રાજુ – લતા હિરાણી

[ ઈ.સ. 1998માં અમદાવાદમાં લાયન્સ કલબ દ્વારા ‘રેનબસેરા’ નામની એક સંસ્થાની રચના કરવામાં આવી. આ સંસ્થામાં રેલ્વે પ્લેટફોર્મ પર રહેતાં ગરીબ, નિરાધાર અને રસ્તે રઝળતાં બાળકોને પ્રેમસમજાવટથી લાવીને રાખવામાં આવ્યાં. તેમને માટે ભોજન, વસ્ત્રો અને દિનચર્યાંના જરૂરી સાધનો ઉપરાંત પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી. ભવિષ્યમાં તેઓ સ્વર્નિભર બની શકે એ માટે વકૃત્વ, સંગીત, લેખન જેવી કલાઓ શીખવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં. આ તમામ શેરીબાળકોનું જીવન વેદનાથી ભરેલું હતું. એમની આપવીતી કાળજુ કંપાવનારી હતી. તેઓ રસ્તે જે મળે એ ખાઈ લેતાં, ફાટેલાં કપડાં પહેરીને મજૂરી કરતાં પડી રહેતાં. કેટલાંય બાળકો ઘરેથી ભાગીને આવેલાં હતાં. જીવનનો આ વિકટ માર્ગ અપનાવવાના તેમની પાસે નિશ્ચિત કારણો હતાં. દરેક બાળકનું જીવન જાણે કે એક-એક નવલકથાનું પ્રકરણ બને તેવું હતું. સાહિત્યકાર લતાબેને તેમની પાસે જઈને આ સંવેદનાઓને ઝીલવાનો પ્રયાસ કર્યો અને પરિણામે એક પુસ્તક તૈયાર થયું, જેનું નામ અપાયું : ‘ઘરથી દૂર એક ઘર’. દરેક બાળકને એમ પૂછવામાં આવ્યું કે : ‘બેટા ? તું અહીં રેલ્વે પ્લેટફોર્મ પર કેવી રીતે આવ્યો ?’ અને જવાબમાં શરૂ થઈ એક કહાની. અહીં આવી જ એક રાજુ નામના બાળકની આપવીતી રજૂ કરવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે લતાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે lata.hirani55@gmail.com અથવા આ નંબર +91 79 26750563 પર સંપર્ક કરી શકો છો. (પુસ્તક વેચાણ માટે ઉપલબ્ધ નથી.) – તંત્રી.]

આજે સવારથી ઘરમાં જે ચર્ચાઓ થઈ રહી હતી ને બહારના માણસોની ઘર જોવા માટે અવરજવર થતી હતી તેના પરથી રાજુને એટલું સમજાયું કે આપણું ઘર વેચવાનું છે.
‘મા, આ ઘર વેચીશું તો રહેશું ક્યાં ?’ આટલી ધમાલમાં યે રાજુ માને આ સવાલ પૂછ્યા વગર ન રહી શક્યો.
‘જહન્નમની ખાડીમાં. જા, તારું કામ કર.’ માએ ચિડાઈને જવાબ આપ્યો. રાજુ માની ચીડ પામી ઘરની બહાર નીકળી ગયો.

મા-બાપને જે ચિંતા હોય તે, રાજુની ચિંતા એ હતી કે પોતાના દોસ્તોથી તે વિખૂટો પડી જતો હતો. તેને વિચાર આવ્યો કે સંજુ, ટીનુને પણ સાથે લઈ જઈએ તો કેવું ? પણ આ પ્રસ્તાવ મા પાસે મૂકવાની તેની હિંમત ન થઈ. વળી સંજુ, ટીનુનાં મા-બાપ પણ તેઓને મોકલવા તૈયાર થાય ખરાં ? હજુ આ વિચાર આગળ ચાલે ત્યાં તો તેણે સંજુની બૂમ સાંભળી. તે સીધો તે તરફ દોડ્યો.
‘સંજુ તને ખબર છે અમારે હવે અહીં નથી રહેવાનું ?’
‘જા જા, તારું ઘર તો અહીં જ છે.’
‘પણ એ ઘર બાપુ વેચી દે છે.’ રાજુનું વાક્ય પૂરું થાય એ પહેલાં ટીનું પણ આવી પહોંચ્યો.
‘એ ય રાજુ, તારે દાવ દેવાનો બાકી છે…..’
‘પણ મારું ઘર…..’
‘એ ઘર ને બર બધું પછી. તું પહેલાં લખોટીઓ કાઢ.’ ટિનુએ તેને ખેંચ્યો.
‘ઊભો રહે, હું ઘરેથી લઈ આવું.’ પળવારમાં તો રાજુ ઘર છોડવાનો અને તેની સાથે સંકળાયેલો દોસ્તોને છોડવાનો વિષાદ ભૂલી લખોટીમય બની ગયો.
વધુ આગળ વાંચો »

