રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય ગુજરાતી વાર્તા-લેખન સ્પર્ધા:2008ની વિગતો માટે : Click Here


શિક્ષણ અને માતૃભાષા – વિનોબા ભાવે


[માતૃભાષા વિશે ગત સપ્તાહે આપણે શ્રી પંકજભાઈ દ્વારા લિખિત ‘ગુજરાતીને ખતમ કરીશું ?’ લેખ નવનીત સમર્પણમાંથી માણ્યો. વાચકોએ પોતાના સુંદર મંતવ્યો રજૂ કર્યા. આ લેખના સંદર્ભમાં વધુ માહિતી મળી રહે તે માટે આજે સંત વિનોબા આપણને માતૃભાષા વિશે શું કહે છે તે જોઈએ. પ્રસ્તુત લેખ ‘શિક્ષણ-વિચાર’ નામના પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે. ]

[1] શિક્ષણનું માધ્યમ વિદ્યાર્થીની માતૃભાષા જ હોઈ શકે.

shikshanvicharશિક્ષણની બાબતમાં એક પ્રશ્ન ભારતમાં ભારે વિચિત્ર પુછાય છે. મને લાગે છે કે આવો પ્રશ્ન દુનિયા આખીમાં બીજે ક્યાંય નહીં પુછાતો હોય. આપણે ત્યાં હજીયે પુછાય છે કે શિક્ષણનું માધ્યમ શું હોય ? શિક્ષણ માતૃભાષા દ્વારા અપાય કે અંગ્રેજી માધ્યમ દ્વારા ?

મને આ સવાલ જ વિચિત્ર લાગે છે ! આમાં વળી પૂછવાનું શું છે ? આમાં બે મત હોય જ શી રીતે, તે મારી સમજમાં નથી આવતું. ગધેડાના બચ્ચાને પૂછવામાં આવે કે તને ગધેડાની ભાષામાં જ્ઞાન આપવું જોઈએ કે સિંહની ભાષામાં, તો એ શું કહેશે ? એ કહેશે કે સિંહની ભાષા ગમે તેટલી સારી હોય, મને તો ગધેડાની ભાષા જ સમજાશે, સિંહની નહીં. એ તો દીવા જેવું સ્પષ્ટ છે કે મનુષ્યનું હૃદય ગ્રહણ કરી શકે એવી ભાષા માતૃભાષા જ છે અને તેના દ્વારા જ શિક્ષણ અપાય. આમાં શંકાને કોઈ સ્થાન નથી. દુનિયામાં એવો બીજો કોઈ દેશ નથી કે જ્યાં શિક્ષણનું માધ્યમ માતૃભાષા નહીં અને બીજી કોઈ ભાષા હોય ! જરા ફ્રાન્સમાં કે જર્મનીમાં કે રશિયામાં જઈને કહો તો ખરા કે તમને તમારી માતૃભાષા દ્વારા નહીં અંગ્રેજી માધ્યમ દ્વારા શિક્ષણ અપાશે ! તમને સાવ મૂર્ખ ગણીને તમારી વાતને હસી કાઢશે !

હું તો ત્યાં સુધી કહીશ કે નાનાં બાળકોને શિક્ષણ એમની પોતાની માતૃભાષામાં આપવાને બદલે પારકી ભાષામાં આપશો, તો એ બાળકો નિર્વીર્ય બનશે, નિર્બોધ બનશે, એમની ગ્રહણશક્તિ બુઠ્ઠી બનતી જશે. તમારે પ્રયોગ કરવો હોય તો ઈંગ્લૅંડમાં જઈને કરી જુઓ ! ત્યાંનાં બાળકોને બધું શિક્ષણ હિંદી કે કન્નડ કે મરાઠી માધ્યમ દ્વારા આપી જુઓ ! ત્યારે તમને ખબર પડશે કે એ બિચારાં બાળકોની બુદ્ધિ પર કેટલો બધો બોજ પડે છે ! એમનાં શરીર ને પ્રાણ જીર્ણ-શીર્ણ થતાં જશે. કૃષ્ણે સાંદીપનિના આશ્રમમાં રહીને વિદ્યા પ્રાપ્ત કરી. પછી ઘરે પાછા ફરતા હતા, ત્યારે ગુરુએ કહ્યું : ‘વર માંગો !’ કૃષ્ણે માંગ્યું – ‘માતૃ હસ્તેન ભોજનમ’ એટલે કે મરતાં સુધી મને માતાના હાથનું ભોજન મળે. હું વિચાર કરું છું કે તે બાળકોની શી વલે થતી હશે, જેમને ક્યારેય માના હાથનું ભોજન ખાવાનું ભાગ્ય સાંપડતું નથી ! ક્યાંક હોટલમાં ખાય છે કે ક્યાંક ભોજનાલયમાં. માના ભોજનમાં માત્ર રોટલો જ નથી હોતો, પ્રેમ પણ હોય છે. એટલા વાસ્તે જ કૃષ્ણે ‘માતૃહસ્તેન ભોજનમ’ એવો વર માંગ્યો. એવી જ રીતે હું એવું માંગું કે, ‘માતૃમુખેન શિક્ષણમ’ એટલે કે માતાને મુખેથી શિક્ષણ મળે. અને એ જ વાત માતૃભાષાને લાગુ પડે છે. બાળકને પોતાની માતૃભાષામાં જ શિક્ષણ મળવું જોઈએ. શિક્ષણનું માધ્યમ તો માતૃભાષા જ હોય. માતૃભાષા દ્વારા જ પહેલેથી છેવટ સુધી બધું શિક્ષણ આપવું જોઈએ. શિક્ષણ માટે અંગ્રેજી માધ્યમની વાત કરવી, એ સો ટકા મૂર્ખામી છે.

