સ્પર્ધા પરિચય :
 
વિશ્વના વાચકોને વર્તમાન સામાજિક જીવનના પ્રવાહો પ્રમાણે વૈવિધ્યસભર ગુજરાતી સાહિત્ય મળી રહે તેમજ નવોદિત લેખકોને પોતાની કૃતિ પ્રકાશિત કરવાનું એક માધ્યમ મળી રહે અને તેમનું લેખન-કાર્ય યોગ્ય દિશામાં વિકસિત થાય તે હેતુથી પ્રતિવર્ષની જેમ રીડગુજરાતી તરફથી ‘આંતરરાષ્ટ્રીય ગુજરાતી વાર્તા-લેખન સ્પર્ધા : 2008’ નું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વના કોઈ પણ ખૂણે રહેતો ગુજરાતી આ સ્પર્ધામાં ભાગ લઈને પોતાની કૃતિ સ્પર્ધા માટે મોકલી શકે છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ નોંધણી કે ફી રાખવામાં આવી નથી. રીડગુજરાતીના વાચક વર્ગને તથા અન્ય તમામ ગુજરાતી સાહિત્યપ્રેમીઓને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સહર્ષ આમંત્રણ છે !
 
 કોણ ભાગ ન લઈ શકે ?
 
સુપ્રસિદ્ધ લેખકો,સાહિત્યકારો તેમજ જેમનું એક પણ પુસ્તક પ્રકાશિત થઈ ચૂક્યું હોય અથવા પ્રકાશનમાં હોય, તેઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહિ. સામાયિકમાં પ્રકાશિત થયેલા લેખો સામે કોઈ બાધ નથી. આ ઉપરાંત ગત સ્પર્ધામાં (2007માં) પ્રથમ ત્રણ ક્રમાંકે વિજેતા થયેલા વિજેતાઓ પણ ભાગ લઈ શકશે નહિ.
 
 સ્પર્ધાના નિયમો :
 

[1] વાર્તા મૌલિક અને અપ્રગટ હોવી જોઈએ. વાર્તા મૌલિક છે કે નહિં તેની તમામ જવાબદારી મોકલનાર લેખકની રહેશે, આ સંબંધી જવાબદારી રીડગુજરાતી, સ્પર્ધાના નિર્ણાયકો કે તેના તંત્રીની રહેશે નહીં. પ્રાપ્ત થયેલી વાર્તાઓને ઓનલાઈન પ્રકાશિત કરવાનો સર્વ પ્રથમ હક્ક રીડગુજરાતીનો રહેશે.

[2] વાર્તા 1800 થી 3000 શબ્દો વચ્ચેની હોવી જોઈએ. વાર્તા સ્વીકારવાની છેલ્લી તારીખ 30-જૂન-2008 છે. આ પછી પ્રાપ્ત થયેલી વાર્તાઓનો સ્પર્ધામાં સમાવેશ કરવામાં આવશે નહિ. આ સ્પર્ધા માટે સામાજીક, લગ્નજીવન, કૌટુંમ્બિક, પ્રેમકથાઓ કે સાહિત્યના કોઈ અન્ય ભાવને રજૂ કરતી વાર્તા મોકલી શકાય છે. સ્પર્ધામાં બાળવાર્તાઓ, પ્રવાસવર્ણનો, ઈતિહાસકથાઓ લઈ શકાશે નહિ. તેમજ કોઈ પ્રકારના અશિષ્ટ લેખનને સ્વીકારી શકાશે નહિ.

[3] વાર્તા હસ્તલિખિત કે કૉમ્પ્યુટર પ્રિન્ટ કરેલ - એમ બંને માંથી કોઈ પણ ચાલી શકે છે. હસ્તલિખિત મોકલનારે,વાર્તા સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરોએ કાગળની એક બાજુ લખવાની રહેશે. બંને માંથી કોઈ પણ પ્રકારે વાર્તા મોકલનારે પોતાનું નામ, સરનામું, ઉંમર તેમજ સંપર્ક માટે ટેલીફોન નંબર/મોબાઈલ (જો હોય તો) અને ઈ-મેઈલ એડ્રેસ (જો હોય તો) વાર્તા ની સાથે મોકલવાના રહેશે. આ માહિતિના અભાવમાં વાર્તા સ્વીકાર્ય ગણાશે નહિ. (ટેલીફોન નંબર અને ઈ-મેઈલ એડ્રેસ મરજીયાત છે.)

