રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા : 2009 – તંત્રી
પ્રિય વાચકમિત્રો,
ઈશ્વરકૃપાથી ફરી એકવાર, પ્રતિ વર્ષથી જેમ ‘રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા’ આવી પહોંચી છે જેનો વધારે ને વધારે પ્રમાણમાં સર્જકમિત્રો લાભ ઉઠાવે તેવી નમ્ર વિનંતી છે.
મોટે ભાગે આપણે સહુ એમ માનતા હોઈએ છીએ કે લેખન બહુ ઊંચા પ્રકારની કલા છે અને એ તો જેને કુદરતી બક્ષિસ હોય એ જ લખી શકે ! ઘણા લોકો એમ માનતા હોય છે કે વાર્તા લખવી એ કંઈ આપણું કામ નહીં ! પણ હકીકતે વાત એમ નથી. લેખન કલાના અનેક સ્તરો છે. ભલે આપણે બહુ ઊંચા સ્તર સુધી પહોંચી ન શકીએ પરંતુ આપણા જીવનને ઘડતા વિચારોની અભિવ્યક્તિ તો આપણે કરી જ શકીએ. વ્યક્તિમાં રહેલી અભિવ્યક્તિને બહાર લાવવાનું સૌથી સરળ માધ્યમ ‘વાર્તા-લેખન’ છે. આપણી આસપાસ બનતી અનેક ઘટનાઓ, આપણે લેખક બન્યા વગર પણ સુંદર રીતે વર્ણવી શકીએ છીએ. અને આ વર્ણવવાનું એટલા માટે છે કે જેથી આપણને કોઈક ઘટનામાંથી કોઈ સંદેશ મળ્યો હોય તો એ આપણે બીજા સુધી પહોંચાડી શકીએ. એમ તો, આજથી અમુક વર્ષો પહેલા ફોટો પાડવો એ પણ બહુ અઘરી વાત ગણાતી હતી. કોઈને કેમેરો વાપરતાંય નહોતું આવડતું ! આજે વાત સાવ જુદી છે. ફોટોગ્રાફી ત્યારેય કલા હતી અને આજે પણ છે. પરંતુ આજે સામાન્ય માનવી પોતાને આવડે એ રીતે, પોતાની ક્ષમતા અનુસાર જાતે ફોટા પાડી જ શકે છે. બસ, એવું જ વાર્તાનું પણ છે. તેથી એવા ભ્રમમાં રહેવું યોગ્ય નથી કે વાર્તા લખતા તો ફક્ત લેખકને જ આવડે ! સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પોતાની ક્ષમતા અનુસાર પોતે અનુભવેલી ઘટનાને વાર્તા સ્વરૂપે વ્યક્ત કરી શકે છે.
ભવિષ્યના વર્ષોમાં લેખનને લોકો એક થેરાપી કહે તો નવાઈ નહીં ! લેખન એ હળવાશ મેળવવાનું એક સાધન છે. જે માણસ લખે છે હળવો રહી શકે છે. મનોવૈજ્ઞાનિકો પણ હવે તેને સમર્થન આપે છે. જે પોતાની વ્યથા, ભાવ, લાગણીઓને કાગળ પર ઠાલવતાં શીખી જાય છે તે અનેક માનસિક રોગોથી બચી જાય છે. સારું લેખન લખનારને તો બચાવે જ છે પરંતુ વાંચનારના જીવનમાં પણ નવો પ્રકાશ પાથરે છે. આથી, લેખન એ આજના સમયનું બહુ આવશ્યક માધ્યમ છે. માણસ લખે છે એટલો સમય તે પોતાના મન સાથે સંવાદની કળા સાધે છે. જેનો મન સાથે સંવાદ સધાઈ જાય એનો પછી જગત સાથેનો સંવાદનો તંતુ તૂટતો નથી. હાલનો યુગ એવો છે કે માણસે હળવાશમાં રહેવા માટે કોઈને કોઈ સાધનનો સહારો લેવો જ રહ્યો. જો હકીકતે એમ જ હોય, તો આ લેખનકલા શું ખોટી ?
વધુ આગળ વાંચો »
આજે વિરામ – તંત્રી
પ્રિય વાચકમિત્રો,
કેટલાક લેખોની સમીક્ષા, સંપાદન તેમજ લેખનનું કાર્ય ચાલી રહ્યું હોઈ આજે વિરામ લઈશું. આથી, આજના બે લેખો પ્રકાશિત થઈ શકશે નહિ. આવતીકાલથી રાબેતા મુજબ આપણે નવા લેખો માણીશું. ત્યાં સુધી અગાઉ પ્રકાશિત થયેલા લેખો વાંચવા માટે આપ અનુક્રમણિકા નો ઉપયોગ કરી શકો છો. સર્વ લેખક-વાચકમિત્રોના સહકાર માટે અગત્યના મુદ્દાઓ :
[1] લેખકોને નમ્ર વિનંતી કે તેઓ નવલકથા અથવા કોઈ પણ પ્રકારના સળંગ-ધારાવાહી પુસ્તકો ન મોકલે. રીડગુજરાતીના સ્વરૂપને ધ્યાનમાં રાખીને ટૂંકી વાર્તાઓ, પ્રવાસવર્ણનો, બાળવાર્તાઓ કે સંક્ષિપ્ત ગદ્ય-પદ્ય સાહિત્ય મોકલવા વિનંતી. આપના પુસ્તક સાથે આપનો ફોન નંબર અને શક્ય હોય તો ઈ-મેઈલ સરનામું મોકલવા વિનંતી.