વધુ આગળ વાંચો »

Posted by rdgujarati on May 16th 2008 | Filed in વિનોબા ભાવે, સાહિત્ય લેખો | Comments (2)

1770 પ્રકાશિત લેખો.
16960 કુલ પ્રતિભાવો.
સાહિત્ય વિભાગના કુલ વાચકો.
topic index

article index

article index

feedback index

donation

feedback index

આપનો અભિપ્રાય

બાળસાહિત્યની આપની પ્રિય કૃતિ ?

View Results

Loading ... Loading ...

શ્રીમદ્ વિનોદ ગીતા – વિનોદ જાની


[ ભારતીય સાહિત્ય અકાદમી (દિલ્હી) દ્વારા પ્રકાશિત અને શ્રી રતિલાલ બોરીસાગર દ્વારા સંપાદિત ‘અર્વાચીન ગુજરાતી હાસ્યરચનાઓ’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવેલી છે. ]

arvachinhasyarachaoગગજી ડોસા પોતાના દીકરાના દીકરાની દીકરીના લગ્નપ્રસંગે ગામને પાદર આવી પહોંચેલી જાનનું સામૈયું કરવા ગયેલા પોતાના વિરાટ પરિવાર સાથે પોતે અંધ હોઈ નહીં જઈ શકેલા અને ઘર બહારના ઓટલે બેસી બીડી પી રહ્યા હતા. પરિવાર મોટો ને મોટો થતો જતો હતો છતાં જેની આંખ ખૂલી ન હતી તેવા ગગનજીને એટલે પણ ગામના લોકો ‘આંધળો’ કહેતા હતા.

ગામને પાદર આવી પહોંચેલી જાનનું સામૈયું કરવા ગયેલા લોકોમાં ગામનો મગનો વાળંદ પણ હતો. જાન આવી પહોંચી અને સામૈયું થયા પછી જાન જાનીવાસે પહોંચશે ત્યાં વરરાજા, અણવર વગેરેની દાઢી કરવી પડશે એ ખ્યાલે હજામતનાં સાધનોની પેટી મગનો ઘેર મેલીને આવેલો. હજામતનાં સાધનોની પેટીનો વિચાર જેને આવ્યો છે તે વતાશ્રેષ્ઠ (હજામતનિષ્ણાત) મગનો વાળંદ પેટી લેવા ગામમાં પાછો આવ્યો. મગનો આમેય પહેલેથી જ દોઢડાહ્યો તે ઘેરથી હજામતની પેટી લઈને સીધો જાનીવાસે પહોંચવાને બદલે ગગજી ડોસાને જાન આવી પહોંચ્યાના સમાચાર આપવા ગગજીને ઘેર આવ્યો.

મગનાને આવેલો જાણીને ગગજી ડોસા બોલ્યા : ‘હે મગના વાળંદ ! આપણા ગામની ભાગોળે જ્યાં આપણા ગામના કૈંક આશાભર્યા લગ્નવીરોના પાળિયા ખોડાયેલા છે તેવી પવિત્ર શહીદભૂમિમાં લગ્ન કરવાની ઈચ્છાથી આવી પહોંચેલા વરરાજા સાથે વરપક્ષવાળા અને તેમનું સામૈયું કરવા ત્યાં એકઠા મળેલા મારા વિરાટ પરિવાર અને આપણા ગામના નવરા લોકોએ શું કર્યું એ મને વિસ્તારથી કહી સંભળાવ.’
મગનો વાળંદ બોલ્યો : ‘હે ગગજીભા ! સામે જાનનું આવેલું ટોળું જોઈને આપના દીકરાના દીકરા એટલે કે લગ્નોત્સુક કન્યાના પિતા પોપટે સામૈયામાં સાથે રાખેલા ગામના ગોર અને દર અઠવાડિયે નિશાળમાં પરીક્ષા ગોઠવનારા માસ્તર જટાશંકર પાસે પહોંચી જઈને આ વચન કહ્યાં :

વધુ આગળ વાંચો »

વાત એક વિજયની…. – મહેશ યાજ્ઞિક


‘ડાબા હાથે જે ખાંચો આવે એમાં અંદર જજો.’ બપોરે એક વાગ્યે અમદાવાદની હવામાં ઉકળાટ હતો. પાનના ગલ્લાવાળાએ સામે ઊભેલા આગંતુકને વધુ જાણકારી આપવા ઉમેર્યું : ‘પોળના બધાં ઘરમાં દુકાન કે ગોડાઉન બની ગયાં છે. બાકી રહ્યું છે એ એક ઘર ચંદુભાઈ મિસ્ત્રીનું. બારણા ઉપર લોખંડની જાળી બીડેલી છે….’
‘થેંક્યુ…. થેંક્યુ વેરી મચ….’ યુવાને નીચે મૂકેલી સૂટકેસ હાથમાં લીધી અને આગળ વધ્યો. ભરબપોરે પોળની અંદર ખાસ ચહલપહલ નહોતી. વાદળી રંગની રંગેલી જાળી ઉપર એની નજર પડી. જાળી પછી ઓટલો હતો. અંદરનું બારણું બંધ હતું. સૂટકેસ પગ પાસે મૂકીને એણે જાળી ખખડાવી. ‘કોણ ?…’ અંદરના રૂમમાંથી કોઈ વૃદ્ધાએ બૂમ પાડી. જવાબ આપ્યા વગર એણે ફરી વાર જાળી ખખડાવી.
‘આવું છું…..’
પાંસઠેક વર્ષની વૃદ્ધાએ બારણું ખોલ્યું. એના ઊંઘરેટા ચહેરા પર અણગમો તરવરતો હતો. માંડ આંખ મળી હશે એ જ વખતે ખલેલ પડી એ એને નહોતું ગમ્યું. જાળી ખોલ્યા વગર એ ઓટલા પર ઊભી રહી. આછા કથ્થાઈ રંગની ઘસાઈ ગયેલી સાડી, સફેદ વાળની અંબોડી, પાતળો દેહ, કપાળની વચ્ચોવચ્ચ લાલઘૂમ ચાંદલો, સહેજ ચીબું નાક અને ચહેરાના પ્રમાણમાં થોડીક મોટી આંખો. આવનાર યુવકને એ ઓળખી શકી નહીં.