[4] વાર્તા જો કૉમ્પ્યુટરમાં ટાઈપ કરેલ હોય તો તેને ઈ-મેઈલથી પણ મોકલી શકાય છે. આ માટે માઈક્રોસોફટ વર્ડ (DOC) કે પી.ડી.એફ (PDF) ફોરમેટ ચાલી શકે છે. અત્રે ખાસ યાદ રહે કે આ રીતે વાર્તા મોકલનાર સ્પર્ધકે ટાઈપ કરવા માટે જે ફૉન્ટ વાપર્યા હોય તે પણ સાથે મોકલવા જરૂરી છે. આ રીતે વાર્તા મોકલાનારે પણ મુદ્દા નંબર (3)માં આપેલ વિગતો જેવીકે નામ, સરનામું વગેરે જણાવવાના રહેશે. ઈ-મેઈલથી વાર્તા મોકલનારે ઈ-મેઈલમાં Subject ના ખાનામાં "Varta-Spardha-2008" એમ લખવું. વાર્તાની ફાઈલ એટેચમેન્ટ તરીકે મોકલવી.

[5] આ સ્પર્ધામાં વિજેતા બનેલ પ્રથમ ત્રણ વાર્તા ને પુરસ્કાર આપવામાં આવશે. એ સિવાયની બીજી ત્રણ આશ્વાસન વાર્તાઓ પણ પસંદ કરવામાં આવશે. આમ કુલ છ વાર્તાઓ સાઈટ પર યોગ્ય સમયે પ્રકાશિત કરવામાં આવશે. વાર્તા-સ્પર્ધાના પરિણામોની તારીખ નીચેના કોષ્ટકમાં આપેલી છે. પુરસ્કાર માત્ર ભારતીય ચલણમાં જ આપવામાં આવશે.

[6] વાર્તાની પસંદગી તેમજ નાપસંદગીનો હક નિર્ણાયકોનો રહેશે જે તમામ સ્પર્ધકોને બંધન કર્તા રહેશે. સ્પર્ધા માટે મોકલાયેલ વાર્તાઓ પરત કરવાની પ્રથા નથી. તેથી દરેક સ્પર્ધકે વાર્તા મોકલતા પહેલાં પોતાની પાસે તેની એક કોપી જરૂરથી રાખવી.

 
 અગત્યની તારીખો :
 

સ્પર્ધાની શરૂઆત : 5-મે-2008

વાર્તાઓ સ્વીકારવાની છેલ્લી તારીખ : 30-જૂન-2008

વાર્તા સ્પર્ધાના પરિણામની તારીખ : 5-ઑગસ્ટ-2008

પુરસ્કાર વિતરણની તારીખ : 10-ઑગસ્ટ-2008

 
 વાર્તાઓ કેવી રીતે મોકલવી ? :
 
ઉપર જણાવ્યા મુજબ વાર્તાઓ ઈ-મેઈલથી અથવા પોસ્ટ/કુરિયરથી કોઈ પણ રીતે મોકલી શકાય છે. કૃપયા ઈ-મેઈલથી વાર્તા મોકલનારે હસ્તલિખિત કોપી સ્કેન (SCAN)કરીને મોકલવી નહીં. સ્કેનના પ્રીન્ટસ બરાબર ન આવતા હોવાથી નિર્ણાયકોને સમીક્ષામાં તકલીફ ઊભી થઈ શકે છે. પોસ્ટ/કુરિયરથી મોકલનારે કવર ઉપર "વાર્તા-સ્પર્ધા-2008" એમ લખવું. સ્પર્ધકે પોતાની કૃતિમાં નામ, ઉંમર, સરનામું વગેરે અવશ્ય લખવા.

ઈ-મેઈલથી મોકલવા માટે :

E-mail Address :
shah_mrugesh@yahoo.com
Subject : Varta-Spardha-2008
Attachment : Microsoft Word File / PDF File.

પોસ્ટ / કુરિયરથી મોકલવા માટે :

મૃગેશ શાહ
7, ગીતાપાર્ક સોસાયટી,
બ્રાઈટ સ્કુલની પાછળ,
વી. આઈ. પી. રોડ.
કારેલીબાગ. વડોદરા-390022
ગુજરાત (ભારત)

Mrugesh Shah
7, Geeta Park Society,
B/H Bright School,
V.I.P Road, Karelibaug
Vadodara (Baroda) - 390022
GUJARAT - INDIA.

 
 પુરસ્કારની વિગતો :
 
સ્પર્ધા માટે આર્થિક સહયોગ આપનાર વાચકોનો ખૂબ ખૂબ આભાર. આ સાથે કૃપયા નોંધ લેશો કે નીચે આપેલા પુરસ્કારની રકમ, જો વિજેતા દેશમાં હશે તો ડ્રાફટ કે મનીઑર્ડરથી મોકલવામાં આવશે. વિદેશમાં વિજેતા થનાર સ્પર્ધકને જે સરળ માધ્યમ ઉપલબ્ધ હશે તે રીતે મોકલવામાં આવશે.