[2] વાચકોને નમ્ર વિનંતી કે પોતાનો પ્રતિભાવ લેખના સંદર્ભમાં લખવાનો આગ્રહ રાખે. કોઈ પણ લેખના પ્રત્યેક પ્રતિભાવનો વારંવાર જવાબ ન આપતાં પોતાના મૌલિક વિચારો ટૂંકમાં રજૂ કરે. લેખને અનુરૂપ માહિતી કે સંદર્ભ માટે વેબલીન્ક જરૂરથી આપે પરંતુ ફક્ત વ્યક્તિગત વેબસાઈટની જાહેરાત માટે પ્રતિભાવ વિભાગનો ઉપયોગ કૃપયા ન કરવો.
[3] આપનો પ્રતિભાવ લેખના વિષયને અનુરૂપ હોય તે ઈચ્છનિય છે. ચર્ચા, કે વિવાદના વિષયોને દૂર રાખીને આપણે આ માધ્યમનો સંવાદ માટે ઉપયોગ કરીએ.
[4] નવોદિત સર્જકો એ પોતાની કૃતિ પ્રકાશિત થયા પછી અન્ય નવી રચનાઓ આશરે એકાદ મહિનાની સમય અવધિ પછીથી મોકલવા વિનંતી. અન્ય સોફટવેરમાં ટાઈપ થયેલી કૃતિ સાથે જરૂરી ફોન્ટ એટેચમેન્ટ થી મોકલવા.
લિ.
તંત્રી, રીડગુજરાતી
મૃગેશ શાહ
સર્વરને થઈ શરદી ! – તંત્રી
પ્રિય વાચકમિત્રો,
કહેવાય છે કે કોઈ પણ આદતને તમે 21 દિવસ સુધી નિયમપૂર્વક અનુસરો એટલે તે રોજિંદી ટેવ બની જાય. એકવાર કોઈ આદત ટેવ બને એટલે તમારે એને નિયમિતપણે અનુસરવી પડે. એટલે જ આપણે ત્યાં પુસ્તકોના નામ ’21′ નંબર પરથી પસંદ કરવામાં આવ્યા છે જેમ કે : ’21 અપેક્ષિત પ્રશ્નસંગ્રહો’, ‘Teach yourself in 21 days’ વગેરે વગેરે….જો 21 દિવસની આદત નિયમનું રૂપ ધારણ કરી લેતી હોય તો પછી બે-ત્રણ વર્ષના નિયમિત વાંચનની ટેવ તો કેવી અદ્દભુત કેળવાઈ ગઈ હોય ! …અને નિયમિતરૂપે રોજ સવારે રીડગુજરાતી ખોલતાં એક દિવસ અચાનક જ ‘website unavailable’ આવે તો આખો દિવસ કેવો જાય તે સમજી શકાય એવું છે ! અખબાર વિના સવારની ચા પીવા જેવું થાય !!
આપની જેમ મેં પણ ગઈકાલે સવારે રીડગુજરાતી ખોલવા પ્રયત્ન કર્યો તો સર્વરને જાણે શરદી થઈ હોય એમ : ‘Page can not be dispalyed” નો સંદેશો મળ્યો અને પછી શરૂ થઈ એક લાંબી કસરત. વિવિધ પ્રકારના રિપોર્ટ ચકાસતા ખબર પડી કે સર્વરને આ તકલીફ 9 કલાકથી થઈ હતી. કેમ થઈ હતી ? શું કરતાં આમ થયું ? તો જાણવા મળ્યું કે “Your VPS is consuming too much resource on node and hence blocked for sometime. There is some script leakage on your site” આ તો પાણીની પાઈપમાં કાણું શોધવાનું હોય એવી વાત થઈ ! વેલ, આ તકલીફ ઉકેલવા માટે હમણાં સાઈટ પર કેટલીક સુવીધાઓ સ્થગિત કરવામાં આવી છે જેથી કઈ સ્ક્રિપ્ટને લીધે સર્વરને શરદી થઈ જાય છે એનો ખ્યાલ આવે ! માણસને જેમ અમુક વસ્તુની એલર્જી હોય એમ હવે આ સર્વરને શેની એલર્જી છે એ શોધવાનું છે ! જો કે હમણાં તો એન્ટીબાયોટિક આપી છે એટલે સાઈટ બંધ નહીં થાય, પરંતુ વિવિધ પ્રકારની ચકાસણી કરવા માટે કદાચ તેને થોડો સમય બંધ કરવી પડે તેવી શક્યતાઓ છે જેથી તકલીફના મૂળ સુધી પહોંચી શકાય. વાચકોને અસુવિધા ન થાય એ માટે આ ટેસ્ટિંગ માટે ભારતીય સમય પ્રમાણે બપોરનો 2 થી 3નો ગાળો પસંદ કરવામાં આવ્યો છે. જરૂર પડે તો આ સમયગાળા દરમિયાન થોડા વખત માટે સાઈટને બંધ કરવામાં આવશે.
