સાગરપંખી – મીરા ભટ્ટ
[લેખિકા શ્રીમતી મીરાબેન ભટ્ટનું આ પુસ્તક ‘સાગરપંખી’, તે રિચાર્ડ બાકના ‘જોનાથન લિવિંગ્સ્ટન સીગલ’ નો મુક્ત સારાનુવાદ છે. પ્રસ્તુત લેખમાં તે પુસ્તકની પ્રસ્તાવના આપવામાં આવી છે જેથી તે પુસ્તકનો સારાંશ વાચકો માણી શકશે. પુસ્તકની કિંમત રૂ. 15 છે (2001 આવૃત્તિ પ્રમાણે) અને પૃષ્ઠ સંખ્યા 50 છે. વધુ માહિતી મેળવવા માટે આપ લેખિકાનો આ નંબર પર +91 265 2432497 પર સંપર્ક કરી શકો છો. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ મીરાબહેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર.]
વર્ષો વીતી ગયાં એ વાતને. રેલગાડીમાં બેસી કયાંક બિહાર-આસામનો પ્રવાસ ખેડી રહી હતી. કોઈક સ્ટેશને બારીમાંથી અચાનક પુસ્તકોની લારીમાં ‘Jonathan Livigstone Seagull’ પુસ્તક જોયું. એની ખ્યાતિ મારી પાસે પહોંચી ગઈ હતી. પછી તો કેડો મૂકે એવું એ પુસ્તક ક્યાં હતું ? મિત્રોમાં એને મમળાવતી રહી. ત્યાં ‘નવનીત’ નાં સંપાદિકા કુન્દનિકાબહેનનું નિમંત્રણ મળ્યું કે પુસ્તકનો સંક્ષેપ કરી આપો. અને ‘સાગરપંખી’ ગુજરાતી પરિવેશ ધારણ કરી જમીન પર જેવું ઊતર્યું તેવું ગુજરાતના સુજ્ઞ વાચકોએ એને વહાલપૂર્વક વધાવી લીધું. પછી તો ‘વિચાર વલોણું’ નાં સંપાદક શ્રી સુરેશ પરીખે એને પુસ્તકાકારે ત્રણ-ચાર આવૃત્તિમાં પ્રગટ કર્યા કર્યું. અને પાઠકો એને ઉમળકારભેર આવકારતા રહ્યા. પરંતુ છેલ્લાં ઘણાંયે વર્ષોથી ‘સાગરપંખી’ અપ્રાપ્ય બની ગયું હતું અને જાણ્યા-અજાણ્યા અનેક મિત્રો સતત એની માગણી કરતા રહેતા હતા. એટલે એ સૌની લાગણીનો પડઘો પાડવા માટેની આ નવી આવૃત્તિ સૌ પાઠકો સમક્ષ પ્રસ્તુત છે.
આવું ઉમળકાભેર વધાવવા જેવું આખરે છે શું આ નાનકડી પુસ્તિકામાં ? મેં એક ગ્રંથપાલને આ પુસ્તક વસાવવા સૂચવ્યું તો મને સાંભળવા મળેલું કે, ‘હું વાંચી ગયો છું એ ચોપડી. ખાસ કશું છે નહિ એમાં. એક પંખી આમતેમ ઊડ્યા કરે છે.’ હું આ જવાબ સાંભળી થીજી ગયેલી. જે પુસ્તક મને આટલું બધું હલાવી ગયું એમાં એમને કશું ના જડ્યું ? ઉપર ઉપરથી પાનાં ફેરવી જઈએ તો આવું જ લાગે. ન કોઈ વિશેષ ઘટના, ન નાયક-નાયિકા, ન કોઈ ખલનાયક. વાત માત્ર એક પંખીની અને એની પાંખોના ફફડાટની.
‘જોનાથન’ એક નાનકડું સાગરપંખી છે. પણ સર્વસામાન્ય સાગર પંખીઓથી એ કંઈક જુદું પડે છે. જ્યારે એના જાતબાંધવો દરિયાકાંઠે પોતાનો શિકાર શોધવામાં મશગૂલ હોય છે, ત્યારે એ મથે છે ઊંચાઈઓ આંબવા. આ સાગરપંખીને ઊડવું છે ઊંચે-ઊંચે, દરિયાને પેલે પાર, દૂર-ક્ષિતિજને અડીને આકાશે પહોંચતી ઊંચી ગિરિકંદરાઓને પેલે પાર !