જીવનધર્મ – સંત પુનિત

[‘મીઠાઈની છાબડી’ (આવૃત્તિ : 1985) પુસ્તકમાંથી સાભાર.]

‘ના, ભાઈ ના. સમય ભલે કપરો આવ્યો. પણ મારાથી અન્નદાન તો બંધ નહિ જ કરાય. આવા કાળા દુકાળે ભૂખ્યાઓને ભોજન આપવું એ પ્રભુનું સાચું પૂજન છે.’ સુબ્બૈયરે શિખામણ આપવા આવેલા ગામના એ આગેવાનને સ્પષ્ટ કહી દીધું.

દ્રાવિડના આંકરે નામના ગામમાં સુબ્બૈયર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. અન્નદાન એ પ્રભુપ્રાપ્તિનું પ્રથમ સોપાન છે, એ જીવનમંત્ર એણે જીવનમાં આબાદ ઉતારી દીધો હતો. પોતાનાં ફળદ્રુપ ખેતરોમાં તનતોડ મહેનત કરી, એ સારું એવું ધાન્ય પેદા કરતો. આંકરે ગામ શ્રીરંગમ નામના યાત્રાધામને રસ્તે જ આવતું હતું. આથી એને આંગણે અભ્યાગતો ને યાત્રાળુઓનાં ટોળાં ઊભરાતાં. આ અભ્યાગતો ને યાત્રાળુઓને જમાડ્યા પછી જ જમવાનો નિત્ય-નિયમ સુબ્બૈયરે નક્કી કરી નાખ્યો હતો. ઘરનાં સ્ત્રીબાળકોએ પણ આ પવિત્ર કાર્યને ધર્મકાર્ય ગણી સંપૂર્ણ સહકાર આપવા માંડ્યો હતો.

ઘણીવાર લોકો એને પૂછતા : ‘ભૂદેવ, કુબેરના ભંડારેય ખૂટી જાય એવું આ કપરું કામ છે. આમ ને આમ કેટલો વખત ચલાવશો ?’
‘મને મારા ભગવાનમાં પૂરી આસ્થા છે. આ બધું એ જ કૃપાસિંધુ ચલાવી રહ્યો છે. આભ ફાટે ત્યાં થીગડું ક્યાં દેવું ! એવા ભગીરથ કામમાં આપણો તો શો ગજ વાગે ? એને જ્યાં સુધી ચલાવવું હશે ત્યાં સુધી ચલાવશે. આપણે તો નિમિત્તમાત્ર છીએ.’ અને સલાહકાર એમની આ જીવનફિલસૂફી સાંભળી રસ્તે પડતો.

એ સમયે ભારત પર અંગ્રેજ રાજ્યનું શાસન ચાલતું હતું. દુકાળ હોય, સુકાળ હોય, પણ સરકારની તિજોરી તો મહેસૂલની રકમથી ભરાવી જ જોઈએ. ગામના તલાટીએ સુબ્બૈયર પાસે મહેસૂલની રકમની ઉઘરાણી કરી. પણ આ સમયે દુકાળના ઓળા એવા પથરાયા હતા કે ભલભલા તાલેવાન ખેડૂતોની કમ્મર ભાંગી ગઈ હતી. સુબ્બૈયરના ખેતરમાં પણ કંઈ જ પાક્યું નહોતું. એણે મહેસૂલ ભરવા અશક્તિ દર્શાવી. જોકે એને ઘેર અન્નદાનની ગંગોત્રી વહેવી તો ચાલુ જ હતી. સ્ત્રીઓનાં આભૂષણો વેચી-સાટીને પણ આ પવિત્ર કાર્ય ચાલુ રાખ્યું હતું. તલાટીની ઉઘરાણી હવે કડક થવા લાગી. મિત્રોએ પણ એમને સમજાવ્યા, ‘સુબ્બૈયર, થોડા દિવસ અન્નદાન બંધ રાખીને પણ સરકારી મહેસૂલ ભરી દો.’ પણ એણે સ્પષ્ટ સંભળાવી દીધું : ‘ભૂખ્યાઓના ભેરુ થવાનું આ ખરું ટાણું છે. આજે હું અન્નદાન બંધ કરું તો મારા પર ઈશ્વર રૂઠે. મહેસૂલ તો પછીયે ભરાશે. સરકારની તિજોરીઓ ભરનારા તો ઘણા છે. ભૂખી હોજરીઓમાં મૂઠી દાણો નાખવાય કોઈ નથી નીકળતું. આવે વખતે મારું કર્તવ્ય કપરું બને છે. મારાથી અન્નદાનનો ધર્મ તો પ્રાણાંતેય નહિ મુકાય, ભાઈ.’
વધુ આગળ વાંચો »