આ સાથે વાચકોને એ પણ જણાવવાનું કે જ્યારે આવી કોઈ તકલીફ હોય તો એનો સંદેશો આપ સુધી સરળતાથી પહોંચાડી શકાય તે માટે હોમપેજ પર ડાબી બાજુ રાખવામાં આવેલી ‘subscribe’ ની સુવિધાનો લાભ લેશો. આપનું ઈ-મેઈલ એડ્રેસ તેમાં રજિસ્ટર્ડ કરાવી લેવા વિનંતી. આ સુવિધા દ્વારા આપને વિશિષ્ટ લેખ, અગત્યની મુલાકાતો, સર્વર મેઈન્ટેનન્સ વગેરે વિશે અગાઉથી જાણ કરવામાં આવે છે. જે વાચકોએ આ સુવિધામાં નામ ન નોંધાવ્યું હોય તેઓ કૃપયા સત્વરે નોંધાવી લેશો.
ટેકનિકલ ક્ષેત્રના નિષ્ણાત વાચકો તરફથી સૂચનો આવકાર્ય છે. લેખોનું પ્રકાશન નિયમિતરૂપે ચાલુ રહેશે. વાચકોને પડેલી તકલીફ બદલ ક્ષમા. આપના સહકારની અપેક્ષા સહ,
લિ.
મૃગેશ શાહ.
તંત્રી, રીડગુજરાતી.
આદિલ મન્સૂરી સાહેબનું દુ:ખદ નિધન – તંત્રી

ગુજરાતી ગઝલના શિરમોર સમા ગઝલકાર આદરણીય આદિલ મન્સૂરી સાહેબનું થોડા કલાકો પહેલાં ન્યુજર્સી ખાતે દુ:ખદ નિધન થયું છે. તેમના નિધનથી ગુજરાતી ગઝલક્ષેત્રે ન પૂરાય તેવી ખોટ પડી છે. તેઓ શ્રી 72 વર્ષનાં હતાં. અલ્લાહ તેમના આત્માને પરમ શાંતિ આપે તેવી રીડગુજરાતી તરફથી પ્રાર્થના. આવો, તેમને તેમની જ સુપ્રસિદ્ધ ગઝલ દ્વારા શ્રદ્ધાંજલી અર્પીએ….
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.
ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.
રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.
વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.
વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
નૂતન વર્ષના વધામણાં – તંત્રી

આજથી શરૂ થતા વિક્રમ સંવત 2065ની સૌ વાચકમિત્રો, લેખકો તેમજ પ્રકાશકોને શુભકામનાઓ અને સૌને નૂતન વર્ષાભિનંદન. આ નવું વર્ષ આપ સૌને સુખદાયી, ફળદાયી, હૃદયથી પ્રસન્ન કરનારું અને પ્રેમપૂર્ણ નીવડે તેવી પ્રભુપ્રાર્થના. રીડગુજરાતીના વિશ્વવ્યાપી તમામ વાચકમિત્રોને મારા સાલમુબારક.
આનંદ, ઉલ્લાસ અને ઉત્સાહનું આ પર્વ આપણને કેટલીક ઉત્તમ સાહિત્યકૃતિઓનું આજે સ્મરણ કરાવે છે; કારણ કે રંગોળીના રંગ જેવી રીતે ઘરનું આંગણ સજાવે છે, દીપ અંધકારને દૂર કરીને પ્રકાશ ફેલાવે છે – તેવી જ રીતે સાહિત્ય પણ આપણા જીવનમાં રહેલો અજ્ઞાનનો અંધકાર દૂર કરીને તેમાં પ્રસન્નતા, ઉત્સાહ અને નવચેતનાના રંગો પૂરે છે. ઉત્સવો માનવીને માનવીની નજદીક લાવે છે અને એ જ રીતે સાહિત્યનું કામ પણ માનવીને માનવી સાથે જોડવાનું છે. નવું વર્ષ જેવી રીતે જૂની વાતો ભૂલીને પ્રકાશના પંથે આગળ વધવાનો સંકેત કરતું હોય છે, બરાબર તેવી રીતે સાહિત્ય પણ સર્જકને પ્રતિપળ નવસર્જનનો માર્ગ દેખાડતું હોય છે. આ પર્વની સાહિત્ય સાથે આવી સામ્યતા છે.
વર્ષ દરમિયાન રીડગુજરાતી પર પ્રકાશિત થયેલા આશરે 700 જેટલા નવા લેખોમાં આપણે સૌએ ભેગા મળીને જીવનના કેટકેટલા વિવિધ રંગોનું દર્શન કર્યું ! ક્યારેક ખડખડાટ હસ્યા તો ક્યારેક આંખોના ખૂણા ભીના બન્યાં. કોઈકવાર બાળપણના સ્મરણોમાં ઝબોળાયા તો વળી કોઈવાર કલ્પનાના રંગે રંગાયા. ક્યારેક વિસ્મયનો અનુભવ થયો તો ક્યારેક રોમેરોમ રોમાંચ વ્યાપ્યો ! મને એમ લાગે છે કે આ સઘળા રંગો સાથે કોઈક એક લેખ આપણને એવો ચોક્કસ મળ્યો હશે કે જેણે આપણા જીવનને દીપ સમાન પ્રકાશિત કર્યું હોય. આપણે જ્યાં મૂંઝાયા હોય અથવા અટક્યા હોય ત્યાં માર્ગદર્શન આપ્યું હોય…. ઘડીક આપણી ચેતનાને હલાવી મૂકી હોય…. અણીના સમયે આપણો હાથ ઝાલ્યો હોય…. જેણે આપણા જીવનમાં પ્રકાશ પાથર્યો હોય તેવી કોઈક કૃતિનું સ્મરણ કરવાનું આ પર્વ છે. તેના સંવેદનો ઝીલીને, જીવનમાં આત્મસાત કરીને શરૂ થયેલા નૂતન વર્ષને અંતરના ઉત્સાહથી વધાવવાનો આ તહેવાર છે.