આખરે આ એક રૂપક છે. વાસ્તવમાં સાગરપંખી છે, માનવનું આતમપંખી. કેટલાક માણસો જન્મથી જ એવો માંહ્યલો લઈને અવતરે છે, જેની પાંખો સતત વિકાસ માટે જ ફફડ્યા કરે છે. એને જીવનની તમામ ઊંચાઈઓ, તમામ ગહરાઈઓ અને અસીમ વિસ્તાર પણ ઓછો પડે છે. ઊંચાઈ, ઊંડાણ અને વ્યાપકતાઓના ત્રણેય પરિમાણને પેલે પારના તત્વને આત્મસાત કરવા મથવું એ જ એની જિંદગીનો પરમ પ્રાણ છે. આપણું આ સાગર પંખી પણ એવું જ છે. એને દૂર દૂર ગગનમાં ઊંચે ઊડવું છે, પરંતુ આગળ વધવા ઈચ્છનાર ક્યા સાધકની યાત્રા નિર્વિધ્ન રહી છે કે એની રહે ? જમાતમાં પાછળથી ટાંટિયા ખેંચનારા હાજર જ હોય છે. જોનાથનને પણ માબાપ વ્યવહારડાહી વાતો સમજાવે છે, ‘બેટા, શા માટે આમ અમથો ઊડાઊડમાં સમય વેડફી મારે છે ? એના કરતાં માછલાં પકડવાની જુદી જુદી રીતો શીખી લેતો હો તો ?’ સામાન્ય સાગરપંખીને હજાર ફૂટ ઊંચે ઊડવા મથતો જોઈ જ્ઞાતિના લોકો આડા ફરી વળે છે, ‘હવેથી તું ન્યાત બહાર ! કારણ, તેં બેજવાબદારી દાખવી છે. ત્યારે નાનકડું પંખી આક્રોશ કરી જિંદગીનો પાયાનો પ્રશ્ન પૂછી બેસે છે, ‘અરે ! જીવનમાં પ્રયોજન શોધવું, પ્રયોજનને પ્રાપ્ત કરવું એ બેજવાબદારી કહેવાય ?’ પણ લોકોને તો એક જ વાત કહેવી છે કે ‘આપણો સંબંધ પૂરો થાય છે.’ હરિનો મારગ પસંદ કરનારને હંમેશા આમ જ એકલા, અટૂતા ચાલવું પડ્યું છે. સાંપ્રત સમાજે એના રસ્તા પર કાંટા જ કાંટા વેર્યા છે. પૃથ્વી પરની ધર્મસભાઓ ધર્માત્મા માટે કેદખાનાં જ સિદ્ધ થતી આવી છે. પણ પંખી અટકતું નથી. એનું ઉડ્યન ચાલુ જ છે. મથામણો પણ. એને છેવટે સિદ્ધિનો પહેલો મુકામ આવે છે, જ્યાં પ્રકાશ છે, વ્યાપક વિસ્તાર છે અને તારોજ્જવળ પાંખોવાળા શાંત, સૌમ્ય હમસફર છે.
પરંતુ જીવનયાત્રા કોઈ એક મુકામમાં તો પૂરી કેવી રીતે થાય ? નિત્ય-નિરંતર નવીન મંજિલો ખોલી આપે એનું નામ તો છે જીવન. એ નવા મુકામ પર પણ સાગરપંખી એક વયોવૃદ્ધ ગુરુસમા વડીલ પંખીને એક વાર પૂછી બેસે છે, ‘ચ્યાંગ, મને સાચેસાચ કહો, આ સ્વર્ગ નથી ખરું ને ?’ – સ્વર્ગ એટલે અંતિમ મુકામ. ત્યાર ચ્યાંગ મજાકમાં કહે છે, ‘તું હવે શીખવા લાગ્યો છે.’ યાત્રા એ યાત્રા છે, મુકામ નથી – જીવનનું આ તથ્ય જોનાથન પકડે છે ત્યારે ગુરુ કહે છે કે હવે તું મર્મ પકડવા લાગ્યો છે. અને પછી ચ્યાંગ જોનાથન સમક્ષ જીવનનું ગર્ભિત રહસ્ય, જીવનનો મર્મ ખોલી આપતાં કહે છે, ‘જોનાથન, સ્વર્ગ ન સ્થળમાં વસે છે, ન કોઈ કાળમાં. જીવનમાં પરિપૂર્ણતા પામવી એ જ તો છે સ્વર્ગ.’