‘કોનું કામ છે ?’ ડોશીએ ફરીથી પૂછ્યું. કંઈ જવાબ આપે એ અગાઉ યુવાનના ખિસ્સામાં મોબાઈલ રણક્યો. સ્ક્રીન ઉપરનું નામ જોઈને એણે જવાબ આપ્યો : ‘વિશ્વાસ રાખ. પહોંચી ગયો છું. સાંભળ…’ એના અવાજમાં આદેશ હતો, ‘વચ્ચે ડિસ્ટર્બ ના કરતી. કામ પતે પછી વાત કરાવીશ.’ એણે મોબાઈલ ખિસ્સામાં સરકાવ્યો. આંખમાં સવાલ લઈને ડોશી હજુ પોતાની સામે તાકી રહી છે એ જોઈને એણે પૂછ્યું, ‘ચંદુભાઈ મિસ્ત્રીનું ઘર આ જ ને ?’
‘હા…’ લગભગ છણકો કરતી હોય એમ ડોશીએ પૂછ્યું : ‘પણ તું છે કોણ ?’
‘તમે ના ઓળખ્યો પણ ચંદુકાકા ઓળખી જશે.’
‘એ કઈ રીતે ઓળખશે ?’
‘ચહેરાના અણસાર ઉપરથી.’
‘એ નહીં ઓળખી શકે. ઓળખશે તોય મને ઓળખાણ નહીં આપી શકે.’ ડોશીના અવાજમાં લાચારી છલકાતી હતી. ‘લકવો થઈ ગયો છે. ઝાડો-પેશાબ પણ પલંગમાં કરાવવા પડે છે. જીભ ઝલાઈ ગઈ છે એટલે બોલી નથી શકતા….’
‘ઓહ ગોડ ! એમની આવી દશા ?’
‘આજકાલ કરતાં બે વર્ષ થઈ ગયાં. નખમાંય રોગ નહોતો. ને ઘડીકમાં તો અડધું અંગ ખોટું પડી ગયું…’ વૃદ્ધાએ જાળીનું બારણું ખોલ્યું. યુવાન અંદર આવ્યો. વૃદ્ધા આગળ વધી એની પાછળ પાછળ એ અંદરના રૂમમાં પહોંચ્યો.

વધુ આગળ વાંચો »

Posted by rdgujarati on May 15th 2008 | Filed in ટૂંકી વાર્તાઓ, મહેશ યાજ્ઞિક | Comments (12)

પુણ્ય પરવાર્યું નથી…. – સંકલિત


[‘અખંડ આનંદ’ માં પ્રકાશિત થતી ‘પુણ્ય પરવાર્યું નથી’ કૉલમમાંથી સાભાર સંકલિત. તમામ સત્યઘટનાઓ છે.]

[1] માનવતાનો અંશ – મીનાક્ષી દેસાઈ

‘અરે તરલામાસી ? તમે ગોંડલથી અહીં રાજકોટ ક્યારે આવી ગયાં ? કેમ છે હવે તમારા પગે ? ઑપરેશન કરાવ્યું હતું ને ?…’ મારાં પાડોશી વિદ્યાબહેનને ત્યાં મારા ફલેટની ચાવી મૂકી હતી તે લેવા ગઈ ત્યારે એમણે તરત જ પૂછ્યું. એમને અટકાવી મેં કહ્યું : ‘હવે ઘણું સારું છે, એક જ ઢીંચણ પરની ઢાંકણી બદલાવવાની હતી ને. મારી ભાણી શર્વરી અને જમાઈ સોહમભાઈનો ખૂબ જ આગ્રહ હતો, વળી જમાઈના મામા ગોંડલના પ્રખ્યાત ‘ઓર્થોપેડિક સર્જન’ – અને વર્ષોથી ત્યાં પ્રેક્ટિસ કરે એટલે જ મેં ગોંડલ એને ઘેર જવાનો વિચાર કર્યો, પણ….’
‘પણ શું ? અરે અહીં ઊભા ઊભા તમારો પગ દુ:ખશે ને ? આવો હીંચકે બેસીએ, ક્યાં સુધી ઊભાં રહેશો ?’
મેં કહ્યું : ‘ઓપરેશન પછી દસ-બાર દિવસ તો આરામ કર્યો, વળી શર્વરીનાં સાસુ મારું ખૂબ જ ધ્યાન રાખે, પણ અહીં આવવાનો વિચાર કરતી હતી, ત્યાં જ મારી ભાણીને સખત એક્સિડંટ થયો. સવારે એના બાબાને શાળાએ પોતાના સ્કૂટર પર મૂકવા ગઈ; પરંતુ બાબાને મૂકીને જ્યાં પરત આવી રહી હતી, ત્યાં જ નવા બનાવેલા રસ્તા પરના ‘બમ્પ’ પરથી એનું સ્કૂટર ‘સ્લીપ’ થઈ ગયું. અને એક બાજુએ પડી, બીજી બાજુ એની પર્સ. આખો ચહેરો – માથું – બધું જ રક્તથી રંગાઈ ગયું. અરે, આંખ બચી ગઈ, પણ એક આંખ નીચે પણ વાગ્યું હતું. બીજી બાજુ એની પર્સ પડી હતી. પ્રભુનો કેટલો પાડ માનીએ કે જાણે એમનો દૂત જ ના મોકલ્યો હોય ? એમ, ત્યાં જ બાજુના સરકારી ચોથા વર્ગના-કર્મચારીઓના રહેણાંક માટેના કવાટર્સમાં એક ડ્રાઈવર લખુભાનું રોડની પાસે જ છેલ્લું રહેણાંક. તે આ જોઈ તરત જ દોડી આવ્યા. શર્વરીને તે સમયે જોકે થોડુંઘણું ભાન હતું, એટલે એણે લખુભાની નિશાની કરી પર્સ બતાવી અને એટલું જ બોલી : ‘અંદર મોબાઈલ છે, આ નંબર…. પર મારા હસબન્ડ ને ફોન’ – અને એણે ભાન ગુમાવી દીધું.