વધુ આગળ વાંચો »
રીડગુજરાતીની મોબાઈલ આવૃત્તિ – તંત્રી
Features | Requirement | Gujarati Language | Reading | Feedback | Credits

પ્રસ્તુત છે વાચકો માટે દિવાળીનો વિશેષ ઉપહાર…. ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ વાર…. ReadGujarati Mobile Edition ….. http://m.readgujarati.com હરતાં-ફરતાં માણો ગુજરાતી સાહિત્યનો રસથાળ…. જી હા, રીડગુજરાતી પર પ્રકાશિત થતા તમામ લેખો આપ હવે આપના મોબાઈલ પર સરળતાથી વાંચી શકો છો. માત્ર એટલું જ નહિ, આપનો પ્રતિભાવ (comment) પણ આપ મોબાઈલ દ્વારા લખી શકો છો. આ સુવિધા આપના મોબાઈલમાં કઈ રીતે શરૂ કરી શકાય તેની વિગતવાર માહિતી જાણીએ તે પહેલાં આ ‘Mobile Edition’ નો વિસ્તૃત પરિચય મેળવી લઈએ.
[Features:]
[1] સેલફોન પર ખૂબ જ સરળતાથી ખૂલી શકે તે પ્રમાણે એકદમ હળવું (Light Weight) Home Page, જેની સાઈઝ છે ફક્ત 3KB.
[2] સંપૂર્ણપણે યુનિકોડ (UTF-8) થી સુસજ્જ, જે કોઈ પણ પ્રકારના આધુનિક મોબાઈલ પર સરળતાથી જોઈ શકાય છે.
[3] તાજેતરમાં પ્રકાશિત થયેલા 10 લેખોની યાદી અને ત્યારબાદ ‘Previous’ અને ‘Next’ વડે અગાઉના લેખો વાંચવાની સગવડ.
[4] પ્રત્યેક લેખ પરના તમામ પ્રતિભાવો વાંચવાની સાથે પ્રતિભાવ લખવા માટે ‘Comment Box’ની સુવિધા.
[5] Mobile, Black Berry, Personal Digital Assistant (PDA) અને Windows OS Mobile ને supported.
[6] મોબાઈલ પર ગુજરાતી Install કરવા માટે સંપૂર્ણ માર્ગદર્શન.
[Minimum Requirement :]
જેવી રીતે કોમ્પ્યુટરમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરવા માટે આપના કોમ્પ્યુટરમાં Lan Card, Modem વગેરે ઉપકરણો હોવા જરૂરી છે તેવી જ રીતે મોબાઈલમાં પણ ઈન્ટરનેટનો ઉપયોગ કરવા માટે કેટલીક ન્યુનતમ જરૂરિયાતોનો ખ્યાલ હોવો આવશ્યક છે. આ ઉપરાંત, જેમ કોમ્પ્યુટર માટે ઈન્ટરનેટ સર્વિસ આપનારી કંપનીઓ હોય છે તેમ આપને મોબાઈલ સર્વિસ આપી રહેલી કંપની ઈન્ટરનેટ સુવિધા પૂરી પાડે છે કે કેમ એ જાણવું પણ એટલું જ જરૂરી છે. આ બે બાબતોને નીચેના મુદ્દાઓ દ્વારા વધારે વિગતે સમજીએ.
વધુ આગળ વાંચો »
ટેક્નિકલ સમારકામ – તંત્રી
પ્રિય વાચકમિત્રો,
રોજ સવારની ગરમાગરમ ચા ની જેમ બે તાજા લેખોથી ટેવાઈ ગયેલા અનેક વાચકો માટે ગઈકાલે વિરામનો દિવસ રહ્યો. ચાલુ દિવસોમાં અચાનક લેખોનું પ્રકાશન સ્થગિત થતાં ઘણા વાચકોએ ફોન તથા ઈ-મેઈલ દ્વારા કારણ જાણવા સંપર્ક કર્યો. વસ્તુત: કારણ બીજું કંઈ નહિ, પરંતુ થોડુંક ટેક્નિકલ સમારકામનું છે.
દિવસે દિવસે સાઈટ પર લેખો વધતા જાય છે અને સાથે સાથે મુલાકાતીઓની સંખ્યા પણ વધતી જાય છે. આ કારણથી અમુક સમયાંતરે તેનું મેઈન્ટેનન્સ કરવું જરૂરી બને છે. કદાચ આપે ઘણી વાર નોંધ્યું હશે કે ‘CPU QUOTA EXCEEDED ‘ નામની એક ERROR ઘણી વાર સર્વર પરથી આવતી હોય છે. SCRIPTING અને DATABASE ના વધતા જતા કદને ધ્યાનમાં રાખીને આ પ્રકારની ERROR ને દૂર કરવા માટે થોડું OPTIMIZATION અને MAINTENANCE ખૂબ અગત્યનું બની જાય છે. વાહનની કાર્યક્ષમતા વધારવા માટેનો આ સ્વાભાવિક ઉપક્રમ છે.