વિશ્વાસની પકડ – કલ્યાણી ત્રિવેદી

[રીડગુજરાતીને સત્યઘટના પર આધારિત આ કૃતિ મોકલવા માટે નવોદિત યુવા સર્જક કલ્યાણીબેનનો (સુરત) ખૂબ ખૂબ આભાર. આ તેમની પ્રથમ રચના છે. લેખનક્ષેત્રે તેઓ પ્રગતિના શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ. આપ તેમનો આ નંબર પર +91 99133164012 અથવા આ સરનામે namrata.s27@hotmail.com સંપર્ક કરી શકો છો.]

આજની સવાર આકાશી વાદળોથી ગોરંભાયેલી હતી. મનને અસ્વસ્થ કરી મૂકતી એક પછી એક ઘટનાઓ પર આ વાદળો જાણે બળતામાં ઘી હોમી રહ્યાં હતાં. કશુંક અજુગતું ન બને એ માટે હું વારંવાર મનને સમજાવી રહી હતી. પરંતુ હવે એ સમજ ક્યાં સુધી ટકવાની હતી ? બધું ફક્ત મારે એકલીએ જ સમજવાનું હતું ? જેને સમજવાનું હતું એ તો તૈયાર થઈને હાથમાં મેગેઝિન લઈને બેસી ગયો હતો.
‘સૌમિલ, આજે તો રવિવાર છે. ક્યાંક બહાર જાય છે ?’
‘હા.’ ચશ્માંની દાંડી સરખી કરતાં એણે મારી સામે જોયા વગર ગર્વ સાથે જવાબ આપતાં ઉમેર્યું, ‘એક બહુ મોટા માણસને મળવા જાઉં છું, જેનો ફોટો આ વખતના બિઝનેસ મેગેઝિનના પહેલા પાને છપાયો છે. હવે કંઈ તારે પૂછવું છે ? મારી વાતમાં માથું મારવાનું છોડીને તું તારું કામ કર…..’

ફરીથી એ જ અપમાન. હવે તો રોજનું થયું. ક્યારેક શાબ્દિક પ્રહારો તેની સીમા ઓળંગીને શારીરિક પ્રહાર સુધી પહોંચી જતાં. સૌમિલ માટે આ બધું સ્વાભાવિક હતું. કારણ કે એની માટે એનો બિઝનેસ સર્વસ્વ હતો. પોતાના વ્યક્તિત્વ અને વાકચાતુરીનું એને એટલું બધું અભિમાન હતું કે તેની સામે કૌટુંબિક બાબતો નગણ્ય હતી. પરિવારની તેને કંઈ પડેલી નહોતી. પત્ની તેની માટે અભણ દાસી હતી અને દીકરો આર્યન એક ઝંઝટ ! એનું સ્વપ્ન આસમાનને આંબવાનું હતું. એ માર્ગ પર કોઈની તેને જરૂર નહોતી. જે કોઈ તેના રસ્તામાં આવવાની કોશિશ કરે તેને સૌમિલ તોફાની હાથી જેમ ઝાડને ફેંકી દે તેમ ફેંકી દેતો. એના મન પર ઝનૂન સવાર થઈ ગયું હતું. કરોડોની હેરફેર, બિઝનેસ મિટિંગો, દેશ-પરદેશના પ્રવાસો, મોડી રાતની પાર્ટીઓએ તેના જીવન પર પૂરો કબજો કરી લીધો હતો. તે સતત ખોટા કામો અને ખોટી સોબતોના દળદળમાં ખૂંપતો જતો હતો. પરંતુ તેને સમજાવે કોણ ? છતાં હું પ્રયત્ન કરવાની તક ચૂકતી નહીં.
વધુ આગળ વાંચો »