લખુભાનો ફોન આવ્યો કે સોહમભાઈ ગાડી લઈ થોડાઘણા પૈસા સાથે રાખી પાડોશમાં રહેતા એમના મિત્ર રોહિતભાઈને સાથે લઈ, લખુભાએ બતાવેલી જગ્યાએ પહોંચી ગયા. લખુભાએ એ દરમિયાન એની પત્નીને અંદરથી બોલાવી કહ્યું, ‘તું આ બહેન પાસે જ ઊભી રહે, હું સાહેબને બંગલે જઈ જીપ લઈને તરત આવું છું.’ બંગલો નજીક જ હતો. જીપમાં બન્નેએ મળી મારી ભાણીને સુવડાવી, અને એની પર્સ પોતાની પાસે રાખી. સોહમભાઈએ ત્યાં પહોંચી તરત જ લખુભાને કહ્યું : ‘હમણાં તમારી જીપમાં જ એમને રાખો, મારા મામા ડૉ. અલ્પેશભાઈ જોષીનું ક્લિનિક અહીં પાસે જ છે, ત્યાં અમારી સાથે તમે આવી શકશો ?’ તરત જ લખુભા કહે, ‘અરે સાહેબ એ શું બોલ્યા ? આ બહેન તો મારી દીકરી જેવી જ છે ને ? અત્યારે એને જેમ બને તેમ જલદી દવાખાને લઈ જવી જોઈએ. એને દૂર લઈ જવી પડે તો શું હું ના પાડું ?’

વધુ આગળ વાંચો »

એક પ્રેરણાત્મક વક્તવ્ય – અનુ. વિકાસ નાયક


[ યુવા લેખક તેમજ ‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારમાં ‘ઈન્ટરનેટ કૉર્નર’ના કોલમિસ્ટ શ્રી વિકાસભાઈના પુસ્તક ‘મહેક’ માંનો એક લેખ આપણે થોડા મહિનાઓ અગાઉ માણ્યો હતો. આજે માણીએ એ જ પુસ્તકમાંનો વધુ એક સુંદર લેખ, સાભાર.]

[જુલાઈ 2, 2004ના રોજ બેંગલોરના ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટના વિદ્યાર્થીઓ સમક્ષ માઈન્ડ ટ્રી કન્સલ્ટિંગના સી.ઓ.ઓ. (ચીફ ઑપરેટિંગ ઑફિસર) શ્રી સુબ્રોતો બાગ્ચીએ એક વક્તવ્ય આપ્યું હતું. જેનો અનુવાદ અહીં રજૂ કર્યો છે. આખું વક્તવ્ય ત્રણ ભાગમાં સમાવાયું છે અને ત્રણેય ભાગ અહીં પ્રકાશિત કરવામાં આવ્યા છે. ખરેખર ખૂબ પ્રેરણાત્મક વિચારોને આવરી લે છે આ વક્તવ્ય. ચોક્કસ આમાંથી આપણે ઘણુંબધું શીખી શકીએ.]

[ભાગ – 1 ]

થોડા સમય માટે સરકારી સેવક રહી ચૂકેલા મારા પિતાના પાંચ પુત્રોના પરિવારમાં હું સૌથી નાનો હતો. તે વખતે મારા પિતા કોરાપુટ, ઓરિસ્સામાં જિલ્લા રોજગારી અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. આપણે આજે વિચારી પણ ન શકીએ એટલું પ્રાથમિક જીવન હતું તે સમયે. ત્યાં વીજળી ન હતી. નજીકમાં ક્યાંય પ્રાથમિક શાળા ન હતી અને નળમાં પાણીય આવતું ન હતું. પરિણામે હું આઠ વર્ષનો થયો ત્યાં સુધી તો મેં શાળા જોઈ જ ન હતી. મને ઘરે જ થોડું ઘણું શિક્ષણ મળતું.

મારા પિતાની બદલી દર વર્ષે થયે રાખતી. કુટુંબનું રાચરચીલું જીપના પાછલા ભાગમાં સમાઈ જાય એટલું જ હતું. તેથી અમારા કુટુંબને એક સ્થળેથી બીજે સ્થળે જવામાં ખાસ તકલીફ પડતી નહિ. મારી માતા ઘણી ઝડપથી નવી જગ્યાએ ઘરનો સરસામાન ગોઠવી દેતી અને અમારો જીવનપ્રવાહ આમ જ ચાલ્યા કરતો. મારી માતા તે સમયે મૅટ્રિક્યુલેટ હતી જ્યારે તેનાં લગ્ન મારા પિતા સાથે થયાં. મારી માતાનો ઉછેર તે સમયના પૂર્વ બંગાળમાંથી આવેલા શરણાર્થી એવી એક વિધવા સ્ત્રીએ કર્યો હતો.

સરકાર દ્વારા માતા પિતાને તેઓ જિલ્લા રોજગાર અધિકારી હોઈ એક જીપ આપવામાં આવી હતી. તેમની કચેરીમાં કોઈ ગૅરેજ ન હતું તેથી જીપ મારા ઘર સામે જ રહેતી. મારા પિતા ઑફિસે જવા માટે જીપનો ઉપયોગ કરતા નહોતા. તેઓ કહેતા જીપ સરકાર દ્વારા આપવામાં આવેલી એક અતિ કીમતી સ્ત્રોત છે – તેઓ વારંવાર કહેતા કે જીપ ‘તેમની’ (પોતાની) નહોતી, પણ તે સરકારની હતી. તેઓ ભારપૂર્વક તે જીપનો ઉપયોગ ફક્ત તે પ્રદેશના અંતરિયાળ કે દૂરના ભાગમાં જવા માટે જ કરતા અને સામાન્ય દિવસો દરમિયાન કચેરીમાં પગે ચાલીને જ જતા. તેઓ અમને પણ ક્યારેય જીપમાં બેસાડી ક્યાંય લઈ જતા નહિ. અમે એ જીપમાં ત્યારે જ બેસતાં જ્યારે તે જીપ અમારા ઘર સામે ઊભેલી હોય. બાળપણમાં પિતા પાસેથી શીખેલો એ અમારો પહેલો પાઠ હતો – જે આજના કોર્પોરેટ મૅનેજર્સ ખૂબ મહેનત બાદ શીખે છે અને ઘણાં તો ક્યારેય શીખતાં જ નથી !