બિલકુલ આપણા ઉપનિષદોની વાત. સ્થળાતીત કાળાતીત અસીમ અનંત શાશ્વતીમાં સ્થિર થવાની વાત. માણસે પોતાનાથી બહાર બીજે ક્યાંય પહોંચવાનું નથી. પોતાના મૂળ સ્વરૂપમાં સ્થિર થવાનું છે. પૂર્ણગતિ એટલે અત્યંત વેગમાં ગોળગોળ ફરતા ભમરડાની સ્થિર ગતિ. પરંતુ જુઓ કમબખ્તી ! જ્યાં પહોંચવા માટે જનમ ધરીને સતત તરફડતાં રહી, મથામણો કરતાં રહી અંતે મુકામ સર કર્યો. પણ ત્યાં પહોંચ્યા પછી શું ? ઈશ્વરે માનવમાં એવું હૃદય મૂક્યું છે કે એ સુખ કે દુ:ખ તો એકલો ભોગવી જ શકતો નથી, પણ મુક્તિ પણ એકલો ભોગવી શક્તો નથી. જીવનની સર્વોચ્ચ ઊંચાઈએ પહોંચ્યા પછી પોતાના માદરે વતનની તળેટીમાં ઊંચાઈ આંબવા મથતાં જીવ એને સાંભરી આવે છે અને એ મજબૂર બને છે નીચે ઊતરવા.
શ્રીરામ-કૃષ્ણ, બુદ્ધ-મહાવીર, ઈશુ-ગાંધી આમ જ સહુજનહિતાય – સહુજનસુખાય પાછા ધરતી પર આવે છે અને ઊંચે ચઢવા ઈચ્છનાર માટે હાથ લાંબા કરે છે. માણસ જ્યારે સમગ્રતામાં જીવે છે, ત્યારે જ જીવનને સમગ્રપણે જીવી શકે છે. આપણા સાગરપંખીને પણ જીવનની સમગ્રતાની ચાહત છે, એટલે ફરી પાછો હજારો ફૂટ નીચે પાછો ઊડીને પોતાના સાગરકાંઠાના જાતબંધુઓ સમક્ષ આવીને ઊભો રહે છે. જિજ્ઞાસુ અને મથનારા જીવોને એ મમતા અને વાત્સલતાપૂર્વક ઊંચે ઊડતાં જ માત્ર શીખવતો નથી, પોતાને તિરસ્કારતાં જ્ઞાતિબંધુને પણ કરુણાપૂર્વક સમજવાની કળા શીખવે છે, ‘ફ્લેચર, તું એમના પર ગુસ્સે ન થઈશ. તારો બહિષ્કાર કરી એમણે પોતાનું જ નુક્શન કર્યું છે. એમની ઘૃણા કે ઘૃષ્ટતા સામું ન જોઈશ. આપણે તો તેમને મદદ કરવાની છે.’ જોનાથનનું આ અવતાર-કાર્ય ખૂબ સુંદર અને કળાત્મકરૂપે અહીં પ્રગટ થયું છે. એની વાણીમાં ક્યારેક ઈશુ વંચાય, તો ક્યારેક ભગવાન બુદ્ધ !
અને કદી ન કદી તો અવતારે પણ સંકેલો કરવો પડે છે. હવે જોનાથન પણ મહાપ્રયાણ માટે તૈયારી કરે છે, પરંતુ પાછળ બીજો એક જોનાથન મૂકી જાય છે. પોતાના ઉત્તરાધિકારી ફલેચરને જતાં જતાં જીવનનું એક બીજું મહાસત્ય કહેતો જાય છે, ‘ફલેચર, મહેરબાની કરીને પાછળથી મને ભગવાન ન બનાવી દઈશ. પંખી માત્રમાં અસીમ આત્મા પડેલો છે. એને વધુ ને વધુ ઓળખવો, પામવો એ જ જરૂરી છે.’ આમ કહી સાધારણ માનવમાં પણ જે અપ્રગટ સંભાવના પડી છે, તેની સામે અંગુલિનિર્દેશ કરી ફલેચર માટે શક્યતાઓનું વિશાળ જગત ખુલ્લું કરી આપી જોનાથન અંતિમ વિદાય લે છે.
આમ, આ છે એક આતમપંખીનો ફફડાટ, ઉંચાઈઓ અને અનંતતાઓ આંબવાની મથામણ, પોતાનામાં જ સ્થિર થઈ વિશ્વમય અનુભવવાની કળા અને ત્યાર પછી પણ ગાંધીચીંધ્યા ‘સાવ છેવાડે ઊભેલા માણસ’ ને ન ભૂલવાની વાત.
