પુસ્તક ખરીદીમાં આટલા કંગાળ ! – ખલીલ ધનતેજવી

[‘મુંબઈ સમાચાર’ માંથી સાભાર.]

આપણા લોકો – ખાસ કરીને ગુજરાતી લોકો ખૂબ જ સાહિત્યપ્રેમી હોવાનો પરાણે જાળવી રાખેલો આપણો ભ્રમ હમણાં થોડાક દિવસ પહેલાં જ બુધવાર તા. 23મી એપ્રિલે ભાંગીને ભુક્કો થઈ ગયો ! આપણે ત્યાં જન્મદિનની ઉજવણીથી માંડીને બેસણા સુધીના પ્રવાસમાં વચ્ચે આવતા વેલેન્ટાઈન ડે, ફ્રેન્ડશીપ ડે, મધર ડે, ફાધર ડે, બ્રધર્સ ડે (રાખડી) અને ટીચર ડે જેવા મૂળભૂત અને વચ્ચે આપણે ઉપજાવી કાઢેલા અને કહેવાતા નોંધપાત્ર દિવસો ઉત્સવની જેમ ઉજવાય છે ! નૂતન વર્ષાભિનંદનથી માંડીને આવા તમામ ઉપર્યુક્ત દિવસોની ઉજવણીના ભાગરૂપે મિત્રો, સ્નેહીઓ, શુભેચ્છકો અને સગાઓને આકર્ષક રંગીન કાર્ડ મોકલીને શુભેચ્છા પાઠવતા હોઈએ છીએ. આવી ક્ષણક્ષણ ઉજવનાર આપણે 23મી એપ્રિલે ‘વિશ્વ પુસ્તક દિન’ ઉજવવાનું ચૂકી જઈએ છીએ.

આપણને વેલેન્ટાઈન્સ ડે યાદ રહે છે, પરંતુ ‘વિશ્વ પુસ્તક દિન’ જેવો કોઈ પ્રસંગ હોવાનો જ આપણને ખ્યાલ નથી ! વિશ્વ મહિલા દિન અને વિશ્વ મજદૂર દિન યાદ રાખનાર આપણે સૌને ‘વિશ્વ પુસ્તક દિન’ યાદ ન આવે એ આપણી નબળાઈ કે આપણું દુર્ભાગ્ય કહેવાય ? નૂતન વર્ષાભિનંદન કે સાલમુબારક પાઠવીએ એ રીતે ઉક્ત પ્રસંગોએ આપણે આકર્ષક કાર્ડ મોકલી શુભેચ્છા પાઠવીએ એવા કોઈ કાર્ડ કે કોઈ ચબરખી આવી નથી. ફોન પર પણ કોઈએ વિશ્વ પુસ્તક દિન મુબારક કહ્યું નથી કે કોઈએ એસ.એમ.એસ પણ કર્યો નથી. નાટ્ય જગતના પિતામહ ગણાતા આદરણીય શેક્સપિયરનો જન્મ-મરણદિન પણ 23મી એપ્રિલે જ હોઈ શેક્સપિયરના પાયા પર રચાયેલી ભવ્ય નાટય ઈમારતની અગાશી પર કોઈએ એક મીણબત્તી પણ સળગાવીને મૂકી હતી ખરી ? કે એ નિમિત્તે કોઈ નાટક ભજવાયું હતું ખરું ?

વેલેન્ટાઈન્સ ડે, ફ્રેન્ડશિપ ડે, મધર ડે કે ફાધર ડે ઉજવવા જેવા ચોંચલા આપણા વારસાગત નથી ! મધર ડે કે ફાધર ડે ઉજવતી વખતે ઘરડા માબાપને અવેરીને મૂકવા માટે ‘ઘરડાઘર કે વૃદ્ધાશ્રમ’ આપણે જ ઊભા કર્યા હોવાનું આપણે ભૂલી જઈએ છીએ, પણ એ દિશાએ અત્યારે ફંટાઈ જવું એટલે ફરી એ જ વાત કે ઉક્ત ‘ડે’ની ઉજવણી વારસાગત નથી. કાર્ડના ઉત્પાદકો અને ડીલર્સે કાર્ડનું વેચાણ વધે એ માટે આવા બધા દિવસો ઉપજાવી કાઢી કાર્ડ મોકલીને પરસ્પર શુભેચ્છા પાઠવવાની પ્રથા પણ ગળે વળગાડી હોવાનું કહેવાય છે. આમાં સાચું કેટલું એ ખાતરીપૂર્વક કહી શકાય નહીં, પરંતુ આ બધી ઉજવણી આપણને વારસામાં મળી નથી એ ખાતરીપૂર્વક કહી શકાય. જ્યારે પુસ્તક માટેની ઉજવણી આપણને વારસામાં મળી છે. આપણા રાજામહારાજાઓ ઉત્તમ પુસ્તકને હાથીની અંબાડી પર મૂકી નગરમાં ‘ગ્રંથયાત્રા’ કાઢતા. એ ‘ગ્રંથયાત્રા’ આખા નગરમાં ફરતી અને એમાં મોટી સંખ્યામાં લોકસમુદાય પણ જોડાતો ! એ રાજામહારાજાઓ પોતાના રાજ્યમાં ગામેગામ ગ્રંથાલય-લાઈબ્રેરી સ્થાપતા ને એમાં આપણા પૂર્વજોનો પણ રૈયત તરીકે ચાર આઠ આનાનો નગદ ફાળો પણ જોડાતો. ત્યારે નવલકથાની કિંમત પણ ચાર-આઠ આના જ હતી. એનો અર્થ એ કે આપણા પૂર્વજો તરફથી એક આખું પુસ્તક એ લાઈબ્રેરીમાં ઉમેરાતું હતું.