આ ઉપરાંત, કેટલાક ન અપડેટ થતા વિભાગો, અગાઉ મુકાયેલી વેબપેજ લિન્ક, અવર્ગીકૃત રહેલા લેખો અને સાઈટને વધારે સરળ બનાવવા માટે કરવા પડતા દેખીતા ફેરફારોને ધ્યાનમાં રાખીને આ મેઈન્ટેનન્સ ખૂબ જરૂરી બન્યું હતું. તેના પ્રથમ તબક્કામાં નીચેના ફેરફારો આપ સાઈટ પર સ્પષ્ટ જોઈ શકો છો :
[1] પ્રત્યેક લેખના શીર્ષકની બાજુમાં એક તારીખીયું મૂકવામાં આવ્યું છે જેમાં જે તે લેખની તારીખ, મહિનો અને વર્ષની માહિતી આપ જોઈ શકો છો.
[2] સાહિત્ય વિભાગમાં ડાબા હાથ તરફ ‘અન્ય લેખો’ નામનો એક નવો વિભાગ મૂકવામાં આવ્યો છે જે 2000 લેખોમાંથી RANDOMLY દરેક વખતે 15 લેખોને પસંદ કરે છે. પેજ રીફ્રેશ થતાની સાથે કોઈક બીજા 15 લેખોની આપણને એક નવી યાદી મળે છે.
[3] દરેક પ્રતિભાવને ક્રમ નંબર આપવામાં આવ્યો છે.
[4] લેખને અનુરૂપ પહોળા ચિત્રોનો સમાવેશ કરી શકાય તે હેતુથી સાહિત્ય વિભાગની પહોળાઈ 950 PIXAL કરવામાં આવી છે જેથી વાંચન અને લેખોની ગોઠવણીમાં અનુકૂળતા રહે છે.
[5] સાહિત્ય વિભાગમાં વેબપેજના અંતે પાનનંબર આપવામાં આવ્યા છે જેથી આપને NEXT કે PREVIOUS ક્લિક કરીને પાન શોધવા પડતા નથી. પાનનં:14 પર કલિક કરતાની સાથે જ તે દિવસોમાં મુકાયેલા 10 લેખો સરળતાથી મળી શકે છે.
વધુ આગળ વાંચો »
2000 લેખોની વાચનયાત્રા – તંત્રી
આજના મંગલપ્રભાતે રીડગુજરાતી 2000 લેખોની વાચનયાત્રા પૂરી કરે છે ત્યારે આપ સૌ વાચકોને વંદન કરીને આ યાત્રાના કેટલાક મધુર સંસ્મરણો વાગોળવાનું મન થાય છે.
સાહિત્ય એટલે શું ? તેની એક પરિભાષા એવી છે કે જે જીવનને સમૃદ્ધ કરે તે સાહિત્ય. વ્યક્તિના જીવનની તમામ જુદી જુદી પરિસ્થિતિઓમાંથી કેળવાયેલી એક સમ્યક સમજણ એટલે સાહિત્ય. કશુંક એવું જે આપણા જીવનના ઘડતરમાં મદદરૂપ થાય છે, કશુંક એવું જે આપણને વિપરીત પરિસ્થિતિઓમાં નિર્ણય કરવાની ક્ષમતા અને શક્તિ આપે છે. આપણી આંતરિક ચેતનાનું ઊર્ધ્વીકરણ કરે છે. ગીતાકારના શબ્દોમાં કહીએ તો ‘દિવ્યદષ્ટિ’ આપે છે. અન્ય કોઈ માનવીનો અનુભવ આપણા જીવન માટે પથપ્રદર્શક બને છે. પછી ભલેને એ કોઈ સત્યઘટના સ્વરૂપે હોય, કથા-વાર્તા સ્વરૂપે કે કોઈ ચરિત્ર નિબંધરૂપે. આપણી બીબાઢાળ જિંદગીમાં આપણને સૌથી અલગ રીતે વિચારવા મજબૂર કરે છે. સાહિત્ય કંઈક અંશે મનોરંજન તો કરે જ છે પણ તેનું મુખ્ય કામ મનોભંજન કરવાનું છે. મનની જડતા અને શિથિલતા પર તે પ્રહાર કરીને તેને વેગવંતુ કરે છે. વિચારપ્રવાહને જાગૃત કરે છે. અનુભવોનું સત્ય આપણી આંખ સામે ઉજાગર કરીને પરિસ્થિતિનું તટસ્થપણે નિરૂપણ કરી આપે છે. જીવનની એક એવી નવી દિશા ખોલી આપે છે કે જેથી જીવન આપણને જીવવા જેવું લાગે છે. વિષમતારૂપી નદી પર વિચારરૂપી પુલ બાંધીને તે આપણને પાર ઉતારે છે.