પ્રથમ પુરસ્કાર : રૂ. 3001

દ્વિતિય પુરસ્કાર : રૂ. 2001

તૃતિય પુરસ્કાર : રૂ. 1001

 
 નિર્ણાયકો :
 
નવોદિત સાહિત્યકારોને પ્રોત્સાહન મળે તે માટે પોતાનો કિંમતી સમય આપીને "રીડગુજરાતી વાર્તાલેખન સ્પર્ધા"ની તમામ કૃતિઓની સમીક્ષાનું કાર્ય સહર્ષ સ્વીકારનાર નીચેના તમામ નિર્ણાયકોનો ખૂબ ખૂબ આભાર.

[1] અવંતિકા ગુણવંત
શ્રીમતી ‘અવંતિકાબેન ગુણવંત’ના નામથી સૌ કોઈ પરિચિત હોય જ. તેમની કલમ વર્ષોથી સમાજની અનેક સમસ્યાઓના પ્રેમપૂર્ણ નિવારણ માટે સતત ચાલતી રહી છે. વર્તમાનયુગની વાસ્તવિક પરિસ્થિતિઓને આવરી લેતી માનવીય જીવનની જટિલ સમસ્યાઓનો તેમણે વાર્તાઓના માધ્યમથી સરળ શબ્દોમાં ઉકેલ આપ્યો છે. તેમની કૃતિઓએ અનેક પરિવારોને જોડ્યા છે, માનવીય હૈયામાં સંવેદના જગાવી છે, દુ:ખીને હૈયાધારણ આપી છે અને લગ્નજીવનના સાચા અર્થનો નવયુગલોને પરિચય કરાવ્યો છે. તેમના ‘માનવતાની મહેક’, ‘સહજીવનનું પ્રથમ પગથિયું’, ‘ગૃહગંગાને તીરે’, ‘આપણી પ્રસન્નતા આપણા હાથમાં’ જેવા 15થીયે વધુ વાર્તાના પુસ્તકો આજદિન સુધી પ્રકાશિત થયેલા છે. તેમની સાથેની મુલાકાત પણ રીડગુજરાતી પર પ્રકાશિત કરવામાં આવી છે.

[2] જૉસેફ મૅકવાન
સુપ્રસિદ્ધ વાર્તાકાર તથા નવલકથાકાર તરીકે ‘જૉસેફ મેકવાન’ એ ગુજરાતી સાહિત્યમાં ખૂબ જાણીતું નામ છે. ‘વ્યથાનાં વીતક’ (રેખાચિત્રો) થી શરૂ કરીને 2005માં પ્રકાશિત થયેલ ‘અપનો પારસ આપ’ સુધીની સાહિત્યયાત્રામાં તેમણે 13 જેટલી નવલકથાઓ ગુજરાતી સાહિત્યને આપી છે. ‘આંગળિયાત’ તેમની સૌથી પ્રસિદ્ધ અને પુરસ્કૃત નવલકથા છે. તેમની વાર્તાઓ સાહિત્યના ઉત્તમ સામાયિકો, જન્મભૂમિ પ્રવાસી જેવા અખબારોમાં પ્રકાશિત થતી રહી છે. માત્ર એટલું જ નહિ, તેમની કેટલીક કૃતિઓ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પણ સ્થાન પામી છે. તેમણે સર્જેલા પાત્રો આજે પણ લોકહૃદયમાં જીવંત રહી શક્યા છે. આજીવન શિક્ષક તરીકે કાર્ય કર્યા બાદ તે ‘ઘર’, ‘સમાજ’, ‘શાળા’, ‘સંસ્કૃતિ’ અને ‘પ્રકૃતિ’ ને કેળવણીના મુખ્ય પાંચ પરિબળો માને છે. ધર્મના સાચા મૂલ્યો સમાજ સામે મૂકવા માટે તેમજ અનેક સામાજિક દૂષણોને દૂર કરવા માટે તેમની કલમે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. ‘મનખાની મિરાત’, ‘ભીની માટી કોરાં મન’, ‘લક્ષ્મણની અગ્નિપરીક્ષા’, ‘અમર ચાંદલો’ વગેરે તેમની મુખ્ય નવલકથાઓ છે.