આવી ગ્રંથાલય જેવી મહામૂલી દોલત આપણને વારસામાં મળી છે. વેલેન્ટાઈન્સ ડે આપણા બાપદાદાએ ઉજવ્યો નથી ! એટલે આપણો વારસો ન ગણાય. જીવનમાં નવું નવું આવતું જાય તેને આવકાર ખરો પણ વારસો તો યાદ રાખવો જ પડે. રેઢિયાળ જીવનમાંથી થોડીક ક્ષણો સેરવી લઈને થોડું જુદી રીતે જીવી લેવાનું બહાનું શોધનારને પુસ્તક વાંચવાની નમ્ર ભલામણ કરી શકાય ! પુસ્તક રેઢિયાળ જીવનમાંથી બીજા જીવનમાં લઈ જાય છે. સગાં-સંબંધીઓને શુભેચ્છા પાઠવવા મોંઘા ભાવના આકર્ષક ડિઝાઈનવાળાં કાર્ડ ખરીદનારને પુસ્તક ખરીદવાની ઈચ્છા થતી નથી. આપણી ભાષાની ચિંતા કરવામાં આવે છે, પણ આપણી ભાષાને પ્રોત્સાહિત કરવા એક પુસ્તક ખરીદવાની આપણી દાનત નથી ! પુસ્તક ખરીદવામાં નાણાંનો બગાડ લાગતો હોય તો એ બગાડ અટકાવીને લાઈબ્રેરીમાંથી લાવીને મફતમાં પુસ્તક વાંચો – ગમે તેમ પણ વાંચો તો ખરા જ ! લાઈબ્રેરી સુધી જવામાંય આળસ હોય તો કાર્ડ ખરીદવા સ્ટોલ સુધી લાંબા થવાનું શી રીતે પોસાય છે ? લાઈબ્રેરી આપણા પૂર્વજો સ્થાપી ગયા છે એટલે એ આપણો વારસો ગણાય ને વારસાનો ઉપયોગ કરવો આપણો અધિકાર છે. એટલે લાઈબ્રેરીમાંથી મફત પુસ્તક લાવીને વાંચવામાં નાનમ ન અનુભવવી જોઈએ. અને જો પૈસા ખર્ચી શકો તેમ હો અને ખર્ચવાની દાનત પણ હોય તો પોતાના ઘરમાં પણ નાનકડી લાઈબ્રેરી ઊભી કરી શકાય ! આપણા લોકોમાં કેટલાં ઘરોમાં લાઈબ્રેરી હશે ?