સાહિત્યનું વાંચન એ વિકાસની પ્રક્રિયાનું મંગલાચરણ છે. આપણા વિચારો વાચનથી પરિપક્વ બને છે. અને વાંચન કેવું ? સાહિત્યકારો કહે છે તેમ ‘પોથી માંહ્યલાં રીંગણાં’ જેવું નહીં પરંતુ જે આચરણ સુધી પહોંચે તેવું. સારુ વાંચન એ ‘ઍરટિકિટ’ જેવું છે. મુસાફરી માટે ટિકિટ અતિઆવશ્યક હોવા છતાં, ફક્ત તે લઈને બેસી રહેવાથી ક્યાંય પહોંચી શકાતું નથી. સુસાહિત્ય વાંચનારે તે પછી વિચારપ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે. વિચાર એ ‘બોર્ડિંગ પાસ’ છે. કોઈક નક્કર વિચાર જીવનને ઉડાન આપી શકે છે. પરંતુ એકલો ‘બોર્ડિંગ પાસ’ પણ હાથમાં પકડીને બેસી રહેવાથી ક્યાંય પહોંચાતું નથી ! વિચાર ક્રિયાન્વિત થવો જોઈએ. એ પ્રમાણે જે વંચાયું છે તે અમલમાં મૂકાવું જોઈએ. જ્યારે વ્યક્તિ તેને આચરણમાં મૂકવાની ક્ષમતા કેળવી લે છે ત્યારે જ તે ‘ટૅક ઑફ’ કરે છે. તે દુનિયાથી ઉપર ઊઠી જાય છે. કોઈ નવા પ્રદેશમાં જઈ પહોંચે છે. તેના નવજીવનનો પ્રારંભ થાય છે. મુસાફરી ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે આપણે ગંતવ્ય સ્થાને પહોંચીએ છીએ. એ પ્રમાણે વાંચન વ્યક્તિના સ્વભાવને પરિવર્તિત કરી શકે ત્યારે તે તેની પૂર્ણતાને પામે છે. આ 2000 લેખોનું પ્રકાશન તે જીવનની પૂર્ણતાને પામવાના પ્રયાસરૂપે કરાયું છે. સમાજની વિભિન્ન મનોદશાનું પ્રતિબિંબ આ લેખોમાં ઝળહળી ઊઠ્યું છે. વ્યક્તિના જુદા જુદા આંતર-બાહ્ય સ્વરૂપોનો પરિચય આપતો તે જાણે કે એક શિલાલેખ બની રહ્યો છે !
વધુ આગળ વાંચો »
વાર્તા-સ્પર્ધા : 2008 પરિણામ – તંત્રી
[વાર્તા-સ્પર્ધા 2008 પરિણામ માટે : Click Here ]
સર્વ પ્રકારની અનુકૂળતાઓ સાથે નિર્ધારીત સમય કરતાં વહેલું પરિણામ પ્રાપ્ત થતાં આજે સ્પર્ધાના પરિણામની જાહેરાત કરવામાં આવે છે જે આગામી 10-ઓગસ્ટ સુધી સાઈટ પર ગમે ત્યારે જોઈ શકાશે. વાર્તા-સ્પર્ધા 2008માં કુલ 33 કૃતિઓ પ્રાપ્ત થઈ હતી. અત્યંત વ્યસ્તતામાંથી પોતાનો સમય કાઢીને સેવાભાવથી આ તમામ કૃતિઓની સમીક્ષાનું કાર્ય વિદ્વાન સાહિત્યકાર જૉસેફ મૅકવાન, આદરણીય અવંતિકાબેન ગુણવંત તેમજ યુવાલેખિકા વંદનાબેન ભટ્ટે સમય કરતાં વહેલું પાર પાડ્યું છે જે માટે હું તેમનો ખૂબ આભારી છું. નવસર્જકોની વાર્તાઓને ઝીણવટપૂર્વક વાંચીને તેઓને યોગ્ય માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરવા માટે તમામ નિર્ણાયકોએ તેમના પરિણામ સાથે કેટલાક જરૂરી સૂચનો પણ મોકલી આપ્યા છે જેને ‘વાર્તાઓ અંગે મારું મંતવ્ય’ શીર્ષક હેઠળ આજે આ લેખ સાથે પ્રકાશિત કરવામાં આવ્યો છે.
હવે સ્પર્ધાના પરિણામની વિગત જોઈએ. વાર્તા-સ્પર્ધા 2008ની પ્રથમ વિજેતા કૃતિ બને છે : ‘ત્રીજો જન્મ ?’ જેના સર્જક 52વર્ષીય શ્રી નટવરભાઈ મહેતા અમેરિકાના રહેવાસી છે. એગ્રીકલ્ચરમાં M.Sc કરીને નવસારીમાં જીવનનો મોટો ભાગ પસાર કર્યા બાદ 1999થી તેઓ અમેરિકા ન્યુજર્સી ખાતે સ્થાયી થયા છે. છેલ્લા લગભગ 40 વર્ષથી તેઓ લેખનકાર્ય કરી રહ્યા છે અને તેમની અનેક વાર્તાઓ અમેરિકાના સુપ્રસિદ્ધ ગુજરાતી અખબારો અને સામાયિકો જેવા કે ‘ગુજરાત દર્પણ’, ‘ગુજરાત દર્શન’, ‘તિરંગા’ વગેરેમાં પ્રકાશિત થતી રહે છે. તેમની પ્રસ્તુત વિજેતા વાર્તા આધુનિક સમયના સ્ત્રી-પુરુષના સંબંધોના કેટલાક નાજુક મુદ્દાઓને વણી લઈને સ્ત્રીની માતૃત્વ ધારણ કરવાની અભિલાષાને ગૌરવ પ્રદાન કરે છે. વાર્તાની ગૂંથણી અને તેનો પ્રવાહ એટલો અદ્દભુત છે કે એકવાર શરૂ કર્યા પછી તે અંત સુધી જકડી રાખે છે. સમગ્ર કથાનું રહસ્ય તેના અંતિમ ફકરાઓમાં ખૂલ્લું થાય છે. વાર્તાની મુખ્ય વિષયવસ્તુ સાથે પાત્રોના સંવાદ, ભાષાની અભિવ્યક્તિ અને વિદેશી વાતાવરણનો માહોલ તેમણે સુપેરે ઉપસાવ્યો છે.