શ્રદ્ધાને શરણે – ડૉ. શરદ ઠાકર

[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર. આપ ડૉ. શરદભાઈનો (અમદાવાદ) આ સરનામે સંપર્ક કરી શકો છો : drsharadthaker@yahoo.com ]

ડૉ. રે બંગાળી હતા. આમ સજ્જન પણ સ્વભાવે ઉગ્ર હતા. સમયપાલનના જબરજસ્ત આગ્રહી. મેડિકલ કૉલેજમાં પ્રોફેસર હતા. સવારે આઠ વાગ્યે એમનું લેકચર શરૂ થયું. બરાબર ત્રીસ સેકન્ડ પછી મેં પ્રવેશ કર્યો.
‘મેં આઈ કમ ઈન સર ?’
‘નો, યુ કાન્ટ !’ ડૉ. રેની નજર એમની કાંડા ઘડિયાળ પર પડી : ‘યુ. આર. લેઈટ બાય હાફ એ મિનિટ. ગેટ આઉટ !’
‘બટ, સર….! આઈ હેવ ગોટ એ વેલીડ રીઝન ટુ બી લેઈટ.’ મેં દલીલ કરી : ‘કૉલેજના કમ્પાઉન્ડમાં એક વૃદ્ધ સ્ત્રી ગબડી પડી. એનો પગ ભાંગી ગયો. આમ તો હું લેકચર માટે ખાસ્સો વહેલો હતો. પણ એને આપણી જ ગવર્નમેન્ટ હૉસ્પિટલના કેઝ્યુઅલ્ટી વિભાગ સુધી ‘શિફટ’ કરાવવામાં મોડું થઈ ગયું.’
‘યસ. ધૅટ ઈઝ એન આર્ગ્યુમેન્ટ. પણ તમે અહીં દર્દીને સારવાર આપવાનું ભણવા માટે આવો છો, એમને ઊંચકીને હૉસ્પિટલમાં પહોંચાડવાનું કામ વોર્ડબોયનું છે, ડૉક્ટરનું નહીં. આઈ કાન્ટ જસ્ટિફાય યોર એકશન. નાઉ, ગેટ લોસ્ટ…..’

હું જાણતો હતો કે ડૉ. રે ‘ગેટ આઉટ’ કહે અને ‘ગેટ લોસ્ટ’ કહે એ બે વચ્ચે મોટું અંતર હતું. પહેલામાં સૂચન હતું, બીજામાં આદેશ હતો. સૂચન સામે દલીલ થઈ શકે, હુકમ સામે નહીં. પણ મેં દલીલ કરવાની ગુસ્તાખી કરી, કારણ કે હું પ્રમાણિકપણે માનતો હતો કે મેં કંઈ ખોટું નથી કર્યું. હું મેડિકલ કૉલેજમાં ભણવા માટે આવતો હતો, મોંઘીદાટ ફી ભરીને આવતો હતો, એક ધરાશાયી થયેલી ગરીબ ડોશીને મદદ કરીને મેં ઈન્ડિયન પીનલ કોડની એક પણ કલમનો ભંગ નહોતો કર્યો અને આટલું બધું કરવા છતાં પણ હું માત્ર અડધી મિનિટ જ મોડો હતો ! એ વખતે મારાથી સહેજ ઊંચા અવાજે કહેવાઈ ગયું :
‘યસ, સર ! આઈ એમ ગેટિંગ લોસ્ટ; બટ વીલ યુ પ્લીઝ ટેલ મી વન થીંગ ? આ ડોશીની જગ્યાએ તમારા મધર હોત અને એમને મદદ કરનારું ત્યાં કોઈ ન હોત, સિવાય કે હું, તો પણ તમે મને આ જ રીતે પાછો કાઢ્યો હોત, જે રીતે અત્યારે કાઢી રહ્યા છો ?’
ડૉ.રે બરાડ્યા : ‘સ્ટૉપ ઈટ ! વન મોર વર્ડ એન્ડ યુ વીલ બી સસ્પેન્ડેડ ફોર ધી હોલ વીક…..’ એ હજી પણ કંઈક બોલવા જતા હતાં, પણ મેં તક ન આપી. હું ત્યાંથી પાછો વળી ગયો. એ આખો દિવસ મારો જીવ ચચરતો રહ્યો. કેન્ટિનમાં પણ કંઈ મન ન લાગ્યું. સાચું કહું તો હું કંઈ સંત નથી. પવિત્ર હોવાનો દાવો પણ કરતો નથી, પણ એ ક્ષણે હું સો ટકા સાચો હતો અને છતાં નિ:સહાય, નિરૂપાય હતો.
વધુ આગળ વાંચો »