વધુ આગળ વાંચો »

ન્યાય – કુન્દનિકા કાપડીઆ


[‘કુન્દનિકા કાપડીઆની શ્રેષ્ઠ વાર્તાઓ’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે. ]

બધી વસ્તુઓની વહેંચણી કરી લીધી. અન્યાય કરવો નહોતો, અને સહેવો પણ નહોતો. પાછળથી શ્યામને એમ ન થાય કે પૈસા લઈને ચાલી ગઈ; તેથી બધો જ હિસાબ કરી કાગળ પર લખ્યો. વહેંચણી ક્યા આધારે કરી છે, તેયે લખ્યું. રોકડ બચતના દસ હજાર રૂપિયા કબાટમાં હતા. બૅન્કમાં ફિક્સ્ડ ડિપૉઝિટમાં જમા કરાવવાનું વિચારેલું. પણ એ મુકાય તે પહેલાં પોતાને જવાનું આવ્યું. એમાંથી બરોબર ગણીને પાંચ હજાર લીધા. હાસ્તો, એ કમાઈ ભલે શ્યામની રહી, પણ બચતમાં પોતાનો ભાગ હતો. અડધોઅડધ ભાગ. પોતે કમાતી હોત તો પોતાની આથી ક્યાંય વધારે બચત ન થઈ હોત ? હાઈસ્કૂલમાં શિક્ષિકા હતી. બેત્રણ ટ્યૂશન મળી રહેતાં. સહેજે હજાર રૂપિયા કમાઈ લેતી. પણ લગ્ન થયાં પછી શ્યામે કહ્યું : ‘મને પૂરતા પૈસા મળી રહે છે. તારે શા માટે કમાવા જવું જોઈએ ? એને બદલે તું તને ગમતી બીજી પ્રવૃત્તિ કર.’ એને એ વાત બરોબર લાગી હતી. એક જણ કમાય અને એક જણ ઘર સંભાળે. ડિવિઝન ઑફ લૅબર. બન્નેની સરખી મહેનત, મહેનતનું સરખું મૂલ્ય. આ મૂલ્યની, સમાનતાની વાત તેનામાં છેક નાનપણથી હતી. લગ્ન વખતે તેણે શ્યામને કહેલું : ‘હું એવા પુરુષને પરણવા માગતી હતી જે સ્ત્રીના સ્વતંત્ર વ્યક્તિત્વનો સ્વીકાર કરે, બધી બાબતમાં તેનો સમાન અધિકાર સ્વીકારે. હું બીજું બધું સહી શકું, સૂકો રોટલો ખાઈને રહી શકું, પણ મારા ગૌરવનો ભંગ થાય તે ન સહી શકું.’

શ્યામે એના હાથમાં પોતાનો હાથ મૂક્યો. ‘હું પણ માનું છું કે સ્ત્રીને પાછળ રાખીને સમાજે ઘણું મોટું પાપ કર્યું છે. જીવનનું સર્જન કરવામાં, જીવનને સંવર્ધવામાં, નિભાવવામાં બન્નેની સરખી જરૂર પડે છે, પછી એક કરતાં બીજું ઊંચું કે નીચું એવો સવાલ જ રહેતો નથી.’ આનંદથી રાધિકાએ લગ્નજીવનમાં પ્રવેશ કર્યો. સરસ રીતે ઘર ચલાવ્યું. સંગીત શીખવાનું મન હતું તે માટેના વર્ગો શરૂ કર્યાં. રંગોળીની ડિઝાઈન કરવાનું ગમતું. ડિઝાઈનની એક પુસ્તિકાયે છપાઈ. બધું સરસ છે તેમ લાગતું હતું પણ –
શ્યામની વાત કંઈક જુદી બની.
શરૂમાં તો લાગેલું કે તેનેય ખૂબ આનંદ છે. સાંજે સમયથી વહેલો ઘેર આવી જતો, હજુ રાધિકા તૈયાર પણ ન થઈ હોય કે પાછળથી આવી આંખ દાબતો. એ આંગળાં પકડતી તો હાથ ચૂમી લેતો. સાથે જમતાં. સાથે ફરવા જતાં. આખા દિવસની નાનીમોટી વાતો એકબીજાને માંડીને કહેતાં. શ્યામ ઑફિસની વાત કરે તો રાધિકા ધ્યાનથી સાંભળતી. રાધિકા, એકાદ નવી ડિઝાઈન ફરી ફરી સુધારા કરીને બનાવી હોય, તે તેને સમજાવે ત્યારે શ્યામ તલ્લીન થઈ તે નીરખતો.