વધુ આગળ વાંચો »
રીડગુજરાતી : ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ – તંત્રી
પ્રિય વાચકમિત્રો,
જોતજોતામાં ત્રણ વર્ષ પૂરાં કરીને આપણી આ સાહિત્યયાત્રા આજે ચોથા વર્ષમાં પ્રવેશે છે ત્યારે તેનો અપાર આનંદ અનુભવાય છે. આજના આ મંગલ દિને વિશ્વના સૌ વાચકમિત્રોને મારા પ્રણામ. મારે મન આ દિવસનું આગવું મહત્વ એટલા માટે છે કે વર્ષમાં આ એક જ દિવસ એવો મળે છે કે જ્યારે હું આપની સાથે મોકળાશથી મનભરીને વાતો કરી શકું. જે કંઈ ઘટનાઓ બની હોય, જુદી જુદી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું થયું હોય અને સાથે સાઈટમાં નવા જે કંઈ પરિમાણો ઉમેરાયા હોય તેની વાતો મને આપની સાથે વહેંચવી ગમે !
રીડગુજરાતી સાથેની સાહિત્યયાત્રાનું પ્રત્યેક વર્ષ મારા માટે યાદગાર રહ્યું છે, તેમ છતાં મારે મન આ વર્ષનું કંઈક વિશેષ મહત્વ છે. તેનું કારણ એ છે કે આ વર્ષે સાહિત્યદર્શન કરતાં મને સાહિત્યના ઉત્તમોત્તમ અને જીવંત સ્વરૂપને નજીકથી જોવાનો સુઅવસર પ્રાપ્ત થયો. એક એવા પ્રકારનું સાહિત્ય જે માનવીની વૃત્તિઓ અને આંતરિક વિચારધારાને બદલી શકે. કંઈક વાંચ્યાનો હૃદયથી સંતોષ થાય. આંતરિક પ્રસન્નતા અનુભવાય. સુયોગ્ય વાચનની દિશા ખુલે અને સાથે લયબદ્ધતા કેળવાય. અગાઉ હું વિવિધ પ્રકારનું વાંચતો ત્યારે એમ અનુભવતો કે આ બધુ વાંચવા છતાં પણ કંઈક ખૂટે છે. કોઈક ખાસ પ્રકારના વાચનનો અભાવ વર્તાય છે. મારી આ તૃષા તૃપ્ત થઈ સત્વશીલ અને જીવનપ્રેરક લેખો દ્વારા. આ એક એવા પ્રકારનું સાહિત્ય છે કે જે આપણને વાંચીને વિચારતા કરી મૂકે. ચિત્તમાં ઊંડી છાપ છોડી જાય અને હૃદય સાથે જોડાઈ રહે. જીવનની સમસ્યાઓનો સામનો કરવામાં ઢાલસમું બની રહે. જીવનની નિર્બળતાઓનો છેદ ઉડાડી મૂકે અને આપણી આંતરિક શક્તિઓથી આપણને અવગત કરે. આ ફક્ત ‘વંચાયેલું’ નહિ, પરંતુ ‘જીવાયેલું’ સાહિત્ય ! એવા પ્રકારનું સાહિત્ય જે મહાપુરુષોના જીવનનો નિચોડ છે અને જેનું વાંચન-મનન આપણા જીવનને યોગ્ય દિશા આપવાનું કામ કરે છે. સાહિત્યના આ સ્વરૂપનો પરિચય પામીને કોણ ખીલી ન ઊઠે ? આજે રીડગુજરાતીના લેખો વાંચતા મારી જેમ કદાચ આપ પણ તે અનુભવી શકતા હશો.