ઓડકાર અમૃતનો – ડૉ. આઈ. કે. વીજળીવાળા

[ ડૉ.વીજળીવાળાસાહેબના જીવનપ્રસંગો પર આધારિત સુંદર પુસ્તક ‘સાયલન્સ પ્લીઝ !’ માંથી સાભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : drikv@yahoo.com પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 0471987ની 31મી ડિસેમ્બરે વડોદરાની મેડિકલ કૉલેજને રામરામ કર્યા. M.D. પછી સિનિયર રજિસ્ટ્રાર તરીકેની એક વરસની કારકિર્દી પણ પૂર્ણ થઈ. ટૂંકમાં ભણતર પૂરું થયું હતું. હવે ઠોસ જિંદગીની કઠણ કેડીઓ પર કદમ માંડવાનાં હતાં. ભાવનગરની એક ટ્રસ્ટ હૉસ્પિટલમાં બાળરોગ નિષ્ણાત તરીકેની નિમણૂક મને મળી ગઈ હતી. હું ભાવનગર ત્રીજી જાન્યુઆરી, 1988ના રોજ પહોંચ્યો. ટ્રસ્ટ હૉસ્પિટલમાં પૂર્ણ સમયના બાળરોગ નિષ્ણાત તરીકે જોડાયો. પગાર અંગે મુખ્ય ટ્રસ્ટી સાથે બે-ચાર દિવસ પછી વાતચીત કરવાનું નક્કી થયું હતું.

સાત દિવસ પછી મુખ્ય ટ્રસ્ટી સાથે મિટિંગ થઈ. મને રૂપિયા 2,500 અને ઈન્ડોર ફીસમાંથી અમુક ટકા ઈન્સેન્ટિવ આપવાનું નક્કી કરાયું. મારો આગ્રહ મને પાંચ હજાર રૂપિયા વત્તા ઈન્સેન્ટિવ મળે તેવો હતો. મેં ટ્રસ્ટીશ્રીને મારો પગાર વધારવા માટે આગ્રહ કરી જોયો. પણ ટ્રસ્ટનો જ લાભ વિચારતા ટ્રસ્ટીશ્રી ટ્રસ્ટને જેનાથી લાભ થઈ શકે તેવા ડૉક્ટર્સને વધારે પૈસા આપવા તૈયાર ન લાગ્યા. અને એ વખતે મારા હાથમાં કલાસ વન ઑફિસરની બીજી 3-4 નોકરીના નિમણૂક પત્રો હતા. એટલે મને પણ આ નોકરી છોડવી પડે તો જરાય ચિંતા નહોતી. એ જ સમયગાળામાં મને મહુવાની એક હૉસ્પિટલમાં નોકરીનો પત્ર પણ મળ્યો હતો. એટલે હું છેલ્લા કેટલાક દિવસથી મહુવા જવાનો વિચાર કરતો હતો.