છેલ્લાં થોડાં વર્ષોથી લોકોની લાઈફસ્ટાઈલ બદલાઈ છે. એમાં કપડાંથી માંડીને નેઈલપોલિશ સુધીના મેચિંગનો ખ્યાલ રાખવામાં આવે છે. ફેસિયલ અને બ્લિચિંગથી માંડીને હેરસ્ટાઈલ અંગે પણ ખૂબ કાળજી રાખવામાં આવે છે અને એની પાછળ ખાસો ખર્ચ પણ કરવામાં આવે છે. આમ આપણે કંગાળ નથી જ ! માત્ર પુસ્તક ખરીદવામાં જ આપણી કંગાલિયત છતી થઈ જાય છે ! આપણા જીવનધોરણમાં આવેલ આ પરિવર્તન પહેરવા-ઓઢવા પૂરતું સીમિત નથી. એ પરિવર્તન આપણા ડ્રોઈંગરૂમમાં પ્રવેશીને કિચનથી બાથરૂમ સુધી વિસ્તર્યું છે. હવે આપણને ઈન્ટિરિયર ડેકોરેટરની પણ જરૂર પડવા લાગી છે. અહીં સોફા મૂકો, અહીં ઘંટીના થાળામાં તાંબાકૂંડી મૂકી એનો ગુલદસ્તો બનાવો, અહીં બે કૃત્રિમ પગથિયાં બનાવો, અહીં ટીવી સેટની વ્યવસ્થા કરો…. આ રીતે ઘરની શોભા વધારવા કયું ફર્નિચર મૂકવું એની સલાહ આપનાર ઈન્ટિરિયર ડેકોરેટરને પણ લાઈબ્રેરી ક્યા ખૂણે મૂકવી એનો ખ્યાલ આવતો નથી. કદાચ એના ડેકોરેશનમાં લાઈબ્રેરીનો સમાવેશ જ ન થયો હોય. વાસ્તુશાસ્ત્રમાં પણ લાઈબ્રેરીની ક્યાંય ગણના થતી નથી ! ઘરના આ બધા ફર્નિચર આપણે વસાવીએ છીએ, જ્યારે લાઈબ્રેરી આપણને વારસામાં મળી છે ! એ વારસો જ આપણે ત્યાં ન હોય તો આપણે આપણા પૂર્વજોની નગુણી ઓલાદ કહેવાઈએ ! વેલેન્ટાઈન્સ ડે કે જન્મદિવસ વર્ષમાં એક વાર માણવાનો આવે છે, જ્યારે વાચન ચોવીસે કલાક માણી શકાય છે. પુસ્તક જેવો કોઈ સાથી નહીં, પુસ્તક જેવો કોઈ મિત્ર નથી.

આપણને આપણી ભાષા પ્રત્યે લાગણી હોય તો આપણી ભાષાનાં પુસ્તકો પ્રત્યે પણ લાગણી હોવી જોઈએ. એને પ્રોત્સાહક થવાની ટેવ પાડવી પડશે. એ માટે બહુ મોટું કારસ્તાન કરવાનું નથી. કોઈના લગ્નપ્રસંગે, મેરેજ એનિવર્સરી અથવા ભેટસોગાદ આપવા જેવા પ્રત્યેક નાના-મોટા પ્રસંગે ચાઈનીઝ વસ્તુની ભેટ આપવા કરતાં અથવા અન્ય કોઈ પણ વસ્તુની ભેટ આપવા કરતાં તમારું મનગમતું પુસ્તક ભેટમાં આપો ! ભાષાએ આપણને પશુતામાંથી અલગ પાડ્યાં. ભાષાએ આપણને માણસ બનાવ્યા. ભાષાના જેટલા ઓચ્છવ કરીએ એટલા ઓછા છે !

Published By : ReadGujarati · Permalink · પ્રતિભાવો (4)

  « Previous રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા : 2008 – તંત્રી
ગુજરાતીને ખતમ કરીશું ? – ડૉ. પંકજ શાં. જોશી Next »   


આપના પ્રતિભાવો

કુલ 4 પ્રતિભાવો : “પુસ્તક ખરીદીમાં આટલા કંગાળ ! – ખલીલ ધનતેજવી”
  1. mr chakachak says:

    ” સારા પુસ્તકો વસાવતો રહેજે પછી ભલે એ કદી વઁચાય નહિ તેમ લાગે “

  2. pragnaju says:

    ” ભાષાએ આપણને માણસ બનાવ્યા. ભાષાના જેટલા ઓચ્છવ કરીએ એટલા ઓછા છે !”
    આટલું બધું નીરાશ થવાની જરુર લાગતી નથી.અમારા જાણવા પ્રમાણે પુસ્તકોને હવે સારો સાદ મળે છે–ઈચ્છીએ કે આના કરતાં વધુ પુસ્તકો ખરીદીએ-વેચીએ-વ્હેંચીએ

  3. Amit Lambodar says:

    મુરબ્બી,
    આંગળી ના વેઢે ગણાય એટલા જ સારા લેખકો ગુજરાતી ભાષા પાસે બચ્યા છે.

    બાકી ના તો જુની રોટલી ના ખાખરા બનાવી ને વેચવા નિકળ્યા છે.

    સારા પુસ્તકો કોણ નથી વસાવતું?

  4. vaibhav says:

    સરસ ખૂબ જ સરસ વાત જાણવા મળી.