અમારો એક યુવા મિત્ર. સાગરપંખીનો અનહદ પ્રેમી એટલે મારા પણ પણ અપાર પ્રેમ ઢોળે. કહે, ‘પહેલાં ગુજરાતી ‘સાગરપંખી’ વાંચ્યું. ખૂબ ગમ્યું. ત્યાં ખબર પડી કે આ કથા ફિલ્મમાં પણ રૂપાંતરિત થઈ છે. એ પણ એટલી જ ગમી. એને થયું કે મારા સાગરપંખીનાં મીરાંબહેન સાગરપંખીની વાતને ફિલ્મરૂપે ન જુએ તે કેમ ચાલે ? અને એ મુંબઈથી વિડિયો કેસેટ લઈ આવ્યો, પોતે જ ક્યાંક વ્યવસ્થા કરી અમને ફિલ્મ જોવા લઈ ગયો. અને હું શું કહું ? – જીવતા-જાગતા, ઊડતા-પડતા-આખડતા-અથડાતા જોનાથનને જોઈને હું તો પાગલ જ થઈ ગઈ. પુસ્તકની છબીકળા તો સુંદર હતી જ પણ ચિત્રપટની છબીકળા તો અદ્દભુત ! વળી તેમાં સુંદર સંગીત અને અદ્દભુત કથનશૈલી ! પ્રઘોષકનો ઘેરો પહાડી અવાજ ! – સો વાતની એક જ વાત ! સાગરપંખીના પ્રેમીઓ આ ફિલ્મ અચૂક જુએ !
કથામાં આવતું એક લંગડાતું મેનાર્ડ પંખી જ્યારે આકાશમાં ઊંચે ઊડી શકે છે અને આકાશમાં, ‘I can fly, I can fly’ ના ઉલ્લાસોદ્દગાર કાઢે છે, એ તો ઘણી વાર અડધી રાતે મને આજેય ઊંઘમાંથી ઉઠાડી મૂકે છે. ‘સાગરપંખી’ પુસ્તકનું હાર્દ હૃદયમાં એટલું ઘૂંટાતું રહ્યું છે કે આજે જોનાથન લિવિંગ્સ્ટન મને વિનોબા જેટલો જ વહાલો અને આત્મીય થઈ પડ્યો છે. જેમને મન જીવન કેવળ સાગરકાંઠાના પાણીમાં છબછબિયાં કરી પૂરું કરી લેવાની ચીજ નથી અને જેઓ જીવનની ગહનતાના કંઈક ભાગ પામવા ઝંખે છે તેવા સૌ જીવનપ્રેમીઓને આ પુસ્તક વાંચી જવાની મારી પ્રેમાગ્રહભરી વિનંતી છે.
આપણા એક કવિએ ગાયું છે – ‘આભ ભરીને ઊડતાં હજુ શીખવું મારે…’ માનવમાત્ર આભ ભરીને ઊડતા શીખવાનું ઝંખે એ જ ઝંખના.







પન્થ હોય મહાવીર નો કે હોય તે સાધક નો તે અનેરો જ હોય.
સાવ સાચી વાત..માણસે પોતાના ભીતરને ઢંઢોળવાનું છે..ત્યાંથી જ જ્ઞાનમાર્ગની શરુઆત થાય છે.
JLS એ મારું સૌથી પ્રિય પુસ્તક છે… આટલી સરળ ભાષામાં આટલું સુંદર પુસ્તક ભાગ્યે જ કોઈ બીજું લખાયું હશે…
પહેલા સાગરપંખી વાંચ્યુ અને પછી “Jonathan Livingston Seagull” અને એ મારુ પ્રિય પુસ્તક બની રહ્યુ. એ પુસ્તકનુ એક સુંદર વાક્ય…
“you said there are no limits…then a day is not far away when I will teach you a trick or two about flying…” Flacher told to Jonathan.
પછી તો Rechard Back ની “Illusions” વાંચી. ખરેખર અદભુત…
આભાર મીરાબેન… શું “Illusions” નો ભાવાનુવાદ ન કરી શકો ?
Very good article.
Very nice. Can you tell me from where I can get this book? Any book store name….
મારી પાસે મારા પોતાના બહુજ ઓછાં પુસ્તક છે. જે છે તેમાનું એક છે JLS. જોકે અહીં JLSમાં જોડણી (spelling) ભૂલ થઈ હોય એમ લાગે છેઃ મારી જાણ પ્રમાણે આમ હોવું જોઈએઃ
Jonathan Livingston Seagull (
http://en.wikipedia.org/wiki/Jonathan_Livingston_Seagull)
very gud translation. congrats n thanks.
JLS / Saagarpankhi is my all time favourite. Generates immense positive energy and enlightens in the darkest moments of life.
ખરેખર સરસ લેખ આભાર
hi…i m really impressed with this book and want to buy this book…can u pls tell me from where can i find this book?
by the way i m in Oklahoma USA, so cant buy it from any book store….pls help me out
ખરેખર સરસ લેખ છે. અમે આપના આભારી છીએ.ખુખ ખુબ શુભકામનાઓ સહીત…..
All those attempting to fly high need to face the criticism of people all around ….
Wonderful idea to perceive….
~ Tanmay $hah
m friend inspired me to read this book, i really liked it. I’m really thankful for translation so our Gujarati brothers and Sisters can also take an advantage of this book.
Thanks a lot !!!