મન વારંવાર આ હૉસ્પિટલની નોકરી છોડી વધારે પૈસા મેળવવા માટે મહુવા જતા રહેવાની યોજના કરતું હતું. પણ નોકરી બદલવાની જફાઓનો વિચાર આવતાં જ પાછું પડતું હતું. અને નોકરી બદલવી એટલે ? – બધા લબાચા ફેરવવા, ઘરની ઘણી સામગ્રી નવેસરથી વસાવવી, નવા વાતાવરણમાં ગોઠવાવું, નવા પડોશીઓ સાથે સંબંધો બાંધવા, નવા સંબંધો વિકસાવવા, નવેસરથી તમારા કામનું પ્રમાણપત્ર આપવાનું વગેરે વગેરે અનેક માથાકૂટો ઊભી થઈ જાય. આ બધી ઉપાધિઓ મને અકળાવતી હતી. પરંતુ સામે ડબલ પગાર પણ દેખાતો હતો. આટલું ભણ્યા પછી વધારે પૈસા મળતા હોય તો એ શા માટે છોડવા જોઈએ ? આ બધા વિચારોના જાળામાં ગૂંચવાતો હું લોઢાવાળા હૉસ્પિટલની અગાસીની રૅલિંગ પકડીને ઊભો હતો. સાંજના પાંચ વાગી ગયા હતા.
વધુ આગળ વાંચો »

વાત મૂલ્યો ને સંસ્કારોની…. (ભાગ-2) – સંકલિત

[ થોડા મહિનાઓ અગાઉ ‘અખંડ આનંદ’ સામાયિક દ્વારા ‘વાત મૂલ્યો ને સંસ્કારોની...’ વિષય પર સૌને સત્યઘટના કે એ પ્રકારના જીવનપ્રસંગો પર લખવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું, જે સંકલિત થઈને સામાયિકના કેટલાક અંકોમાં પ્રકાશિત થયા હતા. તેમાંથી આપણે થોડા સમય અગાઉ ભાગ-1માં કેટલાક પ્રસંગો માણ્યા હતા. આજે માણીએ અન્ય પ્રસંગો.]

[1] ગરીબ બાળાની શ્રમ-ભક્તિ – તુલસીભાઈ પટેલ

આશરે પાંચેક વર્ષ પહેલાંનો પ્રસંગ છે.
સંસ્કૃતના વિદ્વાન અને મારા પરમ મિત્ર ડૉ. મણિભાઈ પ્રજાપતિ સપરિવાર હરિદ્વાર જઈ રહ્યા હતા. એમણે મને પણ સાથે જોડાવા માટે આગ્રહ કર્યો. આ પહેલાં ઘણી વાર હું હરિદ્વાર ગયો છું. પરંતુ મને પ્રવાસનો શોખ, એટલે હું પણ એમની સાથે સપરિવાર જોડાયો. મારે માટે તો હરિદ્વાર એટલે પ્રવાસ અને યાત્રાનો મણિકાંચન યોગ ગણાય.

હરિદ્વારમાં અમે પંદર દિવસ માટે એક ગેસ્ટ હાઉસમાં રોકાયા. અહીં આવ્યા હોઈએ અને ગંગા-સ્નાનનો લાભ ન લઈએ એ તો કેમ બને ? અહીં ગંગાજી પર વિશાળ અને સુંદર ઘાટ બાંધવામાં આવ્યા છે. (વાસ્તવમાં ગંગાજી તો બે-એક કિલોમીટર દૂર વહે છે. હરિદ્વારનાં પાદ પખાળતાં જે જળ વહે છે, એ ગંગાજીની એક મોટી નહેર છે.) અમે નિત્ય સવારે ગંગાઘાટ પર આવતા, ને ગંગાજીનાં પવિત્ર અને શીતળ જળમાં સ્નાન કરવાનો સરસ લ્હાવો લેતા. ગંગાઘાટ પર અનેક લોકો આજીવિકા માટે જાતભાતની વસ્તુઓ લઈને બેઠા હોય છે. દેશભરમાંથી પધારેલા ભાવિક ભક્તો અને વિવિધ વસ્તુઓનો વેપાર કરતા લોકોનો જાણે ભાતીગળ મેળો ! કેટલાંક ભાઈ-બહેન પડિયામાં દીપ લઈને બેઠાં હોય છે. પાંદડાંમાંથી બનાવેલ પડિયો; એમાં થોડાં ફૂલ અને વચ્ચે ઘીનો દીવો. દીવો પેટાવીને ગંગાજીમાં તરતો મૂકીએ. પ્રવાહ સાથે દીવો દૂર…. દૂર સુધી વહેતો જાય. આવા અસંખ્ય દીપ ગંગાજીની ગોદમાં તરતા હોય. જાણે આકાશમાંથી તારા ગંગાજી પર ઊતરી આવ્યા. અદ્દભુત દશ્ય !
વધુ આગળ વાંચો »

માબાપને લાગણી ભરેલી વિનંતી – ભરત એસ. ભૂપતાણી

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.]