વધુ આગળ વાંચો »

એક નદીની સાથે યાત્રા – અમૃતલાલ વેગડ


vaakdhara[ગત વર્ષે એટલે કે અસ્મિતાપર્વ-10 માં ‘પ્રવાસવર્ણન’ વિષય અંતર્ગત અપાયેલ લેખક શ્રી અમૃતલાલભાઈનું વક્તવ્ય ‘અસ્મિતાપર્વ વાકધારા સંપુટ : ભાગ-10’ માંથી સાભાર. ટૂંકા સમયમાં વિક્રમજનક વેચાણ ધરાવતા 2200 પૃષ્ઠના આ સંપુટને મેળવવા માટે સંપર્ક કરો : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. અથવા ‘ધ બૂક પોઈન્ટ’ 41-41-43, શ્રીજી આર્કેડ, આનંદમહેલ રોડ, અડાજણ, સુરત-9. ફોન : +91 261 2744231 ]

એક વાર નારદ વિષ્ણુને મળવા ગયા. વાતો પૂરી થતાં જવા લાગ્યા, ત્યાં વિષ્ણુએ કહ્યું કે નારદ, તારું પંચાગ જોઈને એ તો કહે કે વર્ષાનો શો યોગ બને છે ? પંચાંગ જોઈને નારદે કહ્યું કે, પ્રભુ, વર્ષાનો દૂર દૂર સુધી કોઈ યોગ નથી બનતો. આટલું કહીને નારદ ચાલતા થયા. પરંતુ હજી તો શેરીના નાકે માંડ પહોંચ્યા હશે કે મુશળધાર વરસાદ તૂટી પડ્યો. ભીંજાતા-ભીંજાતા નારદ પાછા આવ્યા. વિષ્ણુએ હસતાં હસતાં કહ્યું કે નારદ, હમણાં જ તો તું કહેતો હતો કે વર્ષાનો દૂર દૂર સુધી કોઈ યોગ નથી, પછી આમ કેમ થયું ? નારદે કહ્યું કે, પ્રભુ, મેં પંચાંગની વાત કહી હતી, આપના મનની નહીં. આખરે થશે તો એ જ, જે આપના મનમાં હશે. સજ્જનો, મારા મનના પંચાંગમાં દૂર દૂર સુધી નહોતું લખ્યું કે વિદ્વાનોની આવી પ્રતિષ્ઠાપૂર્ણ સભામાં બોલવાનો અવસર મને મળશે, તેય પૂ. મોરારિબાપુની ઉપસ્થિતિમાં. પરંતુ થશે એ નહીં જે મારા પંચાગમાં લખ્યું હશે, થશે એ જે પ્રભુના મનમાં હશે.

amrutlalગુજરાતમાં જો કોઈ મને એક દિવસ માટે બોલાવે તો હું ચાર દિવસ માટે આવું. અને આમ હું અકારણ નથી કરતો. અહીં આવીને હું આપ સૌની મીઠી ગુજરાતી ધ્યાનથી સાંભળું. મારાં ખરબચડાં ઉચ્ચારણ સુધારું. મારી વ્યાકરણની ભૂલો દૂર કરું. ભુલાઈ ગયેલા શબ્દોને નવેસરથી શીખું. ટૂંકમાં, અહીં આવવાથી મારો ગુજરાતીનો રિફ્રેશર કોર્સ થઈ જાય છે. મારી ગુજરાતી તાજીમાજી થઈ જાય છે. સજ્જનો, મારા 79 વર્ષના જીવનમાં ગુજરાતમાં મને કુલ ત્રણ વર્ષ રહેવા મળ્યું છે અને તેય એકસાથે નહીં. મારી ગુજરાતીની કુલ મૂડી આટલી. પરંતુ માતાના ધાવણની સાથે મળતી માતૃભાષાને વર્ષોની સંખ્યાથી ઝાઝી નિસબત નથી હોતી.

માણસ મૂળે તો યાયાવર હતો. આદિમાનવનું કોઈ ઘર નહોતું. શિકારની શોધમાં એ નિરંતર પ્રવાસ કરતો રહેતો. ખરી રીતે તો માણસ બહાર રહેવા માટે સર્જાયો છે, ઠીક એ રીતે જે રીતે પક્ષીઓ, પુષ્પો અથવા વૃક્ષો બહાર માટે સર્જાયાં છે. જરા ઘરની બહાર રમતાં નાનાં બાળકોના આનંદને જુઓ ! પરંતુ આધુનિક જીવનના દબાણને લીધે આપણને ઘરોમાં અને ઑફિસોમાં ગોંધાઈ રહેવું પડે છે. તેમ છતાં આપણે વચ્ચે વચ્ચે ઘરોમાંથી બહાર નીકળીએ છીએ અને નાના-મોટા પ્રવાસો કરીએ છીએ. આપણા પૂર્વજોની ભટકુવૃત્તિનો કોઈ અંશ આપણામાં પણ જળવાઈ રહ્યો છે. જીવન માટે ઘર પૂરતું નથી. જો આપણે ઘર છોડીને બહાર ન નીકળીએ તો સાહસનો અનુભવ નહીં થાય. દુનિયામાં ઘૂમવાનો અર્થ છે – ખતરાનો સામનો કરવો. જોખમ ખેડવું. ગુજરાતની સમૃદ્ધિમાં ગુજરાતીઓની દરિયો ખેડવાની ને દૂર દૂર દેશોમાં જઈને વસવાની સાહસવૃત્તિનો બહુ મોટો ફાળો છે.

વધુ આગળ વાંચો »

Posted by rdgujarati on May 13th 2008 | Filed in અમૃતલાલ વેગડ, પ્રવાસવર્ણનો | Comments (5)

મોટાં બેન – ડૉ. દેવચંદભાઈ યોગી


[‘સુગરીના માળા’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

sugharimalaરંગપુર સ્ટેશન આવ્યું. ગાડી ઊભી રહી. રાધા ગાડીમાંથી ઊતરી. સ્ટેશન નાનું હતું. સવારનો પ્હોર હતો. ઉતારુઓની સંખ્યા વધારે નહોતી. રાધા ઉતારુઓમાં જુદી તરી આવતી હતી. તેના હાથમાં બેગ હતી. રાધા ટિકિટ આપી સ્ટેશન બહાર નીકળી. ગામ સ્ટેશનથી થોડે દૂર હતું. એક સ્ત્રી રાધા પાસે આવી અને કહ્યું : ‘બુન ! ચ્યાં જવું છ. લાઓ બેક લઈ લઉં ?’