[3] વંદના ભટ્ટ
વ્યવસાયે વકીલ એવા વંદનાબેન ભટ્ટનો ‘ઝંખના પરોઢની’ નામનો ટૂંકી વાર્તાસંગ્રહ પ્રકાશિત થયેલ છે. તેમના નામે તેઓ ‘કોલાજવર્ક’ નામનો હિન્દી કવિતાસંગ્રહ પણ ધરાવે છે. ‘અખંડ આનંદ’, ‘નવનીત સમર્પણ’ જેવા સાહિત્યિક સામાયિકોમાં તેમની વાર્તા, કવિતા, પ્રવાસવર્ણન અને ચરિત્રલેખ સમયાંતરે પ્રકાશિત થતા રહે છે. ‘દિવ્યભાસ્કર-કળશ’માં તેઓએ અનેક વ્યંગ લેખો લખ્યા છે. કેટલાક હિન્દી સામાયિકોમાં તેમણે અતિથિ સંપાદક તરીકેનું કાર્ય કરેલ છે. તેમના કાવ્યો ‘આંતરાષ્ટ્રીય કવિતા સંગ્રહ’ના સંપાદનમાં પસંદ થયેલ છે. વડોદરાની સાહિત્યિક સંસ્થાઓ જેવી કે ‘શબ્દસેતુ’, ‘બુધસભા’, ‘સંવેદના’, ‘અસ્મિતા’, ‘અક્ષરા’માં સક્રિય રીતે તેઓ ભાગ લઈ રહ્યા છે. તેમની ઘણી કૃતિઓ અગાઉ રીડગુજરાતી પર પણ પ્રકાશિત કરવામાં આવી છે, જેને સુંદર પ્રતિભાવ સાંપડ્યો છે.

 
 ગત વર્ષની વાર્તા-સ્પર્ધા (વાર્તા-સ્પર્ધા-2007) ની માહિતી :
 
'રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા 2007' નું આયોજન ગત મે માસમાં કરવામાં આવ્યું હતું. વાર્તા સ્પર્ધાની અંતિમ તારીખ 30-જૂન-2007 રાખવામાં આવી હતી. આ સ્પર્ધામાં દેશ-વિદેશમાંથી કુલ 46 નવી કૃતિઓ પ્રાપ્ત થઈ હતી. એ તમામ કૃતિઓ નિર્ણાયકો ડૉ. શરદ ઠાકર, વર્ષાબેન અડાલજા તેમજ શ્રી સુધીર દલાલને મોકવામાં આવી હતી. એ સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક ભાવનગરના યુવક શ્રી સંજયભાઈ ગોટીને ‘વાલાડોસાનું ફૂલેકું’ માટે મળ્યું હતું. દ્વિતિય પારિતોષિક 'રાણકદેવીના ગાલપરનું લાખું' વાર્તા માટે શ્રી રાહુલ શુક્લને (ન્યુજર્સી) તેમજ તૃતીય પારિતોષિક શ્રીમતી સુચીબેન વ્યાસને (ફિલાડેલ્ફીયા) 'સનમની શોધમાં' માટે મળ્યું હતું. પ્રથમ વિજેતાને રૂ. 3001 નો, દ્વિતિય વિજેતાને રૂ. 2001 નો તેમજ તૃતિય વિજેતાને રૂ. 1001 નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમાંની બે કૃતિઓ રીડગુજરાતી પર પ્રકાશિત કરવામાં આવી હતી જે આપ નીચેની લીન્ક કલીક કરીને વાંચી શકો છો.

[1] વાલાડોસાનું ફૂલેકું/ સંજય ગોટી : http://www.readgujarati.com/sahitya/?p=1305
[2] રાણકદેવીના ગાલપરનું લાખું / રાહુલ શુક્લ : અપ્રકાશિત.
[3] સનમની શોધમાં / સુચી વ્યાસ : http://www.readgujarati.com/sahitya/?p=1321

 
નોંધ : સ્પર્ધકોને વિનંતી છે કે તેઓ આખરી તારીખની રાહ ન જોતાં પોતાની કૃતિ સત્વરે મોકલવાની કોશિશ કરે. 'રીડગુજરાતી ગુજરાતી વાર્તા લેખન સ્પર્ધા 2008' માટે અન્ય કોઈ પૂછપરછ કરવી હોય તો આપ મોબાઈલ પર મારો સંપર્ક કરી શકો છો : +91 98980 64256 (મૃગેશ શાહ, તંત્રી. વડોદરા) આશા છે કે આપ સૌ વાચકો આ સ્પર્ધાનો લાભ લેશો અને વિપુલ પ્રમાણમાં આપની કૃતિઓ મોકલીને અમને પ્રોત્સાહિત કરશો. રીડગુજરાતીના સૌ વાચકમિત્રોને બેસ્ટ લક !
 
ReadGujarati.com
Copyright © 2007, Mrugesh Shah