આજની યુવા અને કિશોરવયની પેઢી પોતાની રીતે વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહી છે. પોતાના ધ્યેયની પ્રાપ્તિ માટે પ્રયાસ કરે છે અને સફળતાનાં શિખરો પણ પ્રાપ્ત કરે છે ! પણ બીજી બાજુ આ યુવા પેઢીમાંથી આજના વાતાવરણમાં મોટા ભાગના લપસણી બાજુ સરકતા સરકતા બરબાદી, નશાખોરી કે ચોરી અને ગુંડાગીરી તરફ આગળ વધે છે. નથી મા-બાપને ખબર પડતી કે નથી ખુદ યુવા-પેઢીને ખબર. જો તમારું સંતાન મુગ્ધાવસ્થામાં પસાર થતું હોય અને તમે બન્ને કારોબારમાં ખૂબ જ વ્યસ્ત હો તો આ સત્યઘટના તમને ચેતવણી આપે છે…

અમારી સોસાયટીમાં નોકરી કરતું યુગલ રહે છે. તેમને એક નેહા નામની સરસ હસમુખી છોકરી છે. નજીકની સ્કૂલમાં ભણે છે. રજા હોય તો તે કુટુંબ પિકનિક પર, હૉટલ અને પિકચરોમાં સાથે જાય અને બધા આનંદ કરે. પણ મુગ્ધાવસ્થા લીસ્સા સાપ જેવી છે. ક્યારે ડંસી જાય અને તેનું ઝેર ચઢે તેની ખબર પણ ન પડે. ધીમે ધીમે નેહા પણ તેની બહેનપણીઓના વર્તુળમાં ખેંચાવા લાગી. નવમા ધોરણમાં આવી. તેનામાં ઘણો ફેરફાર થવા લાગ્યો. હવે મા-બાપ કરતાં મિત્રો વહાલા લાગવા માંડ્યા. અભ્યાસને સ્થાને પાર્ટીઓ અને સ્કૂલ તેમજ કલાસમાંથી ચોરીછૂપી બહાર જવાનું વધવા માંડ્યું. બધાની જેમ નેહાને પણ બૉય-ફ્રેન્ડ મળી ગયો અને મિત્રોના વર્તુળમાંથી હવે તે બન્ને અલગ અલગ જગ્યાએ ફરવા લાગ્યાં.

આ તરફ મોંઘવારીમાં બે છેડા મેળવવા તેઓ કામ કરતાં. અને ઘરે નેહા ચાલાકીપૂર્વક ટ્યુશન કલાસ તેમજ સ્કૂલના ભણતરની વાત કરતી. સ્કૂલમાં પણ રિઝલ્ટ બગડવા લાગ્યું અને હવે તો નેહામાં સાહસ આવી ગયું કે તે જ રિઝલ્ટમાં મા-બાપની સહી કરવા લાગી હતી. મા-બાપ તેની ભણવાની કહેવાતી લગન અને મહેનત જોઈ હરખાતાં. તેના સુંદર સ્વપ્નાઓ જોતાં હતાં, પણ એક દિવસ સ્કૂલમાંથી તેમના ઘરે ફોન આવ્યો અને તેમણે હકીકત જાણી ત્યારે તેમને ચક્કર આવવા લાગ્યા કે નેહાનું સ્કૂલમાં હાજરી તેમજ પરિશ્રમનું પરિણામ ખૂબ જ નિરાશાજનક હતું. મા-બાપના ભરોસાને તોડતી ઘણી બાબતો તેમને અકળાવતી ગઈ. એક ધનિક નબીરાના ચક્રવ્યૂહમાં તે ફસાઈ ગઈ હતી. તેને એક વાર તેના ‘ફ્રેન્ડ’ સાથે પકડી પાડી, પણ શરમ અને આકર્ષણ બન્ને એકબીજાની વિરુદ્ધમાં જાય છે. બીજા મા-બાપોની જેમ જ તેને મારવાનું, સમજાવાનું અને લાગણીના હથિયારો વાપરી જોયાં અને નેહાએ પોતે હવે ભૂલ નહિ કરેનું વચન આપી નિયમિત હોવાનો દેખાડો કર્યો અને જ્યારે પણ મોકો મળે ત્યારે તેના પ્રેમીની કારમાં દૂર દૂર હોટલોમાં જવાનું ચાલુ રાખ્યું.
વધુ આગળ વાંચો »