રાધાએ બેગ એના હાથમાં આપી. બંને ચાલવા લાગ્યાં. આગળ પેલી સ્ત્રી અને પાછળ રાધા.
‘મારે ગુજરાતી નિશાળમાં જવું છે. તેં નિશાળ જોઈ છે ને ?’
‘ચ્યમબુન ! ગામમાં વસીએ અને નેંહાળ નંઈ જોઈ હોય ?’
‘નિશાળ કેટલે દૂર છે ?’
‘ગામની ઓલિ મેંર. આંયથી પંનરવીહ મિલટનો રસ્તો છે.’
‘તારું નામ શું ?’
‘રામલી !’
‘રામી ! નિશાળમાં ઉપરી કોણ છે ?’
‘નેંહાળનાં ઉપરી મોટાં બુન છ. એ બઉ ભલાં છ. એ આયાં ત્યારે ઈમને મેલવા પણ હું જ જઈ’તી’

ગામ આવ્યું. નિશાળે જવાનો રસ્તો ગામ વચ્ચે થઈને પસાર થતો હતો. લોકોની નજર રાધા તરફ ખેંચાયા વિના ન રહી. ગામ પાર કરી બંને શાળાના દરવાજા આગળ આવ્યાં. મુખ્ય દરવાજો બંધ હતો. શાળામાં એક માણસ દાખલ થઈ શકે તેવો બીજો નાના દરવાજો હતો. દરવાજા ઉપર બોગનવેલની કમાન વાળેલી હતી. નાને દરવાજેથી બંને શાળાના કંપાઉન્ડમાં દાખલ થયાં. શાળાનું કંપાઉન્ડ વિશાળ હતું. વચ્ચે શાળાનું મકાન હતું. દરવાજાથી શાળા સુધી સુંદર રસ્તો બનાવેલો હતો. રસ્તાની બંને બાજુ કેવડાની હારો હતી. અંદરની બાજુની પટ્ટીઓમાં બારમાશી, ઝીનીયા, ડમરો, તુલસી, કોસમોસ, ગિલોરિયા અને બીજા વિવિધરંગી ફૂલછોડ હતા. આ ઉપરાંત ચાંદની હતી, બોટલબ્રશ હતાં, પારિજાતક હતાં, રાતરાણી હતી.


વધુ આગળ વાંચો »

સ્વાર્થમાં નિ:સ્વાર્થ – વેતાળ કથા


[પ્રસ્તુત બાળવાર્તા ‘ચાંદામામા’ એપ્રિલ-08 સામાયિકમાંથી સાભાર લેવામાં આવી છે. બાળકોના આ લોકપ્રિય સામાયિકની માહિતી હવે તેમની આ વેબસાઈટ http://www.chandamama.com પર ઉપલબ્ધ છે.]

chandamamaધુનમાં પક્કા એવા વિક્રમાદિત્ય ફરીથી વૃક્ષની પાસે ગયા અને વૃક્ષ ઉપરથી શબને ઉતારી, તેને પોતાના ખભા પર નાખી દીધું અને સ્મશાન તરફ આગળ વધવા લાગ્યા. ત્યારે શબની અંદર રહેલા વેતાળે કહ્યું : ‘રાજન, આ ભયંકર સ્મશાનમાં બેધડક ફરી રહ્યો છે, પણ હું તે નથી જાણતો કે તું તારા સ્વાર્થની પૂર્તિને માટે આમ કરી રહ્યો છે કે નિ:સ્વાર્થ લક્ષ્યને સાધવા માટે આટલો પરિશ્રમ કરી રહ્યો છે. પણ લોક વ્યવહાર શૈલીને ધ્યાનથી જોતા એ સ્પષ્ટ થાય છે કે સ્વાર્થને કેન્દ્રબિંદુ બનાવીને ઘણી વખત મનુષ્ય વ્યવહાર કરે છે, તેને જ પૂર્ણ કરવા માટે પોતાનું બધું જ જોર લગાવે છે. નિ:સ્વાર્થતા, પરમાર્થતા, પરોપકાર વગેરે બહાનું જ માત્ર છે. તે માસૂમ મનુષ્યોને જાળમાં ફસાવવા માટે જ છે. દગાબાજો પોતાના સ્વાર્થને માટે તેનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે તને સજીવ નામના એક વૈદની વાર્તા સંભળાવીશ ધ્યાનથી સાંભળ અને તમારા લક્ષ્યનો નિર્ણય કર. એમ કહી વેતાળ સજીવની વાર્તા આમ સંભળાવવા લાગ્યો.

રસપુર વિરુપદેશનું એક નાનું શહેર હતું. ત્યાંના વેપારી રત્નાકરને ત્રણ દીકરા હતા. મોટા બન્ને દીકરાઓના લગ્ન થઈ ગયા હતા અને તે વેપારમાં પિતાને મદદ કરવા લાગ્યા. જોકે ત્રીજો દીકરો વીસ વર્ષની ઉંમરનો થઈ ગયો, તે છતાં પણ વેપારમાં તેને કોઈ રસ ન હતો. ઉલટો જે પણ તેની પાસે ધનની મદદ માગતા તેને કંઈ પણ વિચાર્યા વગર આપી દેતો હતો. મોટા તેમજ નાના બધાજ મીઠી મીઠી વાતો કરીને તેને બહેકાવતા હતા અને તેની પાસેથી ધન પડાવતા હતા. ઘરના લોકોને તે જરાય ગમતું ન હતું. રત્નાકર દીકરાના આવા લક્ષણથી ખૂબ હેરાન હતો. પત્નીએ સલાહ આપી કે જો તેના લગ્ન કરી દેવાય chandamam2તો કદાચ તે સુધરી જાય. રત્નાકરના એક મિત્રે તેને કહ્યું, ‘સજીવનું હૃદય ખૂબ કોમળ છે. તેનામાં દયા, પરોપકાર વગેરે ગુણો ભર્યા પડ્યા છે. પરંતુ દુ:ખની વાત તો એ છે કે તેનામાં લોક જ્ઞાનનો અભાવ છે. મારી દીકરી મનોરમા દયાળુ છે પણ તેનામાં લોકજ્ઞાન છે. તે ખૂબ અક્કલવાળી પણ છે. તેની સાથે જો સજીવના લગ્ન કરાવશો તો તેનામાં ઘણો સુધારો આવી જશે.