મારા મનમાં વાંચનની વ્યાખ્યા કંઈક અલગ છે. જો તેની કોઈ સાથે મારે સરખામણી કરવી હોય તો હું તેને ‘સમતોલ આહાર’ સાથે સરખાવું. ડૉક્ટરો કહે છે કે શારીરિક તંદુરસ્તી માટે માણસે કંઈ અકરાંતિયાની જેમ ચોવીસ કલાક ખાવાની જરૂર નથી. યોગ્ય સમયે, યોગ્ય માત્રામાં, પૌષ્ટિક અને સુપાચ્ય આહાર લેવાથી માણસનું શરીર સુદ્રઢ બને છે એ આપણે સૌ જાણીએ છીએ. આ જ સિદ્ધાંત વાંચનની બાબતમાં પણ છે. કોઈકવાર આખો દિવસ વાંચીને માથું દુ:ખી જાય છે જ્યારે અમુકવાર કોઈક નાનકડું અદ્દભુત વાક્ય નજરે ચઢી જાય તો રોમાંચિત થઈ જવાય ! એકાદ સુંદર વાર્તા વાંચીને એમ લાગે છે કે જાણે જીવન જીવવાની જડીબુટ્ટી મળી ગઈ. પુષ્કળ વાંચન હોય છતાં જો મનુષ્યના સ્વભાવમાં પરિવર્તન ન આવે, તો એ ખોરાક લેવા છતાં નબળાઈ દૂર ન થાય એવી દયનીય સ્થિતિ છે. આવા સંજોગોમાં આપણે તો એમ માનવું રહ્યું કે જે વંચાતું હશે તે જીવનપ્રેરક નહીં હોય અથવા તો ઉત્તમ સાહિત્ય યોગ્ય રીતે આત્મસાત નહીં થતું હોય. આપણા જીવનને પુષ્ટ કરે તે માટે ક્યા પ્રકારનું વાંચન જરૂરી છે તે જાણવું અતિઆવશ્યક છે. મોટેભાગે તો તેની શોધ કરવામાં જ જીવન વ્યતિત થઈ જાય છે. એના સ્વરૂપની જયારે ખબર પડે છે ત્યારે એને આત્મસાત કરવાનો સમય નીકળી ગયો હોય છે. સમગ્ર જીવન દરમિયાન વાંચનના નામે આપણે ઠાંસીઠાંસીને કેવળ ભાત-ભાતની માહિતી મગજમાં ભર્યે રાખી છીએ, પરંતુ ખપ પડતાં તે કોઈ કામમાં આવતી નથી. ઘણીવાર તો જાણકારીથી ભયની માત્રા વધે છે. આથી, આજના સમયમાં વાંચનના સાચા સ્વરૂપને સમજવાની અત્યંત આવશ્યકતા છે. સાચું વાંચન તો માણસને અભય કરે અને જીવનને ઊર્ધ્વગતિ આપે.
જે વ્યક્તિનું વાંચન યોગ્ય દિશામાં હોય તેને ઓળખવાની એક ચાવી છે. એવા વ્યક્તિને તમે એક-એક વર્ષના અંતરે મળો તો તેનામાં તમે ચોક્કસ કંઈક બદલાવ જોઈ શકો. આખેઆખા પુસ્તકાલયો વાંચી જનારના સ્વભાવમાં એક તસુભાર પણ ફરક ન જણાય તો એને આપણે યર્થાથ વાંચન કહી શકીએ ખરા ? એ તો કેવળ મનોરંજન જ થયું. વાંચન તો જીવનની ઔષધી છે. તેની અસર જણાયા વગર ન રહે. વાંચનથી માણસના વિચારોમાં પરિપક્વતા દેખાય, તે તેના જીવનની કિંમત અને ઉપયોગીતા સમજતો થાય. જીવનપ્રતિ એનું વિશેષ દર્શન હોય. હું તો માનું છું કે અતિશય અથવા અસ્તવ્યસ્ત વાંચન પણ એક રોગ સમાન છે. ઘણાં માણસોને અમુક પ્રકારના વાંચનની બસ ધૂન ચઢી જાય ! ‘યોગ’નો વિષય હાથમાં આવે તો દિવસો સુધી યોગ પાછળ પડ્યા રહે. એવામાં કોઈ વાસ્તુશાસ્ત્રનું પુસ્તક આપી જાય તો એની પર તૂટી પડે ! વળી, કોઈક કહે કે શૅરબજાર પર એક સરસ પુસ્તક આવ્યું છે, તો ત્યાં દોડી જાય. સરવાળે આવું વાંચન માનવીને કશે લઈ ન જાય. વાંચનમાં વિવિધતા હોય એ જરૂરી છે પરંતુ સાથે સાથે લયબદ્ધતા પણ એટલી જ જરૂરી છે. કંઈક સારુ વાંચીને તેની માટે મનનનો સમય ફાળવવો જ રહ્યો. મશીનમાં તેલ પૂરીને બરાબર ચીકાશ પકડાય તે માટે થોડીક રાહ જોવી પડે છે. સાહિત્યનો કોઈ પણ પ્રકાર વાંચીને તેના મૂલ્યો વિશે વિચારવામાં આવે અને તેમાંથી મળેલા બોધનો ઉપયોગ કરીને તે પરથી આપણા જીવનમાં બનેલી કોઈક ઘટનાનો નિષ્કર્ષ કાઢીને જીવનનું સત્ય સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે ખરા અર્થમાં આપણે કંઈક વાંચ્યું કહેવાશે. આ એક પ્રકારની વિચારોની કેળવણી છે. આ રીતે જેનું વાંચન કેળવાય છે તેના જીવનમાં આમૂલ પરિવર્તન આવે છે. તેના વિચારોની ઉચ્ચ અવસ્થાને સમાજ સ્પષ્ટ રીતે જોઈ શકે છે.
વધુ આગળ વાંચો »