ચાલો દાદાજીના દેશમાં – બાબુભાઈ સોલંકી ‘રાકેશ’

[મહાન માણસોના જીવનની ઘટનાઓ તેમજ જીવન-પ્રસંગો સમાજ માટે અવશ્ય પ્રેરણાદાયી હોય છે પરંતુ સામાન્ય માણસના જીવનમાં જ્યારે તે આચરવાનો પ્રસંગ આવે ત્યારે એ કદાચ દલીલ કરી શકે કે ‘એ તો સંત હતા... મહાન હતા... વિરલ આદમી હતા...’ પણ જો મારી-તમારી આસપાસ ફરતા આમઆદમીના જીવનમાંથી ત્યાગ, પ્રેમ, પરોપકાર, સેવા, સત્ય, નિષ્ઠા વગેરે સદગુણો અને તેના આચરણ પ્રસંગો જાણવા મળે તો એ અનુકરણીય અને પ્રતીતિકર બની રહે. એવા જ આમઆદમીના જીવનના પ્રેરણાદાયી પ્રસંગોનો (સત્યઘટનાઓનો) સંચય એટલે ‘સારપના સાથિયા’. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ગુર્જર પ્રકાશનનો ખૂબ ખૂબ આભાર. પુસ્તકપ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

‘હાં રે દોસ્ત…!
ચાલો દાદાજીના દેશમાં,
મધુર મધુર પવન વાય….
નદી ગીતો કંઈ ગાય…..’

બચપણમાં ગોખેલું, જૂની વાચનમાળાના ગીતનું મનમાં ગુંજન ચાલતું હતું…. ત્યાં… પાછળથી મોગરાની માદક સુગંધને લઈને પવનની એક લહેર આવી…. મને સ્પર્શીને આગળ ચાલી… પોતાની સાથે એ મારા મનને સ્મરણયાત્રાએ લઈ ચાલી… શરીર તો મારું હીંચકે ઝૂલતું રહ્યું પણ મન અમદાવાદથી સાઠ કિલોમીટર દૂર, સાબરતટે વસેલા, ખોબા જેવડા ઓરાણ ગામે પહોંચી ગયું. ઓરાણ મારું વહાલું વતન… મારા શૈશવની લીલાભૂમિ.

મને કર્કવૃત યાદ છે. કારણ…? મારું ઓરાણ બરાબર કર્કવૃતની રેખા પર આવેલું છે. પંદર ખોરડાના વાણિયાવાસમાં અમારું ઘર. મોટા ભાગની વસતી વિધવા વાણિયણોની. ઓતરાતે દ્વારે અમારું ઘર. બહારની માંડવી (પરસાળ)થી માંડીને ઘરના ઓરડા સુધી બધે લીંપણ. માંડવીમાં માટી થોપીને બનાવેલી બે ફૂટ ઊંચી પૅલ્લી (ઓટલી) એ જ બહારની બેઠક. ઘરમાં માત્ર બે જ પથરા – એક નહાવાનો અને બીજો નદીથી લાવેલો ચટણી વાટવાનો. દાદા-પુરુષોત્તમ (ભોલાભાઈ) – મુંબઈ બનેવીના છત્રીના કારખાનામાં હિસાબનીશ. આઠ-દસ મહિને ઘરે આવે. બે-ચાર મહિના રહે. સગાં-સંબંધીઓને મળવા જાય કે સૌને ઘરે તેડાવે. દીકરી આવે…. ભાણેજિયાં આવે…. ઘરના માળામાં કલબલ થાય. એ સમયે ગામડામાં ગાડા ને ઘોડા સિવાય કાંઈ વાહન નહિ. વાણિયા ઉઘરાણી માટે ઘોડા રાખે. અમારા ઘરની પાસે જ ઘોડાર (તબેલો). અમે ઘોડાના પગ, પૂંછડી, ગરદનના વાળ અને એના મોટા મોટા ડોળા જોયા કરીએ. મને અને ભાણિયાઓને દાદા ઘોડે બેસાડી મહોલ્લામાં ફેરવે… આમ કુંવારે અમારો વરઘોડો ફર્યા કરે.
વધુ આગળ વાંચો »

Page 1 of 212