રત્નાકરે તેની સલાહ માની લીધી અને જલદી મનોરમા સજીવની પત્ની બની. પિતાની વાતને સાચી બનાવતા તેણે બહુ થોડા સમયમાં સજીવનું હૃદય જીતી લીધું. તે જે પણ કહેતી તેને સજીવ માની લેતો હતો. તેણે એક દિવસ પતિને કહ્યું, ‘તમે ઘણા દયાળુ છો. જે પણ તમારી પાસે મદદ માંગે છે, તેને ધન આપીને મદદ કરો છો. ઘરના બધા લોકો એમ કહે છે કે તમે જેને પણ દાન આપો છો, તેનાથી કોઈ સુખી નથી થયું. તમારે સાબિત કરવું પડશે કે તેમની વાત સાચી નથી અથવા તો તમારી પદ્ધતિમાં પરિવર્તન લાવો અને ઘરના લોકોને સંતોષ આપો.’ સજીવે તેનો પડકાર સ્વીકાર્યો અને તે પહેલાં સંજયને ઘેર ગયો, જેને તેણે ધન આપીને મદદ કરી હતી. ત્યારે સંજય પોતાના ઘરના ચબૂતરા પર નિરાશ થઈને બેઠો હતો. સજીવને જોતાં જ તેણે કહ્યું, ‘તેં જે રકમ આપી હતી તેમાંથી કાલે જ મારા ઘરમાં પકવાન બન્યા હતા. અમે બધા તે ખાઈને કુશળ છીએ, પણ મારા પિતા તથા મારા નાના દીકરાને અપચો થઈ ગયો અને ખોરાક હજમ ના થયો. વૈદે દવા આપી તેથી મારા નાના દીકરાની તબીયત તો બરાબર થઈ ગઈ પણ મારા પિતા હવે બીમાર થઈ ગયા. વૈદે ત્રણ દિવસ સુધી તેમને ઉપવાસ રાખવા માટે કહ્યું. પિતાજી નારાજ થઈને રકમ આપનારા એવા તને અને પકવાન બનાવનાર મને સતત ગાળો આપ્યા કરે છે.’

વધુ આગળ વાંચો »

Posted by rdgujarati on May 12th 2008 | Filed in બાળસાહિત્ય | Comments (8)

ફાસ્ટફૂડ – કૃષ્ણ દવે


[કૃષ્ણભાઈનું પ્રસ્તુત કાવ્ય પહેલી નજરે કંઈક રમૂજ પમાડે એવું જરૂર લાગે, પરંતુ ધ્યાનપૂર્વક વિચારતા પ્રત્યેક પંક્તિ પાછળ રહેલો કવિનો આક્રોશ આપણને સ્પર્શ્યા વગર રહી શકતો નથી. જમાના પ્રમાણે ચાલવાની દોડમાં વ્યક્તિ ન તો પોતે પોતાના ખોરાક પ્રત્યે સભાન છે કે ન તો પોતાના પહેરવેશ પ્રત્યે. ઘોંઘાટિયા બેસૂરા અવાજોને તે ‘સંગીત’ સમજી બેઠો છે. બસ, દુનિયાની સ્પર્ધામાં ટકી રહેવા એ તો રાત-દિવસ દોડી રહ્યો છે. પોતાને શું પામવું છે અને ક્યાં જવું છે તેની કંઈ જ ખબર નથી – આ વ્યથાથી પીડાતું કવિહૃદય લખી ઊઠે છે કે ‘જાવ ફાસ્ટફૂડ ખાવ….’ આ સુંદર કાવ્ય રીડગુજરાતીને મોકલવા માટે કૃષ્ણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો +91 9426563388 અથવા krushnadave@yahoo.co.in પર સંપર્ક કરી શકો છો.].

લીમડાને આવી ગ્યો તાવ
લીમડાના દાદા ક્યે કહી કહી ને થાકી ગ્યો,
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.

ટી-શર્ટ ને જીન્સવાળી માંજરી બિલાડી ક્યે આપણને દૂધ નહીં ફાવે !
પીત્ઝા ને બર્ગરની આખ્ખી આ પેઢીને રોટલી ને શાક ક્યાંથી ભાવે ?
વર્ષોથી બોટલમાં કેદી થઈ સડતા એ પીણાને પીવો ને પાવ.
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.

અપ ટુ ડેટ કાગડા ને કાગડીયું માઈકમાં મંડી પડ્યા છે કાંઈ ગાવા !
કંઈ પણ ભીંજાય નહી એવા ખાબોચીયામાં નીકળી પડ્યા છો તમે ન્હાવા ?
કૂંપળના ગીત લીલા પડતા મૂકીને ગાવ રીમિક્સના ગાણાઓ ગાવ.
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.

કાન એ કંઈ થૂંકવાનો ખૂણો નથી કે નથી પેટ એ કંઈ કોઈનો ઉકરડો,
આપણા આ ચહેરા પર બીજાના નખ્ખ શેના મારીને જાય છે ઉઝરડો ?
માંદા પડવાનું પોસાય કદિ કોઈને’ય સાંભળ્યા છે ડૉક્ટરના ભાવ ?

લીમડાને આવી ગ્યો તાવ
લીમડાના દાદા ક્યે કહી કહી ને થાકી ગ્યો,
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.

Posted by rdgujarati on May 12th 2008 | Filed in કાવ્યો અને પદ્ય | Comments (13)

Next »