સન 1940માં મોકલેલ હેલિકોપ્ટરનું સ્વાગત તિરંદાજીથી થયું હતું. સ્થાનિક પ્રજાના વિરોધને શમાવવા અંગ્રેજોએ હેલિકોપ્ટરમાંથી મીઠાઈના પેકેટ વરસાવવા પડ્યા હતા. આ વિસ્તારની તાજીન પ્રજાને વાંસનો શ્રેષ્ઠ અને મહત્તમ ઉપયોગ કરવાની કળા વારસામાં મળી છે. આ પ્રદેશના તમામ ગામડાં વાંસમાંથી બનાવેલ પાણી લઈ જતી પાઈપલાઈનથી માઈલો સુધી જોડાયેલાં છે. તાજીન પુરુષ વાંસમાંથી બનાવેલ ટોપી સિવાય ક્યારેય જોવા મળતો નથી. આ પ્રજા વાંસમાંથી ટોપલા તો ઠીક પાકીટ પણ બનાવે છે !
વધુ આગળ વાંચો »
જમજીરનો ધોધ – વંદના શાંતુ ઈંદુ
[ રીડગુજરાતીને આ પ્રવાસવર્ણન મોકલવા માટે વંદનાબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9428301427 ]
હજુ તો તમે ખેતરના શેઢે કરેલી વંડીના પથારાને કે પછી જમીનમાંથી ડોકાતા પથ્થરોને જૂઓ ને વિચારો કે કોઈ કાળે અહીંયાં દરિયો ઘૂઘવતો હશે જ્યાં આજે જંગલ લહેરાય છે. ત્યાં જ તમારા કાને છાલક લાગશે જલરવની અને તમે ચમકશો અરે ! દરિયાને યાદ કર્યો ને તેનો રવ ક્યાંથી ફૂટી નીકળ્યો ! શું એ પથ્થરોમાંથી ઉઠતો હશે ? આ પ્રશ્નનો જવાબ મળે તે પહેલા જ પેલો ‘રવ’ ‘ઘોષ’માં પલટાય ગયો હશે.
હા…. જલઘોષ દરિયાનો નહિ પણ નદીનો. તમારી નજર સામે જ પાણી – પાણી થઈ ગયેલો સમય અફડાતો, કૂદતો પડતું મૂકે છે પોતે જ કોતરી કાઢેલી ખીણમાં ઉપરવાસથી હેઠવાસ ધૂબાકો મારવા કદી ન પાછા ફરવા ! તમે આંખ ચોળતા ઊભા રહેશો ને વિચારશો કે ક્યાં છીએ ? ફરવા નીકળેલા કાઠિયાવાડ ને પહોંચી ગયા ભેડાઘાટ કે શું ! આશ્ચર્યમાંથી બહાર આવો દોસ્તો, તમે કાઠિયાવાડમાં જ છો. નજર સામે ખાબકતો ઘોધ ભેડાઘાટનો નહીં પણ જમજીરનો છે. તેને તમે મીની ભેડાઘાટ કહી શકો. તે શિંગોડા નદી પર આવેલો છે. પણ ઊભા રો….. શિંગોડાને મીની નર્મદા ન કહેતા, કેમકે એ તરત એનું શિંગડું ઉતારીને ના કહેશે અને તમને પૂછશે કે શું ધોધ બનીને વહેવું ને કાળમીંઢ શીલાઓ ઉપર નકશીકામ કરવું એ શું ફક્ત નર્મદાનો જ ઈજારો છે ? મને જૂઓ, હું શિંગોડા પણ કેવી ધોધ બની શકું છું ! હું પણ શીલાઓ ઉપર નકશીકામ કરી શકું છું. પણ તમે તો નર્મદાના ભેડાઘાટને જ ઓળખો, તેથી મારે કાંઠે આવીને પણ એને જ સંભારો છો. મને એમાં કઠઈ વાંધો નથી પરંતુ પાછા જઈને દુનિયાને કહેજો કે શિંગોડાને પણ આવડે છે જમીનમાં છુપાયેલી કરાલ શીલાઓને કોતરીને પોતાનો રસ્તો બનાવતા. મારા પગલાને સમય પણ ન ભૂસી શકે. કહેશો ને ?
શિંગોડા નદીના ધોધને જમજીરનો ધોધ કહેવાય છે. નજીકમાં જ જમદગ્નિ ઋષિનો આશ્રમ આવેલો છે. હજારો વર્ષ પહેલા જ્યારે ઋષિ જમદગ્નિ શિંગોડાને કિનારે વિચરતા હશે ત્યારે આ ધોધ જે આજે નગારા જેવો ઘોષ કરે છે તે ત્યારે મંજીરા જેવો મંજુલ રવ કરતો હશે. તેથી ઋષિએ ધોધનું નામ રાખ્યું મંજીરા. ત્યારબાદ ઋષિ તો સ્વર્ગે સિધાવ્યા. ઋષિની યાદ કાયમ રાખવા લોકોએ મંજીરા આગળ જમદગ્નિનો ‘જ’ લગાડી દીધો ને ધોધનું નામ જમંજીરા જે વર્ષો જતાં જમજીર થઈ ગયું. એમ તો હજુ થોડાં વર્ષો પહેલાં જ જમદગ્નિ આશ્રમમાં સંતશ્રી સરસ્વતીજી રહેતા હતા. નદીના જયઘોષને સાંભળતા રહેવા માટે તેમણે મૌન ધારણ કર્યું હતું. બાર વરસ મૌન રહ્યા ! તેમના માનમાં કોઈએ જમજીરનું નામ સરસ્વતી કર્યું પણ હજારો વર્ષથી જમજીર એવું તો લોકજીભે ચડી ગયું છે કે કોઈ એને સરસ્વતી ધોધ કહેતું નથી. સંતશ્રી સરસ્વતીજીની પણ એ જ ઈચ્છા હશે.
વધુ આગળ વાંચો »





